ગવર્નર વજુભાઈ વાળાએ “કર્ણાટક પશુવધ અટકાવ અને સંરક્ષણ વિધેયક,૨૦૨૦”ને મંજૂરી આપતાં ગોહત્યા પ્રતિબંધનો કાયદો ઘડનારાં રાજ્યોમાં એક વધુનો ઉમેરો થયો છે. કર્ણાટક હવે દેશના ગો અને ગોવંશ હત્યા પર પૂર્ણ કે અંશતઃ પ્રતિબંધના કાયદા ઘડનારાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં થોડાં રાજ્યોમાં હજુ ગોહત્યા પ્રતિબંધિત નથી. ૨૦૧૯માં રચાયેલા “રાષ્ટ્રીય કામધેનુ આયોગ”નું મુખ્ય કાર્ય તો “ગાયોના સંરક્ષણ અને સંવર્ધન”નું છે. પરંતુ તેણે કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર માટે ઑનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ માટે દેશભરમાંથી આશરે પાંચ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આયોગે પરીક્ષા માટે જાહેર કરેલ મટીરિયલ ગાય અંગે અવૈજ્ઞાનિક માહિતી અને અંધવિશ્વાસ ફેલાવનારું હોવાના જાહેર ઊહાપોહ પછી હવે તે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ગરીબડી ગણાતી ગાયના કામધેનુકરણ અને સંકીર્ણ રાજકીય ઉપયોગના આ તાજેતરનાં ઉદાહરણો છે.
ભારતીય બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાન્તો અંતર્ગત અનુચ્છેદ ૪૮માં, “કૃષિ અને પશુપાલન સંગઠન”સંબંધી જોગવાઈઓ છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા મારફત તેમાં અનુચ્છેદ-૪૮-એ જોડી, “પર્યાવરણનું સંરક્ષણ તથા સંવર્ધન અને વન તથા વન્ય જીવોનું રક્ષણ”ની જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયાઓએ ભારતીય સમાજની, ખાસ તો હિંદુ સવર્ણ સમાજની, ગાયને પવિત્ર અને પૂજ્ય માનવાની લાગણી તથા કૃષિઅર્થતંત્રમાં ગાયની ઉપયોગિતા પ્રમાણીને ગાયો અને ગોવંશની કતલ પર પ્રતિબંધ ફરમાવતી જોગવાઈ કરી હતી. કેટલાંક રાજ્યોએ તે જોગવાઈઓને અનુલક્ષીને કાયદાઓ ઘડ્યા છે. ૨૦૦૫માં સર્વોચ્ચ અદાલતે ગોહત્યા સંબંધી કાયદાઓને બંધારણીય ઠેરવ્યા હતા.
પરંતુ ગોવંશહત્યા પ્રતિબંધ અંગેની બંધારણીય જોગવાઈઓનો આપણી કેન્દ્ર કે રાજ્યોની તમામ પક્ષોની સરકારો, સીમિત અને સંકુચિત ઉપયોગ કરે છે. સંવિધાનના અનુચ્છેદ ૪૮માં, “રાજ્ય કૃષિ અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિઓથી એકત્ર કરશે“ અને “ગાય-વાછરડાં તથા દૂધાળાં અને પાલક પ્રાણીઓની જાતિમાં સુધારા માટે પ્રયાસ કરશે” તે જોગવાઈનો છેદ ઉડાડી સરકારો અનુચ્છેદના અંતિમ શબ્દો, “હત્યા પર પ્રતિબંધ”ને જ મહત્ત્વ આપી તેવા કાયદા ઘડી રહી છે. ગોવંશહત્યા પર પ્રતિબંધ અને તેની સુધારણા તરફના આંખમિચામણાંથી જે અસંતુલન ઊભું થશે તે અંગે ઝાઝું વિચારાતું નથી.
આઝાદી સમયે દેશની ૩૫ કરોડની વસ્તી સામે ૨૧ કરોડ ગોવંશ હતો. ૨૦૧૬માં ૧૨૪ કરોડની જનસંખ્યા સામે ગોવંશ ઘટીને ૧૦ કરોડ થઈ ગયો હતો. ગોવંશહત્યા પ્રતિબંધના કાયદા પૂર્વે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગૌવંશના પ્રાણીઓ હતા જે હવે રહ્યા નથી. જ્યાં ગોવંશ હત્યા પ્રતિબંધનો કાયદો નથી અને મર્યાદિત અને જરૂરિયાત મુજબ ગોવંશની કતલ થાય છે તેવા પશ્ચિમ બંગાળમાં, ગોવંશનાં પ્રાણીઓ સૌથી વધુ છે. આમ થવાનું કારણ એ છે કે ગાયો લાંબો સમય દૂધ આપતી ન હોઈ પશુપાલકને તે કાયમ પરવડતી નથી. એને પાળી પણ ન શકાય અને મારી પણ ન શકાય એ સ્થિતિમાં લોકો ગાયો ઓછી પાળે છે કે બિનઉપયોગી બનતાં રઝળતી કરી દે છે. તેથી દેશમાં આવારા ગાયોની સંખ્યા વધી રહી હોવાના અને તે જાહેર રસ્તે રઝળતી હોવાના, કચરો કે પ્લાસ્ટિક ખાઈને મરવાના વાંકે જીવતી હોવાના, પણ દાખલા જોવા મળે છે.

