વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને નિરાશા સાંપડે છે. અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદો પાડી દીધો છે, તેઓને એ દેખાડવું જોઈએ કે આખરે વાસ્તવિકતા શું છે અને ખેડૂતો કેમ મરી રહ્યાં છે. અથવા આ પ્રકારનાં બેકાર નીતિનાં દસ્તાવેજ કેમ રજૂ કરવામાં આવે છે. આપણા દેશમાં કૃષિ સંકટનું મુખ્ય કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે અને જેનો ઉદ્દભવ એ આર્થિક સર્વેક્ષણ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે, તેઓ એ વાત માનવા તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર તેઓ જણાવે છે તે તો ખરેખરમાં દેશનાં કૃષિ સંકટનું મૂળ છે.
ગત ૧૦-૧૧ વર્ષોમાં હું વાર્ષિક આર્થિક રીપોર્ટ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચતો રહ્યો છું. સામાન્ય રીતે તો આ ભારે રીપોર્ટ બજેટના બે દિવસ પહેલાં રજૂ કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાનનાં આર્થિક સરવૈયાને આ રીપોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવે છે. સાથે જ આપણને આ રીપોર્ટમાં એ પણ જાણવા મળે છે કે દેશમાં દરેક સરકારનો આર્થિક સ્થિતિઓ પરત્વેનો વિચાર કેવો અદૂરદર્શી રહ્યો છે. જો તમે આ રીપોર્ટને ધ્યાનથી વાંચશો તો તમે એ વાત સમજી શકશો કે આ રીપોર્ટ લખનાર અર્થશાસ્ત્રીઓ વિશ્વ બેંક, આઇ.એમ.એફ. અને ક્રેડિટ રેન્કિંગ એજન્સીઓ દ્વારા ભણાવવામાં આવી રહેલાં આર્થિક પાઠોનું આંખ બંધ કરીને અનુસરણ કરી રહ્યાં છે. જો તમે આર્થિક સર્વેક્ષણનાં કેટલાંક દસ્તાવેજો વાંચ્યા હશે તો એ વાત સ્પષ્ટ થઇ જશે કે અર્થશાસ્ત્રીઓ રૂઢીવાદી પરંપરામાંથી નીકળવાની કલ્પના પણ નથી કરી રહ્યાં. ગત વર્ષોમાં નિષ્ફળ સાબિત થયેલાં વિચારો અને ભલામણોને જ વારંવાર રજૂ કરવામાં આવે છે. ઓછામાં ઓછાં છેલ્લાં દસ વર્ષમાં કે જ્યારથી હું આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે.
જે રીતે ઘોડાઓને રસ્તા પર સીધાં ચાલવા માટે તેમની આંખો પર ડાબલા લગાવી દેવામાં આવે છે તે રીતે મારા વિચારના મુખ્યધારાનાં અર્થશાસ્ત્રી પણ ક્યારેક પોતાનાં મગજ પર મનોવૈજ્ઞાનિક ડાબલા બાંધી રાખે છે. કદાચ તેઓની પાસે ચોક્કસ મર્યાદાની બહાર વિચારી શકવાની ક્ષમતાની અપેક્ષા રાખી શકાય જ નહિ. આપણે એ વાત ભૂલવી જોઈએ નહિ કે આ ડાબલા થકી ઘોડાઓ પ્રકૃતિ જોઈ શકતાં નથી કે જે પ્રકૃતિ તેઓ જોવા માંગતા હોય છે અને આવી જ હાલત આપણા અર્થશાસ્ત્રીઓની છે.
જ્યારે પણ તમે લકીરનાં ફકીર બની જાઓ છો ત્યારે તેનાં પરિણામનાં સ્વરૂપે ભારે ભૂલો ભોગવવી પડે છે. ઉદાહરણ તરીકે જો આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્ર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ પ્રકારે દેશની ૫૨ ટકા જેટલી વસ્તીને આજીવિકા પ્રદાન કરે છે. ઓછામાં ઓછા ગત દસ વર્ષોમાં કે જ્યારથી હું આ આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે. જેનું ઉદ્દગમ સ્થાન એ આર્થિક સર્વેક્ષણ છે. તેનાં કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે તે લોકો એ વાત માનવા માટે તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર અંગેની વાત તેઓ કરતાં આવ્યા છે તે જ કૃષિ સંકટનું મૂળ છે.
