નવાબે અમારા ઇણાજ ગામનો નાશ કરીને મકરાણીઓનાં બાલ-બચ્ચાને રાન રાન અને પાન પાન કર્યા છે. મારા ગામ ઉપર એણે તોપો, રણગાડીઓ ફેરવ્યાં છે. એનો હું બદલો લેવાનો જ છું, હરભાઈ!
બહારવટિયાઓની ટોળીઓના ત્રાસ વિશે વિચારી વિચારીને થાકેલા હરપ્રસાદ દેસાઈની હજી તો આંખ મીંચાણી કે ડેલીએ ટકોરા પડ્યા. હરપ્રસાદને બદલે બીજો કોઈ અમલદાર હોત તો ધ્રૂજી ઊઠ્યો હોત. કોઇ અડાબીડ બહારવટિયો માથાની ઉઘરાણીએ આવ્યો છે! ડેલીની બારી ખોલવાને બદલે એ બે ગોદડાં ઓઢી ગયો હોત, પણ આ તો હરપ્રસાદ દેસાઈ હતો. કોર્ટમાં જાય ત્યારે ન્યાયના કાંટે બેસવાનું પણ ખરાખરીના ખેલ આવે ત્યારે ખાંડાના ખેલ ખેલી જાણનારો. ભડવીર, નાગર બચ્ચો!
કશા ય થડકાર વિના હરપ્રસાદે ડેલીની બારી ખોલી અને પૂછ્યું, ‘કોણ?’
‘ન ઓળખ્યો?’ કપડાં ઉપર કેસરી રંગનાં છાંટણાં કરીને હરપ્રસાદને મળવા આવેલો આદમી બોલ્યો, ‘હું કાદુ મકરાણી’
‘બહુ મોડો આવ્યો, કાદુ?’ હરભાઈ હસ્યા.
‘વહેલો આવું તો તમારી ફોજની બંદૂકો વીંધી નાખે અને મારે તમને કહેવાની વાત રહી જાય.’
‘શી વાત કહેવી છે, કાદુરબક્ષ! બોલી દે’ હરભાઈએ લાગણીભર્યા સાદે કહ્યું.
‘આજની રાત તમારો બાળપણનો ભેરુ છંવ, હરપ્રસાદભાઈ! આવતી કાલથી તમારા જૂનાગઢનો બહારવટિયો.’
‘કાદુ, જૂનાગઢ રાજ માટે બહારવટિયાનો પાર નથી. પણ તારી જેમ કોઈ મારો બાળભેરુ નથી. મારી વાત તું કાન દઇને સાંભળી લે. રાજની ફોજ સામે ચડવાનું તારું ગજું નથી. પગલે પગલે ફોજથી ફફડીને કેટલા દિવસ જીવી શકીશ, કાદુ?’
‘મને ખબર છે, હરભાઈ! નવાબે તમને ન્યાયખાતામાંથી લઈને ફોજમાં લીધા છે. કેમ કે હું અને તમે લંગોટિયા ભાઈબંધ હતા.’
‘ભાઈબંધ તો આજ પણ છો. કાદુ!’ હરભાઈ હસ્યા. તારો મુકાબલો કરતાં મારું અંતર દુ:ખી દુ:ખી થાય.’
‘હરભાઈ! આપણો ભેટો થાય ત્યારે કશી ય દયા માયા વગર મને ગોળી મારી દેજો પણ બહારવટાનો પંથ હું મૂકવાનો નથી. નવાબે અમારા ઇણાજ ગામનો નાશ કરીને મકરાણીઓનાં બાલ-બચ્ચાંને રાન રાન અને પાન પાન કર્યા છે. મારા નાનકડા ગામ ઉપર એણે તોપો, રણગાડીઓ ફેરવ્યાં છે. એનો હું બદલો તો લેવાનો જ છું, હરભાઈ!’
‘બધી ય વાત સાચી પણ રાજની સામે ટકવાનું તારું ગજું નથી ભાઈ, કાદુ!’
‘ગજાની વાત તો જેને જીવવું હોય એની ગણાય. મારે ક્યાં જીવવાનું છે? શું કામે જીવું? મારા જીવતરમાં દીવાસળી મુકાઈ ગઈ છે, હરભાઈ!’
હરભાઈ મૌન બન્યા. કાદુની વાત તો સાચી હતી. જૂનાગઢનું ઇણાજ ગામ મકરાણીઓનું સુવાંગ હતું પણ મકરાણીઓ એક વાર વીફર્યા અને નવાબના કાયદાને પાળવાનો ઇન્કાર કર્યો અને નવાબ સામે મોરચા માંડવા તૈયાર થયા ત્યારે નવાબે રણગાડીઓ અને તોપખાના મોકલીને ઇણાજ ગામને ખંડેર કરી નાખ્યું! મકરાણીઓ આશરા વગરના થઈને ભટકવા માંડ્યા. કેટલાક રાજ છોડી ગયા કેટલાક બહારવટે ચડવાના પરિયાણ કર્યા. એમાંનો એક મકરાણી એટલે કાદરબક્ષ – કાદુ!
