તું તો ડાહ્યો છે, મોટો છે… ભઈલુ નાનો છે, નાદાન છે… માટે તારે રમકડું ભઈલુને આપી દેવું જોઈએ.
ત્રણ-ચાર વર્ષનું છોકરું જ્યારે તેના એકાદ વર્ષના ભાઈ-બહેન પાસે રમકડું છીનવવા મથે ત્યારે વડીલો દ્વારા અપાતી ઉપરોક્ત સલાહ આપણે સૌએ સાંભળી પણ હશે અને આપી પણ હશે.
આવા કિસ્સામાં પેલું મોટું છોકરું સહેજ મોટું હોવાને લીધે જીદ કરવાનો બાળસહજ હક ગુમાવે છે. બે-ચાર વર્ષ મોટા હોવું એ તેના માટે વાંક બની જાય છે, ગુનો બની જાય છે.
ઓફ્સિોમાં પણ આવું જોવા મળે. “તું તો સમજદાર છે… પેલો તો છે જ આળસુ … એને કહીશું તો એ કામ ઝટ પતાવશે નહીં અને નખરાં બહુ કરશે …. એના કરતાં તું જ કરી નાખ આ કામ.” બોસના આવા અભિગમને કારણે આળસુને આળસ કરવાની છૂટ મળી જાય અને કામઢો માણસ કામથી દબાતો જ જાય, દબાતો જ જાય … પછી એક દિવસ કામઢાને બ્રહ્મજ્ઞાન લાધેઃ હું કામઢો છું એ શું મારો કોઈ વાંક છે, ગુનો છે?
આવું જ કંઈ બહુમતી-લઘુમતીના મુદ્દે પણ જોવા મળે. સામાન્ય રીતે બહુમતી ધરાવતા લોકો વધુ સહિષ્ણુ અને ફ્લેક્સિબલ હોય છે જ્યારે માઈનોરિટી વધુ ચુસ્ત અને ઓછી ફ્લેક્સિબલ હોય છે. આવામાં બહુમતીને એવું કહેવામાં આવે કે તમે લોકો તો સમજદાર છો, ઉદાર છો … પેલા લોકો તો છે જ ચુસ્ત … માટે તમે ઢીલું મૂકો … પછી ઢીલું મૂકી મૂકીને થાકનાર બહુમતી એક દિવસ વિફરે : શું અમે જ ઠેકો લીધો છે ઉદાર બનવાનો? અમે સહિષ્ણુ, ફ્લેક્સિબલ છીએ એ શું અમારો વાંક છે, ગુનો છે?
સારા હોવું, મોટા હોવું, સમજદાર હોવું, સક્ષમ હોવું … આ બધું વાંક-ગુનો નહીં, લાયકાત ગણાય, પણ આ વિચિત્ર સંસારમાં લાયકાત ક્યારેક સજા બની જતી હોય છે.
‘લાયકાતની સજા’ના ત્રણ છૂટક દાખલા ઉપર જોયા. હવે જોઈએ ચોથી સજા. એ છે અમીરીની સજા.
મરવાની ઘડી નજીક આવે ત્યારે અમીર માણસને વધુ સઘન સારવારનો લાભ મળી શકે છે. પણ મોત અમીર-ગરીબ વચ્ચે ભેદભાવ નથી કરતું. માણસ ગમે તેટલો અમીર હોય, તેની ગમે તેટલી સારવાર કરવામાં આવે તો પણ યમરાજ નક્કી કરેલા માણસને છેવટે ઉઠાવી જ લે છે. આવામાં, અંતિમ પળો, કલાકો, દિવસો, અઠવાડિયા દરમિયાન દરદીને સાજો કરવા માટે ખૂબ ઉધામા થાય ત્યારે જો પેશન્ટ ભાનમાં હોય તો કદાચ એ પણ બોલે, અરે છોડો યાર, મને જવા દો … મારી પાસે સારવાના પૈસા છે એ શું મારો કોઈ વાંક છે? તબીબી વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે એમાં મારો શો ગુનો?
જગવિખ્યાત પત્રિકા ‘ધ ઇકોનોમિસ્ટ’માં પ્રગટ થયેલા એક લેખનું પેટા-મથાળું આવું છેઃ “મરણોન્મુખ માણસની આક્રમક સારવાર નિરર્થક છે.”
વાત વિચારવા જેવી છે. જપાનમાં થયેલા એક સર્વેમાં ૯૦ ટકા ડોક્ટરોએ કહ્યું કે એક વાર દર્દીની શ્વાસનળીમાં ટયૂબ ખોસવામાં આવે પછી તે બચતો નથી. છતાં, જપાનમાં હોસ્પિટલમાં મૃત્યુ પામનારા પાંચમા ભાગના (વીસ ટકા) દરદી મૃત્યુ પામે છે ત્યારે ઇન્ટયૂબેટેડ (શ્વાસનળીમાં ટયૂબ ભરાવેલી અવસ્થામાં) હોય છે. અમેરિકાના સત્તાવાર આંકડા જણાવે છે કેન્સરથી મૃત્યુ પામનારો દર આઠમો અમેરિકન તેના જીવનના છેલ્લા પખવાડિયામાં કેમોથેરપીની સારવાર મેળવે છે, જેનો કશો મતલબ નથી હોતો. ત્રીજા ભાગના અમેરિકનો પર જીવનના છેલ્લા વર્ષમાં ઓપરેશન થાય છે અને એમાંના આઠ ટકા ઓપરેશન તો દરદીના જીવનના છેલ્લા અઠવાડિયા દરમિયાન થતાં હોય છે.
