ગત સંસદ સત્રમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે અત્યારે દેશમાં ન્યૂક્લિઅર પાવરથી 6,780 મેગાવોટ વીજળી ઉત્પાદીત થઈ રહી છે; અને 2031 સુધી આ ક્ષમતા વધીને 22,480 કરવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકનો અર્થ આવનારાં નવ વર્ષમાં ન્યૂક્લિઅર દ્વારા વીજળી ઉત્પાદન ચાર ગણું થશે. ન્યૂક્લિઅર આધારિત વીજળીનું
ઉત્પાદન વિવાદિત મુદ્દો છે. પણ કટોકટીમાં લાંબા ગાળાના નુકસાનના અવેજમાં ટૂંકા ગાળાના લાભનો જ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દેશમાં વીજળીનો પ્રશ્ન અતિ વિકટ છે અને આજે ય અંધારપટ ધરાવનારાં વિસ્તારો શોધવામાં ઝાઝી મશક્કત કરવી પડતી નથી. ઉનાળામાં તો વીજળીની બૂમો દિલ્હી જેવાં શહેરોમાં પણ પડે છે. ગામડાંઓમાં વીજળી હજુ ય સરળતાથી ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ધીરે ધીરે સુધરી જરૂર રહી છે અને તેમાં અલગ-અલગ સ્રોત આધારિત વીજળી ભાગ ભજવે છે.
વર્તમાનમાં દેશમાં સૌથી વધુ વીજળી કોલસા દ્વારા ઉત્પન્ન થાય છે. આ ટકાવારી પચાસની આસપાસ છે. તે પછી રિન્યૂએબલ એનર્જી છે, જે પવન, સોલર અને અન્ય માધ્યમથી ઉત્પન થાય છે. આ વીજળી કુદરતના જોરે ઉત્પન્ન થાય છે. હાલ આપણા દેશમાં 26 ટકાની આસપાસ રિન્યૂએબલ આધારિત વીજળી છે. તે પછી હાઇડ્રો વીજળી છે. તેની ટકાવારી 11 ટકાની આસપાસ છે. તે મહદંશે પાણી દ્વારા ઉત્પાદિત થાય છે અને ડેમ સાઈટ પર આવા હાઈડ્રો પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવે છે. ગેસ દ્વારા છ ટકા અને ન્યૂક્લિઅર દ્વારા અત્યારે કુલ વીજળીની દોઢ ટકા વીજળી ઉત્પન્ન થાય છે.
ન્યૂક્લિઅરનો હિસ્સો હાલમાં ખૂબ ઓછો છે પણ સરકાર હવે તે વધારવામાં માંગે છે અને માટે દેશમાં નવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરી રહી છે. અત્યારે દેશમાં એક્ટિવ ન્યૂક્લિઅર પ્લાન્ટ સાત છે. તેમાંથી બે તમિલનાડુમાં, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક છે. તે સિવાય ચાર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણાધિન છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થશે. તેમાં એક તમિલનાડુમાં આવેલો કલ્પકમ્મ અને કુન્ડુકુલ્લમ છે, બીજો ગુજરાતમાં કાકરાપાર ખાતે યુનિટ-4 છે, તે પછી હરિયાણાના ગોરખપુર, રાજસ્થાનમાં યુનિટ 7 અને 8 છે. નિર્માણાધિન સિવાય અન્ય નવ ન્યૂક્લિઅર પ્લાન્ટનાં આયોજન થઈ રહ્યાં છે. આ રીતે ન્યૂક્લિઅર બેઝ્ડ વીજળી આપણે મહત્તમ સ્તરે લઈ જવા પ્રયત્નશીલ છે.

