હૈયાને દરબાર
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ.
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જે ગીતના શબ્દે શબ્દે રંગ કસુંબલ ટપકે છે, એ ગીત ગઇકાલે ઉજવાયેલા સ્વાતંત્ર્ય પર્વે યાદ આવ્યા વિના રહે? કસુંબીનો રંગ ઘૂંટાઈને ઘેરો અને માદક બની જીવન પર ચડે ત્યારે માનવ અસ્તિત્વ સામાન્ય અસ્તિત્વ ના બની રહેતા અખંડ અને ગર્વીલું અસ્તિત્વ બની જાય છે. આ કાવ્યમાં કસુંબલ રંગ જીવનનું નિરંતર અને ચિરસ્થાયી વહેણ છે જે મૃત્યુ પર્યંત સચવાયેલું છે. જિંદગીનો આ સાચો, ઉદાત્ત અને ઉન્માદયુક્ત રંગ મનુષ્યની ત્યાગભાવના અભિવ્યક્ત કરે છે. કસુંબલ રંગ આમ તો કેસરિયો કે કેસૂડો ઘૂંટીને બનાવેલો રંગ, પરંતુ એનો સાચો અર્થ સમજાવે છે કવિ સુરેન ઠાકર ઉર્ફે મેહુલ. એ કહે છે કે "લોહીનો મૂળ રંગ લાલ, પરંતુ હવા ભળે પછી એ કથ્થઈ રંગ થ્ઈ જાય. રક્તનો એ કથ્થઈ રંગ અહીં કસુંબીનો રંગ છે. વતન માટે, સમાજ માટે કે દેશ માટે યુદ્ધ સંગ્રામમાં ખપી ગયા પછી જે રંગ ચડે એ કસુંબીનો રંગ છે. શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ વગેરેની શહીદી પછી આ ગીત લખાયું હતું. ખપી જવાની કે બલિદાન આપવાની તાલીમ મળી તો ક્યાંથી? તો કવિ મેઘાણી કહે છે કે જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં પામ્યો કસુંબીનો રંગ. એટલે કે ત્યાગ, બલિદાન અને શૂરવીરતાને ઘૂંટીને જે રંગ બને એ જ છે સાચો કસુંબી રંગ. દેશ માટે ફના થઈ જવાનું આહ્વાન આપતું આ ગીત લોકગાયકોએ તો ગાયું જ છે, પરંતુ સુગમ સંગીતના કલાકારોએ પણ મન ભરીને ઘૂંટ્યુ છે. આ પ્રતીક દ્વારા તેઓ કહે છે કે જીવન કસુંબીના રંગને જ સમર્પિત છે.
જન્મથી મૃત્યુ સુધીની યાત્રામાં કવિ કસુંબલ રંગને પામતા ગયા છે. ભય સામે ઝઝૂમતા વીરત્વની, પરાક્રમની વાતો મેઘાણીનાં કેટલાંક કાવ્યોનું હાર્દ છે. લોક જાગૃતિનું કામ લોકસંગીત કરી શકે છે. લોકહૃદયની સરવાણી છે એ. તેથી જ લોકગીતો અમર છે. લોકસંગીતમાં સમાજ જીવન, સ્ત્રીઓને લગતાં ગીતો, પુરુષ ગીતો, હાલરડાં, મરશિયા અને લગ્ન ગીતો જેવાં અનેક પ્રકાર વણાયેલાં છે. આ ઉપરાંત, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી પર અણનમ ઊભેલા સિંદૂરી પાળિયા પણ લોકગીતોમાં સ્થાન પામ્યાં છે. વટ, વચન, વહેવાર અને ખુમારીને સલામી આપી છે આપણાં લોકગીતો અને લોકસાહિત્યે.
