પાંચમી જૂનથી બારમી જૂન લગીનું ગુજરાત માટે ૧૯૭૪-૭૫ની ઇતિહાસયાદે દૂઝતા ઝખમ શું અઠવાડિયું સંકેલાતે લખી રહ્યો છું ત્યારે પ્રજાસત્તાક સ્વરાજની પહેલી પચીસીમાંથી બીજી પચીસીમાં સંક્રાન્ત થતી વેળાએ અનુભવેલ સંઘર્ષ અને સંભવિત સમુત્ક્રાન્તિ અવનવાં સ્પંદનો જગવે છે. એમાં પણ નમો ભા.જ.પ.ની સળંગ બીજી પારી કશોક ખટકો પ્રેરે છે.
એન.ડી.એ. – ૧ (વાજપેયી) અને એન.ડી.એ.-૨ (નમો)નાં વચલાં એટલે કે મનમોહન વરસોમાં યુવા નેતૃત્વની દૃષ્ટિએ દેશજનતા સમક્ષ બે નામો સતત આવતાં હતાં. એક બિહારથી, નીતિશનું; બીજું ગુજરાતથી, નમોનું. બુઝુર્ગ અડવાણી એક તબક્કે યુવા ગુજરાતીના રાજકીય જીવતદાનમાં નિમિત્ત બન્યા હતા તો કોઈ તબક્કે ખાસ કરીને પક્ષમાં પોતે સાઈડલાઈન થશે એવું સમજાતાં યુવા બિહારીને વિકલ્પ રૂપે આગળ કરવામાં રસ લેતા જણાયા હતા. ગુજરાત-બિહારનો આ જોગાનુજોગ ઇતિહાસવસ્તુ તરીકે પણ ઠીક જ હતો; કેમ કે પ્રજાસત્તાક સ્વરાજની પહેલી પચીસી ઉતરતે આવી લાગેલો નવો વળાંક પણ હતો તો ગુજરાત અને બિહાર નિમિત્તે જ. ગુજરાતના નવનિર્માણ આંદોલનમાં જયપ્રકાશ નારાયણને કંઈક પ્રકાશ દેખાયો, અને બિહારના યુવા અજંપાએ એમની કને દોરવણી માગી ત્યારે એમણે એક નવું આંદોલન જગવ્યું જેથી એક લાંબા અંતરાલ પછી દેશને ૧૯૪૨ની ક્રાંતિ વેળાના આ નાયકનો આતશ હજીયે એવો જ જલતો છે એનો ખ્યાલ આવ્યો. આ લખનારને યાદ છે, ભોગીભાઈ ગાંધી અને અમે સહુ ઑક્ટોબર ૧૯૭૪માં બિહાર આંદોલનના સમર્થનમાં આચાર્ય કૃપાલાણીના નેતૃત્વમાં યોજાયેલી કૂચમાં સામેલ થયા ત્યારે રાજધાની દિલ્હીની સડકો પર વડનગરના વસન્ત પરીખે ગજવેલો નારો એ હતો કે ‘ગુજરાતકી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ.’
વડનગર જ્યારે મોટાભાઈ (ડૉ. દ્વારકાદાસ જોશી) અને વસન્ત પરીખથી ઓળખાતું – નહીં કે વર્તમાન વડાપ્રધાનથી – ત્યારનો આ જે વાસન્તી ઉલ્લેખ ‘બિહારની ન્યારી રીત’નો, જયપ્રકાશના એ ઐતિહાસિક અર્પણને આભારી હતો કે એમણે વિધાનસભાના વિસર્જનની વાજબી માંગને સમાજપરિવર્તનના વ્યાપક દર્શન સાથે સાંકળી અને ‘અ’ને સ્થાને ‘બ’ (જયપ્રકાશના શબ્દોમાં ‘સાપનાથ’ને સ્થાને ‘નાગનાથ’) એવી સંગીતખુરશીથી હટીને સત્તાપલટાને મૂલ્યપરિવર્તનની રાજનીતિ સાથે જોડવાની નવ્ય કોશિશ કરી. એટલે સ્તો માર્ચ ૧૯૭૪માં બિહારના જે યુવા ઉદ્રેકે દેખા દીધી તેણે ત્રણચાર મહિનામાં જ સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન તરેહનું કાઠું કાઢવા માંડ્યું અને પાંચમી જૂને પટણાના ગાંધી મેદાન પરની રેલી સાથે એને ગુણાત્મકપણે નવી ઓળખ સાંપડી રહી.
