હૈયાને દરબાર
‘ચાલો ખોવાઇએ બાળપણમાં’ નામે ‘મુંબઈ સમાચારે’ પાંચ વર્ષ પહેલાં સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બાળપણનાં સંભારણાં જેવાં ગીતો વચ્ચે નાનકડાં વરેણ્યમ અને જાહ્નવી પંડ્યાએ બાળગીતોની એક મજેદાર મેડલી પ્રસ્તુત કરી હતી. એમાંનું એક ગીત એટલે આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા! વરેણ્યમ પંડ્યા સા રે ગ મ પ લિટલ ચેમ્પ્સના દસ ફાઇનલિસ્ટમાંનો એક પ્રોમિસિંગ સ્પર્ધક રહી ચૂક્યો છે તથા ૧૪ ભાષામાં ગીતો ગાઈ શકે છે. એની બહેન જાહ્નવી ૧૭ વર્ષની કુમળી વયથી ભગવદ્ ગીતાની વિશ્વ પ્રચારક, મોટીવેશનલ સ્પીકર અને કાઉન્સેલર છે. આ બન્ને ભાઈ-બહેને આહા આવ્યું વેકેશન સહિત સુંદર મજાનાં બાળગીતો રજૂ કરીને શ્રોતાઓનાં દિલ જીતી લીધાં હતાં.
ગીતની પહેલી પંક્તિ જ કેટકેટલી સ્મૃતિઓમાં આપણને લઈ જાય છે. ‘હૈયાને દરબાર’માં આપણે ગીત, ગઝલ, ભજન, દેશભક્તિ, નાટ્યગીત, ફિલ્મ સંગીતની વાત કરી ચૂક્યાં છીએ તો બાળગીત શા માટે રહી જાય? ગુજરાતી ભાષામાં ખૂબ સરસ બાળગીત રચાયાં છે. સાવ નાનપણમાં ગાયેલાં-સાંભળેલાં આ ગીતો; પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, નાની મારી આંખ એ જોતી કાંક કાંક, આવો મેઘરાજા, એક બિલાડી, સાયકલ મારી સરરર, નાની સરખી ખિસકોલી બાઈ જાત્રા કરવા જાય કદી વિસરાય? એ પછી સ્કૂલમાં જવાના દિવસોમાં આવાં ગીતો રચાયાં કે આહા આવ્યું વેકેશન, હું ને ચંદુ છાનામાના …! અલબત્ત, વેકેશન તો બાળકોને જ નહીં મોટાઓને ય ક્યાં નથી ગમતું? દિવાળીની રજા પડી ગઈ છે ત્યારે આ મોજીલું ગીત રજા માણવાનો ઉત્સાહ ઓર વધારી દે છે.
જિંદગીની તેજ રફતારમાં મનગમતો સમય ચોરી લેવો એ છે વેકેશન. ફિલ્મની રીલની જેમ ફટાફટ વહી જતાં આયુષ્યનાં વર્ષોમાં ઉમંગ અને ઉત્સાહમાં વધારો કરવાની તક વેકેશન આપે છે. વેકેશનને ધ્યાનમાં રાખીને જ જાણે કોઈ કવિએ લખ્યું છે આરામથી જીવવા દે જિંદગી હવે, બે દિવસ, ઉમર ભર તારા ઈશારા પર નાચતો આવ્યો છું .. !! ગુલઝારની આ પંક્તિઓ પણ કંઈક આ જ લાગણી વ્યક્ત કરે છે; દિલ ઢૂંઢતા હૈ ફિર વોહી ફૂરસત કે રાત દિન … ! તાજામાજા થઈને પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટેની સજ્જતા કેળવવા માટેનો ખાલી સમય વેકેશનમાં મળે છે. ભલે શાસ્ત્રોમાં પરિશ્રમને પારસમણિ કહેવામાં આવ્યો હોય પરંતુ થોડોક વખત ‘આળસનો વૈભવ’ પણ માણવા જેવો ખરો. બાકી, અત્યારના સ્પર્ધાત્મક માહોલમાં મા-બાપ બાળકને વેકેશનમાં ય એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ધકેલે છે. અરે ભાઈ! વેકેશનમાં બચ્ચાઓને નાચવા દો, કૂદવા દો, ખેલવા દો.