આવાં આ લોકસંગીતનું સર્વાંગસુંદર ગીત એટલે લાગ્યો કસુંબીનો રંગ. લગભગ દરેક કાર્યક્રમને અંતે રાગ ભૈરવીમાં રજૂ થતું કસુંબીનો રંગ ગીત કાર્યક્રમને જાણે પૂર્ણતા બક્ષે છે. શૌર્યના પ્રતીક સમાન આ કસુંબલ રંગનો નશો જ એવો છે કે એ ચડે તો માનવજીવન ધન્ય થઈ જાય.
આ અમર ગીતરચનાના કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ ચોટીલા. જન્મ ૨૮ ઑગસ્ટ ૧૮૯૬માં. શ્રાવણ વદ પાંચમ, નાગ પંચમીએ માતા ધોળીબાઈ અને પિતા કાળિદાસ દેવચંદ મેઘાણીના ઘરે પારણું બંધાયું ત્યારે એમણે કલ્પ્યું ય નહીં હોય આ દીકરો રાષ્ટ્રીય શાયર તરીકે નામ કાઢશે. જૈન વણિક કુટુંબમાં એમનો જન્મ થયો હતો. મેઘાણી કુટુંબ મૂળ બગસરાનું. પિતાની બ્રિટિશ કાઠિયાવાડ એજન્સીમાં પોલીસની નોકરી. ઝવેરચંદ જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રઢ. પિતાની જુદા જુદા થાણે થતી બદલીઓના કારણે ઝવેરચંદ મેઘાણીએ બાળપણમાં જ ગામે ગામનાં પાણી પીધેલાં અને તેને કારણે જ કાઠિયાવાડની જૂની વીરજાતિઓનાં રીત-રિવાજોની ખાસિયતો, ખૂબીઓ, ચારણો પાસેથી સાંભળેલી વાતો, હૂહૂ, હૂહૂ, જેવા ભૂતનાદ કરતા પવનના સુસવાટા, દરિયાખેડુ દુહાગીરોના દુહાસંગ્રામ, ફાગણી પૂનમની હુતાશણીના ભડકા ફરતેના જુવાનો – વગેરે દ્વારા ભિન્ન ભિન્ન જાતના સાહિત્યના પ્રવાહના સંસ્કારથી એમનો પિંડ ઘડાયો. કલાપીની એ ઘણી અપ્રગટ રચનાઓ સંભારે. એમની પ્રેરણા પછી જૂના સોરઠીકાળને પ્રેમપૂર્વક તપાસવાની સાથે ઓળખવાની પ્યાસ મેઘાણીભાઈને હંમેશાં સતાવતી. પૈસાથી નહિ, અભિરુચિ વડે, રસદૃષ્ટિ વડે. આ એમની લોકસાહિત્યની દીક્ષા. લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી હતી. એ મેઘાણીના લોકગીતપ્રેમી પ્રાણની જનેતા. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતાં એમનાં ગીતોમાંનું એક વહુએ વગોવ્યા મોટાં ખોરડાં … આજે પણ ઘેર ઘેર જાણીતું છે. ઢેલીબહેન પાસેથી મેઘાણી ઘણું શીખતા ગયા. મેઘાણીનાં માતા પણ મધુર કંઠથી રાસડા ગાતાં હતાં.
ઝવેરચંદ કલાપીનાં કાવ્યો એવી દર્દભરી રીતે ગાય કે સૌના હૃદય સાથે સૂક્ષ્મ સંબંધો બંધાતા! વાતાવરણમાં મોહક કરુણતા પ્રસરતી. ગીત પૂરું થતાં સૌ એકાદ મિનિટ નિ:શબ્દ બેસી રહેતા. મિત્રો એમને ‘વિલાપી’ કહેતા. ૧૯૧૭માં કલકત્તા એલ્યુિમનિયમના કારખાનામાં મૅનેજર તરીકે અઢી-ત્રણ વર્ષ ખૂબ જ સંતોષકારક કામ કર્યું એ દરમિયાન વિલાયતનો પ્રવાસ પણ કર્યો. કલકત્તામાં રહી બંકિમચંદ્રની નવલકથાઓ, દ્વિજેન્દ્ર રાયનાં નાટકો, રવિબાબુનાં સાહિત્યનું વાંચન કરતા બંગાળી ભાષા શીખ્યા. નોકરી ખૂબ સારી અને ભવિષ્યમાં મોટો ફાયદો આપે તેવી હતી. પણ સ્વભાવે સાહિત્યનો જીવ હોવાને કારણે કોણ જાણે કેમ કાઠિયાવાડની વનપ્રકૃતિ અને જનસંસ્કૃિત જાણે તેમને બોલાવતી હોય તેમ તેઓ કલકત્તાથી કાઠિયાવાડ પાછા ફર્યા.