નવનિર્માણની યુવા બગાવત અને પાંચમી જૂનનું ક્રાંતિ બ્યુગલ (બિહારની ‘ન્યારી રીત’), આજે જો નમો-નીતિશ કે માયા-મમતા તરેહની ચર્ચામાં સમેટાઈ જવાનાં હોય કે કૉંગ્રેસમુક્ત ભારત અને કૉંગ્રેસયુક્ત ભા.જ.પ. જેવાં વૈકલ્પિક ઝાંઝવાં તેમ જ ઝાંવાંથી ઓળખાવાનાં હોય તો એનો અર્થ એ થશે કે ભારતવર્ષે ૧૯૪૭-૧૯૫૦ના પ્રજાસત્તાક સ્વરાજના આરંભ પછીની બીજી પચીસીની આખીયે સંઘર્ષકમાઈ વેડફી નાખી છે.
પ્રજાસત્તાક સ્વરાજની બીજી પચીસીની કમાણી હોઈ શકે એવાં વાનાં કિયાં કિયાં છે? પહેલું તો એ થયું કે ઇંદિરાજીના નેતૃત્વમાં દેશને જે કટોકટીમરોડ અપાયો હતો એને સ્થાને ૧૯૭૭ના ઐતિહાસિક ચૂંટણીચુકાદા સાથે લોકશાહીની પુનઃ પ્રતિષ્ઠા શક્ય બની. જયપ્રકાશના આંદોલનની આબોહવામાં આ કીમિયાગરી બની આવી હતી. અલબત્ત, ડાયાલિસિસની શય્યાએ સૂતા જયપ્રકાશ પાસે શ્વાસનો હિસાબ ખૂટું ખૂટું હતો, અને લોકશાહીની પુનઃ પ્રતિષ્ઠા સાથે સત્તાપરિવર્તન પછી મૂલ્યપરિવર્તનની (કહો કે સત્તાના ચરિત્રપરિવર્તનની) મજલ કાપવી બાકી હતી. ૧૯૭૯માં જનતા સરકાર પડી અને એનાં ફાડિયાં જૂનાંનવાં નામોએ એ જ જરીપુરાણી રાજનીતિમાં પોતપોતાનો મોક્ષ લહવા લાગ્યાં.
તેમ છતાં, લોકશાહીની પુનઃ પ્રતિષ્ઠાનો આ જે દોર શરૂ થયો એણે સ્વરાજસંગ્રામની ધારામાં આવેલા બંધારણમાં સૂતેલી શલ્યાને અહલ્યા રૂપે જગવતો સંજીવનીસંચાર જરૂર શરૂ કર્યો. એક પા આ સંજીવનીસંચાર અને બીજી પા જીર્ણમતિ રાજકારણની વોહી દાસ્તાં પુરાની! મંડલ-મંદિર રાજનીતિને આ સંદર્ભમાં જોવાતપાસવાની જરૂર છે. મંડલે વચલી જાતિઓને (ઓ.બી.સી.ને) મધ્યપ્રવાહમાં આણવાનું ઇતિહાસકર્તવ્ય જરૂર બજાવ્યું, પણ આર્થિક-સામાજિક કાર્યક્રમલક્ષી લોકશાહી પક્ષબાંધણીના અભાવમાં આ નવું રાજકારણ નાતજાતના જમાવડાનું બની ગયું. મંદિર કહેતાં જો કોઈક સાંસ્કૃતિક પ્રાણધારા સાથેના વ્યાપક અનુબંધની વાત હોય તો સમજાય, પણ અહીં તો એ કોમી ધ્રુવીકરણની સંકીર્ણ રાજરમતનું ઓજાર બની ગયું. જનસંઘે જનતાઅવતાર સાથે જે નવી રાહની આશાઅપેક્ષા જગવી હતી તેનું સત્તામાં ચઢવું અને કોમી કળણમાં ખૂંપવું, બેઉ જાણે સાથેલગાં રહેવાને નિરમાયેલાં ન હોય!
