આપણે બહુ સાંભળ્યું છે કે ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી. એ સાચું હશે, કારણ કે આપણે બંધચેકડેમ બાંધતા તો હજી હમણાં ડફણા ખાતાં ખાતાં શીખ્યા છીએ એટલે બની શકે કે ઘી-દૂધની નદીઓ સાગરમાં વહીને લુપ્ત થઈ ગઈ હશે. આજે આપણે પાણી સાચવતા નથી એ જોઈને ઘણા લોકો નદીઓ લુપ્ત થઈ રહી છે એવા બખાળા કરે છે, પરંતુ તેમને કોણ સમજાવે કે આ તો આપણે પરંપરા મુજબ જ ચાલી રહ્યા છીએ અને તેઓ એનું ગૌરવ લેવાને બદલે મોકાણ માંડતા હોય છે. ખેર, તેઓ નહિ સમજે. આજે વાત પાણીદૂધ કે ઘી નહિ, પરંતુ માખણની કરવી છે. દેશમાં આજે માખણની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઘી-દૂધ કે પાણીનો શોક કર્યા વિના આપણે વગર પૈસે માત્ર આપણા દિમાગની પોલમાંથી પેદા કરી શકાતાં માખણની જે રેલમછેલ થઈ રહી છે તે જોઈને આંખો ઠારવી જોઈએ.
માખણે આપણી મૂળભૂત જરૂરિયાતનું સ્થાન લઈ લીધું છે. રોટી-કપડા-મકાન અને હવે મોબાઇલ બાદ માખણને આપણી મૂળભૂત જરૂરિયાત તરીકે સ્વીકારી લેવું જોઈએ, પરંતુ આપણે બેકદર થઈને પણ આપણને ડગલે ને પગલે અત્યંત ઉપયોગી માખણને હજી સુધી આપણી મૂળભૂત જરૂરિયાત તરીકે ઓળખાવતા નથી, એમાં આપણને જ નુકસાન છે. માખણ જેમ મારનારની તેમ જેને મારવામાં આવે છે તેની પણ જરૂરિયાત હોય છે, એ વાત આપણે પણ ગંભીરતાથી લેવી જોઈએ. ખાનગીમાં તેના ઉપયોગને સ્વીકારવા છતાં જાહેરમાં તેની ઉપેક્ષાને કારણે માખણમાર ક્ષેત્રને કેટલું નુકસાન થાય છે તેનો આપણે ક્યારેય વિચાર કર્યો છે ખરો? તેનાથી આપણા આર્થિક વિકાસ દરને અને છેવટે રાષ્ટ્રને ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે. માખણમાર ક્ષેત્રને જાહેરમાં પ્રોત્સાહન મળતું નથી એટલે લોકો બિચારા માખણ ઘસી ઘસીને થાકે તોપણ તેના ધારાધોરણોના શિક્ષણ કે તાલીમના અભાવે ધારી પ્રગતિ કરી શકતા નથી અને તેનાથી તેમની આવક ઓછી રહી જતી હોય છે અને તેનો ફટકો રાષ્ટ્રની સરેરાશ વ્યક્તિદીઠ આવકમાં પડતો હોય છે.
ત્રેતા યુગના અવતાર શ્રીકૃષ્ણ માખણચોર તરીકે ખ્યાત હતા, આજે કળિયુગમાં માખણમાર બન્યા વિના કૃષ્ણ પણ તમારો ઉદ્ધાર ન કરી શકે એવી માન્યતા બળવત્તર બની છે. સૌ કોઈ માખણમારકળામાં માહેર થવા થનગને છે. નવા નવા નોકરિયાતના શુભેચ્છકો માત્ર એટલું જ પૂછી લે છે કે માખણ મારતા આવડે છે ને? ન આવડતું હોય તો શીખી લેજે એટલે તને વાંધો નહિ આવે. નોકરીમાં શ્રીગણેશ કરનારને કૉલેજની પ્રેમિકાને બદલે પ્રોફેસર યાદ આવશે કે નોકરીમાં જેની આટલી બધી અગત્યતા છે એના વિશે કેમ કોઈએ કશી જાણકારી જ ન આપી? જોકે આજની પેઢી તેને જે જોઈએ છે તે મેળવી લે છે. નવી પેઢી તો નિશાળમાંથી જ માખણની કળા પોતાની જાતે જ શીખી લેતી હોય છે, પરંતુ વિધિવત્ શિક્ષણના અભાવે માખણમાર ઘણી વાર આ પ્રવૃત્તિમાં કાચો ઠરે છે.
આપણો દરેક નાગરિક માખણમાર કળામાં માહેર બને એ માટે એક રાષ્ટ્રીય યુનિવર્સિટી સ્થાપીને દેશમાં તેના માટેનાં તાલીમ કેન્દ્રો સ્થાપવા જોઈએ.શાળાકૉલેજોમાં આ કળા માટે સપ્તાહમાં એક વર્ગ લેવાય તેવું આયોજન કરવું જોઈએ. માખણમાર કળાનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે તો વિશ્વભરમાં ભારતના યુવાનોનો ડંકો વાગી જાય. મેનેજમેન્ટ ક્ષેત્રની ઇન્સ્ટિટ્યૂટ માટે વિશ્વભરમાં જાણીતું બનેલું ભારત માખણમાર કળાની ઇન્સ્ટિટ્યૂટ ખોલે તેના નામના સિક્કા પડે, કારણ કે માખણમારની સંસ્કૃતિ આપણે ત્યાં ઘણી જૂની છે. માખણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે તે આપણે સ્વીકારવું જ રહ્યું અને આ કળાને પ્રોત્સાહન આપવું જ રહ્યું.
