અલવિદા અનિલ
જન્મ : 28 જુલાઈ 1940 − અવસાન : 26 ફેબ્રુઆરી 2025
“રે લોલ‘ની વંડી ઠેકી ગયેલા કવિએ ચોમેરચોફેર અનવસ્થા સામે અવાજ ઉઠાવવામાં ધર્મ જોયો …
છવ્વીસમી ફેબ્રુઆરીએ સવારે કવિ અનિલ જોશી ગયા, બરાબર ચોરાસીમે – કહો કે કવિ લખચોરાસીમાંથી છૂટ્યા કે પછી લખચોરાસીએ કરીને તરી ગયા. અજેય અને બેચેન જીવ એ અલબત્ત હતા. થોડાં વરસ પર એક મુલાકાતમાં એમણે બરકત વિરાણીને ટાંકેલા કે મેં એ વિચારથી શ્વાસ લેવા બંધ કરી દીધા છે કે આ દુનિયાની હવા સ્વર્ગમાં નથી લઈ જવી.
અનિલ જોશીનું નામ લીધું કે વાંસોવાંસ રમેશ પારેખની યાદ દડી આવી. જેમ ઉમાશંકર-સુંદરમ્ કે રાજેન્દ્ર-નિરંજન તેમ અનિલને રમેશ એ પણ એક તબક્કે સહજક્રમે સાથે લઈ શકાય એવાં નામ તરીકે ઉભર્યા હતા. ધોરણસરનો ઇતિહાસ અને એનું જે અનુશાસન, એ તો પોતાની રીતે કહેવા જેવું કહેશે પણ જાહેર છાપ ને જાડી સમજને હિસાબે બેઉ ગોંડલભેરુઓને ખાસ કરીને આપણી ગીતકવિતાના નવોન્મેષ સંદર્ભે એક સાથે જ સંભારવા રહે છે.
અનિલ જોશીએ આત્મકથામાં સંભાર્યું છે કે ક્યારેક રમેશે એમને પૂછ્યું હતું કે આ વનલતા સેન કોણ છે. જીવનાનંદ દાસની નાયિકા તરીકે એની ઓળખ થયા પછી રમેશ પારેખનીયે નાયિકા માટેની સિસૃક્ષા સોનલ રૂપે વ્યક્ત થઈ. આ સોનલ, મોરારિબાપુના મતે કંઈક ભાળી ગયેલ રમેશની સરજત હતી. સોનલ એટલે, રમેશ કહેતા, જીવનની ગમતી પરિસ્થિતિ અને પ્રફુલ્લ ચેતના બધો વખત એ હાથવગી નયે હોય.
અનિલની જિકર કરતે કરતે હું રમેશની વાતે ચાલી ગયો છું એનો મને ખયાલ છે. પણ એમાં એક ઔચિત્ય પણ છે. મુદ્દે, સોનલની સંજીવની હૂંફ છૂટી જાય એવો એક ગાળો આવ્યો હતો જે રમેશ પારેખને લાંબા સમય લગી ડિપ્રેશનમાં રાખવામાં એક નિમિત્તે બનેલો. ગોધરા-અનુગોધરા ઘટનાક્રમે કવિને ‘લવારો’ કરતો કરી મેલ્યા હતા. આ જ શીર્ષકની એમની લાંબી રચનાની થોડીક પંક્તિઓ :
“આ ભાષા મારી, પણ નરસિંહ મેંતાએ મને આપેલી વારસામાં
નર્મદે જય જય ગરવી ગુજરાત એમ કહી સોંપેલી મને
ગુજરાત મોરી મોરી – કહી મારી જીભે મૂકેલી મારા બાપ ઉમાશંકરે
તે ભાષા-સગર્ભા, નાગી, નિઃસહાય
પડી કબા ગાંધીના ડેલા પાસેના ચોકમાં
મારી બાયફોકલ આંખોની સામે.”
