ગ્રંથયાત્રા : ૧
પુસ્તકોને દેશવટો દેનાર દેશની દાસ્તાન
બંબાવાળાનું કામ શું? તમે કહેશો: ‘એ તે કંઈ પૂછવા જેવો સવાલ છે? બંબાવાળાનું કામ આગ બુઝાવવાનું હોય, બીજું શું?’ પણ ધારો કે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું હોય કે એવાં શહેરો અને ગામો બન્યાં હોય કે જ્યાં ક્યારે ય અકસ્માતને કારણે આગ લાગી શકે જ નહિ તો? તો ય બંબાવાળાની જરૂર તો પડે. પણ શા માટે? આગ લગાડવા માટે! ચોવીસમી સદીની વાત કરતી નવલકથા ‘ફેરનહાઈટ ૪૫૧’નો કથાનાયક ગાય મોન્ટાગ બંબાવાળાની નોકરી કરે છે અને કામ કરે છે ગામનાં અમુક અમુક ચોક્કસ ઘરોને આગ લગાડવાનું! જે શહેરમાં રહેતો હતો મોન્ટાગ, એ શહેરના લોકો એકદમ સુખશાંતિમાં રહેતા હતા. કોઈ પણ બાબત અંગે લોકોમાં ક્યારે ય મતભેદ થતો જ નહિ, અને એટલે ઝગડો, હુલ્લડ, હડતાલ વગેરે પણ ક્યારે ય થતાં જ નહિ. પણ એવું બને કઈ રીતે? કારણ મત ધરાવવાનું કે વિચારવાનું કામ લોકોનું હતું જ નહિ. મત હતો માત્ર સરકારનો અને વિચારવાનું કામ કરતા હતા માત્ર રાજ્યકર્તા. જ્યાં ભિન્ન મત જ ન હોય ત્યાં મતભેદ થાય જ કઈ રીતે? મતભેદ, ઝગડા, હુલ્લડ, હડતાલ વગેરેથી લોકોને બચાવવા માટે સરકારે મતબંદી અને વિચારબંદી લાદી હતી અને લોકો ભૂલેચૂકે ય વિચારતા ન થાય, મત ધરાવતા ન થાય એટલા ખાતર શહેરમાં, પુસ્તકો, છાપાં, સામયિકો વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.
પણ ગમે તેવા સુખચેનમાં રાખો તો ય કેટલાક લોકો હોય છે અદકપાંસળિયા. દુ:ખ અને અશાંતિ વગર એમને ચેન ન પડે. એમની વિચારવાની કુટેવ જાય જ નહિ. કારણ પોતાના ઘરમાં છુપાવીને તેઓ પુસ્તકો, છાપાં, સામયિકો રાખે અને રાતે બધાં બારીબારણાં બંધ કરીને ટમટમતા દીવાના અજવાળામાં એ વાંચે ય ખરા. પણ સરકાર માબાપની ચકોર આંખ ચારે બાજુ ફરતી જ હોય. તેના જાસૂસોને પુસ્તકોવાળા ઘરની વાસ કોઈ ને કોઈ રીતે આવી જ જાય. એવી વાસ આવે કે તરત એ જાસૂસ ફોન જોડે બંબાખાને. બંબાખાનામાં ઘંટડી રણકી ઊઠે. મોન્ટાગ હાથમાં લેઝર મશાલો લઈ ઝડપથી બંબામાં ચડી જાય ને જોતજોતામાં પુસ્તાકોવાળા ઘર પાસે પહોંચી જાય. મોન્ટાગ લેઝર મશાલથી માત્ર પુસ્તકોને જ નહિ, આખા ઘરને ઘડીના છઠ્ઠા ભાગમાં ભસ્મીભૂત કરી નાખે. ન રહે ઘર, ન રહે પુસ્તકો. બંબાની સાઈરન બંધ થઈ જાય. ફરી બધે સુખશાંતિ પથરાઈ જાય. પણ ઘરમાં પુસ્તકો રાખવાની આવી જિદ્દી ભૂલ તો થોડાક લોકો જ કરે. બાકી મોટા ભાગના લોકો તો એ ય ને ટેસડા કરે, ટેસડા. વિચારવાની લપછપ તો કરવાની નહોતી. એટલે કેટલાક દારૂ કે કેફી દવાઓના નશામાં ચકચૂર રહે. કેટલાક દિવસ રાત સરકારી ટેલીવિઝનને જળોની જેમ વળગ્યા રહે. ટૂંકમાં કહીએ તો ‘ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે,’ એ આ લોકોનું જીવન.