પાંચમી જૂનના સંપૂર્ણ ક્રાન્તિ દિવસે પટણાના ગાંધી મેદાન પરની વિરાટ શાંતિમય રેલીનો જે જેપી જનાદેશ હતો એને હાલની નવી સરકારના શરૂનાં અઠવાડિયાંમાં જ સંભારવાનો આશય ‘ક્યાસે ક્યા હો ગયા’ એવા કોઈ નિરાશામય વિષાદગાનનો નથી. જેમ વ્યક્તિ તેમ પ્રજાઓ પણ ચડતાંપડતાં આખડતાં જ બધું શીખતી હોય છે.
સંકેલાતે પખવાડિયે આ સંદર્ભમાં છાપાંનાં મથાળાં અને ચેનલચિચિયારીમાં એક મહત્ત્વનો મુદ્દો ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીનાં જુવારાંનો છે. આ મહાગઠબંધને કોઈક તબક્કે ભા.જ.પ.શ્રેષ્ઠીઓને અને ચૂંટણીપંડિતોને ચકરાવામાં નાખી દીધા હતા અને ૧૯૯૩ના એ દિવસોની યાદનું ભૂત ધુણાવ્યું હતું જ્યારે ભા.જ.પે. અયોધ્યા લેતાં સ.પા.-બ.સ.પા. જોડાણવશ લખનૌ ખોયું હતું. આ વખતે એમ કેમ ન બન્યું ? સાદો જવાબ એ છે જે નમોએ થોડા દિવસો પર બોલી બતાવ્યો હતો કે નકરા અંકગણિતે નહીં અટકતાં, રાસાયણિક પ્રક્રિયા વગર વાત જામતી નથી.
ખરું જોતાં, તાજેતરની ચૂંટણીઝુંબેશમાં ભલે કિંચિત જોશથી પણ અંતે તો નામ કે વાસ્તે આંબેડકરના અંતિમ પર્વમાં લોહિયાએ એમના દિલોદિમાગના દ્વારે દીધેલ દસ્તક વચલાં વરસોમાં મુલાયમ-કાંસીરામને ઝમવા જોઈતા હતા કે આંબેડકર, તમે એક વર્ગવિશેષ(વર્ણવિશેષ)ની રાજનીતિ ક્યાં સુધી કરશો. એની બાલાશ જાણો. જરૂર જાણો. પણ રાજનીતિ સમગ્ર દેશની કરો. લોહિયાએ મોકલેલ સંદેશ અને આંબેડકરના વિધાયક પ્રતિભાવને, પછી, આગળ ચાલવાનો સમયગાળો જ ન મળ્યો. નહીં તો, લોહિયાએ એમની સઘળી ઇતિહાસસમજ સાથે આંબેડકરને આલિંગી કહ્યું હોત કે બગાવતનું વિજ્ઞાન અને કળા જે તે ‘પર્ટિક્યુલર ગોલ’ને ‘જનરલ ગોલ’ સાથે સાંકળવાનો કસબ માગી લે છે. એ માત્ર ‘વોટ ટ્રાન્સફર’ના વશની વાત નથી તે નથી. કેવી રીતે બની આવે એ રાસાયણિક પ્રક્રિયા? પક્ષોમાં જમાવડા પૂંઠે લોકઆંદોલનનું બળ જોઈએ. લોહિયાને એ સમજાતું હતું એટલે ઓ.બી.સી. ઉદ્યુક્તિને એમણે સપ્ત ક્રાન્તિના સંદર્ભમાં મૂકવાની વાત કહી હતી. જયપ્રકાશ એના જાણતલ હતા એટલે એમણે સંપૂર્ણ ક્રાન્તિની રીતે ચાલુ રાજકીય પરિવર્તનને નાણવા અને વાળવાની કોશિશ કરી હતી.
