ભારતીય સંસદની ૨૦૧૯ની ચૂંટણીએ મતદાન અગાઉના ચૂંટણી-તારીખોની ઘોષણાથી માંડીને ચૂંટણીપ્રચારના ઘમાસાણ સહિતના તબક્કાઓમાં એક લોકતાંત્રિક પ્રણાલીની અનિવાર્ય લાક્ષણિકતારૂપ બેહદ ઉત્તેજના અને તીવ્ર રસ જન્માવ્યાં. અગાઉની તમામ ચૂંટણીઓની તુલનામાં આ ચૂંટણી સમૂહ-માધ્યમો અને સામાજિક માધ્યમોના વ્યાપક પ્રસાર અને તદ્નુરૂપ વિનિયોગને કારણે સામાજિક-રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી એક ઉલ્લેખનીય એકમ-અભ્યાસ પુરવાર થાય એમ છે. તો, મતદાન પછીનાં પૂર્વાનુમાનિત – સર્વેનાં તારણો અને ચૂંટણી-પરિણામોએ પણ ચૂંટણીશાસ્ત્રના નિષ્ણાતો, સમાજવિજ્ઞાનીઓ, તેમ જ અન્ય વિચારવંતો અને નિસબતયુક્ત નાગરિકોમાં તેના અર્થઘટન સંબંધે વિભિન્ન મત-મતાંતરોનાં વમળો સર્જ્યાં છે. પ્રસ્તુત લેખ તે સંદર્ભે એક વિનમ્ર ઉમેરણ છે; જે અલબત્ત, સઘન સર્વે આધારિત તો નથી, પરંતુ ખાસ તો, ચૂંટણી સમયાવધિની વિશેષ પરિસ્થિતિ, ઉપરાંત સામાન્ય સમયખંડ દરમિયાનની સામાજિક ગતિવિધિઓ, વ્યવહારો, પ્રક્રિયાઓ અને પ્રતિભાવોના સચેત અવલોકન આધારિત છે. તો, પરિણામો સંબંધિત અન્ય અર્થઘટનોનું વિહંગાવલોકન અને સમાલોચન પણ કરાયું છે.
પ્રત્યેક ચૂંટણીમાં; પછી તે વિધાનસભાની હોય કે લોકસભાની, મતદારોના અભિગમો સંબંધિત તરેહમાં જે-તે સામયિક, સ્થાનિક ઉપરાંત અન્ય બૃહદ્દ પરિબળો સહિત સમગ્રપણે પરિસ્થિતિની સંશ્લેષિત અસર વર્તાતી હોય છે. અને આથી, તદ્સંબંધિત અભિગમ અને વલણ અંગે સામાન્ય તારણ-સૂત્ર તારવવું કઠિન હોય છે. એટલે ૨૦૧૯-ચૂંટણી સંબંધિત વિશ્લેષણ સંદર્ભે પણ સમકાલીન પરિબળો અને પરિસ્થિતિને જ લક્ષમાં લેવાં ઉચિત જણાય છે. અલબત્ત, લેખનો મુખ્ય તર્ક બૃહદ્દ સંરચનાની પ્રગાઢ અસર આધારિત હોઈ ઐતિહાસિક પરિબળો કે સંદર્ભને નજરઅંદાજ કરવાનો, તેની ઉપેક્ષા સેવવાનો પ્રશ્ન કે આશય નથી જ નથી.
ભારતીય સંદર્ભમાં પ્રત્યેક મતદાતા અનેકવિધ ઓળખો ધરાવે છે; જે તેમની પ્રાદેશિક, વસ્તીશાસ્ત્રીય, સામાજિક – જેમાં, કુળ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, વગેરે સંસ્થાઓ સમાવિષ્ટ પામે છે; ઉપરાંત વ્યાવસાયિક, આર્થિક વિશેષતાઓને સંલગ્નિત હોય છે. આ વિભિન્ન વિશેષતાયુક્ત ક્ષેત્રોમાં વ્યક્તિના અસ્તિત્વકીય અનુભવો, સક્રિયતા અને આંતરક્રિયાની સમગ્ર અને સંશ્લેષિત અસર રૂપે જે-તે વ્યક્તિના વલણ અને અભિગમ નક્કી થતા હોય છે. અલબત્ત, પ્રત્યેક ઓળખ દરેક સંજોગમાં એકસમાન અસર અને પ્રભાવ ધરાવતી નથી; સામાન્ય પરિસ્થિતિ, રોજિંદા, દૈનિક જીવનમાં અમુક ઓળખ કે ઓળખોનું સંમિશ્રણ વ્યક્તિની જીવન-પ્રક્રિયાનું સંચાલન અને નિયમન કરતી હોય છે અને શેષ સુષુપ્ત અવસ્થામાં ધરબાયેલી રહે છે. અલબત્ત, વ્યક્તિ આ સંબંધે બહુધા જાગ્રત હોતી નથી. સામાન્યપણે વ્યક્તિની આજીવિકાલક્ષી પ્રવૃત્તિને સંલગ્નિત ચેતના તેણીના રોજિંદા વ્યવહારોનું સંચાલન કરતી હોય છે. અલબત્ત, આ કોઈ નિયમરૂપ વિધાન નથી, કેમ કે ઓળખ અને ચેતના અત્યંત સંકુલ તત્ત્વો છે. પરંતુ, જે-તે ભિન્ન પરિસ્થિતિ અને સંજોગોમાં એક યા બીજી ઓળખ અન્ય ઓળખોની સાપેક્ષે બળવત્તર પ્રભાવ ધરાવે એ સાવ સ્વાભાવિક લેખી શકાય. જેમ કે વ્યાવસાયિક સંગઠનની સભામાં આર્થિક કે વ્યાવસાયિક હિતો પ્રાથમિકતા ધરાવતાં હોઇ તદ્દનુરૂપ વલણ ઊભરે. તો, જ્ઞાતિમંડળ સંબંધિત બાબતમાં જ્ઞાતિકીય પહેચાન પ્રબળતા સાધે. અહીં મુદ્દો મતદાર રૂપે વ્યક્તિની ઊપસતી લાક્ષણિકતા અને અભિવ્યક્તિ તેમ જ વલણ સંબંધિત છે. અને તદ્સંબંધિત પ્રસ્તુત લેખનું સામાન્ય પ્રમેયરૂપી વિધાન એ છે કે જે-તે મતદાર કે મતદાર સમૂહનું વલણ અને અભિગમ; એટલે કે મતદાન સંબંધિત રાજકીય સભાનતા સંરચનાકીય પરિબળોની સંકલિત અને સંકુલ અસર થકી પ્રત્યક્ષ અને પરોક્ષપણે નિર્ધારિત થતી હોય છે, અને મતદારોનું વલણ, ચેતના નિર્ધારિત કરતાં સંરચનાકીય પરિબળો સંદર્ભે ભૌતિક અને આર્થિક પરિસ્થિતિ ખસૂસપણે કેન્દ્રિય મહત્ત્વ ધરાવે છે અલબત્ત, આ અતિ સંકુલ બાબત છે અને ઝીણવટભર્યું આલેખન માંગે છે.
પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો, સ્પષ્ટપણે વિભિન્ન ક્ષેત્રે બેરોજગારીની માઠી પરિસ્થિતિ અને કૃષિક્ષેત્રની બેહાલી તેમ જ આ કારણોસર બહુમતી લોકોની સતત કથળતી જતી દશાને માત્ર આર્થિક કે ભૌતિક જ નહીં, પણ મોં ફાડીને સામે ઊભેલા અસ્તિત્વના મુખ્ય પ્રાણપ્રશ્નોે લેખી શકાય. અને યદ્યપિ, ચૂંટણીનાં પરિણામો પ્રથમદર્શીપણે સૂચિત કરે છે કે આ બે મુદ્દાઓએ પરિણામો પર સીધી અસર કરી નથી, કેમ કે, સત્તાધીશ પક્ષ અગાઉ કરતાં વધુ મત-ટેકા સાથે બહાલી પામ્યો છે. તો, આનું પ્રતિ-વૃત્તાંત દર્શાવે છે કે વાસ્તવિક અને જમીની આર્થિક અને અસ્તિત્વકીય બાબતોની સાપેક્ષે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના ભાવવાહી મુદ્દાઓએ મોદી અને ભાજપા તરફે લોકજુવાળ સર્જ્યો. અલબત્ત, સાથે ભૌતિક અને આર્થિક પરિસ્થિતિ સંબંધિત પાસાં સાવ ઉવેખાયા ન હોવાનો પણ તર્ક કરાય છે. જેમ કે, રસ્તા તેમ જ વીજળી જેવી આધાર સંરચનાકીય સવલતોના વ્યાપમાં વૃદ્ધિ તથા ગૃહનિર્માણ સહાય, ઉજ્જવલા (ગૅસ સિલિન્ડર) અને શૌચાલય યોજનાઓના સફળ અમલીકરણે સવિશેષપણે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિકપણે નબળા સમૂહોમાં પણ સત્તાધારી પક્ષ પરત્વે સાનુકૂળ વલણ જન્માવ્યું. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ગ્રામીણ તેમ જ શહેરી અદનાજનો માટે પ્રમુખ પ્રાણપ્રશ્નો, મૂળભૂત સમસ્યાઓ કઈ છે ? શું ઉજ્જવલા જેવી લાભકારી યોજનાઓ રોજગારી અને કૃષિ-આવક જેવા પ્રાણપ્રશ્નોને અતિક્રમીને નિર્ણાયક ભૂમિકા ભજવી શકવાને સક્ષમ હોઈ શકે ખરી ? કે પછી સમગ્રપણે વિશ્લેષણ જ ખામીયુકત છે ?
સુહાસ પલશીકર તેમના વિચક્ષણ લેખમાં (‘ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વીકલી’, ૧૮ ઑગસ્ટ, ૨૦૧૮)માં ભા.જ.પ.ના રાજકીય અને ચૂંટણીકીય વર્ચસ્વને સામાજિક પ્રભુત્વ(hegemony)ના ખ્યાલ થકી પ્રતીતિકારકપણે સમજાવે છે. એક કાળે, સ્વતંત્રતા પછીના નૂતન રાષ્ટ્રઘડતરના બેથી ત્રણ દાયકાના તબક્કા દરમિયાન નેહરુના વડપણ હેઠળની કૉંગ્રેસનું જેવું સામાજિક પ્રભુત્વ અને રાજકીય વર્ચસ્વ હતું, તેવી જ જડબેસલાક પકડ આ બંને ક્ષેત્રે છેલ્લા દાયકા દરમિયાન, ખાસ કરીને ૨૦૧૪ પછી, ભા.જ.પે. મોદીના નેતૃત્વમાં સિદ્ધ કરી છે અને જેના પરિપાકરૂપે ૨૦૧૯ જેવા જ્વલંત પરિણામો સાંપડયાં છે. આવું સામાજિક પ્રભુત્વ હાંસિલ કરવામાં ભા.જ.પા. ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) અને તેની એકાધિક ભગિની સંસ્થાઓનું પ્રદાન ચાવીરૂપ છે. આ સંસ્થાઓમાં બજરંગ દળ, સનાતન સંસ્થા, હિંદુ યુવા વાહિની, શ્રી રામ સેને, હિંદુ ઐક્ય વેદી, અભિનવ ભારત, ભોંસલા લશ્કરી શાળા, રાષ્ટ્રીય શીખ સંગતને મુખ્ય લેખી શકાય (વધુ વિગત માટે જુઓ; ધીરેન્દ્ર ઝા, શેડો આર્મિસ, જગરનોટ બૂક્સ, નવી દિલ્હી, ૨૦૧૭).
આ બાબત અત્યંત સૂચક અને ઊંડા ગર્ભિતાર્થો ધરાવે છે. આર્થિક સંરચના અને પરિસ્થિતિ, લોકતાંત્રિક રાજકીય પ્રણાલી અને સામાજિક-સાંસ્કૃતિક સંરચના અને પરિસ્થિતિ; એમ ત્રણ પરિબળ-સંકુલો દરમિયાન જે-તે સમયબિંદુએ આંતરક્રિયા આકાર લેતી હોય છે અને આ ત્રણે પરિબળ-સમૂહો પરસ્પર-સંપાતી અને સમગ્રપણે સંકુલ અસર ધરાવતા હોય છે. પ્રસ્તુત લેખની મુખ્ય દલીલ એ છે કે ત્રણેમાં સામાજિક અને રાજકીય પહેલુઓ પણ મહત્ત્વ રાખતા હોવા છતાં આર્થિક અને ભૌતિક પરિમાણો કેન્દ્રિય સ્થાન અને ચાવીરૂપ ભૂમિકા ધરાવે છે. પ્રથમ નજરે, તીવ્ર લાગણી કે ભાવનાથી ઝંકૃત જણાતા રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓ આર્થિક ધરાતલ ધરાવે છે. અને અલબત્ત એટલે જ, અત્રે આર્થિક કે ભૌતિક પરિસ્થિતિને તેની સંકુલતા અને સૂક્ષ્મતાસહ બૃહદ્દ પરિપ્રેક્ષ્યમાં અંકિત કરવી અનિવાર્ય છે.
એ સ્પષ્ટતા પણ આવશ્યક છે કે અત્રે લોકતાંત્રિક રાજકીય પદ્ધતિ કે પ્રણાલીનો નિર્દેશ દેશની પ્રવર્તમાન ‘લાંઘનરેખાને પ્રથમ પાર’ (લાંરેપા – First Past the Post) ચૂંટણીકીય પ્રથાના સંદર્ભમાં જ કરાયો છે; જે સંબંધે અલબત્ત, આલોચનાત્મક ટિપ્પણી કરવા સંબંધે બાધ રખાયો નથી. પરંતુ દેશની મુખ્ય પ્રવાહની રાજનીતિ આ જ પ્રથાને મહદંશે અનુસરે છે અને તદ્સંબંધિત વિશ્લેષણો પણ તેને ભાગ્યે જ અતિક્રમે છે. આ જ ‘લાંરેપા’ પ્રણાલીનો મહત્તમપણે ફાયદો ઊઠાવી વિભિન્ન રાજ્ય-વિધાનગૃહો તેમ જ સંસદમાં યેનકેન પ્રકારે ‘બહુમતી’ પામવાની યુક્તિ-પ્રયુક્તિઓ, કળ, કુનેહ જેણે સાધી, તે વિજ્યી નીવડતા હોય છે. અને બહુધા રાજકીય સમીક્ષકો પણ તેમની મેધા, કુટિલતા, રાજકીય સોદાબાજી અને ગણત્રી પર આફરીન પોકારી, પ્રશંસાનાં ફૂલોથી વધાવતા હોય છે. અહીં ગંભીર પ્રશ્ન, ચિંતા, નિસબત સમગ્ર ‘લાંરેપા’ પ્રથા અંગે હોવી ઘટે. અત્યંત જવાબદારીપૂર્વક અને સભાનતાસહ વિધાન કરવામાં અનૌચિત્ય નથી જણાતું કે પ્રવર્તમાન સંજોગોમાં ‘લાંરેપા’ પ્રથાયુક્ત લોકતંત્ર અને સાંપડેલ લોકમત પર ગૌરવનો ઢોળ ચઢાવીને તેની દુહાઈના જે ઢોલ-નગારાં પિટાય છે, ગુણગાન ગવાય છે, તે એક ભ્રામક, પ્રપંચકારી રચના છે કે જે થકી જે-તે રાજકીય સંગઠનો, વિશ્લેષકો અને વર્ચસ્વકારી આર્થિક-રાજકીય પરિબળોની યુતિ સમગ્રપણે આ પ્રણાલી થકી તેમનાં સ્થાપિત હિતોને ટકાવી રાખવાની નેમ ધરાવે છે. ચૂંટણીની આ પ્રથાને પડકાર ન મળે, તેની તાત્ત્વિકતા પર