પછી હું એવી જગ્યાઓએ ગઈ, જ્યાં પહેલાં ક્યારે ય નહોતી ગઈ
એવા લોકોને મળી, જેમને પહેલાં ક્યારે ય નહોતી મળી
ને મારું ઘર, આશરો, મારી મૂળસોતી મોકળાશ મળી
ઘણા સમયથી મનમાં અનેક પ્રકારના ડર અને અસલામતી ઘર કરી ગયેલાં. એકલાં ફરવાનો ડર, ટ્રેનમાં મુસાફરી કરવાનો ડર, અજાણ્યા લોકો સાથે વાત કરવામાં થતી અસુવિધા, ભીડમાં અનુભવાતી અસલામતી, સ્ત્રી હોવાના લીધે બાળપણથી શિખવાડવામાં આવેલા ડર અને એવું ઘણું બધું. વિવિધ પ્રકારના ભયથી હું કંટાળી હતી. એક કોચલું બનાવી દીધું હતું એમણે મારી આસપાસ અને હું એમાં ગૂંગળાયા કરતી. મારે એનાથી છૂટવું તો હતું. એ સાંકળોમાં ય મને સલામતી તો નહોતી જ અનુભવાતી, બલકે હું વધુ ને વધુ સંકોચાતી જતી હતી. મનમાં વિચાર તો લાંબા સમયથી આકાર લેતો હતો કે ક્યાંક જવું છે, પણ કોઈને સાથે લઈને નહીં, એકલા જ અને બને તેટલું દૂર.
અમદાવાદથી કોલકાતા જવા મધરાતે હાવરા એક્સપ્રેસમાં બેઠી ત્યારે ટ્રેનના એન્જિનની સાથે મારા ધબકારાય તાલ મિલાવતા હતા.
પગ, હાથ, આંખો રખડેલ
બીજાં અંગો ય એમની શેહે રખડેલ
નીકળી પડે પૂછ્યા વિના, દરકાર કેવી!
અને લોકોની નજરે હું ઠરતી રખડેલ
ઇચ્છાઓની લગામ ખોવાઈ
રાત-વરત વહેતાં આંસુ ય રખડેલ
તરંગોના વહેણમાં વહ્યાં જાય
સપનાં, લાગણીઓ તો હતાં જ રખડેલ
કોઈ બંધન માનતું નથી સાલું
સૌથી વધુ તો મારું મન રખડેલ
ધરી શોધવાની આ રખડપટ્ટી બધી
પણ હું ય જાણું, મૂળે તો મારો જીવ જ રખડેલ.
મારી રખડપટ્ટીની શરૂઆત તો ટ્રેનમાં બેસતાં જ થઈ ગઈ. રાતની ભીની ઠંડક અને નિરાંતમાં વધારે સ્પષ્ટ રીતે સંભળાતા ફફડાટને મારા બાળપણ જેવી તોત્તોચાને બહુ સલૂકાઈથી પંપાળીને શાંત પાડ્યો. સવારે મહારાષ્ટ્રનાં ખુલ્લાં મેદાનો, ટેકરીઓ અને હરિયાળીથી મનના દરવાજા ઊઘડવાના ચાલુ થયા. બીજા દિવસની સાંજે કોચના દરવાજે ઊભેલા એક ૨૦-૨૨ વર્ષના યુવાન, શુભ્રો સાથે વાત શરૂ કરી. અહીંથી જ સાવ અજાણી વ્યક્તિ સાથે વાત કરવાનો ડર વિખેરાવાની શરૂઆત થઈ. બંગાળી શુભ્રોએ બીજા દિવસની બપોર સુધીમાં તો મને એના પ્રદેશની સંસ્કૃિત, સુંદર સ્થળો, અર્થકારણ, રાજકારણ વિશેની ઘણી બધી માહિતી ખૂબ રસ લઈને આપી. મને એ વાતની ખૂબ નવાઈ લાગી કે આટલી નાની વયે પણ કોઈને આટલા બધા વિષયોમાં આટલી રુચિ અને જાણકારી હોઈ શકે. વાતવાતમાં મેં એને સ્ટુપિડલી પૂછી પણ લીધું કે ‘શું બંગાળમાં બધા છોકરાઓ તારા જેવા જ ઇન્ટેલિજન્ટ હોય છે?’
કોલકાતામાં પ્રવેશ
હું ઘરેથી નીકળી ત્યારે ફક્ત (કોલકાતા) જવાની ટિકિટ કરાવી હતી. શરૂઆતના ૨-૩ દિવસને બાદ કરતાં બંગાળમાં ક્યાં કેટલા દિવસ રહીશ એની કોઈ જ ગણતરી નહોતી માંડી. એક નાનકડી શંકા એ પણ હતી કે જો કદાચ ના ફાવે એવી જગ્યા અને લોકો હોય તો! અથવા કોઈ અણબનાવ બને તો! અને સાથે એવો ય ઉત્સાહ ખરો કે ગમી જાય અને વધારે દિવસ રહેવું હોય તો ટિકિટ કૅન્સલ કરાવવાની માથાકૂટ નહીં. રોકાણના સમયગાળાની અનિશ્ચિતતાને લીધે સામાન વધારે લીધો હતો. સામાન સાથે ટ્રેનમાંથી ઊતરતાં જ પ્લૅટફાૅર્મની ભીડ જોઈને પરસેવો વળી ગયો. મને સામાન્ય લગ્નપ્રસંગની ભીડ પણ અકળાવી નાંખતી હોય છે, ત્યાં આ તો હાવરા સ્ટેશનનો માનવમહેરામણ. પણ મારી ગભરામણ છતી ના થાય એ જરૂરી હતું, એટલે જાણે આ પહેલાં પંદર વાર અહીં આવી ચૂકી હોઉં એવા ભાવ ચહેરા પર પહેરી એક્ઝિટ તરફ ચાલવા માંડ્યું. ટૅક્સીસ્ટૅન્ડ સુધી પહોંચતાં સુધીમાં ભીડ અકળાવનારો નહીં, પણ કુતૂહલતાથી નીરખવાનો વિષય બની ગઈ.
