બસ યહી અપરાધ મૈ હર બાર કરતા હું, આદમી હું આદમી સે પ્યાર કરતા હું …….
શાસ્ત્રીય સંગીતના અનુભવી શ્રોતાઓએ રાગ મલ્હારની રચના ‘મહંમદશાહ રંગીલે રે, તુમ બિન મૈ કો કારી બદરિયા ના સુહાયે ….’ સાંભળી છે. એ ઉપરાંત સુપર સિંગર ઉસ્તાદ અમીરખાન સાહેબે રાગ માલકૌંસમાં પ્રચલિત કરેલી બંદિશ ‘આજ મોરે ઘર આયીલા બલમા …’ પણ સાંભળી છે. એમાં શબ્દો આવે છે ‘કરુંગી અદારંગસું રંગરલિયાં …’. આગળ આવે છે ‘… સદારંગ, સેજ બિછાઉં ચુન ચુન કલિયાં …’.
કાકા સદારંગ અને ભત્રીજો અદારંગ બંને સ્ત્રૈણ વસ્ત્રો પહેરવાના શોખીન એવા મુઘલ બાદશાહ મહંમદશાહ રંગીલાના દરબારી ગાયકો હતા, એમણે પ્રાચીન ધ્રુવપદ ગાનશૈલીમાં ફારસી સરળતા ઉમેરી બંદિશો પર આધારિત ગાયન પદ્ધતિ વિકસાવી અને મહંમદશાહના નામ પર પુષ્કળ બંદિશો રચી, જે આજે પણ ગવાય છે. એમાંની મોટા ભાગની બંદિશોમાં મહંમદશાહને ‘પિયા’ – પ્રિયતમ કહીને સંબોધવામાં આવ્યો છે. સદારંગ અને અદારંગ પણ પરસ્પર માટે ફૂલોની સેજ બિછાવી રંગરેલિયાં કરવાની વાતો કરે છે.
એ તો ઠીક છે, પણ એક જાણીતા સંપ્રદાયના સંત કવિએ એમનાં અનેક પદોમાં એમના એ સમયે જીવિત હતા એવા આરાધ્યની શારીરિક સુંદરતા અને સ્વરૂપના પુષ્કળ વખાણ કર્યાં છે. અરે, રીતસર એમની નાભિનું વર્ણન કર્યું છે. પુરુષ થઈ ને પુરુષની નાભિના સૌન્દર્યનું વર્ણન ! શું છે આ બધું !
કાંઈ નવું નથી. એક પુરુષનું બીજા પુરુષ માટે આકર્ષણ છે, જેને આપણી સુપ્રીમ કોર્ટે અમાન્ય ગણ્યું છે. આ જુગુપ્સાપ્રેરક લાગતી હકીકત ભારતના અને વિશ્વના ઇતિહાસમાં હંમેશા હતી જ, ચર્ચાએ હમણાં ચડી છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં માનવેન્દ્રસિંહની નિખાલસ કબૂલાત અને હાઈકોર્ટનો સમલૈંગિકોની તરફેણમાં ચુકાદો આવ્યો એટલે સમાજમાં ચર્ચાતી થઈ. નવ્વાણું ટકા પુરુષો અને સ્ત્રીઓ એમની જાતીયતા અને જાતીય આકર્ષણની બાબતે ‘નોર્મલ’ – સામાન્ય હોવાથી લગભગ સોએ એક સમલૈંગિક આકર્ષણ ધરાવતા સ્ત્રી-પુરુષ કે સેક્સ્યુઅલ શારીરિક ખામી કે વિકૃતિનો ભોગ બનેલા લગભગ બસોએ એક સ્ત્રી-પુરુષો લોકોની મજાક, અપમાન, ભેદભાવ, અને ક્યારેક તિરસ્કારનાં પણ પાત્રો બને છે.
બસ, હવે હાંઉં કરો એમ મારે કહેવું છે. મારા ઘણા મિત્રોને પણ નવાઈ લાગશે જ કે કેમ પ્રહ્લાદ આજે સમલૈંગિકો વતી વાત કરી રહ્યો છે ! ઘણાને નહીં પણ ગમે, પણ એટલે જ આગોતરી વિનંતી કરું છું કે મોટું મન રાખી આખો લેખ વાંચો અને વિચારો, પચાવો. હકીકતનો સ્વીકાર કરો. આ તમારી ઉદારતાને આવાહન છે.
પહેલાં સમલૈંગિકો આસાનીથી સાધુ થઈ જતા. એમને એમના જેવા મળી રહેતા. ટ્રાન્સવેસ્ટાઇટ લોકો, જેમને સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાનો શોખ હોય છે એવા લોકો પણ ભગત બની જતા અને એમનું સ્ત્રૈણ પરિધાન સખીભાવ તરીકે ખપી જતું એટલે એમને વાંધો ના આવતો. એ પરણતા પણ ખરા, અને બાળકો પણ પેદા કરી શકતા પણ એમનો ખરો રસ એમના જેવા પુરુષોમાં જ હતો, જે મંડળીમાં જ ગુપ્ત રહી શકતો. સ્ત્રીઓ પણ લેસ્બિયન હતી જ. પણ હર્માંફ્રોડાઇટ (જનનાંગોની દ્વિધા હોય એવી સ્ત્રી) ના હોય, તો બાળકો તો પેદા કરી જ શકતી, એટલે એમને પણ વાંધો ના આવતો. અને બીજું તો કહેવાનો આમે ય ક્યાં અધિકાર હતો! આવા લોકોને સ્ત્રીઓમાં આકર્ષણ ના થતું, એટલે સ્ત્રીઓને એમનાથી કોઈ ભય ના લાગતો એટલે તેઓ સ્ત્રીઓની માન્યતા પામતા અને પૂજાતા. આવા લોકો સ્ત્રીઓને આકર્ષણભરી નજરથી ના જોતા એટલે મા અને બહેન કહી શકતા. એક આંતરરાષ્ટ્રીય સન્યાસી સંઘના ખૂબ શિક્ષિત સન્યાસીને મેં ઘણી વાર નજીકથી જોયા છે. અતિશય સ્ત્રૈણ વાણી વ્યવહાર અને હાવભાવ છે. એ વખતે ખબર ના પડતી, પણ યુવાનો સાથે એમને ખૂબ હળતામળતા જોયા છે અને એમનું જે વર્તન જોયું છે આજે એનું એનાલિસીસ કરું છું તો ખબર પડી જ જાય કે એ સ્વામીજી સમલૈંગિક જ છે. બીજી એક વૈષ્ણવ સાધુસંસ્થાના અનેક સાધુઓને વારંવાર જોયા છે, જેમના સમલૈંગિક હોવાની ખાતરી આપી શકું. ખજૂરાહો, કોણાર્ક જેવાં સ્થાપત્યોમાં સમલૈંગિક સંભોગને પણ સ્થાન મળ્યું જ છે. પ્રાચીન ગ્રીસમાં તો સમલૈંગિકતા એક નોર્મ – સ્વીકાર્ય વ્યવહાર હતી.
