અમદાવાદના લેખક, અમદાવાદી પાત્ર ભદ્રંભદ્ર, અને વાત મુંબઈની
શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.
સું બકેચ? આય તો તીકીટ ઓફિસ છે.
યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.
સોરાબજી, એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો.
સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સુ બકેચ.
દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ …
અમદાવાદથી મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર અને બી.બી.સી.આઇ. રેલવેની અમદાવાદની ટિકિટ બારી પરના પારસી સોરાબજી વચ્ચેના ‘સંવાદ’ના આ શબ્દો લખાયા છે ‘ભદ્રંભદ્ર’ નામની નવલકથાની શરૂઆતમાં. લેખક રમણભાઈ મહીપતરામ નીલકંઠ. આ શબ્દો પુસ્તક રૂપે છપાયા એને આ વરસે સવા સો વરસ થયાં છે. રમણભાઈ અને ભદ્રંભદ્ર ભલે અમદાવાદના, પણ આ નવલકથાના કેન્દ્રમાં જે શહેર છે તે તો છે મોહમયી મુંબઈ.

કોલાબા સ્ટેશન ઈ.સ. ૧૯૦૦માં
ચતુર સુજાણ વાચકોના મનમાં જરૂર સવાલ થયો હશે : અમદાવાદથી મુંબઈ આવતી ટ્રેનમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન વળી કઈ રીતે આવે? એ ટ્રેનો તો બોમ્બે સેન્ટ્રલ પૂરી થઈ જાય. હા, જી. આજે એમ જ થાય છે. પણ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન તો છેક ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે ખુલ્લું મૂકાયું. બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેની બહારગામની તેમ જ લોકલ ટ્રેનોનું ટર્મિનસ અગાઉ કોલાબા હતું. પણ બહાર ગામની ટ્રેનો સુધાં ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશને ઊભી રહેતી. ૧૯૦૭ની શરૂઆતમાં કનૈયાલાલ મુનશી એલ.એલ.બી.નો અભ્યાસ કરવા ભરૂચથી મુંબઈ આવ્યા ત્યારે ચર્ની રોડ સ્ટેશને ઊતર્યા હતા. પીપલ વાડીમાંની એક ચાલની ડબલ રૂમમાં રહેતા સાવકા મામાઓને ત્યાં જવાના વિક્ટોરિયા(ઘોડા ગાડી)ના બાર આના ખરચવાનું પોસાય તેમ નહોતું એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવીને ચાલતા તેમને ઘરે ગયા હતા. એ જ રીતે ભદ્રંભદ્ર ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતર્યા હતા.

ગ્રાન્ટ રોડ સ્ટેશન ૧૮૭૦માં
૧૮૩૫થી ૧૮૩૯ સુધી મુંબઈના ગવર્નર રહેલા સર રોબર્ટ ગ્રાન્ટના નામ પરથી જેનું નામ પડ્યું છે તે આ સ્ટેશન તો બોમ્બે સેન્ટ્રલ અને કોલાબા કરતાં ય વધુ જૂનું. ૧૮૫૯માં એ કામ કરતું થયું. પણ ત્યારે એનું નામ હતું ‘બોમ્બે ટર્મિનસ.’ કોલાબા અને બોમ્બે સેન્ટ્રલ પહેલાં ગુજરાત આવતી-જતી ટ્રેનોનું ટર્મિનસ હતું આ બોમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ. ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર આ બોમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ સ્ટેશનેથી જ શરૂ થયેલો. પણ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન શરૂ થયા પછી ગ્રાન્ટ રોડ ગરીબડું બની ગયું. બહાર ગામની ટ્રેનો માટે જે જગ્યા હતી ત્યાં બન્યું માલ-સામાન માટેનું ગુડ્ઝ યાર્ડ.