અમેરિકાના કૈસર ફેમિલી ફઉન્ડેશન સાથે મળીને ધ ઇકોનોમિસ્ટે અમેરિકા, બ્રાઝિલ, ઇટાલી અને જપાન એ ચાર દેશોમાં કરેલા વ્યાપક સર્વેક્ષણનું તારણ એવું નીકળ્યું કે જીવનના અંત વિશે લોકોની જે અપેક્ષા હોય છે અને અસલમાં જીવનનો અંત જે રીતે આવે છે તે બે વચ્ચે બહુ મોટો ગેપ જોવા મળે છે. ચારેય દેશના બહુમતી લોકોએ એવું કહ્યું કે તેઓ પોતાના ઘરની પથારીમાં સૂતાંસૂતાં મૃત્યુ પામે એવું ઇચ્છે તો છે, પરંતુ તેમને ખાતરી છે કે અસલમાં આવું થશે નહીં અને તેઓ મોટે ભાગે હોસ્પિટલમાં જ મૃત્યુ પામશે અને તેમનું મૃત્યુ એકદમ સક્રિય અને દોડધામભરી ઘટના બની રહેશે.
આ ખોટું. અહીં આવે છે અમીરીવાળો મામલો. સાચી અમીરી, સાચી સુવિધા, સાચો વિકાસ તો એ જ ગણાય કે દરદી પોતાની મનગમતી રીતે મૃત્યુને ભેટે. પૈસા અને ટેક્નોલોજી વસૂલ ત્યારે થાય જ્યારે માણસને તેની અંતિમ બીમારી વખતે ઘરમાં રહીને મિનિમમ પીડા વેઠવાની સગવડ મળે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વના ૪૫ અમીર દેશોમાં કરેલા સર્વેક્ષણમાં એવું જોવા મળ્યું કે આ દેશોમાં ફ્ક્ત ત્રીસેક ટકા લોકો જ ઘરમાં મૃત્યુ પામે છે, બાકીના સીત્તેરેક ટકા લોકો હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લે છે.
મુદ્દો આ છેઃ સારવાર મહત્ત્વની છે જ, પરંતુ ડોક્ટરને પોતાને એક વાર ખાતરી થઈ જાય કે પેશન્ટ બચે તેમ નથી ત્યાર પછી સારવાર કરતાં ગરિમાપૂર્ણ મોત પર વધુ ફોકસ કરવાની નીતિ અપનાવવા જેવી છે. અહીં કોઈ કહેશે કે આવી નીતિ તો ડોક્ટરો અપનાવતાં જ હશે, આ તો એક સ્વાભાવિક બાબત છે, મેડિકલ સાયન્સ આટલી સીધી વાત તો સમજતું જ હશે ને? મરતાં પેશન્ટને મુખ્યત્વે ઘેન અને પેઈનકિલર્સ આપીને પીડા ઘટાડવાની નીતિ તો અત્યારે પણ અપનાવાઈ જ રહી હશે ને?
આનો જવાબ છે, હા અને ના. હા એટલા માટે કે પેઈન ઘટાડવાની કોશિશો તો થતી હોય છે, પરંતુ છેલ્લા કલાકો જ નહીં, છેલ્લા દિવસો અને અઠવાડિયા દરમિયાન લેવાતી સંભાળ (પેલિયેટિવ કેર)ના ક્ષેત્રમાં જેટલું સંશોધન થવું જોઈએ એટલું થઈ નથી રહ્યું તેવું ખુદ મેડિકલ સાયન્સના માંધાતાઓ સ્વીકારે છે. બીજી વાત એ છે કે દરદી રાહત અનુભવે એવી કોશિશ કરવા ઉપરાંત, છેવટે તો ડોક્ટરનું લક્ષ્ય તેને બચાવવાની, ઉગારી લેવાની કોશિશ પર જ કેન્દ્રિત થયેલું રહે છે. પેશન્ટનાં સગાં પણ એ જ ઇચ્છતા હોય છે કે ટ્રાય તો કરીએ, બની શકે કે કદાચ પેશન્ટ ઉગરી જાય તો અણી ચૂક્યો પછી સો વરસ જીવે.