બે ગોંડલભેરુઓ પૈકી સોનલ ખ્યાત રમેશની પેઠે અનિલ પણ જુદા જ ઉદ્રેકથી ગદ્ય ને પદ્યમાં પ્રગટ થયા હતા. સાધારણપણે એમને આપણે ‘અમે બરફનાં પંખી’થી કે પછી ઘરનું ફળિયું લઈને ચાલેલા કેસરિયા સાફાથી સવિશેષ ઓળખીએ છીએ. પણ જેમ ‘લવારો’ એ એક નિસબતી ઉદ્ગાર છે. તેમ અનિલે, અમે 2020માં સ્વાયત્તતા સંમેલન યોજ્યું ત્યારે ખરી દૂંટીએથી નીકળેલો સંદેશો મોકલ્યો હતો કે “કવિતા આત્માની કળા છે. આત્માનો ઓક્સિજન ‘સ્વાયત્તતા’ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણને કચરાટોપલીમાં ફેંકીને સરકાર કોઈ પોતાના માણસની અધ્યક્ષપદે નિમણૂક કરી દે એમાં લોકશાહી બિલકુલ નથી, પણ આત્માની પોર્નોગ્રાફી છે.”
એમનાં અંતિમ વર્ષોમાં અનિલ જોશી અક્ષરજીવન અને જાહેરજીવનની સંગમભૂમિએ ઊભી યથાપ્રસંગ ‘આત્માની પોર્નોગ્રાફી’ સામે અવાજ ઉઠાવતા રહ્યા. એવોર્ડ વાપસી અને દક્ષિણાયન જેવા જે પડકાર અવસરો આ વર્ષોમાં આવી મળ્યા ત્યારે ગુજરાતની વ્યાપક સર્જક બિરાદરીની આબરૂ બચાવી શકે એવા જૂજ અવાજો પૈકી એક એ બની રહ્યા.
અનિલની આત્મકથામાંથી પસાર થતાં ‘મા’ એક જીવંત હાજરી બની રહે છે. ગોડંલમાં હોવું અને મકરંદ દવેને ‘ભાઈ’ કહેતાં ‘નાથાભાઈ’ના વત્સલ આભામંડળમાં ન હોવું એ તો બને જ કેમ. છેલ્લાં વર્ષોમાં આપણે બહુ વરવી રીતે જોયું છે કે કથિત ધર્મખેંચાણ કેવાં વરવાં વમળ સરજે છે. એને સાઈ મકરંદનું સત ને અનિલની સમજ જ કહેવી જોઈશે કે ‘મા’ની વ્યાખ્યા સાંકડી વંડી ઠેકી વિશ્વવત્સલ બની રહી. શાહીનબાગના દિવસોમાં કવિએ કહ્યું :
“શાહીન બાગના ગરબામાં
દીવો પ્રગટી ગયો
બાગ હવે ચાચરનો ચોક બની ગયો
મા ખુદ ગરબે રમવા આવી છે.”
અલવિદા, અનિલ!
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 ફેબ્રુઆરી 2025
•••
અનિલ જોશી એક અનોખું કાવ્યવિશ્વ લઈને પ્રવેશેલા
અનિલ જોશીના અવસાનથી એક જિગરી દોસ્તની મને ખોટ પડી. હું ૧૯૬૪-માં રાજકોટની ધર્મેન્દ્ર કૉલેજમાં એમ.એ.માં ભણાવતો હતો, ત્યારે અનિલ વિદ્યાર્થી હતો. અમે જ્યારે મળીએ એ મને ‘સાહેબ સુમનભાઈ’ કહે, હું એને કહેતો – સાહેબ વિદ્યાર્થીથી વયમાં મોટા હોય. હું ના પાડું પણ માને તો નહીં પણ કહે જ કહે કે – ના તમે મારાથી વયમાં અને બધી જ વાતે મોટા છો.
એ સમય હતો જ્યારે રમેશ પારેખ અને અનિલ જોશી એક અનોખું કાવ્યવિશ્વ લઈને પ્રવેશેલા. પરમ્પરાગત ગીતના કલેવરમાં બન્નેએ પોતાની જાણ બહાર આધુનિક સંવેદનાને ઇન્જેક્ટ કરેલી એ ઘટના ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં અપૂર્વ હતી. આધુનિક યુગની વિવેચનાને પણ ખોરાક મળી ગયેલો.
અમે ફોન પર મળતા કે વ્હૉટસઍપ પર મૅસેજિન્ગ કરતા ત્યારે પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યવિષયક બળાપાનો વિનિમય કરતા. એ એક જ વાક્ય બોલ્યા કરે – કોઈ વાંચતું જ નથી સુમનભાઈ, શું કરવાનું! હું એના એ વાક્યને સુધારીને કહેતો – તને વાંચનારે તો તારા શબ્દને જાણ્યો છે અને ભરપૂર માણ્યો પણ છે, છોડ ને છાલ.
