
નેહા શાહ
“ક્યાં સુધી પુરુષોના નાજુક અહંકારને કારણે છોકરીઓની હત્યા થતી રહેશે?” આ સવાલ રાધિકા યાદવની મિત્ર અને ટેનિસ ખેલાડી હિમનશીખા સિંહ રાજપૂત પૂછે છે. માત્ર હિમનશીખા જ નહીં, દેશની દરેક દીકરી આ પ્રશ્ન પૂછે છે. આ એ જ રાધિકા યાદવની વાત છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ટેનિસમાં ભારતનું પ્રતિનિધત્વ કરી ચૂકી હતી, જેની ૧૦મી જુલાઈની સવારે ગુડગાંવ ખાતેના એના ઘરમાં તેના પિતાએ જ ગોળી મારી હત્યા કરી. ખભાની એક ઈજા પછી તે સ્પર્ધામાં ભાગ લઇ શક્તિ ન હતી તો એણે ટેનિસ એકેડમી શરૂ કરી. એકેડમીમાંથી આવતા પૈસા અને ખ્યાતિના એની આજુબાજુના સમાજને પસંદ ન આવી, ન એના પિતાને ! પોલીસ સામે કરેલી કબૂલાત પ્રમાણે તો સમાજના લોકો એને ટોણાં મારતાં હતા કે એ દીકરીની કમાણી પર જીવી રહ્યો છે, જેની એને ખૂબ શરમ આવતી હતી. એમણે રાધિકાને ટેનિસ એકેડમી છોડી દેવા દબાણ કર્યું, પણ રાધિકા માની નહિ, જે દીપક કુમારના અહમને માફક ન આવ્યું, એ ભલેને જન્મદાતા જ કેમ ન હોય!
કહે છે કે રાધિકાના પિતા દીપક કુમાર પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા, તેમ છતાં એની પર ગોળી ચલાવવાની હરકત કરી બેઠા ! જેનો એમના ચહેરા પર કોઈ રંજ દેખાતો ન હતો ! એક પિતા દીકરીને પ્રેમ કરતા જ હોય, પણ એ બિનશરતી હોય એ જરૂરી નથી. સામાજિક ધારા-ધોરણોનાં દબાણની પરવશતા આવતી જ હોય છે. લોકો શું કહેશે એ ડરનો ભાર એટલો મોટો હોય છે કે માણસ લોક અભિપ્રાયને જ યોગ્ય માની પોતાની રીતે સાચું ખોટું નક્કી કરતો જ નથી. પિતૃસત્તાક મૂલ્યો સ્ત્રી અને પુરુષ બંનેની ભૂમિકા નક્કી કરે છે. આ કિસ્સામાં રાધિકા અને દીપક કુમાર બંને એનો ભોગ બન્યાં. દીપક કુમાર પિતા તરીકે દીકરીની જિંદગી પર નિયંત્રણ રાખવાનું યોગ્ય સમજતા હોઈ, સમાજનાં ટોણાં પચાવી શક્યા નહિ. સમાજના નિયમોમાં બંધાઈને ચાલવાનું દબાણ એમણે માથે રાખ્યું. દીકરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા સુધી પહોંચી છતાં એની વ્યક્તિગત સ્વતંત્રતા તેઓ સ્વીકારી શક્યા નહીં. જોવાનું એ છે કે સમાજમાં એવા પણ લોકો છે કે હોનહાર દીકરીની સફળતાને બિરદાવવાને બદલે એના પર નિયંત્રણ નહિ રાખી શકવા બદલ તેના પિતાને મહેણાં-ટોણાં મારે!
