કલાકેક સુધી અસ્ખલિત ધારા વહેતી હતી પૉલ બેઝલીના વક્તવ્યમાં, ખૂબ લંબાણ થતું અટકાવવા મેં ગાંધીનાં તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મને લગતાં પાસાંને જ લીધાં છે.
− આશા બૂચ
156મી ગાંધી જયંતીના અનુસંધાને, નહેરુ સેન્ટર – લંડન, ગાંધી ફાઉન્ડેશન અને ખાદી લંડનના સહયોગથી, 30મી સપ્ટેમ્બર 2025ના, નહેરુ સેન્ટર ખાતે, પૉલ બેઝલીનું ‘ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી’ વિષય પર વ્યાખ્યાન યોજાયેલું, જેનો સારાંશ અહીં પ્રસ્તુત છે. તે પહેલા વક્તાનો ટૂંક પરિચય અસ્થાને નહીં ગણાય.
રંગભૂમિ, સિનેમા અને ટેલિવિઝન એમ ત્રિવિધ મંચ પર પૉલે પોતાના અભિનય કૌશલ્યનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે. તેઓ ભારતીય તત્ત્વજ્ઞાનને તેના ખરા અર્થમાં સમજીને તેનું વિસ્તૃત તેમ જ ગહન અર્થઘટન કરી શક્યા છે, જેને પરિણામે આપણને તેમની પાસેથી ભગવદ્દ ગીતા, ઉપનિષદ, ધમ્મપદ તેમ જ એકનાથ ઇસ્વરન્ લિખિત ‘ગાંધી ધ મેન’ જેવા ગ્રંથો શ્રાવ્ય રૂપમાં મળ્યા છે. મૂળ દક્ષિણ ભારતના માતા પિતાના લંડનમાં જન્મેલા પૉલ બેઝલીના ઉછેર અને પોતાની અસ્મિતાની સાચી ઓળખની શોધ કરવાની ધગશને પરિણામે તેઓએ ગાંધીજીના જીવન અને કાર્યનો અભ્યાસ કર્યો. તેઓ બ્રિટિશ પીસ અને સોશિયલ વીટનેસની સબ કમિટી અને ઓપન એજ – ટ્રાન્સફોર્મિંગ કોન્ફ્લિક્ટમાં શાંતિ અને અહિંસાના સમર્થક તરીકે સેવા આપી રહ્યા છે. પૉલ કહે છે કે ‘ધ ફાધર એન્ડ ધ એસાસીન’ નાટકમાં બે વખત ગાંધીની ભૂમિકા ભજવ્યા બાદ ગાંધીજી ભારતીય તત્ત્વજ્ઞાનના આધારસ્તંભ સમા સત્ય અને અહિંસાને કઈ રીતે આત્મસાત કરીને જાહેર જીવનમાં અમલમાં મૂકી શક્યા અને તેમનો આ જીવન સંદેશ આજના યુગમાં કેટલો પ્રસ્તુત છે, એ તેમને વધુ સારી રીતે સમજાયું.
હવે ભારતીય તત્ત્વજ્ઞાનમાં રહેલ શાશ્વત મૂલ્યો અને તેનો ગાંધીજીના વિચાર અને જીવન પર કેવો પ્રભાવ પડ્યો, એની વાત પૉલ બેઝલીના શબ્દોમાં પ્રસ્તુત છે.
•
‘અહિંસા પરમો ધર્મ’ એ મહાભારતમાં કહેવાયું છે અને ભારતીય તત્ત્વજ્ઞાનું કેન્દ્રીય સૂત્ર છે તે ખરું, પણ હું તો એમ કહીશ કે “આપણે સહુ એક છીએ, માટે તમારી જાતને ચાહો છે એટલા જ તમારા પાડોશીને ચાહો.” એ દુનિયાના તમામ ધર્મોમાં ઉદ્બોધયેલો સુવર્ણ નિયમ છે.
ગાંધીજીએ ભારતીય તત્ત્વજ્ઞાનના આ કેન્દ્રવર્તી સિદ્ધાંતને અપનાવીને કેવી રીતે પોતાના જીવનમાં અમલી બનાવ્યો તે વિશે વાત કરીશ.
માર્ટિન લ્યુથર કિંગ, ડેસમંડ ટુટુ અને પરમ પાવન દલાઈ લામાની માફક ગાંધીજીનું જીવન અધ્યાત્મથી દોરવાયેલું હતું. પશ્ચિમી જગત તત્ત્વજ્ઞાનને બૌદ્ધિક અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિથી જુએ છે, અને એટલે જ કદાચ તેઓ ગાંધીને સમજી નથી શકતા. મારી દૃષ્ટિએ ભારતીય તત્ત્વજ્ઞાનને સમજવું એ જ ગાંધીને ઓળખવાનો સાચો માર્ગ છે. એમ ન થવાને કારણે તેમના પ્રતિપક્ષીઓ અને સાથીદારોને તેમના કેટલાક નિર્ણયો અને પગલાં ગૂઢ અને રહસ્યમય લાગતાં હતા.