કોલકાતામાં હું એક રાત રોકાવાની હતી, નંદાજીના ઘરે. એમને પહેલી વાર જ મળતી હતી, બલકે એમના નામ અને ઉંમરના અછડતા અંદાજ સિવાય એમની ભાગ્યે જ કોઈ વિગત મારી પાસે હતી. એડ્રેસ મારી પાસે હતું. ટૅક્સીમાં બેસીને સ્ટેશનથી નીકળી. હાવરા બ્રિજ પરથી પસાર થતાં કલકત્તા આવી પહોંચ્યાની ખુશીની સાથે સાથે આશ્ચર્ય અને મૂંઝવણની માછલીઓ મારા પેટમાં સળવળાટ કરતી હતી. અબુધ બાળકની જેમ ચોતરફ ડાફોળિયાં મારતી મારી આંખો અને સતત ૧૮૦ અંશના ખૂણે ઘૂમતી ડોક જોઈને કદાચ ટૅક્સીડ્રાઇવરને તેની ટૅક્સી સીધી દવાખાને હંકારી જવાનું મન થયું હશે, પણ ટૅક્સી પ્રીપેઇડ હોવાના લીધે તે એમ કરી નહીં શક્યો હોય. થોડીક તકલીફ પછી જ્યાં પહોંચવાનું હતું એ અૅડ્રેસ મળી ગયું.
ટૅક્સીમાંથી ઊતરી ત્યાં ૫૦-૫૫ વર્ષનાં, લગભગ ભારતીય ના લાગે એવાં એક મહિલા મારી રાહ જોઈ રહેલાં દેખાયાં, તે નંદાજી. ટૂંકા વાળ, એકદમ ફિટ બાૅડી, ભૂરી આંખો અને ચહેરા પર ગ્રેસફુલ ચમક. બહુ જ માનથી એ મને એમના ઍપાર્ટમૅન્ટમાં લઈ ગયાં. રાત્રે એમણે પોતાના વિશે જણાવતાં (બહુ જ નમ્રતાથી) કહ્યું કે એ લંડનની કોઈ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સનાં પ્રોફેસર રહી ચૂકેલાં. અત્યારે રિટાયરમેન્ટ પછી ઘણું બધું વાંચે છે અને લખે પણ છે. દર વર્ષે એ ૩ થી ૪ મહિના ભારતમાં ગાળતાં. એક જાજરમાન બંગાળી મહિલા કેવાં હોય એનો મને અંદાજ આવ્યો. બહુ જ સ્પષ્ટ વિચારો, પ્રબળ નારીવાદી, આત્મનિર્ભર અને ખૂબ બુદ્ધિમાન. પાછળથી ખબર પડી કે એ સાઠ વર્ષથી પણ વધુ ઉંમરનાં હતાં. પોતાના વિષય પર તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. એમની વાતો અને રહેણીકરણી ખાસ્સી બ્રિટિશ, પણ હૂંફ બિલકુલ ભારતીય. એમણે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું અને એટલું જ નહીં, બહુ પ્રેમથી બંગાળી ભોજન જમાડ્યું પણ. બીજા દિવસે બપોરે આઝિમગંજ જવા નીકળી ત્યાં સુધીમાં તેમની સાથે માયા બંધાઈ ગયેલી.
આઝિમગંજ
લગભગ પોણા પાંચ કલાકની ટ્રેનની સફર કરી આઝિમગંજ પહોંચી ત્યારે અંધારું થઈ ગયું હતું. આશ્રમ સુધી પહોંચવા ટ્રેનના પાટા ઓળંગી, ગીચ ઝાડીવાળા નાનકડા રસ્તા પર દસ મિનિટ જેવું ચાલી હોઈશ. ધૂળિયા રસ્તાની લાંબી ટનલ પછી અચાનક નાનું બૅડમિન્ટનનું મેદાન દેખાયું અને એને અડીને જ આશ્રમ પણ. એકદમ આછા અજવાળામાં ત્રણ કુટિર, એક બેઠા ઘાટનું મકાન અને આ બધાની વચ્ચે નાની ખુલ્લી જગ્યામાં બેઠેલા થોડા લોકો દેખાયા. મને આવતી જોઈને સફેદ લુંગી, ઝભ્ભો અને મફલર પહેરેલા એક ભાઈ ખુરશીમાંથી ઊઠીને મારી તરફ આવવા લાગ્યા. થોડાક નજીક આવ્યા પછી જોયદીપદાનો ચહેરો દેખાયો ને પાસે આવતાં જ હું એમને ભેટી પડી. એવું લાગ્યું કે જાણે બહુ વરસો પછી કોઈ નજીકના સ્વજનને મળી હોઉં.
