ડરે છે વિશ્વ આખું, વાઇરસ વિકરાળ લાગે છે.
લડું છું તો ય કોરોના કરાલ કાળ લાગે છે.
સતત થાકી ગયો છું ને સતત હાંફી રહ્યો છું હું,
હવે તો ઓશિયાળું આયખું કંગાળ લાગે છે.
ઉધામા શ્વાસના ને ધમપછાડા ઉચ્છવાસોના,
કરી લોહી-ઉકાળા જીવવાનું આળ લાગે છે.
થયો છે રોગ કેવો કે ખબર લેતાં ડરે છે સૌ,
મને તો સાવ ખોટી આળ ને પંપાળ લાગે છે.
સહારો એટલો કે આઈસોલેશનમાં થયો છું પણ!
ઝુરાપો હૂંફનો ને સ્પર્શનો દુષ્કાળ લાગે છે.
ફફડતું હું ય જાણે સાવ ભોળું કોઈ પારેવું,
શિકારી જાળ જેવું જીવતર જંજાળ લાગે છે.
હવે માણસ મટીને હું ય કોરોના થઈ ગયો છું,
કહું છું કોઈને હું પૉઝિટિવ તો ગાળ લાગે છે.
બનું હું વૉરિયર મારો, ઈલાજ એ જ સાચો છે,
કદી હારી ન જાઉં એટલી સંભાળ લાગે છે.
નવું સપનું, નવો માણસ, નવી દિશા વસાવીશું
બધું બદલાઈ જાશે, જિંદગી જ જુવાળ લાગે છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 જૂન 2020