ગાંધીજી ઉપર માત્ર હિન્દુ ધર્મની જ નહીં, પરંતુ જૈન અને બૌદ્ધ ધર્મ અને ભારતમાં પેદા ન થયા હોવા છતાં ભારતે જેને પોતાનામાં સમાવી લીધા છે એવા ઇસ્લામ, ક્રીશ્ચિયાનિટી અને ઝોરોઅસ્ટ્રિયન ધર્મની પણ ઘેરી અસર હતી.
ગાંધીજીને મન ભારતીય તત્ત્વજ્ઞાન કેટલું કેન્દ્રવર્તી હતું તેનું ઉદાહરણ એકનાથ ઇસ્વરન્ના પુસ્તક ‘ગાંધી ધ મેન’માં વર્ણવેલ એક કિસ્સા દ્વારા આપીશ. એકનાથ ઇસ્વરન્ મધ્ય પ્રદેશના એક નાના ગામમાં આવેલ આશ્રમમાં ગાંધીજીને મળવા ગયા. ગાંધીજી આખો દિવસ અત્યંત મહત્ત્વના મુદ્દાની ચર્ચા વિચારણામાં વ્યસ્ત હતા, તેથી એકનાથે વિચાર્યું કે તેઓ ગંભીર બાબતોની ચર્ચાથી થાકેલા હશે. પણ ગાંધીજી તો બહાર આવ્યા ત્યારે એકદમ તાજગીભર્યા લાગતા હતા, બધા સાથે વાતો કરીને રમૂજ કરતા હતા. તેમની રાહ જોઈ રહેલા સહુને પોતાની સાથે ચાલવા નિમંત્ર્યા, પણ સિત્તેરના દાયકામાં પહોંચેલા એ નાના કદના માનવી સાથે ઘણા લોકો કદમ નહોતા મિલાવી શકતા. હવે તેમના જ શબ્દોમાં વર્ણન વાંચીએ : “ગાંધીની સાયં પ્રાર્થનાનો સમય હતો. અંધારું થવા આવ્યું. ફાનસ ચારે બાજુ ગોઠવાયા. ગાંધી એક વૃક્ષ તરફ પીઠ રાખીને ટટ્ટાર બેઠા. હું તેમની સમીપ જઈને બેઠો, જેથી મારું સમગ્ર હૃદય તેમની સાથે જોડી શકું. જાપાનીઝ સાધુએ બૌદ્ધ મંત્ર સાથે શરૂઆત કરી અને ત્યાર બાદ એક બ્રિટિશ મહિલાએ ગાંધીજીનું પ્રિય ભજન ‘લીડ, કાઈંડલી લાઈટ’ ગાયું. ગાંધીએ ધ્યાનમગ્ન અવસ્થામાં આંખો બંધ કરી. જાણે એ શબ્દોમાં તેઓ તલ્લીન થઈ ગયા. પછી તેમના મંત્રી મહાદેવભાઈ દેસાઈએ ગીતાના અધ્યાયનું પઠન શરૂ કર્યું. એ અધ્યાયમાં અર્જુન – કે જે મારું અને તમારું પ્રતિનિધિત્વ કરે છે, તેણે શ્રીકૃષ્ણને – કે જે આપણી અંદર રહેલા પરમેશ્વર છે તેને પૂછે છે, ‘જેને ઈશ્વરનો હરપળે સાક્ષાત્કાર થયો છે એવી વ્યક્તિને કેવી રીતે પહેચાની શકીએ?’ કૃષ્ણ ઉત્તર આપે છે, ‘એવા લોકો સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વને જુએ છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં સર્વ ઈચ્છાઓ અને વાસનાઓ નાશ પામી હોય છે. તેઓ દુઃખમાં વિચલિત નથી થતા કે સુખમાં છકી નથી જતા. તેઓ વાસના, ભય અને ક્રોધથી મુક્ત હોય છે. આસક્તિના બંધનથી મુક્તિ પામ્યા હોવાને કારણે તેઓ સુખથી ઉત્તેજિત નથી થતા કે દુઃખમાં હતાશ નથી થતા. આ લક્ષણ છે ઋષિના.’
અર્જુનનો સવાલ રાત્રિના અંધકારમાં ગુંજતો હતો ત્યારે ગાંધીજી તદ્દન સ્થિર બેઠા હતા. તેઓ જાણે નિષ્ચેત થઈ ગયા હતા. જાણે તેઓ આ સ્થળ-કાળથી પર ઊઠી ગયા હતા. અચાનક ગીતાનો સવાલ – ‘સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો મને કહો’ – જાણે એક જીવંત વાર્તાલાપ બની ગયો. હું સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનો ઉત્તર માત્ર સાંભળતો નહોતો, હું એ જોઈ રહ્યો હતો. હું એક એવા માનવીને જોઈ રહ્યો હતો જેનામાં ગીતાએ પ્રબોધેલા બધાં લક્ષણો હતાં.”