પ્રશ્નાર્થો ઊભા ન કરાય અને તેની ન્યૂનતા, ઊણપો પર ઢાંકપિછોડો કરવા અર્થે, જનાદેશમાં અભિવ્યક્ત થતી ‘લોકસમજ’ અને ‘શાણપણ’ને વધાવવાની અનિવાર્ય તરકીબ પ્રયોજાય છે. જૂજ વિશ્લેષણો, અર્થઘટનોને બાદ કરતાં શેષ વિવરણો ‘લાંરેપા’ પ્રથા કે પ્રણાલીના પરિઘ, સીમામાં રહીને જ ‘જનાદેશ’ને મહિમાવંત કરવાની કોશિશ કરતાં જણાય છે. આમ, સમગ્રપણે રાજકીય અને સામાજિક વિમર્શને સીમિત કરી દેવાયો છે, જે ઉપર ઉલ્લેખ થયો છે, તેમ વર્ચસ્વકારી હિતોને સંપોષે, સંતોષે છે. મુખ્ય બાબત, પ્રશ્ન ભારતીય લોકતંત્ર અને તેની ચૂંટણીપ્રથામાં મૂળગામી બદલાવ આણવાની છે કે જે થકી બહુવિધયુક્ત, વિવિધતાસભર ભારતીય સમાજનાં તમામ જૂથો અને સમૂહો; નાનામાં નાનાંથી માંડીને મધ્યમ અને મોટાં એમ તમામને દેશના નિર્ણયમંડળ વિધાનસભા કે સંસદમાં પ્રતિનિધિત્વ મળી શકે. પણ આ માટે પ્રથમ, પ્રવર્તમાન પ્રણાલીને પડકારવી પડે, તેની તાત્ત્વિક ચકાસણી કરવી પડે. તેને સ્થાને પ્રવર્તમાન પ્રણાલીને બિરદાવવા કાજે, ‘જનાદેશ’ને પ્રમાણિત ને ઉચિત ઠેરવવાની પેરવી થઈ રહી છે; પરિણામ બાદ તે માટેના મુખ્ય કારણોમાં લોકમતીની વિચક્ષણતાને બિરદાવવાની પ્રયુક્તિ અજમાવાઈ રહી છે. વાસ્તવમાં લોકોને ઢાલ બનાવીને પ્રથામાં મૂળગામી બદલાવ અંગેના અનુરોધને અવરોધવામાં આવી રહ્યો છે.
ઉપરોક્ત મુદ્દાને સંબોધ્યા બાદ, તેના અનુસંધાનમાં ૨૦૧૯નાં ચૂંટણી-પરિણામો, ‘જનાદેશ’ સંબંધે નમ્ર છતાં આકરી આકારણી, તાવણી અનિવાર્ય છે. અલબત્ત, આ અંગે એકાધિક વિશ્લેષણો થઈ ચૂકયાં છે, જે પૈકીનાં બહુધા એક સબળ અને લોકપ્રિય નેતા રૂપે મોદીની છબી, પાકિસ્તાન-સાપેક્ષ પ્રસારિત અને પ્રચારિત રાષ્ટ્રવાદનું ઝનૂન અને ભા.જ.પા. સરકારની કેટલીક લોકપ્રિય યોજનાઓ, કાર્યક્રમો જેવા કે ઉજ્જવલા, શૌચાલય, આવાસ તરફ નિર્દેશ કરે છે. તો વળી, એક કદાવર નેતાની લોકપ્રિય છબીએ ચૂંટણી જીતવાના સામાજિક ઓળખ-આધારિત જરીપુરાણા અને સંકીર્ણ નુસખાઓને ધ્વસ્ત કર્યા હોવાનો દાવો, મત, સિદ્ધાંત પણ વહેતો મુકાયો છે.
અહીં રાષ્ટ્રવાદી ઝનૂન સંબંધે બયાન આવશ્યક છે. સાંસ્કૃતિક બહુવિધતા એ આપણું અનેરું લક્ષણ, વિશેષતા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેમની સાથી-સંસ્થાઓ દ્વારા ફાસીવાદી (આ પદના પ્રયોજન સંબંધિત ઔચિત્ય અંગે બાદમાં વિમર્શ થયો છે) તોર-તરીકા અને બળ-બાહુલ્ય થકી હિંદુ ધર્મની વિભિન્ન ઓળખોને સપાટ કરી તમામને એક ‘હિંદુ ઓળખ’ના શિરચ્છેત્ર હેઠળ આણવા કાજે ‘અન્ય’ – મુખ્યપણે મુસ્લિમ-વિરોધી આક્રમક માનસિકતાને આયોજિત ઢબે વ્યાપ્ત ને આરોપિત કરાઈ. તો, સાથે આ સર્વછાયાયુક્ત (blanket) ‘હિંદુત્વ’ને સબળ, પૌરુષત્વયુક્ત રાષ્ટ્રવાદી ઓળખ સાથે જોડવા કાજે પુલવામા-હુમલા ને તે પશ્ચાતના ભારતીય હવાઈ દળના પ્રતિ-હુમલાને સુનિયોજિત ઢબે, કુનેહપૂર્વક ને કુટિલતાપૂર્વક પ્રક્ષેપિત અને પ્રસ્તુત કરી પાકિસ્તાન વિરોધી લાગણીને ઉશ્કેરાઈ. અલબત્ત, આ બહેકાવમાં સંઘપરિવારનાં સંગઠનોને સમૂહ-માધ્યમો અને સામાજિક માધ્યમોએ જબરદસ્ત સાથ અને પીઠબળ પૂરું પાડ્યું. પ્રશ્ન એ છે કે સરકારની આર્થિક નીતિઓ અને સવિશેષપણે વિમુદ્રીકરણ જેવાં પગલાંથી જેમણે ભીંસ, આઘાત અને ભારે હાનિ અનુભવી છે, તેવા બહુમતી જનસમૂહોએ સુધ્ધાં આ સરકારને પુનઃનિયુક્તિની તક શાથી આપી ? અલબત્ત, ભારતીય મતદારોના સમગ્ર સમૂહને, તેની અતિ વિશાળ સંખ્યાને લક્ષમાં લેતાં, તેમના વલણ અને અભિગમ સંબંધે કોઈ એક જ સમજૂતી થકી વિશ્લેષિત કરવું અશક્ય અને જોખમી એમ બંને છે. આમ છતાં, એક અર્થઘટન કરવામાં અતિશયોક્તિ નથી કે ઝનૂની અને સંકુચિત રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમને ઉકસાવાયો, ઉત્તેજિત કરાયો, ભડકાવાયો અને આ આક્રમક દેશદાઝના ઊભરામાં, પ્રલયમાં તમામ જમીની સવાલો, સમસ્યાઓને ચૂંટણી પૂરતો ગળે ટૂંપો દેવાનો, ડુબાડી દેવાનો યત્ન થયો. લોકતંત્ર અને જનાદેશની પવિત્રતા તેમ જ અદના મતદારોની વિવેકબુદ્ધિની અંધપ્રશંસાની દુહાઈ અને ગાણાં ગાવા-વગાડવાને સ્થાને દેશની ચૂંટણીપ્રથાને કઈ રીતે કુનેહપૂર્વક અને કુટિલતાથી વ્યાપક ચૂંટણીકીય પીઠબળ પ્રાપ્ય કરવા કાજે પ્રયોજાઈ ને લોકોને ભ્રમિત કરાયા તે સમજવું અનિવાર્ય છે. સાચા અર્થમાં અદનાજનોના, વાસ્તવિક લોકહિત સંબંધિત પ્રાણપ્રશ્નોને આવરવા, સંબોધવાને સ્થાને આભાસી લોકહિત, દેશહિતની ભ્રામક માયાજાળ રચાઈ. અલબત્ત, આ હેતુને બર લાવવા કાજે માતબર કૉર્પોરેટ ઉદ્યોગો દ્વારા પ્રચંડ નાંણાકીય સ્રોત અને અન્ય સાધનસમૃદ્ધિનાં પીઠબળ તેમ જ વિરાટ સંગઠનબળનાં પરિબળોએ સિંહફાળો આપ્યો. ટૂંકમાં, અહીં બહુમતીયુક્ત જનાદેશને ઉચિત ઠેરવવાના ને પછી તેને અર્થઘટિત કરવાના અભિગમને સ્થાને બે મુખ્ય પ્રશ્નોને કેન્દ્રમાં રાખી વિશ્લેષણ કરવાની આવશ્યકતા હોવી જોઈએ. પ્રથમ, શું બહુમતી જનાદેશે જે પક્ષીય યુતિને સત્તાસ્થાને બેસાડી તે ન્યાયી, સમતાવાદી, ઐહિક, દેશના બંધારણને અનુરૂપ સમાજરચના સ્થાપવા કાજે કોઈ પણ દૃષ્ટિએ સમર્થ અને ઉચિત છે ખરી ? અને જો ઉપર્યુક્ત માનવીય અને ન્યાયી માપદંડોને લક્ષમાં લેતા, આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ ‘ના’ હોય તો, બીજો પ્રશ્ન એ છે કે, તો પછી જે પ્રકાર અને પ્રમાણનો લોકમત આ યુતિ, ખાસ તો, ભા.જ.પા.ને સાંપડ્યો તેને કઈ રીતે સમજાવી શકાય ?
