મધુભાઈ એકલા ડ્રોઈંગરૂમના સોફામાં બેઠા હતા. આંખમાં દુઃખનાં આસું હતાં. મન ઉદાસ અને ખિન્ન હતું. આજે રક્ષાબંધનનો દિવસ છે, પણ મેઘા આવવાની નથી. અરે! એ હવે કદી આવવાની નથી. ક્યાંથી આવે ? ગઈ રક્ષાબંધનનાં દિવસે આવી હતી. ઘરે જતા એક્સિડેન્ટ થયો અને સદાના માટે ભાઈને છોડીને ચાલી ગઈ. આમે ય એ વર્ષમાં એકવાર રક્ષાબંધનનાં દિવસે જ આવતી, એ પણ મંજુલાને પસંદ નહોતું. પણ આવતી, જરૂર આવતી. પરાણે આવતી, એવું કહીને આવતી કે બહેન જીવતી હોય અને રક્ષાબંધનનાં દિવસે ભાઈને રાખડી ન બાંધે એવું થઈ જ ન શકે. બહેને ભાઈને રાખડી બાંધવી જ જોઈએ અને ભાઈએ રાખડી બંધાવી પડે.
એવું નહોતું કે રક્ષાબંધનનાં દિવસે ભાઈ પાસે કોઈ લાલચથી આવતી. મેઘા તો ખાધે પીધે સુખી હતી. આવતી તો પણ પોતાની કારમાં આવતી. તે દિવસે પણ પોતાની જ કારમાં આવી હતી. મંજુલાના અભદ્ર વર્તનથી દુઃખી થઈ જતી. મંજુલાને મેઘા આવે જરા પણ ગમતું નહીં. મેઘાએ ક્યારે ય મધુભાઈના ઘરમાં માથું માર્યું નહોતું કે કોઈ આડીઅવળી વાત કરતી. છતાં મંજુલાએ ક્યારે ય મીઠો આવકાર આપ્યો નહોતો. અરે! મેઘાના કાર અકસ્માતના દિવસે પણ મંજુલાએ ઘર માથે લીધું હતું. કારણ કે મધુભાઈ ખબર પડે દોડીને હોસ્પિટલ ગયા હતા. મેઘા રક્ષા બંધનના દિવસે આવતી, અચૂક આવતી અને મધુભાઈના હાથે રાખડી બાંધી પોતાનાં આંસુથી ભાઈના હાથને ભીંજવીને જતી રહેતી. મધુભાઈ દુઃખી દુઃખી થઈ જતા, પણ મંજુલાને કંઈ કહી શકે તેમ નહોતા, મંજુલાનો સ્વભાવ જ એવો હતો. મધુભાઈ એક વાત કહે તો સામે દશ વાત મંજુલાની સાંભળવી પડતી. આ બધી વાત યાદ કરી મધુભાઈ દુઃખી થઈ બેઠા હતા.
મંજુલાબહેને ગઈ કાલે મધુભાઈને પૂછ્યું હતું, “આ રક્ષાબંધન ઉપર હવે મેઘાબે’ન તો નહીં આવે.”
“ક્યાંથી આવે, એ બિચારી પ્રભુને પ્યારી થઈ ગઈ. આવતી ત્યારે તને ક્યાં ગમતી હતી કે આજે એ વાત કરે છો. નથી આવવાની એટલે મને યાદ કરાવે છો કે હવે તમારી બહેન નહીં આવે.”
“તમે સાંભળો તો ખરા.”
“હા, બોલો. મારે વાત સાંભળવા સિવાય કરવાનું પણ શું છે.”
“હું કાલે મારા ભાઈને રાખડી બાંધવા જાઉં?”
“તને આટલાં વર્ષે તારા ભાઈને રાખડી બાંધવાનું યાદ આવ્યું?”
“કહોને, હું જાઉં કે ન જાઉં.”
