હાલમાં જ ઈઝરાયૅલ-પૅલૅસ્ટાઈન વચ્ચેના સંઘર્ષમાં વિરામ આવ્યો છે. અહીં બન્ને દેશોના કવિઓની અભિવ્યક્તિ દ્વારા આ અટકવાનું નામ નહીં લેતા સંઘર્ષની આંટીઘૂંટી સમજવાનો પ્રયાસ છે. બન્ને પક્ષોને સ્પષ્ટ જુદા પાડવા અઘરા છે. કવિઓના પરિચય વાંચતા ખ્યાલ આવશે કે ઈઝરાયૅલમાં રહેતા યહૂદી કવિ સમાધાનના હિમાયતી બને છે તો પૅલૅસ્ટાઈનના કવિ પણ સંઘર્ષનો ઉકેલ લાવવા થતી વાતાઘાટોમાં મહત્ત્વનો અવાજ બને છે.
ઇતિહાસમાં જુદા જુદા તબક્કે ઈઝરાયૅલી અને પૅલૅસ્ટિનિયન લોકોની હિજરત નોંધાયેલી છે. એક પેઢીથી બીજી અને ત્રીજી પેઢી ક્યાંથી ક્યાં ફરીને વળી પાછી મૂળ વતનમાં આવે છે એ અલમૉગ બેહારના પરિચયમાંથી ખ્યાલ આવે છે. ઇ. પૂર્વે. ૫૯૭માં અને ઇ.સ. ૭૩માં યહૂદી પ્રજાએ પહેલવહેલા ડાયસપોરાનો અનુભવ કરેલો. જ્યારે પૅલૅસ્ટિનિયન પ્રજાએ ૧૯૪૮માં ડાયસપોરાનો અનુભવ કરેલો.
ઈઝરાયૅલમાં રશિયા કે જર્મનીથી આવેલા યહૂદી લોકો બન્ને દેશોની ભાષા બોલે છે. આમીકાઈ યહૂદી-જર્મન તો અલમૉગ બેહાર અને સલમાન મસાલહા ઈઝરાયૅલી છે પણ યહૂદી નથી, આરબ છે. બન્નેની માતૃભાષા અરબી છે, પરંતુ લખે છે હિબ્રૂમાં. યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો, ભારત, વગેરે દેશોથી યહૂદીઓ ઈઝરાયૅલમાં સ્થાયી થયાં છે. વંશીય સંદર્ભે આ યહૂદીઓ મૂળ વર્ગના પેટા વર્ગો બને છે. આમ, ઓળખમાં વંશીય, ભાષાકીય અને રાષ્ટ્રીય આયામો ભળીને ઓળખ બને છે.
પૅલૅસ્ટાઈનની વાત કરીએ તો એક તરફ મેહમુદ ડાર્વિશ જેવા આરબ છે જે ઈઝરાયૅલમાં જન્મેલા, અને બીજી તરફ પૅલૅસ્ટાઈનમાં ધર્મનિષ્ઠ ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા હેનન આશરવી જેવા લોકો છે. બીજા શબ્દોમાં ના તો યહૂદીઓની એકસમાન (monolithic) ઓળખ છે કે ના તો પૅલૅસ્ટિનિયનોની. રસપ્રદ જેટલું છે એટલું જ જટિલ પણ છે. રાજકીય પક્ષો સંઘર્ષને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવે છે. પરંતુ બન્ને દેશોના કાવ્યોમાં તરફેણ સમાધાનની છે. આ કાવ્યો લખાયાં ને વંચાયાં એની જમીની ઉપલબ્ધિ ભલે ના હોય, ઘાયલ લાગણીઓ પ્રત્યે સંવેદનશીલતા ઊભી કરે જ છે. સમૂહ માધ્યમોમાં, રાજકીય ઇતિહાસ, ભૂગોળ, વગેરેમાં વાંચેલી સામગ્રી કરતાં એક અલગ જ અનુભવ આ કાવ્યોમાંથી પસાર થતાં મળે છે. પ્રસ્તુત કાવ્યોના અનુવાદ દરમ્યાન આ કવિઓના સંવેદનો આત્મસાત્ કરતા આંખ ભીની થઈ ગઈ અને હૃદય નમ્ર.
— રૂપાલી બર્ક
ઈઝરાયૅલી કવિઓ
૧. યેહુડા આમીકાઈ (૧૯૨૪-૨૦૦૦)
યેહુડા આમીકાઈનો જન્મ જર્મનીના વર્ઝબર્ગમાં રૂઢિચુસ્ત યહૂદી પરિવારમાં થયેલો માટે હિબ્રૂ અને જર્મન બન્ને ભાષા શીખ્યા. ૧૨ વર્ષની ઉંમરે કુટુંબ સાથે મૅન્ડૅટ પૅલૅસ્ટાઈનમાં અને બાદમાં જેરુસલૅમમાં સ્થળાંતર કર્યું. ૧૯૫૬ અને ૧૯૭૩માં અનુક્રમે સિનાઈ યુદ્ધ અને યોમ કિપુર યુદ્ધમાં હિસ્સો લીધો. પાછળથી આરબ લેખકો સાથે મળીને એ વિસ્તારમાં શાંતિ અને સમાધાનના હિમાયતી બન્યા.
