
ચંદુ મહેરિયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વરસના આરંભ પૂર્વે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બૌદ્ધિક વિમર્શ બેઠક યોજાઈ હતી. તેમાં સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર, સ્મશાન અને પાણીની બાબતમાં હિંદુઓ વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ. અર્થાત હિંદુઓ મંદિર, સ્મશાન અને પીવાનાં પાણીમાં દલિતો સાથે કોઈ આભડછેટ પાળતા હોવા જોઈએ નહીં. સ્વતંત્રતાના પંચોતેર વરસ પછી અને હિંદુઓના સર્વોચ્ચ સાંસ્કૃતિક સંગઠન આર.એસ.એસ.ની સ્થાપનાના શતાબ્દી વરસે પણ હજુ દલિતો માટે અલગ સ્મશાનો છે, પીવાનાં પાણી અને મંદિરોમાં ભેદભાવ પળાય છે તેની આ સ્વીકૃતિ છે.
દલિતોમાં દલિત કહો કે મહા દલિત એવા ડોમ(દલિતોની એક પેટા જ્ઞાતિ)ની આમ તો દેશના પંદરેક રાજ્યોમાં વસ્તી છે. ભારતની જડ જ્ઞાતિ પ્રથાએ અન્ય દલિતોની જેમ તેમના માથે પણ કેટલાંક કામો થોપ્યા છે. એટલે ઢોલ વગાડવા, સફાઈ કરવી, ઝાડુ-ટોપલા-ટોપલી અને વાંસની જુદી જુદી ચીજો બનાવવી અને વેચવી જેવાં કામો તો એ કરે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મોક્ષ નગરી વારાણસીના ડોમ મૃતદેહના અગ્નિ સંસ્કારનું કામ કરે છે. શિવજીના શાપરૂપી વરદાનથી બંધાયેલા વારાણસીના ડોમ વિશે કહેવાય છે કે જો ડોમના લાકડાની ચેહ અને તેના હસ્તે મુખાગ્નિનો અગ્નિ મળે તો મૃતકને મોક્ષ મળે છે. આ હિંદુ માન્યતા અને પરંપરા નિભાવતા ડોમ મસાણ અને મોક્ષની મોકાણ વચ્ચે જિંદગી બસર કરે છે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૪.૧૩ કરોડ દલિતો છે. જે રાજ્યની કુલ વસ્તીના ૨૦.૭ ટકા છે. યુ.પી.ની દલિત વસ્તીમાં ડોમ ૦.૩ ટકા (૧,૧૦,૩૫૩) જ છે. તેમાં વારાણસીમાં તો માત્ર ૪,૦૦૦ જ ડોમ છે. વારાણસીમાં ગંગાના છ થી આઠ કિલોમીટરના કિનારે લગભગ ૮૮ ઘાટ છે. તેમાં એક નવો નમો ઘાટ પણ છે. પરંતુ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર એ બે ઘાટ પર શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ડોમ અહીં શબના અંતિમ સંસ્કારની તમામ કામગીરી બજાવે છે. ડોમ રાજા કહેવાતા ડોમ આગેવાન મૃતકનાં સગાંને ચેહના લાકડા વેચે છે અને અગ્નિદાહની અગ્નિ આપે છે. એટલે ડોમ રાજાની અગ્નિ અને મણિકાર્ણિકા ઘાટ મૃતકને મોક્ષ પ્રદાન કરે છે તેવી માન્યતા પ્રવર્તે છે.
ડોમનું શબ દહનનું કામ આસાન નથી. ગંગાના સ્મશાન ઘાટે બારે મહિના, ચોવીસે કલાક અને બધી જ ઋતુઓમાં શબ દહનનું કામ ચાલતું રહે છે. વારાણસીના અઢી હજાર ડોમ પુરુષો વારાફરતી આ કામ કરે છે. મૃતદેહ આવે ત્યારે તેના માટે ઘાટ પરના ચબૂતરા પર ચેહ તૈયાર કરવાથી માંડીને તે બળીને ખાખ ન થઈ જાય ત્યાં સુધી તેમાં અગ્નિ પેટાવતા રહેવું પડે છે. કોઈ પણ મોસમમાં અગ્નિ સન્મુખ રહ્યા કરવું બહુ મુશ્કેલ છે. આ કામ માટે તેમને બહુ મોટી રકમ મળતી નથી. એક અગ્નિ સંસ્કારના અઢીસો રૂપિયા મળે છે. કહેવાય છે કે રોજની ૮૦ થી ૧૦૦ અને વરસે ૩૦,૦૦૦ લાશોના દાહસંસ્કાર અહીં થાય છે પરંતુ કોઈ એક વ્યક્તિને જ આ બધી રકમ મળતી નથી. ઘણાં ડોમ પરિવાર તેના પર નભે છે.
