શિક્ષણ વિશે એટલું બધું વિચારાયું/બોલાયું/લખાયું છે કે પછી થોડા લેખોની શૃંખલાનો ઉમેરો થાય તો એને સાત સમુદ્રોના પાણીમાં એક ટીપાના ઉમેરા સાથે સરખાવવા જતાં પણ અતિશયોક્તિનો ભય રહે. તેમ છતાંયે જીવનના ચાર દાયકા એ ક્ષેત્રમાં ગાળ્યા હોવાથી એનાં કેટલાંયે પાસાં અતિ નિકટથી જોવા જાણવા મળ્યાં છે, એ વહેંચવાનો પ્રયત્ન છે.
શિક્ષણનું માહત્મ્ય
મનુષ્ય જાતિની ચૈતસિક ઉત્ક્રાંતિ થઈ એમાં શિક્ષણનો ફાળો અતિશય મહત્ત્વનો હોવા વિશે ક્યારે ય મતભેદ થયા નથી. માટે જ માનવજીવનની પાયાની જરૂરિયાતોમાં પોષણ અને સ્વાસ્થ્ય જેટલું જ પ્રાધાન્ય સદીઓથી શિક્ષણને પણ આપવામાં આવ્યું છે. આથી કોઈ પણ શાસન પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એના આયોજનમાં એવી વ્યવસ્થા કરે કે જેથી સમાજના છેવાડેના સ્તરના માણસનાં બાળકો પણ કમ સે કમ પ્રાથમિક શિક્ષણ આસાનીથી મેળવી શકે. વળી શિક્ષણની ગુણવત્તા માટે જે કોઈ માપદંડો નક્કી કરવામાં આવે, તેમાં સ્થાનિક પરિબળોને પણ ધ્યાને લેવાં જોઈએ. આવા અનેક માપદંડોને અનુલક્ષીને સમગ્ર શિક્ષણપ્રણાલીનું માળખું ઘડાવું જોઈએ. ખેર, આ તો થઈ આદર્શ વિભાવના. ચર્ચાનો ફલક ગુજરાત રાજ્ય પૂરતો સીમિત રાખીએ તો વાસ્તવિકતાનું બહુ આનંદદાયક ચિત્ર ઉપસતું નથી.
એવું તો હરગીઝ ન કહી શકાય કે આ ક્ષેત્રમાં પહેલાં બધું બહુ સારું હતું પણ છેલ્લા દાયકાઓમાં પ્રયોગશીલતાના નામે કેટલીયે વાર જાણ્યે અજાણ્યે કાચું કપાતું રહ્યું. સુવ્યવસ્થિત આયોજન વડે કરવા જોઈતા પ્રયોગની જગ્યાએ અનેક વાર આડેધડ લેવાયેલા નિર્ણયોનો અમલ અખતરાથી વિશેષ ન નિવડ્યો હોય એવા અનેક દાખલા છે. પણ એની નિષ્ફળતાનો ખ્યાલ આવે ત્યાં સુધીમાં એ નિર્ણય માટે કારણભૂત વ્યક્તિઓ પ્રણાલીથી દૂર થઈ ગઈ હોય અને એ અંગેની જવાબદારી માથે લેવા કોઈ જ તૈયાર ન હોય એવું અવારનવાર બન્યા કર્યું છે.
મોટા પાયે પરિવર્તનનો પ્રારંભ
સને ૧૯૭૪ આસપાસ ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષણના માળખામાં નોંધપાત્ર ફેરફારો થયા. ત્યાં સુધી માધ્યમિકમાંથી ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે ધોરણ ૧૧ (મેટ્રિક) પસાર કરવું પડતું. એ પછી ડિગ્રી મેળવવા માટે જે તે પ્રશાખાની કૉલેજમાં ચાર વરસ ભણવાનું રહેતું. વિજ્ઞાન પ્રશાખાના વિદ્યાર્થીને કૉલેજનાં બે વર્ષ પછી ઈજનેરી કે ડાક્ટરી કે ફાર્મસી માટે ગુણવત્તાના આધારે પ્રવેશ લેવો પડતો. બીજાઓ પોતપોતાની પસંદગી પ્રમાણે ચોક્કસ વિષય પસંદ કરી, એમાં સ્નાતકની/ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવતા.