દર વર્ષે કૃષિની સ્થિતિમાં સુધારો લાવવા માટે આર્થિક સર્વેક્ષણ થકી તે જ નિષ્ફળ પ્રયોગો ફરી વખત આદરવામાં આવે છે. પાકની ઉત્પાદકતા વધારો, સિંચાઈ વ્યવસ્થાનો વિસ્તાર કરો, જોખમભર્યું કાર્ય કરો, લાભકારી મૂલ્ય ઉપલબ્ધ કરો અને બજારનું ખાનગીકરણ કરો. ઓછામાં ઓછા ગત દસ વર્ષથી હું આર્થિક સર્વેક્ષણને કૃષિમાં સુધારો કરવા માટે આ ભલામણ કરતો રહ્યો છું. એ વાતમાં સહેજ પણ આશ્ચર્યચકિત થવા જેવું નથી કે દર વર્ષે કૃષિ સંકટ માત્ર ઓછું નથી થઇ રહ્યું, પણ આ સંકટ ઊંડું પણ થઇ રહ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ આ દેશમાં દિવસે-દિવસે વધી રહી છે, છતાં પણ આર્થિક સર્વેક્ષણમાં એ જ જૂની વિચારધારા અને કામનાં ના હોય તેવાં ઉપચાર સૂચવવામાં આવી રહ્યાં છે. ગત ૨૨ વર્ષમાં અંદાજીત ૩.૩૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને છતાં દેશનાં અર્થશાસ્ત્રી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ફળ રહ્યા છે. આ આપણા દેશનાં નીતિગત માળખાં પર એક દુઃખદ ટિપ્પણી છે.
પોતાનાં અને આ અગાઉ કરવામાં આવેલાં તમામ ઉપાયોની નિષ્ફળતા વિશે જાણતા છતાં પણ આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭માં પૂરતું ધ્યાન વિવાદાસ્પદ જેનેટિકલી મોડિફાઇડ (જી.એમ.) પાક પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દોષપૂર્ણ તર્કનો ઉપયોગ કરીને કૃષિ સંકટમાંથી બહાર આવવા માટેનો એક માત્ર રસ્તો એ છે કે પાકની ઉત્પાદકતા વધારો અને આર્થિક સર્વેક્ષણ હવે જી.એમ. ઉદ્યોગને જ તમામ સમસ્યાઓનો ઉકેલ જણાવી રહ્યો છે. તેમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે વાણિજ્યિકરણનો રસ્તો ખુલવાની રાહમાં ભારતે તમામ પ્રકારનાં જી.એમ. પાક માટે બજાર ખોલી નાખવું જોઈએ.
જી.એમ. ઉદ્યોગની વાત આધારિત આ લોકોએ જી.એમ.નાં પાકને બજારમાં ઉપલબ્ધ કરાવવો યોગ્ય છે તે જણાવવા માટેની રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે. કઠોળનું ઉત્પાદન વધારવાની બાબતના રીપોર્ટમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની અધ્યક્ષતા હેઠળની એક સમિતિમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે જી.એમ. ઉદ્યોગને તેમાં સામેલ કરવો જોઈએ એ વાતનું ખુલ્લું સમર્થન કર્યું છે. સામાજિક સ્તરે આ ભલામણની આકરી નિંદા કરવામાં આવતાં મુખ્ય આર્થિક સલાહકારે એક પગલું આગળ વધીને આ નીતિ દસ્તાવેજનો પ્રયોગ ખાનગી બીજ કંપનીઓનાં વાણિજ્યિક હિતોને પ્રોત્સાહન આપવા માટે કર્યો.