પણ ઇબ્રાહીમની પરંપરાના ધર્મોમાં સોય ઝાટકીને સમલૈંગિકતાને પાપ કહી છે. ક્રિશ્ચિયાનિટી તો વાળી યહૂદી ધર્મ અને ઇસ્લામથી પણ આગળ વધી, સેક્સને જ પાપ કહી દીધું એટલે સમલૈંગિક આકર્ષણ, પ્રેમ કે સંભોગ તો દૂરની વસ્તુ થઇ ગઈ ને ! જે લઘુમતીમાં હોય, લઘુમતીમાં ‘ફસાઈ’ ગયેલા હોય, ઘણી રીતે અસહાય હોય એવા લોકોને દબડાવવાની માણસજાતને ટેવ છે જ, એટલે ‘ધર્મ’ નામની બુક ઓફ રેગ્યુલેશન્સ કે કોડ ઓફ કોન્ડકટમાં આવા અસહાય માણસોને દબડાવવાનાં બહાનાં બનાવી નાંખ્યાં. મહમૂદ અહમદીનજાદે તો બડાઈ હાંકી કે અમારા દેશમાં હોમોસેક્સ્યુઅલ્સ છે જ નહીં. એણે છ સમલૈંગિકોને જાહેરમાં ફાંસીએ લટકાવડાવ્યા. લંડનમાં શ્રેષ્ઠ એવી અમારી પ્રોફેશનલ ડેવલપમેન્ટ ક્લબના વર્ષ ૨૦૧૧-૧૨ માટેના પ્રમુખ અને ખૂબ સફળ નેટવર્ક પ્રોગ્રામર તાજુદ્દીનને કોઈએ પૂછ્યું હતું કે તમારો દીકરો મોટો થઈને તમારી સામે પોતે સમલૈંગિક હોવાનું કહે તો તમે શું કરો! એનો જવાબ હતો કે હું એને કહું કે તારે સ્ત્રી સાથે ના પરણવું હોય તો કાંઈ નહીં પણ પુરુષ સાથે તો શારીરિક સંબંધ ના જ કરતો, નહીંતર હું તારો દીકરા તરીકે ત્યાગ કરી દઇશ. યુનાઈટેડ કિંગડમના જે તે સમયના સુરક્ષામંત્રી માઇકલ પોર્ટીલોએ તો ઉદ્ધતાઈથી કહ્યું હતું કે સમલૈંગિકોને બ્રિટિશ સેનામાં ભરતી જ ના કરવા જોઇએ. મને પણ એક સમયે સમલૈંગિકતા પર ચીડ અને સૂગ હતી જ, ખાસ કરીને પુરુષોની સમલૈંગિકતા. હું પણ માનતો કે એમનો ઇલાજ થવો જોઇએ.
સહુથી કરુણ સ્થિતિ એવા હર્માફ્રોડાઇટ્સ લોકોની છે કે જેમને જનનાંગોની અનિશ્ચિતતાના લીધે સમાજમાં સ્થાન નથી મળતું અને વ્યંઢળ તરીકે જીવન વિતાવવું પડે છે. મેં વ્યંઢળોને બોલતા સાંભળ્યા છે કે ‘અમારો અવતાર અધૂરો, તમારો પૂરો.’ શા માટે ! મારી તો આંખમાં પાણી આવી ગયાં હતાં જ્યારે કોઈએ એમના અંતિમસંસ્કાર વખતે કરવામાં આવતા એક વિધિની વાત કરી હતી. એ લોકો મૃત વ્યંઢળના શરીરને ખાસડાંથી ફટકારે છે, જેથી એનો જીવ જુવે અને ફરી એવું તિરસ્કૃત શરીર ધારણ ના કરે. શા માટે ! શા માટે અનિશ્ચિત જનનાંગોવાળું શરીર તિરસ્કૃત બની જાય!
શું એ ડીસઓર્ડર ઓફ સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ છે!? કે લાઇફલોંગ મેડિકલ કન્ડીશન છે!? ડિફેક્ટીવ સેક્સ્યુઅલ ડિટર્મિનેશન છે!? કે પછી મિસડાઈરેક્ટેડ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન છે!?
છેવટે વાંધો શું છે આપણને સમલૈંગિકતા સાથે !? લોકો એમને રીવર્સિયા કહે, છક્કા પણ કહે. બાયલા કહે. એમની સ્થિતિને વિકૃતિ કહે. માનસિક બીમારી કહે, અપ્રાકૃતિક વ્યભિચાર કહે. શું કારણો આપે છે લોકો સમલૈંગિકતાના વિરોધમાં! એ અપ્રાકૃતિક છે, એનાથી સેક્સનો હેતુ સંતોષાતો નથી કારણ કે પ્રજોત્પત્તિમાં એ કામની નથી. એનાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ રોગો પ્રસરે છે આવાં તો ઘણાં કારણો આપણી આજુ બાજુ સાંભળવા મળે છે.
પણ વિચારીએ તો ખરા, કે સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ રોગો સામાન્ય સ્ત્રી પુરુષના હેટરોસેક્સ્યુઅલ સંભોગથી શું નથી પ્રસરતા! જો પ્રજોત્પત્તિ જ સેક્સનો એકમાત્ર હેતુ હોય, તો દુનિયામાં ગર્ભનિરોધકોના આટલા ઉદ્યોગો અને વ્યાપાર કેમ વિકસ્યા છે!? જો પ્રજોત્પત્તિ જ સેક્સનો મુખ્ય હેતુ હોય, તો આટલો વેશ્યા વ્યવસાય પણ કેમ ચાલે છે!? ફાઈઝરે પુરુષોની પ્રજનન ક્ષમતા નહીં, પણ સેક્સ્યુઅલ આનંદ વધારવાની દવા વાયગ્રા બનાવીને અબજો ડોલર્સ કમાયા છે. એનો અર્થ એ કે ફક્ત પ્રજનન એ જ સેક્સનો એક માત્ર હેતુ નથી. અને અન્યોનો પ્રજાતંતુ તૂટતો હોય તો તમને શું વાંધો છે!? કુદરતને જનસંખ્યાનું સંતુલન રાખતાં આવડે છે.
આપણે કહીએ કે સમલૈંગિકતા અપ્રાકૃતિક છે. એટલું કહો કે આપણું આધુનિક જીવન કેટલું પ્રાકૃતિક રહ્યું છે! અને પ્રાકૃતિક એટલે શું! અચ્છા. માનવ વસવાટથી દૂર રહેતાં પશુઓ અને પક્ષીઓ તો પ્રાકૃતિક જીવન જીવે છે એ તો માનશો ને! તો હૈયું હાથમાં રાખી સાંભળો કે પ્રાણીઓ અને પક્ષીઓની કુલ ૪૭૦થી વધારે જાતિઓમાં સમલૈંગિકતા વ્યાપક છે. એકલ દોકલ વાર જોવા મળી હોય તો અવગણી શકાય, પણ રીતસર વ્યાપક છે.
જપાનીઝ મકાકમાં તો એમ કહી શકાય કે પ્રજોત્પત્તિ ‘પણ’ સેક્સનો એક હેતુ છે. એમાં નર અને માદાઓનાં ટોળાં જુદાં જ હોય છે અને રીતસર ગે અને લેસ્બિયન પાર્ટી હોય એવું વાતાવરણ હોય છે. એમના સમલૈંગિક આનંદ પ્રમોદમાંથી અવકાશ મળે ત્યારે એમને પ્રજોત્પત્તિનો વિચાર આવે છે. અને જોવાની મજા તો એ છે કે મકાક માદા અને નર એમના નિકટના સગા વાનરો સાથે ગે અને લેસ્બિયન સંબંધ પણ ટાળે છે. નરો અન્ય નરોને પંપાળવા અને ચૂમવાથી લઈને એકબીજાના લિંગ સાથે રમવાની મજા લે છે અને કરાવે છે. માદાઓ પણ અન્ય માદાઓનાં શરીર પંપાળી અન્યોન્ય યોનિસ્પર્શ કરે છે અને સુંઘે છે, ચાટે છે. આ લોકોને ક્યાં આધુનિક માણસોએ બગાડ્યા છે! એ તો પ્રાકૃતિક જીવન જ જીવે છે ને! એમને કઈ આધુનિકતાનો સ્પર્શ થયો છે!?
વેસ્ટ ઇન્ડિયન માનિટીઝ, કિલર વ્હેલ, બોટલનોઝ ડોલ્ફીન, જિરાફ, હાથી, સિંહો, બોનોબો ચિમ્પાન્ઝી, બીગહોર્ન શીપ પેન્ગ્વીન, બધાં જાનવરોમાં સમલૈંગિકતા વ્યાપક છે. નર બીગહોર્ન શીપ તો રીતસર ગુદામૈથુન કરે છે અને અન્ય નરના શરીરમાં વીર્યપાત પણ કરે છે. આ શું અપ્રાકૃતિક કહી શકાય! ડોક્ટર બ્રુસ બેગરમ્હીલે તો 750 પાનાંનું પુસ્તક ‘કેટાલોગીંગ એનિમલ સેકસ્યુઆલિટી’ લખ્યું છે એમાં ચારસો સિત્તેર પશુઓની સમલૈંગિકતાનો વિસ્તૃત અભ્યાસ છે. સેક્સ એઝ એ સ્ટ્રેસ રિલીવર તો ખબર છે ને! બોનોબો ચિમ્પાન્ઝીને પણ ખબર છે. દરેક પગલે જોખમોથી ભરેલી એમની જિંદગીમાં ભયાવહ ક્ષણો આવી જાય, જીવનું જોખમ માંડ માંડ ગયું હોય, ત્યારે ત્રસ્ત બોનોબો અન્ય વાનર પાસે જાય છે અને સેક્સના માધ્યમે એનો સ્ટ્રેસ રિલીવ કરે છે. અને દરેક વખતે માદા ઉપલબ્ધ હોતી નથી. માદાઓ પાસે તો પેલો આલ્ફામેલ આમે ય એમને ફરકવા દેતો નથી.
