‘મુંબઈ સર્વોદય મંડળ’ દ્વારા ગાંધી વિચાર સંબંધિત લેખો નિયમિત પ્રકાશિત થતા રહે છે. ધીરુભાઈ મહેતાનો મૂળે અંગ્રેજીમાં લખાયેલ તારીખ 03 જાન્યુઆરી 2017નો ઓનલાઇન જર્નલ આર્ટિકલ ટી.આર.કે. સોમૈયાની અનુમતિથી, ‘ઓપિનિયન’ના વાચક સમક્ષ ગુજરાતી અનુવાદરૂપે રજૂ કરું છું.
− આશા બૂચ
પી.વી. નરસિંહરાવની સરકારમાં નાણાં મંત્રી તરીકે ફરજ બજાવનાર મનમોહનસીંગે નિરૂપણ કરેલ ઉદાર અને વૈશ્ચિક અર્થ નીતિને ભારતની વેપારી આલમે ઈ.સ. 1991માં અપનાવી લીધેલી. એ જ નીતિ ત્યાર બાદની તમામ સરકારોને પણ માર્ગદર્શન આપતી રહી છે. અર્થકારણની નીતિ વિશેના વિચારો અને તેના વસ્તુ વિષયમાં કોઈ પણ સરકાર વચ્ચે મૂળે કોઈ તફાવત નથી. આપણા દેશમાં ઈ.સ.1951થી 1992 – ચાલીસ વર્ષ દરમ્યાન સમાજવાદી અર્થકારણ અમલમાં હતું. ત્યાર બાદની સરકારો ઉદાર અર્થકારણ અને વૈશ્વીકરણની નીતિને અનુસરતી આવી છે. સ્વતંત્રતા મળી તે ટાણે ભારત વર્ષની એટલે કે અત્યારના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને કુલ વસતી 40 કરોડ હતી. જ્યારે આજે માત્ર ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 42 કરોડની છે.
એમ કહેવાય છે કે 2016 સુધીમાં જગતની 1% વસતી પાસે દુનિયાની 99% મિલકત હશે. ભારતનો કિસ્સો આનાથી વધુ વેગળો નથી હોવાનો. એનાથી સ્પષ્ટ જણાય છે કે સમાજવાદ કે ઉદાર અર્થકારણની નીતિ એ આ દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ માટેનું યોગ્ય સાધન નથી. દેશના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે આપણે ગાંધીજીએ આપેલ હલ સ્વીકારવા જોઈશે. પંડિત નહેરુને તેમના જીવનના અંતિમ દિવસોમાં આ હકીકતનો અહેસાસ થયો જે પોતાની નીતિઓમાં પરિવર્તન લાવવા માટે ઘણો મોડો પડ્યો હતો. સાંપ્રત અર્થકારણની નીતિઓની સરાહના કરનારા લોકો એક પ્રકારના નશામાં ચકચૂર છે. ગાંધીજીની આર્થિક નીતિઓમાંનો એક સિદ્ધાંત ટ્રસ્ટીશીપનો હતો.
1991માં તત્કાલીન નાણામંત્રીએ પ્રથમ વખત પોતાના અંદાજપત્ર રજૂ કરતા વક્તવ્યમાં ગાંધીજીના ટ્રસ્ટીશીપની ફિલોસોફીનો ઉલ્લેખ કરેલો. હજુ આજે પણ એ વિચારોનું અર્થઘટન કરીને તેને અમલમાં મુકવા માટે કોઈ પ્રયત્નો થયાના અણસાર નથી જોવા મળતા. આપણા જેવા ગરીબ દેશમાં કુદરતી સાધનો પર અબાધિત અધિકાર ખાનગી ક્ષેત્રને ન આપી શકાય કે ન તો થોડા હજારેક જેટલી વ્યક્તિઓ કે કુટુંબોના ફાયદા માટે દેશની સંપદાનો અમર્યાદિત ઉપભોગ કરવાની પરવાનગી આપી શકાય. અહીં ગાંધીજીના ટ્રસ્ટીશીપના ખ્યાલોની પ્રસ્તુતતા રહેલી છે. જો નવી અર્થનીતિને સફળ બનાવવી હોય તો તે આપણી માર્ગદર્શક હોવી જોઈએ.
એક સર્વોદય આગેવાન કાર્યકર દાદા ધર્માધિકારીએ એક વખત કહેલું: જગત બે પક્ષોમાં વહેંચાયેલું છે – સામ્યવાદ અને મૂડીવાદ. સામ્યવાદ રાજ્ય દ્વારા કરવામાં આવતા શોષણ પર નભે છે. બીજી બાજુ સામ્યવાદ અને મૂડીવાદના પાયા હચમચી ગયા છે અને નવા સામાજિક માળખાની રચના કરવા બંનેમાંથી એકેયનો પાયો કામ લાગે તેમ નથી. નવું સામાજિક માળખું તો ગાંધીજીની વૈકલ્પિક અર્થનીતિના પાયા પર જ ઊભું કરી શકાશે. રશિયાનો સામ્યવાદ નિષ્ફળ ગયો છે તે સર્વવિદિત છે. આથી એમ સ્વીકારી શકાય કે મૂડીવાદ આપોઆપ સફળ થયો ગણાય. ગાંધીજી એક એવી પ્રથમ વ્યક્તિ હતી જેમણે સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેનો મૂળભૂત વિરોધાભાસ જોયો હતો અને એક વ્યવહારુ આદર્શવાદી તરીકે તેમણે ટ્રસ્ટીશીપનો વિચાર આપ્યો જે સામ્યવાદ અને મૂડીવાદનું સ્થાન લઇ શકે. જયારે દેશ આખો નહેરુની સમાજવાદી કેન્દ્રીય આર્થિક આયોજનને અનુસરે છે અને ખનગી ક્ષેત્રને જરૂર કરતાં ય વધુ મહત્ત્વ આપી અજમાવવા માગે છે, ત્યારે વેપારી વર્ગે આ ટ્રસ્ટીશીપના વિચાર માટે કેમ કઇં રસ નથી દાખવ્યો તેની નવાઈ ઉપજે છે.
ટ્રસ્ટીશીપના વિચારનાં મૂળ:
ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો વિચાર ઉપનિષદના પ્રથમ શ્લોકમાં જોવા મળે છે, જેનો અર્થ થાય છે, “આ વિશ્વમાં જે કઇં અસ્તિત્વ ધરાવે છે તેમાં ઈશનો વાસ છે. ત્યાગીને ભોગનો આનંદ મેળવો. અન્યના ધનની કામના ન કરવી.” બાઇબલમાં પાંચ બ્રેડના લોફ અને બે માછલીની વાર્તામાં પણ આ ઉપદેશ જોવા મળે છે. એક સમાજવાદી વિચાર ધરાવનારની માફક ગાંધીજી પણ મિલકતની સમાન વહેંચણીમાં માનતા હતા, પણ તેમને એ હકીકતની જાણ હતી કે દરેક સ્ત્રી અને પુરુષની ક્ષમતા અને શક્તિ અલગ અલગ હોય છે અને તેમની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. આથી સંપત્તિની સમાન વહેંચણીનો અર્થ દરેકને એક સરખું મળે એવો ન કરી શકાય. ગાંધીજીના શબ્દોમાં, “સમાન વહેંચણીનો અમલ કરવો એટલે દરેક માણસ પાસે તેની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતાં સાધનો અને તક હોવાં જોઈએ અને તેથી વિશેષ કશું ન ખપે. દાખલા તરીકે એક માણસને નબળી હોજરી હોય અને રોટલા માટે પા રતલ લોટ જોઈએ અને બીજાને એક રતલ જોઈએ તો બંને પોતપોતાની જરૂરિયાત સંતોષી શકે તેવી સ્તિથિમાં હોવા જોઈએ. વળી દરેક માણસ પાસે એક સરખી બુદ્ધિ શક્તિ નથી હોતી, અરે એક ઝાડ ઉપર બે પાન પણ સરખાં નથી હોતાં. ઉપર ઉપરથી ડાળ પાંખડાં કાપી નાખવાથી આસમાનતા દૂર નથી કરી શકાતી.”