કોઈ પણ સ્ત્રી પોતાની પસંદગી પ્રમાણે જીવન વિતાવવાનું નક્કી કરે અને એ માટે સમાજ સામે ખુમારીથી ઊભી રહે તો પિતૃસત્તાક મૂલ્યોને પરવડતું નથી. છોકરીઓને સમાન શિક્ષણ આપો અને સમાન તક આપો – જેમ કે રાધિકાને ટેનિસ રમવાની તક મળી – એનાથી માનસિકતા બદલાતી નથી. પિતૃસત્તાક મૂલ્યો સતત નક્કી કરતા રહે છે કે છોકરી કોને મળી શકે, કોની સાથે વાત કરી શકે, કોને પ્રેમ કરી શકે, કામ કરી શકે કે નહિ, કપડાં કેવાં પહેરી શકે, સોશ્યલ મીડિયા વાપરી શકે કે નહિ … વગેરે … વગેરે …. આ નિયમોથી હટીને રહેનાર સામે આંગળી ચિંધાતી રહે, ધાક-ધમકી મળતાં રહે, ઘરેલું મારપીટ પણ થતી રહે. આ બધા પિતૃસત્તાક હિંસાના પ્રકાર છે. એ સંદર્ભે રાધિકાની હત્યા ‘ઓનર કિલિંગ’નો જ એક પ્રકાર છે. જો ઓનર કિલિંગની બહોળી વ્યાખ્યા કરવી હોય, તો સ્ત્રીની સ્વાયત્તતા સામે પિતૃસત્તાક વ્યવસ્થા પ્રેરિત થતી હત્યા એમ કહી શકાય. કુટુંબની આબરુને સ્ત્રીની પવિત્રતા સાથે સાંકળતી સંસ્કૃતિમાં ‘ઓનર કિલિંગ’ તરીકે થતી હત્યા જોવા મળતી હોય છે જેનો ભોગ સ્ત્રીઓ અને એમના જોડીદાર પુરુષ બંને બનતાં હોય છે. સામાન્ય રીતે એની પાછળનું મુખ્ય કારણ સામાજિક ધોરણોથી વિરુદ્ધ જઈને થતાં પ્રેમ અને લગ્ન સંબંધ હોય છે કારણ કે, સ્ત્રીની જાતીયતા અને જાતીય પસંદગી પર હંમેશાંથી સામાજિક નિયંત્રણ રહ્યા છે. પણ, ભણાવી ગણાવીને પગ પર ઊભા રહેવા તૈયાર થયેલી દીકરીના કામ કરવા અંગે વાંધો પડ્યો હોય એવો કદાચ આ પહેલો કિસ્સો હશે. સ્વતંત્ર રીતે જીવતી દીકરીને લડી ધમકાવી કાબૂમાં રાખવી કે પછી જબરદસ્તી પરણાવી દેવાના અનેક પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ. પણ મામલો હત્યા સુધી પહોંચે એ ચોંકાવનારી બાબત છે. એવું તો ક્યાંક નથીને કે સંસ્કૃતિ બચાવવાના પ્રયત્નોના આ પ્રવાહમાં દીકરીઓની જિંદગીને વધુ નિયંત્રિત કરવી વાજબી લાગવા લાગ્યું છે? આમે ય આબરૂ, સંસ્કૃતિ, પરંપરાને સાચવવાનો ભાર સ્ત્રીઓના ખભે વધારે હોય છે!
જો કે, સોશ્યલ મીડિયા પર લવ જિહાદના નામે એક ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં આ હત્યાને યોગ્ય ઠેરવવાના પ્રયત્ન શરૂ થઇ રહ્યા છે. નથી દીપક કુમારે પોતાના બયાનમાં એવું કશું કહ્યું કે નથી પોલીસ ફરિયાદમાં એવી કોઈ વાત આવી. પણ પિતા દ્વારા દીકરીની થયેલી હત્યાને બીજી કઈ રીતે વાજબી ઠેરવાય? આજના સમયમાં લવ જિહાદના નામે સહાનુભૂતિની દિશા ફંટાઈ શકે છે અને સ્ત્રીઓની સ્વાયત્તતાની વાત વિસારે પાડી શકાય છે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર