મુંબઈનો એક રાજ મહેલ કઈ રીતે બન્યો કોલેજ?
થોડા દિવસ પહેલાં એક મિત્રને મળવાનું થયું. કહે : આ સોફિયા કોલેજ તો કોલેજ છે કે રાજ મહેલ?
કેમ? તમે કોલેજ બદલવાનું વિચારો છો?
ના, રે ના. બે દિવસ પહેલાં એક કોન્ફરન્સમાં કી-નોટ એડ્રેસ આપવા ત્યાં ગઈ હતી.
મેં કહ્યું : હા, આજે એ કોલેજ છે પણ એક જમાનામાં એ ઈમારત રાજમહેલ હતી.
હોય નહિ! એક રાજમહેલ મુંબઈમાં! અને એ બને કોલેજ!
હા. વાત થોડી અટપટી છે, લાંબી છે. થોડા દિવસમાં એને વિષે લખીશ ત્યારે વાંચી લેજો.
*
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર છેવટે તો હતી વેપારીઓની સરકાર. હિન્દુસ્તાનની સરકાર કોઈ પણ કામમાં ખરચ કરે તે લંડનના બડેખાંઓને આંખના કણાની જેમ ખૂંચે. ટાઉન હોલ બંધાયા પહેલાં મુંબઈ-લંડન વચ્ચે કેવી ખેંચતાણ ચાલેલી એ આપણે જોયું છે. એટલે મુંબઈના માંધાતાઓએ એક નવો નુસખો શોધેલો. એ વખતે મુંબઈની પુષ્કળ જમીન વણવપરાયેલી, પડતર, ઉજ્જડ. એટલે કોઈએ મોટી મદદ કરી હોય, કે કોઈની મોટી મદદ મેળવવાની જરૂર હોય ત્યારે મુંબઈ સરકાર જે-તે વ્યક્તિને મુંબઈની થોડી જમીન ‘ઇનામ’ આપતી. એ માટે ખાસ અલાયદી રાખેલી જમીન ‘ઇનામદારી જમીન’ તરીકે ઓળખાતી.

અસલ ઈમારત – આજે બની છે ચેપલ
‘એશબર્નર’ મૂળ તો અંગ્રેજોની અટક. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક અધિકારીઓની પણ એ જ અટક. પારસીઓએ અંગ્રેજોની માત્ર રહેણીકરણી કે રિવાજો જ અપનાવ્યાં એવું નહોતું. તેમનાં નામ-અટક પણ અપનાવેલાં. એવી એક અટક તે આ ‘એશબર્નર.’ આ કુટુંબના કોઈ મોભીએ ખરે ટાણે કંપની સરકારને મદદ કરેલી. અને બદલામાં સરકારે ખંભાલા હિલ વિસ્તારમાં ‘ઇનામની જમીન’માંથી એક ટુકડો એ એશબર્નરને આપ્યો. તેમણે એ જગ્યાના એક હિસ્સા પર મોટું મકાન કે નાનો બંગલો કહી શકાય એવી ઈમારત બાંધી અને મુંબઈ સરકારના લશ્કરના વડા સર હેન્રી સમરસેટને રહેવા આપી. એટલું જ નહિ, તેનું નામ પણ રાખ્યું સમરસેટ હાઉસ. આ અસલ મકાન આજે પણ ઊભું છે અને તેનો ઉપયોગ કોલેજના ‘ચેપલ’ તરીકે થાય છે.
સર હેન્રી સમરસેટનો જન્મ ૧૭૯૪ના ડિસેમ્બરની ૩૦મીએ. અવસાન થયું ૧૮૬૨ના ફેબ્રુઆરીની ૧૫મીએ. ૧૮૧૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે બ્રિટિશ લશ્કરમાં જોડાયા. જૂદાં જૂદાં યુદ્ધોમાં સફળ કામગીરી બાદ ૧૮૫૧ના નવેમ્બરની ૧૧મી તારીખે મેજર-જનરલ બન્યા અને ૧૮૫૩માં બન્યા ‘નાઈટ કમાન્ડર ઓફ બાથ.’ એ સાથે જ તેમની બદલી મુંબઈ સરકારના લશ્કરના વડા તરીકે થઈ. ૧૮૫૫ના માર્ચની ૨૬મીથી ૧૮૬૦ના માર્ચના અંત સુધી તેઓ આ પદે રહ્યા. ત્યાર બાદ સ્વદેશ પાછા ગયા. જિબ્રાલ્ટર ખાતે ૧૮૬૨માં તેમનું અવસાન થયું.
એશબર્નર પછી આ જગ્યાના માલિક બન્યા બદરુદ્દીન તૈયબજી. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ત્રીજા પ્રમુખ (૧૮૮૭-૧૮૮૮). ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે મુંબઈમાં જન્મ, ૧૯૦૬ના ઓગસ્ટની ૧૯મીએ લંડનમાં અવસાન. યુનિવર્સિટી કોલેજ, લંડન, મિડલ ટેમ્પલમાં ભણીને મુંબઈના પહેલવહેલા હિન્દી બેરિસ્ટર બન્યા. ૧૮૭૪માં તેમણે મુંબઈમાં અંજુમન-એ-ઇસ્લામ કોલેજની સ્થાપના કરી. આરબ જમાતનું તેમનું કુટુંબ અસલમાં હતું ખંભાતનું વતની. બદરુદ્દીનજીના વાલીદને સાત બેટા. સાતેને તેમણે ભણવા માટે ગ્રેટ બ્રિટન મોકલેલા. પાછા આવ્યા પછી બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૮૭૩માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય નિમાયા. ૧૮૭૫થી ૧૯૦૫ સુધી યુનિવર્સિટી ઓફ બોમ્બેની સેનેટના સભ્ય રહ્યા. ૧૮૮૨માં બોમ્બે લેજિસલેટિવ કાઉન્સિલના સભ્ય નિમાયા. પણ નબળી તબિયતને કારણે ૧૮૮૬માં રાજીનામું આપ્યું. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપનામાં બદરુદ્દીન અને તેમના મોટા ભાઈ કમરૂદ્દીન, બંનેનો મોટો ફાળો. ૧૮૯૫માં તેમની નિમણૂક બોમ્બે હાઈ કોર્ટના જજ તરીકે થઈ. આ હોદ્દા પર નીમાનારા તેઓ પહેલા મુસ્લિમ હતા. ૧૯૦૨માં તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા હિન્દી ચીફ જસ્ટિસ બન્યા. તેઓ સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી હતા. પોતાની બધી જ દીકરીઓને તેમણે મુંબઈની સ્કૂલોમાં ભણાવેલી એટલું જ નહિ, ૧૯૦૪માં બે દીકરીઓને ઈંગ્લન્ડ ભણવા મોકલી.

રાજ મહેલ બન્યો સોફિયા કોલેજ

બદરુદ્દીન તૈયબજી
એશબર્નર કુટુંબ પાસેથી ૧૮૮૨માં સમરસેટ હાઉસ ખરીદ્યા પછી બદરુદ્દીન તૈયબજીએ તેમાં ‘સમરસેટ એનેકસ’ ઈમારત બંધાવી. એ ઈમારતનો મોટો ભાગ આજે ‘સાયન્સ બિલ્ડિંગ’ તરીકે ઓળખાય છે. પણ પછી ફરી એક વાર માલિક બદલાય છે. નવા માલિક છે હોરમસજી નસરવાનજી વકીલ. ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે સોલિસીટરની પરીક્ષામાં પાસ થયેલા એટલી માહિતી સિવાય તેમને વિષે બીજું કાંઈ જાણવા મળતું નથી. પણ વ્યવસાયે વકીલ એટલું તો કહી જ શકાય. તેમણે અસલ ઈમારતની પૂર્વ બાજુએ નવી ઈમારત બાંધીને વિસ્તાર વધાર્યો. પણ તેમના હાથમાં આ મિલકત ઝાઝો વખત રહી નહિ. ૧૯૨૩માં ઇન્દોરના મહારાજા તુકોજીરાવ હોળકર ત્રીજાએ આ જગ્યા ખરીદી. તેને મહેલ જેવી બનાવી. ઈન્દોરની ઉનાળાની ગરમીથી બચવા ઘણી વાર અહીં આવી રહેતા. તુકોજીરાવ હોળકરનું નામ પડતાં જ અમારા ચતુર સુજાણ વાચકોના કાન ચમક્યા હશે. ૧૯૨૫ની શરૂઆતથી બે-ત્રણ વરસ માટે ‘બાવલા ખૂન કેસ’માં સંડોવાયેલા તે જ આ તુકોજીરાવ તો નહિ? હા, જી. એ જ તુકોજીરાવ. અને આપ જાણો છો તે પ્રમાણે અંગ્રેજ સરકાર સાથે વાટાઘાટ કરી, રાજપાટ છોડી, પરદેશ ચાલ્યા ગયા હતા અને એક અમેરિકન સ્ત્રીને પરણ્યા હતા એ જ તુકોજીરાવ. દેખીતી રીતે, હવે તેમને મુંબઈના મહેલમાં રસ રહ્યો નહોતો. મહેલ વેચવા માટે ઘરાક શોધતા હતા. ૧૯૩૭માં ભાવનગરના દેશી રાજ્યના રાજવી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજીએ તુકોજીરાવ પાસેથી આ મહેલ ખરીદી લીધો.

ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી
કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯૧૨ના મે મહિનાની ૧૯મી તારીખે. અવસાન ૧૯૬૫ના એપ્રિલની બીજી તારીખે. રાજગાદીએ બેઠા ત્યારે ઉંમર ફક્ત સાત વરસ. એટલે ૧૯૩૧માં તેઓ પુખ્ત વયના થયા ત્યાં સુધી સત્તા બ્રિટિશ સરકારે નીમેલી રીજન્સી પાસે રહી. સત્તા હાથમાં આવ્યા પછી તેમણે લોકહિતનાં ઘણાં કામ કર્યાં અને દેશની આઝાદી માટેની લડતને આડકતરી રીતે ટેકો આપતા રહ્યા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે સ્વેચ્છાએ પોતાનું રાજ ભારત સરકારને ધરી દીધું હતું. પછી ૧૯૪૮થી ૧૯૫૨ સુધી તેઓ તે વખતના મદ્રાસ રાજ્યના ગવર્નરના પદે રહ્યા હતા.
પણ ભાવનગર નરેશ પાસે પણ આ મહેલ ઝાઝો વખત રહ્યો નહિ. ૧૯૪૦માં સોસાયટી ઓફ ધ સેકરેડ હાર્ટ ઓફ જીસસે તે ખરીદી લીધો. આ સોસાયટીની સ્થાપના ઈ.સ. ૧૮૦૦માં ફ્રાન્સમાં થઈ હતી. તેનો મુખ્ય હેતુ છોકરીઓના શિક્ષણ માટેની સગવડો ઊભી કરવાનો હતો. આ સોસાયટીએ મુંબઈમાં કામ પ્રમાણમાં મોડું શરૂ કર્યું. ૧૯૩૯માં તેના ‘ઇન્ડિયન પ્રોવિન્સ’ની શરૂઆત થઈ. આ સંસ્થાએ ભાવનગરના મહારાજા પાસેથી મહેલ ખરીદી લીધો અને ૧૯૪૦માં ત્યાં સોફિયા કોલેજની શરૂઆત કરી. તેનું ઉદ્ઘાટન હીઝ ગ્રેસ આર્ચબિશપ રોબર્ટસને હાથે થયું હતું અને મધર એન્ડરસન તેના પહેલા પ્રિન્સિપાલ નિમાયાં હતાં. ૧૯૪૧માં આર્ટસ ફેકલ્ટી શરૂ થઈ ત્યારે યુનિવર્સિટી ઓફ બોમ્બેએ તેને કામચલાઉ માન્યતા આપી હતી. ૧૯૫૦માં તેને કાયમી માન્યતા મળી. ૧૯૫૨માં વિજ્ઞાન શાખા શરૂ થઈ અને ૨૦૦૧માં સોફિયા સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટની શરૂઆત થઈ. ૨૦૧૮થી આ કોલેજને ઓટોનોમસ (સ્વાયત્ત) કોલેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ફ્રાન્સિસ વોર્ડન
આ કોલેજ જે રસ્તા પર આવેલી છે તે રસ્તાનું આજનું નામ ભુલાભાઈ દેસાઈ રોડ, અસલ નામ વોર્ડન રોડ. ફ્રાન્સિસ વોર્ડન મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી હતા. વખત જતાં તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર નિમાયા હતા.
આ કોલેજ આવેલી છે તે વિસ્તાર ખંભાલા હિલ તરીકે ઓળખાય છે. જાણકારોને પણ મૂંઝવે એવું આ નામ છે, ખંભાલા હિલ. અંગ્રેજીમાં તેના બે સ્પેલિંગ જોવા મળે છે: Cumballa અને Kambala. પણ આ નામ પડ્યું કેવી રીતે? ખંભાલા હિલ પરના એક બંગલામાં એક મિજબાની દરમ્યાન એક મહેમાને પૂછેલું: ‘પણ આ મિસ્ટર ખંભાલા હતા કોણ?’ આજુબાજુ બેઠેલાઓ હસ્યા હતા. પણ કોઈએ જવાબ આપ્યો નહોતો. કારણ આ નામનો ગળે ઊતરે એવો ખોલાસો હજી સુધી મળ્યો નથી. કોઈ ‘કમ્બાલા’ને કમળનાં ફૂલ સાથે સાંકળે છે. અને કહે છે કે ‘કમળ’ નામથી થયું ‘કમ્બાલા.’ પણ ખાટલે મોટી ખોડ એ કે કમળ કાંઈ જમીન પર ખીલતાં નથી, અને ખંભાલા હિલ પર મોટું તળાવ હોવાનું કોઈએ કહ્યું નથી. તો એક વિદ્વાન રિચાર્ડ એટન કહે છે કે આ નામ ઇથોપિયાના ‘કમબાતા’ શહેરના નામ સાથે જોડાયેલું છે. એક જમાનામાં હબસીઓને ગુલામ તરીકે હિન્દુસ્તાન મોકલવામાં આવતા. પણ મુશ્કેલી એ છે કે આવા ગુલામો વહાણ દ્વારા લવાતા અને વહાણ કાંઈ ટેકરી ઉપર નાંગરે નહિ. તો કોઈ વળી કહે છે કે એક જમાનામાં અહીં કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિ આવેલાં હતાં. અંતિમ વિધિ થયા પછી મરનારના માનમાં અહીં ખંભા કહેતાં થાંભલા ખોડાતા એટલે નામ પડ્યું ખંભાલા હિલ. આમાં બે મુશ્કેલી : એક તો અહીં કબ્રસ્તાન કે સ્મશાન ભૂમિ હતાં એવું ક્યાં ય નોંધાયું નથી. બીજું, મુસ્લિમ બિરાદરો જે બાંધે છે તેને ‘કબર’ કહેવાય છે, ‘ખંભા’ નહિ. હા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીંગાણામાં માર્યા ગયેલા વીરોની ખાંભી ખોડાય છે, પણ તેને ‘ખંભા’ કહેતાં નથી. વળી આ ટેકરી ઉપર ક્યારે ય કોઈ ધીંગાણું થયું હોય એવું જાણવા મળતું નથી.
બીજો અભિપ્રાય એવો કે આ ટેકરી પર મોટા પ્રમાણમાં જોવા મળતાં કંબલ નામના ઝાડને કારણે આ નામ પડ્યું. આ ‘કંબલ’ આપણને ‘શમી વૃક્ષ’ તરીકે વધુ જાણીતું છે. તેનું બીજું નામ ‘ખીજડો.’ શમી વૃક્ષનો ઉલ્લેખ છેક રામાયણ મહાભારતમાં પણ જોવા મળે છે. બીજી બાજુ ખીજડાના ઝાડ પર ભૂતનો વાસ હોય છે એવી લોકમાન્યતા પણ છે. બધી વાતોમાં આ વાત સૌથી વધુ ગળે ઊતરે તેવી છે. જે ટેકરી પર મોટા પ્રમાણમાં ‘કંબલ’નાં ઝાડ, એ ટેકરીનું નામ કંબાલા હિલ. પછીથી બન્યું ખંભાલા હિલ. મુંબઈના બીજા ઘણા રસ્તાનાં નામ પણ કોઈ ને કોઈ ઝાડ પરથી ક્યાં નથી પડ્યાં?