ગાંધીજીના જીવનમાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન કેવી રીતે અને ક્યારે પ્રવેશ્યું તે સમજવા તેમના બાળપણના પ્રસંગનો ઉલ્લેખ કરું. આયા રંભાબાઇએ તેમને અંધારા અને ભૂતનો ડર કાઢવા રામનામનો જાપ કરવા કહ્યું. ગાંધીજી ભારતીય તત્ત્વજ્ઞાનનો જાગૃતપણે વિચાર કરતા થયા ત્યાર પહેલાં તેમના અનુભવ જગતમાં તેની પ્રતીતિ થતી રહેલી. જો કે હું જાણું છું એ પ્રમાણે આ મંત્ર લગભગ બધા ધર્મોમાં અસ્તિત્વ ધરાવે છે : અલ્લાહ હો અકબર, હેઈલ મેરી, ઓમ મણિ પદમે ઓમ, વગેરે. ગાંધીજીએ કહેલું, ”મંત્ર માનવીના જીવનનો એક આધાર સ્તંભ બની જતો હોય છે, જે તેને દરેક કસોટીમાંથી પાર ઉતારે છે. એ માત્ર ઠાલા શબ્દોનો ઉચ્ચાર જ નથી.”

પૉલ બેઝલી
ધર્મ, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના પરિચયનો બીજો તબક્કો ગાંધીજી બારિસ્ટના અભ્યાસ માટે લંડન ગયા, ત્યારનો ગણાય. ત્યાં તેમણે ક્રીશ્ચિયાનિટીના સંદેશાઓને આત્મસાત કરવા શરૂ કર્યા અને તેમને પ્રતીતિ થઈ કે ક્રાઇસ્ટનો બોધ ‘બીજા તમારી સાથે જેવો વ્યવહાર કરે તેમ તમે ઇચ્છતા હો તેવો વ્યવહાર તમે બીજા સાથે કરો’ એ તો ભારતીય તત્ત્વજ્ઞાન સાથે ઘણું સમય ધરાવે છે. ક્રીશ્ચિયાનિટીનો પરિચય મેળવવાની સાથે પોતાના ઇંગ્લિશ મિત્રો સાથે તેઓએ ભગવદ્દ ગીતાનો ઇંગ્લિશમાં અનુવાદ વાંચવાનું શરૂ કર્યું. એમના મનથી ગીતા ‘અધ્યાત્મનો એક સંદર્ભ ગ્રંથ’ બની ગઈ. એ વિશે તેમણે લખેલું, “ગીતાના વાંચનની મારા ઇંગ્લિશ મિત્રો પર શી અસર પડી એ તો તેઓ જ કહી શકે; પણ મારે માટે તો એ એક આચાર સંહિતાની અફર માર્ગદર્શિકા બની ગઈ. એ મારો દૈનિક વપરાશનો સંદર્ભગ્રંથ બની ગઈ. મારા જીવનમાં આવતી તમામ કસોટીઓ અને કઠિનાઈઓના ઉકેલ માટે હું તેનો ઉપયોગ કરું છું. ‘અપરિગ્રહ’ અને ‘સમભાવ’ જેવા શબ્દોએ મારા મન પર કબજો જમાવ્યો. એવી સમાનતા કેવી રીતે કેળવવી અને સાચવવી એ સવાલ હતો.” અને આપણે જાણીએ છીએ કે આગળ જતાં ગાંધીજીને આ સવાલનો ઉત્તર સાંપડ્યો, જેનો તેમણે અનેક જગ્યાએ અમલ કર્યો.
ગાંધીજી બેરિસ્ટરની પદવી મેળવ્યા બાદ ભારત પરત ગયા, પરંતુ વકીલાતમાં સફળતા મળવાની સંભાવના ન દેખાતાં દક્ષિણ આફ્રિકામાં એક કેસ લડવાનું સ્વીકાર્યું. અહીં ગાંધીજીના આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં ખરો બદલાવ આવ્યો. રંગભેદની નીતિને કારણે પીટર મેરિત્ઝબર્ગ સ્ટેશને ટ્રેનમાંથી ધક્કો મારીને ફગાવી દેવામાં આવ્યા, એ જ ક્ષણે તેમણે પોતાની અંદર રહેલા ખજાનાની શોધ આદરી. ત્યાર બાદ નિઃસ્વાર્થ સમાજ સેવા એમના જીવનનો જાણે અનિવાર્ય અંગ બની રહી.
ભગવદ્દ ગીતામાં કહ્યું છે : “તારી જાતને નિઃસ્વાર્થ સેવામાં પ્રવૃત્ત કર, કેમ કે એ તને મારા સુધી દોરી જશે.”
આમ ગાંધીજીમાં જે સંસ્કારનાં બીજ બાળપણ અને તરુણાવસ્થામાં રોપાયાં હતાં તેનાં ફળ યુવાવસ્થામાં જોવા મળ્યાં.
હવે આપણે તેમના જીવનના ત્રીજા તબક્કા તરફ નજર નાખીએ. ગાંધીજીએ પોતાના જીવનને વધુને વધુ સાદું બનાવવા માંડ્યું, જેથી તેઓ સમાજને વધુને વધુ સેવાનું પ્રદાન કરી શકે. બોઅર લડાઈમાં એમ્બ્યુલન્સ ટુકડી ઊભી કરી અને દક્ષિણ આફ્રિકામાં વસતા ગરીબ ભારતીય લોકોને ન્યાય અપાવવા માટે લડવા લાગ્યા. જેમ જેમ તેમણે અંગત ઇચ્છાઓનો ત્યાગ કરવા માંડ્યો તેમ તેમ તેમની આધ્યાત્મિક દિશામાં પ્રગતિ થતી રહી. અહીં જ તેમણે સત્ય અને અહિંસા પર પ્રયોગો કરવા શરૂ કર્યા. અહિંસાનો અર્થ માત્ર શારીરિક હિંસાનો અભાવ નથી. એ એવી સ્થિતિ વર્ણવે છે જેમાં મન, વચન અને કર્મથી અન્ય પ્રત્યે હિંસાની ભાવનાનો સદંતર અભાવ હોય. તમામ જીવ એક સમાન છે, અને તેથી બાહ્ય સ્વરૂપે બીજા પ્રત્યે હાનિકારક વિચાર કે વર્તન હું આચરું, તે ખરેખર આંતરિક રીતે મારા તરફ પણ આચરું છું એ હકીકતનો તેમાં સ્વીકાર છે.