વિચારો. આપણે પશુઓની જેમ આપણા કાન મરજી મુજબ હલાવી શકીએ છીએ? છતાં અમુક માણસો એમ કરી શકે છે. એનો અર્થ એ કે કાનના સ્નાયુઓને સંકોચવા વિસ્તારવાના સંદેશ આપતી ચેતાઓ – નર્વસ્ એમની પાસે છે. પણ એ તો દરેકના કાનમાં છે! તો ફેર શું! ફર્ક એટલો જ કે એમનામાં એ ચેતાઓ સક્રિય છે, જે બહુમત માણસોમાં નથી. હવે જોરકા ઝટકા ધીરે સે લગે એ માટે તૈયાર થઈ જાવ, કારણ કે હવે પચે નહીં તો ઠીક, ગળે પણ ના ઉતરે એવા સમાચાર આપું છું.
સ્ત્રીની યોનિની આસપાસ સંભોગના આનંદનો અનુભવ મસ્તિષ્ક સુધી પહોંચાડતી ચેતાઓ હોય છે. એવી જ ચેતાઓ મલાશયની આસપાસ પણ હોય જ છે. ફક્ત સક્રિય નથી હોતી, જે અમુક માણસોમાં સક્રિય હોય છે અને આટલું વાંચીને તમને અંદાજ તો આવી ગયો હશે ને, કે કોનામાં ! હવે હોમોસેક્સ્યુઅલ ઇન્ટરકોર્સને અપ્રાકૃતિક કહી શકાય?
•••
સમલૈંગિકતાને જુગુપ્સાની દ્રષ્ટિથી જોનારા આપણે એકલા જ નથી. બાયોલોજીસ્ટ વલેરિયસ ગાયઝે લખ્યું કે એમણે જ્યારે નર મૃગને બીજા નર પર સવાર થતો જોયો ત્યારે એમનું મન ના માન્યું. બહુ અફસોસ થયો કે આવું ભવ્ય પ્રાણી આવા તુચ્છ કામમાં શા માટે રસ લે છે! પણ પરંપરા અને નાનપણના કન્ડીશનિંગ પર વૈજ્ઞાનિક અભિગમે છેવટે વિજય મેળવી જ લીધો અને સત્ય સ્વીકાર્યું કે સમલૈંગિકતા એ હકીકત છે.
સમલૈંગિકતાને એક અનિચ્છનીય વસ્તુ માનતા શરૂઆતના વૈજ્ઞાનિકોએ એ જાણીજોઇને અવગણી હતી. આપણા થિયરી પ્રમાણે સેક્સનો હેતુ જો પ્રજોત્પત્તિ જ હોય, તો એ એટલી બધી વાર, અને એટલા બધા માણસો અને પશુ પંખીઓ માટે એ ખોટો પડે છે કે એમ લાગે છે કે થિયરીમાં જ કાંઈક ખોટું, કાં તો ખૂટતું હશે.
મારા કહેવાનો સૂર એ છે મિત્રો, કે સમલૈંગિકતા એ અપ્રાકૃતિક નથી. પ્રકૃતિએ ઘડી છે. સમલૈંગિકોનો તિરસ્કાર કરવાનો આપણને નૈતિક અધિકાર નથી. એમની મજાક કરવાનો પણ નહીં. કુદરતે એમને જેવા બનાવ્યા છે તેઓ એવા જ છે. નહીં સારા, નહીં ખરાબ. હેટરોસેક્સ્યુઅલ થઈને આપણે પ્રજોત્પત્તિ સિવાય બીજી શું ધાડ મારી લીધી છે! એમને નીચી નજરે જોઈને શું મળવાનું છે! નીચી નજરે જોવું જ શા માટે! આપણા ભાઈ કે દીકરા કે બહેન કે દીકરી સમલૈંગિક હોવાના સમાચાર આપશે એ પછી સમલૈંગિકતા વિષે આપણો અભિપ્રાય કેવો હશે! સમલૈંગિકતાનો સ્વીકાર નહીં થવાની બીકે કેટલાં યુવાનો મનમાં ને મનમાં મૂંઝાઈ જીવતા હશે! કેટલા ય એમનાં જીવન ટૂંકાવતા હશે! કેટલા ય એમના માં-બાપને રાજી રાખવા માનવેન્દ્રસિંહની જેમ પરણતા હશે અને ઇચ્છા ન હોવા છતાં પરણેતરને આઘાત આપતા હશે! બિચારા કેટલાયને લોકો આ કારણે નોકરી પણ નહીં આપતા હોય.
યાદ રાખો કે એમને સહાનુભૂતિની પણ જરૂર નથી. એમને કોઈ અસાધ્ય રોગ નથી થયો કે સહાનુભૂતિની જરૂર પડે. એમને આપણી કરુણાની પણ જરૂર નથી. જરૂર છે ફક્ત સ્વીકારની. આપણાં ભાઈઓ, બહેનો, અને મિત્રો તરીકે સ્વીકારની જરૂર છે. જરૂર છે આપણે ઉદાર થવાની. નથી એમને જરૂર આપણા ક્ષમાદાનની પણ, એમણે કાંઈ ખોટું પણ નથી કર્યું. જેમ સામાન્ય પુરુષ કે સ્ત્રી થઈને આપણે કોઈ મોટું કામ નથી કર્યું એમ હોમોસેક્સ્યુઅલ થઈને એમણે કોઈ ખોટું કામ પણ નથી કર્યું. આપણે આપણી રીતે ભલા, અને એ એમની રીતે, એ સમજવાની જરૂર છે. સમલૈંગિકતા માનવ જીવનમાં એક તથ્ય છે એ સ્વીકારવાની જરૂર છે. સમલૈંગિક હોવાથી માણસ કોઈ રીતે આપણાથી ઉતરતો બની જતો નથી.
સમલૈંગિકો સમાજને કોઈ નુકસાન નથી કરતા. જે સમલૈંગિક નથી જ, તેમને એમના પ્રતિ કોઈ આકર્ષણ થવાનું જ નથી, જે સમલૈંગિક છે જ, એમને વિજાતીય પાત્રો પ્રતિ પણ આકર્ષણ થવાનું નથી. આપણા ભાગમાં ભાગ પડાવવા તેઓ આવવાના નથી, તો વાંધો શું છે! જે સામાન્ય સેકસ્યુઆિલટીવાળા છે, એમને તેઓ વટલાવવા પણ આવવાના નથી તો શું ચિંતા છે! જે વસ્તુ કુદરતી જ છે એનો વિરોધ શા માટે! વિરોધ કર્યે વળશે પણ શું! આ પસંદગીની વસ્તુ નથી. માણસનો એના પર કોઈ કાબૂ નથી. પુરુષને સ્ત્રી તરીકે કે સ્ત્રીને પુરુષ તરીકે ઓળખાવાનું આમે ય ગમતું નથી, તો કાંઇક કારણ હશે જ ને સમલૈંગિક વ્યવહાર માટે!
પણ તમારા મનમાં ઉકળી રહેલો પ્રશ્ન મને સંભળાઈ રહ્યો છે કે સમલૈંગિકતાનો અર્થ શું, હેતુ શું! અને સહુથી મોટો પ્રશ્ન, કે સમલૈંગિકતાનું કારણ શું! પ્રશ્ન સાચો અને સારો છે.