સોફિયા કોલેજને સમાવીને બેઠેલા આ મહેલથી થોડે દૂર બીજો એક રાજ મહેલ હતો. દાયકાઓ સુધી રોજેરોજ એ મહેલની બહાર આતુર લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી. એ મહેલ તે કિયો? એની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 ડિસેમ્બર 2025
![]()







આ નવલકથામાં લેખિકાએ અમેરિકાનાં ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચેના આંતરવિગ્રહની વાત અત્યંત કુશળતાથી વાણી લીધી છે. ‘સોળ વરસની કન્યા આળસ મરડે રે’ એવી સ્કાર્લેટને આપણે કથાના આરંભમાં જોઈએ છીએ, એક સાથે બે પુરુષ સાથે ફલર્ટ કરતી. પણ તે ચાહે તો છે એશલે નામના એક ત્રીજા જ યુવકને. પણ એશલે ચાહે છે મેલોની નામની છોકરીને. પાર્ટીમાં બધા પુરુષો આવી રહેલા આંતરવિગ્રહની ચર્ચા કરતા હોય છે અને ગુલામી તરફી દક્ષિણનાં રાજ્યો જીતી જશે એમ કહેતા હોય છે. ત્યારે રેહટ બટલર નામનો એક પુરુષ સાવ જુદો જ અભિપ્રાય વ્યક્ત કરે છે. અને અહીથી જ પ્રેમ, દ્વેષ, ઈર્ષાની કથા સાથે લેખિકા આંતરવિગ્રહને સાંકળી લે છે. સંકોચને આઘો મૂકીને સ્કાર્લેટ એશલેને કહે છે કે હું તને ચાહું છું ને તારી સાથે લગ્ન કરવા માગું છું. પણ એ માટીડો તો આપણા સરસ્વતીચન્દ્રનો ભાઈ નીકળે છે. એ કહે છે કે મને પણ તારા માટે પ્રેમ છે, પણ એક ભાઈને તેની બહેન માટે હોય તેવો! પણ સ્કાર્લેટ કાંઈ અલકકિશોરી નહોતી, એટલે જવાબમાં આપે છે ગાલ પર સણસણતો તમાચો. ઓરડામાં છુપાયેલો બટલર આ બધું જુએ છે અને એશલેના ગયા પછી સ્કાર્લેટ સામે પ્રગટ થાય છે ત્યારથી બંને વચ્ચે લવ-હેટનો સંબંધ શરૂ થાય છે. ચાર્લ્સ હેમિલ્ટન નામનો એક યુવક લગ્નની દરખાસ્ત રજૂ કરે છે અને માત્ર એશલેને જલાવવાના હેતુથી સ્કાર્લેટ તેની સાથે પરણી જાય છે. પણ લગ્ન પછી ચાર્લ્સ આંતરવિગ્રહમાં લડવા જાય છે અને મરાય છે. તે પછી સ્કાર્લેટ અને રેહટ એકબીજાંની નજીક આવે છે. એટલાન્ટા પર દુશ્મનનો હુમલો થતાં શહેર ખાલી થવા લાગે છે. એ જ વખતે એશલેની પત્ની મેલોનીને પ્રસૂતિની પીડા ઉપડે છે. કોઈ ડોક્ટર ન મળતાં સ્કાર્લેટ તેની સુવાવડ કરાવે છે, અને પુત્રનો જન્મ થાય છે. પહેલાં જ્યાં રહેતાં હતાં તે તારા પ્લાન્ટેશન જવા માટે સ્કાર્લેટ, રેહટ, મેલોની, અને તેનું બાળક ગાડીમાં નીકળે છે. પીછેહઠ કરતા દક્ષિણના લશ્કરે ધીખતી ધરા કરવાના હેતુથી લગાડેલી આગમાંથી બધાં પસાર થાય છે. પછી લૂંટારાઓના હુમલાનો ભોગ બને છે. પણ છેવટે બધાં તારા પહોંચે છે. બધાંને મૂકીને રેહટ લડાઈમાં જોડાવા જાય છે.