ગાંધીજી કોઈની બુદ્ધિ શક્તિ વેડફી દેવા નહોતા માગતા. તેઓ બધાની શક્તિઓનો સમાજના હિત માટે વિનિયોગ કરવા માગતા હતા. ગાંધીજીએ એ પણ કબૂલ કરેલું કે કુદરતી અને સંસાધનોમાંથી પ્રાપ્ત થતા વળતરનો વ્યાજબી ભાગ તેના માલિકો સમાજ માટેની તેમની સેવા અને સમાજને ઉપયોગી થવાના બદલામાં રાખી શકે. તેઓ માનતા કે સંપૂર્ણ ત્યાગ એ એક અમૂર્ત વિચાર છે કે જેનો શબ્દશઃ અમલ ન થઇ શકે. સમાજવાદી અને સામ્યવાદી વિચારો ધરાવનારાઓએ ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ખાનગી માલિકીના ઉદ્યોગ-વેપારને નવી જિંદગી બક્ષતી એક હોશિયારી ભરી યુક્તિ તરીકે ઓળખાવી કાઢી. આ લોકોએ દેશની જનતાને સમજાવવાની ફરજ છે કે તેમનો સમાજવાદ તેમ જ તેમના વિરોધીઓનો મૂડીવાદ કેટલે અંશે ગરીબીનું પ્રમાણ ઘટાડવામાં સફળ રહ્યાં છે કે જે ધ્યેય સિદ્ધ કરવાનો તેઓ દાવો કરે છે. તેઓ તમામ સાહસો સરકારની માલિકીના રહે તેમ ઇચ્છતા હતા. ગાંધીજી એ વાત સાથે સહમત થતા હતા કે વ્યક્તિ શોષણ દ્વારા ધન સંચય કરે છે જેને પરિણામે હિંસા ફાટી નીકળે છે, પરંતુ તેઓ રાજ્યની હિંસા કરતાં વ્યક્તિની હિંસા ચલાવી લેવાના મતના હતા કેમ કે એ બંનેમાંથી વ્યક્તિની હિંસા અમુક અંશે ઓછી દુષ્ટ હોઈ શકે છે.
ગાંધીજી જ્યારે આગાખાન મહેલમાં કેદ હતા ત્યારે તેમને આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિષે વિચાર આવેલો. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓએ આ વાત આશ્રમના કેટલાક અનુભવી સભ્યો અને મુંબઈ યુનિવર્સીટીના એમ.એલ દાંતવાલા સાથે ચર્ચી. ટ્રસ્ટીશીપ માટેનો ખરડો પ્રૉફેસર દાંતવાલા, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાલા અને અન્યો દ્વારા તૈયાર કરવામાં આવેલો. ગાંધીજીએ તેમાં થોડા સુધારા કર્યા બાદ મંજૂરી આપી. તેનો આખરી મુસદ્દો આ પ્રમાણે છે:
“હાલની મૂડીવાદી સમાજ વ્યવસ્થાને સમતાવાદી સમાજમાં પરિવર્તિત કરવાની તક ટ્રસ્ટીશીપ આપે છે. એ મૂડીવાદને ખતમ નથી કરતો પણ એ અત્યારના મલિક વર્ગને પોતાની જાતને સુધરવાની તક આપે છે. આ સિદ્ધાંત એવા વિશ્વાસના પાયા પર ઊભેલો છે કે માનવ સ્વભાવ કદી ઋણ મુક્તિથી પર નથી. સમાજના હિત માટે સમાજ મંજૂર કરે તેટલા પ્રમાણમાં ખાનગી મિલ્કતની માલિકી સિવાય વધુ કોઈ પણ અધિકાર માણસને નથી એમ તેમાં અભિપ્રેત છે. તે માલિકી અને સંપત્તિના ઉપભોગ માટે કાયદાકીય નિયમોને પણ બાકાત નથી કરતો. તો આ રીતે રાજ્ય દ્વારા નિયંત્રિત ટ્રસ્ટીશીપમાં કોઈ વ્યક્તિ સ્વાર્થી થઈને