જોયદીપદા
જોયદીપદાનું પૂરું નામ જોયદીપ ભટ્ટાચાર્ય. એક સમયે કલકત્તાની અર્થપૂર્ણ નાટ્યભૂમિમાં એ અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે ખાસ્સા સક્રિય. ઘણાં વર્ષો કાૅર્પોરેટ જાૅબ અને નાટકો જેવી વિરોધાભાસી પ્રવૃત્તિઓ કર્યા પછી એમણે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે લખેલી, હૃદયના તાર ઝંઝોડી નાખે એવી ઘણી સ્ક્રિપ્ટોમાંની એક સ્ક્રિપ્ટ ‘હર નેમ ઇઝ ભારતી’ વાંચીને એના લેખકથી હું ખૂબ પ્રભાવિત થઈ. એ પછી ફેસબુક દ્વારા એમનો સંપર્ક થયો. લગભગ ચાર-પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જીવનને લગતા પ્રશ્નો અને લાગણીઓનાં દ્વંદ્વ વિશે એમની સાથે ઘણી ચર્ચાઓ થઈ. એ સમય મારા માટે સંબંધો અને ભવિષ્યની અનિશ્ચિતતાના કારણે કપરો હતો, જેમાં તેમણે વ્યવહારુ છતાં સૈદ્ધાંતિક રીતે સ્પષ્ટ વિચારોથી (અને કોઈ પણ ટિપિકલ બાબા પ્રકારના ઉપદેશો વિના) મારા મનની ઘણી ગૂંચ ઉકેલવામાં સરળતા કરી આપી હતી. એ દરમ્યાન તેમણે મને આઝિમગંજ, એમના આશ્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું.
હું અચકાઈ, કારણ કે સોશિયલ ફોરમ પર વાતો કરવી એક વાત છે અને એ વાતોના તાંતણે, આવી રીતે આટલે દૂર કોઈને મળવા જવું એ બીજી વાત છે. નજીકના મિત્ર આશિષ કક્કડ જોયદીપદાને સારી રીતે ઓળખે, બલકે એક રીતે એમનો પરિચય મને આશિષ દ્વારા જ થયેલો. આશિષે મને સહજતાથી કોઈ પણ અંગત અભિપ્રાય વિના જોયદીપદા વિશે થોડી જાણકારી આપી, જેથી હું સ્વતંત્રપણે નિર્ણય લઇ શકું. નિર્ણયપ્રક્રિયાને એકાદ મહિના જેવી ટાળ્યા પછી ટ્રાન્સલેશન અને રિસર્ચના કામમાં બિલકુલ નવરાશનો અવકાશ આવ્યો. એટલે ફરી પાછો ફરવા જવાનો મનનો ટકટકાટ ચાલુ થયો. છેવટે ટિકિટ બૂક કરાવી દીધી અને ૨૬ જાન્યુઆરીએ પહોંચી જોયદીપદાના આશ્રમ ‘મારમીઆ’માં.
મારમીઆ
મારમીઆને આશ્રમ કહેવા કરતાં ‘સ્પિરિચ્યુઅલ ઍન્ડ કલ્ચરલ હોમ’ કહેવાનું હું વધુ પસંદ કરીશ, કારણ કે ત્યાં મને ધર્મ અને પરંપરાના પ્રભાવ કરતાં માણસાઈ અને સંસ્કૃિતની અસર વધુ લાગી. નિયમો જરૂર પડ્યે તોડી કે બદલી શકાય એવી સમજણ સાથે જ બનાવાતા. હું જોઈ શકી કે મહત્ત્વ જગ્યા કે એની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનું નહીં, પણ ત્યાં રહેતી અને મુલાકાત લેતી વ્યક્તિઓના આંતરિક વિકાસ અને આનંદનું હતું. આ વાત એના નામમાં જ ઝિલાતી હતી. મારમીઆ શબ્દ બંગાળી સંગીતના સૂફી પ્રકાર ‘બાઉલ’નો છે. મરમ એટલે હૃદય અને મારમીઆ એટલે હૃદયથી ચાહનાર, પ્રેમી. એવો આશ્રમ મેં પહેલી વાર જોયો જ્યાં દરેક ધર્મ, જ્ઞાતિ, દેશ અને માન્યતાના લોકોને એક સરખો આવકાર હતો; જ્યાં ભગવાનને ભજવાની નહીં પરંતુ પ્રકૃતિનો આદર કરવાની અપેક્ષા રખાતી; જ્યાં રોજિંદી ક્રિયાઓમાંથી જ સાધના શોધાતી; જ્યાંની લાઇબ્રેરીમાં ધર્મનાં નહીં, દુનિયાભરના વિખ્યાત લેખકો, વાર્તાકારો અને વિજ્ઞાનીઓનાં પુસ્તકો વાંચવા મળતાં.; જ્યાં દરેક વ્યક્તિ ‘મારમિયન’ હતી, આશ્રમની સભ્ય કે દાતા નહીં.
