અમદાવાદ જિલ્લાના તાલુકામથક ધોળકાના એક વિસ્તારમાં ૨૩ માર્ચના રોજ કોવિદ-૧૯ના સર્વે અંગે જવાનું થયું. વાઇરસનો ચેપ ફેલાય તે માટે લોકજાગૃતિ કેળવવા લોકોને ઘરે-ઘરે જઈને સમજાવ્યા. અત્યંત અગત્યના કામ વિના બહાર ન નીકળવું, એવી બીજી કેટલીક જરૂરી વાતો સમજાવી. એ દરમિયાનના મારા અનુભવોની નોંધ :
• મોટા ભાગનાં લોકોને અમારી વાત સાંભળવામાં રસ ન હતો. ‘અમને કાંઇ ન થાય’ એવો ભ્રમ સૌને હતો.
• માંડ દસ ટકા લોકો જ એવા હતા જે આ વૈશ્વિક આપત્તિને સમજતાં હતા. તેમને અમારી વાત સાંભળવામાં રસ હતો.
• ચોથા ભાગના લોકો એવા હતા કે ખરા તડકામાં અમે તેમના ઘરના બારણે ઊભા રહીને પૂછતા હતા ત્યારે તે ન તો ઘરના ઉંબરા સુધી બહાર આવતા હતા કે ન તો ખાટલો છોડતા હતા.
• ‘ઘરમાં કેટલા માણસો રહો છો?’ એ પ્રશ્નનો ઉત્તર ઝટ ન મળે. માંડ દસેક ઘરે એનો જવાબ સાચો અને તરત મળેલો. બાકી તો, પ્રશ્ન પૂછાયા પછી એ ગણતરીએ ચઢે. ગણતરી આપણે કરી આપવાની. ‘ચાર ભૈ, ચારનાં ચાર બૈરાં ને ડોહા-ડોશી .. .ચેટલા થ્યા?’ આપણે કહીએ ‘દસ’. પછી એ ઉમેરે, ‘સૌથી મોટાનાં બે છોકરાં, વચોટનાં ત્રણ, એનાથી નાનાની ત્રણ છોડિયું ને સૌથી નાનાની વહુને હમણાં છોડી આઈ. એ ચેટલાં છોકરાં થયાં?’ ‘નવ છોકરાં’ પછી હિસાબ લગાડીને કહીએ કુલ ઓગણીસ થયાં.
• પછી કહીએ કે પાંચ વર્ષથી નાનાં બાળકોનાં નામ લખાવો. એટલે એ બધાં અમારી હાજરીમાં છોકરાંઓનાં નામ નક્કી કરે. ‘કાળિયો … ના …. એને તો કનુ કે’ છે.’ તો બીજી છોકરી કહે, ‘ના … કલ્પેશ નામ રાખ્યું છે.’ એ ત્રણ પૈકી એક નામ પસંદ કરીને લખાવ્યા પછી અમે પૂછીએ,’ ઉંમર?’ તો એ કહે, ‘એકની જુઓ ને આઠ. એનાથી નાનો સાત.’ અમે કહીએ કે ‘પાંચ વર્ષથી નાનાં હોય એનાં જ નામ લખાવવાનાં છે. આવું કેમ કરો છો?’ પણ એ તો એમની જ મસ્તીમાં. સાઠ વર્ષ કરતાં વધારે ઉંમર હોય એવાં વૃદ્ધના નામ લખાવવા કહીએ તો લખાવી દે ને પછી ઉંમર પૂછીએ તો પચાસ કે પંચાવન કહે.
• ‘અમને કાંઇ ન થાય. માતાજીનો હાથ છે અમારા પર.’ એવી લગભગ બધાંની માન્યતા. એક જગ્યાએ બીજાએ દરમિયાનગીરી કરીને એક બહેનને કહ્યું. ‘કિસનિયાનું નામ લખાવો.’ તો કિસનની મમ્મી કહે, ‘હજુ ચ્યાં પાંસ વરહનો થ્યો સઅ? તયણ વરહનો સઅ.’
• એક જગ્યાએ નવાં પરણીને આવેલાં પુત્રવધૂ તેમના એક વર્ષના છોકરાનું નામ લખાવતાં હતાં, ‘નિકુંજ કિસનભાઈ’. તો ઘરમાથી સાસુ બહાર આવ્યાં અને કહે, ‘કિસનિયાનું નામ શું કરવા લખાવશ? તારા હાહરાનું લખાવવાનું.’
• એક દાદાની ઉંમર જાણીને તેમને પૂછ્યું, ‘દાદા, કાંઈ તકલીફ?’ અમારે શારીરિક તકલીફ વિશે જાણવાનું હતું. તેમણે આર્થિક-સામાજિક તકલીફો રજૂ કરી. અમારી પાસે એનું કોઈ સમાધાન ન હતું.
• પચાસેક વર્ષનાં એક બહેન કહે ‘અહી કોઈને કાંઈ ન થાય. સમજી જાવ ને.’ અમે થોડી જ વારમાં કોથળીમાં દારૂ જોયો અને સાંભળ્યું, ‘ત્યાં તો કૂતરાં કરડે છે, સાહેબ. ત્યાં ન જશો.’
આવા અનુભવો તો થાય. શિક્ષકની ખરી કસોટી જ એ છે. અમે અકળાતા નથી. કેમ કે આમાં લોકોનો પણ વાંક નથી શિક્ષણનો અભાવ અને સ્થાનિક વાતાવરણ ને બીજું ઘણુંબધું કારણભૂત છે.
જેમની પાસે કશું નથી એવા લોકો માટે તો એકવીસ દિવસના લૉક ડાઉનમાં ઘરમાં રહી શું ખાવું? એ એક વિકટ પ્રશ્ન છે. જે રોજનું કમાઈને રોજ ખાય છે એવા માણસો માટે આ સમય બહુ કપરો છે. અગાઉ કોવિદ-૧૯ સંદર્ભે લોકોના આરોગ્યનો સર્વે કર્યા પછી ૩૧ માર્ચના રોજ એવી વ્યક્તિઓનો સર્વે કર્યો કે જેમની પાસે રેશનકાર્ડ નથી. છાપરામાં કે જેવાંતેવાં ઘરમાં રહે છે. ખૂણેખાંચરેથી ય એવાં માણસોને શોધવા સતત આઠેક કલાક અથાગ પ્રયત્ન કર્યો ને મિત્ર ગોવિંદ વેગડાની સાથે રહીને ૫૪ કુટુંબ શોધી કાઢ્યાં, જેથી તેમને પણ સરકારી સહાય મળી રહે.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 14 ઍપ્રિલ 2020