![]()


જવાહરલાલ નેહરુએ જુદી જુદી ચાર વ્યકિતને નાણાપ્રધાન તરીકે અજમાવ્યા પછી તેમને એક સશકત નાણાપ્રધાનની શોધ હતી. નેહરુ એવી બાહોશ વ્યકિતને આ હોદ્દો આપવા ઇચ્છતા હતા, જે પંચવર્ષીય યોજનાઓનું ચુસ્ત અમલીકરણ કરાવી શકે. આખરે તેમની નજર મોરારજીભાઈ પર ઠરી. મોરારજીભાઈએ ફકત છ મહિનાના ટૂંકા ગાળામાં જ પોતાની નાણામંત્રી તરીકેની કાબેલિયત પુરવાર કરી દીધેલી. મોરારજીભાઈએ રજૂ કરેલું પ્રથમ ૮૦૦ શબ્દોનું બજેટ ‘વિકાસ અંદાજપત્ર’ તરીકે પ્રસિદ્ધિ પામેલું. પંચવર્ષીય યોજનાઓ સફળ બનાવીને દેશભરમાં ગરીબી, રોજગારી, પાણી, કૃષિ, રસ્તા, વીજળી વગેરેની સમસ્યા ઉકેલવી, આંતરિક વિરોધ છતાં વિદેશી સહાય મેળવીને દેશના વિકાસમાં પ્રયોજવી, હૂંડિયામણની મુસીબતમાંથી દેશને ઉગારવો, કરવેરાનું સર્વસ્વીકૃત (સંતોષદાયક) માળખું રચવું વગેરે અનેક પડકારોને તેમણે ખૂબ સારી રીતે પાર પાડીને દેશનો આર્થિક ઢાંચો મજબૂત કર્યોહતો. દેશમાં સૌથી વધુ ૧૦ વખત બજેટ રજૂ કરનારા અને દેશને વિકાસના રસ્તે વેગવાન બનાવનારા મોરારજીભાઈ આજે મંદીના માહોલમાં વિશેષ યાદ આવે છે.
મોરારજીભાઈ દેસાઈ યુવાન હતા ત્યારે તેમને નાટકો જોવાનો કે ફિલ્મો જોવાનો શોખ નહોતો, પરંતુ તેઓ ક્રિકેટના જબરા ફેન હતા. તે મુંબઈમાં કોલેજકાળમાં શહેરમાં જયાં જયાં મેચો થતી ત્યાં જોવા પહોંચી જતા. તેઓ આત્મકથામાં નોંધે છે કે ‘‘ક્રિકેટ મેચ જોવા જવામાં કંઈ પણ ખર્ચ થતું નહોતું. તે દિવસોમાં ટ્રામને બદલે હું ચાલતો જતો હતો…પરીક્ષાના દિવસો તદ્દન નજીક હતા ત્યારે પણ મેચો જોવાનું મેં છોડયું નહોતું’’
ઇરવીન સાથેના શાંતિ કરાર બાદ થાકેલા ગાંધીજી આરામ લેવા બારડોલી આશ્રમ આવેલા. બાપુને મળવા આવતા મુલાકાતીઓનો પ્રવાહ અટકાવવા સરદાર પટેલને પોતાની વિવેકબુદ્ધિ પર કોને જવા દેવા ને કોને નહિનો સાચો નિર્ણય કરે એવી મજબૂત વ્યકિતની જરૂર હતી. એમણે મોરારજીભાઈમાં ગાંધીજીની ચોકી કરવા માટે આવશ્યક એવા સર્વ ગુણો જોયા. એક વખતના ડેપ્યુટી કલેકટર મોરારજીભાઈએ કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ગાંધીજીના દ્વારપાળનું કામ ઉપાડી લીધેલું.
મોરારજીભાઈ ૧૯૧૮થી ૧૯૩૦ સુધી ડેપ્યુટી કલેકટર તરીકે નોકરી કરી હતી. તેમણે આ નોકરીના ભાગરૂપે મેજિસ્ટ્રેટની ભૂમિકા પણ ભજવવાનું થયું. ઇતિહાસ છે કે તેમણે આપેલા એક હજાર જેટલા ચુકાદામાંથી ત્રણ જ કિસ્સામાં વડી અદાલતે તેમના નિર્ણય બદલ્યા છે. આ વાત પરથી સ્પષ્ટ છે કે તેઓ કેટલી ચોકસાઈથી કોઈ ચુકાદો આપતા હતા. એક વાર તેમની સામે લૂંટનો કેસ આવ્યો. આરોપી ગુનેગાર હોય એવું લાગતું હતું, એટલે એ મુજબ ચુકાદો લખવા બેઠા પણ પછી વિચાર આવ્યો કે રાત્રે દોઢ વાગ્યે જેમણે આરોપીને જોયો એ લોકો કઈ રીતે ખાતરીપૂર્વક કહી શકે કે આ વ્યકિત જ હતી? તેમણે ચુકાદો મૂલતવી રાખ્યો. જે તિથિએ એ ગુનો બનેલો તેની રાહ જોઈ. તે તિથિની રાત્રે દોઢ વાગ્યે તેમણે બીજા લોકોને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો. તેમને થયું કે આટલા અંધારામાં વ્યકિતને ઓળખી ન શકાય. આમ, તેમણે નિર્દોષને સજા ન થાય તેની ચોકસાઈ હંમેશાં રાખી હતી.