મારમીઆ પહોંચી ત્યારે ત્યાં ફક્ત પાંચ લોકો હતા. જોયદીપદા અને મારા સિવાય, આરતીમા, મામા અને રાજુ. આરતીમા આશ્રમની દૈનિક સારસંભાળ લેતાં અને દરેક ઘરમાં જેમ એક વ્યક્તિ જરૂરી શિસ્ત સચવાય એનું ધ્યાન રાખતી હોય, એમ તે પણ બહુ સહજતાથી, બંધન ના અનુભવાય એવી રીતે મારમીઆને એકસૂત્રે બાંધી રાખતાં. પંચાવનની ઉંમર, કસાયેલું એકવડિયું શરીર, સૌમ્ય ચહેરો. મને બંગાળી ભોજનનો સ્વાદ દાઢે વળગાડનાર પણ એ જ. દરરોજ દિવસમાં ત્રણ વાર અમને બધાને પ્રેમથી જમાડતાં અને બાંગલા, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય ભાષાઓનું મિશ્રણ કરીને મારી સાથે વાતો કરતાં. એમણે લગ્ન નહીં કરેલાં, પણ જે રીતે એ સહુની કાળજી લેતાં એ જોતાં અમે સહુ એમનાં બાળકો જ હતાં.
દેબાશિષ મુખરજીને એમ તો બધાં જ મામા કહીને બોલાવતાં, પણ મૂળ એ જોયદીપદાના મામા થાય. ઉંમર સાઠમાં બે-ત્રણ વર્ષ ઓછાં હશે, પણ મિજાજ અને ઍનર્જીથી યંગસ્ટર. યુવાનીથી જ અમેરિકામાં સ્થાયી થયેલા અને નોકરી અર્થે યુરોપ અને દક્ષિણ અમેરિકાના લગભગ ૬ દેશોમાં રહી ચૂકેલા. થોડાં વર્ષો પહેલાં રિટાયર થયા પછી વિવિધ યુનિવર્સિટીઝમાં લેક્ચર્સ લે છે અને વિશ્વભ્રમણ કરવાની સાથે સાથે વાર્તાઓ લખે છે.
રાજુની હાજરી વિના મારમીઆ સૂનું પડી જાય. વહાલથી અમને ચાટે અને એનું માથું અમારા પગ સાથે ઘસે. માછલી ખાવામાં એ ઍક્સપર્ટ. શરૂઆતમાં મને માછલીના કાંટા અલગ પાડી ખાવામાં ખૂબ જહેમત પડે. એ શીખવા માટે જોયદીપદાએ મને રાજુનું નિરીક્ષણ કરવાની સલાહ આપી હતી, પણ તે આખી પ્રક્રિયા એટલી ઝડપથી કરતો કે હું કંઈ જોઈ શકું એ પહેલાં જ તેની થાળી સફાચટ હોય. એને હું શ્વાન તો હું નહીં જ કહું.
આઝિમગંજ અને આસપાસના વિસ્તારમાંથી દરરોજ અને પ્રસંગોપાત્ત આવતા લોકો પણ મારમીઆનાં અવિભાજ્ય અંગ. ઉમેશ, બોનાની, સનત, પિન્ટુ, સોમનાથ, સુખદેવ, શ્રેયશી, મૌલીદી, શિવલીદી, સંચિતા અને આ બધાનાં પરિવારજનો તથા મારા બેચલર બંગાળી ટીચર બાપ્પા. સુખેન માટે તો એવું કહેવાય કે એણે બજારમાંથી ફક્ત મીઠું જ ખરીદવું પડે છે, બાકી બધું જ એના ખેતર અને બાડી (ઘર)માં ઊગે/ઊછરે; ઉષામા, જે આશ્રમના કામમાં આરતીમાને મદદ કરતાં, એમનું ઘર જોઈને મને એ વાત ગળે ઊતરી પણ ગઈ.
બંગાળના એ ભાગમાં લગભગ દરેક ગ્રામીણ ઘરનું અથવા ફળિયાનું પોતાનું એક નાનકડું તળાવ હોય, જેમાં તેઓ માછલીઓ પણ ઉછેરે. આસપાસની જગ્યામાં અચૂક કેળાં અને ખજૂરનાં વૃક્ષો હોય. એ સિવાય શાકભાજી અને રામફળ પણ ખરાં. બંગાળની બીજી એક ખાસિયત એ કે લગભગ દરેક વ્યક્તિ કળા અને સાહિત્ય સાથે જોડાયેલી હોય. લગભગ દરેકને સંગીતની બેઝિક સમજ તો હોય જ અને બાઉલ, રવીન્દ્ર સંગીત કે શાસ્ત્રીય સંગીત ગાતાં પણ હોય. હિન્દી ફિલ્મોનાં ગીતો સિવાય એમની પાસે સંગીતનો બીજો ઘણો વારસો છે, જે તેઓ સાચવી જાણે છે. ઉપરાંત, ઘણા બધા લોકોને ચિત્ર, શિલ્પકળા, લેખન આવું બધું પણ કંઈકનું કંઈક આવડતું હોય અને વાચન તો રોજિંદા જીવનમાં વણાઈ ગયેલી પ્રવૃત્તિ. ત્યાં લગભગ દરેક વ્યક્તિ જે રીતે પુસ્તકો અને ગીતોની ચર્ચા કરતી હોય એ સાંભળીને મને શરમ આવે. ગુજરાતમાં કળા અને સાહિત્ય એટલે જાણે નવરા લોકોનો ધંધો.