મને લાગે છે કે આપણે એક એવા વળાંકે વળી ગયા છીએ કે જેથી સમજુઓની ટોળી ઘણે દૂર પાછળ રહી ગઈ છે. એવો એક સમજુ કાયમ માટે દૂરાતિદૂર ચાલી ગયો. જરા ડોકિયું કરીશું કે આપણા માટે એ શું મૂકી ગયો છે…
— સુમન શાહ
•••
વિરોધનો મક્કમ અને મુખર અવાજ
પ્રિય વડીલમિત્ર જેમને હું વહાલથી રૂબરૂ કે ફોન પર કવિરાજ કહેતો. ‘કહું છું’ ને બદલે ‘કહેતો’ એવું લખતા ઘણી પીડા અનુભવું છું. કટ્ટર હિન્દુત્વવાદીઓ સામે કે કોમી રમખાણો કે સ્ત્રીઓ, બાળકીઓ, આદિવાસીઓ કે દલિતો પરના દમન, હત્યાકાંડો વખતે જ્યારે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો ચૂપ રહેતા અને આનંદક્રિડામાં મગન રહેતા જોવા મળે છે, એવા આ અંધકારભર્યા દિવસોમાં હંમેશાં લખાણ કે વીડિયો દ્વારા પોતાના વિરોધનો મક્કમ અને મુખર અવાજ વ્યક્ત કરનારા મૂર્ધન્ય કવિ અનિલભાઈની આપણી વચ્ચેથી વિદાય જાણે કે આપણા માથેથી એક હૂંફાળા હાથની ગેરહાજરી સમાન બની રહેશે.
કન્નડ સાહિત્યકાર કલબુર્ગીની ધાર્મિક કટ્ટરવાદીઓએ હત્યા કરી ત્યારે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સત્તાધીશોની ચૂપકીદી સામે જ્યારે દેશભરના એવોર્ડ વિજેતા સાહિત્યકારોએ એવોર્ડ વાપસીથી પોતાનો વિરોધ દર્શાવ્યો, ત્યારે એક માત્ર ગુજરાતી સાહિત્યકાર અનિલ જોશીએ પોતાનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ પરત કર્યો હતો એ એક ઐતિહાસિક ઘટના હતી.
અમારી એચ.કે. આર્ટ્સ કોલેજના મારાથી ઘણા સિનિયર વિદ્યાર્થી અનિલભાઈ. કોલેજમાં હું ભણતો ત્યારે પ્રા. અબ્દુલ કરીમ શેખ સાહેબને મળવા આવે ત્યારની અમારી મિત્રતા.
જ્યારે કટ્ટર હિન્દુત્વવાદીઓએ પુનાના રેશનાલીસ્ટ ડો. દાભોલકર, કોલ્હાપુરના કોમરેડ પાનસરેજી અને ધારવાડમાં રહેતા કન્નડ વિદ્વાન કલબુર્ગીની હત્યાઓનો સીલસીલો ઊભો કર્યો ત્યારે ડો. ગણેશ દેવીની આગેવાનીમાં કેટલાક મિત્રો ગુજરાતથી પુના, કોલ્હાપુર અને ધારવાડની મુલાકાતે ગયાં, શહીદોના ઘરે ગયાં … આઠેક સભાઓ યોજી. આ આખા કાર્યક્રમમાં લગભગ અઠવાડિયા સુધી અનિલભાઈની સાથે રહેવાનું થયું …. દોસ્તી પાક્કી બની … એ પછી તો દેશભરના સાહિત્યકારોની સામેલગીરી સાથેનાં દક્ષિણાયન આંદોલનમાં દાંડી અને ગોવાના સંમેલનોમાં સાથે કામ કરવાનું બન્યું … આ દિવસોમાં અનુભવ્યું કે અનિલભાઈ હિન્દીભાષામાં ખૂબ સારા ને શ્રોતાઓને હચમચાવી દે એવા તાકાતવાન વક્તા પણ છે.
2002ના ગુજરાતના કોમી નરસંહારથી અનિલભાઈ ખૂબ વ્યથિત હતા. વર્ષોથી તેમની આક્રોશપૂર્ણ એ ફરિયાદ રહી કે એ સમયે તેમણે અને રમેશ પારેખે એ ભયંકર બનાવને વખોડતું નિવેદન તૈયાર કર્યું હતું. તેના પર સહી કરવાની એકેય નામાંકિત ગુજરાતી સાહિત્યકારે તૈયારી બતાવી ન હતી!