વૈજ્ઞાનિક તથ્ય એ છે કે વિશ્વમાં એવો કોઈ જી.એમ. પાક નથી કે જેનાથી પાકનું ઉત્પાદન વધે અને આ તથ્યને સીધી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યું છે. એકમાત્ર જી.એમ. પાક કે જેનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે તે છે બી.ટી. કોટન. જો જી.એમ. કોટનથી કપાસની ખેતી કરનાર ખેડૂતોની આવકમાં વધારો થયો છે, તો બી.ટી. કોટન ઉગાડનાર ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે? એક અનુમાન પ્રમાણે ભારતમાં કૃષિ સંલગ્ન આત્મહત્યાઓમાં ૭૦ ટકા મૃત્યુ માત્ર કપાસનાં ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે.
આ સિવાય જો પાકનું ઉત્પાદન વધારવું એ જ આગળ વધવાનો રસ્તો છે તો દેશનાં ફૂડ બાઉલ તરીકે ઓળખાતા પંજાબમાં ખેડૂતો આટલી મોટી સંખ્યામાં કેમ આત્મહત્યા કરવા પ્રયાસ કરી રહ્યાં છે? પંજાબ એ વિશ્વનું સૌથી વધુ પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરનાર મથક છે અને તે ૯૮ ટકા સુનિશ્ચિત સિંચાઈ સુવિધાયુક્ત હોવાથી તેની પાસે વિશ્વનું સૌથી મોટું સિંચાઈ ક્ષેત્ર છે. છતાં પણ એક દિવસ એવો નથી જતો કે જ્યારે અહીં ત્રણથી ચાર ખેડૂતોએ આત્મહત્યા ના કરી હોય.
જી.એમ. પાકનાં ઉપયોગ વિના પણ આ વર્ષે કઠોળનું ઉત્પાદન ઘણું વધારે થયું પરંતુ ઉત્પાદનમાં એકદમ વૃદ્ધિ થવાનાં કારણે તેને યોગ્ય રીતે સંભાળી શકવાની સમજ સરકાર પાસે નહિ હોવાને કારણે ભાવ ઘટ્યા અને ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું. ૫૦ ૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં ખરીદ મૂલ્યનાં સ્થાન પર ખેડૂત ૩૫૦૦થી ૪૨૦૦ પ્રતિ ક્વિન્ટલથી વધુ કિંમત પ્રાપ્ત કરી શક્યા નહિ. ઉત્પાદન તો ઓછું હતું જ નહિ, ક્યાં સુધી અર્થશાસ્ત્રીઓ ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતાં કાચા માલના અપૂર્તિકર્તાઓનાં હિતને પ્રોત્સાહન આપવા માટે ખોટાં દ્રષ્ટિકોણ સૂચવતા રહેશે?
મને એ વાત કહેવામાં કોઈ ખેદ નથી કે વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને હું ખૂબ જ નિરાશ થયો છું. જ્યારે અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદા નાખી દીધા છે ત્યારે એમને એ દેખાડવાનો સમય આવી ગયો છે કે ખરી વાસ્તવિકતા શું છે અને ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે. નહિ તો આપણને આ પ્રકારનાં બેકાર નીતિ દસ્તાવેજ પીરસવામાં આવતા રહેશે અને એટલે જ મારે એ કહેવું છે કે આર્થિક સર્વેક્ષણ તૈયાર કરનાર અર્થશાસ્ત્રીઓના દળ માટે એ અનિવાર્ય હોવું જોઈએ કે તેઓ ઓછામાં ઓછાં ત્રણ મહિના ગ્રામીણ વિસ્તારમાં વ્યતીત કરે અને ત્યાર બાદ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે. આ દળની આગેવાની મુખ્ય આર્થિક સલાહકાર કરે અને તેમાં નીતિ દળના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે. મને એ વાતનો વિશ્વાસ છે કે તમે ચોક્કસ માનશો કે અર્થશાસ્ત્રીઓ / નોકરશાહીને ગ્રામીણ સ્થિતિ સાથેનો પરિચય કરાવવો એ ખૂબ જ જરૂરી છે. નહિ તો જે ભયંકર સંકટમાંથી દેશ ગત દસ વર્ષથી પસાર થઇ રહ્યો છે તે ઓછું થવાની જગ્યાએ વધુ ઊંડું થતું જશે.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com