યુવાનો તો હવે કમાણીનો એક હિસ્સો ફોરેન ટ્રિપ કે ગમતાં સ્થળ માટે ફાળવી જ દે છે. સમયની સાથે વેકેશનમાં થતી પ્રવૃત્તિઓ પણ બદલાઇ છે. પહેલાં તો વેકેશન પડે ને આઇસ-પાઈસ, થપ્પો, લખોટી, ગિલ્લી-દંડા, ખો ખો જેવી રમતોની ભરમાર શરૂ થઈ જતી. આજનું બાળક મોબાઈલ ગેમ્સ અને પ્લે સ્ટેશન રમવામાં વ્યસ્ત થઈ જાય છે અથવા જાતજાતના વર્ગો ભરીને વેકેશનનો આનંદ માણવાને બદલે માનસિક તાણ વધારે છે. બાળગીતોની મજા માણવાને બદલે બાળકો બોલીવૂડિયા નખરાં કરવામાં મસ્ત છે.
શ્યામલ-સૌમિલ-આરતી મુનશી દ્વારા થોડાં વર્ષો પહેલાં ‘મેઘધનુષ’ નામની બાળગીતોની સી.ડી. બહાર પાડવામાં આવી હતી. બાળકો માટે એ ઉત્તમ કામ થયું હતું.
આ સંદર્ભમાં સૌમિલ મુનશીએ જણાવ્યું કે, "એ વખતે આ સી.ડી. ગુજરાતમાં ઘણી લોકપ્રિય થઈ હતી. રમેશ પારેખનું ગીત હું ને ચંદુ છાનામાના … સંગીતકાર પરેશ ભટ્ટે સુંદર રીતે સ્વરબદ્ધ કર્યું હતું. એ જ રીતે અરવિંદ શેઠે લખેલું અને કમ્પોઝ કરેલું આહા આવ્યું વેકેશન તથા શ્યામલ મુનશીએ રચેલું ટબુડિયો અને શાકભાજી, બારાખડીનું ગીત ખૂબ લોકપ્રિય થયાં હતાં. ૧૯૭૨ની આસપાસ અમે દસ-બાર વર્ષનાં હતાં ત્યારે અમદાવાદમાં ‘ઝગમગ મંડળ’ ચાલતું હતું. એમાં અરવિંદ શેઠે આહા આવ્યું વેકેશન … ગીત અમને શીખવાડ્યું. એટલે ત્યારથી અમે આ ગીત ગાતાં હતાં. ‘મેઘધનુષ’ આલબમમાં લીધાં પછી એ વધુ પ્રચલિત થયું હતું.
ગુજરાતી ભાષામાં રમેશ પારેખથી લઈને કૃષ્ણ દવે સુધી કેટલાક કવિઓએ સરસ બાળગીત આપ્યાં છે. ગાયક કલાકાર શ્યામલ મુનશીએ બાળકોને મજા પડે એવાં ગીતો લખ્યાં છે તો વરિષ્ઠ ગાયિકા કૌમુદી મુનશીએ પણ જ્ઞાન સાથે ગમ્મત મળે એવાં બાળગીતો રચ્યાં છે. માતૃભાષાનાં ગીતો ગાવાનો આનંદ કંઈક અનેરો જ હોય. સાંભળશો તો જ એ સમજાશે. અહીં બે-ત્રણ મજાનાં ગીતની ઝલક આપી છે. તમને ચોક્કસ મજા આવશે વાંચવાની.
———————
કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી
દૂધીમાશી દૂધીમાશી ઝટ પહેરાવો બંડી
આનાં કરતા હતાં ડાળ પર રમતાં અડકો દડકો
મીઠો મીઠો બહુ લાગતો એ સવારનો તડકો
ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રિજનો લેવા માટે ઘારી
મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપકી મારી
દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રિજની બહાર
બારીમાંથી સૂરજ જોયો નહીં ખુશીનો પાર
ત્યાં નાનાં કિરણો આવ્યાં પાર કરી ને તડકો
કહે ટમેટારાજા ! પહેરો મીઠો મીઠો તડકો.
− કૃષ્ણ દવે
ૄ ૄ ૄ
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
− કૃષ્ણ દવે
ૄ ૄ ૄ
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો
તગડો તાળી પાડે, ને નાચે તાતા થૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઊતરી ગઇ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ
− રમેશ પારેખ
ૄ ૄ ૄ
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી.
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા
− રમેશ પારેખ
આ ગીતો યુ ટ્યુબ પર સાંભળીને તમારાં બાળકોને સંભળાવવાનું ભૂલતાં નહીં. અનેે, દિવાળીમાં ઘૂઘરા, મઠિયાં ખાઈને મજા કરજો તથા નવા વર્ષને આનંદ-ઉમંગથી સત્કારજો.
————————
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા
રજાની મજા, મજાની રજા, રજાની મજા
સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા
જો જો મમ્મી તો બોલાવે, પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં
અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા
ગીતકાર-સંગીતકાર : અરવિંદ શેઠ
———————-
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 ઑક્ટોબર 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=601524