બૌદ્ધ સાધુ પરમ પાવન ટિચ ન્હાનટ હાન (Thich Nhant Han) તેને ‘સહઅસ્તિત્વ’ તરીકે ઓળખાવે છે. હું માનુ છું કે પશ્ચિમી દૃષ્ટિકોણ મુખ્યત્વે એવો છે કે આપણે અલગતાની વિચારધારા ધરાવતા જગતમાં જીવીએ છીએ, જ્યાં તમને વધુ મળે તો મને ઓછું મળે અને મને વધુ લાભ થાય તો તમને ઓછો થાય એમ માનવામાં આવે છે. આપણે બધા બધાની સાથે સતત સંઘર્ષમાં રહેતા હોઈએ છીએ અને તેથી લડાઈ અનિવાર્ય છે અને મોટે ભાગે જરૂરી પણ છે એમ માનીએ છીએ. ગાંધી એવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે રાજકારણના ક્ષેત્રમાં સહઅસ્તીત્વનું સમર્થન કર્યું. એ નિયમાનુસાર જેનાથી તમને ફાયદો થાય તેનાથી મને પણ ફાયદો થાય અને લાંબે ગાળે જેનાથી તમને હાનિ થાય તેનાથી મને અને બીજા બધાને પણ હાનિ થાય એમ માનવામાં આવે છે.
છાંદોગ્ય ઉપનિષદ એક સુંદર ઉદાહરણ આપે છે :
મધમાખી ઘણા અલગ અલગ ફૂલોમાંથી રસપાન કરે છે અને તેમાંથી એકરૂપ મધ બનાવે છે; જેથી મધનું એક પણ ટીપું એમ ન કહી શકે કે ‘હું આ ફૂલમાંથી બન્યો છું કે પેલા ફૂલમાંથી બન્યો છું’
એ જ રીતે બધા જીવો એક છે, છતાં જાણતા નથી કે તેઓ એક છે.
આ દ્રષ્ટિએ જોઈએ તો જીસસનો ઉપદેશ ‘બીજા તમારી સાથે જેવો વ્યવહાર કરે તેમ તમે ઇચ્છતા હો તેવો વ્યવહાર તમે બીજા સાથે કરો’ – તેને કર્મના સિદ્ધાંત પ્રમાણે આ રીતે કહી શકાય:
‘તમે બીજા સાથે જેવો વ્યવહાર કરશો તેવો જ તમારી જાત સાથે કરશો.”
આમ વિચારવાથી આપણું કર્મ નિશ્ચિત થાય છે.
ભગવદ્દ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે :
“જેને બીજા પ્રત્યે દુર્ભાવ નથી હોતો, જે ધિક્કારનો બદલો પ્રેમથી વાળે છે,
જે મિત્ર અને વેરીની સરખા જ પ્રેમથી સેવા કરે છે તેને હું ચાહું છું.”
ઉપનિષદ અને ગીતાના સંદેશને આત્મસાત કરતાં ગાંધીજીને પ્રતીત થયું કે અહિંસા બધાને ફળદાયી નીવડે છે. યુરોપિયન અને ભારતીય બંને પ્રજાનું એકબીજા પ્રત્યે જાતીયતા આધારિત પૂર્વગ્રહો ધરાવતા હોવાથી નૈતિક અધઃપતન થયું હતું. એટલે તેમનો પ્રતિકાર કરવાથી જુલમ કરનાર અને જુલ્મ ભોગવનાર બંનેની સેવા થાય છે. મેં હદીસમાં વાંચ્યાનું સ્મરણ છે કે મોહમ્મદ પયગંબરને તેમના અનુયાયીએ પૂછ્યું, ‘શું મારે બધાને ચાહવા જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ?” પયગંબરે કહ્યું, “હા”, “પણ જો એ વ્યક્તિ મારું દમન કરતો હોય તો?” “તો તેનો પ્રતિકાર કરીને તારે એની સેવા કરવી જોઈએ.”
પ્રેમ અને સેવાના હેતુ સાથે પ્રતિકાર કરીએ તે લાલસા અને વેરભાવનાથી કરેલા પ્રતિકાર જેટલો જ એ અસરકારક હોય છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી શિવાનંદની પ્રાર્થના મુજબ :
જો કોઈ તારા વિષે બૂરું બોલે, તો હંમેશ તેના વખાણ કર,
જો કોઈ તને ઇજા પહોંચાડે તો તેની સારી રીતે સેવા કર,
જો કોઈ તારા પર સિતમ ગુજારે તો તેની બને તેટલી વધુ સેવા કર,
તો, તું અપાર શક્તિનો અનુભવ કરીશ, તું ક્રોધ અને ઘમંડ પર વિજય મેળવીશ,
તું શાંતિ, સમતા અને સ્વસ્થતાનો અનુભવ કરીશ,
તું પવિત્ર બની જઈશ.
