
પ્રકાશ ન. શાહ
આજે દસમી મે … પ્રથમ સ્વતંત્રતાસંગ્રામનો યશદિવસ! 1857 યાદ કરીએ એટલે એક રીતે પહેલું જ નામ સામે આવે તે વિનાયક દામોદર સાવરકરનું: આ સ્તો એ યુવા પ્રતિભા હતી જેણે સન સત્તાવનની પહેલી પચાસી ખુદ સામ્રાજ્યધાની લંડનમાં મનાવી હતી. આ કોઈ સિપાહી બળવો નહીં પણ સ્વતંત્રતાસંગ્રામ હતો એવું પ્રતિપાદિત કરતું પહેલું પુસ્તક પણ એમના જ નામે ઇતિહાસદર્જ છે.
અલબત્ત, બીજાં પણ નામો સામે આવે જ – જેમ કે, બહાદુરશાહ ઝફર. મેરઠથી ઝંડો સાહી દિલ્હી પહોંચેલી પહેલી સૈનિક ટુકડીએ એમને દેશના બાદશાહ ઘોષિત કર્યા હતા અને બુઢ્ઢા બહાદુરશાહે ભરએકાસીમે લલકાર્યું હતું કે
‘ગાઝીઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી
તખ્તે લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી.’
ખલ્ક ખુદા કા, મુલ્ક બાદશાહ કા, હુકુમ રાની કા એ ન્યાયે લક્ષ્મીબાઈને કેમ ભુલાય? પણ આપણી નવજાગ્રત સમતા-સમજને ધોરણે દલિત વીરાંગના ઝલકારીબાઈ કોળીનુંયે સ્મરણ સવિશેષ લાજિમ છે. મૈથિલીશરણ ગુપ્તે ‘ઝાંસીવાલી રાની’ની જોડાજોડ એને પણ સહજ સંભારી હતી : ‘જાકર રણ મેં લલકારી થી / વહ તો ઝાંસી કી ઝલકારી થી.’ મુદ્દે, સત્તાવનનાં ઝલકારી અને ગદરના મંગુરામ સંઘર્ષમાત્રની સામાજિક ઉડ્ડાનની રીતે વિમર્શના વિશેષ હકભાગી હોવા જોઈશે.
તત્કાલીન અંગ્રેજ નિરીક્ષકોએ એક વાતે કૌતુક કીધું છે કે બહાદુરશાહને વડા ઘોષિત કરવાનો ઉપાડો હિંદુ સૈનિકોનો હતો. લંડનબેઠા કાર્લ માર્ક્સ ત્યારે અમેરિકાના ‘ન્યૂયોર્ક ટ્રિબ્યુન’માં નિયમિત લખતા. 15 જુલાઈ 1857ની એમની કોલમ બોલે છે કે બહાદુરશાહ અંગેની ઘોષણા હિંદની એકતાની મજબૂતી દર્શાવે છે. ભાઈ, વાત પણ સાચી કે ત્યારે હિંદુ વિ. મુસ્લિમ કે મુસ્લિમ વિ. હિંદુ એવું કોઈ ખાસ સમીકરણ નહોતું પણ સાંસ્થાનિક સત્તા વિરુદ્ધ સૌ, રિપીટ, સૌ એવું ચિત્ર હતું. ઉત્તર સાવરકરની વાત ઘડીક રહીને, પણ સત્તાવનના સાવરકરે તો આ પુસ્તક ઊઘડતે જ લખ્યું છે કે શિવાજીના કાળમાં મુસ્લિમો સામે ધિક્કાર હતો તો હતો, પણ આજના સંજોગોમાં તે ગેરવાજબી અને મૂર્ખતાપૂર્ણ છે. હિંદુ અને મુસ્લિમ બેઉ હિન્દુસ્તાનની ધરતીનાં સંતાન હોવાને નાતે લોહીભાઈ (બ્રધર્સ બાય બ્લડ) છે, એમ પણ એમણે ઉમેર્યું હતું. જો કે, શિવાજી ઉત્સવ શરૂ કરનાર તિલક એથી આગળ ગયા હતા : 1906માં કોલકાતાના શિવાજી ઉત્સવમાં બોલતાં એમણે કહ્યું હતું કે શિવ છત્રપતિ મુસલમાનો સામે નહીં પણ જુલમી ને અવિચારી રાજ્યકર્તાઓ સામે લડ્યા હતા.
એ એક જુદો જ મિજાજ, જુદો જ માહોલ હતો. સત્તાવનની સભાના પ્રમુખ, આપણા ગુજરાતી, સરદારસિંહ રાણાએ પરદેશ ભણવા ઈચ્છતા હિંદી વિદ્યાર્થી માટે જાહેર કરેલી સ્કોલરશિપો પૈકી એક અકબરને નામે પણ હતી. સાવરકર સ્થાપિત ‘અભિનવ ભારત’ શરૂમાં નાસિક પંથકમાં જે જયંતીઓ મનાવતું એમાં અકબર જયંતીનોયે સમાવેશ થતો.
