૧૯૫૧ની પહેલી લોકસભાનો ચૂંટણી ખર્ચ ૧૦.૪૫ કરોડ હતો. ૨૦૧૯ની સત્તરમી લોકસભાનો ચૂંટણી ખર્ચ અ-ધ-ધ— વધીને ૭,૦૦૦ કરોડ થવાનો અંદાજ છે.
યાદ રહે આ તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાછળનો સરકારી ખર્ચ છે, તેમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા થતો ખર્ચ સામેલ નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ વખતે તે ૫૦ થી ૬૦ હજાર કરોડને આંબી જવાનો અંદાજ છે. રાજકીય પક્ષો આટલો મોટો ખર્ચ કઈ રીતે કરે છે, અને તેના આવકના સ્ત્રોત ક્યા છે તે કાયમ રહસ્ય રહ્યું છે. જાહેર હકીકત એ પણ છે કે રાજકીય પક્ષોને પોલિટિકલ ફંડિંગ મોટા ઉદ્યોગગૃહો અને કોર્પોરેટ્સ તરફથી મળે છે. દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષનો દાવો કરતો હાલનો સત્તાપક્ષ પણ કંઈ તેની વિશાળ સભ્ય સંખ્યાના આર્થિકબળથી નહીં, ઉદ્યોગપતિઓના રાજકીય દાનથી લખલૂટ ખર્ચ કરે છે. આ બાબતમાં ડાબેરી પક્ષોને બાદ કરતાં કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી.
લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૨૯(બી)માં, રાજકીય પક્ષોને દાનની જોગવાઈ છે પણ રાજકીય પક્ષોને મળતાં દાન હંમેશાં વિવાદનો મુદ્દો બન્યાં છે. જે ઉદ્યોગગૃહો દાન કરે છે તે નિરપેક્ષ ગુપ્ત દાન તો કરતા નથી જ. એટલે રાજકીય ફંડફાળાની પારદર્શિતા અને જવાબદારીનો સવાલ ઊઠે છે. જાન્યુઆરી ૨૦૧૭માં દિલ્હીમાં મળેલા ભા.જ.પ.ના રાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાને રાજકીય પક્ષોને મળતા દાનની પારદર્શિતાની જિકર કરી હતી. તે પછી ૨૦૧૭-૧૮ના કેન્દ્રીય અંદાજપત્રમાં રાજકીય પક્ષોના દાન માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજનાની ઘોષણા કરવામાં આવી. ૨જી જાન્યુઆરી ૨૦૧૮થી અમલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની પારદર્શિતા સામે જ હવે સવાલ ઊઠ્યો છે અને ભર લોકસભા ચૂંટણી વચાળે દેશની સર્વોચ્ચ અદાલતે તેની કાયદેસરતા અને પારદર્શિતા ચકાસવાના આદેશ કર્યા છે.
એકાદ વરસથી અમલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનામાં રૂ. એક હજારથી એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ સ્ટેટ બેન્કની પસંદગીની ૨૯ શાખાઓમાંથી મેળવી શકાય છે. આ બોન્ડ બેરર ચેક ગણી શકાય તેવા છે. તેમાં બોન્ડ ખરીદનારે બેન્કમાં કેવાયસી કહેતાં પોતાના નામ ઠામની પૂરી વિગતો આપવાની હોય છે. સંપૂર્ણપણે બેંકિંગ પ્રણાલીને આધીન રહીને બોન્ડ ખરીદવાના હોય છે. જે રાજકીય પક્ષને બોન્ડ આપવામાં આવે તેણે ૧૫ દિવસની મર્યાદામાં આ બોન્ડ પોતાના બેન્ક ખાતામાં ભરી દેવાના હોય છે. જે વ્યક્તિ કે સંસ્થા આ બોન્ડ ખરીદે છે અને રાજકીય પક્ષને દાન કરે છે, તેણે પોતાના આવક જાવકના હિસાબોમાં તે દર્શાવવાના હોય છે. જો કે બોન્ડ ખરીદનારનાં નામો ગોપનીય રાખવાની જોગવાઈ છે. બહુ જ પારદર્શી અને ઉપરથી રૂપાળી લાગતી આ યોજના ભારે છેતરામણી છે, અને સત્તા પક્ષને જ લાભ કરી આપનારી છે.