‘હરભાઈ ! મારા એક ઇણાજને બદલે હું જૂનાગઢનાં બસો-પાંચસો ગામડાંને ઇણાજ જેવાં ઉજ્જડ કરીશ.’
‘ન થઈ શકે, કાદુ!’ હરભાઈ બોલ્યા, ‘તું જીદ મૂકી દે અને શરણે આવ. હું તને માફી અપાવી દઇશ.’ હરભાઈને બાળપણના સાથીદાર કાદુ ઉપર માયા હતી. હરભાઈનું જન્મસ્થળ પ્રભાસ અને કાદુનું ઇણાજ, પણ કાદુ મોટે ભાગે પ્રભાસમાં રહેતો. હરભાઈ ફારસી શીખવા જતા ત્યારે કાદુ પણ ફારસી શીખતો. બંને વચ્ચે દોસ્તી જામી ગઈ. કાદુ ભણવામાં નબળો હતો. હરભાઈ એને ફારસી પણ શીખવતા પણ સમય બડા બલવાન!
હરભાઈ જૂનાગઢના ન્યાયાલયમાં મુનસફદાર નિમાયા. ઇણાજના કારણે કાદુ બહારવટે ચડ્યો! ‘હું તો હરભાઈ! તમારી અવઢવ દૂર કરવા જ આવ્યો છું. તમે ગિસતમાં આવ્યા છો. તમારા હાથમાં હવે બંદૂક છે. કરે ખુદા અને આપણો મુકાબલો થાય તો કશા ય સંકોચ વગર મારી છાતીમાં ગોળી મારી દેજો. બાકી હું નવાબને પરસેવો વાળીને જંપીશ – લો ખુદા હાફિઝ.’ કાદુ મકરાણી હરભાઈ પાસેથી નીકળીને રાતના અંધારામાં ઓગળી ગયો.
જૂનાગઢના નાયબ દીવાન રાયજી અને બીજા અમલદારો પ્રભાસ જઈ રહ્યા હતા. સાથે હરપ્રસાદ પણ હતા. કાદુ અને એના સાથીદારો અંધારી રાતે ઝાડીમાં સંતાયા હતા. બધા અમલદારો કાદુના નિશાનામાં આવી ગયા હતા, પણ બધામાં હરભાઈ પણ હતા. માટે કાદુ સમસમીને બેઠો રહ્યો. હરભાઈનો ઘોડો તરસ્યો થયો તે ભૂંડિયા વોકળામાં ઘોડાને પાણી પાઈને હરભાઈએ લગામ હાથમાં લીધી કે લગામ પકડાઈ ગઈ! અંધારામાં કશું સૂઝતું નહોતું. હરભાઈએ ખભેથી બંદૂક ઉતારવા હાથ ઊંચો કર્યો તો હાથ પકડાઇ ગયો ! હરભાઇ ત્રાડ્યા.
‘તું કોણ છો, એલા!’ ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. હરભાઈ એ અવાજને ઓળખી ગયા. એ બહારવટિયો કાદુ હતો. પોતાનો વસવસો હરભાઈને કહેવા કાદુ, હરભાઈના ઘોડાને રોકીને ઊભો હતો. ‘હરભાઈ, તમે સાથે હતા નહીંતર મારા માથા માટે ઇનામ જાહેર કરનાર નાયબ દીવાન રાયજીને હું ગોળીએ દઈ દેત! મારા બહારવટા ઉપર ચાર ચાંદ લાગી જાત અને નવાબનું કાળજું પણ ફફડી ઊઠત કે કાદુ જેવો તેવો બહારવટિયો નથી?’
‘કાદુ! તું બહારવટિયો હો કે ન હો, છતાં મર્દ માણસ છો. તારી શક્તિને સાચે રસ્તે ખર્ચવામાં આવે તો તું યાદગાર માણસ બની શકે છે. એટલે મારી ઇચ્છા છે કે બહારવટું છોડીને શાંતિથી જિંદગી બસર કર.’ હરપ્રસાદે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ‘તારા બહારવટાને કારણે મારો અને તારો જ્યારે ભેટો થાય ત્યારે નવાબના એક વફાદાર અમલદાર તરીકે મારે તને ગોળી મારવી પડે અને બાળગોઠિયાને ગોળીએ દીધા પછી મારી આંતરિક દશા બહુ બૂરી થાય ‘કાદુ!’
