ગ્રંથયાત્રા – 16
અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં ગંગુ તેલી જેવો અમેરિકાનો પ્રમુખ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતીઓનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને!
પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં! એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : “શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઇ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : “એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.” તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? તો જવાબમાં કહેવાનું કે નામ ખબર નથી. કારણ ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : “એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’ લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? કહે છે ને કે મન હોય તો માળવે જવાય. અને બીજી કહેતી છે, પૂછતાં પંડિત નીપજે. મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે આ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહર હોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી.
અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસ પોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઇ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઇ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવાય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો!
આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં એક પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઇ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી. ૧૮૬૪માં છપાયેલા આ પુસ્તકની છાપેલી નકલ આજે સહેલાઈથી જોવા ન મળે. પણ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહામાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સી.ડી. પર ઇબુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. એટલે તે મેળવીને કોઈ પણ પુસ્તકપ્રેમી વાંચી શકે તેમ છે. ‘ગુજરાત સાહિત્ય અકાદમીએ’ આ જ પુસ્તકની ડો. અજયસિંહ ચૌહાણ સંપાદિત આવૃત્તિ મુદ્રિત રૂપે પ્રગટ કરી છે.
e.mail : deepakbmehta@gmail.com
XXXXXX
10 ઑક્ટોબર 2025
e.mail : deepakbmehta@gmail.com
![]()





એ પુસ્તક રૂપે પહેલી વાર પ્રગટ થઈ ઈ.સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરમાં. પણ તેનું હપ્તાવાર પ્રકાશન તો શરૂ થયું હતું છેક ૧૮૯૨માં. રમણભાઈ જેના તંત્રી હતા એ ‘જ્ઞાનસુધા’ સામયિકના એપ્રિલ ૧૮૯૨ના અંકમાં છપાયો હતો ભદ્રંભદ્રનો પહેલો હપતો. સાથે નહોતું છાપ્યું લેખકનું નામ કે નહોતું જણાવ્યું કે આ નવલકથા છે. અને છેલ્લો હપતો છપાયો એ જ સામયિકના ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં! પુસ્તક જુઓ તો છે ૩૨૭ પાનાંનું. તો પછી આટલો લાંબો સમય કેમ લાગ્યો હપ્તાવાર પ્રકાશનને? કારણ એક તો ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન બહુ જ અનિયમિત હતું. તો કેટલાક અંકમાં આ નવલકથાનો હપતો છપાયો જ ન હોય એવું પણ બનતું. એ વખતે પ્રકરણો પાડ્યાં નહોતાં. લખાણ સળંગ પ્રગટ થતું. કેટલીક વાર દોઢ-બે પાનાંનો જ હપતો છપાતો. લખાણ સાથે નામ ભલે છપાતું નહોતું, પણ તેના લેખકનું નામ ઝાઝો વખત છૂપું રહ્યું નહોતું. ભાષા-શૈલી, હાસ્ય રમૂજ, અને ખાસ તો સુધારાના વિરોધીઓ પરના આકરા – ક્યારેક કડવા પણ – પ્રહારોને કારણે સમજુ વાચકો સમજી ગયા હતા કે આ કલમ છે રમણભાઈ નીલકંઠની. અને એટલે હપ્તાવાર પ્રકાશન દરમ્યાન જ તેની પ્રશંસા અને તેનો વિરોધ શરૂ થઈ ગયાં હતાં.
જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭માં પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”