આર્ટ્સ અને કૉમર્સના વિદ્યાર્થીઓને પણ ચાર વર્ષનો અભ્યાસક્રમ ભણ્યા પછી જે તે પ્રશાખાની ગ્રેજ્યુએટ ડિગ્રી મળતી. એ પૈકીના સાવ ઓછા વિદ્યાર્થીઓ અનુસ્નાતક ડિગ્રી માટે આગળ વધતા. એ માટેની સગવડ પણ બધાં જ કેન્દ્રોમાં ન હતી. મૅડિકલ અને એન્જિનિયરિંગ ભણવા માટે સરકારી કૉલેજો હતી. અન્ય સંસ્થાઓ કાં સરકારી હતી અથવા તો સરકાર દ્વારા અનુદાનિત હતી. ફીનું ધોરણ અત્યારે માન્યામાં ન આવે એટલી હદે વાજબી રહેતું હતું. એ પદ્ધતિ ૧૧ (વર્ષનું શાળાકીય શિક્ષણ) + ૪ (વર્ષનું કૉલેજ કક્ષાનું શિક્ષણ) તરીકે ઓળખાતી હતી.
બદલાયેલી શિક્ષણવ્યવસ્થામાં ધોરણ દસ સુધી પ્રાથમિક અને માધ્યમિક, બે વર્ષ ઉચ્ચ માધ્યમિક અને ત્રણ વર્ષ કૉલેજ એ રીતે ફેરફાર થયા. આમ, એ પદ્ધતિનું ‘૧૦ + ૨ + ૩ પ્રણાલી’ એવું નામાભિધાન થયું. એમાં એક મહત્ત્વની જોગવાઈ એ હતી કે દસ ધોરણ પછી વિદ્યાર્થી પાસે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં જવાની વિપુલ તકો રહેતી. એ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો જે તે વિદ્યાર્થી વીસેક વરસનો થાય ત્યાં સુધીમાં સ્વતંત્ર રોજગારી મેળવવા માટે તૈયાર થઈ જાય એ રીતે ઘડાયા હતા. વિવિધ હુન્નરો માટેના આ પ્રકારના અભ્યાસક્રમોનો લાભ લઈને અનેક વિદ્યાર્થીઓ પગભર થયા હોવાની જાણ છે.
પરિવર્તનનો બીજો દૌરઃ બજારની બોલબાલા
પણ આ બહુ લાંબું ન ચાલ્યું. સને ૧૯૮૦ આસપાસ સામાજિક વિચારસરણીમાં જે પરિવર્તનો આવ્યાં એમાંનું એક હતું સંતાનોને ડૉક્ટર/ઈજનેર બનાવી દેવા માટેની ઘેલછા, કહો કે લાલસા. એ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે ધોરણ બારના વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં મેળવેલી ટકાવારી ઉપયોગમાં લેવાતી હતી. આર્ટ્સ અને કૉમર્સ પ્રશાખાઓમાં પ્રવેશ કાં તો સાયન્સમાં પ્રવેશ ન મળ્યો હોય એવા વિદ્યાર્થીઓ પરાણે લેતા અથવા તો જૂજ કિસ્સામાં પોતાની પસંદગીથી પ્રાથમિકતા નક્કી કરી શકે એવાં કુટુંબોનાં સંતાનો લેતાં.
એ સિવાય દસમું ધોરણ પાસ કરનાર મોટા ભાગનાં બાળકોનાં માતા-પિતા ખૂબ મહત્ત્વાકાંક્ષી બની ગયાં. દરેકને પોતાના બાળકમાં એક તેજસ્વી ડૉક્ટર કે ઈજનેર દેખાતો હતો. વિજ્ઞાનના કોઈ વિષયની ઉચ્ચ ડિગ્રી મેળવી, સંશોધનના કે શિક્ષણના ક્ષેત્રમાં પણ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય, એવો વિચાર પણ એ ગાડરિયા પ્રવાહમાં દોડી રહેલાં વિદ્યાર્થીઓને કે એમનાં વાલીઓને આવતો ન હતો. માટે, એ ઘેલછાનું પોતાના આર્થિક લાભોમાં પરિવર્તન કરવા માટેનાં પરિબળો તરત જ કાર્યરત થઈ ગયાં અને જોતજોતામાં એક બજાર ઊભું થઈ ગયું!