હવે એ વિચારવું રહ્યું કે દેશ કેમ ન્યૂક્લિઅર વીજળી તરફ આગળ વધી રહ્યો છે. તેનું સૌથી મહત્ત્વનું કારણ કે દેશમાં આજે ખૂણે ખૂણે વીજળી પહોંચી રહી છે અને વીજળીના સંસાધનો પણ વધી રહ્યા છે. વ્યક્તિદીઢ વીજળી વપરાશ વધ્યો છે. 2019-20ના આંકડા મુજબ આપણી વ્યક્તિદિઠ વીજળીની ખપત 1208 કિલોવોટ છે. 2012ના જ મુકાબલે આ આંકડો ત્રણસો કિલોવોટ વધ્યો છે. આગળ પણ તે વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. બીજું કે કોલસા આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં પ્રદૂષણ ખૂબ વધે છે. ‘સેન્ટર ફોર સાયન્સ એન્વાયર્મેન્ટ’ દ્વારા થયેલાં અભ્યાસ મુજબ તો કોલસા આધારિત વીજળી ઉત્પાદનને વિશ્વનું સૌથી પ્રદૂષિત કરનારું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. આનું એક કારણ એ પણ છે કે ભારતમાં મળતા કોલસાની ગુણવત્તા નબળી છે. અને એટલે જ હવે કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા સરકારે માપદંડ વધુ સખ્ત કર્યા છે. હાઇડ્રો પાવર એક સારો વિકલ્પ છે, પણ તેમાં મસમોટા ડેમ નિર્માણ કરવાનો જંગી ખર્ચ છે. આ વિકલ્પના પર્યાવરણીય જોખમો વધુ છે. અને એટલે જ રિન્યૂએબલ એનર્જી તરફ દેશનું વીજળી સેક્ટર આગળ વધી રહ્યું છે. રિન્યૂએબલ એનર્જી માટે ભારત પ્રતિબદ્ધ છે અને એટલે 2016માં ‘પેરિસ એગ્રીમેન્ટ’માં ભારત સરકારે એમ સ્વીકાર્યું છે કે 2030 સુધી દેશની કુલ વીજળી ખપતમાં ભારતની અડધો અડધ વીજળી રિન્યૂએબલ હશે.
રિન્યૂએબલ એનર્જીમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ, સોલર, વીન્ડ, વેસ્ટ ટુ પાવર આવે છે. તદ્ઉપરાંત તેમાં જ ન્યૂક્લિઅર આધારિત વીજળીનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ન્યૂક્લિઅર એનર્જીનું ચિત્ર શું છે તે પહેલાં સમજી લઈએ. જેમ કે, હાલમાં વિશ્વમાં 32 દેશો ન્યૂક્લિઅર આધારિત વીજળીનો ઉપયોગ કરે છે. તેમાં સૌથી વધુ યુરોપ, નોર્થ અમેરિકા, ઇસ્ટ એશિયા અને સાઉથ એશિયા છે. આ ખંડના હિસ્સા પરથી ખ્યાલ આવી જાય કે જ્યાં સૌથી વધુ વિકસિત દેશો છે તેઓ ન્યૂક્લિઅર એનર્જી તરફ વળ્યા છે. અમેરિકા ન્યૂક્લિઅર આધારિત વીજળી ઉત્પન્ન કરવામાં સૌ પ્રથમ આવે છે અને ફ્રાન્સ તેની 70 ટકા વીજળી ન્યૂક્લિઅરથી જ પેદા કરે છે. ચીન પણ એ તરફ જ આગળ વધી રહ્યું છે.

ભારતના વીજળીની જરૂરિયાત અર્થે ન્યૂક્લિઅર એનર્જી સરળ વિકલ્પ છે. પહેલાં તો વિશ્વભરમાં ન્યૂક્લિઅર એનર્જીથી વીજળીનું ઉત્પાદન સામાન્ય થઈ રહ્યું છે. હા, તેમાં કેટલાંક હવે અપવાદ છે. જેમાં ઇટાલી, ઓસ્ટ્રિયા, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ગ્રીસ, આઈરલેન્ડ અને નોર્વે જેવાં દેશો છે. આ બધા જ દેશો ધીરે ધીરે ન્યૂક્લિઅર એનર્જીથી પોતાને વેગળા કરી રહ્યા છે. હવે એક તરફ ન્યૂક્લિઅર એનર્જીનો ઉપયોગ કરવા અમેરિકા, ચીન અને ભારત જેવાં દેશો ઉત્સુક છે જ્યારે યુરોપના નાનાં દેશો તેમાંથી બહાર નીકળી રહ્યા છે. આનું મુખ્ય કારણ તેનાથી ફેલાતું પ્રદૂષણ છે, તેમાં ન્યૂક્લિઅર વેસ્ટનો પ્રશ્ન પણ મોટો છે. અન્ય વિકલ્પો જોતાં ન્યૂક્લિઅર વધુ લાભકારક લાગે છે, પણ તે ત્યાં સુધી જ જ્યાં સુધી તેમાં કોઈ અકસ્માત ન થાય. અન્ય કોઈ પણ વિકલ્પમાં અકસ્માતની વેળાએ પણ જોખમને ઘટાડી શકાય છે. પણ ન્યૂક્લિઅર એનર્જીના કિસ્સામાં જ્યારે પણ કોઈ અકસ્માત થાય તો તેનો તોડ કોઈની પાસે નથી. જેમ કે ચર્નીબોલ અને જાપાનમાં ભૂકંપ વખતે ફૂકુશિમા ન્યૂક્લિઅર પ્લાન્ટમાં જોવા મળ્યું હતું. રશિયા અને જાપાન ટેકનોલોજીની દૃષ્ટિએ સજ્જ દેશો છે તેમ છતાં જ્યારે ન્યૂક્લિઅરના અકસ્માત થયા ત્યારે તેમની પાસે કોઈ તોડ નહોતો. આવે વખતે ભારતમાં કોઈ અકસ્માત થાય તો તે કેવી રીતે તેનો ઉકેલ લાવે તે સવાલ છે.