શરૂઆતના ત્રણ-ચાર દિવસ મને બંગાળી ભાષામાં કશી સમજ ના પડે, ગોથાં ખાઉં. પણ પછી ધ્યાનથી સાંભળ્યા પછી, શુદ્ધ હિન્દી/સંસ્કૃત અને ગુજરાતીને મળતા આવતા શબ્દો સંભળાવાના ચાલુ થયા. ધીમે ધીમે એ ભાષા મોટા ભાગે સમજાવા પણ લાગી. જો કે કોઈ બહુ ઝડપથી બોલે તો અઘરું પડે. રાત પડતાં સુધીમાં મગજ બંગાળી શબ્દો ઉકેલી ઉકેલીને એવું થાક્યું હોય કે બીજા બધા લાઇબ્રેરીમાં રાખેલા ટીવીમાં દેશ-વિદેશની ક્લાસિક ફિલ્મો જોતા હોય અને હું નસકોરાં બોલાવતી હોઉં.
ગંગા
મારમીઆથી પાછળની બાજુ નીકળીએ એટલે ગામનાં અમુક ઘર આવે. મોટે ભાગે દહાડિયા અથવા મજૂરવર્ગનાં ઘર. રસ્તામાં આવતા દરેક ખજૂરના ઝાડના થડમાં કાપો કરી, માટલું લટકાવ્યું હોય. સવારે નીરો અને સાંજે તાડી. ત્રિભેટેથી જમણી બાજુ વળતાં એક બહુ જૂનું મંદિર અને કાલભૈરવનું મસ્તક દેખાય. ડાબા હાથે થોડીક કબરો, હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રોવાળી. એ વૈષ્ણવોનું કબ્રસ્તાન હતું. મુસ્લિમ રાજાઓના હુમલા દરમ્યાન જે હિન્દુઓએ ધર્મપરિવર્તન કર્યું હતું, એ લોકો થોડા સમય પછી વૈષ્ણવ ધર્મ પાળતા થયા, પણ અમુક રિવાજો મુસ્લિમ રહી ગયેલા. તેમાંનો એક દફનાવવાનો રિવાજ. કબ્રસ્તાન પૂરું થતાં જ સામે દેખાય, આસપાસના વાતાવરણને જીવંતતા આપતી, શાંત પ્રવાહે વહેતી ગંગા.
બંગાળની વાર્તાઓ, સંગીત, ભોજન, સંસ્કૃિત અને જીવનના લગભગ દરેક પાસા પર ગંગાનો પ્રભાવ અનુભવાય. ગંગાના એક કિનારે આઝિમગંજ તો બીજાં કાંઠે જીઆગંજ. બન્ને ગામ વચ્ચે સાંકળરૂપ એવી ૨૪ કલાક ચાલતી હોડીઓ. એના કિનારે જે કલાકો પસાર કર્યા, તેમાં એનું વહેણ મારા અહમની થોડી કરચો વહાવતું ગયું અને બદલામાં પોતાની વિશાળતાનો એક અવકાશ છોડતું ગયું. ગંગા સાથે મારો આ પહેલવહેલો પરિચય, ફરી નિરાંતે એને મળવા આવવાની શરત સાથેનો.
રિયલાઇઝેશન
મારમીઆના લગભગ પંદર દિવસના રોકાણ દરમ્યાન ત્રણ-ચાર વાર મામા સાથે આઝિમગંજના બજારમાં ખરીદી કરવા જવાનું થયું. અમારે મોટે ભાગે કરિયાણું, શાકભાજી અને માંસ-માછલી ખરીદવાનાં હોય. પહેલી વાર ગઈ ત્યારે ખરીદીની શરૂઆત માછબજારથી કરી. આ પહેલાં હું તાજી માછલી ખરીદવા ક્યારે ય નહોતી ગઈ. પાસે રાખેલાં પાણી ભરેલાં તગારાંઓમાંથી ઘણી જાતની માછલીઓ બહાર કાઢી ગ્રાહક કહે એ રીતે કાપીને અપાતી. ઉપરાંત, માછલી બહાર કાઢીને મૂકે ત્યારે એ હજી જીવતી હોય, તરફડિયાં મારતી હોય, અમુક છેલ્લા શ્વાસ લેતી ગર્ભવતી ય હોય. ફાટી આંખે હું આ બધું જોઈ રહી હતી. મારા મનમાં એ સમયે વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું, ચહેરા પર અરેરાટી હતી.