યુ.પી.ના બુંદેલખંડ વિસ્તારના ચિત્રકુટમાં ૨૦૦૭માં ૨૮,૩૪૩ આવારા ગોવંશ હતું, તે ૨૦૧૨માં વધીને ૭૪,૭૧૩ અને ૨૦૧૭માં ૨,૧૩, ૬૫૮ થયું છે. બિનઉપયોગી અને ૧૩ વરસથી વધુ વયના ગોવંશની કતલની છૂટ ન હોય તે રાજ્યોમાં કેવું અસંતુલન ઊભું થઈ શકે છે તેની ઝલક આ આંકડાઓ દર્શાવે છે. પરંતુ ગાયનું રાજકારણ એવું હાવી છે કે તે વાસ્તવિકતાનો સામનો કરવા તૈયાર નથી. બંધારણમાં ગોવંશકતલ પ્રતિબંધની જોગવાઈ ખેતીમાં તેની ઉપયોગિતાને અનુલક્ષીને કરવામાં આવી છે. આજે ખેતીમાં ટ્રેકટર અને અન્ય યંત્રોનો ઉપયોગ વધતાં બળદની અલ્પ ઉપયોગિતા છે, પરંતુ ધાર્મિક લાગણીના જોરે મૂળ બંધારણીય ભાવનાને કોરાણે મૂકવામાં આવે છે. આવા કાયદા પર્યાવરણ અને આરોગ્યને નુકસાનકર્તા ન બની રહે તે વિષે પણ પૂરતી તકેદારી લેવાતી નથી.
મધ્ય પ્રદેશની બી.જે.પી. સરકારે રાજ્યના પશુપાલન, વન, પંચાયત, મહેસૂલ, ગ્રામીણ વિકાસ, ગૃહ અને કિસાન કલ્યાણ વિભાગોના મંત્રીની બનેલી ગો કેબિનેટ બોલાવી હતી અને આ તમામ વિભાગોને સાંકળીને અલગ ગો-મંત્રાલય બનાવ્યું છે. “પહેલો રોટલો ગાયને”ની ધાર્મિક માન્યતાની રોકડી કરીને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રીએ લોકોને ગોગ્રાસ રૂપે ગોકલ્યાણ કર માટે તૈયાર કરી દીધા છે. ગોઅભયારણ્ય પણ ખુલ્લું મૂક્યું છે. આ બધું કરતાં રાજકારણીઓ રાજ્યમાં અને દેશમાં ગોચર જમીનો કેમ ઘટી ગઈ તેવા સવાલના જવાબમાં મૌન ધરે છે. યુ.પી. સરકારે અગિયાર કુપોષિત પરિવારોને ગાયનું દાન કરી કુપોષણ નાબૂદીમાં ગાયનું મહત્ત્વ દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તેઓ પણ કુપોષણ નાબૂદીનું સાધન એવી ગાયો જ સૌથી વધુ કુપોષિત છે તે વાત ગુપચાવી દે છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે પરંતુ પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતામાં આપણે બહુ પાછળ છીએ તે હકીકત સ્વીકારવી પડશે.
ભારતમાં ગોસંવર્ધનની જવાબદારી રાષ્ટ્રીય કામધેનુ આયોગ જેવી સરકારી સંસ્થાની છે. ભારતની ગાય રોજનું સરેરાશ આઠથી દસ લીટર દૂધ આપે છે તેના કરતાં દુનિયાની સરેરાશ દસ ગણી વધારે છે. પરંતુ તે દિશામાં પ્રયત્નો કરવાને બદલે દેશી ગાય સંકર ગાય કરતાં વધુ સ્વચ્છ, પવિત્ર અને ઉત્તમ હોવાના ગાણાં ગવાય છે. દેશી ગાયના દૂધમાં સોનાના કણો હોવાની, ગાયનું દૂધ માનવીને પરમાણુ વિકિરણથી બચાવતું હોવાની અને ગાયના છાણથી લીંપેલા ઘરોને ભોપાલ ગેસ કાંડની અસર થઈ નહોતી તેવી વૈજ્ઞાનિક તથ્યોનો છેદ ઉડાડનારી વાતો ફેલાવાય છે.