આત્મ સંતોષ ખાતર કે સમાજના હિતનો વિચાર કર્યા વિના પોતાની મિલકતની માલિકી રાખવા કે તેનો ઉપયોગ કરવા સ્વતંત્ર નહીં હોય. જે રીતે લઘુતમ વેતન ધારો નિર્ધારિત થયો છે એ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી આવક અને સંપત્તિ ધરાવી શકે તે પણ નિશ્ચિત થવું જોઈએ. લઘુતમ અને મહત્તમ વેતન વચ્ચેનો તફાવત તાર્કિક અને સમાનતા પર આધારિત હોવો જોઈએ તેમ જ સમયે સમયે બદલાતો રહેવો જોઈએ એટલું જ નહીં પણ છેવટ એ તફાવતની સદંતર નાબૂદી જ થઇ જાય તેવું ધ્યેય હોવું જોઈએ.”
ગાંધીની અર્થ વ્યવસ્થામાં ઉત્પાદનનું પ્રમાણ સમાજની જરૂરિયાત પર નિર્ભર કરશે નહીં કે વ્યક્તિની ઈચ્છા કે તેનો લોભ. ટ્રસ્ટીશીપનો પાક્કો ખરડો પ્રેસમાં મોકલતાં પહેલાં જી.ડી. બિરલાને બતાવવાનું મુનાસીબ ધાર્યું અને તેમણે એ ખરડો આવકાર્યો. એક એવો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો કે આ ફોર્મ્યુલાના પ્રકાશનથી જ તેની શરૂઆત કે અંત ન આવવા જોઈએ, પરંતુ બિરલાએ તેમના સાથી ઉદ્યોગપતિઓ વચ્ચે તેનો પ્રચાર કરવો જોઈએ જેથી એ લોકોના સ્વીકારની જાહેરાત ટ્રસ્ટીશીપના ખરડાના પ્રકાશન સાથે કરી શકાય. બિરલા તરફથી આ બાબતમાં આગળ કોઈ વાતચીત નહોતી થયેલી. પ્યારેલાલના અનુમાન મુજબ, “કદાચ તેમણે જેમનો સંપર્ક કર્યો હશે તેમની પાસેથી નિરાશાજનક પ્રતિભાવ મળ્યો હશે.”
અહીં સારાયે વિશ્વને અસર કરે તેવો એક મહાન વિચાર છે જે સામાજિક સંપત્તિના સંચયના દુષ્ટ પરિણામો દૂર કરવાનો એક નવો માર્ગ બતાવે છે. વિનોબા ભાવેના ભૂદાન/ગ્રામદાન કાર્યક્રમો મૂલતઃ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પરની શ્રદ્ધાની ઉપજ હતા. ભૂદાને ક્રાંતિ સર્જી કે નહીં તે અલગ વાત છે. પણ હકીકત એ છે કે ભૂદાનની ચળવળમાં ભૂમિ વિહોણા મઝદૂરોને દાનમાં મળેલ કુલ જમીન બધા પ્રાંતોને વિવિધ જમીન મર્યાદાના કાયદાઓ દ્વારા મળેલી તેના કરતાં થોડી વધુ હતી. સ્કોટ બાડર કંપનીના અર્નેસ્ટ બાડરે યુનાઇટેડ કિંગ્ડમમાં ટ્રસ્ટીશીપના વિચારનો પ્રચાર સફળતાપૂર્વક કર્યો. યુનાઇટેડ કિંગ્ડમમાં 1976માં આ જ હેતુસર industrial common ownership એક્ટ અસ્તિત્વમાં આવ્યો. પશ્ચિમ જર્મનીમાં કેટલીક કંપનીઓ થોડી ઘણી સફળતા સાથે આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અમલમાં મૂકી રહી છે, જેમાંના 40,000 લોકો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અનુસાર કામ કરી રહ્યા છે. ભારતમાં સદ્દગત જયપ્રકાશ નારાયણની પ્રેરણાથી મુંબઈમાં