વાજપેયી એક ‘મુખોટું’, તેઓ હંમેશાં સંઘને વફાદાર રહ્યા. અટલ બિહારી વાજપેયી હંમેશાં પાર્ટીનો સુગમ અને વિવેકી મુખવટો રહ્યા હતા. વાજપેયી તે પત્રકારો માટે પણ નમ્ર અને ખુશમિજાજી રહ્યા કે જેમનું લખાણ તેમને ગમ્યું નહોતું અને જેમનો અભિપ્રાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનુરૂપ નહોતો. વાજપેયી જ્યારે આ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપવા માંગતા નહોતા, ત્યારે બીજી બાજુ તેઓ રમૂજ તરફ ધસી જતા હતા. તમે જુઓ કે વાજપેયીજી એ એક એવી Ceylonese ઢીંગલી હતા કે જેને તમે જમણી તરફથી મુક્કો મારો તો થોડા અસ્થિરપણે ઝૂલશે અને થોડી જ વારમાં સીધા થઇ જશે અને જો તમે તેને ડાબી બાજુથી મુક્કો મારશો તો થોડી ધ્રુજારી અનુભવશે અને ત્યારબાદ ફરી સીધા થઇ જશે. આ પ્રકારનું વર્ણન એક વખત બી.જે.પી.ના વરિષ્ઠ નેતાએ વાજપેયીજી વિશે કર્યું હતું, તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ મૂંઝવનારી રાજકીય ઘટનાઓમાંથી વાજપેયી સહીસલામતપૂર્વક બહાર નીકળી જવાની ક્ષમતા ધરાવતા હતા કે જેમાં સામાન્યપણે પીઢ રાજકારણીની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચતી હોય છે. પણ, તે વાતમાં કોઈ ચૂક નથી કે વાજપેયી RSSના પ્રખર સ્વયંસેવક હતા અને સંઘની આજ્ઞાનું પાલન કરવામાં ક્યારે ય સંકોચ રાખતા નહોતા. તારીખ 6 ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ જ્યારે બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરવામાં આવી, ત્યારે તેઓ હાજર રહ્યા નહોતા એટલી પૂરતી જ તેમની ચાલાકી નહોતી. બાબરીધ્વંસના એક દિવસ પહેલાં તેમણે લખનૌમાં કહ્યું હતું કે કેટલીક વિવાદાસ્પદ જગ્યાઓ પર સ્તરીકરણ કરવા માટેની સુપ્રિમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કેટલાંક લોકોનું એવું માનવું છે કે વાજપેયીના કહ્યાના બીજા દિવસે કારસેવકોને વિધ્વંસ માટેનું પ્રોત્સાહન મળ્યું હતું.
સપ્ટેમ્બર ૨૦૦૦માં ન્યૂયોર્કના Staten Islandમાં બી.જે.પી.ના વિદેશી મિત્રોને સંબોધતા વાજપેયીજીએ પોતાના માટે કહ્યું હતું કે એક દિવસ તેઓ વડાપ્રધાન નહિ હોય પણ, એક સ્વયંસેવક હંમેશાં સ્વયંસેવક જ રહે છે, અને તે રીતે તેઓ ઓળખાશે. આ એક વાક્ય સાથે તેમણે સંઘ પરિવારની તમામ વિવેચનાઓ અને પોતાના ઉદારમતવાદી વલણને દબાવી દીધું હતું. આ સાથે એવું જણાઈ આવે છે કે તેઓ સંઘના અન્ય લોકોની જેમ RSSને વફાદાર હતા. RSS અને જનતા પાર્ટીના બેવડા સભ્યપદના મુદ્દે જ્યારે બી.જે.પી.એ કટોકટી બાદ જનતા પાર્ટી સાથેનું જોડાણ તોડ્યું, ત્યારે અગાઉથી જ આ ઠરાવને અમલમાં મૂકવામાં આવ્યો હતો. વાજપેયી દ્વારા દોરવાઈ રહેલા જનસંઘના સભ્યોએ સરકાર છોડી અને તેઓને RSSનું સભ્યપદ છોડવાની જગ્યાએ અધિકારો છોડવા ઉચિત લાગ્યા.
ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણો બાદ ગોવા ખાતે બી.જે.પી.ના રાષ્ટ્રીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તે વાતનું યોગ્યરીતે દસ્તાવેજીકરણ થયું છે કે તે કોન્કલેવમાં વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી હટાવવાનું આયોજન કર્યું હતું. પરતું, તેઓ લાલકૃષ્ણ અડવાણી અને અરુણ જેટલીના કુશળ ફૂટવર્કના કારણે નિષ્ફળ નીવડ્યા હતા. એક આગોતરા ઠરાવમાં મોદીએ રાજીનામાની માંગણી કરી હતી અને અડવાણીએ એ વાતની ખાતરી આપી હતી કે લગભગ સમગ્ર રાષ્ટ્રીય કારોબારી આ માંગણી નકારે છે અને પાર્ટીના આ ઠરાવને સમર્થન આપે છે. ત્યારે વાજપેયીને પીછેહઠ કરવી પડી હતી.
