પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય મંત્રી સિદ્ધાર્થ શંકર રેએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઇન્દિરાજીને આપ્યો હતો

પ્રકાશ ન. શાહ
1975ની 12મી જૂને અમે જ્યારે જનતા મોરચાનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા (મોરચાનો પ્રયોગ સ્વરાજની કાઁગ્રેસની એક નવી આવૃત્તિની દિશામાં હતો) અને 1974ની 5મી જૂને જે.પી. ઘોષિત સંપૂર્ણ ક્રાંતિ દિવસ લગીનું અંતર કાપવું રહે છે એમ મનોમન ઘોડા દોડાવતા હતા ત્યારે અમદાવાદ-અલાહાબાદના બેવડા ફટકે સ્તબ્ધ નવી દિલ્હી, અલબત્ત ઇન્દિરાઈસ્તો, શું વિચારતી હશે?
દેખીતો તો જવાબ સરળ છે કે એ 25-26 જૂનના કટોકટી રાજની દિશામાં વિચારતી હશે. દેવકાન્ત બરુઆ ત્યારે કાઁગ્રેસ પ્રમુખ હતા અને આજે જેમ સત્તા પક્ષે એક વ્યક્તિના સર્વસમીકૃત સ્તુતિ ગાનનો ચાલ છે તે બરુઆ ત્યારે ‘ઇન્દિરા ઈઝ ઇન્ડિયા’ના આરતી ગાનમાં આકાશે ચઢ્યા હતા. સહકલાકારોની ખોટ જેમ આજે નથી, ત્યારે પણ નહોતી.
જનતા મોરચાએ કિમલોપ સાથે સમાધાનની રાહે સત્તાનાં સૂત્રો સ્વીકારવાનું ગોઠવ્યું ત્યારે જેમ સાથીઓ પૈકી કેટલાકને સત્તાનું સીધું આકર્ષણ હશે તેમ કેટલાકને ચોક્કસ સંજોગોમાં આ ઉતાવળની તાકીદ પણ વસેલી હશે. કારણ વાતાવરણમાં કશુંક વરવું સોડાતું ચોક્કસ જ હતું, જો કે પકડાતું નહોતું.
એ શું હશે, એવા સવાલનો જાથુકી જવાબ મારી કને નથી એમ નથી. કાઁગ્રેસના ભાગલા વખતે ભોગીલાલ ગાંધીએ ‘ઇન્દિરા કયે રસ્તે’ એ લેખમાળા વાટે ભાખ્યું જ હતું કે આ રસ્તે એકાધિકાર ઉર્ફે સરમુખત્યારશાહી આવે છે. જે વખતે, 1969-70માં ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર ઇન્દિરા ગાંધી કાઁગ્રેસ વાટે કશોક બ્રેક થ્રૂ કરી શકશે એવો સદ્દભાવી આશાવાદ સેવતા હતા ત્યારે ભોગીભાઈનું આ તારણ પર પહોંચવું અવશ્ય એક અસામાન્ય બીના હતી.
હમણાં ભોગીભાઈએ નિર્દેશેલ સંભાવનાની જિકર કરી. પણ નવનિર્માણોત્તર દિવસોમાં વાસ્તવમાં દિલ્હી છેડે શું બની રહ્યું હશે એનો અંદાજે હિસાબ 1977ની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરાઈ પરાસ્ત થઈ અને જનતા રાજ્યારોહણ સંભવ્યું તે પછી કટોકટી બાબતે રચાયેલ શાહ તપાસ પંચના હેવાલ પરથી મળી રહે છે. આ હેવાલ બોલે છે કે 1975ની 12મી જૂને (જનતા મોરચાના જશન દિવસે) દિલ્હીના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર ઇન્દિરાજીના સીધા સંપર્કમાં રહી પકડવા લાયક આસામીઓની યાદી તૈયાર કરવામાં રોકાયેલા હતા.
