અલ્યા માણસ થાવને !
પગમાં જો પડે એક નાનકડો કાપો
તો ય ચહેરા પર કેટલું રે છાપો!
ઘરમાં એ.સી.માંથી નીકળી એ.સી. કારમાં બેસી
એ.સી ઓફિસે જાવ છો ત્યારે
હવે એક વાર નીકળો તો ખરા
સૂરજના સાનિધ્યમાં.
તેની જેમ જ.
ખુલ્લા પગે નીકળી
ફુલ વેરીને કરો ને પૂજા,
ધગધગતા સૂર્યદેવની.
પછી વગાડો થાળી
શંખ પણ ફૂંકો
માણસાઈ ફૂંકી નાખી છે એમ.
શ્રમિકો તમને ના નહીં કહે
એ તો ખસીને મારગ આપનારાં
પણ તમારાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાંથી
કોઈ ઉપાડશે તમારા ભારા !
આ લોકોને પેટની હતી ને હવે પગમાં
આગ વ્યાપી ગઈ છે રગેરગમાં
તમને એકાદ તિખારો ય દઝાડતો નથી?
કોલ્ડ સ્ટોરેજમાં પડેલા તમારા
દિલ-દિમાગની બત્તી તો કાયમ બંધ જ છે ને!
બહાર જ દીવારોશની કરનારાઓ
ઠારશો નહીં જો એ આગ
તો એ ધુમાડો ક્યારેક તમને પણ ભરખી જશે
અને કરશો ભાગમ્ભાગ
જ્યારે ઉજ્જડ થશે આ બાગ
ત્યારે કયો આલાપશો રાગ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020