ઊભા થઈ અમુક જાતિનાં પશુઓએ ડગલાં ભરવાનું શરુ કર્યું એ ઘટનાને માનવજાતિનો પ્રારંભ ગણીએ અને એ દિવસથી આજ સુધીના સમયને જો ચોવીસ કલાક કહીએ, તો માનવ સભ્યતા છેલ્લી ચાર મિનિટમાં જ આવી છે. એમાં ય ભાષાનું ચલણ તો છેલ્લી બે મિનિટમાં જ શરૂ થયું છે. અને ભાષા એટલે જ વિચાર. એ પહેલાંના ત્રેવીસ કલાક અને છપ્પન મિનિટ સુધી હતી પશુતા. આપણા વિચારો, સંસ્કારો, પ્રેરણાઓ, વિકાસની આકાંક્ષાઓ, કલ્પનાઓ, બધું છેલ્લી બે મિનિટમાં જ શરૂ થયું છે. એ પહેલાંના સમયમાં આ બધાં માટે ખાસ આયોજન ન હતું. આયોજન હતું તો એ હતું જીવનની રક્ષા માટે, પ્રજોત્પત્તિ માટે. પ્રજાતંતુ ચાલતો રહે એ માટે. કુદરતને વ્યક્તિ સાથે નહીં પણ સમૂહ સાથે નિસ્બત વધુ હોય એ પ્રકારનું આયોજન હતું.
કુદરતનું પોતાનું આયોજન હતું, એની પોતાની ટાઈમલાઇન હતી, એમાં માણસે વિકસવામાં જરાક વધારે પડતી ઉતાવળ કરી દીધી હોય એવું લાગે છે. કુદરતે કરેલું પ્રોગ્રામિંગ લાંબા લાંબા ગાળાઓને લક્ષમાં લઈને કરેલું હોય છે અને એનું કોડીંગ સંગ્રહ્યું હોય છે ડીઓકસીરિબોઝ ન્યુક્લીઇક એસીડના અણુઓથી બનેલા જીન્સમાં, જે પ્રાણીના લગભગ દરેક કોષમાં હાજર હોય છે. અને આ કોડીંગ હજુ આપણે સમજી રહ્યાં છીએ. દુનિયામાં બહુ ઓછા છે જે આ કોડીંગ થોડું ઘણું સમજી શકે છે. અધૂરામાં પૂરું, આપણા વિચારો પણ ભાષાના જ બન્યા છે અને ભાષા આપણા વ્યવહારમાં જરૂર પડે એવી વસ્તુઓ માટે અપાયેલા શબ્દોથી, એટલે બધું સમજવામાં એની ય મર્યાદા જલદી આવી જાય છે. આ કારણથી આપણી મોટા ભાગની સમજણ એ માનવ જાતિના બહુ ઉપરછલ્લા વ્યવહારોની સમજણ છે. કુદરતે શું પ્રોગ્રામિંગ કર્યું છે એ સમજવા અતિશય ધીરજ જોઇએ. કુદરતના નિર્ણયો કોઇ વિરાટ આંતરરાષ્ટ્રીય કોર્પોરેશનના નિર્ણયોની જેમ ધીમા અને દૂરગામી છે. કોર્પોરેટ ગ્રાફિક આઇડેન્ટિટી બદલવી એ સહેલું કામ છે, પણ કોર્પોરેટ કલ્ચર બદલવું હોય તો પુષ્કળ સમય, શક્તિ, અને પૈસા જોઇએ, ઉપરાંત ચેન્જ મેનેજમેન્ટ નામનું નવું ડિપાર્ટમેન્ટ ખોલવું પડે છે. અને મોટા પાયે જ્યારે આયોજન કરવાનાં થાય છે ત્યારે બધું પ્લાન પ્રમાણે ક્યારેક નથી પણ થતું. ઇન્ટેલ અને ડેલ જેવી ફુલ્લી ઓટોમેટેડ પ્રોડક્શન લાઈન્સવાળી કંપનીઓમાં પણ નાતથી જુદા હોય એવા નમૂના સોએ કે બસોએ એક નીકળે જ છે તો આ તો એ કરતાં લાખો ગણા ક્લિષ્ટ – કોમ્પ્લેક્સ રોબોટનું પ્રોગ્રામિંગ છે, જેમાં વળી જાતે શીખવાની ક્ષમતા પણ છે.
સેક્સ્યુઆલિટીનાં મૂળ ઠેઠ ત્યાં છે. સંસાર ચલાવવા માટે કુદરતને સૂત્રો બનાવવાં પડે છે. સમૂહોને એક લાકડીએ હાંકવા પડે છે. થીંગ્સ ડોન્ટ ઓલ્વેયઝ ગો એઝ પ્લાન્ડ. કુદરતને સૂકા ભેગું લીલું બાળવું પડે છે. હર્માફ્રોડીટીઝમ – પુરુષ કે સ્ત્રૈણ જનનાંગોની અનિશ્ચિતતા હોય છે ત્યારે દ્વિધા બહુ દેખીતી હોય છે, સમજી શકાય છે, સહાનુભૂતિ પણ થાય છે. પણ જ્યારે શરીર સંપૂર્ણ સ્ત્રીનું કે પુરુષનું હોય ત્યારે સમજવું અઘરું પડે છે અથવા પ્રશ્ન થાય છે કે શા માટે આ પુરુષને અન્ય પુરુષ કે સ્ત્રીને અન્ય સ્ત્રી સાથે આકર્ષણ છે! એટલું જ નહીં, વિજાતીય સાથે અપાકર્ષણ અને ક્યારેક તો અણગમો પણ હોય છે!
પહેલાં તો એ સમજી લો કે ચિમ્પાન્ઝી અને માણસ વચ્ચે, તમારા અને મારા વચ્ચે, અરે, પુરુષ અને સ્ત્રી વચ્ચે પણ ભિન્નતા છે એ કરતાં સમાનતા વધારે છે. ખબર છે, કે માના ગર્ભાશયમાં પહેલાં સાત અઠવાડિયાં તો આપણે વિચારવામાં જ વિતાવી દીધાં હતાં કે પુરુષ બનવું કે સ્ત્રી. આપણને એક સ્વીચ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સાત અઠવાડિયાં પૂરાં થાય એટલે જલદી નક્કી કરી એ સ્વીચને પુરુષ કે સ્ત્રી એવા બે વિકલ્પોમાંથી એક તરફ પાડી દેવી. એ થવામાં જે જૈવવૈજ્ઞાનિક પ્રક્રિયા થાય છે એ સમજાવી કે સમજી પણ શકતો હોત તો તો ડોક્ટર જ હોત ને! પણ એટલું યાદ રાખી શકીએ કે બહુ અટપટી પ્રક્રિયાઓ પછી એ ગર્ભ પુરુષ કે સ્ત્રીનાં જનનાંગો વિકસાવવાનું નક્કી કરે છે. અને પુરુષ કે સ્ત્રી એ નક્કી કરવું એ એક ઉછળેલા સિક્કાની બે બાજુઓ જેવા સહેલા વિકલ્પો નથી. ગર્ભાધાન સમયે ક્રોમોઝોમલ વિભેદન – ડિફરન્સીએશન થાય છે જે એક દિશા નક્કી કરે છે. આઠમા સપ્તાહે એ જો XY ક્રોમોઝોમ વાળો ગર્ભ હોય, તો Y ક્રોમોઝોમ પરના જનીનના સેક્સ ડીટર્મિનીંગ રિજનમાં એક ખાસ જાતનું પ્રોટીન ઉત્પન્ન થવું જોઇએ, જેથી એ ગર્ભની પેશીઓમાં શુક્રપિંડો બનવાના શરૂ થાય, નહીંતર પુરુષ બનવા જઈ રહેલા ગર્ભમાં અંડપિંડો બને છે.
આ પણ સમુંસૂતરું પાર પડી જાય પછી એ શુક્રપિંડોએ સ્ટીરોઇડસ્ અને પ્રોટીન હોર્મોન ઉત્પન્ન કરવવાનું શરૂ કરી દેવું પડે છે નહીંતર પૌરુષ વિકાસ અધૂરો રહી જાય છે. આ કામ સરખું ચાલવા માંડે પછી જ પુલ્લિંગનો વિકાસ થાય છે, નહીંતર એમાં પણ ઉણપ રહી જાય છે. આ કામ થઈ રહ્યું હોય છે ત્યારે સક્સેસ ફેક્ટર સો ટકા નથી હોતો. એનો અર્થ એ કે દર અમુક સંખ્યાએ એક જણ કોઈ પણ પ્રકારની લૈંગિક અનિશ્ચિતતાનો ભોગ બને છે, જેમાં પુરુષના શરીરમાં અંદર અંડપિંડ બની ગયા હોય અથવા સ્ત્રીનાં શરીરમાં બહાર પુલ્લિંગનો વિકાસ થયો હોય.
