પત્રશ્રેણી – ૧
પ્રિય નીના
૨૦૧૬નું નવું વર્ષ શરુ થયું છે ત્યારથી એક જ વાત વળી વળીને મગજમાં ઘૂમરાયા કરે છે અને તે હાલની ચાલુ પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કામ શરુ કરવું.
બ્લોગ પર ખૂબ લખ્યું, ફેઇસબૂક પર ખૂબ વાંચ્યું, સાહિત્યિક અને સાહિત્યેતર સંસ્થાઓ સાથે કેટલીક પ્રવૃત્તિઓ કરી, કવિતાઓ પણ બહુ લખી, વોટ્સેપ અને વાઈબરના આ સમયમાં, કોણ જાણે બધું જ, બધે જ ‘મોનોટોનસ’ લાગે છે. ક્યાં ય નિર્ભેળ આનંદનો અનુભવ નથી થતો. વાદવિવાદ, ચડસાચડસી, હરીફાઈ અને તેને કારણે ચાલતી વાડાબંધીથી એક અજંપો જાગે છે. આમ જોઈએ તો એનું જ નામ તો જિંદગી છે ને ? એ સમજવા છતાં મન એક નવી જ દિશા તરફ ધક્કો મારી રહ્યું છે. આજે તને આ બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે, એક પત્રશ્રેણી શરૂ કરવાનો વિચાર સતત ઝબકે છે. આજની પરિસ્થિતિ, પ્રસંગો, ઘટનાઓની સાથે સાથે જૂની કોઈ ઊંચી વાતને જોડી વાગોળવી અને ખૂબ હળવાશથી જગત સાથે વહેંચવી.
નવા વર્ષના પહેલાં જ દિવસની એક મઝાની વાત લખું. આમ તો મને સામેથી ફોન કરી મિત્રો-સ્વજનો સાથે વાતો કરવી ગમે, ખૂબ ગમે. પણ આ વર્ષે જાણી જોઈને મેં જાન્યુઆરીની પહેલી તારીખે કોઈને ફોન ન કર્યો. તો શું થયું ખબર છે? નવી નવી ટેક્નોલોજીની બલિહારીને કારણે, ફોન બહુ ઓછા જણના આવ્યા! બીજું, જેમને હું દર વર્ષે કરતી હતી તે કોઈના ન આવ્યાં. તેનો જરા યે વાંધો નહિ. પણ છેક સાંજે ખૂબ ખૂબ હસવું આવે તેવું બન્યું. છેક રાત્રે મોડેથી મેં લગભગ એકાદ-બે કલાક જેની સાથે સામે ચાલી વાત કરી તેના કેટલાંક સંવાદો લખું. તને ખૂબ મઝા આવશે.
“ઓહોહો … સો વરસના થવાના છો. હમણાં જ તમારી વાત થતી હતી. !”
(મારા મનમાં – મને ખાતરી જ હતી.)
“હેલ્લો, અરે વાહ … તમે નહિ માનો પણ આ ફોન પાસે આવીને વિચાર્યું ચાલો, હવે તમને ફોન કરું!”
(મારા મનમાં – સવારથી રાત સુધી તો મેં રાહ જોઈ.)
“શું ટેલીપથી છે યાર … ક્યારનો તમને યાદ કરતો હતો! હમણાં તમારી પેલી કવિતા વાંચી.”
(મનમાં – હડહડતું જૂઠ્!)
“હેલો, લો કહો, આ તમારો જ નંબર ડાયલ કરતી હતી ને ત્યાં તમારો જ ફોન આવી ગયો!”
(મનમાં – શું ગપ્પા મારતાં હશે લોકો.)
“ક્યારની તમને ફોન જોડું છું પણ લાગતો જ નથી ને! પછી થયું કોઈને સાથે વાત ચાલતી હશે!”
(મનમાં – બીજી વાર પ્રયત્ન ન થાય ?)
નીના, તું નહિ માને, દરેક ફોન વખતે મને એટલું હસવું આવતું હતું કે ન પૂછો વાત.
અમે બંને પતિપત્ની એકબીજાં સામે જોઈને આ વાત પર ખૂબ હસ્યાં અને વિચાર્યું ચાલો, આમાંથી એક નાટક લખીએ અને આપણે જ ભજવીએ. પછી મને તારી સાથે આ વાત વહેંચવાનું મન થયું એટલાં માટે કે આ પ્રકારની વૃત્તિઓ કે વ્યવહાર પાછળના હેતુ, આશય કે કારણ શું હશે તેનું થોડું પીંજણ કરીએ. મેં તો એક સારો જ અર્થ લીધો કે ઘેર બેઠાં સરસ હાસ્ય મળ્યું અને કશું સર્જવાની ઈચ્છા સળવળી ! તારો સરસ પ્રતિભાવ આમાં જરૂર ઉમેરો કરશે તેની ખાતરી છે. રાહ જોઈશ.
એક હિન્દી શેર યાદ આવ્યો.
भगवानसे वरदान मांगा कि दुश्मनोसे पीछा छूडवा दो,
यार, क्या कहुं, अचानक दोस्त कम हो गये !
