નિકાસ એ રાજ્યની આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવતું પરિબળ છે. એનો સુંદર રીતે ઉપયોગ કરીને ચીન વિકાસ પામ્યું છે. ચીનની એ નીતિ અને વલણને સમજીને ભારત પણ પોતાના વિકાસનો માર્ગ નિકાસને આધારિત બનાવી શકે છે. આ લેખમાં ચીનની નીતિ ઉપરથી ભારત શું કરી શકે છે, એના વિષેની ટૂંકમાં ચર્ચા કરેલ છે.
ભારતદેશના વિકાસની વાત, જ્યારે કરવાની હોય ત્યારે અર્થવ્યવસ્થાના અમુક વિશેષ પરિબળોની ચર્ચા કરવી જોઈએ, કારણ કે હાલના વિકસિત દેશોએ વિકાસ કરતી વખતે અર્થવ્યવસ્થાને અત્યંત મહત્ત્વ આપ્યું છે, એની સાથે વિકાસનાં બીજા પરિબળોને પણ ધ્યાનમાં રાખીને દુનિયામાં પોતાનું મહત્ત્વ વધારવામાં સફળ થયા છે. આ જોતાં ભારતના વિકાસ માટે તેની અર્થવ્યવસ્થામાં આયાત અને નિકાસ દ્વારા વિકાસ કેમ કરી શકાય, એ જાણવું આપણા માટે જરૂરી બની જાય છે.
ચીન જ્યારે વિકાસ કરતું હતું, ત્યારે તેણે એક નીતિ અપનાવી હતી, ‘આયાતઅવેજી નીતિ’. આ બહુ જૂની નીતિ છે. આ નીતિ એટલે આયાતની અવેજીમાં નિકાસ વધારે કરવાની. આ માટે ચીને પહેલાં દ્વિપક્ષીય સંબંધોથી પોતાના દેશના લોકો માટે ઉત્પાદનનું કામ યુરોપ અને અમેરિકા પાસેથી મેળવ્યું. એના માટે એમની જ પાસેથી નાણાંની વ્યવસ્થા કરી, જેથી તે કાચો માલ ખરીદી શકે. હવે વધારે ઉત્પાદન માટે કાચા માલની જરૂર પડે, તે ક્યાંથી લીધો? તે કાચો માલ તેણે પોતાના પાડોશી દેશો પાસેથી ખરીદ્યો. જેમ કે તેલ એણે કિર્ઘીસ્તાન પાસેથી લીધું/ખરીદ્યું. બીજો કાચો માલ તેણે ઉત્તરપૂર્વીય એશિયાનાં રાજ્યો પાસેથી સસ્તા ભાવમાં લીધો, પોતે તૈયાર કરેલા સામાનનું સુંદર રીતે પૅંકિંગ કર્યું અને વિકસિત દેશોને મોંઘા ભાવે મોકલતું રહ્યું. ચીનની આ નીતિએ એને સફળતા અપાવી. આ રીતે ચીન આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરતું રહ્યું. હાલમાં જ અમેરિકાના પ્રમુખ ચીનની મુલાકાતે ગયા હતા, ત્યારે ૮૦૦ વિમાનોનો કરાર કરી ચીને ફરીથી નાણાં ઊભાં કરી લીધાં. ટૂંકમાં, ચીને ઉત્તરપૂર્વીય એશિયન રાજ્યો પાસેથી પોતાની વિશાળ ઉદ્યોગની ભૂખને સંતોષવા કાચો માલ મેળવ્યો અને તૈયાર માલ યુરોપિયન દેશો અને અમેરિકાને વેચ્યો. આમાં, ચીનને લાભ થયો.