એક વિચાર, જેના પર ખરું જોતાં વિગતે કામ કરવું જોઈએ એનો સહેજસાજ નિર્દેશ કરીને આ વિચારમથામણનો કંઈક બંધ વાળું. ગાંધીનેહરુપટેલ એ સ્વરાજત્રિપુટી આપણું એક રૂડું સંભારણું છે, અને રસ્તો ચીંધતી જ્વલંત જ્યોત પણ છે. નેહરુપટેલને હિસ્સે લોકશાહી રાજ્યબાંધણી આવી, અને ગાંધીએ પ્રજાસૂય છેડે પુરુષાર્થ જારી રાખ્યો. આ પુરુષાર્થને સારુ કદાચ એક નવી ત્રિપુટી જરૂરી હતી. ગાંધી બેઉ ત્રિપુટીનું પ્રાણતત્ત્વ, પણ રાજમાં જેમ નેહરુપટેલ તેમ લોકમાં એમની સાથે લોહિયા-જયપ્રકાશ, એવું કલ્પી શકાય? ગાંધીની યુગમથામણગત રાજ્યબાંધણી (અને સંડોવણી) નેહરુપટેલને હિસ્સે તો પ્રજાસૂય પુરુષાર્ષગત રાજકીય સંડોવણીમાં લોહિયા-જયપ્રકાશની સહભાગિતા, એવું કલ્પી શકીએ?
૧૯૭૭ના જનાદેશથી આંરભાયેલી રાષ્ટ્રીય ખોજે જ્યાં પુગવાપણું હતું અને છે, એની આ થોડીક ચર્ચા સમેટતા પહેલાં આરંભે જેનો સાભિપ્રાય ઉલ્લેખ કર્યો હતો તે બારમી જૂનને મિશે કેટલીક વાત ઉતાવળે પણ જરૂર કરવા ઇચ્છું છું. ૧૯૭૫માં તે દિવસે એક સાથે બે ઐતિહાસિક ચુકાદા આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇંદિરા કૉંગ્રેસની સામે લડીને જનતા મોરચો અને ચિમનભાઈનો કિમલોપ ચુંટાઈ આવ્યાં હતાં. કિમલોપ અને જનતા મોરચો પણ નહોતાં ટકરાયાં એમ નહીં, પણ હતાં તો બેઉ ઇંદિરા કૉંગ્રેસની સામે. એ રીતે જોતાં કૉંગ્રેસની હાર અને સામેવાળાની સંમિશ્ર ફતેહ એવો ઘાટ હતો. બીજો ચુકાદો, સીધી રાષ્ટ્રવ્યાપી અસરનો, અલાહાબાદ હાઈકોર્ટનો હતો જેને અન્વયે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધી લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠરતાં હતાં. એક પા ગુજરાતનાં મોરચાની આગેકૂચ અને સત્તાશપથ સાથે જમ ઘર ભાળી ગયાની ઇંદિરાની લાગણી હતી, તો બીજી પા અદાલતી ચુકાદાથી સત્તા સરી રહ્યાની. એટલે એમણે કટોકટી લાદવાનો રાહ લીધો.
દરમ્યાન ગુજરાતમાં સત્તારૂઢ જનતા મોરચાએ લગભગ નવ-દસ મહિના માટે તો કટોકટી વચ્ચે સ્વાધીનતાના ટાપુ જેવું ઇતિહાસકર્તવ્ય બજાવ્યું. ગાંધીનેહરુપટેલની જે કૉંગ્રેસ, એની પુઅર મેન્સ આવૃત્તિ, અસલનેરનું અંશ નૂર, એ જનતા મોરચામાં જેમ જેપી પરિબળોની ઉદ્દીપક સામેલગીરી હતી તેમ સંસ્થા કૉંગ્રેસ અને સમાજવાદીઓ ઉપરાંત ખાસ તો જનસંઘ પણ જોડાયેલ હતો. જાહેર જીવનમાં એની કિંચિત્ સ્વીકૃતિ અને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વલ્પ પ્રવેશનું દ્વાર ખૂલે એવા એને સંજોગો મળ્યા; અને તે, કેમ કે સંઘર્ષરત હતો, એને માટે અણહકની વાત પણ નહોતી. ૧૯૬૭ના સહેજસાજ સંયુક્ત વિધાયક દળ (સંવિદ) સંસ્પર્શ પછી ૧૯૭૭માં જનતા પક્ષના ભાગ તરીકે જનસંઘને જે સિંહદ્વાર ખૂલ્યાનો સુખાનુભવ થવાનો હતો એની એ નાન્દી ઘટના હતી.
