દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
કુછ મુઝે મરને કા શૌક ભી થા ...
“સાંકળોનો સિતમ” પાકિસ્તાની ગુજરાતી કવિ પત્રકાર મૂસાજી દીપક બારડોલીકરના જેલનિવાસોની કથા છે. આ આત્મકથા નથી, આ કૃતિ બારડોલીકરની આત્મવ્યથા છે જે અંત તરફ આત્મગાથા બની જાય છે. સ્વાતંત્ર્ય પૂર્વે જેલ એ ગુજરાતી લેખકનો અનુભવ હતો, ૨૦મી સદીના અંત તરફના ગુજરાતી લેખક માટે જેલ એ એના અનુભવના પરિધની બહારની વસ્તુ બની ગઈ છે. ‘સાંકળોનો સિતમ’ કવિ દીપક બારડોલીકરની ઝિંદાનામાં છે (ઝિન્દાન એટલે ઉર્દૂમાં જેલ) પ્રથમ પ્રકરણની પ્રથમ લીટી છે. દરવાઝા ખોલ !… અને અંતિમ ર૧મા પ્રકરણની અંતિમ લીટીઓ છે :
કરાચી શું છે? મારા યારની શેરી
બધા પાષાણ પારસ છે કરાચીમાં !
દીપકની જેલકથા ચિકનદિલ વાચકો માટે નથી. શરૂઆતમાં પુલિસ પકડીને લઈ જાય છે. એક ચેક પર સહી કરી આપી, લેખક લખે છે. પુલિસની વેનમાં બેસતી વખતે મહોલ્લાની ફૂક્કોનો અવાજ સંભળાય છે : મૂસા ! બચ્ચોં કી ફિકર મત કરના ! હમ હૈ ! … અને બાજુમાં ડી.એસ.પી. હુમાયું ઊભા છે. દિવસ ઑગસ્ટ ૧૨, ૧૯૭૮, સ્થળ કરાચી, સમય સદર ઝિયા-ઉલ-હકનો સિંહાસન પર આસીન થવાનો. ઝિયા અને એમના નોકરશાહો ગાસિબ (જબરજસ્તી કોઈનો હક પચાવી પાડનાર) હતા. એ અવામને રૈયત બનાવી રહ્યા હતા. જેલની એક દીવાલ પર કવિ દીપક શાયર મુનીર નિમાઝીની બે લીટીઓ લખેલી વાંચે છે :
કુછ શહર કે લોગ ભી ઝાલિમ થે,
કુછ મુઝે મરને કા શૌક ભી થા …
દરેક પ્રકરણ વાંચતાં એ એહસાસ સતત રહ્યા કરે છે કે આ એક કવિનો જેલવાસ છે. ગરીબ માણસો, બેચેહરા માણસો, નિર્દોષ માણસો, મોહતાજ માણસો પર જમીંદારો અને વડેરાઓના અનવરત જુલ્મોસિતમની દાસ્તાનો લગભગ દરેક પ્રકરણમાં પથરાયેલી પડી છે. ખોટા, મનગઢંત આરોપો નીચે સાવ બેગુનાહ માણસોને આઠ-આઠ વર્ષની જન્મટીપ થઈ જાય છે. દીપક લખે છે : અમારા સાક્ષીઓની હિંમત જવાન હતી. બકૌલ ફયઝ : ચલે ભી આઓ કે ગુલશન કા કારોબાર ચલે …! નેલ્સન મંડેલા કહે છે એમ જેલ એ મૈત્રીનું ઈનક્યૂબેટર હોય છે.
જેલો બદલાય છે, કેદીઓને વેનોમાં ભરીને લઈ જવાય છે. લેખક કાતિલ શુષ્ક ભાષામાં લખે છે : આ ગાડીમાં બારી હોતી નથી. દીપક માટે આ નવું નથી. ફેબ્રુઆરી, ૧૯૪૮માં સુરતની જિલ્લા જેલનો અનુભવ હતો, જે જેલવાસોના સિલસિલાની પ્રથમ જેલ હતી. જયાં સામસામાં ચાકુ અને રેઝર બ્લેડો વાતવાતમાં નીકળી જતાં હતાં, પછી એ કેદીઓને પગમાં સાંકળો નાખીને બીજી જેલોમાં ખસેડી લેવાતા હતા. દીપકે બધું જ જોયું છે. પાસેથી અને દૂરથી, ડંડાબેડી અને જંજીરો અને કેદે-તન્હાઈ (સોલીટરી-કન્ફાઈન્મેન્ટ), અને શાયર સાદિક તબસ્સુમને યાદ કરીને ગાયું છે. હવા થમે તો મહકતા હૂં ગુલશનોં કી તરહ (હવા અટકે તો હું પણ ગુલશનની જેમ મહેકું છું !) અને ગુલશનોની જેમ મહકનાર ગુજરાતી કવિ દીપક બારડોલીકરે ૧૯૭૮માં સિંધ હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં કવિતા લખી હતી : લે બગાવતનો પરચમ, ને ભર તું કદમ, કયાં સુધી ઝીલવો સાંકળોનો સિતમ … જિંદગીનું છે સાચું સુશોભન જખમ …! આ જ કવિતામાંથી આ જેલકથાનું શીર્ષક પ્રકટ થયું છે, મર્દાના કવિની મર્દાના કથાનું મર્દાના શીર્ષક.