પશ્ચિમી ભૌતિક દૃષ્ટિકોણથી આ વાત તદ્દન કાલ્પનિક અને અસંભવ લાગે, પણ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એમ ન ભાસે.
મને લાગે છે કે કરુણતા તો એ છે કે આનાં મૂળમાં જેને નવજાગૃતિનો સમય માનવામાં આવે છે ત્યારથી પશ્ચિમી સંસ્કૃતિ જેને ભારતીય તત્ત્વજ્ઞાન ‘માયાનું આવરણ’ કહે છે તેમાં પૂરેપૂરી ગ્રસિત થઈ ગઈ છે. પશ્ચિમી સંસ્કૃતિ જેને માપી શકાય તેને જ આધારભૂત ગણે છે. હકીકતે તેના સિવાય કોઈ વસ્તુ અસ્તિત્વ જ નથી ધરાવતી તેમ તેઓ માને છે. આથી જ પશ્ચિમના લોકો ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ અને પરમ પાવન દલાઈ લામા જેવી હસ્તીઓને સમજી નથી શકતા.
ઉપર દર્શાવેલા સિદ્ધાંતોને મધ્ય નજર રાખીને ગાંધીને સત્યાગ્રહનો વિચાર સ્ફૂર્યો. તેમને પ્રતીત થયું કે અન્યાય અને દમનનો સામનો સત્ય અને અહિંસાના માર્ગને વળગી રહીને જ કરી શકાય. એમના જીવનના પ્રારંભ કાળમાં તેમના પત્ની કસ્તૂરબાએ આ બાબતમાં એમને મદદ કરી. ગાંધીના શબ્દોમાં એ વિવરણ જોઈએ :
“જ્યારે મારી પત્ની કસ્તૂરબાને હું મારી મરજી મુજબ વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે હું અહિંસાનો પાઠ તેની પાસેથી શીખ્યો. એક તરફ મારી ઇચ્છાનો શાંતિપૂર્વક પ્રતિકાર કરવો અને બીજી બાજુ મારી મૂર્ખામીને ચુપચાપ સહી લેવાની તેની શક્તિને કારણે હું મારી જાત માટે શરમાયો અને તેણે મને મારી મૂર્ખામીમાંથી મને બચાવ્યો.”
ગાંધીજીને સત્યાગ્રહનું હથિયાર હાથ લાગ્યું, જેનો ઉપયોગ તેમણે દક્ષિણ આફ્રિકામાં હિંદના બંધુઆ મઝદૂરના અધિકારોની રક્ષા માટે કર્યો. ટ્રાન્સવાલ સરકાર સાથે તેમને સીધો સામનો કરવો પડ્યો. ગાંધીજી જનરલ સ્મટ્સને મળવા ગયા ત્યારે શાંતિથી કહ્યું, “હું આપને કહેવા આવ્યો છું કે હું આપની સરકાર વિરુદ્ધ લડત કરવાનો છું.”
જનરલ સ્મટ્સે હસીને પૂછ્યું, “શું તમે મને એ કહેવા માટે અહીં આવ્યા છો? તમારે બીજું કંઈ કહેવાનું છે?”
ગાંધીજી, “હા, અને તેમાં મારી જીત થવાની છે.”
જનરલ સ્મટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા. “અને તમે એ કેવી રીતે કરશો?”
ગાંધીએ હસીને કહ્યું, “આપની મદદથી.”
ઘણાં વર્ષો બાદ સ્મટ્સે મજાકમાં કહ્યું, “અને એ દુષ્ટ માણસે બરાબર એમ જ કર્યું.”
પ્રતિકાર કરવા માટે સત્યાગ્રહ એક એવી પદ્ધતિ છે, જેમાં પ્રતિપક્ષીને શારીરિક બળથી જીતવાની જરૂર નથી હોતી. એ એવી રીતે અમલમાં મુકવામાં આવે છે કે પ્રતિપક્ષી પોતાના હિત માટે જાતે જ પરિવર્તન પામીને સહકાર આપતો હોય છે.
ગાંધીજી કહે છે, “સત્યાગ્રહ એક સૌમ્ય હથિયાર છે, એ કદી કોઈને હાનિ ન પહોંચાડે. એ ક્રોધ કે દ્વેષ ભાવનાથી નથી પ્રયોજવામાં આવતું. સત્યાગ્રહ કદી મિથ્યાડંબર યુક્ત, અધીરો કે શોર મચાવનારો નથી હોતો. એ જબરદસ્તીનો તદ્દન વિરોધી છે. એ વિભાવનાની ઉત્પત્તિ હિંસાની સંપૂર્ણ અવેજી તરીકે થઇ છે.”
પુરાતન ભારતના પ્રખર યોગાભ્યાસી પતંજલિ મુનિએ કહેલું, “જે સ્ત્રી કે પુરુષના મનમાંથી દુશ્મનાવટનો અંત આવ્યો છે તેમની હાજરીમાં બીજા આક્રમક ન થઈ શકે. જે સ્ત્રી કે પુરુષના ચિત્તમાં તમામ ભય નાશ પામ્યા હોય તેમની હાજરીમાં કોઈ ભય ન અનુભવી શકે.”