નજીકના ઇતિહાસમાં પાછે પગલે જવાનું નિમિત્ત ચાલુ પખવાડિયે ૨૫/૨૬ જૂનના કટોકટી દિવસના જોગાનુજોગે પૂરું પાડ્યું છે. ભા.જ.પ. તે દિવસે કાળો દિવસ મનાવશે, અને કૉંગ્રેસમુક્ત ભારતનો નારો ફેરગજવશે. ભાઈ, કૉંગ્રેસને તો મતદારોએ ત્યારે નસિયત આપી જ હતી. તે પછી એ જેટલું શીખી, ન શીખી, એ નસીબ એનાં. પણ ૨૦૧૯માં ‘કાળા દિવસ’ પાસે જવાનો હેતુ તો એક પ્રજા તરીકે, ખાસ કરીને રાજકીય-શાસકીય અગ્રવર્ગ સમસ્તે, એ વિચારવાનો ને અંતરખોજ કરવાનો હોય કે કટોકટીવાદ જૂજવે રૂપે જીવંત છે કે કેમ; અને જેઓ કાળા દિવસને બઢીચઢી ઉજવવા ઇચ્છે છે એના વહેવારમાંથી કટોકટીવાદની બૂ ઉઠે છે એવું કેમ. પાંચ વરસના અનુભવે મનમુરાદ (આર્બિટરી) શાસનશાહીનો તેમ પ્રજામાં ભય અને ત્રાસ ફેલાવતી પ્રવૃત્તિઓને કથિત રાષ્ટ્રવાદની સત્તાઓથનો ઠીક પરચો આપ્યો છે. એ ખૂણેથી જ્યારે કટોકટીવિરોધના ગર્જનતર્જનની રાજનીતિ ચાલે ત્યારે જનતાનાં વર્તુળોએ એને આયનો બતાવવો રહે છે.
જે બિનપક્ષીય બળોએ ઇતિહાસના એક તબક્કે જેપી જનતા ઉદ્દીપક ભૂમિકા આવડી એવી ભજવી એમને માટે ૨૦૧૯માં નમો ભા.જ.પ.નો પરવાનો તાજો થઈ રહ્યો હોય ત્યારે કૉંગ્રેસના કે ભા.જ.પ.ના વિકલ્પની રાજનીતિમાં નહીં ગંઠાઈ જતાં – ‘પૉલિટિકલ ઑલ્ટરનેટિવ’ની સત્તારમતમાં નહીં અટકી જતાં – ‘ઑલ્ટરનેટિવ પૉલિટી’ કહેતાં વૈકલ્પિક રાજનીતિના ધ્રુવતારકને ધોરણે ‘બૅક ટુ બેઝિક્સ’નો મૂળગામી પડકાર સવિશેષ મહત્ત્વનો બની રહે છે. ભા.જ.પે. ધુણાવેલ વિમર્શભૂતને અલબત્ત પડકારીએ, પણ રમતનાં ધોરણો અને નિયમો નહીં જાળવતાં બીજાઓને પણ ઠમઠોરીએ.
નહીં કે કૉંગ્રેસ અંગે ૧૯૭૫નો પ્રતિકાર ખોટો હતો કે ઉમાશંકર જોશીએ જેને જેપી થીસિસને બદલે મોરારજી થીસિસનું અનુસરણ કહ્યું તે જનતા મોરચા રણનીતિ તે તબક્કે ખોટી હતી; જેમ બિનભાજવાદનું પણ અગાઉના બિનકૉંગ્રેસવાદ જેવું લૉજિક હોઈ શકે છે. આ બધું કહ્યા અને નોંધ્યા પછી અને છતાં, છેવટે તો, ‘બૅક ટુ બેઝિક્સ’ને ચૂક્યા વગર હર દરમ્યાનગીરી મુબારક જ મુબારક હોવાની છે.
જૂન ૧૨, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 01, 02 તેમ જ 14