ટૂંકમાં, મોત સામેના જંગમાં હથિયાર તો ક્યારે ય હેઠાં મૂકાય જ નહીં એવી જે વિશ્વવ્યાપી નીતિ છે તેને લીધે આખી દુનિયામાં અકસ્માતો તથા હૃદયરોગના જાનલેવા હુમલાના અપવાદો બાદ કરતાં મોત ભાગ્યે જ ઝડપી અને પીડારહિત હોય છે…
આવામાં આખું જગત બદલાય ત્યારની વાત ત્યારે, આપણે સૌ અત્યારે કરી શકીએ એવું એક કામ આ છે…
સ્વજનોને આજે જ કહી રાખીએ કે મારું મૃત્યુ કેવું હોવું જોઈએ. આ એક મામલે અમેરિકનોને ગુરુ બનાવવા જેવા છે. ૬૫ની ઉંમર વટાવી ચૂકેલા ૫૧ ટકા અમેરિકનોએ પોતાના મૃત્યુ વખતે શું કરવું અને શું ન કરવું એની સૂચના લિવિંગ વિલમાં લખી રાખી છે. એ સૂચનાઓ કેટલી વિગતસભર અને રસપ્રદ હોય છે તેનો આ એક નમૂનો જુઓઃ બોસ્ટનની લૌરી કે નામની ૭૦ વર્ષની વૃદ્ધાએ લખ્યું છેઃ હું મરું ત્યારે મારા નખ રંગાયેલા હોવા જોઈએ.
આપણે પણ આવું જ ઇચ્છતા હોઈએ છીએ કે શાનથી મરીએ, શાંતિથી મરીએ, ગરિમાપૂર્વક રીતે મરીએ. આપણી અમીરી, મેડિકલ સાયન્સની પ્રગતિ, સ્વજનોની આપણા પ્રત્યેની પ્રીતિ … આ બધું આશીર્વાદને બદલે શ્રાપ ન બની રહે તે માટે આપણે જ આપણા તરફ્થી પહેલેથી સ્પષ્ટ સૂચના આપી રાખવી સારી. જેમ કે, આજે જ એક ચિઠ્ઠીમાં આટલું લખીને ચિઠ્ઠી સ્વજનોને આપી રાખવીઃ “સીત્તેરની ઉંમર પછી હું ગંભીર માંદગીમાં પટકાઉં અને હું બેહોશ થઈ જાઉં ત્યારે ચાહે કુછ ભી હો જાય … સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં સગવડ મળતી હોય તો પણ … મને વેન્ટિલેટર પર ન રાખશો, મને લાઈફ સપોર્ટ સિસ્ટમના ટેકે ન જીવાડશો. આને મારી અંતિમ ઇચ્છા ગણીને તેનું ચૂસ્તીપૂર્વક પાલન કરવું.”
આવું કરવું જોઈએ કે નહીં? ચોઈસ ઇઝ યોર્સ.
facebook .com / dipaksoliyal
સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 માર્ચ 2019
http://sandesh.com/jab-prana-tan-se-nickelay/
 


 ગાંધી ઘણાને નથી ગમતા. આ અણગમો સમજી શકાય તેવો છે. શૌર્ય, સેના, રણમેદાન, એક ઘા ને બે કટકા પસંદ કરનારા લોકોને ગાંધી પસંદ ન પડે તે સ્વાભાવિક છે. પણ અહીં એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે ગાંધી શસ્ત્રબળ કરતાં શરીરબળને વધુ આદર આપતા. શસ્ત્ર કે સત્તા કે પૈસાના જોરે કોઈના પર ચડી બેસવા કરતાં સીધેસીધી શારીરિક બાથંબાથીને ગાંધી સારી ગણાવતા. ‘હિંદ સ્વરાજ’માં એમણે લખેલું – ‘‘(આધુનિક સુધારા અપનાવી ચૂકેલો માણસ બાવડાંના જોરે ફેંકાતા) ભાલાને બદલે એક પછી એક પાંચ ઘા કરી શકે એવી ચક્કરડીવાળી બંદૂકડી વાપરે છે … અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે … અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે.’’
ગાંધી ઘણાને નથી ગમતા. આ અણગમો સમજી શકાય તેવો છે. શૌર્ય, સેના, રણમેદાન, એક ઘા ને બે કટકા પસંદ કરનારા લોકોને ગાંધી પસંદ ન પડે તે સ્વાભાવિક છે. પણ અહીં એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે ગાંધી શસ્ત્રબળ કરતાં શરીરબળને વધુ આદર આપતા. શસ્ત્ર કે સત્તા કે પૈસાના જોરે કોઈના પર ચડી બેસવા કરતાં સીધેસીધી શારીરિક બાથંબાથીને ગાંધી સારી ગણાવતા. ‘હિંદ સ્વરાજ’માં એમણે લખેલું – ‘‘(આધુનિક સુધારા અપનાવી ચૂકેલો માણસ બાવડાંના જોરે ફેંકાતા) ભાલાને બદલે એક પછી એક પાંચ ઘા કરી શકે એવી ચક્કરડીવાળી બંદૂકડી વાપરે છે … અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે … અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે.’’