જો આટલે સુધી કામ પ્લાન પ્રમાણે ચાલે તો હજુ તરુણાઈનો સમય જ ફાઈનલ કહી શકે કે પૌરુષ કે સ્ત્રીત્વ કેટલું પૂર્ણતા પામવાનું છે. ત્યારે ટેસ્ટોસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન યોગ્ય સમયે યોગ્ય માત્રામાં લોહીમાં ભળવા શરૂ થવા જોઇએ, નહીંતર છેક તારુણ્યના કિનારે આવી પૌરુષ કે સ્ત્રીત્વની નાવ ડૂબી શકે છે. અને એ પણ એમ લાગે કે બરાબર જ થયું છે, તો હજુ મસ્તિષ્કનો વિકાસ પણ માણસની પ્રજોત્પત્તિ પ્રત્યેની વૃત્તિ નક્કી કરે છે. આવશ્યક કરતાં જો કોર્પસ કોલાઝમનાં કદ અને આકાર ઓછાં હોય તો પણ માણસમાં પ્રજોત્પત્તિ માટે રસ રુચિ ઘટી જાય છે.
આદર્શ પરિસ્થિતિમાં XY ક્રોમોઝોમવાળા શુક્રકોષે ફલિત કરેલા અંડકોષથી બનેલો ગર્ભ આ બધી જૈવવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ પુરુષ બનવો જોઇએ. આપણે કમ્પ્યુટર પર માઈક્રોસોફ્ટ ઓફીસ ઇન્સ્ટોલ કરતી વખતે કસ્ટમાઇઝ્ડ ઇન્સ્ટોલેશન કરીએ, તો આપણને વિકલ્પો મળે છે કે શું ઇન્સ્ટોલ કરવું છે અને શું નહીં. ધારો કે આપણે એક્સેસ ઇન્સ્ટોલ નથી કરવું, તો એક્સેસની હેલ્પ ફાઇલ્સ અને સેમ્પલ ડેટાબેઝ ફાઇલ્સ આપણા કમ્પ્યુટર પર કોપી ના થવા જોઇએ. છતાં ક્યારેક થઈ જાય છે, અને એક્સેલ ઇન્સ્ટોલ કરવા માટે સિલેક્ટ કર્યું હોય છતાં એની અમુક ફાઇલો કોપી થતી નથી. બસ એવું જ કાંઇક થાય છે એમ સમજી લઇએ. જે શુક્રકોષ સ્ત્રીના અંડને ફલિત કરે છે એમાં આખો ઇન્સ્ટોલેશન સેટ હોય છે, એમાંથી જેમ જેમ ઇન્સ્ટોલેશન આગળ વધતું જાય એમ એમ જરૂર પ્રમાણે અમુક વિકલ્પો ટિક થાય અને અમુક અનટિક થાય એવું પ્રોગ્રામિંગ છે પણ આગળ વાત થઈ એ પ્રમાણે, ધ થીંગ્સ ડોન્ટ ઓલવેય્ઝ ગો એઝ પ્લાન્ડ.
પુરુષમાં સ્ત્રી પ્રતિ આકર્ષણ થાય એવું પ્રોગ્રામિંગ હોવું જોઇએ, છતાં હોમોસેક્સ્યુઅલ પુરુષને પુરુષ પ્રત્યે જ આકર્ષણ થાય છે. એ સ્ત્રીઓને આકર્ષવો જોઇએ, એના બદલે પુરુષોને આકર્ષે છે. એ જ રીતે લેસ્બિયન સ્ત્રીઓના પણ પ્રસંગમાં, કે પુરુષોના બદલે તેઓ સ્ત્રીઓને આકર્ષે અને એમના પ્રતિ આકર્ષાય છે. એમના ઇન્સ્ટોલેશન દરમ્યાન કઈ જગ્યાએ ‘ખોટી’ ટિક થઈ ગઈ ! પણ આપણે જેને ખોટી જગ્યાએ ટિક થયેલી કહીએ છીએ એ ઓપ્શન ઇન્સ્ટોલેશન સેટમાં છે જ શા માટે!? જરૂર જ શું છે પુરુષને પુરુષ પ્રતિ કે સ્ત્રીને સ્ત્રી પ્રતિ આકર્ષાવાની!? ફરીથી યાદ કરો કે કોઈ સિદ્ધાંત આટલા બધા માણસો માટે આટલી બધી વાર ખોટો પડી રહ્યો હોય, તો કાંઈક ખોટું એ સિદ્ધાંતમાં છે, અથવા કાંઈક ખૂટે છે.
મને કહો કે એક શિશુને પ્રેમ, હૂંફ, સુરક્ષાની ભાવના આપવાનો અને લાગણી દર્શાવવાનો શ્રેષ્ઠ રસ્તો શું છે. એકમત જવાબ મળવાનો છે, કે એને છાતી સરસું ચાંપીને, આપણી ત્વચાથી એની ત્વચા સ્પર્શીને. એના શરીરનો અને આપણા શરીરનો સંપર્ક વધારીને. કોઈ શબ્દો ના કરી શકે એ કામ આ સ્પર્શ કરે છે. રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયાનુભવમાંથી ગંધ અને સ્પર્શ જ જન્મ સમયે સક્રિય હોય છે. પછી શબ્દ અને છેલ્લે રૂપ – વિઝ્યુઅલ સેન્સ સક્રિય થાય છે. સ્પર્શ અને ગંધ એ માણસના સહુથી પહેલા અનુભવો છે માટે માણસના ઠેઠ અંતસ્ સુધી એને આનંદ આપે છે. માણસના મૂલાધારને સ્પર્શ જે અનુભૂતિ કરાવે છે એ કોઈ દ્રશ્ય કે સંગીત કરાવી શકતું નથી (એમના જુદા જ હેતુ છે). માણસને પ્રેમથી કોઈ વાંસે હાથ ફેરવતું હોય એના જેવો સુખાનુભવ ભાગ્યે જ બીજો હશે. માણસને નિકટતાની, સુરક્ષાની ભાવના એને છાતી સરસો વળગાડીને આપી શકાય એ બીજી કોઈ રીતે આપી શકાતી નથી.
ફરીથી પેલો 23 કલાક અને 56 મિનિટનો સમય યાદ કરો, કે જ્યારે માણસજાત વન્ય પ્રાણીઓમાંની જ એક જાત હતી. જંગલમાં એનાર્કી હતી. બળિયાના બે નહીં, પણ બધા ભાગ હતા. જેમ બધા ભાગ બળિયાના હતા એમ બધી માદાઓ પણ એમની જ હતી. આપણે આ બળિયા પુરુષોને કહીએ છીએ આલ્ફામેલ. આ આલ્ફા પુરુષો સમૂહની સ્ત્રીઓમાં એમનાં બીજ આરોપતા. સ્ત્રીના શરીરમાં બીજારોપણ એ દરેક પુરુષની જન્મજાત આકાંક્ષા છે અને વધુ ને વધુ સ્ત્રીઓમાં એમનાં બીજનું વાવેતર કરવું એ મહત્ત્વાકાંક્ષા છે. પણ એમ કરવા માટે સમૂહના આલ્ફાપુરુષને બથોબથની લડાઈમાં હરાવે તો જ શક્ય હતું જે બધા માટે શક્ય ન હતું. ઘણા એમના સમૂહના આલ્ફામેલને દ્વન્દ્વ માટે પડકારતા પણ ખરા, વૃદ્ધાવસ્થાના કારણે આલ્ફામેલ પહેલાં જેવો શક્તિશાળી ના રહ્યો હોય તો જીતતા, પણ મોટા ભાગે હારતા. આ હાર એમને હતાશ કરી દેતી. એમનામાં આલ્ફામેલ માટે ઈર્ષા પણ જન્માવતી. આ ઈર્ષા સ્વાભાવિક જ એમને જેમનાથી હાર્યા હોય એવા આલ્ફમેલનું નેતૃત્વ અને એ સમૂહ છોડી દેવા પ્રેરે જ. પણ આવું થયા કરે તો સમૂહ સાથે રહી ન શકે અને એ સમય જ એવો હતો કે યુનાઈટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આથી સમૂહો વિખરાઈ ન જાય એટલે કુદરતને કાંઈ વ્યવસ્થા કરવી પડી.