હવે ભારતદેશે પણ આપણા નાના પાડોશી દેશો એટલે કે દક્ષિણ એશિયાનાં રાજ્યો સાથે સારા સંબંધ સ્થાપિત કરવા જોઈએ અને ત્યાંથી સસ્તા ભાવે આપણા ઉદ્યોગોને જરૂરી માલ ખરીદવો જોઈએ, જેથી એ રાજ્યોને પણ પ્રોત્સાહન મળે અને આપણા પાડોશી દેશો સાથે સંબંધ પણ સુધરી શકે. આપણે ત્યાં ઉત્પાદિત થતો સામાન છે, તેની પણ નિકાસ ક્યાં કરવી જોઈએ, એના માટે આપણે વિકસિત દેશની બજારનો અભ્યાસ કરવો જોઈએ અને આનાથી આપણે ‘આયાતઅવેજી નીતિ’થી આપણી નિકાસ પણ વધારી શકીશું.
આ તૈયાર થયેલો સામાન કયા દેશને વેચવો એની પણ એક અલગ નીતિ ચીને અપનાવેલી છે. આપણે જ્યારે ઉત્પાદન કરીએ, ત્યારે સૌથી વધારે અગત્યતા-બજારમાં કઈ વસ્તુની માંગ છે, એના પર આધારિત છે. જેની માંગ વધારે હોય તેનું ઉત્પાદન કરવું જોઈએ. ચીનના એક્સપર્ટ્સે (નિષ્ણાતોએ) બીજા દેશોમાં ક્યા તહેવારો ઊજવાય છે અને ત્યાં કઈ વસ્તુની માગ છે, તેનો અભ્યાસ કર્યો. આજે આપણે ત્યા ચીન દિવાળી વખતે સમયસર લાઇટ્સ, પાવરવાળા દીવા, આવી અનેક વસ્તુઓ ઉત્પાદન કરીને આપણને મોકલી આપે છે. અને આપણા જ દેશમાં બનેલા માટીના દીવા (કોડિયા) ધૂળ ખાતા પડી રહે છે. માટે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગીએ છીએ, એનો પહેલાં અભ્યાસ કરવો પડે કે આપણા દેશની બજાર સિવાય બીજા કયા દેશમાં એ વસ્તુની માંગ છે.
આ વસ્તુનું મહત્ત્વ એટલા માટે છે કે વિકાસ માટે વિદેશ વ્યાપાર અત્યંત જરૂરી છે. ચીન વિદેશ વ્યાપારના આધારે પોતાનો નંબર ૩૨થી ઉપર લઈ જઈને નંબર-૩ સુધી પહોંચી ગયું છે. પણ આ અંતર કાપતાં તેને ૨૭ વર્ષ લાગ્યાં છે – ૧૯૭૮ થી ૨૦૦૫. આપણે ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ અને ‘મૂડીઝ’ના રેટિંગ પ્રમાણે પહેલું પગથિયું ચડ્યા છીએ. આગળ જતાં આ બધા ફેરફારો ભારતને ચોક્કસ લાભ કરાવશે. ચીનમાં પણ શરૂઆતના વર્ષમાં ૫૬ ટકા ટેરિફ રેટ હતો. ધીમે ધીમે ૨૦૦૫ સુધીમાં તેનો ટેરિફ રેટ ૯.૯ ટકા સુધી નીચે આવી ગયો. એમ ભારતમાં પણ અત્યારે જે જી.એસ.ટી. બધાને આકરો લાગે છે તે જ પછીથી આપણા દેશવાસીઓને ફાયદાકારક સાબિત થશે, એવું ચીનની હાલની પરિસ્થિતિ જોતા લાગે છે.
ચીનની બીજી વિશેષતા એ છે કે પોતાની આર્થિક સ્થિતિને સુધારવા તે દુનિયાથી પ્રતિકૂળ વિચારસરણી ધરાવવા છતાં પરિસ્થિતિને સુધારવા માટે ખૂબ અનુકૂળ બની ગયું. એક સામ્યવાદી રાજ્ય પોતાના કાયદાઓમાં કોઈ ફેરફાર ન કરે, પણ જ્યારે ચીનને ૧૫ વર્ષના પરિશ્રમ પછી ડબલ્યુ.ટી.ઓ.માં સ્થાન મળ્યું, ત્યારે પોતાના દેશના વ્યાપારના નિયમો ડબલ્યુ.ટી.ઓ. પ્રમાણે બદલાવ્યા. ચીનના આવા બદલાવ અને તેના સતત આગળ વધતા વિકાસ ને કારણે એક સમયે દુનિયામાં ચીન માટેનો ભય ઉત્પન્ન થયો. ખાસ કરીને અમેરિકાને લાગ્યું કે હવે ચીન તેનાથી પણ આગળ નીકળી જશે. ત્યારે ચીને પોતાના કોઈ પણ કાર્યમાં ફેરફાર કર્યા વગર અમેરિકાનો વિશ્વાસ જીતવા માટે નરમાશભર્યું વર્તન દાખવ્યું. આમ, ચીને પોતે અમેરિકાને public diplomacy દ્વારા સાંત્વના આપી કે એને દુનિયાના વડા દેશ બનવાની કોઈ ઇચ્છા નથી. બસ, પોતાના દેશની પ્રજાને સારી જિંદગી આપવાની ઇચ્છાથી એ આર્થિક રીતે સધ્ધર થવા માંગે છે.