કોલાબા સ્ટેશન શરૂ થયું હતું ૧૮૭૩માં. ૧૮૯૬માં આ સ્ટેશનનું મકાન નવેસરથી બંધાયું. આ સ્ટેશન બાંધવા માટેની જગ્યા સરકારે બી.બી.સી.આઈ. રેલવેને આપી ત્યારે જ શરત મૂકી હતી કે ભવિષ્યમાં સરકારને આ જગ્યાની જરૂર પડે તો રેલવે કંપની તે પાછી આપી દેશે. વખત જતાં મુંબઈનો વિકાસ થતો ગયો. જમીનની ખેંચ વર્તાવા લાગી. એટલે મુંબઈ સરકારે રેલવે કંપની પાસે કોલાબા સ્ટેશનની જમીન પાછી માગી. એટલું જ નહિ, ચર્ચ ગેટ અને કોલાબા વચ્ચેની રેલવે લાઈન બંધ કરીને તેના પાટા ઉખેડી નાખવા જણાવ્યું. સરકાર સાથે વાટાઘાટમાં અને નવા સ્ટેશન માટેની જમીન શોધવામાં થોડાં વરસ લાગ્યાં. પછી આજના બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું. ૧૯૨૮ના માર્ચની ૧૧મી તારીખે બી.બી.સી.આઈ. રેલવે કંપનીના જનરલ મેનેજર સર અર્નેસ્ટ જેકસને તેનો પાયો નાખ્યો. સ્ટેશનનો પ્લાન બ્રિટિશ સ્થપતિ ક્લોડ બેટ્ટીએ બનાવ્યો હતો અને એ પ્રમાણેનું બાંધકામ માત્ર ૨૧ મહિનામાં પૂરું કર્યું હતું શાપુરજી પાલનજીની કંપનીએ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે આ નવા સ્ટેશનનું ઉદ્ઘાટન થયું.
આ સ્ટેશન બંધાતું હતું ત્યારે મરાઠીભાષીઓ કહે તેમ ‘એક ગમ્મત ઝાલી.’ મુંબઈનાં ઘણાં રેલવે સ્ટેશનનાં નામ આસપાસના કોઈ વિસ્તાર પરથી પાડવામાં આવ્યાં છે. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જાહેરમાં સૂચન કર્યું કે આ નવા સ્ટેશનનું નામ ‘ફોરાસ રોડ સ્ટેશન’ પાડવું જોઈએ. અને તરત જ એ સૂચનનો ઉગ્ર વિરોધ થયો. કેમ? કારણ એ વખતે પણ ફોરાસ રોડ red light area તરીકે કુખ્યાત હતો. ટાઈમ્સને પત્રો લખીને લોકોએ પૂછ્યું : ‘કોઈ અમને પૂછે કે ક્યાં જાવ છો, તો અમારે શું કહેવું? ફોરાસ રોડ જઈએ છીએ એમ કહેવું? અને આવા સવાલનો જવાબ સારા ઘરનાં બૈરાં (એ વખતે સ્ત્રીઓ માટે વપરાતો શબ્દ) તો આપી જ કઈ રીતે શકે?’ એટલે પછી એ નામ પડતું મૂકાયું અને નામ પડ્યું ‘બોમ્બે સેન્ટ્રલ.’
આજે પણ હકીકતમાં બે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન છે. એક બહારગામની ટ્રેનો માટેનું અને બીજું ‘બોમ્બે સેન્ટ્રલ, લોકલ.’ આ લોકલ માટેનું સ્ટેશન ઘણું વધારે જૂનું. પણ પહેલાં તેનું નામ હતું બેલાસિસ રોડ સ્ટેશન. પરેલ રોડથી બેલાસિસ બ્રિજ સુધીના રસ્તાનું નામ હતું બેલાસિસ રોડ. ગયે વરસે તોડી પાડવામાં આવેલા બેલાસિસ બ્રિજનું નવું નામ હજી જાહેર થયું નથી. બેલાસિસ બ્રિજના એક છેડે લગાવેલી તકતીમાં જણાવ્યા પ્રમાણે આ બેલાસિસ રોડ ઈ.સ. ૧૭૯૩માં (હા, જી. આ છાપભૂલ નથી) બંધાયો હતો. એ અરસામાં આજના દક્ષિણ ગુજરાતમાં જબરો દુકાળ પડ્યો હતો. એટલે સુરતના ઘણા ગરીબ લોકો મજૂરીની શોધમાં મુંબઈ આવ્યા હતા. તેમને રોજગાર મળી રહે એવા ઉદ્દેશથી આ બેલાસિસ રોડ બંધાયો હતો. પણ આ રસ્તો બાંધવાના ખર્ચના પૈસા સરકારે નહોતા આપ્યા. પણ લોકોએ જાહેર ભરણું કરીને જરૂરી રકમ ભેગી કરી હતી. આ જોન બેલાસિસ હતા મુંબઈમાંના કંપની સરકારના લશ્કરના કમાન્ડિંગ ઓફિસર. તેમનો જન્મ ૧૭૪૩ના જુલાઈની ૧૬મી તારીખે. ૧૭૬૩માં હિન્દુસ્તાન આવ્યા. ૧૭૬૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયા. અવસાન થયું મુંબઈમાં ૧૮૦૮ના ફેબ્રુઆરીની ૧૧મી તારીખે.