અને ભોળાં પ્રાણીઓ માટે સાંત્વનાથી સારી વ્યવસ્થા બીજી શું હોય! હતાશ, નિરાશ થયેલા પ્રાણીને એના જેવો બીજો હારેલો સાંત્વના આપતો. શરીર પંપાળતો. શરીરના સ્પર્શનું સુખ આપતો, લાગણી વરસાવતો. અને આ એ સમયના સમાજમાં સામાન્ય થઈ ગયું. જે આનંદ એ હારેલા પુરુષને સ્ત્રી પાસેથી ના મળ્યો એ અન્ય પુરુષ પાસેથી મળતો થયો એટલે કુદરતે પણ સહકાર કરી પુરુષોના (અમુક સ્ત્રીઓના પણ) મળદ્વારની આસપાસ એવી ચેતાઓ સર્જી આપી, જેવી સ્ત્રીઓની યોનિની આસપાસ હોય છે. અને એ અન્ય પુરુષને પણ એમાં આનંદ આવે એવી વ્યવસ્થા કરી આપી. બસ, આ રીતે હોમોસેક્સ્યુઅલ સંબંધોની શરૂઆત થઈ. સમૂહના નરો વચ્ચે હાર્દિક સંબંધ બની રહે એ માટે કુદરતે સર્જેલી આ એક વ્યવસ્થા હતી. હોમોસેક્સ્યુઆિલટી ના હોત તો પુરુષો લડી લડીને મરી ગયા હોત.
અને કુદરત માણસના શરીરમાં એકલદોકલ ફેરફાર કરતું નથી. એ જે કાંઈ કરે છે એ પ્રોગ્રામિંગ કરે છે. માટે આ વ્યવસ્થાની પણ પેઢી દર પેઢી જરૂર પડશે જ એમ વિચારી સમલૈંગિક આકર્ષણ અને આનંદનું પ્રોગ્રામિંગ જ માણસના જીન્સમાં કરી આપ્યું. જરૂર પડ્યે એ પ્રોગ્રામને સક્રિય કરવા ફક્ત ટિક જ કરવાની રહે કારણ કે દરેક નર તો આલ્ફામેલ બની શકવાના નથી. જો સ્ત્રી સાથે સંબંધનો અવસર ના મળવાનો હોય તો પુરુષ સાથે આત્મીયતા કેળવે.
જો એમ પ્રશ્ન થાય કે હોમોસેક્સ્યુઆિલટીની આ જમાનામાં શું જરૂર છે, ત્યારે 75 લાખ અને દસ હજાર વર્ષોના ફેર સામું જોજો. કુદરતના પોલિસી ચેન્જ એટલા જલદી થતા નથી.
પણ કુદરત નક્કી કઈ રીતે કરે છે કે કોને હોમોસેક્સ્યુઅલ બનાવવા અને કોને હેટરોસેક્સ્યુઅલ! ખુલ્લું મન રાખી ધીરજથી અવલોકન કરીએ તો આ પ્રશ્નનો પણ જવાબ મળે છે. હા, જવાબ એટલે તર્કની કસોટીએ ખરું ઉતરેલું અનુમાન. કોઈ પણ જવાબ એવો નથી કે જે સાવ સાચો જ હોય. એક તાર્કિક અનુમાને એકલદોકલ પણ પ્રસંગોનું વર્ણન થઈ શકતું હોય તો એને શંકાનો લાભ આપવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ અમુક અનુમાનો કર્યાં છે. એમાંનાં બે એક સીધાં સાદા અનુમાન જોઇએ.
•••
સગર્ભાવસ્થાના પહેલા સાત અઠવાડિયા દરમ્યાન સ્ત્રી જો શ્વાસમાં વધારે પડતા પુરુષ હોર્મોન્સ લે, તો જે તે બાળક સ્ત્રી પ્રત્યે આકર્ષણ ધરાવશે. જો એ પુરુષ ગર્ભ હોય તો વાંધો નહીં, પણ સ્ત્રી ગર્ભ હોય તો એ લેસ્બિયન થવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે સ્ત્રૈણ હોર્મોન્સનો અતિરેક શ્વાસમાં જાય તો એ બાળક પુરુષો પ્રતિ આકર્ષિત થાય એવી સંભાવના વધી જાય છે.
મેડમ એની બેસન્ટે પ્રણય નિવેદન ના સ્વીકાર્યું એટલે એમના સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે નહીં પરણવાની જીદે ચડેલા જ્યોર્જ બર્નાર્ડ શો સાહેબ પાસે એક અભિનેત્રી આવી અને કહ્યું કે શો, તમે મારી સાથે પરણશો ?આપણા જે બાળકો થાશે એમાં તમારી પ્રતિભા અને મારું સૌન્દર્ય આવશે. શો સાહેબે જવાબ આપ્યો, ‘પણ જો મારું સૌન્દર્ય અને તારી પ્રતિભા આવશે તો તો બિચારાં ક્યાંયના નહીં રહે ને!’
પણ કુદરતમાં આવું વારંવાર થાય છે. ધારો કે એક તંદુરસ્ત, આકર્ષક પુરુષ અને સુંદર સ્ત્રી બે બાળકોને જન્મ આપે છે. એક દીકરો અને એક દીકરી. કુદરતના પ્લાનીંગ અને પ્રોગ્રામિંગ પ્રમાણે દીકરીએ તરુણાઈ પછી પુરુષોને પોતાના પ્રતિ આકર્ષવાના હોય છે અને પુરુષો પ્રતિ આકર્ષાવાનું હોય છે. છોકરાએ પણ તરુણાઈ પછી સ્ત્રીઓને પોતાના પ્રતિ આકર્ષવાની હોય છે અને સ્ત્રીઓ પ્રતિ આકર્ષાવાનું હોય છે.
પણ ધારો કે બંને માતા-પિતા એબવ ધ એવરેજ છે. સ્ત્રીમાં સૌન્દર્ય અને સેક્સ્યુઅલ અપીલ ભારોભાર ભરી છે, અને પુરુષમાં પણ પૌરુષ ગુણો ઊડીને આંખે વળગે એવા છે. કુદરતના સામાન્ય નિયમ પ્રમાણે અતિ પ્રભાવી લક્ષણ જીન્સ મારફતે વારસામાં ઉતરે છે. આવા પ્રભાવી લક્ષણોવાળાં માતા પિતાનાં ગુણો પણ સંતાનોમાં ઉતારવા જ જોઇએ. પણ કુદરત ગર્ભાધાન વખતે બર્નાર્ડ શો સાહેબે કહ્યું એવી ભૂલ કરી જાય છે અને ખોટા ટિકબોક્સ પર ટિકમાર્ક કરી દે છે. દીકરામાં માતાની સેક્સ્યુઅલ અપીલ વારસામાં આવી જાય છે. માતામાં પુરુષોને આકર્ષવાના અને પુરુષો પ્રતિ આકર્ષાવાનાં ગુણો છે, એ ભૂલમાં એને વારસામાં મળી જાય છે એટલે એ પણ પુરુષોને આકર્ષે છે અને પુરુષો પ્રતિ આકર્ષાય છે. આ જ રીતે પિતાના પૌરુષ ગુણો દીકરીમાં ઉતરે, તો એ પણ સ્ત્રીઓને આકર્ષે છે અને સ્ત્રીઓ પ્રતિ આકર્ષાય છે.
જે સ્ત્રીની ફળદ્રુપતા અતિશય હોય, ફેકન્ડીટી સરેરાશ કરતાં ઘણી વધારે હોય, એના બાળકોમાં બીજા બાળક પછી આવનારા દીકરાની હોમોસેક્સ્યુઅલ હોવાની સંભાવના દર સાતમાંથી એક છે. બોલો, હવે આમાં એમનો શું વાંક!
