કોરોનાની એન્ટ્રી નહોતી થઈ ત્યારનું દેશનું રાજકીય ચિત્ર સંભારીએ તો ફ્રન્ટ પર કામ કરી રહેલા જે-તે રાજ્યોના મુખ્યમંત્રીઓનાં નામ યાદ રાખવામાં સુધ્ધા મશક્કત કરવી પડતી હતી. દેશમાં એક માત્ર આગેવાન સર્વોચ્ચ પદે બિરાજેલા વડા પ્રધાન હતા. કેરળ, દિલ્હી, ઓરિસ્સા અને અન્ય કેટલાંક રાજ્યોને છોડી દઈએ તો મહદંશે કેન્દ્રની આગેવાનીની અસર તમામ રાજ્યોમાં દેખાતી હતી.
ગુજરાતમાં તો તે અસર વિશેષ પ્રમાણમાં દેખાય તે સ્વાભાવિક છે. આ ચિત્ર હવે તદ્દન વિપરીત થઈ ચૂક્યું છે અને કેન્દ્રિય રાજનીતિના આગેવાન જાણે અદૃશ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા છ મહિનામાં બહુ ગાજેલા દેશના ગૃહમંત્રી ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. દેશના ન્યૂઝ ચેનલ પર હવે કેરળનાં મુખ્યમંત્રી પિનારયી વિજયન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પંજાબના અમરિંદર સિંઘ શું કહે-કરે છે તે ખબરો આવી રહી છે. મુખ્યમંત્રીઓ અત્યારે કટોકટીમાં કામ કરી રહ્યાં છે અને તેમનું નેતૃત્વ જ કોરોનાની લડતમાં જીત અપાવશે. લોકોની સીધી જવાબદારી હવે મુખ્યમંત્રીઓના શિરે છે.

અમદાવાદ શહેરના કમિશનર વિજય નેહરા

ગુજરાતના ડી.જી.પી. શિવાનંદ ઝા
મુખ્યમંત્રીઓ જેમ જે-તે રાજ્યોમાં કામ કરી રહ્યાં છે, તે રીતે ફિલ્ડ પર વહીવટી અધિકારીઓ પણ કામ કરી રહ્યાં છે. આ અધિકારીઓના હાથમાં કામની ખરી બાગડોર છે. જેમ અમદાવાદમાં અગ્રગણ્ય અધિકારી સૌથી એક્ટિવ દેખાઈ રહ્યાં છે તે છે શહેરના કમિશનર વિજય નેહરા. એ પ્રમાણે રાજ્યનાં હેલ્થ પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતી રવિ સજ્જતાથી કાર્ય કરી રહ્યાં છે. ગુજરાતના ડી.જી.પી. શિવાનંદ ઝા પણ એ રીતે કાયદો વ્યવસ્થા જાળવવાનું કાર્ય બૂ-ખૂબી નિભાવી રહ્યા છે. આ કટોકટીના સમયમાં આપણે સૌએ એ સમજવું જોઈએ કે ખરેખર લોકો માટે ગ્રાઉન્ડ પર કોણ કામ કરે છે.

રાજ્યનાં હેલ્થ પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતી રવિ
રાજકીય વિકેન્દ્રિકરણનું જે અમલી સ્વરૂપ આજે આપણે સૌ જોઈ રહ્યાં છે તેમાં કેન્દ્રિય આગેવાનીની જરા સરખી અવગણના નથી, પરંતુ અહીંયા એટલું સમજવું જરૂરી છે કે દેશની તમામ વ્યવસ્થા વિકેન્દ્રિત છે અને તેમાં સ્થાનિક અધિકારીઓની ભૂમિકા સૌથી અગત્યની છે. આ સમજી લઈશું તો આપણું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે, તે સરળતાથી નક્કી કરી શકાય.
e.mail : kirankapure@gmail.com
![]()


કોરોનાની રસી અંગે રોજેરોજ ન્યૂઝ આવી રહ્યાં છે, પણ તેનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને વિશ્વમાં ક્યાં રસી અંગે સંશોધન થઈ રહ્યું છે, તેનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. રસી નિર્માણની પ્રક્રિયા લાંબી અને અનિશ્ચતતાભરી છે; અને તેમાં અલગ-અલગ સ્ટેજ પર રસીનું પરીક્ષણ થાય છે. આ અટપટી પ્રક્રિયામાં દાવા સાથે કોઈ વાત કરી શકતું નથી. બસ, અનુમાનથી કામ આગળ ચાલે છે અને જ્યારે રસી તમામ માપદંડ પર ખરી ઊતરે પછી તે વિશે કશું ઠોસ કહી શકાય. રસી નિર્માણનો ઇતિહાસ-વર્તમાન વિશ્વ કેવું છે અને તેમાં કેવી રીતે કામ થાય છે તે વિશે થોડું જાણીએ.
રસી નિર્માણ મોટી કંપનીઓને રોકાણ કરવા માટે યોગ્ય ક્ષેત્ર લાગ્યું નથી. આ કંપનીઓ દવાના માર્કેટમાં અબજો રૂપિયા રળી લે છે, પણ માનવહિત માટે તેઓ નફાનો અમુક હિસ્સો રોકાણ કરવા તૈયાર થતા નથી. આ કારણે કોરોનાની રસીને લઈને અત્યારે જે શોધ આરંભાઈ છે, તેમાં મોટા ભાગની કંપનીઓ પાસે મૂળભૂત સુવિધાઓ નથી. હાલમાં વિશ્વભરમાં 35 જેટલી સરકારી સંસ્થાઓ અને કંપનીઓ કોરોના રસીની શોધ કરી રહ્યાં છે. આ શોધમાં કોણ કયા સ્ટેજ સુધી પહોંચ્યું છે તે અંગે પણ જાતભાતની ખબરો આવી રહી છે. આ બધામાંથી જે ‘ન્યૂઝ’માં કશું તથ્ય મળ્યા છે તે અંગે વાત કરીએ.