આ વચ્ચે તેમણે RSS અને પાર્ટીમાં મુસ્લિમ વિરોધી જે ઉમળકો અને જડતા જોવા મળી રહી હતી તે મુદ્દે અરજી કરી હતી. તે દિવસે સાંજે, ગોવાની જાહેરસભામાં, વાજપેયીએ તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કોમી ભાષણ આપ્યું હતું. જ્યાં તેમણે કહ્યું હતું કે દરેક જગ્યાએ મુસ્લિમો મુશ્કેલીમાં છે, તેઓ તેમનાં પાડોશીઓ સાથે પણ શાંતિથી રહી નથી શકતા. અને આવું તેમણે ગુજરાતના ભયાનક કોમી રમખાણ બાદ કહ્યું હતું, આ ભાષણ બાદ તેમના પ્રત્યેના લોકોના વિશેષાધિકારમાં ગતિ જોવા મળી હતી. પરંતુ, ત્યારબાદ તેમણે આ પરિસ્થિતિ અંગેનો ખુલાસો આપતા કહ્યું હતું કે ભાષણમાં તેમણે ‘કેટલાંક’ એવાં મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ ‘જેહાદી માનસિકતા’ ધરાવે છે. સમગ્ર રાજકીય વર્ણપટના રાજકારણીઓ એ વાતનું વર્ણન કરતા થાકતા નથી કે વાજપેયી અયોગ્ય પાર્ટીમાં યોગ્ય વ્યક્તિ હતા. તેઓ સ્વભાવગત બિનસાંપ્રદાયિક માનવતાવાદી હતા. અને તેઓ એવા ઉદારવાદી હતા કે જેઓ કોઈક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ફસાઈ ગયા હતા. સત્યથી આગળ કશું જ નથી, વાજપેયી હિન્દુત્વ પ્રત્યે પ્રતિબદ્ધ હતા અને ગોળવેલકરની તે દૂરદર્શિતાને માનતા હતા કે જેમાં હિંદુ બહુમતીની દયા હેઠળ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બીજા તબક્કાના નાગરિક તરીકે સ્વીકારવામાં આવે કે જેવું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવત વિચારે છે.
વાજપેયીએ ‘હિંદુ તન મન હિંદુ જીવન’ નામની કવિતા લખી હતી કે જેમાં તેમણે પોતે હિંદુ હોવાની વાત મૂકી હતી. આ કવિતા અગાઉ ભા.જ.પા. પાર્ટીની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી, પણ તેઓ જેવા વડાપ્રધાન બન્યા કે તરત જ તેમના સૂચનોથી આ કવિતા પાર્ટીની વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવી હતી. કારણ કે ત્યારે ગઠબંધનની સરકારમાં તેઓ કોઈ નવો વિવાદ ઊભો કરવા નહોતા માંગતા. વાજપેયી પત્રકારોની સાથે સુગમ અને સુખદ વ્યવહાર રાખતા હતા, એ રીતે જોતા વાજપેયી, નરેન્દ્ર મોદી કરતાં તદ્દન વિપરીત હતા. કારણ કે નરેન્દ્ર મોદી માટે તેમની ટીકાને ભૂલી જવી અથવા માફ કરવી તે સ્વીકારવું અઘરું છે. કટારલેખક અને ટેલિવિઝન એન્કર કરણ થાપરે તેમના હાલમાં જ પ્રકાશિત થયેલા પુસ્તકમાં લખ્યું છે કે તેમણે એક વખત નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ કર્યો હતો કે જેમાં મોદીજી ઊભા થઈને જતા રહ્યા હતા, ત્યાર બાદ કરણ થાપરે મોદીજી સાથે વ્યવસાયિક સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા હતા પણ તેનો તેમને કોઈ લાભ મળ્યો નહિ. અને હાલમાં જ ABP ન્યુઝ ચેનલના પત્રકારોએ તે ચેનલ છોડી છે, જેમાં એ તથ્ય બહાર આવ્યું છે કે મોદીજી તેમની ટીકાને સ્વીકારતા નથી.