બેરોજગારીની સતત કથળતી જતી પરિસ્થિતિ, ખેતીનું સંકટ તેમ જ શિક્ષણની બેહાલી જેવાં જમીની પરિબળોને લક્ષમાં લેતાં, ચૂંટણી અગાઉના થોડા અરસા અગાઉ, ભા.જ.પા.ની પુનઃ સત્તામાં આવવાની શક્યતા નહીંવત્ હોવાનું ઘણા વિશ્લેષકોને જણાતું હતું. પુલવામા બનાવ અને તેને પગલે હવાઈ પ્રતિ-હુમલાએ રાજકીય વિમર્શની દિશા સ્પષ્ટપણે બદલી. પ્રશ્ન એ છે કે રોજગારી અને આવક જેવા જમીની મુદ્દાઓની સાપેક્ષે રાષ્ટ્રહિત, રાષ્ટ્રભક્તિની બાબતોએ લોકમાનસમાં ઘર કેવી રીતે ઘાલ્યું ? અહીં જનમાનસ સંબંધે મનોવૈજ્ઞાનિક સમજ કેળવવા યત્ન કરીએ. અને અહીં જ આર્થિક અને સંરચનાકીય પરિબળોની અહમ્ ભૂમિકાનો નિર્દેશ અનિવાર્ય છે.
વૈશ્વિકીકરણના બૃહદ્દ પ્રકલ્પે દેશના અર્થતંત્ર પર અન્ય દેશોની પેઠે પ્રચંડ અસરો નિપજાવી છે. રોજગારી સંબંધિત સુરક્ષા જોખમાવાની સાથે ઔપચારિક કે સંગઠિત ક્ષેત્રમાં કામનું પ્રમાણ સતત ઘટતું, સંકોચાતું જાય છે અને તેની સાપેક્ષે નૈમિતિક, કરારયુક્ત પ્રકારનાં અસંગઠિત પ્રકારના કામો વધતાં જાય છે. સાથે વધુ ને વધુ પ્રમાણમાં લોકો સ્વ-રોજગારી તરફ વળવાને પરવશ થયા છે. સૌથી વિશેષ તો, શ્રમ-બળનું, જનસમૂહનું અંશીકરણ, ખંડીકરણ (fragmentation), આણ્વિકરણ (atomization) થતું જાય છે. કોઈ પણ માનવીય કે આર્થિક પ્રણાલીમાં વ્યક્તિને સુરક્ષિતતા અને આધારના સધિયારા માટે સમૂહ કે સંગઠનની મૂળભૂતપણે આવશ્યકતા હોય છે. પ્રથમદર્શીપણે, વૈશ્વિકીકરણ વૈયક્તિકરણ કે વૈયક્તિકતાને પોષતું, સંવર્ધિત કરતું હોવાથી વૈયક્તિ વિકાસ સંદર્ભે લાભકારક, ફાયદામંદ જણાય. પરંતુ ઉપર દર્શાવ્યા મુજબ, વૈયક્તિકરણથી વૈયક્તિમાત્રની સમુદાયના આધારની, સુરક્ષિતતાની આવશ્યકતા સંતોષાતી નથી. આપણા દેશનો પ્રશ્ન છે તો, વૈશ્વિકીકરણના સતેજ વ્યાપને કારણે અસુરક્ષાથી પીડિત વૈયક્તિ આશ્રય અર્થે વધુને વધુ તેની મૂળગામી (indigenous) સામાજિક કે સામુદાયિક સંસ્થા જેવી કે કુટુંબ, જ્ઞાતિ, સંપ્રદાય, કોમ, ધર્મની કોખમાં, પાંખમાં જતી જાય છે. ભા.જ.પા. અને આર.એસ.એસ. પરિવારની એક યા બીજી સંસ્થા સમાજના વિભિન્ન સમૂહોમાં તેમના પ્રતિર્બદ્ધ કાર્યકરોના જીવંત સંપર્કો થકી જમીની પરિસ્થિતિથી વાકેફ રહે છે. અને આથી દેશના લોકોની આ મનોદશા; ખંડિતપણું, આણ્વિકતાથી જન્મતી અસુરક્ષા અને તેનાથી નિષ્પન્ન બરડતા, સુભેદ્યતા(Vulnerability)થી તેઓ સુપરિચિત છે. આર્થિક પરિસ્થિતિથી નીપજતી સામાજિક તાણથી પ્રકટતી વ્યગ્રતા, અકળામણ અને આક્રોશ સરકાર કે રાજ્ય વિરોધી ચેતનામાં ન પરિણમે તે હેતુસર તેને કોઈ ‘અન્ય અરિ’ વિરુદ્ધ વાળી શકાય તો તેમની રાજકીય સત્તા સામેનું જોખમ ટળે અને સાથે સામાજિક પ્રભુત્વ (hegemony) પ્રસ્થાપિત કરી શકાય, જમાવી શકાય. દર્શાવ્યા મુજબ, સંઘપરિવારની વિભિન્ન સંસ્થાઓ દેશના સ્તરીકૃત સમાજના વિભિન્ન સમુદાયો જોડે ઘરોબો કેળવી શકે એવું વૈવિધ્ય ધરાવે છે અને આથી દરેક સ્તર અને સમુદાયના લોકો સુધી પહોંચવાને સમર્થ અને સક્ષમ છે. તેઓ લોકો જોડે તેમના રોજબરોજના જીવનના સ્તરે આંતરક્રિયા કરી તેમનો વિશ્વાસ સંપાદિત કરતા રહે છે અને આમ, સામાજિક પ્રભુત્વનો પ્રકલ્પ યોજનાબદ્ધપણે પાર પાડે છે. મુખ્ય મુદ્દો સામાજિક પ્રભુત્વના સકંજાને ઉપર્યુક્તપણે દર્શાવ્યા મુજબના કોઈ એક ઠોસ મુદ્દા સબબ કસવાનો છે અને તદ્સંબંધિત વ્યૂહરચનાનો છે.