જરી ઉતાવળે સીધા 2004ની એક વાત કરું? ત્યારે, જાન્યુઆરીમાં, પાકિસ્તાનની ધરતી પર સાર્ક શિખર મિલન મળ્યું હતું. આપણા તત્કાલીન વડા પ્રધાન વાજપેયીએ કહ્યું હતું કે ત્રણ વરસ પછી સન સત્તાવનની સાર્ધ શતાબ્દીનો અવસર હશે. આપણે ત્રણ મુલક – હિંદપાકબાંગલા – સાથે મળીને એ કેમ ન ઊજવીએ? સંસ્થાનવાદી તાકાતો સામે ત્યારે આપણે સાથે જ લડ્યાં હતાં ને … જો કે, પાકિસ્તાને તે ગ્રાહ્ય રાખ્યું નહીં એ જુદી વાત છે.
કમનસીબે, 1923માં રત્નાગીરીના નજરબંધ દિવસોમાં સાવરકર એમનો જે હિંદુત્વ થીસિસ લઈને આવ્યા એમાં સત્તાવનના સંગ્રામ વેળાનો તેમ તેના લેખકનો સ્પિરિટ ગાયબ હતો. હવે લોહીભાઈ હોવાનો કશો મતલબ નહોતો, કેમ કે ધર્મગત તમારી પૂજાભૂમિ ભારત બહાર હતી. તેથી તમે વ્યાખ્યાગત રીતે બહારના હતા, અરાષ્ટ્રીય હતા. દેખીતી રીતે જ, આ ચિત્ર પૂર્વ અને ઉત્તર સાવરકર વચ્ચેનો વિસંવાદ ઉપસાવી આપે છે.
સન સત્તાવનની ઘટનાને પૂર્વ સાવરકરે જે ઇતિહાસઉઠાવ આપ્યો એની પ્રતિષ્ઠા સ્વતંત્ર ભારતમાં થવી જોઈતી હતી અને થઈ પણ છે. નેહરુના પ્રધાનમંત્રીકાળમાં સત્તાવનની શતવર્ષી રંગેચંગે ઊજવાઈ, અને પછી 2007માં મનમોહનસિંહના કાળમાં સાર્ધ શતાબ્દી પણ.
શતવર્ષીના ગાળામાં દેશના શીર્ષ ઇતિહાસવિદોમાં થયેલી ચર્ચા જો કે વિચારણીય છે. કોઈ મૂલ્યાત્મક ધોરણે નહીં પણ સામાન્યપણે વપરાતા પ્રયોગની રીતે જમણેરી (અગર ખાસ તરેહની ‘રાષ્ટ્રવાદી’ સ્કૂલના) મનાતા આર.સી. મઝુમદાર 1857ને પહેલો સ્વતંત્રતાસંગ્રામ કહેવા તૈયાર નહોતા. એમનો એક તર્ક હતો કે 1857 પૂર્વે પણ પ્રતિકારોનો એક સિલસિલો દેશમાં હતો. ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઇતિહાસ શ્રેણીના અગ્રસંપાદક તરીકે એમનો અભિપ્રાય અવશ્ય ધ્યાનાર્હ છે. એક ટીકા સળંગ અલગ અલગ સ્રોતમાંથી એ થતી રહી છે કે બહાદુરશાહ હોય કે નાનાસાહેબ અગર લક્ષ્મીબાઈ અને બીજાં, આ બધાંની પહેલી ને સીધી નિસબત કદાચ પોતપોતાનાં દાપાદરમાયા, વારસાઈ અને જમીનજાયદાદ અંગે હશે એટલી માત્રામાં વ્યાપક ખયાલ સાથે તેઓ જોડાયેલ નહોતાં. ગમે તેમ પણ, પોતપોતાની રીતેભાતે અને ઝોકફેરે ઇતિહાસકારો સરવાળે એ મુદ્દે ઠરતા માલૂમ પડ્યા છે કે ભલે એ હતો તો સામંતશાહી ઉઠાવ, પણ એમાં રાષ્ટ્રીય વલણોયે પડેલાં હતાં. બીજું, સત્તાવનનો ખુદનો ઇતિહાસ જે પણ હોય, જનમાનસમાં એની જે મૂરત અંતે ઊઠી છે તે તો જંગે આઝાદીના અરુણ ઉન્મેષ તરીકે જ.
વાત સમેટતાં બે શબ્દો આ ‘સામંતી’ સંજ્ઞાથી પ્રેરાઈને. ભાઈ, ત્યારે રાજ્યપ્રથા જ એ હતી – અને કંપની બહાદુર હસ્તક રાજાઓ, નવાબો ને ભાયાતોની એ દુનિયા હતી. પણ એણે રાષ્ટ્રીય હોઈ શકતાં વલણો આછાંપાતળાં પણ પ્રગટ કર્યાં જે આગળ ચાલતાં વિકસ્યાં. અહીં એક જોગાનુજોગ – બલકે, સૂચક સહોપસ્થિતિ-સાભિપ્રાય નોંધવાજોગ છે. અને તે એ કે આપણે ત્યાં યુનિવર્સિટી શિક્ષણનો સંચાર 1857થી થયો. ઇતિહાસબોજ તો બેઉ ઘટનાઓ પૂંઠે હતો. પણ તે સાથે બંને ઘટના પોતપોતાનો ઇતિહાસબોધ પણ લઈને આવી હતી : એ જૂના જમાના અને નવાં સપનાં વચ્ચેની પરસ્પર શોધનકારી રમઝટ હતી … આવાં પારસ્પર્યે સ્તો પરથમી ટકી છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 મે 2023