ગત અઠવાડિયે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) નામની એક ફિલ્મ રિલીઝ થઈ છે કે જેમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોના બેલે ડાન્સર બનવાનાં સપનાં અને સંઘર્ષની કહાણી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) છે કે જેઓ અગાઉ આ વિષય પર ડૉક્યુમેન્ટરી બનાવી ચૂક્યાં છે અને હવે તેનું ફિલ્મમાં રૂપાંતર કર્યું. 'યહ બેલે' (Yeh Ballet) નામની આ ફિલ્મમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોની વાર્તા છે, જે પૈકી એક યુવાન હિન્દુ પરિવારનો જ્યારે અન્ય યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે. ગરીબ પરિવારમાંથી આવતા આ બંને યુવાનોને સારા ડાન્સર બનવા માટે અમેરિકાથી મુંબઈ આવેલો એક ટીચર ટ્રેનિંગ આપે છે. 'યહ બેલે' નામની આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના રિયલ લૉકેશન્સ પર કરવામાં આવ્યું છે કે જેમાં મુંબઈની ચાલી અને અન્ય વિસ્તારો જોવા મળે છે. આ ફિલ્મની શરૂઆતમાં જ મુંબઈનો પ્રખ્યાત સી લિંક (પુલ) દેખાડવામાં આવ્યો છે કે જેની બાજુમાં જ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. સી લિંક કે જે મુંબઈની શાન થાય છે તે દ્રશ્ય દેખાડતો કેમેરો ફરતો-ફરતો (આકાશમાં ઊંચેથી શૂટિંગ કરાયેલો aerial shot) તેની પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તાર પર જઈને અટકે છે. સપનાં જોવાનો હક માત્ર પૈસાદાર પરિવારના સંતાનોને નહીં પણ ચાલીમાં રહેતા ગરીબ યુવાનોને પણ છે, જે વ્યક્તિ મોટાં સપનાં જુએ છે અને તે પ્રત્યે આશાવાદી છે તેને સફળતા ચોક્કસ મળે છે, આ માટે પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે તે આ ફિલ્મનો મૂળ સંદેશ છે. બેલે ડાન્સની પ્રેક્ટિસ કરતા ગરીબ ઘરના યુવાનોને અમેરિકાથી આવેલો ટીચર જણાવે છે કે કોઈ પણ આર્ટ એટલે કે કળાનો વિકાસ કરવા માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્ત અને સતત પ્રેક્ટિસ વિના સફળતા નહીં મળે.
'યહ બેલે' (Yeh Ballet) ફિલ્મમાં નિશુ (મનીષ ચૌહાણ) અને આસિફ (અચિંત્ય બોઝ) નામના બે યુવાનના સંઘર્ષની કહાણી છે. નિશુ નામનો યુવાન હિન્દુ પરિવારમાંથી આવે છે કે જેનો પરિવાર ચાલીમાં રહેતો હોય છે. નિશુના પિતા ટેક્સી ડ્રાઈવર છે જ્યારે તેનાં માતા સીવણનું કામ કરતાં હોય છે. આ ફિલ્મમાં નિશુના પિતાનું પાત્ર વિજય મૌર્ય નામના એક્ટરે ભજવ્યું છે કે જેમણે આ ફિલ્મના સંવાદ પણ લખ્યા છે. (અહીં ઉલ્લેખનીય છે કે વિજય મૌર્ય ગત વર્ષે આવેલી ફિલ્મ 'ગલી બોય'ના સંવાદ પણ લખી ચૂક્યા છે, ગલી બોય પણ મુંબઈની ચાલીમાં રહેતા યુવાનના જીવન પર આધારિત હતી.) નિશુ ખૂબ સારો ડાન્સર બનવા માગતો હોય છે, પણ તેના પિતાને આ પસંદ નથી એટલે નિશુ ઘર