અને આ સંકીર્ણ અને સંકુલ વ્યૂહરચનાને સમજવી અત્યાવશ્યક છે. સંઘપરિવારનાં અનેકવિધ સંગઠનો ઉપરાંત ફેસબુક, વૉટ્સએપ, ટિ્વટર જેવા સામાજિક માધ્યમો તેમ જ મુખ્ય પ્રવાહના મુદ્રણ અને વીજાણુ સમૂહ માધ્યમોને પણ આ બહુપાંખીય વ્યૂહરચનામાં જોતરવામાં આવ્યા. પ્રથમ તો, વૈવિધ્યપૂર્ણ સામુદાયિક ઓળખો ધરાવતા બહુરંગી દેશને એક સમાંગ રાષ્ટ્રરૂપે ઊભરવાની કોશિશ થઈ કે જેનો સમાન શત્રુ છે અને સમાન સમસ્યાઓ છે. આ માટે પ્રથમ તો, અનેકવિધ સાંસ્કૃતિક અને આર્થિક ઓળખોને કૃત્રિમપણે ઓગાળીને, મિટાવીને એકસમાન ઓળખ ઊભી કરવાનો કારસો થયો. અને ‘હિન્દુત્વ’ની ‘ધાર્મિક’ ઓળખ રૂપે આ એકસમાન, એકસમાંગ ઓળખ ઊભરાવાની કોશિશ થઈ. આની જોડે એક રાષ્ટ્રની, ભારતની ઓળખને ભેળવી દેવાઈ કે જેથી બિનહિન્દુ ધાર્મિક લઘુમતીઓ પણ નાછૂટકે, તે પછી ભલેને ડરથી જબરદસ્તીપૂર્વક સામેલ થાય. સંઘપરિવારનાં સંગઠનોને આ બદહેતુ માટે ફાસીવાદી રીતરસમો અજમાવવાની પરતી છૂટ, મોકળાશ અપાઈ. આમ, દેશની બહુવિધતાને એક સપાટ હિન્દુ ભારત રૂપે પ્રક્ષિપ્ત, પ્રસ્થાપિત કરાઇ અને દેશવાસીની બહુવિધ ઓળખોને હિન્દુત્વાદી ભારતીયની એકમેવ ઓળખ રૂપે ઊભરાઈ. સંઘપરિવારનું બહુશાખીય સંગઠનમાળખું આ માટે બખૂબી પ્રયોજાયું. ઉપર ઉલ્લેખ થયો છે તે મુજબ, જે તેે સંગઠન ભારતીય સમાજનાં વિભિન્ન સમૂહ કે જૂથ માંહે સક્રિયતા સાધી તેને ‘હિન્દુરાષ્ટ્ર’ના પ્રકલ્પમાં જોતરતું હતું. ઉદાહરણ રૂપે, સમાજના દલિતો મધ્યે બજરંગ દળ સક્રિયતા સાધતું જણાય છે; તો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બહુધા બ્રાહ્મણો અને અન્ય ઉચ્ચ-વર્ણીય જ્ઞાતિઓને સંયોજે છે. સ્ત્રીઓમાં સક્રિયતા સાધતી અલગ પાંખ પણ છે; તો ખેડૂતોને સંગઠિત કરતો ભારતીય કિસાન સંઘ અને કામદારો માટેનો ભિન્ન ભારતીય મજદૂર સંઘ પણ છે. આ ઉપરાંત હિન્દુધર્મનાં વિભિન્ન સમૂહો અને જૂથો પર પ્રભાવ ધરાવતા સંતો અને સંપ્રદાયો તેમ જ સંસ્થાઓ જોડે પણ સંઘપરિવાર પ્રગાઢ સંપર્ક ધરાવતો રહ્યો છે અને અન્યથા પણ આ સંસ્થાઓનો ટેકો, પીઠબળ ભા.જ.પા. અને સંઘપરિવારને સાંપડતો હોય જ છે. તદુપરાંત, સમાજમાં કાર્યરત અનેક પ્રથમદર્શીપણે બિનધાર્મિક લેખાતી સામાજિક સંસ્થાઓનાં સંચાલન અને વહીવટમાં ભા.જ.પા.ના આગેવાનો અને કાર્યકરો સક્રિય હોય છે કે જે થકી પણ સામાજિક પ્રભુત્વ પ્રસ્થાપિત થતું હોય છે. ગુજરાતમાં મોરારિબાપુ જેવા પ્રત્યક્ષપણે કોઈ ધાર્મિક સંસ્થા જોડે સંયોજન ન ધરાવતાં કથાકાર-સંત પણ અંતે તો, ભા.જ.પા.-તરફી વલણ છતું કરી આડકતરી રીતે સંઘપરિવારનું સામાજિક પ્રભુત્વ સ્થાપિત કરવામાં સહાયભૂત થતા હોય છે. આ પ્રભુત્વ જડબેસલાક હોય છે અને જનસમૂહમાં પ્રમુખપણે ચૈતસિક સ્તરે, અજાગૃત કે અર્ધજાગૃત મનમાં ભા.જ.પા. કે સંઘપરિવાર તરફી રાજકીય વલણને દૃઢિભૂત કરે છે. એની પકડ, સકંજો એટલો ચુસ્ત, લોખંડી હોય છે કે કોઈ પણ જ્ઞાતિ કે સમુદાયનો સભ્ય જાગૃત કે અજાગૃતપણે સ્વને સંઘપરિવારનો અંતરંગ સદસ્ય જ માનવા લાગે છે અને પરિણામે, પક્ષ કે પક્ષ-નેતા મોદીની ભૂલ, ત્રુટિ કે અનુચિત પગલું કુટુંબની આંતરિક બાબત બની જતી હોઈ ક્ષમ્ય લેખાય છે. અહીં આપણા સમાજમાં સામાન્યપણે પ્રર્વતતાં નૈતિકતાનાં ધોરણો પણ સહાયરૂપ નીવડે છે. કૌટુંબિક સભ્ય ગંભીરતમ ગુનો કરે કે અનૌચિત્યપૂર્ણ કે અનૈતિક કૃત્ય કરે તો પણ સામાન્યપણે કુટુંબ તો તેને છાવરે જ છે અને વહારે ધાય છે. આ સામાજિક પ્રભુત્વ(hegemony)ની પરાકાષ્ટારૂપ ચેતના છે કે જેમાં પ્રત્યેક વ્યક્તિને ભા.જ.પ. કે સંઘ પરિવાર પરત્વે પોતીકાપણાની ભાવના જાગે. જેને સર્જવામાં સંઘ પરિવારે કુનેહપૂર્વક અને કુટિલતાપૂર્વક તેમનાં ભગિની-સંગઠનો ઉપરાંત સામાજિક માધ્યમો અને સમૂહ-માધ્યમોનો પણ વ્યાપક વિનિયોગ કર્યો. આ એક બહુકોણીય પ્રક્ષેપણ હતું; જેણે આમજનોમાં મનોશાસ્ત્રીય સ્તરે પ્રગાઢ અસર કરી. અલબત્ત, આની સાથે પુલવામા-હુમલો અને તદ્પશ્ચાતની ભારતીય હવાઈ દળની કામગીરીએ કે જેનો યશ મોદીએ હસ્તગત કરી લીધો, પણ પ્રગાઢ અસર જન્માવી. આમ, સમગ્રપણે ઝનૂની અને ઉગ્ર રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિનો વિમર્શ જન્માવાયો, કે જેથી તેેના વંટોળમાં જમીની, વાસ્તવિક પ્રશ્નો, સમસ્યાઓ ફૂંકાઈને ઊડી જાય. સાથે મોદીની એકમેવ સબળ, સક્ષમ, કદાવર, પૌરુષત્વયુક્ત નેતા રૂપે છબી ઘડાઈ કે જે વિશ્વભરમાં દેશને પ્રસિદ્ધિ અપાવે. અંગ્રેજોના સંસ્થાનવાદી શાસન હેઠળના અત્યંત દીર્ઘકાલીન આધિપત્યના કારણે વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષે લઘુતાગ્રંથિથી પીડાતા દેશવાસીઓને મોદીની આ ઉપજાવાયેલ ખડતલ અને પ્રભાવશાળી વિશ્વનેતાની છબીથી ભારે ગૌરવની ભ્રાન્તિ થઈ. (પ્રણવ બર્ધન, ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’, ૧૬ ઑક્ટોબર ૨૦૧૯).