મોદીજી જ્યારે પાર્ટીના જનરલ સેક્રેટરી હતા ત્યારે તેઓ પત્રકારોની સાથે સુગમ વ્યવહાર રાખતા હતા, અને ત્યારબાદ જ્યારે તેઓ વર્ષ ૨૦૦૧માં ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા કે તરત જ મીડિયા અને પત્રકારોથી દૂર થઇ ગયા હતા. વાજપેયી વડાપ્રધાન બન્યા તે પૂર્વે એક પત્રકારે વાજપેયીને બી.જે.પી.ની વિદેશનીતિ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે આ પ્રશ્નનો એક જ વાક્યમાં એવો ઉત્તર આપ્યો હતો કે ‘પાકિસ્તાન પર બોમ્બ નાખો, પાકિસ્તાનનો વિનાશ કરી નાખો’. વાજપેયીએ આ મજાક કરી હતી પણ તેનો અર્થ ગંભીર હતો. પણ, તેના સંકેતો એવા હતા કે પાર્ટી પાકિસ્તાનથી મનોગ્રસ્ત હતી અને તેમની પાસે વિદેશનીતિનો માત્ર એક જ મુદ્દો હતો કે પાકિસ્તાનનો વિનાશ કરો. અને વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ તેમણે પાકિસ્તાનની સાથે મિત્રતાનો હાથ લંબાવવાનું કહ્યું હતું, જે હેઠળ તેમણે લાહોર બસ ‘યાત્રા’ શરૂ કરી હતી. સાથે તેમણે જનરલ પરવેઝ મુશર્રફની સાથે આગ્રા સમિટની વ્યવસ્થા પણ કરી હતી કે જેને અડવાણીજીએ અંતે નિષ્ફળ પુરવાર કરી હતી.
વર્ષ ૧૯૯૫માં જ્યારે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ ત્યારના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સામે બળવો પોકાર્યો હતો અને પાર્ટીમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઇ હતી ત્યારે મીડિયાએ વાજપેયીને આ મુદ્દે ટિપ્પણી કરવાનું કહ્યું હતું ત્યારે વાજપેયીએ એવી સલાહ આપી હતી કે ‘અડવાણીજી’ને પૂછો, આ રીતે તેમણે અડવાણીની નેતાગીરી હેઠળનો પાર્ટીનો ઉચાટ વ્યક્ત કર્યો હતો. વાજપેયીને જ્યારે પાર્ટીમાં કોઈ રસ્તો દેખાતો નહોતો ત્યારે જે-તે સમયમાં કેવી રીતે ટકી રહેવું તે તેઓ જાણતા હતા. વર્ષ ૧૯૯૯માં તેઓ જશવંત સિંઘની નાણાકીય મંત્રી તરીકે નિમણૂક કરી શક્યા નહોતા કારણ કે RSSના નેતાઓએ તે સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે યશવંત સિંહાને સ્વીકાર્યા હતા, પણ થોડાં વર્ષો બાદ તેમણે જશવંત સિંહની રેખા ખેંચી હતી.
આખરે, તેઓ કદાચ કે.એન. ગોવિંદાચાર્ય હતા કે જેમણે યથાર્થ રીતે વાજપેયીનું વર્ણન કર્યું હતું, જો કે તેઓ સતત ‘મુખોટા’ તરીકેની ઓથરશીપ નકારતા રહ્યા હતા. RSSને સત્તા પ્રાપ્ત કરવાની લાંબી કૂચ માટે આ મુખોટું ખૂબ જ ઉપયોગી રહ્યું, જેથી તેઓ કાયદેસરપૂર્વક સ્થાનિક પાર્ટીઓને એકસાથે લાવી શક્યા, જેમાં સામાજિક માનસ ધરાવતા બીજુ જનતા દળ અને જનતા દળ (યુનાઇટેડ)થી લઈને અન્ય માનસ જેમ કે અકાલી દળ અને શિવસેના તે સિવાય AIADMK અને તેલુગુ દેશમ જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની ટીકા માટે વાજપેયીએ ક્યારે ય ગોવિંદાચાર્યને માફ નથી કર્યા, પણ યોગ્ય સમયની ધીરજપૂર્વક રાહ જોઈ ગોવિંદાચાર્યને હાંકી કાઢવામાં આવ્યા હતા, અને તેઓ ક્યારે ય પરત આવ્યા નહિ. અને આ Ceylonese ઢીંગલી ફરી પાછી સીધી ઊભી રહી.
(મૂળ લેખક – નીના વ્યાસ, વર્ષોથી, “ધ હિન્દુ” માટે ભારતીય જનતા પાર્ટીનું રિપોર્ટીંગ કરતાં આવ્યાં છે)
સ્ત્રોત – The WIRE (૧૭ ઓગસ્ટ, ૨૦૧૮)
અહીં સાથે વાજપેયીના લેખની લિંક :
https://thewire.in/politics/reporting-during-the-vajpayee-years
અનુવાદ – નિલય ભાવસાર