છોડીને જતો રહે છે. બીજી બાજુ આસિફ નામનો યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને આખો દિવસ મિત્રો સાથે રખડપટ્ટી કરતો હોય છે. તેનો ભાઈ કે જે પિઝા ડિલિવરીનું કામ કરે છે તે આસિફનું ડાન્સિંગ ટેલેન્ટ સારી રીતે જાણતો હોય છે. તે આસિફને ડાન્સ શીખવા માટે ડાન્સ એકેડમીમાં મોકલી આપે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. ફિલ્મમાં સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા લોકોનો ગરીબો પ્રત્યેનો એક અલગ દ્રષ્ટિકોણ પણ દર્શાવવામાં આવ્યો છે. સાથે જ વિદેશથી આવેલો ડાન્સ ટીચર ભારત અને ભારતીય સમાજને કઈ રીતે જુએ છે, તે પણ આ ફિલ્મમાં નવા અંદાજમાં જોવા મળે છે. મુંબઈની ચાલીમાં રહેતા આ બંને યુવકોને વિદેશમાં ડાન્સ શીખવા જવા માટેની સ્કોલરશિપ મળે છે કે નહીં? તે માટે તો હવે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) જોવી રહી. અહીં ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 'યહ બેલે'(Yeh Ballet)નાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા વર્ષ 1988માં આવેલી ડિરેક્ટર મીરા નાયરની ક્લાસિક ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!) પણ લખી ચૂક્યાં છે. મુંબઈની ફૂટપાથ પર જીવન પસાર કરતા એક ગરીબ છોકરા અને તેની આસપાસની 'કાળી' દુનિયાની રિયલ કહાણી દર્શાવતી ફિલ્મ 'સલામ બૉમ્બે'ની દેશ-વિદેશમાં ભારે પ્રશંસા થઈ હતી.
લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) દેશનાં જાણીતાં પટકથા લેખિકા, ફોટોગ્રાફર અને ફિલ્મમેકર છે. પારસી પરિવારમાંથી આવતાં સૂની તારાપોરેવાલાએ મુંબઈ શહેરને ફિલ્મમેકિંગ અને ફોટોગ્રાફીના માધ્યમથી એક અલગ રીતે જ રજૂ કર્યું છે. તેઓ ફિલ્મમેકર મીરા નાયરની જાણીતી ઈન્ટરનેશનલ ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!), 'ધ નેમસેક' (The Namesake) અને 'મિસિસિપી મસાલા' (Mississippi Masala) લખી ચૂક્યાં છે. સૂની તારાપોરેવાલાએ વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'લિટલ ઝીઝૂ'(Little Zizou)થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ પારિવારિક કૉમેડી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1957માં મુંબઈના પારસી પરિવારમાં જન્મેલાં સૂની તારાપોરેવાલાને Harvard યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે સ્કોલરશિપ મળી અને ત્યાં જઈને તેમનું જીવન બદલાઈ ગયું. જ્યાં તેમનો પરિચય વૈશ્વિક આર્ટ, લિટરેચર, ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગની દુનિયા સાથે થયો. બાદમાં તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટી(New York University)માંથી સિનેમાના વિષયનો ઊંડો અભ્યાસ કર્યો.