બીજું એક મોટું કારણ, જેની બહુ ચર્ચા થતી નથી અથવા થવા દેવામાં આવતી નથી. દૂધના દોહનના બદલે એનું ‘ઉત્પાદન’ કરવામાં આવે છે – દૂધ ઉત્પાદન શબ્દ તો સાંભળ્યો જ છે ને! વાછડીઓ બાલ્યાવસ્થામાં હોય ત્યારે એમને જલદી યુવાનીમાં લાવવા પ્રોજેસ્ટેરોનનાં ઇન્જેક્શન આપવામાં આવે છે અને દૂધ આપતી થાય પછી એસ્ટ્રોજનનાં. આ હોર્મોન્સ દૂધના રસ્તે બાળકોના શરીરમાં જાય છે, જે આજની બાળકીઓનો સેક્સ્યુઅલ વિકાસ વધારે છે, માનસિક રીતે બાળકી જ હોય એવી છોકરીઓનો મેનાર્કી જલદી શરુ કરાવે છે. સાચું મેન્સટ્રુએશન તો હજુ વાર હોય છે, પણ રજ:સ્રાવ એના બે ત્રણ વર્ષ અગાઉથી જ શરૂ થવા માંડે છે.
અને આ જ દૂધ છોકરાઓ પણ પીવે છે. જો આ અનિષ્ટ પર અંકુશ નહીં આવે તો ધીમે ધીમે સમાજમાં સ્ત્રૈણ પુરુષોની સંખ્યા વધતી જ જાવાની છે. આનો હું ચોક્કસ વિરોધ કરું છું કારણ કે આ રીતસરનું માનવ નિર્મિત અનિષ્ટ છે. વિરોધ આપણી પેઢીઓના વિકાસ સાથે ચેડાં કરી રહ્યા કોર્પોરેટ ષડયંત્રોનો અને ઇન્ડસ્ટ્રીઅલાઈઝેશનનો છે, હોમોસેક્સ્યુઆલિટીનો નહીં.
ફરીથી કહું છું કે હું એક સ્ટ્રેઈટ હેટરોસેક્સ્યુઅલ ગૃહસ્થ છું. મને પુરુષોમાં કોઈ જ રોમાન્ટિક ઇન્ટરેસ્ટ નથી. છતાં ગે પુરુષો, લેસ્બિયન સ્ત્રીઓ, બાયસેક્સ્યુઅલ સ્ત્રી પુરુષો, અને ટ્રાન્સવેસ્ટાઇટ પુરુષોને ઘૃણા અને તિરસ્કારની નજરે જોવામાં આવે છે એનો ન્યાય ખાતર વિરોધ કરું છું. મારા બ્રિટન વસવાટને અગિયાર વર્ષ થયાં છે. અહીં સમલૈંગિક સ્ત્રી પુરુષોને એમના સેક્સ્યુઅલ ઓરિયેન્ટેશનના લીધે કોઈ પણ જાતનો અન્યાય કરવો એ કાનૂની અપરાધ છે. સરકારે પ્રજામાં આ વિષયે જાગૃતિ લાવવા પુષ્કળ સમય, શક્તિ અને પૈસા ખર્ચ્યા છે અને ખર્ચે છે. છેલ્લે તો ચર્ચે પણ સ્વીકાર્યું કે સમલૈંગિકતા સમાજની એક કુદરતી હકીકત છે. ઘણા ઇસાઈ સંપ્રદાયો હવે પાદરી સમલૈંગિક હોય એ હકીકત સ્વીકારે છે. ઇસ્લામમાં હજુ સમલૈંગિકતાનો સ્વીકાર થયો નથી એ એમની અપરિપક્વતા કહેવાય. મારા પણ મનમાં સમલૈંગિકતા માટે સૂગ હતી, તિરસ્કાર પણ હતો જ. ખૂબ વિદ્વાન એવા એક સીનિયર સહકર્મી સાથે દોઢેક વર્ષ કામ કર્યું. તેમની નિયુક્તિ ઈલીંગ કાઉન્સિલના ચીફ ટ્રાન્સપોર્ટ પ્લાનર તરીકે થઈ અને વિદાય સમારંભ પૂરો થઈ ગયો ત્યાં સુધી મને ખબર ન હતી કે તેઓ સમલૈંગિક હતા. ત્યારે પહેલી વાર પ્રશ્ન થયો હતો કે ખોટું તો એમની સાથે કાંઈ ન હતું! બધી રીતે સામાન્ય જ છે, ઉલટાના અત્યંત વિદ્વાન અને પ્રતિભાશાળી હતા, તો પછી લોકોને સમલૈંગિકતા સામે શું વાંધો હશે!? બંધ ઓરડામાં એમના પાર્ટનર સાથે જે કરતા હોય તે, પણ મારે એનાથી શું લેવાદેવા! આ પ્રસંગે મને મનમાં હજુ સૂગ હોવા છતાં સમલૈંગિકતા પર વિચારવા પ્રેર્યો, અને આટલાં વર્ષો પછી મારામાંનું પરિવર્તન તમે જોઈ શકો છો. આ બધી વાતો મને કહેનાર કોઈ ન હતું, ફક્ત મારી ઉદારતા અને વિષય વિષે જાણવાની ઉત્કંઠાએ મને આ બધું કહ્યું છે. અવલોકનની ટેવ પણ ખૂબ કામ આવી છે. અગિયાર વર્ષોમાં આ વિષય પર ઘણાં અવલોકન કર્યાં છે.
લગભગ બધા કિસ્સામાં સમલૈંગિકતા અને સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન જીનેટિક હોવાથી જીન્સની અમુક પ્રકારની ગોઠવણથી બનેલા બે પ્રકારના સમલૈંગિકોને અને એક બે પ્રકારની લેસ્બિયનોને હું જોઈને જ ઓળખી શકું છું. એમાંથી એક પ્રકારની સમલૈંગિકતા તો બાળક ચાર વર્ષનો હોય તો પણ ઓળખાઈ જાય છે. અમુક પ્રકારની હર્માફ્રોડાઇટ સ્ત્રીઓને પણ જોઈને જ ઓળખી શકું છું. એ તો ઠીક છે, પણ મેં જોયું છે કે પ્રતિભાશાળી પુરુષોનું પ્રમાણ સામાન્ય સેક્સ્યુઆલિટીના પુરુષો અને સમલૈંગિકોમાં જો સરખાવીએ તો સમલૈંગિકોમાં વધારે મળશે. પર્યાવરણના ભલા માટે કામ કરતી સંસ્થાઓમાં સમલૈંગિકો સારા એવા પ્રમાણમાં જોવા મળશે. મૂડીવાદના વિરોધમાં કામ કરતી કલ્યાણવાદી સંસ્થાઓ અને સમૂહોમાં પણ સમલૈંગિકોનું પ્રમાણ ઊડીને આંખે વળગે તેવું છે. યુનાઇટેડ કિંગ્ડમના ત્રણ મુખ્ય રાજકીય પક્ષોમાં લિબરલ ડેમોક્રેટ્સ પક્ષના ઉચ્ચાધિકારીઓમાં સમલૈંગિકો સહુથી વધારે જોયા છે. મોટાભાગના નાસ્તિક પણ જોવા મળ્યા છે. એ કદાચ એટલા માટે હોય કે ધાર્મિક ગ્રંથો અને લોકો સમલૈંગિકોનો વિરોધ સહુથી વધારે કરે છે. આવા લોકો મોજીલા હોય છે. ખરેખર તો ‘ગે’ શબ્દનો અર્થ જ થાય છે ‘આનંદપ્રિય’.