માછબજારને અડીને જ એક-બે માંસની દુકાનો હતી. એ તરફ મારી નજર ગઈ. બકરીના એક નાનકડા બચ્ચાના ગળા પર છરો ફરી રહ્યો હતો અને એ તડપતું હતું. એ વખતના મારા ચહેરા પરના હાવભાવ પારખી જઈ મામાએ મને શાકભાજીની દુકાનો તરફ જતાં રહેવાની સલાહ આપી. પણ મારાથી ન જવાયું. બધું લોહી વહી ગયાં પછી દુકાનદારે એને સાફ કરી માંસ અલગ કરવાની પ્રક્રિયા ચાલુ કરી. વિચાર એ ચાલી રહ્યો હતો કે જો હું આ બધું ખાતી હોઉં, ભાવતું હોય તો એના પાયામાં રહેલ પ્રક્રિયાય મારે જોવી જ રહી. જો એ ન જોઈ શકું તો મારે માંસાહાર છોડી દેવો જોઈએ. આટલું વિચાર્યા પછી મનમાં ખિન્નતા તો રહી જ ગઈ. એ સાથે મારામાં જીવદયા છે એવો મારો ભ્રમ ખંડિત થયો અને હું કોઈનું ય દુઃખ જોઈ નથી શકતી એ દંભ પણ તૂટ્યો.
રોજ સાંજે બૅડમિન્ટન રમીને છ વાગ્યે આસપાસના નાના રસ્તાઓ પર, તો કોઈ વાર ગંગાના કિનારે ચાલવા જઉં. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હોય. ક્યારેક જોયદીપદા અને મામા પણ જોડાય. જાતભાતની વાતો, ચર્ચાઓ થાય. એક દિવસ વાતોવાતોમાં મામાએ એમના છવ્વીસ વર્ષ લાંબા ચાલેલા અને થોડા સમય પહેલાં જ તૂટેલા લગ્નજીવનની વાત કહી. જે વ્યક્તિની જોડે આટલો દીર્ઘ સમય રહ્યા હોય, સાથે ઘરડાં થવાનાં સપનાં જોયાં હોય, એ સંબંધ અચાનક ના રહે એનો આઘાત કેટલો કપરો હશે! એ એમાંથી બહાર આવી ગયા, બહુ જ સારી રીતે. છતાં ય મનના એક ખૂણે જે એકલતા રહી પડી હોય એને કેવી રીતે બહાર કાઢવી. એમની એ વાતનો મારી પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે એ પ્રશ્ન મારો પોતાનો ય રહ્યો છે.
કેટલીક વાર એવું બનતું હોય છે કે
બહુ સહજતાથી ઉંમરના પડાવ પસાર કર્યા હોય,
જે જીવનનાં વિવિધ રૂપ જોઈ ચૂક્યા હોય,
હું એવું માનતી હોઉં કે
તેઓ હવે દરેક અસલામતી અને ઇચ્છાઓથી પર છે;
પણ તે ય મારી જેમ જ હૂંફ ઝંખે છે,
તે પણ મારી જેમ જ રાહ જોઈ રહ્યા છે
પોતાની વાત કહેવા માટે,
એક ઉષ્માભર્યું આલિંગન મેળવવા માટે.
સમજાય છે કે અમુક લાગણીઓ
જીવનના દરેક તબક્કે એકસરખી જ રહે છે.
ફરી કોલકાતા
ફરી પાછું બે દિવસ માટે કોલકાતા જવાનું નક્કી કર્યું. એક ભય એવો ય પેઠો હતો કે જો અહીંના શાંત અને ગ્રામીણ જીવનની આદત પડી જશે, તો અમદાવાદમાં રહેવું અઘરું બની જશે. લાગ્યું કે આ ઉંમરે શહેરમાં રહેવાની આદત હોવી પણ જરૂરી છે. કોલકાતા તો પહોંચી, ફરી નંદાજીનાં ઘરે જ રોકાઈ, પણ સાવ એકલાં કઈ રીતે ફરવું? એમ કોઈ વાંધો નહીં, પણ દરેક શહેરની ખાસિયત જે ત્યાંના લોકલ લોકો જાણતાં હોય તે કોઈ પ્રોફેશનલ ટૂરમાં કે ગાઇડ પાસેથી જાણવા ન મળે. પોતાની મેળે ફરીએ એમાં ઘણું બધું મિસ થઈ જાય. એટલે બંગાળમાં જ ઊછરેલા અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા મિત્ર પ્રવીણ મિશ્રાને મારી મૂંઝવણ કહી. તરત એમણે મને બે વ્યક્તિઓનો સંપર્ક કરાવી આપ્યો, જેમાંના એક વિજય શેટ્ટી.