અહીં પ્રશ્ન એ થઈ શકે કે જે દેશમાં બહુમતી અદનાજનો, આમજનો, જનસમૂહ રોજગારી અને ગરીબીની ભીષણ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં હોય તેઓ આવા ઝનૂની પરંતુ ભ્રામક પ્રચારના પાસમાં કેવી રીતે ફસાઈ શકે ? શું આ આભાસી ‘હિન્દુત્વવાદી રાષ્ટ્રપ્રેેમી’ની ઓળખ એટલી સાબૂત અને સક્ષમ હોય કે તે મતમાં પણ તબદીલ થઈ શકે ?
અહીં જ બૃહદ્દ આર્થિક સંરચના, ‘વૈશ્વિકીકરણ’ના પ્રકલ્પના સંદર્ભમાં મતદારોના વલણને અર્થઘટિત કરવું પડે. જે વિશેષ સામાજિક પરિવેશમાં જ્ઞાતીય અને સામુદાયિક પરિબળો બળવત્તરપણે મતદાનની તરેહ પર પ્રબળ અસર અને પ્રભાવ ધરાવતા રહ્યાં છે, તેવા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં પણ ‘મોદી-અસર’ કે ‘મોદીમોજા’એ આ પરિબળોને ધ્વસ્ત કર્યાં હોવાનું અનેક વિશ્લેષણો તારવે છે. તો, શ્રમજીવીઓ અને અન્ય વંચિત, શોષિત સમૂહો, જેમાં આદિવાસીઓનો સમાવેશ થાય છે; પણ આ પ્રવાહમાં ખેંચાયા, તણાયા હોવાનો નિર્દેશ થયો છે. મુદ્દાને અધોરેખિત કરવા અર્થે પુનરાવર્તનદોષને નજરઅંદાજ કરીને દર્શાવીએ તો, અગાઉ ઉલ્લેખ થયો છે તેમ, નવઉદારવાદી આર્થિક સંરચના વૈયક્તિકરણ અને આણ્વિકરણને પ્રેરે છે, પરંતુ અહીં વૈશ્વિકીકરણ અને સહજ માનવીય વૃત્તિ વચ્ચેનો વિરોધાભાસ અને સંઘર્ષ જન્મે છે. ભારતીય સાંસ્કૃતિક સંદર્ભને લક્ષમાં લેતા, વ્યક્તિને સમુદાય કે સમૂહના આધાર અને સુરક્ષિતતાની સતત આદત હોય છે અને આવશ્યકતા રહે છે. વૈશ્વિકીકરણની આર્થિક રચનાઓ આજીવિકાનાં સાધનો સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓમાં આણ્વિકરણ અને વૈયક્તિકરણને પ્રેરે છે, એટલે સંગઠનીય સુરક્ષિતતાને તોડે છે, તેનો ધ્વંસ કરે છે. વૈશ્વિકીકરણની પુરોગામી મૂડીવાદી સંરચનામાં પરંપરાગત સંબંધો અને સંસ્થાઓ નબળી પડી અને આર્થિક સંબંધો આધારિત અન્ય નૂતન સંસ્થાઓ પાંગરી. વૈશ્વિકીકરણના નેજા હેઠળનો નવ-મૂડીવાદ આ સંસ્થાઓ માટે પણ ઘાતક પુરવાર થયો છે. તે સંસ્થીકરણનાં લક્ષણ માત્ર માટે વિનાશક છે. અને આથી વ્યક્તિ માટે આના વિકલ્પો સંદર્ભે જૂજ શક્યતાઓ શેષ રહે છે. ક્યાં તો અમેરિકા અને યુરોપની જેમ વૈયક્તિવાદને પચાવી, તેમાં જ અનુકૂલન સાધવું. પરંતુ આ દેશોમાં એ શક્ય બને છે કેમ કે ત્યાંની પ્રણાલીઓ મહદંશે વ્યક્તિમાત્રને સંતોષકારક આવકનાં સાધનોની સાથે એકંદરે સુખી અને સમતોલ જીવનધોરણ પૂરું પાડે છે; તો, તેમની સામાજિક અને અન્ય વૈયક્તિ આવશ્યકતાઓની પૂર્તિ અને સુરક્ષિતતા માટે રાજ્ય જરૂરી તકેદારીઓ રાખે છે. અલબત્ત, આ દેશોમાં પણ હાલના મૂડીવાદી કટોકટીના સંજોગોમાં સંકીર્ણ મૂળભૂતવાદી વિચારધારાએ ઘેરો અને ડેરો જમાવ્યો છે. અને યુ.એસ.એ.નું દૃષ્ટાંત સૂચવે છે તેમ, વિશ્વના આ એક વિશાળ ઉપરાંત પરિપક્વ લોકતંત્રના પ્રમુખપદની ચૂંટણીમાં સુધ્ધાં વિશેષ રૂપે સંકુચિત સ્વરૂપના રાષ્ટ્રવાદનો વિશેષ અને કુટિલ વિનિયોગ કરાયો અને ઉપરોક્ત સંકીર્ણ વિચારધારાના પ્રતિનિધિરૂપ ટ્રમ્પ પ્રમુખપદે આરૂઢ છે, જેના મૂળમાં આર્થિક કટોકટીને કારણે વકરતી રોજગારીની પરિસ્થિતિ છે. બ્રાઝિલમાં પણ આવું જ બન્યું છે. આપણા દેશમાં પણ ઘેરી આર્થિક સંકડામણથી કૃદ્ધતા અને હતાશા અનુભવતી સર્વસાધારણ જનલાગણીને સંકીર્ણ ‘હિન્દુત્વ રાષ્ટ્રવાદી’ ખ્યાલો અને ભાવનાના આરોપણ થકી ભડકાવીને, વિશાળ જનસમૂહને તેમની અવદશા માટે જવાબદાર વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવીને ચૂંટણી જીતવાનો કારસો રચાયો. આર્થિક બેહાલીથી ત્રસ્ત બહુમતી હિન્દુ સમુદાયના રોષ અને આક્રોશને આડે માર્ગે વાળીને અન્ય-લઘુમતીઓ વિરુદ્ધના આવેશમાં રૂપાંતરિત કરાયો. પુલવામા બનાવે આ ‘અન્ય અરિ’ને પડોશી દેશ પાકિસ્તાન સુધી વિસ્તાર્યો કે જે ‘હિન્દુત્વયુક્ત રાષ્ટ્રવાદ’ સામેનો ભયાવહ ખતરો છે અને જેનો પ્રતિકાર કરવા અર્થે, ટક્કર આપવા માટે આક્રમક, પૌરુષત્વસભર, ખડતલ, ઝનૂની નેતાની જરૂર છે. તમામ આંતરિક સામાજિક ભેદો અને વિષમતાઓ, વકરતી આર્થિક સમસ્યાઓ અને અઅસમાનતાઓને વિસારે પાડી આ ‘તારણહાર અને સક્ષમ’ નેતા અને તેના સંગઠનના શિરચ્છત્ર હેઠળ ‘સંગઠિત’ થઈને કાલ્પનિક વિનાશક ‘અન્ય’ અરિને મજબૂત ટક્કર આપવાની છે અને તેને પરાસ્ત કરવાનો છે. પરંતુ, આ ‘રાજકીય રચના’ રાતોરાત સર્જાવા પામી નથી. અગાઉ જણાવ્યું તેમ, તેની ભોંય તો સંઘપરિવારનાં અનેકવિધ સંગઠનોએ સમાજના વિભિન્ન સમૂહો, સમુદાયો, પ્રદેશોમાં પગપેસારો કરી, તંબૂ તાણી સામાન્ય સમયમાં, રોજબરોજના જીવનના સ્તરે આયોજનબદ્ધપણે તૈયાર કરી જ હતી. આમ, આવી સંગઠિત