૧૯૨૨માં તેઓ ‘સૌરાષ્ટ્ર’માં પત્રકાર તરીકે જોડાયા. પણ એ તો સાહિત્યરસના માણસ એટલે પત્રકારત્વ ય વેરણ લાગ્યું. ચોથા વર્ષે ‘સૌરાષ્ટ્ર’ના પત્ર સંપાદનમાંથી મુક્તિ મેળવી ‘ફૂલછાબ’માં જોડાયા, પણ ‘ફૂલછાબ’ને સૌરાષ્ટ્રનાં રજરંગોમાં ઝબકોળવાનું શરૂ થતાં તેમાંથી તે ખસી ગયા. મુંબઈ આવી સિનેમાના ધંધામાં ઊતરવાનું વિચાર્યું. તે દરમિયાન અમૃતલાલ શેઠના ‘જન્મભૂમિ’ના દૈનિક સંપાદનમાં જોડાયા. તેઓ લખે છે: "આ દૈનિકે મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય ખૂણો પકડવાની અનુકૂળતા કરી આપી.”
પછી તો એમની સાહિત્ય પ્રવૃત્તિ વિસ્તરવા લાગી. શિવાજીનું ‘હાલરડું’ તેમણે ‘આજ’ની નિશ્ચિતતા સામે ‘કાલ’ની અનિશ્ચિતતાને તોળી તોળીને કાવ્યક્ષણને સર્જનાત્મક ભાવમાં રૂપાંતરિત કરી છે.
"આજ માતા ચોડે ચૂમિયું રે બાળા, ઝીલજે બેવડ ગાલ, કાલે તારાં મોઢડાં માથે ધુંવાધાર તોપ મંડાશે … શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે …!
ચારણ કન્યા અને શિવાજીનું હાલરડું જેવાં મેઘાણીનાં કાવ્યો ભણતરમાં આવે તો ભયગ્રંથિઓ તૂટે. ‘ચારણકુલ મારું તીર્થ છે’ કહી તે દ્વારા તેમણે ચારણ અને ચારણી સાહિત્યનો મહિમા દર્શાવ્યો છે. ‘કોઈનો લાડકવાયો’ એ મારી રેવનલ ડી લાકોસ્ટના કાવ્ય ‘સમબડીઝ ડાર્લિંગ'ની અનુવાદિત કૃતિ છે એ વાત આપણે ગતાંકમાં કરી જ. રક્ત ટપકતી … ગીત મેઘાણી હંમેશાં રાગ કાલિંગડામાં ગાતા, પાછળથી ગાયકોએ એને રાગ ભૈરવીમાં ફેરવી દીધું હતું. મેઘાણીભાઇનું તો એ લાડકવાયું ગીત હતું જ પણ ‘મુંબઈ સમાચાર’ના કેટલા ય વાચકોએ આ ગીત મુકવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
લોકગીતો, લોક-સૂરો અને લોક-ઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને ખૂબ વેગ આપ્યો. સોરઠી ગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ કુલ પાંચ ખંડમાં વહેચાયેલો છે. આ સંગ્રહ છેલ્લો કટોરો, કસુંબીનો રંગ, સૂના સમદરની પાળે જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાં ય સુના સમદરની પાળેમાં લોકગીતનો લય સર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે.