હરભાઈની વાત સાંભળીને કાદુ ખડખડાટ હસ્યો. ‘જિંદા રહો, હરભાઈ! મારા માટેનો આવો ભાવ સલામને લાયક છે. તમારે ગોળી મારવી પડે એવો વખત નહીં આવવા દઉં. જ્યારે આપણે મરવા મારવાની અણી ઉપર આવશું ત્યારે હું જ મારા હાથે ગોળી ખાઈને જન્નતમાં ચાલ્યો જઈશ. અલ્લા કસમ! બાકી બહારવટું કર્યા વગર મારા આત્માને શાંતિ નહીં મળે, હરભાઈ! મારા ઇણાજના લોકોને પોકે પોકે રડાવનાર નવાબની વસતીને હું પોકે પોકે રોવડાવીશ ત્યારે મને સોધરી વળશે. બહારવટું કરવું એ જ મારા માટે ઉપાય છે. હા, એટલી તમને ખાતરી આપું છું કે રાજ્યની કોઇ પણ બહેન બેટી કે વહુવારું સામે આંખ માંડીશ નહીં. એને લૂંટીશ નહીં એ ખુશીથી વનવગડે આવજા કરતી રહેશે. કોઈ ગરીબ નિરવાયને પણ સતાવીશ નહીં.’
‘તારી વાત નીતિમતાની છે અને વંદન કરવા જેવી છે, પણ મારી વાતનો શો જવાબ છે?’ હરભાઈ ઉચ્ચક મને બોલ્યા.
‘આવીશ.’ આવતી કાલે આવી જ મધરાતે આપને મળવા આવીશ અને ન આવું તો મને બહારવટિયો સમજી લેજો.
‘ભલે જા. આવતી કાલે તારી વાટ જોઈશ.’ હરભાઈએ કહ્યું. કાદુ ગયો. વળતા દિવસની રાતે હરભાઈએ આખી રાત રાહ જોઈ પણ કાદુ આવ્યો નહીં. ઊગતા સૂરજના સમયમાં વાત સંભળાણી કે ગઈ રાતે કાદુએ બે ગામ ભાંગ્યાં!
નવાબે હાથ મસળ્યા. મરણિયો થઇને કાદુ રાજનાં ગામડાં ભાંગતો રહ્યો. ગિસત દોડતી રહી, કાદુ હાથ આવતો નહોતો. ‘સાહેબ!’ એક દિવસ હરભાઈએ નાયબ દીવાન રાયજીને વાત કરી કે કાદુ કદાચ શરણે આવે તો એને માફી આપવાની મારી ગણતરી છે.’
‘એ નહીં બને.’ નાયબ દીવાન નામુકર ગયા. ‘એ આપણો શત્રુ છે. મિત્ર શા માટે થવું?’ અને કાદુને ઘેરવા વધારે ટુકડીઓ રવાના કરી. કાદુના સંતાવાના આશરા પોલીસદળથી ઘેરાઈ ગયા.
‘હરભાઈ! જે રાજ્યની મેં નોકરી અને નવાબનું અન્ન ખાધું એ જ નવાબનાં ગામડાં ભાંગવાની મને પારાવાર પીડા થાય છે. શું કરું?’
‘મારી એક જ વાત છે કે તું મારે હાથે રાજને શરણે થા. પ્રભાસમાં પોલિટિકલ એજન્ટનો મુકામ છે. તું ત્યાં જઇને શરણે થઇ જા. હું ત્યાં આવીશ અને તને માફી અપાવવા પૂરો પ્રયત્ન કરીશ.’
‘એમ પણ નહીં બને, હરભાઈ !’ હરભાઈને છેલ્લી સલામ ભરતો હોય એમ કાદુ મકરાણી ગદ્દગદ અવાજે બોલ્યો, ‘ખુદા હાફિઝ હરભાઈ, આવજો … આવજો.’ અને કાદુ સરેરાટ કરતો અંધારામાં ઓગળી ગયો. હરભાઈ જોઈ રહ્યા.
બહારવટે ચડ્યા પછી કાદુએ એક વખત પણ નમાજ પઢી નહોતી. હવે બહારવટું સમેટી શાંતિથી જીવીને અલ્લાહની બંદગી કરવાના આશયથી મકરાણ જતા રહેવાનો નિશ્વય કર્યો. સોરઠની ધરતીને સલામ કરીને કાદુ કરાચી પહોંચી ગયો. પણ બહારવટિયા તરીકે ઓળખાઈ ગયો. કાદુને કાળી કોટડીમાં પૂરી દીધો. કેસ ચાલ્યો અને જૂન ૧૮૮૭માં કાદુને ફાંસી થઈ. હરભાઈ કરાચી પહોંચ્યા. છેલ્લીવાર કાદુને મળતાં ગળું રૂંધાઈ ગયું. કાદુ પાસેથી વિદાય લઇને હરભાઈ રવાના થયા ત્યારે કાદુએ ‘ખુદા હાફિઝ’ કહ્યું. હરભાઈએ રૂંધાતા સાદે ઉત્તર વાળ્યો ‘અલ્લાહ મુહાફીઝ, કાદર બક્ષ!’
પાંચમી જૂન ૧૮૮૭માં કરાચીમાં કાદુને ફાંસી અપાઈ. સમાચાર સાંભળી હરભાઈની આંખે મૈત્રીનાં બે ટીપાં ટિંગાઈ ગયાં.
(કથા આધાર – રાજેન્દ્ર દવે, રાજકોટ)
સૌજન્ય : નાનાભાઈ જેબલિયા, 'તોરણ' , 'દિવ્ય ભાસ્કર', 09 જુલાઈ 2013