ખરા અહિંસક પ્રતિકારથી આવી શક્તિ પેદા થતી હોય છે, જે આપણે મહાત્મા ગાંધીના જીવનમાં જોઈ શક્યા છીએ.
ગાંધીજીના હૃદયમાં વેરભાવનાનો સદંતર અભાવ હતો, માટે જ તેઓ શાંતિની અમાપ તાકાત સમા હતા. આ સત્ય બુદ્ધિથી સમજવું મુશ્કેલ છે. અહિંસક પ્રતિકારમાં સ્વૈચ્છિક કષ્ટ સહન કરવાનું હોય કેમ કે તેનું અંતિમ ધ્યેય સામા માણસના હૃદયનું પરિવર્તન કરવાનું છે. માર્ટિન લ્યુથર કિંગ ગાંધી પાસેથી આ વાત શીખ્યા; અન્યાયી પરિસ્થિતિથી પેદા થતાં કષ્ટ સ્વેચ્છાએ સહન કરીએ તો જ હિંસા દૃષ્ટિગોચર થાય અને તો જ એ જોનારના હૃદયને હચમચાવી મૂકે.
બુદ્ધ કહે છે : નફરતથી નફરત દૂર નથી થતી, નફરત પ્રેમથી જ દૂર થાય છે. આ અફર કાયદો છે.”
ગાંધી કહે છે, “આપણે સ્વીકારીએ કે નહીં, પણ પ્રેમનો કાયદો જ કામ આવશે, જેમ ગુરુત્વાકર્ષણનો સાચો ઠરે છે તેમ.”
ધમ્મપદમાં બુદ્ધ કહે છે, “હું તેને બ્રાહ્મણ કહીશ જેને કેદ કે મૃત્યુનો ભય નથી, તેની પાસે પ્રેમની શક્તિ છે, જેને કોઈ લશ્કર હરાવી ન શકે.”
સત્યાગ્રહની તાકાત વિશે ગાંધી કહે છે, “આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ કે સત્યાગ્રહનો હેતુ ખોટું કામ કરનારને શરમિંદા કરવાનો નથી, તેના હૃદયને ઢંઢોળવાનો છે. સત્યાગ્રહીનું ધ્યેય ખોટું વર્તન કરનારના હૃદયનું પરિવર્તન કરવાનું છે, તેના પર જબરદસ્તી કરવાનું નહીં.”
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ગયા ત્યારે તેમને ઘણા ભારતવાસીઓ સાથે ભારતીય તત્ત્વજ્ઞાનની બાબતમાં મતમતાંતરનો સામનો કરવો પડેલો. વિનાયકરાવ સાવરકર અને અન્ય સાગરીતોની દૃઢ માન્યતા હતી કે હિંસક સામ્રાજ્યને હઠાવવા હિંસા જ એકમાત્ર માર્ગ હતો. એ લોકોએ હિંદુત્વના નામે ભગવદ્દ ગીતાનો આશ્રય લઈને પોતાની માન્યતાને વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કર્યો. એમની દલીલ એ હતી કે ગીતા રણભૂમિમાં જ રચાઈ હતી, ભગવાન શ્રીકૃષ્ણે જ અર્જુનને ધર્મની પુનઃ સ્થાપના કરવા યુદ્ધ કરીને પોતાનો ક્ષાત્ર ધર્મ બજાવવા આદેશ આપેલો. અલબત્ત કૃષ્ણે તો તેને અનાસક્તિ ભાવથી અને શુદ્ધ હૃદયથી યુદ્ધ સંપન્ન કરવા કહેલું. આમ ગીતાના શાબ્દિક અર્થઘટનમાં પણ થોડેઘણે અંશે ચેતવણી છે. ગાંધીજીએ એવું કહ્યું હતું કે કેટલાક સંયોગોમાં કોઈનો જાન લેવો એ આપદધર્મ થઇ જતો હોય છે – માનો કે કોઈ માણસ કોઈ માનવ સમૂહ વચ્ચે તલવાર લઈને જે સામે મળે તેને હણવા લાગે અને જો તેને કોઈ જીવતો પકડી ન શકે તો જે કોઈ એ પાગલ માનવીને ખતમ કરે તે સમાજના ઓશિંગણનો અધિકારી બને છે અને તેને એક પરોપકારી વ્યક્તિ માનવામાં આવે છે. પરંતુ તેઓ એમ પણ માનતા કે જો અન્યાયી અને સંકટમય સ્થિતિ માટે તૈયારી કરવાનો સમય મળે તો હિંસા પર હંમેશાં અહિંસાનો વિજય નિશ્ચિત છે.
ગાંધી અને બીજા ઘણા ચિંતકોએ દલીલ કરી છે કે ગીતાને સમગ્ર રીતે સમજીએ તો એક જ સાર નીકળે કે તે એક રૂપક છે. ગાંધીજી સૂચવે છે કે અર્જુનને યુદ્ધ કરવા કટિબદ્ધ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ આપણી અંદર ચાલતા યુદ્ધની વાત કરે છે. વ્યક્તિના નિમ્ન સ્તર અને ઉચ્ચ સ્તર વચ્ચેની સ્પર્ધાની વાત કરે છે.