ગોવિંદરાવ દેશપાંડેએ સ્થાપેલ ટ્રસ્ટીશીપ ફાઉન્ડેશનના નેજા હેઠળ કેટલાક સંગઠનો ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કામ કરે છે. દેશભરમાં સંમેલનો, શિબિરો અને ચર્ચા વર્તુળો ગોઠવવા ઉપરાંત ગોવિંદરાવ દેશપાંડે અને તેમના સાથીદારોએ કેટલાક સંગઠનો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ચલાવવાનો પ્રયોગ પણ કર્યો. મહેસાણા સ્થિત The People’s Trusteeship Packaging Private Limited આનું ઉદાહરણ છે. દરેક પ્રયોગમાં બને તેમ આવા એકમોના સંચાલનમાં પ્રશ્નો તો ઊભા થવાના જ, પરંતુ એ એકમો પડ્યા વિના આપબળે ચાલતા પણ થઇ જતા હોય છે.
હવે મોટા વેપાર ઉદ્યોગોએ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને સમજી, સ્વીકારીને એ પ્રમાણે પોતાનો વહીવટ ચલાવવાની જરૂર છે.
સવાલ એ છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આજના યુગમાં અર્થસંગત છે કે નહીં? એ શું માત્ર આદર્શ છે? મારી અંગત માન્યતા પ્રમાણે એ માત્ર આદર્શ બિલકુલ નથી. વર્લડ બેન્ક કે આંતરરાષ્ટ્રીય મોનિટરી ફન્ડ દ્વારા સૂચવાયેલ પેકેજ કરતાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો પ્રયોગ ઓછો જોખમકારક નીવડશે. ભારતીય નાણાંનાં અવમૂલ્યનથી નિકાસમાં નોંધપાત્ર વધારો થવા સંભવ નથી. આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ છે કે ચોથી લોકસભામાં સમાજવાદના કટ્ટર હિમાયતી રામ મનોહર લોહિયાએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું બિલ રજૂ કરીને તે માટેનો માર્ગ મોકળો કરી આપેલો. જો કે લોકસભા બરખાસ્ત થવાથી એ વિચાર પડી ભાંગ્યો. ટ્રસ્ટીશીપ પર આધારિત સંગઠનોએ કેવું વહીવટી માળખું અપનાવવું જોઈએ? પાર્લામેન્ટ આ માટે કાયદો ઘડવા માટે ભરસક પ્રયાસ કરે તે દરમ્યાન મને લાગે છે કે વર્તમાન કાયદાકીય માળખું પર્યાપ્ત છે. માલિકી કે ભાગીદારીનો સવાલ ઊભો થાય તો માલિક કે ભાગીદારના સહિયારા નિર્ણયથી ઉકેલ લાવી શકાય. કામદારો અને સમાજના પ્રતિનિધિઓ આવા સંગઠનો સાથે સંલગ્ન હોય અને તમામ નિર્ણયો લેવામાં ભાગીદાર હોઈ શકે. એવી જ રીતે લિમિટેડ કંપની પણ ટ્રસ્ટીશીપ પર આધારિત વહીવટી માળખું અપનાવી શકે. દાતાઓ, માલિકો, નોકરિયાતો અને સમાજના સભ્યોનું બનેલ એક જુદું ટ્રસ્ટ એ કંપનીના હિતને અંકુશમાં રાખવાનું કાર્ય બજાવી શકે. નોકરિયાતોને મત આપવાનો અધિકાર હોય અને તેમનું સભ્યપદ કંપનીમાં કામ કરે તેટલા સમય માટે મર્યાદિત હોય. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર કે વેપારની અસાધારણ સૂઝ અને વિશેષ શક્તિ ધરાવનાર એવી બહારની કોઈ વ્યક્તિ હોય તો તેમને આ ટ્રસ્ટનું આજીવન કે નિશ્ચિત સમય માટેનું સભ્યપદ લેવા આમંત્રણ આપી શકાય. પબ્લિક લિમિટેડ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં કેટલાક પાયાના ફેરફાર કરવા જરૂરી બને. આવા ટ્રસ્ટના આવક વેરા અને મિલ્કત વેરાના નિયમોમાં જરૂર સુધારા કરવા પડે. યુનાઇટેડ કિંગ્ડમના Industrial Common Ownership Act, 1976 પાસેથી આપણે એક ધડો લઇ શકીએ. લોહિયાએ લોકસભામાં મુકેલ ખરડો પણ આપણને આ બાબતમાં માર્ગદર્શક થઇ પડે. મહેસાણા – ગુજરાતમાં આવેલ પીપલ્સ ટ્રસ્ટીશીપ પેકેજીંગ પ્રાઇવેટ લિમિટેડના સંચાલન વિષે અભ્યાસ કરી શકાય. સહકારી મંડળીનું માળખું ટ્રસ્ટીશિપનું હોય તે જરૂરી નથી. સહકારી સાહસમાં તેના સભ્યો એ મંડળીના સભ્યોના ફાયદાને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે કે જે દરેક કિસ્સામાં અલગ અલગ હોઈ શકે. કેટલાક અનુભવ દર્શાવે છે કે શેરડી ઉગાડનારની સહકારી મંડળીના સભ્યો બીજી સહકારી મંડળીના સભ્યો, ગ્રાહકો કે સમાજના સભ્યો સાથે ખાસ નિસબત નથી ધરાવતા. એ જ રીતે ગ્રાહક સહકારી મંડળીના સભ્યો પણ પોતાના ગ્રાહકોનાં હિતના લાભાર્થે જ કામ કરે છે.
ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત દાનવીરો, કામદારો, ગ્રાહકો અને સમાજને એક સમાન ભાગીદાર તરીકે જુએ છે. મજૂર વર્ગને સારો પગાર, વધુ વેતન અને સગવડો આપવા માત્રથી ટ્રસ્ટીશીપનો અમલ નથી થતો. સમયે સમયે નામી કે અનામી રહીને જુદા જુદા પ્રકલ્પોમાં દાન આપવાને પણ ટ્રસ્ટીશીપને ન કહી શકાય એક ટ્રસ્ટ કોઈ કંપનીમાં સમાન ધોરણે શેર ધરાવે એ પણ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી ઘણો વેગળો વિચાર છે. ટ્રસ્ટીશીપ તો ઘણો વિશાળ વિચાર બની શકે, એક ચળવળ બની શકે, અરે, એ એક જીવન પદ્ધતિ બની શકે. બધા સત્તાધારીઓ પોતાને ટ્રસ્ટી માને અને તમામ સંસાધનો, સત્તા અને તેની સાથે સંકળાયેલ પ્રભાવક શક્તિનો વિનીયોગ લોક કલ્યાણ અર્થે કરે નહીં કે સ્વ અર્થે. સંગઠિત મઝદૂર વર્ગે પણ યાદ રાખવું ઘટે કે તેઓ 10% સદ્નસીબ નાગરિકોમાંના એક છે. અન્ય કોઈ આ પ્રક્રિયાની શરૂઆત કરે તેની રાહ આપણે ન જોઈએ. આપણે આજે અને અત્યારે જ આનો શુભારંભ કરીએ.
મહાત્મા આપણને માત્ર નદી સુધી દોરીને લઇ જઇ શકે, પાણી ન પીવડાવી શકે.
મૂળ અંગ્રેજી લેખની કડી :
(અનુવાદક : આશા બૂચ)
e.mail : 71abuch@gmail.com