પ્રાચીન નગરીનું ગૌરવ ધરાવતી કાશી, વારાણસી કે બનારસ વિશે તો ઘણું લખાયું છે, પરંતુ તેના ડોમ વિશે ખાસ કશું લખાયું નથી. એ મહેણું પત્રકાર રાધિકા અયંગરના દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પુસ્તક ‘ફાયર ઓન ધ ગંગાજ : લાઈફ અમંગ ધ ડેડ ઈન બનારસે’ (Fire on the Ganges : Life Among the Dead in Banaras) ભાંગ્યું છે. સતત આઠ વરસોની મહેનત પછી લખાયેલા આ પુસ્તકે ડોમના રોજિંદા જીવનની વાસ્તવિકતાને સમાજ સમક્ષ ઉજાગર કરી છે. આ પુસ્તકમાં ડોમના જીવનની દયનીય સ્થિતિ, જટિલ વાસ્તવિકતાઓ અને મહિલા તથા બાળકોની હાલતને જરા ય જજમેન્ટલ બન્યા વિના લેખિકાએ આલેખી છે. કથિત ઉચ્ચ જ્ઞાતિઓના સામાજિક માપદંડોને ફગાવીને શિક્ષણ, કૌશલ્ય અને વૈકલ્પિક ધંધા-રોજગારના માધ્યમે નવો માર્ગ પસંદ કરેલ વ્યક્તિઓ (ભોલા, કોમલ, ડોલી અને લક્ષ્ય)ના સંઘર્ષો અને આકાંક્ષાઓનું ચિત્રણ લેખિકાએ કર્યું છે.
સોળ હિંદુ સંસ્કારોમાંના અંતિમ સોળમા સંસ્કારમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અને એટલે પૂજનીય હોવા જોઈતા ડોમ કેવા ઉપેક્ષિત છે તે બનારસની આધ્યાત્મિક ભવ્યતાના આલેખન છતાં ઓઝલ રહી શકતું નથી. હિંદુ મૃતકના મુક્તિદાતા ડોમ ખુદ અનેક જંજીરોથી જકડાયેલા છે. આભડછેટ, ગરીબી, નિરક્ષરતા, વૈકલ્પિક રોજીનો અભાવ અને સતત આગની વચ્ચે રહેવું જાણે કે તેમની નિયતિ બની ગઈ છે. તેમનાં બાળકો પણ આ જ વાતાવરણમાં જીવે છે. મહિલાઓ ઘરનો ચૂલો ફૂંકે છે. બાળકો ઘાટ પર શબ પરથી ઉતરેલા કફન ભેગા કરી મૂળ દુકાનદારોને ઓછા દામે વેચી આવે છે. ઘણા ડોમના ઘરનો ચૂલો સવાર સાંજ ઘાટ પરના અડધા બળેલા લાકડાથી સળગે છે. ક્યારેક આ લાકડા પર લાશના માંસના લોચા પણ ચોંટેલા હોય છે. ‘મણિકર્ણિકા ઘાટ, વારાણસી: એ લેન્ડસ્કેપ ઓફ ડેથ’માં અમિતા સિન્હાના જણાવ્યા મુજબ એક શબના અંતિમ સંસ્કારથી ૨.૭ કિલો રાખ નીકળે છે. ઘણા ડોમ આ રાખને કાણાવાળા વાસણથી ગાળે છે, ખંગાળે છે. એવી આશાએ કે કદાચ તે રાખમાંથી મૃતદેહ પરનું કોઈ કિંમતી ઘરેણું મળી જાય!