અઢારમી સદીની શરૂઆતમાં આપણે ત્યાં છાપકામ આવ્યું, સાથે પુસ્તકો, અખબારો, સામયિકો લાવ્યું. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલ અને પછી કોલેજ મુંબઈમાં ખૂલી. અને પછી એ પ્રકારનું શિક્ષણ આપતી સ્કૂલ-કોલેજ આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ. આ નવા યુગનાં કિરણો જોઇને કવિ નર્મદે ગાયું : ‘દીપે અરુણું પરભાત.’ આ ‘પરભાત’ હકીકતમાં હતું નવી જાગૃતિનું, નવા જીવનનું, નવાં સપનાંઓનું. પણ આપણે ત્યાં એ જમાનાને ‘સુધારક યુગ’ તરીકે ઓળખાવવાનો ચાલ પડી ગયો છે. સમાજ સુધારો એ આ નવા યુગનું મુખ્ય પરિબળ ખરું, પણ એ એકમાત્ર પરિબળ નહિ. આંખો સામે પહેલી વાર ઊઘડતા નવા જગત માટે નવો માનવ સર્જવાનું ધ્યેય હતું આ જમાના પાસે. ફરી કવિ નર્મદ યાદ આવે. તેણે કહેલું : ‘ઝટ્ટ ડોળી નાખો રે, મન-જળ થંભ થયેલું.’ હકીકતમાં ‘સુધારો’ એ થંભી ગયેલાં અને તેથી વાસી બની ગયેલાં મન-જળને ડહોળી નાખવા માટેનું એક સાધન હતો.

‘જ્ઞાનસુધા’ સામયિકમાં પહેલો હપતો, પહેલું પાનું
તો આ મન-જળ ડહોળી નાખવા સામેના પ્રત્યાઘાત રૂપે વિપક્ષી જૂથ ઊભું થયું, જેનો મંત્ર હતો : ‘પ્રભુ! જેવું હતું તેવું ફરી ભારત બનાવી દો!’ એ જૂથના લોકો થંભ થયેળાં મન-જળને યથાતથ રાખવા માગતા હતા. કોઈ તેને ડહોળી નાખે એ માટે તૈયાર નહોતા. એ જળને દિવ્ય, પવિત્ર માનીને આંખે અડાડવામાં અને માથે ચડાવવામાં માનતા હતા. આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતમાં, ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસી દરમ્યાન આ બે વિચારધારાઓ વચ્ચેનો વિવાદ-વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો હતો. અને એ જ વખતે રમણભાઈએ ભદ્રંભદ્ર નવલકથા દ્વારા ‘જૈસે થે’ની સ્થિતિના સમર્થકો પર ઠઠ્ઠા, મશ્કરી, ઉપહાસનાં જીવલેણ બાણ છોડ્યાં હતાં. રૂઢિવાદી આચાર-વિચાર-વ્યવહારના સમર્થકોનાં વાણી અને વર્તન પર ભદ્રંભદ્રના લેખકે જનોઈવઢ ઘા કર્યા છે. સળંગ હાસ્ય રસની આપણી ભાષાની પહેલી નવલકથા છે આ ભદ્રંભદ્ર.