સિંધ-પંજાબના હારીઓ પગમાં સાંકળો સાથે ખેતરોમાં કામ કરે છે અને રાત્રે ઢોરની જેમ એમને બાંધીને કોટડીઓમાં પૂરી રાખે છે. જિંદગીભર જમીનદારની ગુલામી કરતા રહેવાનું હોય છે. દીપક બારડોલીકર, ગુલામ નબી મુગલ અને અન્સાર બેગને એક જ કોટડીમાં પૂરવામાં આવ્યા છે, સાત બાય ચૌદની એ ખોલીમાં પેશાબ માટે એક ઠીબલું હતું, એમાં જ પેશાબ કરવાનો. બલ્બ એક જ હતો. પંખાનું નામ ન હતું. બારી પણ ન હતી કે હવા આરપાર પસાર થઈ શકે. એક તો સખત બફારો … બીજું, સમય કેમ પસાર કરવો એ પ્રશ્ન હતો. વાંચવા, લખવા કે રમવાનું કોઈ સાધન ન હતું. વાત પણ કોની સાથે કરવી ? આસપાસ દીવાલો અને કાળા સળિયા સિવાય કંઈ જ ન હતું. કોઈ ચકલું ય ફરકતું ન હતું કે તેને જોઈને ય મન રાજી થાય. પડખેની બેરેક પણ ખાલીખમ હતી ! આમરણાંત ભૂખ હડતાળ પર ઊતર્યા પછી પત્રકાર દીપક અને સાથીઓની આ સ્થિતિ હતી. દીપક મજાક કરે છે. મરીશ તો “શહીદે-શહાફત” (પત્રકારત્વનો શહીદ) કહેવાઈશ !” ભૂખ હડતાળ પર ઉતરનારની મુલાકાતો, પત્રવ્યવહાર બધા જ પર પાબંદી મુકાઈ જાય છે. દીપક એક સ્થળે લખે છે : અને બારડોલીના સ્વરાજ આશ્રમમાં ગાંધીજીની પ્રાર્થનાસભામાં ગાંધીજીની સામે બેસવાની અનેક તકો મળી હતી. મેં ગાંધીજીનાં પ્રવચનો સાંભળ્યાં હતાં … ગાંધીજી માટે મને માન હતું, અને છે.
મૂસાજી દીપક બારડોલીકર માત્ર કવિ કે પત્રકાર જ નથી, ઇતિહાસકાર પણ છે. એમણે એમની સુન્ની વહોરા કોમનો ઇતિહાસ “સુન્ની વહોરા” ૧૯૮૪માં પ્રકટ કર્યો હતો. પદ્ય પર પ્રભુત્વ હોવું એક વાત છે અને ગદ્યની. ગરિમા સમજવી એ બીજી વાત છે, અને બંનેની મહારત હોવી એ ખરેખર એક અસામાન્ય ઘટના ગણાવી જોઈએ. “સાંકળોનો સિતમ”માં આવી વન-લાઇનર્સ અથવા ઉક્તિઓ સતત આવતાં રહે છે. થોડાં વાક્યો : એક અંધ ફકીરના આ શબ્દો સાંભળે છે …. હથિયાર ઉપર ભરોસો કરનાર, અસલમાં બુઝદિલ હોય છે ! ફૂલો આદમીને ઈન્સાન બનાવે છે ! … સત્તામાં બે બાટલીનો નશો હોય છે ! … કૂતરો એના માલિકને છોડીને જતો નથી, અને બિલાડી ઘરને ! … ડૉ. શેખે એક સિંધી કહેવત કહી કે, એક ઘરડો ઊંટ બે જવાન ઊંટની બરાબર હોય છે! … જેલમાં આટલા વહેલા ઊઠીને ય ક્યાં જવું ! અલ્લાહના ઘરમાં ! … ફાતેમા (પત્ની) મુલાકાતે આવી હતી, અને પોશે પોશે ચાંદની પીધી હતી ! …