એટલે નાણા ખરડા દ્વારા અને ચાર કાયદામાં સંશોધન કરીને લવાયેલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની બંધારણીયતાને એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોમન કોઝ અને સી.પી.આઈ.(એમ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજદારોની માંગણી તો ઇલેક્ટોરલ બોન્ડ પર સ્ટેની હતી, પણ સર્વોચ્ચ અદાલતે તમામ રાજકીય પક્ષોને તેમને ૧૫મી મે સુધી મળેલા ઇલેક્ટોરલ બોન્ડની નામ સહિતની વિગતો ચૂંટણી પંચને બંધ કવરમાં આપવાનો આદેશ કર્યો છે અને એક બંધારણી બેન્ચ ઇલેક્ટોરલ બોન્ડની બંધારણીયતા ચકાસવાની છે. ચૂંટણી પંચ પણ ઇલેક્ટોરલ બોન્ડમાં રખાતી ગોપનીયતાને સ્વીકારતી નથી અને તેણે અદાલત સમક્ષ આ બાબાત સ્પષ્ટ રીતે કહી છે. તો સરકાર વતી એટર્ની જનરલની બહુ વિચિત્ર દલીલ હતી કે મતદાર કહેતાં નાગરિકને તેના ઉમેદવાર અંગેની સઘળી વિગત જાણવાનો હક છે, પણ તેને ચૂંટણી લડવાનાં નાણાં કોણ આપે છે તે જાણવાનો હક નથી !
સરકાર શા માટે ઇલેક્ટોરલ બોન્ડથી રાજકીય પક્ષને દાન કરનારનાં નામો ખાનગી રાખવા માંગે છે તેનું એક કારણ એ છે કે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત વિગતો મુજબ માર્ચ ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન જે ૧,૪૦૭ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા, તેમાંથી ૯૯.૮ ટકા બોન્ડ રૂ. ૧૦ લાખ અને રૂ. ૧ કરોડ જેવી મોટી રકમોના હતા, અને તે પૈકીના ૯૫ ટકા ભા.જ.પ.ને મળ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી કમિશન સમક્ષ તેમની જે આવક દર્શાવે છે, તેમાંથી રાજકીય ફંડીગનો ૬૯ ટકા હિસ્સો અજ્ઞાત સ્ત્રોતોમાંથી આવ્યાનું જણાવે છે તેમ એ.ડી.આર.નો અહેવાલ કહે છે. લોકસભા ચૂંટણીના આ મહિનાઓમાં ઇલેક્ટોરલ બોન્ડ્સના વેચાણમાં ૬૦ ટકા જેટલો ધરખમ વધારો થયો છે. આ પરથી રાજકીય પક્ષો ખાસ કરીને સત્તા પક્ષ લોકસભા ચૂંટણીમાં રૂપિયાની જે રેલમછેલ કરી રહ્યો છે તેનાં કારણો સમજાય છે.
અગાઉ ૨૦,૦૦૦ રૂપિયાના રાજકીય દાનનો સ્ત્રોત ગુપ્ત રાખવાની જોગવાઈ હતી. ચૂંટણી પંચે તેની મર્યાદા રૂ. ૨,૦૦૦/- કરાવી છે. પરંતુ હવે તો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મસ્સમોટી રકમો આપનારનાં નામો જ ગુપ્ત રાખવામાં આવે છે. અને દાન કરનાર પર કોઈ પક્ષપાતના આક્ષેપો ન થાય તેવું બહાનુ આગળ ધરાય છે. ચૂંટણી ખર્ચની મર્યાદા વધારાઈ છે તો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચનો સમાવેશ થતો નથી. વળી રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચની કોઈ સીમા પણ બાંધવામાં આવી નથી. કોર્પોરેટર ફંડને છૂટ આપવામાં આવી છે તો વિદેશી ફંડને પણ મંજૂર રખાયું છે. ૧૯૭૬ પૂર્વેના કોઈ વિદેશી ફંડની તપાસ ન કરવાની પણ જોગવાઈ છે. કોર્પોરેટ ફંડની સીમા ખતમ કરી તેને ટેક્સમાં છૂટ આપી છે . આ બધાં કારણોને લીધે ચૂંટણીઓ વધુ ખર્ચાળ અને કાળાં નાણાંના ઉપયોગની બની છે.
જ્યાં સુધી રાજકીય ફંડનો સવાલ છે તમામ રાજકીય પક્ષો આ મુદ્દે ખોરી દાનત ધરાવે છે. ક્યારેક ઉમેદવારોને સંપૂર્ણ ચૂંટણી ખર્ચ સરકાર આપે તેવી પણ માંગણી થાય છે. તો પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશીની રાષ્ટ્રીય ચૂંટણી કોશની રચના કરી તેમાંથી રાજકીય પક્ષોને મળેલા મતોની ટકાવારી પ્રમાણે ફંડ આપવાની યોજનાની તરફેણ થાય છે. કૉન્ગ્રેસ તેના ચૂંટણી ઘોષણાપત્રમાં ઇલેક્ટોરલ બોન્ડ યોજના ખતમ કરવાનું વચન આપે અને ભા.જ.પ. મતદારના રાજકીય ફંડના સ્ત્રોત જાણવાના અધિકારનો જ ઈન્કાર કરે તેની વચ્ચે મુક્ત અને ન્યાયી ચૂંટણી મતદાર ઝંખે છે.