વિજ્ઞાનપ્રવાહના અગિયારમા ધોરણમાં આવતો બાળક એક વિદ્યાર્થી ન રહેતાં એક સ્પર્ધક બની ગયો. ખાનગી ક્લાસીસ, પર્સનલ ટ્યૂશન અને ગાઈડો અનિવાર્યરૂપે ચલણમાં આવી ગયાં. નિશાળોમાં વિજ્ઞાનના વિષયો ભણાવતા શિક્ષકોને એ ભાન થયું (અથવા કરાવવામાં આવ્યું) કે એ લોકો તો ટંકશાળ ઊભી કરવા માટે સક્ષમ હતા. એમણે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન પોતાની નિશાળના વર્ગમાં નહીં, પણ ખાનગી વર્ગોમાં અને ટ્યૂશનમાં કરવામાં થતા મસમોટા આર્થિક ફાયદાઓ જોયા. બહુ લાંબા નહીં એવા ગાળામાં પરિણામ એ આવ્યું કે શાળાકીય શિક્ષણનું કોઈ મહત્ત્વ જ ન રહ્યું. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે કૉલેજના તેમ જ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગોના ઘણા અધ્યાપકોએ પણ અગિયાર-બાર ધોરણનાં વ્યવસાયિક શિક્ષણના ધંધામાં (કોઈ શાલિન શબ્દ નથી મળતો!) ઝંપલાવવાનું પસંદ કર્યું. અલબત્ત, અલગ અલગ સ્તરના શિક્ષકોનો એક મોટો વર્ગ એવો હતો કે જે પોતાના સિદ્ધાંતો સાથે જરા પણ સમાધાન કર્યા વગર આ પ્રકારની દોટમાં ન જોડાયો. પણ, વર્ષો વીતતાં એવા શિક્ષકો દયાજનક લઘુમતીમાં અને છેવટે લુપ્તપ્રાય પ્રજાતિમાં આવી ગયા. વિદ્યાર્થી અને વાલી આલમમાં એક સજ્જડ માન્યતા ઘર કરી ગઈ કે કારકિર્દી બનાવવા માટે અભ્યાસની ગુણવત્તાની નહીં, પણ પરીક્ષાના ગુણપત્રકની સમૃદ્ધિ જ કામની હતી.
ફિલીપાઇન્સમાં ફાફડા અને ક્રોએશિયામાં કચોરી?
જો કે મર્યાદા એ હતી કે એ અરસામાં ગુજરાતમાં આંગળીને વેઢે ગણાય એટલી મૅડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજો હતી. આથી કોથળો ભરીને પૈસા ખર્ચ્યા પછી સૂંડલો ભરીને માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓમાંથીયે ઘણા પસંદગીની ધારામાં પ્રવેશ ન મેળવી શકતા. એવાઓ માટે પણ બધી જ દિશાઓ બંધ ન થઈ જતી. દક્ષિણ ભારતમાં તબીબી અને ઈજનેરી માટેની સ્વનિર્ભર કૉલેજો બહુ લાંબા સમયથી હતી જ. ધોરણ બારમાં જેને અપેક્ષિત પરિણામ ન મળે એવાં સંતાનોને આર્થિક રીતે સક્ષમ એવાં કુટુંબો ત્યાંની કૉલેજોની અને હોસ્ટેલોની ઊંચી ફી ભરીને ઇચ્છિત અભ્યાસ કરવા મોકલી આપતાં. તે બધી કૉલેજોને વિદ્યાર્થીઓ મળી રહેતા. તે સિવાય સાવ ઓછા માર્ક લઈને પાસ થનારા વિદ્યાર્થીઓ માટે રશિયા, ચીન, ફિલીપાઇન્સ અને લેબેનોન જેવા પરદેશોની તબીબી કૉલેજો જાજમ પાથરવા લાગી. પણ વાલીઓને એવા પારકા પરદેશોમાં માંડ પુખ્ત વયે પહોંચ્યાં હોય એવાં સંતાનોને મોકલવાનો ખચકાટ થાય એ સ્વાભાવિક હતું. એનો રસ્તો પણ કેટલાક ‘ઉદ્યોગસાહસિકો’એ કાઢી આપ્યો. એ લોકોએ જે તે દેશની સંસ્થાઓ સાથે સમજૂતી સાધવાનું શરૂ કર્યું. એને પરિણામે બહુ ટૂંકા ગાળામાં ત્યાં ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ રહેવાની વ્યવસ્થા, ગુજરાતી ભોજન અને વધુમાં એમની સંભાળ લેનારાઓ સહિતની સગવડો ઊભી થવા લાગી. અખબારોમાં આને લગતી આખા પાનાની જાહેરખબર જોયાનું ઘણાના ખ્યાલમાં હશે. હા, એમાં ‘ફિલીપાઇન્સમાં ફાફડા અને ક્રોએશિયામાં કચોરી’ જેવો ઉમેરો કરવાનો વિચાર કોઈને ન આવ્યો એ ખરું!