“હા, જા. હું ક્યાં તને રોકું છું? પણ હું નહીં આવું. મને તારા ભાઈ-ભાભી સામે કોઈ જ વાંધો નથી. તારું મારી બહેન મેઘા અને બનેવી સાથેનું ભૂતકાળનું વર્તન મને એમ કરતાં રોકે છે. જેમ તને તારો ભાઈ યાદ આવે છે એમ મેઘાને પણ હું યાદ આવતો. અને બહેન હતી એટલે તારું ગમે તેવું વર્તન હોય, એ રક્ષા બંધનના દિવસે અપમાન સહન કરીને પણ આવતી.”
“તો સારું, હું એકલી જઈ આવીશ.”
“આવો, બહેન, કેમ એકલા? મધુભાઈ તો ક્યાંથી આવે આજે તો તેની વહાલસોયી બહેન મેઘાની યાદમાં આંખમાંથી આંસુ નહીં સુકાતા હોય. મંજુલાબહેન, તમને પણ તમારા ભાઈની યાદ આવી, તો આજે જ્યારે મધુભાઈને તમારી જરૂર હોય ત્યારે તમે તેને એકલાં મૂકીને આવ્યાં. તમને ભાઈને ત્યાં આવ્યાને ઘણાં વર્ષો વીતી ગયાં ને, બહેન. તમે એક નાની એવી બાબતમાં રક્ષાબંધનનાં દિવસે રિસાઈને ચાલ્યાં ગયાં હતાં તે આજે આવ્યાં. જયારે મધુભાઈએ તો તેની બહેન આજના દિવસે ગુમાવી હતી. તેમના દુઃખનો તમે ક્યારે ય વિચાર કર્યો છે?”
“બેસવાનું નહીં કહો.”
“બેસો બહેન, આ તમારું જ ઘર છે. હું તમે જેમ મેઘાને હડધૂત કરી હતી, એવું વર્તન તમારી સાથે નહીં કરું.”
“બસ કર ને તું હવે, કેટલાં વર્ષે મંજુલા આપણા ઘરે આવી છે.”
“હું તો તમારી વાત સાંભળીને, નહીં બોલું પણ તમારી બહેને મધુભાઈને કોઈ દિવસ સાંભળ્યાં છે. મેઘા ફકત ને ફક્ત એક જ દિવસ, એ પણ રક્ષાબંધનનાં દિવસે મધુભાઈને રાખડી બાંધવા આવતી. કોઈપણ અપેક્ષા વગર અને પોતાની કારમાં આવતી. અડધો કલાક રોકાતી. મધુભાઈને આશીર્વાદ આપી, જમ્યા વગર ચાલી જતી. ક્યારે ય તમારી બહેને તેને જમવાનું કહ્યું નહોતું. અને છેલ્લી રક્ષાબંધનમાં મંજુલાબહેને હદ વટાવી હતી. એવી રીતે હડધૂત કરીને કાઢી હતી કે મેઘા ગઈ એ ગઈ પાછી ન આવી. મારી વાત ખોટી હોય તો કહો. તમારી પણ ફરજમાં આવે છે કે બહેનને બે સાચા શબ્દો કહીએ. જે તમે ક્યારે ય ન કર્યું. ભાઈ-બહેનનો સંબંધ એક સરખો અને સમાન હોવો જોઈએ.”
“તારી વાત સાચી છે, પણ આખરે મંજુલા મારી બહેન છે.”
“તો શું! મેઘા, મધુભાઈની બહેન નહોતી? ત્યાં શું કોઈ અલગથી સંબંધની પરિભાષા હોય છે કે તમે કરો છો? હું કહું છું એ તમને નથી ગમતું ને એમ મધુભાઈને પણ નહોતું ગમતું. આજે આટલાં વર્ષે મંજુલાબહેન શું કામ આવ્યાં? તમારી ઉપર પ્રેમ, લાગણી છે એટલે ને? એમ મેઘા પણ મધુભાઈની બહેન હતી અને લાગણીથી જ આવતી હતી. દરેકે દરેકની લાગણી સમજી તેને માન-સન્માન આપી આવકારવા જોઈએ. મંજુલાબહેન, તમે ખરાબ કે ખોટું ન લગાડતાં. આટલાં વર્ષે આવ્યાં એટલે કહું છું એવું નથી. આ તો તમારી ઉપર લાગણી છે એટલે આવી વાત થઈ ગઈ. ખોટું લાગ્યું હોય તો માફ કરજો.”