મારા કાવ્યસંગ્રહ ‘મને અંધારાં બોલાવે’નું વીડિયો લોકાર્પણ તેમનાં હસ્તે થયું હતું તે મારા જીવનની મહત્ત્વની ઘટના …
રંગભેદ વિશેની તેમની કવિતાની કેટલીક પંક્તિઓ સાથે કવિરાજ અનિલ જોશી ને આખરી સલામ! —
કાળો વરસાદ મારા દેશમાં નથી
કે નથી પીળો વરસાદ તારા દેશમાં
આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં !
— મનીષી જાની
•••
દેશની હવામાં ભળી ગયેલું ઝેર એમના જેવા વિદ્વાનોએ સૂંઘી લીધેલું
ભારતમાં ‘એવોર્ડ વાપસી’ ચાલી રહી હતી અને અસહિષ્ણુતા શબ્દની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે પૂર જોશમાં હતી, ત્યારે એમનો મત-ઇન્ટરવ્યૂ લેવા એમને કોલ કરેલો. એ સમયે અમારે ઠીકઠાક નિયમિત વાતો થતી. એ સમયે તેમને જે દેખાતું હતું અને તેઓ જે બોલી રહ્યા હતા, એ મેં લખેલું તો ખરું, પણ સમજાતું નહોતું અથવા એની સાથે સહમત થઈ શકાતું નહોતું.
આજે એમની વિદાયના સમાચાર આવી રહ્યા છે, ત્યારે તેઓ એ સમયે જે બોલી રહ્યા હતા એ સ્પષ્ટ સમજાઈ રહ્યું છે. સંદર્ભો સાથે સમજાઈ રહ્યું છે. થાય છે કે મને આજે જે દેખાય-સમજાય છે એ તેમણે એ સમયે જ જોઈ લીધેલું. દેશની હવામાં ભળી ગયેલું ઝેર એમના જેવા વિદ્વાનોએ ત્યારે જ સૂંઘી લીધેલું, જ્યારે એ લોકોને ‘એવોર્ડવાપસી ગેંગ’ કહીને અવગણી નાખવાનો કે ઉતારી પાડવાનો ટ્રેન્ડ નવો નવો શરૂ થયેલો. કથિત રાષ્ટ્રીય પત્રકારોએ પોતાની જીભ અને કરોડરજ્જુ નવી નવી જ પેકેજમાં ભાડે ચડાવવાની શરૂ કરેલી.
ઘણીવાર એમ થાય કે પત્રકાર તરીકે અનાયાસે કેટલી ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે, અને ત્યારે ખબર પણ નહોતી કે આ જે લખાઈ રહી છે એ ક્ષણો ઐતિહાસિક છે. અમસ્તા નથી કહેવાતું કે પત્રકારત્વ એ બીજું કંઈ નહિ, પણ ઉતાવળે લખાતો ઇતિહાસ છે.
ખેર, બાત નિકલેગી તો દૂર તલક જાયેગી … અલવિદા
*
આરંભ તો કરો, પછી અંતની કથા કહો.
દહીંમાં ને દૂધમાં નૈ રાખો બે પગ
સોય ઝાટકીને બોલો લાચારી
ધાનના મારેલાં જેમ નીચું જુવે એમ
નીચી નજર છે કેમ તમારી ?
તૂટેલા પાંદડાને તરવું ગમે એવા સમથળ કોઈ વહેણમાં વહો
આરંભ તો કરો પછી અંતની કથા કહો
આંતરડી ઠારે એવા જડતા ના બોલ
રોજ જુઠ્ઠાણાં જણતાં કઈ ભૂંડ
નરસિંહ મહેતા જેવું પાણી ડૂબી ગયું
પછી તરી ગયા દામોદર કુંડ
ગુલમહોરના ઝાડમાં જેમ છાયડો રહે એમ સંતાઈ જઈને રહો
આરંભ તો કરો પછી અંતની કથા કહો
દાઢીની સાવરણી હાથવગી હોય છતાં
ઘરની સંજવારી હજી બાકી
શેઠની શિખામણ તો ઝાપા સુધી
પછી ઝાંપાની બહાર બીડી ખાખી
હજી મળ્યું જ નથી ઈ બધું ખોવાઈ જાય એવું કોઈ ના નસીબમાં ન હો
આરંભ તો કરો પછી અંતની કથા કહો
− અનિલ જોશી
— તુષાર દવે
•••
ફેઇસબૂકની દીવાલેથી સાદર