ગૌવંશહત્યા પ્રતિબંધના કેન્દ્રીય કાનૂનની ગેરહાજરીમાં રાજ્યો તેમના રાજકીય લાભાલાભને ધ્યાનમાં રાખીને વિવિધ સજાની કાયદાકીય જોગવાઈઓ કરે છે. આખા દેશના કોઈ રાજ્યે ન કરી હોય તેવી આજીવન કારાવાસની સજા ગુજરાતના કાયદામાં છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કાયદાઓમાં દોષિતોને ૭ વરસની, ઝારખંડમાં ૧થી ૧૦ વરસની, હરિયાણામાં ૩થી ૫ વરસની, ગોવા-પંજાબમાં બે-બે વરસની, તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં એક-એક વરસની ગોવંશની ગેરકાયદે હેરફેર, હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાની સજા ઠરાવી છે. તાજેતરના કર્ણાટકના કાયદામાં ૧૩ વરસથી વધુના ગોવંશની કતલની છૂટ અને આરોપીઓને સજા માટે વિશેષ અદાલતોની રચનાની જોગવાઈ છે. આ બધાં જ રાજ્યો ગાય અને ગોવંશની ઉચિત દેખભાળ, સંવર્ધન, અને સરકારી ગોશાળાઓની રચના કે ખાનગી ગોશાળાઓને પૂરતા અનુદાનની જોગવાઈ કરતા કાયદા કરવાને બદલે રાજકીય લાભને ધ્યાનમાં રાખીને ગોવંશહત્યા પ્રતિબંધના કાયદા જ વધુ કરે છે.
પ્રાચીનકાળમાં ગોમાંસ બ્રાહ્મણો સહિતની હિંદુસ્તાની પ્રજાનો સામાન્ય આહાર હતો. વેદો અને શાસ્ત્રોના અઠંગ અભ્યાસી વિવેકાનંદના ભાષણો અને પત્રોના પુસ્તકોમાંથી પણ આ બાબત જાણી શકાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથ “ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ”માં હિંદુ ધર્મ શાસ્ત્રોના આધારે સ્પષ્ટ જણાવાયું છે કે ગોમાંસ ખાવા ન ખાવા સાથે વર્ણવ્યવસ્થાજનિત આભડછેટ અને પવિત્રતાનો ખ્યાલ ઉમેરાતાં ગોમાંસ ખાતી પ્રજા શૂદ્ર કે અવર્ણ ગણાતી થઈ હતી. આજે પણ ભારતની બહુમતી વસ્તી માંસાહારી છે જેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ઉપરાંત હિંદુ દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાતોનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ દેશનો દર તેરમો નાગરિક બીફ કહેતાં ગાય-ભેંસનું માંસ ખાય છે. તો બીજી તરફ માંસાહારીને હલકા, નીચા અને ઊતરતા દરજ્જાના ગણવાની વ્યાપક માનસિકતા પ્રવર્તે છે.
ભારતના રાજકારણમાં ગાયનું રાજકીયકરણ કે કામધેનુકરણ કેટલાક રાજકીય પક્ષોને બરાબર ફળ્યું છે. ગાય અને ગોમાંસને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ગાયના મુદ્દે દેશમાં હિંસાના બનાવો પણ બન્યા છે. ૨૦૧૦થી ૨૦૧૮ સુધીમાં ગાયના મુદ્દે હિંસાના ૮૫ મોટા બનાવો નોંધાયા છે. ૨૦૧૨ અને ૨૦૧૩માં એક-એક બનાવ બન્યો હતો. પરંતુ કેન્દ્રમાં બી.જે.પી. સત્તાનશીન થયા પછી તેમાં મોટો ઉછાળો આવ્યો છે. ૨૦૧૪ પછી ગાયના નામે હિંસાના બનાવો અગાઉના વરસોની તુલનામાં ૯૮ ટકા વધ્યા છે. ગાયના નામે આચરાયેલી ભીડ હિંસાનો ભોગ બનનારાઓમાં મુસ્લિમોનું પ્રમાણ ૫૬ ટકા અને મરનારમાં ૮૮ ટકા છે. જો કે ગાયની હત્યા હવે માત્ર મુસ્લિમોની હત્યા કે કોમી હુલ્લડોનું કારણ રહી નથી. ઉના, ઝજ્જર અને ગોહાનાના બનાવોથી તેમાં દલિત ઉત્પીડનનું તત્ત્વ પણ ઉમેરાયું છે.