સ્વનિર્ભર સંસ્થાઓઃ બાપના કૂવામાં બૂડી મરાય?
ગુજરાત રાજ્યમાં હજી શિક્ષણના ક્ષેત્રે સ્વનિર્ભરતા પ્રવેશી ન હતી. ધંધેધાપે દુનિયાભરમાં મશહૂર એવા કેટલાક ગુજરાતીઓના ખ્યાલે ૧૯૮૦ આસપાસ આ બાબત આવી. આવા સમયને સુપેરે પારખી જનારાઓમાં રાજકારણીઓ અગ્રસર હતા. આમ પણ એમની દૃષ્ટિ બહુ દૂર સુધી જોઈ શકતી હોય છે. ‘ગુજરાતનું યુવાધન શા માટે બહારનાં રાજ્યોમાં ઘસડાઈ જવું જોઈએ’ એવા ઓઠા હેઠળ ઠેર ઠેર ચર્ચાઓ શરૂ કરવામાં આવી. હકીકતે એમાં ‘યુવા’ શબ્દ તો માત્ર આંત્રપૂચ્છ સમાન હતો. ધનની વાત આવે ત્યારે ગુજરાતી બચ્ચો આગળ આવ્યા વિના રહે? પછીના સમયમાં પૈસા રોકનારા ‘ઉદ્યોગસાહસિકો’ અને વિવિધ સત્તામંડળોની મંજૂરી મેળવી શકે એવા કાબેલ રાજકારણીઓએ સાથે મળીને ગુજરાતમાં જ સ્વનિર્ભર તબીબી અને ઈજનેરી કૉલેજોની સ્થાપના કરવી શરૂ કરી. અલબત્ત, શરૂઆતનાં વર્ષોમાં અસ્તિત્વમાં આવી એવી સંસ્થાઓના સંચાલકોએ ગુણવત્તાને પણ પ્રાધાન્ય આપવાનું રાખ્યું. તે સમયની સ્વનિર્ભર કૉલેજોમાંની કેટલીક આજે પણ ખાસ્સી પ્રતિષ્ઠા ધરાવે છે. પણ એમાંથી પ્રેરણા લઈને લેભાગુ પ્રકારના ધંધાદારીઓએ આ પ્રવૃત્તિમાં ઝૂકાવ્યું. આ સાથે શરૂ થઈ ગુણવત્તા સાથે સમાધાન કરીને રળી લેવાની પ્રવૃત્તિ. આ ક્ષેત્રમાં પૈસાના અથવા સત્તાના જોરે સાવ સિદ્ધાંતહીન લોકો દાખલ થઈ ગયા. ધારાધોરણોની ઐસીતૈસી કરીને જે તે સત્તામંડળ પાસેથી ઉઘાડેછોગ ઇચ્છિત મંજૂરી મેળવી લેવા માટે કોઈ પણ રસ્તો અપનાવવાનો છોછ ન રહ્યો. આગળ વધતાં આ પ્રકારની સ્વનિર્ભર સંસ્થાઓ ડૅન્ટલ, ફિઝિઓથેરાપી અને નર્સિંગ જેવા ઉપતબીબી અભ્યાસક્રમો માટે પણ ખૂલવા લાગી.