મેઘાણીનાં કાવ્ય અનુસર્જનો અનન્ય છે. આપણી ભાષામાં ઉત્તમ અનુવાદકો – રૂપાંતરકારો થઈ ગયા છે. ઉમાશંકર જોશીએ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલનો અનુવાદ કર્યો, કિલાભાઈ ઘનશ્યામે મેઘદૂતનો સમશ્લોકી અનુવાદ કર્યો એ પછી જયન્ત પંડ્યાએ પણ મેઘદૂતનો સમશ્લોકી અનુવાદ કર્યો. એમણે ગ્રીક મહાકાવ્ય ઈલિયડનો સમશ્લોકી અનુવાદ કર્યો જે તાજેતરમાં ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુન: પ્રસિદ્ધ કર્યો. નિરંજન ભગતે ટાગોરના પદ્યનાટક ચિત્રાંગદાનો અનુવાદ કર્યો, પરંતુ તળપદી બોલીમાં સવાયાં અનુસર્જનો તો માત્ર મેઘાણીએ જ કર્યાં એવું ચોક્કસપણે કહી શકાય. મેઘાણી એ મેજિક હતા જેમને ગુજરાતી પ્રજાએ અનન્ય પ્રેમ કર્યો. ટાગોરનો જબરજસ્ત પ્રભાવ હતો મેઘાણી પર. મેઘાણીએ એક સ્થાને લખ્યું હતું કે, "જ્યારે જીવનમાં એક વેળા વેદનાનો સમય હતો ત્યારે કોઈએ મને ટાગોરની રચનાઓનો સંગ્રહ ‘સંચયિતા’ મોકલ્યો. ઈશ્વરે જાણે આશીર્વાદ મોકલ્યા હોય એવું મને લાગ્યું. એક બાજુ બાળક બીમાર હતું, માનસિક ઉત્પાત હતો ત્યારે ટાગોરનાં કાવ્યો ભાલ પર ચંદનનો લેપ બનીને મારી પાસે આવ્યાં અને સદૈવ મારી સંગિની બનીને રહ્યાં.”
સાહિત્યકાર, વક્તા, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વતંત્ર સેનાની અને ગાયક તરીકે તેમનું વિશિષ્ટ પ્રદાન ક્યારે ય વિસરાશે નહીં. આંતરબાહ્ય ઝંઝાવાતો વચ્ચે ભીતરના આતશને એ જાળવી શક્યા, જીરવી શક્યા. જાહેરજીવનમાં ખોટી બાંધછોડ કર્યા વગર પોતાને સમજાયેલા સત્યને વળગીને અણનમ ઊભા રહ્યા. કાકાસાહેબ કાલેલકરે મેઘાણીભાઇને શ્રદ્ધાજંલિ આપતાં કહ્યું હતું કે ઝવેરચંદ મેઘાણી વધારે જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા કરત. ઘણું જીવવાનો એમનો અધિકાર હતો. ૫૦ વર્ષની નાની વયે એમણે વિદાય લીધી જગતમાંથી ત્યારે સ્વામી આનંદે વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું : ગુજરાત ખરેખર રાંકડી : રતન એને રહ્યું નહિ. આવા આ રાષ્ટ્રીય શાયરનાં ગીતો અમર થઇ જાય એમાં નવાઈ શી? શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે ઉત્તમ હરિગીતોની વાત કરીશું હવે પછી. ત્યાં સુધી કસુંબલ રંગે રંગાઈ જજો.
——————————-
લાગ્યો કસુંબીનો રંગ —
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. — રાજ.
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. — રાજ.
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ.
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. — રાજ.
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. — રાજ.
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. — રાજ.
ધરતીના ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. — રાજ.
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો!
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલાં હો !
લેજો કસુંબીનો રંગ ! — રાજ.
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ —
લાગ્યો કસુંબીનો રંગ.
કવિ : ઝવેરચંદ મેઘાણી
હેમુ ગઢવી : http://www.jhaverchandmeghani.com/voice/HG-kasumbi.mp3
ચેતન ગઢવી : https://www.youtube.com/watch?v=I8_ULVl7qz0
—————————–
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 16 અૉગસ્ટ 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=436623