ન્યુરોસર્જન પણ
ઑપરેશન
થિયેટરમાં
ડૉક્ટર ધારતા’તા એવું
સારણગાંઠ જેવું
પેટ-આંતરમાંથી તો
કંઈ ના નીકળ્યું,
પણ.. જ્ઞાનતંતુમાં
પરાપૂર્વથી જામી ગયેલા
વર્ણભેદના કાળમીંઢ
ચેપી ગઠ્ઠાને જોઈ
તબીબ-મહાશય થથરી ગયા,
રુધિરમાં સદીઓથી ઊછરેલા
નફરત ફેલાવતા
વિષયુક્ત ભેદી ગઠ્ઠાને
મૂળસોતો વાઢવા
ને પીડા જીવલેણ મિટાવવા,
કરતો રહ્યો હું વિનંતી,
લોકશાહી મૂલ્યોના રક્ષણમાં પણ ..
ફૉરેનરિટર્ન એ .. ગોલ્ડમેડાલિસ્ટ
ન્યુરોસર્જન
ગેંગેંફેંફેં કરતાં-કરતાં
મૂકીને હથિયાર હેઠાં
કણસતા બિચારા
દર્દીને છોડી રામભરોસે
લપાતા છુપાતા થઈ ગયા ..
હવાઈ મારગે પલાયન!
•••
સાચી નક્કર આસ્થા
દેવદ્વારે
પ્રભુને
ભીડમાં ગૂંગળાતા જોઈ
થયું કે લાવ
પૂજામાં પ્રસ્થાપીએ હવે
સાચુકલી નક્કર આસ્થા.
જો કે .. વાંચ્યા પુનઃ-પુનઃ
એ બધા ય ધર્મગ્રંથ અનેક
પણ પછી તો.
લોકતંત્ર પ્રેરિત પંથે
સંવિધાન માથે મૂકીને
પહોંચી ગયો ..
સંઘર્ષ કરતાં ખાલીપેટ
વંચિતોના ગામમાં.
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 06