'સલામ બૉમ્બે'(Salaam Bombay!)ના લેખનકાર્ય વિશે વાત કરતાં સૂની તારાપોરેવાલા જણાવે છે કે મેં જે કોઈ સાહિત્ય વાંચ્યું હતું તેના પાત્રો અને તેનું વર્ણન, ફિલ્મ્સ વિશેનો મારો અભ્યાસ અને ફોટોગ્રાફીની સૂઝની મદદથી મેં આ ફિલ્મની પટકથા લખી હતી. 'મિસિસિપી મસાલા' (Mississippi Masala) ફિલ્મના લેખન માટે સૂની તારાપોરેવાલાએ ઘણું રિસર્ચ કર્યું હતું અને તે આધારે ડિરેક્ટર મીરા નાયર સાથે મળીને તેની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હોલિવૂડ સ્ટાર ડેન્ઝેલ વોશિંગ્ટન હતા. 'મિસિસિપી મસાલા'માં અમેરિકામાં રહેતા આફ્રિકન અમેરિકન્સ અને ઈન્ડિયન અમેરિકન્સની વાર્તા કેન્દ્રમાં જોવા મળે છે. વર્ષ 2006માં આવેલી મીરા નાયરની ફિલ્મ 'ધ નેમસેક'માં અમેરિકામાં જઈને સ્થાયી થયેલા એક બંગાળી કુટુંબની વાર્તા છે, સૂની તારાપોરેવાલાએ લેખિકા જુમ્પા લહિરીની નવલકથા 'ધ નેમસેક' આધારિત આ ફિલ્મની પટકથા લખી હતી. તબુ, ઈરફાન ખાન અને કલ પેન સ્ટારર ફિલ્મ 'ધ નેમસેક' (The Namesake)ની પટકથા અને એડિટિંગ ખૂબ જ મજબૂત હતા, આ ફિલ્મની વિવેચકોએ ખાસ નોંધ લીધી હતી. આ સિવાય સૂની તારાપોરેવાલા વર્ષ 1998માં આવેલી અંગ્રેજી ફિલ્મ 'Such a Long Journey' પણ લખી ચૂક્યાં છે જે લેખક રોહિન્ટન મિસ્ત્રીની તે નામની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મમાં પારસી વ્યક્તિના આસપાસના જીવનની કહાણી હતી. આ સિવાય સૂની તારાપોરેવાલા વર્ષ 2000માં આવેલી ડિરેક્ટર જબ્બર પટેલની ફિલ્મ 'ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર' પણ લખી ચૂક્યાં છે. સૂની તારાપોરેવાલાએ ભલે ઓછી ફિલ્મો લખી હોય પણ તેમાં તેમનું ઊંડુ રિસર્ચ અને અભ્યાસ જોવા મળે છે.
અહીં ઉલ્લેનીય છે કે સૂની તારાપોરેવાલા ફિલ્મમેકર સિવાય ફોટોગ્રાફર પણ છે. તેઓ પારસી સમુદાયના દસ્તાવેજો (ડૉક્યુમેન્ટ્સ) સરીખું ફોટોગ્રાફી પુસ્તક 'Parsis, the Zoroastrians of India' પણ પ્રકાશિત કરી ચૂક્યાં છે. ફિલ્મમેકર મીરા નાયર સાથેની મિત્રતા વિશેની વાત કરતા સૂની તારાપોરેવાલા એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે Harvard યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ દરમિયાન અમારી મિત્રતા થઈ હતી. આ દરમિયાન અમે સાથે વર્લ્ડ સિનેમાની ઘણી ફિલ્મો જોઈ છે. જ્યારે મીરા નાયરે તેની પ્રથમ ફિલ્મ 'સલામ બૉમ્બે' બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમાં સાથે હું પણ જોડાઈ અને તેનો સ્ક્રીનપ્લે લખ્યો. 'સલામ બૉમ્બે'ને ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી જે ગૌરવની વાત છે. સૂની તારાપોરેવાલાને વર્ષ 2014માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સૂની તારાપોરેવાલાએ ફિરદોસ બાટલીવાલા સાથે લગ્ન કર્યા છે કે જેઓ દાંતના ડૉક્ટર છે. તેમનાં બે બાળકો છે. સૂની તારાપોરેવાલાના ફોટોગ્રાફ્સનું દેશ-વિદેશમાં એક્ઝિબિશન થઈ ચૂક્યું છે અને તે કલેક્શનના પુસ્તક પણ પબ્લિશ થયા છે.