અને એક દિવસ કવિ ઘેર આવે છે, રાત્રે સાડા અગિયાર વાગ્યે, મલીરમાં, ગુલસ્તાને-રફીમાં અને આસમાન તૂટી પડે છે. પત્ની ફાતેમાનો ઇન્તકામ થઈ ગયો છે. એ પૂરો ગદ્યખંડ હલાવી નાખે એવો ઈમોશનલ છે. મેં મારા અલ્લાહને યાદ કર્યો. દર્દબોઝિલ આંખો મારા ઉપર મંડાયેલી હતી. બેડરૂમમાં ફાતેમાનો મૃતદેહ પડયો હતો. સૈલાબ ફાટી ગયો. આ ફાતેમા હતી, જેણે મને સંભાળ્યો હતો … મકાનને ઘર બનાવી દીધું હતું. ફારસીના શાયર ઈમામ ગઝાલી યાદ આવી જાય છે, મૃત્યુ એટલે આત્માનું દેહથી અલગ થવું. મૃત્યુ એટલે સ્થિતિમાં ફેરફાર, મૃત્યુ એટલે દેહ પર આત્માના આધિપત્યનો અંત. મૃત્યુ માત્ર દેહ માટે હોય છે. બીજે દિવસે દફનવિધિ થયો. રોતા હ્રદય મેં જનાજો ઉપાડ્યો. અને કબરમાં મૈયત ઉતારવામાં આવી. તૂટેલી હિમશીલા આખા પહાડને તોડી નાખે એમ જ … મૂર્છાવશ દશામાં હું લથડિયું ખાઈ ગયો. એક પઠાન પાડોશીએ કહ્યું : હમારે ઇલાકે મેં અગર કિસીકો બદદુઆ દેની હો તો, હમ યૂં કહતે હૈં : ખુદા કરે, તુ બગૈર બીવી કા હો જાય ! બલોચ બુઝુર્ગ ચાકરખાને કહ્યું કે, ઔરત વસંતઋતુ છે. એ – આવે તો .. બંજર ઝમીન ભી ખિલ જાતી હૈ, ઔર ચલી જાય તો ગુલઝાર વિરાન હો જોતા હૈ !
ફાતેમાની કબર ઉપર ફૂલોની ચાદર ચડી ગઈ, ફાતેહા ખ્વાની થઈ ગઈ, સફાઈ થઈ ગઈ, પાણી છંટાઈ ગયું. પછી પાકી કબર, પછી ફાતેમાના નામનો કત્બો (કબરલેખ) પછી ? મુસાજી દીપક બારડોલીકર લખે છે : બાકી કરવાં હોત તો, બીજા લગ્ન આડે ક્યાં કશો બાપ હતો? પણ મુકદ્દરની દિશા ઇંગ્લેન્ડની હતી. દોસ્તોએ કહ્યું, મિન્નતો કરી : મૂસાજી ! મુલ્ક છોડના દાનિશમંદી નહી હૈ ! દીપક ગુજરાતીના શીર્ષસ્થ શાયર શૂન્ય પાલનપુરીને યાદ કરે : જમાનાનું ધાર્યું ય કરવું પડે છે, કમોતે ઘણીવાર મરવું પડે છે !
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું હવાઈ જહાજ. આગળ આસમાન ઇંગ્લિસ્તાની. પાછળ મલીર, પાછળ કરાચી. ઘર, યાદો, ફાતેમાના નામનો કત્બો, દોસ્તો, વેદનાના સાઝેદારો, જવાન થઈ ગયેલા બેટાબેટીનું છૂટી ગયેલું બાળપણ … અને અહમદ ફરાઝનો શેર :
કહીં તો આગ લગી હૈ વજુદ કે અંદર,
કોઈ તો દુઃખ હૈ કે ચહેરે ધુંઆં હમારે હુએ …
મુસાજી દીપક બારડોલીકરનું જેલવૃત્તાંત “સાંકળોનો સિતમ” ગુજરાતી આત્મકથા-સાહિત્યને રોશન કરે એવી એક અત્યંત સશક્ત કૃતિ છે. ખુશ આમદીદ.
ક્લોઝ અપ :
લોહી માંગ્યું તો લોહી અને શિર તો શિર, ક્યારે ટાળ્યો ઓ મારા વતન ! મેં હુકમ.
— દીપક બારડોલીકર
સૌજન્ય : વિરાગભાઈ સૂતરિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