માત્ર ફેસબુકની ઓળખાણના આધારે (એય મારી ઓળખાણ તો નહીં જ) વિજયે મને એક સાંજ ફેરવવાનું નક્કી કર્યું. યોગાનુયોગ એ નંદાજીના ઘરથી માત્ર બે બિલ્ડિંગ દૂર રહે. અમે સાંજે કોલકાતાની ફૅમસ બિરયાની ખાવાનું અને પાર્ક સ્ટ્રીટ ફરવાનું નક્કી કર્યું. વિજય પોતે પણ કોલકાતામાં નવા અને એમને ય આ શહેર ફરવાની એટલી જ ઇચ્છા. એમના વ્યવસાય વિશે પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તેઓ હાલમાં લાંબી કરિયર પછી એક વિરામ પર હતા અને હવે નવું કંઈક શરૂ કરવા ધારતા હતા. નસીરુદ્દીન શાહના વિખ્યાત નાટ્યગ્રૂપ ‘મોટલી’ સાથે તે વર્ષો સુધી સંકળાયેલા. ‘સાઝ’ ફિલ્મમાં સઈ પરાંજપેના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને આ બધી ‘ઇતર પ્રવૃત્તિઓ’ની સાથે સાથે તેઓ કાૅર્પોરેટરોને ઇંગ્લિશ અને ફ્રેંચ શીખવાડતા. અૅડવર્ટાઇઝિંગ ક્ષેત્રે પણ કામ કર્યું. એમના વ્યવસાયના ભાગ રૂપે તેઓ ભારતના લગભગ દરેક મોટા શહેરમાં રહેલા અને હવે કોલકત્તામાં સ્થાયી થયા છે. એમના ભણતર વિશે પૂછવાની મારી હિંમત જ ના થઈ, કારણ કે મને મારાં નીરસ એકાઉન્ટિંગના અભ્યાસ વિશે ઘણી લઘુતાગ્રંથિ છે. પણ એક આશ્વાસન મળ્યું કે ગમે તે ક્ષેત્રમાં ભણ્યાં હોઈએ, પોતાની રુચિ મુજબનું કામ કોઈ પણ ઉંમરે શરૂ કરી શકાય છે અને અલગ અલગ ક્ષેત્રમાં હાથ અજમાવા જેવો ખરો. બીજા દિવસની વહેલી સવારે નજીકમાં આવેલા લેકગાર્ડનમાં ચાલવા નીકળી. જો કે લેક અને ગાર્ડન જોવા કરતાં મારો રસ એક જાપાનીઝ બૌદ્ધ મંદિર શોધવામાં વધુ હતો. ત્યાં રોજ ચાલવા આવતા લગભગ દસ-બાર અલગ અલગ લોકોને પૂછ્યા પછી બગીચાના છેવાડે, રહેણાક વિસ્તારમાં સંતાયેલું મંદિર નજરે પડ્યું. ચડાવામાં આવેલી ભેટ સિવાય મંદિરની લગભગ દરેક વસ્તુમાં મઝા પડી. જાપાનીઝ લિપિવાળા ઢોલ, વિશાળ ઝુમ્મર, મૂર્તિનો શણગાર અને ત્યાં રહેલી બીજી કેટલીય કલાત્મક વસ્તુઓ. ત્યાં ૧૫-૨૦ મિનિટ બેઠી એમાં લગભગ પૂરો દિવસ ચાલે એટલી શાંતિ ખિસ્સામાંમાં ભરી લીધી.
પ્રવીણે મને જે બીજી વ્યક્તિનો સંપર્ક કરાવી આપ્યો હતો એ હતા ગવર્નમૅન્ટ આર્ટસ કાૅલેજના અપ્લાઇડ આર્ટસ વિભાગના વડા, ગૌતમ દાસ. તેઓ બન્ને આ જ કાૅલેજમાં સાથે ભણેલા. ગૌતમે મને આખી કાૅલેજ ફેરવી, વિદ્યાર્થીઓના બનાવેલા વિવિધ પ્રકારની કળાના અનેક નમૂનાઓ, બગીચો અને કાૅલેજની પાછળ આવેલું નાનું તળાવ આ બધું જ ખૂબ ઉત્સાહથી બતાવ્યું. અભિભૂત થઈ જવાય એટલાં સુંદર વિચારપ્રેરક ચિત્રો અને શિલ્પો ત્યાંના વિદ્યાર્થીઓએ બનાવ્યાં હતાં. મારા જેવા અ-કળાકાર જીવને તો એ બધું ચમત્કાર જેવું જ ભાસ્યું. ગૌતમે પછી મને એમના એક વિદ્યાર્થીને મળાવી, જે હવે મારો કોલકત્તા ગાઇડ હતો.
આકાશ હાડોહાડ કોલકાતા બોય. એને ફોટોગ્રાફીનો ખૂબ શોખ એટલે એ શહેરની ગલીએ ગલી ફરી વળેલો. હાઈકોર્ટથી શરૂ કરી તે મને ગંગાના બે-ત્રણ અલગ અલગ ઘાટ જોવા લઈ ગયો અને વચ્ચે આવતી દરેક જગ્યાનો ઇતિહાસ પણ કહેતો ગયો. એને શહેરના ભૂતકાળ અને વર્તમાન બંનેમાં સરખો રસ. વચ્ચે વચ્ચે ગોટાગરમ, ઝાલમુરી અને સ્પેિશયલ ચાએ અમારી વાતોનો દોર લંબાવ્યો. બોહુબાજાર, બાગ બાજાર, ગિરીશ પાર્ક, કાૅફી હાઉસ, કાૅલેજ સ્ટ્રીટ અને નાની નાની ગલીકૂચીવાળું આખું નાૅર્થ કોલકત્તા ઘૂમ્યાં.
અહીં ફરતાં ફરતાં મારા સ્ત્રીસહજ ડર પણ વરાળ થઈ ગયા. કદાચ પૈસાદાર અને કહેવાતા શિષ્ટ સમાજ કરતાં એ નિમ્ન મધ્યમ અને ગરીબ વર્ગમાં સભ્યતા વધુ હતી. હવે ભીડભાડવાળી ગીચ અને સાંકડી ગલીઓમાં ફરતાં મને થડકારો તો નહીં જ થાય.