પૂર્વતૈયારી ઉપરાંત મુખ્યપણે વૈશ્વિક આર્થિક સંરચનાથી ઉદ્ભવેલ વિશ્વવ્યાપી આર્થિક કટોકટીને કારણે આર્થિક ધોરણે સ્થપાયેલ સંસ્થાકીય આધારો ધ્વસ્ત થયા અને પરિણામસ્વરૂપે સર્જાયેલ અસુરક્ષિતતાની સમગ્ર અસર રૂપે આમજનો અત્યંત ઘેરી કટોકટીયુક્ત પરિસ્થિતિમાં સપડાઈ ચૂક્યા હતા. જેનો મહત્તમપણે ગેરફાયદો ઉઠાવી સંગઠનીય તાકાત અને સક્રિયતા તેમ જ સામાજિક અને સમૂહ માધ્યમો દ્વારા રચાયેલ સંકીર્ણ હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદી વિચારધારાના તેમજ એક આભાસી સશક્ત નેતાની છબીના પાસમાં, સમગ્રપણે એક ભ્રામક અને માયાવી જાળમાં લાચાર જનસમૂહ સપડાયો. અહીં ‘ફાસીવાદી’ વિભાવના અને રચનાના વિનિયોગનો ઉલ્લેખ પણ જરૂરી છે. અલબત્ત, નિર્મલાંગ્શુ મુખરજી (‘ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વીકલી’, જુલાઈ ૧૪, ૨૦૧૮) જેવા કેટલાક વિચારકો દેશની બલ્કિ ઉપર્યુક્તપણે ઉલ્લેખ થયો છે, તે અન્ય દેશોની પ્રવર્તમાન પરિસ્થિતિ જોડે ફાસીવાદી વિભાવનાને સુસંબદ્ધપણે સાંકળવાને અયોગ્ય લેખે છે. તેઓ વિશેષપણે, જર્મની અને ઇટાલીના ઐતિહાસિક ફાસીવાદને કેન્દ્રમાં રાખીને અને તેની પ્રવર્તમાન દેશની પરિસ્થિતિ સંદર્ભે તુલનાત્મક સમીક્ષા કરી દર્શાવે છે કે સંઘપરિવાર અને ‘સશક્ત નેતા’ની યુતિના ઉપર્યુક્તપણે નિર્દેશિત રાજકીય પ્રપંચને ફાસીવાદી ન ઠેરવી શકાય. મુખરજી અલબત્ત કબૂલે છે કે, ફાસીવાદની કેટલીક ધારણાઓ જોડે હાલની પરિસ્થિતિ સુસંગત જણાય છે. જેમ કે, સંકુચિત હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદ, ‘અન્ય અરિ’-મુસ્લિમ અને પાકિસ્તાની – વિરોધી લાગણી બહકાવવાની કોશિશ, આર્થિક કટોકટી, પૌરુષત્યપૂર્ણ એક સબળ અને કદાવર નેતાની આંધળી વ્યક્તિપૂજા જેવાં પ્રવર્તમાન લક્ષણો જર્મની અને ઇટાલીની ઐતિહાસિક પરિસ્થિતિ અને તદનુરૂપ વ્યાખ્યાયીત શાસ્ત્રીય(Classical) ફાસીવાદને અનુરૂપ છે. પરંતુ તેમની દલીલ છે કે તદ્કાલીન મૂડીવાદી સંરચનાકીય કટોકટીની પરિસ્થિતિમાં સામ્યવાદી પરિબળો થકી મળેલ ગંભીર પડકારનું મહત્ત્વનું લક્ષણ આપણી હાલની પરિસ્થિતિના સંદર્ભે ગેરહાજર હોઈ ‘ફાસીવાદ’ની ધારણા સાથે અસંગતતા ઉત્પન્ન થાય છે. પરંતુ અહીં પ્રતિ દલીલને અવકાશ છે કે ‘ફાસીવાદ’ની શાસ્ત્રીય વિભાવના અને વ્યાખ્યા સંબંધે જે-તે ભિન્ન સમયબિંદુ અને સમકાલીન સામાજિક-રાજકીય પરિસ્થિતિના સંદર્ભે પુનઃવિચાર કરવો અનિવાર્ય જણાઈ રહ્યો છે. અન્ય શબ્દોમાં, ‘ફાસીવાદ’ની શાસ્ત્રીય વિભાવનામાં પ્રવર્તમાન સંજોગો, પરિસ્થિતિ સંદર્ભે કેટલાક સૂક્ષ્મ બદલાવ કરવા જરૂરી છે. કોઈ પણ સિદ્ધાંત કે વિભાવના કોઈ એક ઐતિહાસિક સમયબિંદુના સંદર્ભમાં સ્થગિતતા સાધે એ આવકાર્ય નથી, બલ્કિ સમય સાથે તેમાં વિભાવનાકીય અને સૈધ્ધાંતિક પરિવર્તન અનિવાર્ય અને આવકાર્ય લેખાવાં જોઈએ. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફાસીવાદની વિભાવનામાં ફેરફાર પ્રયોજી કાંઈક આ અર્થમાં તેને પ્રસ્તુતપણે અને સુસંગતપણે પ્રયોજી શકાય : કોઈ એક દેશના સાંસ્કૃતિક બહુવિધતા ધરાવતા સમાજમાં, જનસમૂહમાં, કોઈ એક વંશ, સમુદાય, ધર્મ કે સંપ્રદાયના રાજકીય વર્ચસ્વ અને સામાજિક પ્રભુત્વ(hegemony)ને, સંકીર્ણ રાજકીય હેતુસર સંગઠન-શક્તિ અને અન્ય પ્રચાર-પ્રસારનાં માધ્યમો થકી બળપૂર્વક, દમનપૂર્વક અને કુટિલપણે પ્રસ્થાપિત કરવું. અલબત્ત, આ લચીલી વ્યાખ્યા જર્મની અને ઇટાલીનાં ભૂતકાલીન ઐતિહાસિક દૃષ્ટાંતો માટે પણ પ્રસ્તુત ઠરે છે; તો, વર્તમાન સમયનાં અમેરિકા અને ભારત જેવાં ઉદાહરણો માટે પણ અત્યંત સુસંગત છે.
૨૦૧૪ પશ્ચાત્ થયેલ ચૂંટણીઓ, ખાસ કરીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સંબંધે એક તારણ પ્રતિપાદિત થયું હતું કે મુસ્લિમ મતદારો સુધ્ધાં મતદાન બાદની સંઘપરિવારના કાર્યકર્તાઓ દ્વારા થતી હેરાનગતિના ભયથી ભા.જ.પા. અને તેમના સાથીપક્ષને મત આપવાને પરવશ થતા હતા. આમ, એક તરફ, ‘અન્ય’ વિરોધી પૂર્વગ્રહયુક્ત લાગણીને ઉશ્કેરીને કદાવર તેમ જ ઝનૂની ‘હિન્દુ રાષ્ટ્રવાદી’ ભાવના જગાડાઈ; જેના વંટોળમાં દેશના સામાજિક અને આર્થિક પ્રશ્નોને ઉડાડી દેવાયા. અને સાંસ્કૃતિક બહુવિધતાને સપાટ કરીને એક વિશાળ ‘હિન્દુ’ મતબૅંકની રચના કરાઈ. તો, બીજી તરફ, સંગઠન-શક્તિના જોરે સામાન્ય લોકો; ખાસ તો, લઘુમતીઓમાં ખોફ ઊભો કરાયો. ‘લોકતાંત્રિક’ ચૂંટણીની ‘લાંરેપા’ પદ્ધતિનો (ગેર)ફાયદોે ઊઠાવીને યેનકેન પ્રકારે બહુમત મેળવવા આ કુટિલપણે રણનીતિપૂર્વક થયું. અહીં એક અન્ય મુદ્દો પણ નિર્દેશકારક છે.