આનો અર્થ એ થયો કે 25મી જૂને જયપ્રકાશના સંભવિત એલાનને પરિણામે વડા પ્રધાનને જાહેર શાંતિ પર ભય ઝળુંબતો દેખાયો અને એમણે કટોકટી ઝીંકી એ એક બહાનું હતું. વસ્તુત: એનાયે પહેલાંથી એટલે કે 12મી જૂને પણ તૈયારી ચાલતી હતી. પણ વાત માત્ર આટલી જ નથી. જે બધી વિગતો બહાર આવી છે તે પ્રમાણે 1975ની 8મી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય મંત્રી સિદ્ધાર્થ શંકર રેએ બાંગ્લાદેશ વખતથી જારી બાહ્ય કટોકટી ઉપરાંત કલમ 352ની રૂએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઇન્દિરાજીને આપ્યો હતો. આગળ ચાલતાં 25મી જૂને કેબિનેટને બાજુએ રાખીને સિદ્ધાર્થ શંકર રેને લઈને વડા પ્રધાન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અહમદને મળવા ગયા ત્યારે પણ જરૂરી મુસદ્દો રેનો જ હતો. બે મોટા સ્વરાજ લડવૈયાઓ, મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ, એકનાં પૌત્રીએ ને બીજાના દૌહિત્રે આમ પ્રજાસત્તાકને રાણીસત્તાકમાં ફેરવવાની યોજના ઘડી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એમનાં સંસ્મરણોમાં આ ઘટનાક્રમનું વર્ણન કરતાં સચોટ કહ્યું છે કે બંધારણની પરિઘિમાં રહીને સઘળાં લોકશાહી સ્વાતંત્ર્યોને કેવી રીતે પડતાં મેલાય એનો આ નમૂનો હતો.
હમણાં જ આપણે રાષ્ટ્રીય ચૂંટણીના દોરમાંથી પસાર થયા. પરિણામની પ્રક્રિયા કંઈક આંચકામાંથી પસાર થઈ અને દસ વરસના કાર્યકાળમાં લોકશાહી સ્વાતંત્ર્યોની અનવસ્થા વિશે પણ ઘણી વિગતો સામે આવી. જે પક્ષ કટોકટીની સાથે હતો અને જનતા આંદોલનનો જે ઘટક કટોકટીની સામે હતો, એ બેઉની ભૂમિકા આજે કેમ જાણે બદલાઈ ગઈ ન હોય! વસ્તુત: ક્યારેક બિનકાઁગ્રેસવાદનું લોજિક હોઈ શકતું હતું તેમ આજે બિનભા.જ.પ.વાદનુંયે લોજિક હોઈ શકે છે તે સૌને સમું પકડાતું નથી.
ગમે તેમ પણ, વાતનો બંધ વાળવામાં છું ત્યારે આલ્બર્ટો મોરાવિયાની એક મર્મવેધી વાર્તા સાંભરે છે – એના પરથી ફિલ્મ પણ ઉતરેલી, ‘ટુ વીમેન.’ વિશ્વયુદ્ધનો માહોલ છે. જર્મન લશ્કર ઘમરોળી રહ્યું છે. મા-દીકરી ચર્ચમાં આશરો લે છે. પણ ‘લશ્કરી’ તરેહ ને તાસીર જેનું નામ, એનાથી એ બચી શકે શાનાં. વળતી સવારે મા જ્યારે દીકરીને બાથમાં લઈ ડુમાતે ડૂસકે હૂંફે છે ને એના વાળ સંવારે છે ત્યારે દીકરી નાની નથી રહી, રાતોરાત મોટી થઈ ગઈ છે. કહ્યું ને, મા-દીકરી નહીં પણ ‘ટુ વીમેન.’
એક પછી એક દોર, એક પછી એક ચૂંટણી નાગરિકને જાણે ‘પુખ્ત’ બનાવે છે. આવો અકેકો અવસર જેમ અતીતને તેમ વર્તમાનને પણ મૂલવવાની અને ભાવિમાં ઝાંખવાની હામ ને સૂઝ સંપડાવે છે … હાસ્તો, આખરે તો, ‘તેઓ’ આવે ને જાય, પણ આપણી નોકરી ચાલુ રહે એ કંઈ જેવી તેવી વાત તો નથી, ભાઈ!
વિધાતાનું વરદાન – નિ:સંશય વરદાન.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 જૂન 2024