યાત્રાઓ, હંમેશાં આકર્ષક અને લલચામણી,
જ્ઞાન ને કલ્પનાની સરહદો વિસ્તારનારી,
હા, યાત્રાઓ દૂરસુદૂરની, ભીતરની નહીં
તેની તો હંમેશાં બીક જ લાગે છે
શું દૂરની અને ભીતરની યાત્રાઓ સાથે ન થાય?
મારે એ શીખવું છે.
હજી સાંજ બાકી હતી. સાંજે નંદાજી, વિજય અને હું એક બંગાળી નાટક જોવા ગયાં, જેમાં આશિષનાં પત્ની તોમાલી અભિનય કરતાં હતાં. ગિરીશ કર્નાડના વિખ્યાત સંસ્કૃત નાટક ‘નાગમંડલા’નું એ બાંગલા એડપ્ટેશન હતું. પતિના સહવાસને સતત ઝંખતી એક સ્ત્રી ઇચ્છાધારી નાગના પ્રેમમાં પડે છે. એના પરિણામરૂપ સર્જાતા સામાજિક, માનસિક સંઘર્ષને સંવાદો અને નૃત્ય-ગીતથી રજૂ કર્યો છે. નાટકો માટે બંગાળી રંગભૂમિ કેટલી હદે સમર્પિત છે એ હકીકત માહોલ ઊભો કરતી સ્ટેજ ડિઝાઇન, પ્રોપ્સનો મહત્તમ ઉપયોગ, સ્ટેજ પરનું અાૅર્કેસ્ટ્રા, પુરાતનકાળમાં લઈ જતાં કાૅસ્ચ્યુમ્સ અને પરફેક્ટ લાઇટિંગમાં બરાબર ઝળકે. સૌથી અદ્ભુત વાત તો એ હતી કે બધા જ અભિનયકાર પૂરા લયમાં બુલંદ અવાજે ગાતા હતા અને સાથે વિધિસરની તાલીમ લીધી હોય એટલી કુશળતાથી નાચતા પણ હતા. આખું જ નાટક બંગાળીમાં હોવા છતાં લગભગ બધું જ સમજાયું. રાતે સૂતી ત્યારે પણ તોમાલીએ ગાયેલું લોકગીત મનમાં ગુંજતું હતું.
અચાનક પાછા ફરવું
બીજા દિવસની સવાર એક નવો જ યુ-ટર્ન લઈને હાજર થઈ. મારે એક નવા રિસર્ચ પ્રોજેક્ટ માટે અમદાવાદ તાત્કાલિક પાછા ફરવાનું થયું. મારો સામાન તો મારમીઆમાં પડ્યો હતો. બપોરની ટ્રેન લઈ સાંજ પડતાં હું મારમીઆ પાછી ફરી. ત્યાં પહોંચી મારા અચાનક પાછા ફરવાની વાત કરી. મારે હજી ત્યાં ઓછામાં ઓછા ૧૫ દિવસ રહેવું હતું એ બધાં જાણતા હતાં, એટલે એમણે પણ એમની રીતે થોડાં પ્લાનિંગ કરી રાખેલાં. પણ પોતાના બધા મનોભાવો એમણે, ખાસ કરીને જોયદીપદાએ, બાજુએ મૂક્યા. રાત્રે લગભગ બે વાગ્યા સુધી જોયદીપદા સાથે વાતો કરતી રહી. ત્યાં રહીને મનના ઊંડાણમાં હજી થોડી વધુ ડૂબકીઓ મારવી હતી. હજી આસપાસના વિસ્તારો ફરવા હતા. ગંગાસ્નાન પણ ઠંડીના કારણે રહી જ ગયું હતું. છતાં ય કોઈ વસવસો નહોતો. જેટલું રહી એમાં મેં વહી ગયેલા જીવનની ખોટ પૂરી લીધી હતી અને આવનારા સમય માટે જલદી પાછા ફરવાનો વાયદો હતો જ. ઘરથી દૂર રહી ય કેટલું શકાય!
એ જગ્યાઓ, જ્યાં હું મોટી થઈ,
એ લોકો, જેમની સાથે હું વર્ષો રહી
ભાગ્યે જ જે મારાં પોતીકાં લાગ્યાં
હું એમના જેવી નહોતી
એકલી પાડી દેવાયાની લાગણી
સતત ભોંકાયા કરતી;
પછી હું એવી જગ્યાઓએ ગઈ,
જ્યાં પહેલાં ક્યારે ય નહોતી ગઈ
એવા લોકોને મળી,
જેમને પહેલાં ક્યારેય નહોતી મળી
મને મારું ઘર, આશરો,
મારી મૂળસોતી મોકળાશ મળી
હું જાણે અહીંની જ તો હતી
પણ એનાં સરનામાં નહોતી જાણતી
આ લોકો, જે મને હંમેશથી પ્રેમ કરતા હતા
મારા અસ્તિત્વની ભાળ મળ્યા પહેલાંથી.
હવે હું ત્યાં શ્વસું છું, હવે હું ત્યાં વસું છું,
એમની હૂંફમાં, એમના હાસ્યમાં,
મારી યાદોમાં એ બધાં મારા પાકાં સરનામાં છે…
ઇ-મેઇલ ઃ ketkijoshi11@gmail.com
સૌજન્ય : “સાર્થક જલસો”, અૅપ્રિલ 2014, પૃ. 113-122