અગાઉ અન્ય સંદર્ભમાં ઉલ્લેખ થયો છે તેમ, વૈશ્વિકીકરણ પ્રકલ્પની અન્ય એક અસર, લોકમાનસમાં ઊંડે ઘર કરી ગયેલ અસુરક્ષિતતા, સુભેદ્યતા, બરડતાનો ખ્યાલ, ભાવ છે. રોજગારીની અસલામતી અને પરિણામે નિષ્પન્ન જીવન-પરિસ્થિતિની અસ્થિરતાને કારણે સામાન્ય લોકો હવે તેમના ભાવિ વિશે દીર્ઘદૃષ્ટિપૂર્વક વિચારવાને સક્ષમ રહ્યા નથી. કેમ કે તે તેમને પરવડે એમ જ નથી. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભાવિ સંબંધે તેઓ માત્ર સાવ નજીકનું જ વિચારવાને અને આયોજન કરવાને પરવશ થયા છે અને જીવન-પરિસ્થિતિ સંબંધિત આ અભિગમ જીવનના પ્રત્યેક પાસા સંબંધે તેમના દૃષ્ટિકોણમાં અને વ્યવહારમાં પ્રતિબિંબિત થાય એ સ્વાભાવિક લેખાઈ શકે. એટલે ચૂંટણીમાં મત આપતી વખતે પણ સમગ્ર સમાજ કે દેશનું લાંબા ગાળાનું હિત વિચારવાની ક્ષમતા તેઓ દાખવે એવી અપેક્ષા ન રાખી શકાય અને આથી પ્રચારના સતત મારાથી પ્રભાવિત થઈને તેમણે અત્યંત કામચલાઉ વલણ દાખવી ‘સમર્થ, પૌરુષત્વપૂર્ણ વિશ્વનેતા’ અને તેમના પ્રભુત્વકારી પક્ષની તરફેણમાં મત આપ્યો હોય એ સાવ બનવાજોગ છે.
સંક્ષિપ્તમાં, ૨૦૧૯ના જનાદેશને ઔચિત્યના ઢાંચામાં વિધેયાત્મક પરિબળો – જેવા કે મોદી સરકારની લોકપ્રિય યોજનાઓ, નેતા રૂપે મોદીની અપાર લોકપ્રિયતા, પ્રતિપક્ષોની નબળાઈ વગેરે – થકી વિશ્લેષિત કરવામાં અતિ સરળીકરણપૂર્વકનો દોષ કળાઇ રહ્યો છે. આ સમજૂતી પરિણામ પશ્ચાત્ તેને ઉચિત ઠેરવવાની કવાયત છે અને પરિસ્થિતિની સંકુલતાને નજરઅંદાજ કરે છે. આ જનાદેશને અર્થઘટિત કરવા સંબંધે સંરચનાકીય પરિસ્થિતિ, સવિશેષપણે વૈશ્વિક આર્થિક કટોકટીની દેશમાં વિઘાતક અસર તેમ જ તેને કારણે બરડ અને સુભેદ્ય (vulnerable) બનેલ જનસમૂહની ભૌતિક સ્થિતિ અને મનોસ્થિતિના પરિબળોનો મુખ્યપણે નિર્દેશ કરવો પડે. આ સ્થિતિનો (ગેર)લાભ ઊઠાવી સંગઠન-શિસ્ત તેમ જ નેતાઓની વકૃત્ત્વ-શિસ્ત થકી સઘન પ્રચાર, પ્રસાર દ્વારા – – જનસમૂહને ભ્રમિત કરવામાં સંઘપરિવારે કામિયાબી હાસિલ કરી કે જેમાં અલબત્ત, વશીભૂત થયેલ અને નાકલીટી તાણેલ સમૂહ, માધ્યમો (મુદ્રણ અને વીજાણુ બંને) અને સામાજિક માધ્યમોના પાયદળે પણ અહમ્ ભૂમિકા ભજવી. એ કબૂલવું રહ્યું કે ‘લાંઘનરેખાને પ્રથમ પાર’ની પ્રમુખ લાક્ષણિકતા ધરાવતા લોકતંત્રના કળની ચાવી; વિજય-પતાકા લહેરાવવા માટેના સામ-દામ-દંડ-ભેદની પ્રયુક્તિ સંઘપરિવારના નેતૃત્વે હસ્તગત કરી લીધી છે. ‘લાંરેપા’ લોકતંત્રની મૂળભૂત અને તાત્ત્વિક મર્યાદાઓ સામે પણ મતદારોએ લાચારી અનુભવી હોઈ શકે.
આ અંગે, મનોશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યથી વિચારતા, મૂડીવાદી અને બજાર-કેન્દ્રી અર્થતંત્રના દીર્ઘ અનુભવકાળ દરમિયાન સમાજ અને પ્રત્યેક સામાજિક હસ્તી કે વ્યક્તિ આજીવિકા સંબંધિત સતત સ્પર્ધા અને સંઘર્ષની પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે. આર્થિક સંરચનાના આ અનુભવો પ્રત્યેકમાં અન્ય ગુણો અને અવગુણોની સાથે અસૂયા, ઘૃણા વગેરે. નકારાત્મક ભાવો પણ તીવ્રપણે જનિત કરે છે, જે મહદંશે અંતરમાં ધરબાયેલી અવસ્થામાં રહેતા હોય છે અને અમુક, સ્પર્ધા ને સંઘર્ષની કે અન્ય તાણયુક્ત પરિસ્થિતિમાં જ પ્રાકટ્ય સાધે છે. અને આ જ ભાવોની સમાંતરે, બલકે તેના પરિપાકરૂપે પ્રત્યેક સમૂહ કે વ્યક્તિના સંબંધે ‘અન્ય’ની રચના થતી હોય છે; કે જેના પ્રતિ ઉપર્યુક્ત નકારાત્મક ભાવોનું વહન અને અભિવ્યક્તિકરણ સાધી શકાય. મોદી અને શાહના નેતૃત્વ હેઠળના એકધારા નકારાત્મક પ્રચારની તાસીર અને મકસદ જ અંતઃતલમાં રહેલા આ સુષુપ્ત બિભત્સ ભાવોના પ્રકટીકરણ થકી સત્તા મેળવવાની હતી અને તેમાં તેઓને જ્વલંત સફળતા મળી. અંતે, ચૂંટણી-વિશ્લેષણમાં જે-તે પક્ષ કે નેતાની ફતેહ કે પરાભવ માટેનાં કારણો અને પરિબળોની ચર્ચા કરવાની સાથે તેથી આગળ જે-તે નેતા કે પક્ષના સત્તાસ્થાને બિરાજવા સંદર્ભે જનસામાન્યના માટે તેમ જ સમાજના સર્વાંગી અને સર્વગ્રાહી હિતોના દૃષ્ટિકોણથી ઔચિત્ય કે અનૌચિત્ય સંબંધે વ્યાપક વિમર્શ થવો જોઈએ. અલબત્ત, દરેક વિશ્લેષક અને આલોચકની ‘ઇચ્છિત સમાજ’ની ધારણા કે દર્શનની બુનિયાદ પર આ વિમર્શ થતો હોય છે. પરંતુ, કેટલીક માનવીય હિતલક્ષી ધારણાઓ તો નિઃસંદેહપણે શાશ્વતપણું ધરાવતી હોય છે અને તેને કેન્દ્રમાં રાખતાં, સમગ્રપણે ભારતીય સમાજના માનવીય હિતો સંદર્ભે વિચારતા, ૨૦૧૯નો જનાદેશ અત્યંત વિઘાતક છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 03-08