મોન્ટાગ પણ સુખી હતો. નોકરી ગમતી. ઘર બાળવામાં મજા ય આવતી. એના બંબાને આવતો જોઈ લોકો કેવા નાસભાગ કરતા! પણ એક કુટેવ હતી મોન્ટાગને. કોઈ પણ ઘરને પલીતો ચાંપે એ પહેલાં ચોરીછૂપીથી એક-બે પુસ્તકને ઘરમાંથી ઉપાડી લેતો, પોતાને ઘરે લઈ જતો. જો કે વાંચતો ક્યારે ય નહિ, પણ સંઘરી રાખતો. મિલી નામની એક સ્ત્રીને પરણ્યો હતો, પણ લગ્નજીવન સુખી નહોતું. કારણ મિલી આખો દિવસ કેફી દવાઓના ઘેનમાં જ પડી રહેતી. મોન્ટાગની પડોશમાં એક ષોડશી કન્યા રહે. નામ હતું ક્લેરિસ. બધા પ્રત્યે દયામાયા રાખતી. બચાડા મોન્ટાગ માટે પણ એના મનમાં દયા હતી. પણ એ દયા ક્યારે મનની માયામાં પલટાઈ ગઈ એની ખબર ન તો એ છોકરીને પડી, કે ન પડી મોન્ટાગને. કન્યા હતી તો સોનાની થાળી જેવી. પણ તેનામાં એક લોઢાની મેખ પણ હતી. આમ ખાસ બીજું કાંઈ તો નહિ, પણ એને બહુ પૂછવાની ટેવ. એ છોકરી વિચારતી એટલે પૂછતી, કે પૂછતી એટલે વિચારતી એ તો રામ જાણે. પણ થોડા દિવસમાં ક્લેરિસ માટેના પ્રેમરોગની સાથોસાથ મોન્ટાગને વિચારવાના રોગનો ચેપ પણ લાગ્યો. ‘મારી પત્નીથી હું સુખી છું? મારી નોકરીથી હું સુખીછું? ક્લેરિસને જોઉં ત્યારે સુખી હોઉં છું?’ – આવા આવા સવાલો માળો પોતાની જાતને પૂછવા લાગ્યો. અને પછી એક ભયંકર સવાલ તેના મનમાં ઊઠ્યો : ‘આ પુસ્તકોમાં એવું તે શું હોય છે કે જેથી જ્યાં દેખાય ત્યાં સરકાર પુસ્તકોને બાળી નખાવે છે?’ આવું આવું વિચારતો હતો ત્યાં જ બંબાખાનાના ફોનની ઘંટડી રણકી ઊઠી. તરત લેઝર મશાલ લઈને દોડ્યો મોન્ટાગ. એક ડોસીના ઘરમાંથી ચોપડીઓ મળી આવી હતી. તેનું ઘર બાળી નાખવાનું હતું. બીજાં ઘરો બાળવા જતો મોન્ટાગ, ત્યારે તો તેમાં રહેનારાં બધાં તરત રફુ ચક્કર થઈ જતાં. પણ આ ડોસી તો ઊંધી ખોપરીની નીકળી. કહે કે હું પણ મારી ચોપડીઓ સાથે જ બળી મરીશ. અને મોન્ટાગ આગ ચાંપે તે પહેલાં તો ડોસીએ પોતે જ પોતાના ઘરને આગ લગાડી અને ચોપડીઓ સાથે બળી મરી!
આજે પહેલી વાર દુ:ખી હૃદયે મોન્ટાગ ઘરે પાછો આવ્યો. લોકોનાં ઘરો બાળતાં પહેલાં તેમાંથી ચોરીને જે પુસ્તકો ઘરમાં છુપાવેલાં તેમાંથી એક પુસ્તક કાઢી વાંચવા બેઠો. તેને લાગ્યું કે પોતે જે સુખ જિંદગીમાં નથી મેળવી શક્યો તે મેળવવાની ચાવી આ પુસ્તકમાં છે. બરાબર એ જ વખતે મોન્ટાગનો બોસ તેને ઘરે આવી ચડ્યો. કહે: ‘મને ખબર છે કે તું ચોપડીઓ સંઘરવાના કુસંગે ચડ્યો છે, પણ આપણા સુખી અને સુવ્યવસ્થિત સમાજમાં પુસ્તકોને સ્થાન નથી. જ્યારે માણસોએ પૂરતી પ્રગતિ નહોતી કરી ત્યારે તેમને પુસ્તકો જેવાં સાધનોની જરૂર પડતી. હવે આપણે એટલી પ્રગતિ કરી છે કે પુસ્તકો નકામાં બની ગયાં છે. તું આ કુટેવ છોડી દે. નહિતર કોક દિ તારું ઘર પણ …’ ગભરાયેલો મોન્ટાગ દોડ્યો એક જૂના મિત્ર પ્રોફેસર ફેબરને મળવા. પણ એમને મળીને તો મોન્ટાગ પુસ્તકો પાછળ ઘેલો બની ગયો. પ્રોફેસરે તેને કાનમાં પહેરી શકાય એટલો નાનકડો ટુ-વે રેડિયો આપ્યો