શિવનગરી વારાણસીના ડોમની વાસ્તવિકતા દિલને ઝકઝોરી નાંખે તેવી છે. ટાઢ, તડકો કે વરસાદ તો તે વેઠે છે, પરંતુ હંમેશાં મૃત્યુની સમીપે રહેવાનું હોઈ તે જીવનના સુખને દારુ કે ગાંજાના વ્યસનથી માણે છે. ડોમ બાળકો શિક્ષણથી મુક્ત જ રહે છે. જે થોડા ભણવા જાય છે તેમને શાળામાં અલગ નહીં તો આઘા બેસાડાય છે. દલિતો, ગરીબો, આદિવાસીઓ, શ્રમિકોના સંતાનોના ભણતર સામે શોષકો સવાલ કરે છે કે જો તે ભણશે તો અમારાં વૈતરાં કોણ કરશે? મરેલાં ઢોર કોણ ખેંચશે? ખેતી કોણ કરશે? તેમ બનારસના ડોમ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માંગતા વિદેશીને સંભળાવાય છે કે તો પછી અમારા શબ કોણ સળગાવશે? બિનદલિતોનું આ વલણ તો જાણે સમજ્યા. દલિત ચિંતક તુલસી રામ તેમની આત્મકથા “મણિકર્ણિકા”ના પહેલા જ પૃષ્ઠ પર લખે છે, “મણિકર્ણિકા ઘાટ પર સદિયોંસે જલતી ચિતાએં કભી નહીં બુઝીં. અત: મૃત્યુ કા કારોબાર યહાં ચૌબીસોં ઘંટે ચલતા રહતા હૈ. સહી અર્થો મેં મૃત્યુ બનારસ કા બહુત બડા ઉદ્યોગ હૈ. અનગિનત પંડો કી જીવિકા મૃત્યુ પર આધારિત હૈ. સબસે જ્યાદા કમાઈ ઉસ ડોમ પરિવાર કી હોતી હૈ, જિસસે હર મુર્દા માલિક ચિતા સજાને કે લિએ લકડી ખરીદતા હૈ” (પૃષ્ઠ-૯)
વારાણસીના ડોમને પણ આ કામ કોઠે પડી ગયું છે. શિવનું વરદાન તેમને મળેલું છે અને તેથી તેઓ મોક્ષદાતા છે તેવા ગુમાનમાં કે ભગવાને સોંપેલી ફરજ કંઈ થોડી છોડાય તેવી માન્યતાવશ તેઓ બીજું કશું વિચારતા નથી. મણિકર્ણિકા ઘાટ પર પણ કામની વહેંચણીના નામે ઉચ્ચનીચ જેવી વ્યવસ્થા છે. સૌથી ઉપર ડોમ રાજા, પછી તેના નાયબો અને છેલ્લે લાશો સળગાવનારા છે. એટલે આ કામમાં જે સૌથી મુશ્કેલ કામ કરે છે તે સૌથી વધુ ગરીબ અને ઉપેક્ષિત ડોમ છે.
પરંતુ પરિવર્તનના સંસારના નિયમથી ડોમ પણ અછૂતા રહી શક્યા નથી. મુખ્યત્વે પુરુષપ્રધાન આ કામમાં જમુનાદેવી જેવાં વિધવા ડોમ મહિલાએ ઝંપલાવ્યું છે. રાધિકા અયંગરે લખ્યું છે તેમ વારાણસીના એક ડોમ યુવાને આ કામને તિલાંજલી આપીને શહેરમાં સરકારી નોકરી શોધી છે. તે તેની ત્રણ ભત્રીજીઓને સાથે ભણાવવા લઈ ગયો છે તે આવતીકાલની ઉજળી આશાની એંધાણી છે. ડોમ રાજા જગદીશ ચૌધરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા ચૂંટણીના પ્રસ્તાવક બનાવ્યા કે તેમને મરણોપરાંત પદમશ્રીથી નવાજ્યા તેનું પ્રતીકાત્મક તો પ્રતીકાત્મક, ઘણું મૂલ્ય છે. આવા નાના-મોટા ફેરફારો ડોમનું દળદર ફેડે અને સઘળા હિંદુઓ માટે પાણી, મંદિર અને સ્મશાનના ભેદ ન હોવા જોઈએ તેવી સંઘ સુપ્રીમોની અરજ આહ્વવાન બને તો કેવું સારું.
e.mail : maheriyachandu@gmail.com