એ પુસ્તક રૂપે પહેલી વાર પ્રગટ થઈ ઈ.સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરમાં. પણ તેનું હપ્તાવાર પ્રકાશન તો શરૂ થયું હતું છેક ૧૮૯૨માં. રમણભાઈ જેના તંત્રી હતા એ ‘જ્ઞાનસુધા’ સામયિકના એપ્રિલ ૧૮૯૨ના અંકમાં છપાયો હતો ભદ્રંભદ્રનો પહેલો હપતો. સાથે નહોતું છાપ્યું લેખકનું નામ કે નહોતું જણાવ્યું કે આ નવલકથા છે. અને છેલ્લો હપતો છપાયો એ જ સામયિકના ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં! પુસ્તક જુઓ તો છે ૩૨૭ પાનાંનું. તો પછી આટલો લાંબો સમય કેમ લાગ્યો હપ્તાવાર પ્રકાશનને? કારણ એક તો ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન બહુ જ અનિયમિત હતું. તો કેટલાક અંકમાં આ નવલકથાનો હપતો છપાયો જ ન હોય એવું પણ બનતું. એ વખતે પ્રકરણો પાડ્યાં નહોતાં. લખાણ સળંગ પ્રગટ થતું. કેટલીક વાર દોઢ-બે પાનાંનો જ હપતો છપાતો. લખાણ સાથે નામ ભલે છપાતું નહોતું, પણ તેના લેખકનું નામ ઝાઝો વખત છૂપું રહ્યું નહોતું. ભાષા-શૈલી, હાસ્ય રમૂજ, અને ખાસ તો સુધારાના વિરોધીઓ પરના આકરા – ક્યારેક કડવા પણ – પ્રહારોને કારણે સમજુ વાચકો સમજી ગયા હતા કે આ કલમ છે રમણભાઈ નીલકંઠની. અને એટલે હપ્તાવાર પ્રકાશન દરમ્યાન જ તેની પ્રશંસા અને તેનો વિરોધ શરૂ થઈ ગયાં હતાં.

રમણભાઈ નીલકંઠ
આ કથાના મુખ્ય પાત્રનું મૂળ નામ તો દોલતશંકર. પણ પછી એક વાર સપનામાં આવીને ભગવાન શંકરે ઉધડો લીધો : ‘મારા પવિત્ર નામ સાથે ‘દોલત’ જેવો યાવની ભાષાનો શબ્દ જોડીને તેં મહાપાતક વહોરી લીધું છે.’ અને એટલે દોલતશંકરે એ નામ ત્યજીને નવું નામ રાખ્યું ભદ્રંભદ્ર. પણ ભદ્રંભદ્ર અમદાવાદથી મુંબઈ ગયા શા માટે? કારણ તેમને ખબર મળેલા કે મુંબઈમાં સુધારા વિરોધી મોટી સભા ભરાવાની છે. અને આવી સભામાં ભદ્રંભદ્ર જેવા સનાતની હાજર ન રહે એ તો બને જ કેમ? અને આ સભા ભરાવાની હતી મુંબઈના માધવબાગમાં. ઘણો રોમાંચક અને રસિક ઇતિહાસ છે, આ માધવબાગનો. હવે પછી ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતરીને આપણે પણ ભદ્રંભદ્ર સાથે જશું માધવ બાગ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 ઓક્ટોબર 2025
![]()


જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭માં પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”
જેના સૌથી વધુ ભાષામાં અનુવાદ થયા હોય તેવું ગુજરાતી પુસ્તક કયું? આખી દુનિયામાં જેનું સૌથી વધુ વેચાણ અને વાચન થયું હોય તેવું ગુજરાતી પુસ્તક કયું? જવાબ છે, ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો.’ ગાંધીજી જેના તંત્રી હતા તે સાપ્તાહિક ‘નવજીવન’માં ૨૯ નવેમ્બર ૧૯૨૫ના અંકથી તેનું ધારાવાહિક પ્રકાશન શરૂ થયું. અને છેલ્લો હપતો ૩ ફેબ્રુઆરી ૧૯૨૯ના અંકમાં છપાયો. બે ભાગમાં પુસ્તક રૂપે આ આત્મકથા ૧૯૨૭ અને ૧૯૨૯માં પ્રગટ થઇ. ત્યારે પ્રત્યેક ભાગની કિંમત એક રૂપિયો હતી. સૌથી પહેલાં તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૪૦માં પ્રગટ થયો જે ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈએ કર્યો હતો. એ અનુવાદ પ્રગટ થયો ત્યાં સુધીમાં મૂળ ગુજરાતી પુસ્તકની ૫૦ હજાર નકલ વેચાઈ ગઈ હતી. ત્યાર બાદ હિન્દી, ઉર્દૂ, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તેલુગુ, અસમિયા, તમિળ, ઓડિયા, કશ્મીરી, અને પંજાબી જેવી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાના અનુવાદ પ્રગટ થયા છે. અંગ્રેજી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન, કોરિયન, અને જાપાની જેવી વિદેશી ભાષામાં પણ અનુવાદ પ્રગટ થયા છે. એક અંદાજ પ્રમાણે માત્ર નવજીવન ટ્રસ્ટે આજ સુધીમાં જુદી જુદી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાની એક કરોડ કરતાં વધુ નકલ વેચી છે. વિદેશી ભાષાઓના અનુવાદને શરૂઆતમાં બહુ સારો આવકાર મળ્યો નહોતો, પણ ૧૯૮૪માં એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ આવી તે પછી આજ સુધી તેની માગ સતત વધતી રહી છે. માત્ર આ આત્મકથા મૂળમાં વાંચવા ખાતર જ ગુજરાતી ભાષા શીખ્યા હોય તેવા ઘણા દાખલા વિદેશોમાં જોવા મળે છે. આમ, પોતાની આત્મકથા દ્વારા ગાંધીજી ગુજરાતી ભાષાના ફરતા રાજદૂત (રોવિંગ એમ્બેસડર) બની રહ્યા છે.