જેથી બંને સતત એકબીજાના સંપર્કમાં રહી શકે. પછી કેટલીક સલાહ પણ આપી. પણ મોન્ટાગે સલાહ માની નહિ અને ઘરે ગયા પછી એક પુસ્તકમાંથી થોડો ભાગ પત્નીને વાંચી સંભળાવ્યો. અને પછી ગયો નોકરીએ. થોડી વારમાં જ બંબાખાનાના ફોનની ઘંટડી રણકી ઊઠી. મોન્ટાગ ફરી એક વાર ઘર બાળવા નીકળ્યો. પણ ફરક એ હતો કે આ વખતે તેણે પોતાનું જ ઘર બાળવાનું હતું! ફરજ એટલે ફરજ. મોન્ટાગ પોતાનું ઘર બાળે છે તો ખરો, પણ પછી પોતાના બોસ સાથે બાથંબાથી પર આવી જાય છે. તેના કાનમાં ખોસેલો ટુ-વે રેડિયો પડી જાય છે, અને જે લેઝર ટોર્ચથી તે ઘરો બાળતો એ જ ટોર્ચથી તે બોસને બાળીને ભડથું કરી નાખે છે. પછી ભાગે છે. તેને પકડવા યાંત્રિક શિકારી કૂતરો તેની પાછળ પડે છે. પોતાની પાસેનાં પુસ્તકો લઈને મોન્ટાગ સંતાય છે પ્રોફેસર ફેબરના ઘરમાં. ફેબર તેને નદીને સામે કાંઠે વસેલા હોબો કેમ્પમાં મોકલે છે. દેશનિકાલ કરાયેલા કવિઓ, લેખકો, પત્રકારો, બુદ્ધિજીવીઓ વગેરેને એ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. તેમાંના એકની મદદથી મોન્ટાગ પોતાના શરીરનું પી.એચ. ફેક્ટર બદલી નાખે છે જેથી યાંત્રિક કૂતરો તેને ઓળખી ન શકે.
પણ એક-બે દિવસ પછી સરકારી ટી.વી. પર સમાચાર આવે છે કે સરકારના વફાદાર યાંત્રિક શિકારી કૂતરાએ દેશદ્રોહી મોન્ટાગને શોધીને ખતમ કરી નાખ્યો છે. હકીકતમાં, પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકારે કોઈ ભળતા જ માણસને મરાવી નાખ્યો છે! પછી હોબો કેમ્પના રહેવાસીઓને પૂછે છે કે અહીં ક્યાં ય પુસ્તકો કેમ દેખાતાં નથી? જવાબ મળે છે કે અમે બધાં પુસ્તકો કંઠસ્થ કરી નાખ્યાં છે જેથી ભવિષ્યમાં ક્યારેક પુસ્તકો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાય ત્યારે તે બધાં ફરીથી છાપી શકાય. ત્યાં જ યુદ્ધ ફાટી નીકળે છે. બોમ્બમારામાં આખું શહેર નાશ પામે છે. હોબો કેમ્પના રહેવાસીઓ નવા સમાજની સ્થાપના કરે છે : જ્યાં પુસ્તકોનો, વિચારોનો, ભિન્ન મતનો આદર થતો હોય એવો એક નવો સમાજ.
આ પુસ્તકના લેખક રે બ્રેડબરીનો જન્મ ૧૯૨૦ના ઓગસ્ટની ૨૨મી તારીખે અમેરિકાના ઈલીનોય રાજ્યમાં. તેણે જીવનમાં ૫૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં! બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન સરકારમાં અસહિષ્ણુતા વધી ગઈ હતી. સામ્યવાદને ખાળવાના બહાના નીચે ભિન્ન મતને દબાવી દેવાના પ્રયત્નો જનરલ મેકાર્થીની વિચારસરણી પ્રમાણે થઈ રહ્યા હતા. એવે વખતે, ૧૯૫૩માં આ નવલકથા પ્રગટ થતાંવેંત અમેરિકન વાચકોના મનમાં વસી ગઈ. ત્યારથી આજ સુધી આ નવલકથા અમેરિકામાં સતત વેચાતી અને વંચાતી રહી છે. ૨૦૧૨ના જૂનની પાંચમી તારીખે રે બ્રેડબરીનું અવસાન થયું.
ખાસ નોંધ: આ કથાને આજના ભારત કે અમેરિકા દેશની સ્થિતિ સાથે કશો સંબંધ છે એમ માની લેવું નહિ.
XXX XXX XXX
23 April 2025
e.mail : deepakbmehta@gmail.com