ગાંધીજીના આધ્યાત્મિક પાસાની આપણે વાત કરી. તેમના ફિલસૂફી અને ધાર્મિક વિચારોએ જ તેમને રાજકારણમાં ખેંચ્યા. અહીં તેઓ શ્રી રામકૃષ્ણ જેવા રહસ્યવાદી મહાપુરુષની પરંપરાથી જુદા પડ્યા અને સ્વામી વિવેકાનંદના ઢાંચામાં વધુ ઢળ્યા. આથી જ તેમણે કહેલું, “જો સત્યનું વ્યાપક અને વૈશ્વિક સ્વરૂપ નજરોનજર જોવું હોય તો એ વ્યક્તિએ દુનિયાના તુચ્છમાં તુચ્છ સર્જનમાં પોતાની જાતને જોવી જોઈએ. અને જે સત્યનો સાક્ષાત્કાર કરવાની મનોકામના સેવે તેને જીવનના એક પણ પાસાથી દૂર રહેવું પાલવે નહીં. સત્ય પ્રત્યેની મારી એકનિષ્ઠા મને રાજકારણમાં દોરી ગઈ. જે લોકો એમ કહે છે કે ધર્મને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ ધર્મનો અર્થ શું છે તે જાણતા નથી.”
ગાંધીના આ વલણને કારણે પોતાના જ સાથીદારો સાથે તેમને મતભેદ થતા, જેઓ પશ્ચિમની પદ્ધતિથી રાજકારણ સમજવા માગતા હતા. એ વાત નોંધનીય છે કે કારાવાસ દરમિયાન તેમના શરીરને કષ્ટ પડતું હોવા છતાં ગાંધીજીની આધ્યાત્મિક સિદ્ધિ વધતી રહેતી. તેઓ નિયમિત રીતે બાઇબલ, કુરાન અને ભગવદ્દ ગીતાનું વાંચન કરતા અને પત્રવ્યવહાર ચાલુ રાખતા. સવાલ એ થાય કે ગાંધીજીમાં એવી કઈ આંતરિક શક્તિ હતી જે તેમને સતત ક્રિયાશીલ રાખતી હતી. એ હતી તેમનામાં રહેલી અસાધારણ ઉર્જા. તેઓ વહેલી પરોઢે ઊઠી જતા. જીવન તદ્દન જાહેર હતું. તેઓએ કદી કામમાંથી રજા નથી ભોગવી. પશ્ચિમના એક પત્રકારે તેઓએ કેમ કદી રજા નથી ભોગવી એમ પૂછ્યું તેના જવાબમાં તેમણે કહ્યું, “હું હંમેશ રજા પર હોઉં છું.”
તેમની આવી અમાપ શક્તિની ચાવી ભારતીય તત્ત્વજ્ઞાનના ત્યાગના સિદ્ધાંતમાં રહેલી છે. એક વખત ગાંધીજીને પોતાના જીવનની ફિલસૂફીને થોડા શબ્દોમાં વર્ણવવાનું કહેવામાં આવ્યું. તેમણે કહ્યું, “હું ત્રણ શબ્દોમાં કહી શકું : ત્યાગ અને આનંદાનુભૂતિ.” (ઉપનિષદ: ત્યાગીને ભગવી જાણો.)
ગાંધીજીને તેમની સ્વૈચ્છીક સાદગી ચિરકાલીન આનંદનો અનુભવ કરાવતી અને તેમના મનમાં નાની મોટી તુચ્છ એષણાઓમાં કેદ થયેલી શક્તિ મુક્ત થઈને વહેવા લાગતી. ત્યાગની તીવ્ર ભાવના છેવટ તેમને કામનાના ત્યાગ સુધી દોરી ગઈ અને તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું. ખાસ કરીને પશ્ચિમના લોકો જેને સમજવી મુશ્કેલ માને છે એ ફળ પ્રત્યેની આસક્તિનો ગાંધીજીએ ત્યાગ કરેલો એ સહુથી મોટી મહત્ત્વની સિદ્ધિ છે. ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે; “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.”
ગાંધીજીએ આ આદેશને અક્ષરઃશ અપનાવ્યો. આથી જ તો ગાંધીજીના પ્રતિપક્ષીઓ અને સાથીદારોને તેમની કેટલીક રાજકીય હિલચાલ અવાસ્તવિક, નાદાન અને વિમાસણમાં મૂકી દેનારી લાગતી.
અહીં ગાંધીજીની કેટલીક ઉક્તિઓ તપાસીએ :
“સત્યાગ્રહી તરીકે મને વિશ્વાસ છે કે જે કામ શુદ્ધ હૃદયથી કર્યું હોય તેનાં ફળ જરૂર મળશે, પછી એ ફળ ભલે આપણને દેખાતું ન હોય.”
“તમે ખૂબ પ્રયત્ન કરો, પછી ફળ ઈશ્વર પર છોડી દો.”
પરંતુ તેનો અર્થ એવો નથી કે ઈશ્વરના હાથમાં જ બધું છે, માટે હું નિષ્ક્રિય રહી શકું – બધું જ સમુસૂતરું પાર પડી જશે.