શ્રેષ્ઠમાંના બ્રિટિશ ઇતિહાસકારોમાંના એક એવા ડોક્ટર ડેવિડ સ્ટાર્કી સમલૈંગિક છે. બ્રિટનના બેસ્ટ બ્રેઈનમાં જેમની ગણના થાય છે એવા સ્ટીવન ફ્રાય સમલૈંગિક છે. સિઓલ ઓલિમ્પિકમાં ડાઈવિંગમાં ગોલ્ડમેડલ લાવેલા ગ્રેગ લોગાનીસ ગે છે. બ્રિટન માટે લંડન ઓલિમ્પિકમાં ડાઈવિંગમાં જ બ્રોન્ઝ મેડલ લઈ આવનાર ટિમ ડેઇલીએ પણ બે અઠવાડિયા પહેલાં જાહેર કર્યું કે એ પણ સમલૈંગિક છે. જે તમારા વિચાર વાંચી શકતો હોવાનું કહેવાય છે એવો બ્રિટન્સ સ્કેિરયેસ્ટ મેન ડેરન બ્રાઉન પણ સમલૈંગિક છે. બી.બી.સી.ની બાળકો માટેની ચેનલ સીબીબીઝના ટીવી પ્રેઝન્ટર્સમાં મોટા ભાગના સમલૈંગિક છે. મહાન ગાયક એલ્ટન જ્હોન સમલૈંગિક છે, અને ફ્રેડી મર્ક્યુરી નામે ‘વી વીલ વી વીલ રોક યુ …’ ગીતના રચયિતા અને ગાયક આપણા ગુજરાતી પારસી ફારુખ વલસાડિયા (બલસારા) પણ સમલૈંગિક હતા. હેરી પોટર ફિલ્મ સીરીઝનો નાયક ડેનિયલ રેડક્લિફ પણ સમલૈંગિક છે. આ પહેલાંની સરકારના બ્રિટનના વાણીજ્ય મંત્રી પીટર મેન્ડલસન ગે છે. જેમના નેતૃત્વમાં બ્રિટિશ પેટૃોલિયમ જેવી કંપનીએ એકધારા વિકાસનાં બાર વર્ષ જોયાં એ બેરન જ્હોન બ્રાઉન પણ ગે છે. ગાયક જ્યોર્જ માઈકલ પણ ગે છે. ફાલ્ગુની પાઠક પણ આલ્ફા લેસ્બિયન હોવાની શક્યતા ૯૯.૯૯% છે, અને ભારતનાં એક ખૂબ જાણીતાં મહિલા પોલિસ ઓફિસર પણ આલ્ફા લેસ્બિયન હોવાની શક્યતા એટલી જ છે, પણ વિવાદ ટાળવા નામ નથી લખી રહ્યો. કરણ જોહરના ગે હોવા માટે પણ આટલી જ ખાતરી આપી શકાય. સુધારાવાદી મુસ્લિમ મહિલા ઈર્શાદ મનજી પણ લેસ્બિયન છે.
માનવ સંસ્કૃિતના ઇતિહાસમાં પણ નજર કરો તો સમલૈંગિક લોકોનું બહુ મોટું યોગદાન છે. જગતભરના શિલ્પીઓના કુલગુરુ માઇકલએન્જેલો સમલૈંગિક હતા. સિકંદર – એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પણ ગે હતો (છતાં યુવતીઓ સાથે લગ્નો કર્યાં હતાં. એ સમયે લગ્ન કરવાં એ રાજવંશ ચલાવવા માટે એક રિવાજ હતો), લિયોનાર્ડો દા વિન્ચી પણ ગે હતા. લોર્ડ બાયરન બાયસેક્સ્યુઅલ હતા, જેમને સ્ત્રી અને પુરુષ બંનેમાં લૈંગિક આકર્ષણ હોય. ફિલોસોફર રાલ્ફ વાલ્ડો એમર્સન પણ ગે હતા. સિંગર્સ લેડી ગાગા અને પિંક પણ લેસ્બિયન્સ છે. એન્જલીના જોલી પણ બાઈસેક્સ્યુઅલ છે, જેને સ્ત્રી પુરુષ બંને પ્રતિ આકર્ષણ છે. નારીવાદી ચિત્રકાર ફ્રીડા કાલ્યો પણ બાઈસેક્સ્યુઅલ હતી. જેના નામ પરથી સેડિસ્ટીક શબ્દ બન્યો છે એ માર્ક્સ ડી સાદે પણ બાઈસેક્સ્યુઅલ હતો. વર્જીનિયા વુલ્ફ પણ લેસ્બિયન અથવા બાઈસેક્સ્યુઅલ હતાં. કેનેડીની હત્યાનું રહસ્ય પોતાની સાથે કબરમાં લઇ ગયેલા સી.આઈ.એ.ના બોસ એડગર હૂવર પણ સમલૈંગિક હતા. ચિત્રકાર ભૂપેન્દ્ર ખખ્ખર પણ સમલૈંગિક હતા.
અને જેમનાં નામો આવતાં જ વિરાટ પ્રતિભા અને મેધાના દેદીપ્યમાન પ્રકાશપુંજો જ મનની આંખો સમક્ષ થાય એવાં બે નામો, જેમના પ્રતિ એ સમયના બ્રિટિશ સમાજની ઈર્ષા તિરસ્કારના રૂપે પ્રગટ થઈ અને એમની સમલૈંગિકતાનું બહાનું કરી એમનાં જીવતર ઝેર કરી નાંખવામાં આવ્યાં. એકને સખ્ત મજૂરી સાથે કારાવાસ થયો અને બીજાને કેમિકલ કાસ્ટ્રેશનમાંથી પસાર થવું પડ્યું અને કંટાળીને એકતાલીસ વર્ષની ઉંમરે જીવતર ટૂંકાવવું પડ્યું. આર્ટીફીસિયલ ઈન્ટેલીજન્સની ગાણિતિક સંકલ્પના આપી, સુપ્રીમ કમાન્ડર અઈઝાન હાવરે પણ કબૂલ્યું કે એણે એકલા હાથે બીજું વિશ્વયુદ્ધ બે વર્ષ ટૂંકાવી નાંખ્યું હતું એવો એ મહામેધાવી. છતાં એનો એટલો જ વાંક કે એ સમલૈંગિક હતો. એ બે નામો એટલે ઓસ્કાર વાઇલ્ડ અને એલન ટ્યુઅરિંગ. બંને સમલૈંગિક હતા.
સમલૈંગિકતાના કારણે કાયદાકીય રીતે હેરાન થયેલા લોકોના પ્રતિનિધિ તરીકે એલન ટ્યુઅરિંગની મરણોપરાંત ક્ષમા માંગી બ્રિટનની સરકારે એક પ્રાયશ્ચિત્ત કર્યું. આપણે આપણને આધુનિકતાનો ભ્રમ કરાવે એવી પાશ્ચાત્ય વસ્તુઓની નકલ કરવામાં ખૂબ પાવરધા છીએ પણ એ આધુનિકતા અને સામર્થ્ય સુધી પહોંચવા જે ચારિત્ર્ય જોઇએ એની અને એ અપાવે એવા સદ્દગુણોની નકલ નથી કરતા. પશ્ચિમ યુરોપ અને અમેરિકાએ સમલૈંગિકતાને સમાજમાં હકીકત તરીકે સ્વીકારી એમને કોઈ પણ જાતનો અન્યાય ન થાય એવું સ્થાન અને કાયદાકીય રક્ષણ આપ્યું છે એવી સમજણ આપણે કેમ નથી વિકસાવી શકતા!?
ફરી કહું છું મિત્રો, કે કોઈનું સમલૈંગિક હોવું એ તિરસ્કાર માટેનું કારણ નથી. સમલૈંગિકતા એ મજાકનો પણ વિષય નથી. એ વિકૃતિ પણ નથી, કે નથી કોઈ બીમારી. એ એક સ્થિતિ છે, જે બસ એવી છે. એમને સહાનુભૂતિની જરૂર નથી. એમને આપણી કરુણાની પણ જરૂર નથી. જરૂર છે ફક્ત સ્વીકારની. આપણા ભાઇઓ, બહેનો, અને મિત્રો તરીકે સ્વીકારની જરૂર છે. જરૂર છે આપણે ઉદાર થવાની. એમણે કાંઈ ખોટું પણ નથી કર્યું માટે નથી એમને જરૂર આપણા ક્ષમાદાનની પણ. આપણે આપણી રીતે ભલા, અને એ એમની રીતે, એ સમજવાની જરૂર છે. સમલૈંગિકતા માનવ જીવનમાં એક તથ્ય છે એ સ્વીકારવાની જરૂર છે.
મિત્રો, આ લેખ એ તમારી ઉદારતાને જગાડવાનું મારું આવાહન છે. જો આ વિષય પર ચિંતન કરશો તો ફક્ત સ્મૃિત આધારે જ લખાયેલો આ દીર્ઘ નિબંધ લેખે લાગશે.
|| કલ્યાણમસ્તુ ||
http://imperfectexpression.wordpress.com/2013/12/14/આદમી-હું-આદમીસે-પ્યાર-કરત/