પણ ગાંધીજીની પ્રેરણાથી, તેમના આગ્રહથી, તેમની દેખરેખ નીચે ગુજરાતી ભાષા અંગે જે એક મોટું કામ થયું તે તો જોડણીની એકવાક્યતા સિદ્ધ કરવા માટે તૈયાર થયેલ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ.’ ૭ એપ્રિલ ૧૯૨૯ના ‘નવજીવન’માં ગાંધીજીએ લખ્યું હતું : “નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ, તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું”. આ અર્થમાં ગાંધીજીએ આપણી ભાષાનું નાક રાખ્યું. અલબત્ત, ગુજરાતી જોડણીમાં એકવાક્યતા લાવવા માટેનો તેમનો પ્રયત્ન પહેલો નહોતો. ૧૯મી સદીમાં મુદ્રણ અને છાપેલાં પુસ્તકો, સામયિકો, અખબાર, આવ્યાં ત્યારથી એ દિશામાં વખતોવખત પ્રયત્નો થયા હતા. પણ તેમાંના કોઈ પ્રયત્નને ઝાઝી સફળતા મળી નહોતી. પરિણામે કેપ્ટન જર્વિસ, સર થિયોડોર હોપ, રેવરન્ડ જે.એસ.વી. ટેલર, કવિ નર્મદાશંકર, વગેરેના પ્રયત્નો અમુક નાનકડા વર્ગ પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. જ્યારે ગાંધીજી પ્રેરિત ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશને ધીમે ધીમે વ્યાપક માન્યતા મળી. ૧૯૨૯માં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તે માત્ર ‘જોડણીકોશ’ હતો, ‘શબ્દકોશ’ નહિ. એટલે કે તેમાં શબ્દોના અર્થ આપ્યા નહોતા, માત્ર સાચી-જોડણી જાણવા માટે જ તેનો ઉપયોગ થઇ શકે તેમ હતું. પછી જ્યારે ૧૯૩૧માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તેમાં શબ્દોના અર્થ ઉમેરવામાં આવ્યા, અને એટલે તે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ બન્યો. પણ વિદ્યાપીઠના આ કોશને વ્યાપક માન્યતા મળી તે તો ૧૯૪૦માં તે વખતની મુંબઈ સરકારે લીધેલા એક નિર્ણયને પ્રતાપે. એ નિર્ણય અનુસાર સરકારે એવો હુકમ બહાર પાડ્યો કે ભવિષ્યમાં ‘જોડણીકોશ’માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકોને પાઠ્યપુસ્તકોની મંજૂર થયેલી યાદીમાં મૂકવામાં આવશે.” એ વખતે સરકારે પાઠ્યપુસ્તકો તૈયાર અને પ્રગટ કરવાનું અવિચારી સાહસ કર્યું નહોતું. ખાનગી પ્રકાશકોનાં મંજૂર થયેલાં પુસ્તકો શાળાઓમાં વપરાતાં. કોઈ પણ પુસ્તક પાઠ્યપુસ્તક બને તો તેનું વેચાણ ઘણું વધી જાય. એટલે કોઈ પ્રકાશકને આ હુકમની અવગણના કરવી પાલવે તેમ નહોતું. એટલે ‘જોડણીકોશ’ની જોડણી અપનાવ્યા સિવાય તેમનો છૂટકો નહોતો. અંગ્રેજીમાં જેને રિપલ ઈફેક્ટ કહે છે તેની કારણે પછી અખબારો, સામયિકો, વગેરેએ પણ જોડણીકોશની જોડણી અપનાવી.