જે ઝડપથી આવી સંસ્થાઓ તરબતર થવા લાગી એ જોતાં ઉચ્ચ માધ્યમિકથી લઈને નીચે ઊતરતાં પ્રાથમિક ધોરણો અને પૂર્વપ્રાથમિક વર્ગો સુધીની સ્વનિર્ભર શાળાઓ પણ શરૂ થવા લાગી. આગળ જતાં શિક્ષક બનવા માટે ઉત્સુક હોય એવા યુવાનો માટે પી.ટી.સી. અને બી.એડ. તેમ જ એમ.એડ. જેવા અભ્યાક્રમો ચલાવતી અને એની ડિગ્રી આપતી સ્વનિર્ભર કૉલેજો ઉધઈના રાફડા જેમ ફાલવા લાગી. એવી સંસ્થાઓના સંચાલકો નિયમન તંત્રોને અને એમના દિશાનિર્દેશોને ઘોળીને પી જવા માટે આર્થિક અથવા તો રાજકીય (અથવા તો બંને પ્રકારની) ક્ષમતા ધરાવતા હતા. શિક્ષકોની પસંદગીનાં કોઈ જ ધારાધોરણોનું પાલન કર્યા વગર રાખી લેવામાં આવતા. એમને ચૂકવવામાં આવતા પગાર બાબતે તો વાત ન કરીએ એ જ હિતાવહ છે. ઉમેદવારોને ઈન્ટરવ્યુ સમયે જ બિલકુલ ઓછી રકમ મળશે અને પૂરા પગારની રસીદ આપવી પડશે એ કહી દેવામાં આવતું. હા, સાથે સધિયારો પણ આપવામાં આવતો કે એને કરવાં હોય એટલાં ટ્યૂશન્સ કરવા સામે કોઈ જ વાંધો નહીં ઉઠાવે. આ ટ્યૂશન્સવાળી વાત શિક્ષકોને અને વાલીઓને એટલી બધી ભાવી ગઈ કે પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક વર્ગોનાં બાળકો અને એમનાં વાલીઓ પણ ટ્યૂશનને ભણતરનું અનિવાર્ય અંગ સમજવા લાગ્યાં. અત્યારે હાલત એ છે કે તબીબી કે ઇજનેરી જેવી વિદ્યાશાખાઓના અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત માર્ગદર્શન કે ખાસ વર્ગો દ્વારા માર્ગદર્શન આપનારી કેટલીક સંસ્થાઓ ચાલી રહી છે.
એ અરસામાં સરકારોની સમજ પણ વિકસવા લાગી. શિક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં થતા ખર્ચમાં કાપ મૂકવામાં આવે તો એ બચતનો ઉપયોગ ઉત્સવો અને મેળાઓના આયોજનમાં વાપરી, લોકરંજન કરવાથી કામ કરતી સરકાર તરીકે સ્થાપિત થવાય એ ખ્યાલ બરાબર વિકસી ગયો. આમાં સૌપ્રથમ ભોગ લેવાયો ઉચ્ચ શિક્ષણનો.
સરકારની ભૂમિકા
શૈક્ષણિક કર્મચારીઓની ભરતી ઉપર મોટા કાપ મૂકાતા રહ્યા. સ્વાભાવિક રીતે જ આની અસર વિદ્યાર્થીઓની ગુણવતા ઉપર પડે. એનો સીધો અને સરળ ઉપાય એ હતો કે ઉજ્જવળ પરિણામો ઘોષિત કરવામાં આવે. આને માટે યુનિવર્સિટી જેવા સત્તામંડળ માટે ‘ઉપરથી’ સૂચના આવે અને એ પણ મૌખિક! અમૂક કુલપતિઓ સામે પ્રવાહે તરવા ગયા એમને યોગ્ય તોર-તરીકાઓથી પાઠ ભણાવી દેવામાં આવ્યા. એવાઓની મુદત પૂરી થયે એકદમ કહ્યાગરા અને વ્યવહારૂ કુલપતિઓ આવી જવા લાગ્યા. ગાંધીનગરના શિક્ષણ વિભાગના કારકૂનો સામે લળી લળીને, હસી હસીને રજૂઆતો કરતા કુલપતિઓ એક કરતાં વધારે વાર નજરે પડ્યા છે.