તેનાથી વિપરીત, ગાંધીજીએ કહેલું, “દરેક માણસે કામ કરતા પહેલાં તેનું શું પરિણામ આવશે, તેને માટે કયાં સાધનો જોઈશે અને તેને માટે કેટલી ક્ષમતાની જરૂર પડશે તે જાણવું જોઈએ. જે આટલી તૈયારી કરી શકે તે જ ફળની આશાનો ત્યાગ કરી શકે, છતાં પોતાની સામે આવેલ કાર્યને સંપૂર્ણ કરવા ખૂબ પ્રયત્નશીલ રહે. અને તેને જ ફળત્યાગ કર્યો કહેવાય.”
હું માનું છું કે પોતાના કર્મના ફળ પ્રત્યેની અનાસક્તિએ જ તેમનામાં રહેલી રમૂજ વૃત્તિને જીવંત રાખી. તેમણે એક વખત કહેલું, “મારામાં રમૂજવૃત્તિ ન હોત તો મેં ક્યારનો ય જીવ ત્યાગી દીધો હોત.” જ્યારે હું ગાંધીજીની ભૂમિકા ભજવવાની તૈયારી રૂપે તેમના વિશેનું એક માહિતી પ્રસારણ જોઈ રહ્યો હતો ત્યારે મેં તેમને મહંમદ અલી જિન્હા અને વાઇસરોય સાથે હસતા જોયા અને વિચાર્યું કે તેઓ પરસ્પર માનવી તરીકે એકબીજા સાથે અનુબંધનો અનુભવ કરી રહ્યા હશે. દલાઈ લામા, ડેસમંડ ટુટુ અને ગાંધીજી જેવી હસ્તીઓ ખરા અર્થમાં જીવ માત્ર સાથે જોડાયેલા હોવાને કારણે મુક્ત મને હાસ્ય કરી શકે છે, અને એથી જ તો ગાંધી પોતાના મિત્રો તેમ જ પ્રતિપક્ષીઓ સાથે સમાન ભાવે પોતાના આ ખાનગી શસ્ત્રનો ઉપયોગ કરી શકતા.
અંતમાં, હું પૂછવા માંગુ છું કે ગાંધી શું એક રહસ્યવાદી હતા, કે રાજકારણી હતા કે બંને?
હું ઇચ્છું છું કે આપણે ભારતીય તત્ત્વજ્ઞાન નિર્વાણ માટેના વિવિધ માર્ગો દર્શાવે છે તે વિશે ચિંતન કરીએ. કેમ કે જિસસે કહ્યું છે તેમ ‘સ્વર્ગનું રાજ્ય તારા હૃદયમાં જ છે.’ પહેલો માર્ગ, જ્ઞાન યોગનો, જેના ઉત્તમ દૃષ્ટાંત શ્રી આદિ શંકરાચાર્ય અને રમણ મહર્ષિ થઈ ગયા. બીજો માર્ગ, તે કર્મયોગનો. પોતાની જરૂરિયાતનો વિચાર કર્યા વિના અન્યની નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ગાંધી આ માર્ગના ઉત્તમ ઉદાહરણ હતા. તેમણે કહેલું કે તેમની ઇચ્છા પોતાની જાતને શૂન્ય જેટલી સૂક્ષ્મ બનાવી દેવાની છે. ત્રીજો માર્ગ, તે ભક્તિ માર્ગ. સેન્ટ ફ્રાન્સિસ અને મીરાં તેનાં આદર્શ ઉદાહરણ. અલબત્ત આ ત્રણેય માર્ગ એકબીજા સાથે જોડાયેલા છે. ધ્યાન યોગથી આપણે જ્ઞાન, સેવા અને ભક્તિ માર્ગ વિષે ચિંતન કરી, તેને અમલમાં મૂકી શકીએ.
ગાંધીજીને પ્રાર્થના સમયે ઊંડા ધ્યાનમગ્ન દશામાં જોઈ શકાય છે. મને લાગે છે કે તેઓ પોતાના આત્માના અવાજને અનુસરીને અન્યોની સેવા કરીને એક રહસ્યવાદી બન્યા. કર્મના ફળ પ્રત્યે અનાસક્તિને કારણે તેઓ વ્યૂહરચના કરવામાં નિષ્ણાત બન્યા – અને એ બધું જ તેમણે પોતાના વિનોદી સ્વભાવને જાળવીને, મિત્રો તથા પ્રતિપક્ષીઓને એક સમાન પ્રેમ આપીને કર્યું.
ગાંધીજીના જીવનમાંથી ઉદાહરણ લઈને અને ભારતીય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીને આપણે સહુ પ્રેમ, નિઃસ્વાર્થ સેવા અને સક્રિય અહિંસા દ્વારા ગાંધી જેવી સ્વસ્થતા અને શાંતિ થોડા ઘણા પ્રમાણમાં કેળવી શકીએ.
હું ગાંધીજીના આ અવતરણથી સમાપ્ત કરીશ :
“મેં જે સિદ્ધ કર્યું છે તે કોઈ પણ સ્ત્રી કે પુરુષ સિદ્ધ કરી શકે તે વિશે મને તલભાર પણ શક નથી, જો એ મેં કર્યો છે તેવો જ પ્રયાસ કરે અને મારા જેટલી જ આશા સેવે.”
e.mail : 71abuch@gmail.com
![]()