(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)
e.mail : nbhavsarsafri@gmail.com
પ્રગટ : ‘ગુલમોહર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 26 ફેબ્રુઆરી 2020
![]()


અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં દેશના જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા અચૂક હાજરી આપે છે. સપ્તકમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાને સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે, તેવો દંભ કરતા શ્રોતાઓની ભીડ જામે છે. વર્ષ 1980ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલાં જ પોપ્યુલર છે કે જેટલાં તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં 'સિલસિલા' (1981), 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991), 'પરંપરા' (1993), 'ડર' (1993) વગેરેનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ શિવ-હરિની ફિલ્મ સંગીતની સફર વિશે.
સૂરજીત સિંહ લિખિત પુસ્તક 'બાંસુરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા'માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌપ્રથમ ફિલ્મ 'કાલા પથ્થર'ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેનાં કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે આ નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે 'સિલસિલા' (1981) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવા લોકપ્રિય કલાકાર હતા. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. આ ફિલ્મથી જાવેદ અખ્તરે પહેલી વખત ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ 13 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ 1 જુલાઈ, 1938ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.
શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. 'સિલસિલા' ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. 'સિલસિલા'ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. પરંતુ, શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઈચ્છતા હતા તે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે 'સિલસિલા' ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની 'સિલસિલા'માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991) અને 'ડર'(1993)માં યાદગાર સંગીત આપ્યું. 'સિલસિલા' (1981), 'ચાંદની' (1989) અને 'ડર'(1993)માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ 1993માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.
ગોવિંદ નિહલાનીનો જન્મ તારીખ 19 ડિસેમ્બર, 1940ના રોજ કરાચી (હાલ પાકિસ્તાનમાં) થયો, બાળપણમાં તેમણે સૌ પ્રથમ ગુજરાતી સંત અને કવિ નરસિંહ મહેતાના જીવન આધારિત ફિલ્મ 'નરસી ભગત' જોઈ હતી. વર્ષ 1947ના વિભાજન બાદ તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં આવીને સ્થાયી થયો. આ દરમિયાન કેમેરાવર્ક તરફ તેમની રુચિ જાગૃત થઈ, સિંધી પરિવારમાંથી આવતા ગોવિંદ નિહલાનીએ ફેમિલી બિઝનેસમાં આગળ વધવાની જગ્યાએ કુશળ કેમેરામેન બનવાનો નિર્ણય કર્યો અને આ માટે તેમણે બેંગ્લોરમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટમાંથી સિનેમેટોગ્રાફી(cinematography)નો 3 વર્ષનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1962માં તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડના દિગ્ગજ સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્થી(ગુરુદત્તની ફિલ્મોના કેમેરામેન)ના સહાયક તરીકે કરિયરની શરૂઆત કરી. બાદમાં એડવર્ટાઇઝમેન્ટના ક્ષેત્રમાં કેમેરામેન તરીકે કાર્ય કરતા તેમની મુલાકાત ડિરેક્ટર શ્યામ બેનેગલ સાથે થઈ. આ દરમિયાન શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીએ સાથે મળીને ડોક્યુમેન્ટ્રી અને એડવર્ટાઇઝમેન્ટ પર કામ કર્યું. જ્યારે શ્યામ બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 'અંકુર' બનાવી ત્યારે ગોવિંદ નિહલાનીએ તેમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું. બાદમાં શ્યામ બેનેગલની 'નિશાંત' (1975), 'મંથન' (1976), 'ભૂમિકા' (1977), 'જુનૂન' (1978), 'આરોહણ' (1982) સહિતની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય બાદ ગોવિંદ નિહલાનીએ સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ 'જુનૂન' (1978) માટે તેઓને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો. શ્યામ બેનેગલની સાથે કેમેરાવર્ક કરતી વેળાએ તેઓ ફિલ્મમેકિંગના પાઠ શીખ્યા અને નાટ્યકાર – લેખક સત્યદેવ દુબે તેમ જ વિજય તેંદુલકર થકી તેમનો થિયેટર(નાટક)ની દુનિયા સાથે પરિચય થયો.