આજે ભારતદેશમાં પણ વસ્તી ઘણી છે અને ભારતના વિકાસથી ચીનની ચિંતા વધી છે. તો આ સમયે ભારતના નેતાઓએ ચીનને સાંત્વના આપવી જોઈએ કે આપણે એમના લોકોની રોજગારી એમની પાસેથી છીનવી લેવા માંગતા નથી. ભારતે પણ પબ્લિક ડિપ્લોમસી દ્વારા ચીનને સાંત્વના આપવાની જરૂરત જણાય છે. અમે ભારતના વિકાસ અને લોકો તંદુરસ્ત જીવન જીવી શકે, એના માટે પર્યાવરણના સુધાર અને સ્વચ્છ જીવન માટે અમારી આર્થિક સ્થિતિને થોડીક સુધારવા માંગીએ છીએ. એ જો ભારત સ્પષ્ટતા કરી દે તો ચીનને શાંતિ થાય અને બોર્ડર ઉપર પોતાના સૈનિકોને હંમેશાં તૈનાત રાખે છે, એમાં પણ થોડી હળવાશ આવી શકે.
ચીનનો વિકાસ નિકાસ પર આધારિત હતો અને જેમજેમ પરિસ્થિતિ બદલાતી ગઈ તેમતેમ ચીનની નીતિ એ જ રહી પણ સ્વભાવને અનુકુળ રાખીને આગળ વધતું રહ્યું. આ પ્રકારના ચીનના અનુકૂળ સ્વભાવના કારણે આજે ચીન દુનિયામાં સધ્ધર અને એક વિકસિત દેશની હરોળમાં પહોંચી ચૂક્યું છે. આમ, અનુકૂળ વલણ અને ‘આયાતઅવેજી નીતિ’ ભારતને આગળ વધારવા માટે ચોકકસ મદદરૂપ થઇ શકે છે, પરંતુ ભારતને આ નીતિને અપનાવવા માટે અમુક પડકારોને પહોંચી વળવું આવશ્યક છે. જેમ કે, ચીન પહેલેથી જ દુનિયાની બજારમાં પોતાનો માલ સસ્તા ભાવે વેચે છે, તો ભારતીય વેપારીઓએ કઈ વસ્તુની દુનિયામાં માંગ છે, જે ભારત ઉત્પાદન કરી શકે છે અને ચીન જેનો વ્યાપાર નથી કરતું, એવી વસ્તુઓની નિકાસ દ્વારા ભારત પોતાનું સ્થાન દુનિયામાં બનાવી શકે છે.
ભારત સામે બીજો પડકાર એ છે કે ચીનને દ્વિપક્ષીય સંબંધોની તક મળી હતી, કારણ કે ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પણ દ્વિધ્રુવીય હતી. અત્યારની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બહુધ્રુવીય છે, જેથી ભારતને બહુપક્ષીય સંસ્થાઓ દ્વારા પોતાનાં વિવિધ પરિબળોને મજબૂત બનાવવા પડે છે. આમ, ભારતે આર્થિક તથા રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને અનુકૂળ સ્વભાવથી ‘આયાતઅવેજી નીતિ’ ઘડવી આવશ્યક લાગે છે.
E-mail : vyapalak112@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 12-13