મધુભાઈને નવાઈ લાગી મંજુલા કેમ આટલી જલદી પિયરથી પાછી આવી ગઈ કે પછી ભાઈ-ભાભીને પણ પરચો બતાવીને આવી હશે? “કેમ, આટલી જલદી પાછી આવી ગઈ? ઘરે જમીને આવી છો? કે બહારથી મંગાવું? મોઢું ઉતરેલું લાગે છે, શું થયું? ત્યાં તારા ભાઈ, ભાભી તો કંઈ બોલે એવાં નથી. આપણે કોઈ ખેલ નથી નાખ્યો ને?” મંજુલાની આંખમાંથી શ્રાવણ, ભાદરવો શરૂ થઈ ગયો.
“મને માફ કરો.”
“અરે! પણ થયું છે શું?”
“મેં, મેઘાબહેનને બહુ અન્યાય કર્યો છે.”
“તો હવે તેનું શું છે? હવે છેક અત્યારે સમજાયું કે તું કરતી હતી, એ યોગ્ય નહોતું. એ તો ચાલી ગઈ. હવે તારી માફી માગવાથી એ થોડી પાછી આવવાની છે. મેં તને ત્યારે ઘણી સમજાવી હતી. આજે તું માફી માંગ કે ન માંગ! મારા માટે તેનું કંઈ મહત્ત્વ નથી.”
“એમ ન બોલો. મને આજે મારી ભૂલ સમજાણી.”
“જો, તને જે સમજાયું હોય તે તારી પાસે રાખ. મને તો એટલું જ સમજાયું છે કે તારા લીધે મેં મારી બહેન મેઘાને ગુમાવી. જે હવે મને ક્યારે ય પાછી મળવાની નથી. હવે તારી વાત કે માફીથી મને કંઈ ફરક પડતો નથી.”
“મારી, એક વાત માનશો? કાલે આપણે મેઘાબહેનનાં ઘરે ભાણા, ભાણી, રૂપા અને અજયને મળવા જવું છે.”
“શું? હજી કંઈ બાકી છે? એ લોકો શાંતિથી જીવે છે તો જીવવા દે ને. અને ત્યાં કોઈ ભવાડો કરીશ તો એ તારા માટેનો મારી સાથેનો અંતિમ દિવસ હશે.”
“ના, એવું કંઈ નહીં થાય. તમે ચાલો તો ખરા.”
“આવો મંજુલાબહેન, આવો મધુભાઈ. કેમ છો?”
“મજામાં. બા, બાપુજી, રૂપા, અજય મને મેઘાબહેન સાથેનાં વર્તન માટે માફ કરજો. મારું વર્તન માફીને લાયક તો નથી પણ તમે ઉદાર દિલના છો એટલે વિનંતી કરું છું. અને મારી બીજી વિનંતી છે. મેઘાબહેનને તો હું પાછાં નહીં લાવી શકું પણ રૂપા, બેટા, તારે દરેક રક્ષાબંધનના દિવસે મામાના ઘરે મેઘાબહેનની જેમ જ આવવાનું અને મામાની સાથે મને પણ મેઘાબહેન વતી રાખડી બાંધવાની. મારી આટલી વિનંતી માન્ય રાખશો ને તો હું માનીશ તમે અને મેઘાબહેને મને માફ કરી છે.”
એક સાથે કેટલી ય આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં હતાં.
ભાવનગર
e.mail : Nkt7848@gmail.com