આ ઉપરાંત જે ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ છે તેમાંથી નિકળતા રોજબરોજનું પ્રદૂષણ પણ ખૂબ મોટો સવાલ તેના સામે ઊભો કરે છે. અને તે માટે જ અમેરિકામાં અને જ્યાં આવા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે ત્યાં તેનું બાંધકામ કેવી રીતે થવું જોઈએ તે નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે પછીનો સવાલ ન્યૂક્લિઅર પ્લાન્ટ માટે જોઈતા યુરેનિયમનો છે. યુરેનિયમ વિશ્વમાં કઝાકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવાં જૂજ દેશોમાં છે. તે પછીનો ન્યૂક્લિઅર વીજળી પ્રશ્ન કેન્સર સંબંધિત છે. અત્યાર સુધીના અનેક અભ્યાસોમાં એવું ફલિત થયું છે કે, ન્યૂક્લિઅર વીજળીથી કેન્સરનું જોખમ ઊભું થાય છે. તેના સૌથી મોટા શિકાર પ્લાન્ટમાં કર્મચારીઓ અને આસપાસની વસતી છે. આવાં અનેક જોખમો છે, પણ અલ્ટીમેટલી તેમ છતાં વીજળી ઉત્પાદનના વિકલ્પ તરીકે તે સૌથી સરળ માર્ગ છે.
સરકાર એટલે ન્યૂક્લિઅર માર્ગે આગળ વધી રહી છે, પણ જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે તે તરફ ફરીથી વિચારણા થાય છે. દેશમાં મહારાષ્ટ્રના જેતપુર ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો વિરોધ સ્થાનિક લોકોએ ખૂબ કર્યો હતો. એ રીતે તમિલનાડુના કોન્ડાકુલ્લમ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો પણ વિરોધ સ્થાનિકોએ કર્યો છે. બંગાળ સરકારે એ રીતે કેન્દ્ર સરકારની ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ સ્થાપવાની માંગને ઠુકરાવી છે. સુપ્રિમ કોર્ટમાં પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઈલ થઈ હતી કે જ્યાં સુધી ન્યૂક્લિઅર પ્લાન્ટમાં સુરક્ષાના માપદંડને યોગ્ય ન હોય ત્યાં સુધી મંજૂરી આપવી નહીં અને તે માટે નિષ્ણાતોની સમિતિને કામ સોંપવું. જો કે સુપ્રિમ પોતાની પાસે આ અંગે કોઈ જ નિષ્ણાત નથી તેમ કહીને સરકાર પર પૂરો મામલો છોડી દીધો છે.
આ પૂરું ચિત્ર જોતાં તો ન્યૂક્લિઅરનું જોખમ મસમોટું હોવા છતાં સરકારને તે જ સૌથી સરળ લાગવાનું છે અને તેનો અમલ આપ્યા સમય કરતાં વધુ ઝડપથી થાય તો નવાઈ નહીં.
e.mail : kirankapure@gmail.com
![]()


‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”
અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”
ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?”
તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.”
એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.