“પિંક રેવોલ્યુશન”ની વાતો કરીને મતોની ફસલ લણ્યા પછી સત્તા મળતાં બજેટમાં માંસ નિકાસ પરની સબસિડી ન માત્ર ચાલુ રાખવામાં આવે છે, વધારવામાં પણ આવે છે. આજે ભારત દુનિયામાં માંસની નિકાસમાં અવ્વલ સ્થાને છે. ગાયના નામે રાજકારણ રમવું એ એકલા ભારતીય જનતા પક્ષનો ઈજારો રહ્યો નથી. ગુજરાતના ૧૯૯૪ના ગોવંશ પ્રતિબંધ કાયદાને ૨૦૦૫માં સર્વોચ્ચ અદાલતે બંધારણીય ઠેરવ્યો ત્યારે બી.જે.પી. તેને પોતાનો હિંદુ વિજ્ય ગણાવી યશ ખાટી રહી હતી. તો કોંગ્રેસ પણ “આ કાયદો તો અમે ઘડ્યો છે ”, તેમ કહેવામાં અગ્રેસર હતી.
ગોરક્ષાને હિંદુ ધર્મનું સર્વોત્તમ અંગ માનતા મહાત્મા ગાંધી “ગો’નો અર્થ કેવળ ગાય જ ન કરતાં નિરાધાર, દલિત અને ગરીબ સુધી વિસ્તારે છે. ગાંધીજી માણસનો જીવ બચાવવા ગાયની હિંસાને ધિક્કારે છે, તો ગાય માટે મનુષ્યહિંસા પણ નકારે છે. ઈ.સ. ૧૯૨૫માં ગાંધીજીએ કહ્યું હતું, “હિંદુમાત્ર ગોરક્ષાનું અર્થશાસ્ત્ર સમજી લે તો ગોહત્યા બંધ થઈ જાય.” ગાંધીજીની આ વાતને હવે સદી થવા આવશે.
ભારતના રાજકીય પક્ષો ગોરક્ષાના અર્થશાસ્ત્રની તમા રાખ્યા વિના તેનું રાજકારણ બરાબર રમે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 09-10
![]()


સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યાં છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું સસ્તું – મોઘું થયું એટલા પૂરતી બજેટમાં દિલચસ્પી હોય છે. વિધાનગૃહોમાં પણ બજેટ પર સાર્થક ચર્ચાઓ બહુ ઓછી થાય છે; કેમ કે આર્થિક બાબતો પર ઠોસ ચર્ચા કરી શકે એવા જનપ્રતિનિધિઓની ખોટ છે. બજેટની સૂક્ષ્મ વિગતો ઉજાગર કરી તેનું વિશ્લેષણ કરનારો વર્ગ પણ બહુ સીમિત છે. એટલે જાહેર થયા પૂર્વે અંદાજપત્ર અતિગુપ્ત હોય છે અને પછીથી તે વણચર્ચ્યો આર્થિક દસ્તાવેજ બની રહે છે. આ સંદર્ભે ટ્રાન્સ્પેરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’નો “બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા” વિષયક તાજેતરનો અહેવાલ બજેટના ઘડતર અને તેની જાહેર ચર્ચા પર સારો પ્રકાશ પાડે છે. બજેટીય પારદર્શિતાના મુદ્દે કેન્દ્રીય અંદાજપત્ર ૧૦૦માંથી ૭૬ અંક મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતા બહુ પાતળી છે. ગુજરાત રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતામાં સત્તરમા ક્રમે છે.
ભારતમાં મહિલાઓ વહેલીસવારથી મોડી રાત સુધી આખા ઘરનાં કામનો ઢસરડો કરતી હોય છે. ઘરની સફાઈ, રસોઈ, કપડાં, વાસણ, પતિ-બાળકો અને સાસરિયાંની સેવા અને દેખભાળ, બાળકોને ભણાવવાં, શાળાએ મૂકવા-લેવા જવાં, બજારમાં ખરીદી કરવી, કપડાંને ઇસ્ત્રી કરવી, ગામડાંઓમાં ઘર, કામ અને ખેતી સાચવવી, છાણ-વાસીદાં કરવા, ઢોર-ઢાંખર સાચવવાં, પાણી ભરવું, ઘાસચારો અને બળતણ લેવા જવું, અંતે ઘરના સૌને જમાડ્યા પછી વધ્યું-ઘટ્યું ખાવું – એવી નિયતિ ભારતીય સ્ત્રીઓના માથે મારવામાં આવી છે. એક અંદાજ મુજબ એક સ્ત્રી એક જિંદગીમાં એકલી ત્રણ લાખ તો રોટલી જ બનાવે છે. ઘરનાં બીજાં કામો તો જુદાં. આટઆટલાં કામો કરવા છતાં સામાન્ય રીતે એક સંવાદ લગભગ બધાં ઘરોમાં પુરુષોના જ નહીં, સ્ત્રીઓના મુખે પણ સાંભળવા મળે છે : “આખો દા’ડો ઘરમાં જ હોય છે … કશું જ કરતી નથી.” અણમોલ એવા મહિલાઓના ઘરકામનું કુટુંબ, સમાજ અને સરકારને કશું જ આર્થિક કે ભાવનાત્મક મૂલ્ય નથી.