(તા.૦૮-૦૫-૨૦૧૯ના “સંદેશ” અખબારની ‘ચોતરફ’ કોલમમાં પ્રગટ)
e.mail : maheriyachandu@gmail.com
![]()


જગતના કરોડો મહેનતકશોના મુક્તિદાતા અને યુગપ્રવર્તક મહામાનવ કાર્લ માર્કસના જન્મને આ પાંચમી મેના રોજ બસોએક વરસ થશે. એક સમયે જેમના વિચારોના પ્રભાવ તળે સ્થપાયેલી રાજવ્યવસ્થા હેઠળ દુનિયાની અડધોઅડધ માનવ વસ્તી શ્વસતી હતી, તે કાર્લ માર્કસે, જિંદગીના ત્રણ દાયકા પણ પૂરા કર્યા નહોતા, ત્યારે વિખ્યાત ‘કમ્યુનિસ્ટ મેનિફેસ્ટૉ’ ઘડીને ખળભળાટ મચાવી મૂક્યો હતો.
પાંચ ચોપડી ભણેલા અને આધુનિક પંજાબી નવલકથાના જનક તરીકે ઓળખાતા નાનક સિંહ(૧૮૯૭-૧૯૭૧)ના લેખનની શરૂઆત શિખ ગુરુઓની સાખીઓના પુસ્તકથી થઈ હતી. ૧૯૬૨ના સાહિત્ય અકાદમી એવોર્ડથી પુરસ્કૃત આ લેખકે ૫૫ નવલકથાઓ, ૨ નાટકો અને ૪ કાવ્યસંગ્રહોનું સર્જન કર્યું હતું. આઝાદી આંદોલનમાં સક્રિય અને તે માટે જેલવાસ વેઠી ચૂકેલા આ લેખકના સર્જનનો પ્રમુખ ભાવ આઝાદીની ઝંખના, સામાજિક સુધારા અને સામાજિક નિસબત રહ્યા હતા. યુવાન નાનક સિંહે જલિયાંવાલાનો સંહાર નજરે જોયો અને ઝેલ્યો હતો. “ખૂની બૈસાખી” દીર્ઘ કવિતામાં તેમણે અંગ્રેજોની તીવ્ર આલોચના સાથે નજરે જોઈ દાસ્તાંન વર્ણવી હતી. સંહાર પછીની રાજકીય ઘટનાઓ અને અંગ્રેજ હકુમતની ટીકા સરકારે સહન ન કરી અને આ કાવ્ય સંગ્રહને પ્રતિબંધિત કર્યો. તેની હસ્તપ્રત પણ ગુમ થઈ ગઈ. નાનક સિંહના અવસાન પછી છેક ૧૯૮૦માં તે હાથ લાગી અને તેનું પ્રકાશન થઈ શક્યું. જલિયાંવાલાની શતાબ્દીએ નાનક સિંહના પૌત્ર અને યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત એવા નવદીપ સૂરી અનૂદિત “ખૂની બૈશાખી”નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે. જલિયાંવાલાનો આ સર્જક પ્રતિભાવ એ રીતે હવે વિશ્વમાં પ્રસર્યો છે.
અસ્પૃશ્ય દલિત કુંટુંબમાં જન્મેલા ઉધમ સિંહ (૧૮૯૯-૧૯૪૦) જલિયાંવાલા કાંડ વખતે ૧૯ વરસના હતા. નરસંહાર પછી ઠેર ઠેર લાશો અને આક્રંદ જોઈ હલબલી ગયેલા ઉધમ સિંહની નજરે પતિના શબ પાસે બેઠેલાં અને તેને કૂતરાંથી બચાવવા મથતાં રતનદેવી પડ્યાં હતાં. એ ક્ષણે જ ઉધમ સિંહે જલિયાંવાલાનો બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો. નાનપણમાં જ માતાપિતા અને ભાઈ ગુમાવી ચુકેલા ઉધમ સિંહે રતન દેવીને ધર્મનાં બહેન માન્યા હતાં. અનાથાલયમાં ઉછરીને મોટા થયેલા અને પછી સ્વરોજગાર થકી જીવન ટકાવી રહેલા યુવાન ઉધમ સિંહ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. ભગત સિંહના તેઓ સિનિયર હતા અને બંને સાથે મળી બદલો લેવાના આયોજનો કરતા હતા. હંટર કમિશને દોષિત ઠેરવેલા જલિયાંવાલાના ડાયર સહિતના હત્યારાઓને સરકારે પાણીચું આપી દેતાં તેઓ બ્રિટન ચાલ્યા ગયા હતા. એટલે ઉધમ સિંહનું કામ મુશ્કેલ બન્યું હતું.