એક બાજુ સરકારે ભરતી સાવ ઓછી કરી નાખી અને બીજી બાજુ ‘તાલુકે તાલુકે કૉલેજ’ અભિયાન અંતર્ગત નવી સરકારી કૉલેજો શરૂ કરી. ચોક્કસ સમજણ સહિત નવી નિમણૂકો કરવાની જ નહીં, પણ કાર્યરત કૉલેજોના શૈક્ષણિક કર્મચારીઓને એવી કૉલેજોનો હવાલો સોંપી દેવામાં આવે. આ રીતે ઉઠાવી લેવાયેલા અધ્યાપકોનાં નામ એમની મૂળ કૉલેજના પગારપત્રકમાં જ રહે, આથી એમની જગ્યાએ અન્ય શૈક્ષણિક કર્મચારી ન મળી શકે. વળી એ ઉપરાંત સરકારે કેટલીક એવી પણ કૉલેજો શરૂ કરી, જે સંપૂર્ણપણે સ્વનિર્ભર ઢાંચા ઉપર ચલાવવાની હતી. જ્યારે આવી સરકારી સંસ્થાને મંજૂરી આપવામાં આવે છે, ત્યારે એક મહત્ત્વની પૂર્વશરત એ હોય છે કે એના સંચાલનમાં સરકારી સંસાધનોનો કે સરકારી કર્મચારીઓનો ઉપયોગ નહીં કરવામાં આવે. અત્યારની છાપાળવી ભાષામાં કહીએ તો આવી સમજણના લીરેલીરા ઉડાડી દેવામાં આવતા રહ્યા છે. આજે પણ કાર્યરત હોય એવી સરકારી કૉલેજોમાંથી અધ્યાપકોને ઉઠાવી, સ્વનિર્ભર સરકારી કૉલેજોના સંચાલનમાં મૂકી દેવામાં આવે છે. વળી સરકારના રૂપાળાં નામાભિધાનથી વિભૂષિત એવા કાર્યક્રમોમાં પણ સરકારી કૉલેજોના અધ્યાપકોને કામે લગાડી દેવામાં આવતા રહે છે.
આવાં અનેક કારણોસર શિક્ષણની ગુણવત્તાનો ભોગ લેવાયો હોય એ સ્વાભાવિક છે. પણ એનોયે રસ્તો કાઢવામાં આવ્યો. પરિણામો ખૂબ જ ઊંચાં અપાવા લાગ્યાં. ગુણાત્મકતાની ખોટ સંખ્યાત્મકતા વડે કુશળતાપૂર્વક ઢંકાતી રહી છે. સંખ્યાત્મકતાની વાત નીકળી છે તો એક વધારાના આયામ ઉપર પણ નજર નાખવા જેવી છે. રાજ્યમાં યુનિવર્સિટીઓની સંખ્યા પણ ગુણવત્તાની કોઈ જ પરવા કર્યા વિના વધારવામાં આવી રહી છે. જે તે યુનિવર્સિટી રૂડાંરૂપાળાં નામાભિધાન હેઠળ અલગ અલગ પ્રકારના અનેક અભ્યાસક્ર્મો ચલાવવા લાગતી હોય છે. એક પણ અધ્યાપક કે વહીવટી કર્મચારીની નિમણૂક કર્યા વિના યુનિવર્સિટી શરૂ કરી દેવામાં આવે, એ બાબતે હવે તો ઊહાપોહ થવો તો દૂર, ચર્ચા પણ નથી થતી.
શરૂઆતમાં કહ્યું એમ, આ બાબતે એકથી વધારે મહાનિબંધો લખી શકાય અને તોયે પાર ન આવે. હા, હજી પણ રૂપેરી કિનાર અવારનવાર દેખાતી રહે છે એ રાહતની બાબત છે. પાછા બહેતર દિવસો આવશે અને લાક્ષણિક વેપારી માનસિકતા ધરાવતા ગુજરાતમાં સારું અને સાચું શિક્ષણ ‘વાજબી ભાવે’ મળતું થશે એવી આશા સાવ છૂટતી નથી.
e.mail : piyushmp30@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 08-11