ચાલ, આજે આટલું જ. અરે હા, તને અને તારા પરિવારને શુભેચ્છા પાઠવી દઉં. આજના વિશ્વની વર્તમાન અસલામતીના સંદર્ભમાં બીજી તો શું શુભેચ્છા હોઈ શકે ?
સલામત હો સહુ જગ જન, ફરે નિડર બની ચોપાસ, રહે તન-મન તણી શાંતિ સદાયે વિશ્વને આવાસ.
વધુ તારા પત્ર પછી.
— દેવી
January 9, 2016
પત્રશ્રેણી – ૨
પ્રિય દેવી,
થોડી પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે તારો પત્ર મળતાં ઘડીભર સારું લાગ્યું. વર્ષોથી આપણે બંને વિશ્વના બે જુદા જુદા ખંડમાં આવી વસ્યાં છીએ. તું છે અમેરિકામાં અને હું છું યુરોપમાં. તેથી આપણી પાસે ઘણી ઘણી વાતો છે, અનુભવો છે અને આપણા પોતાના વિચારો છે. વળી સાહિત્યના તો આપણે બંને આજીવન વિદ્યાર્થિની. તેથી પત્ર-શ્રેણીના તારા સુંદર વિચારને આગળ વધારી રહી છું.
ફોન પરના તેં લખેલાં સંવાદો વાંચીને કોઈને પણ હસવું આવે જ. ચાલો, એ નિમિત્તે નવા વર્ષની અને આ પત્રશ્રેણીની શરુઆત હાસ્યથી તો થઈ !
વાત સાચી છે કે એવું જ બનતું હોય છે. માનવ સ્વભાવની આ એક ખાસિયત છે ને ? પૃથ્થકરણ કરવા બેસીએ તો એમ પણ કહી શકાય કે કેટલીક વ્યક્તિઓ સતત પોતાનો બચાવ કરતી રહે છે! કેટલીક વ્યક્તિઓની એ લાગણી પ્રગટ કરવાની રીત જ હોય છે. તો કેટલીક વળી સાવ સાચી પણ હોય છે. હું પણ તને એમ જ કહેવાની હતી કે, હું તને ફોન કરવાની જ હતી ! સાચું માનીશ જ એવો વિશ્વાસ છે !!
હાસ્યની આવી વાત આવે ત્યારે મારા સુરતના જ્યોતીન્દ્ર દવે ચોક્કસ યાદ આવે. આજે આટલાં વર્ષો પછી પણ તેમનું એક વાક્ય મને હજી યાદ છે. કોઈએ તેમને પૂછ્યું કે જિંદગી એટલે શું ? તેમનો શીઘ્ર જવાબઃ “ઘોડિયાથી ઠાઠડી સુધીની યાત્રા !” કેટલું સચોટ, અસરકારક અને યાદગાર સત્ય ..?
હાસ્યના સંદર્ભમાં એક વાત કહું. જ્યારે હું અહીંના એમ એ ટી વી પર કામ કરતી હતી ત્યારે મારા ચેટ-શો ‘સ્વયંસિદ્ધ’માં સદનસીબે મને શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબનો ઈન્ટરવ્યુ લેવાનો મોકો મળ્યો હતો. ત્યારે મારા એક પ્રશ્ન – હાસ્યકારો મોટે ભાગે પત્નીઓ અને સ્ત્રીઓ ઉપર જ શા માટે વધારે જોક્સ કરતા હોય છે? – એના જવાબમાં એઓએ કહ્યું હતું, ‘હાસ્ય નિપજાવવા માટે નિરીક્ષણની કળા આવશ્યક છે. ઈશ્વરે અન્યોને હસાવવાની કળા સૌને નથી આપી. હવે જો નિરીક્ષણની કળા ઈશ્વરદત્ત કળા સાથે વિકસાવી ન હોય ત્યારે તેઓ પાસે ખૂબ મર્યાદિત વિષયો રહે છે. અને એટલે આવી આવીને તેઓ ત્યાં જ અટકી જાય છે.’
પત્ની, પતિ, સાસુ, વહુ પર જોક ન કરવા જોઈએ એમ કહેવાનો મારો જરા ય આશય નથી. પરંતુ આ. જયોતીન્દ્રભાઈ દવે અને શાહબુદ્દીનભાઈની જેમ વિષયોની વિવિધતા અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? આ લખવાનું કારણ આ વિષય પર સૌ વિચાર કરે એ જ છે.
છેલ્લે, પત્ર પૂરો કરતાં પહેલાં એક ગમતો વિચાર ટાંકી વિષયાંતર કરી લઉં? તને તો ખબર છે કે મેં બંગાળી સર્જકોને ખૂબ વાંચ્યા છે. તેમાંના એક અનીતા ચટ્ટોપાધ્યાયે લખ્યું છે કે,“જીવનમાં કેટલાં અસત્યો, સૌન્દર્યનાં ઝીણા ઝીણા રંગીન આવરણમાં લપેટાયેલા આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઇએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ.ત્યારે …. ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રીત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.”
કેટલી માર્મિક અનુભૂતિ!
ચાલ, આજના પ્રારંભે આટલું જ. લખતી રહેજે.
— નીના
જાન્યુઆરી ૯, ૨૦૧૬