માઉન્ટ ઝાયન પર પોતાની બકરી શોધતો આરબ ભરવાડ
માઉન્ટ ઝાયન પર એક આરબ ભરવાડ પોતાની બકરી શોધી રહ્યો છે
અને સામેના ડુંગર પર હું મારા નાના અમથા દીકરાને શોધી રહ્યો છું
એક આરબ ભરવાડ અને એક યહૂદી પિતા
બન્ને એમની હંગામી નિષ્ફળતામાં.
અમારા બન્નેના અવાજો અમારી વચ્ચેની
ખીણમાં સુલ્તાન તલાવડી ઉપર મળે છે.
“હાદ ગાડ્યા”* મશીનના પૈડામાં અમે બેમાંથી એકેય
દીકરો કે બકરીને ફસાવવા દેવા માગતા નથી.
થોડી વારે ઝાંખરામાંથી અમને એ બેઉ મળી આવ્યા
અને અમારા અવાજો પાછા અમારી અંદર આવી ગયા
હસતા અને રડતા.
બકરી અને બાળકની શોધખોળથી હંમેશાં
આ પર્વતોમાં નવા ધર્મની શરૂઆત થઈ છે.
*હાદ ગાડ્યા : યહૂદીઓના પાસખા પર્વના ઉત્સવના અંતે ગવાતાં રમૂજી ગીતમાં બકરીના લવારાનો ઉલ્લેખ. એનાં અનેક સંદર્ભો છે.
હિબ્રૂમાંથી અંગ્રેજી અનુવાદ : હાના બ્લોક
સ્રોત: reverberatehills.blogspot.com
* * *
જૅરુસલૅમ
જૂના શહેરના છાપરા પર
મોડી બપોરના તડકામાં કપડાં સુકાઈ રહ્યાં છે.
મારી દુશ્મન એવી સ્ત્રીની સફેદ ચાદર,
મારો દુશ્મન એવા પુરુષનો ટુવાલ,
એના કપાળ પરનો પરસેવો લૂછવા.
જૂના શહેરના આકાશમાં
એક પતંગ.
દોરીના બીજે છેડે એક બાળક
જેને દિવાલને કારણે હું જોઈ શકતો નથી.
અમે ઘણા ઝંડા લગાવેલા છે
એમણે ઘણા ઝંડા લગાવેલા છે
અમને બતાવવા કે એ લોકો ખુશ છે
એમને બતાવવા કે અમે ખુશ છીએ.
હિબ્રૂમાંથી અંગ્રેજી અનુવાદ : આઈરીના ગૉર્ડન
સ્રોત: pij.org
~ ~ ~ ~
૨. ઍડી કાઇસર
ઍડી ‘મીઝરાહી’ ઈઝરાયૅલી (‘પૂર્વીય’ પૃષ્ઠભૂમિ ધરાવતાં એટલે કે અરબ કે ઇસ્લામિક દેશોના મૂળ ધરાવતાં) છે અને જૅરુસલૅમના ગીલો પ્રાંતમાં જન્મેલાં છે. એમના પૂર્વજો યમની હતા. એમની માતા યમનથી ૧૯૫૦માં ઈઝરાયૅલ આવેલાં અને એમના પિતાનું કુટુંબ સાનાથી ૧૮૮૨માં ઈઝરાયૅલમાં સ્થાયી થયેલું.
ઘડિયાળ ચોક
મારો ભત્રીજો ઇટાઈ ને હું
જાફામાં ઘડિયાળ ચોકમાં
ચાલી રહ્યાં છીએ.
અહીં મંચ પર પ્રસ્તુત થયેલી
ઑમ કાલતૉમથી
૮૦ વર્ષ છેટાં છીએ અમે
ને હું શોધવાનો પ્રયાસ કરી રહી છું
કપડાં સુકવવાની દોરીમાં
અભિવાદન ફસાઈ ગયું હતું કે?
પણ ક્યાં છે ઑમ કાલતૉમ*
ને ક્યાં છે આપણે
ને અમારી સામેની બાજુએ
એક દુકાનદાર વાત કરી રહ્યો છે.
ડરના માર્યા મારા ભત્રીજાએ પૂછ્યું
ઍડી, પેલો માણસ આરબ છે?
હા, આરબ છે, મેં ઉત્તર આપ્યો.
જાફામાં આરબો છે જે અહીં રહે છે.
ને મારા હાથમાં પકડ મજબૂત કરતો
ભારે શ્વાસે એ પ્રશ્ન કરે છે
એ સારા આરબો છે
કે ખરાબ આરબો?
ડરમાં એના હોઠ ભીડાયેલા છે.
દરેક રાષ્ટ્રમાં સારા લોકો
ને ખરાબ લોકો હોય છે,
મેં ઉત્તર વાળ્યો.
ખાતરી ન થતાં
એ મને વિંટળાયો
ને મને લાગ્યું કે અહીં
તસલ્લીની જરૂર છે.
સારા, મેં ઉમેર્યું.
ને એ લોકો આરબ છે એ કઈ રીતે કહે છે?
એ એની તપાસ ચાલુ રાખે છે,
એક રૅસ્ટોરાન્ટના દરવાજા સામે ફરતા
એક હોલા પર એની નજર છે
આમ તો એ એનો પીછો કરીને
એને ડરાવતો હોત.
પરંતુ હવે એ તો ભયાનક વાર્તાનો હિસ્સો છે.
ચોક્કસ જાણું છું
કે એ લોકો અરબીમાં બોલી રહ્યાં છે
જવાબ પૂરેપૂરો સચોટ નથી
એવું જાણનારના આત્મવિશ્વાસભર્યા અવાજમાં
મેં ઉત્તર આપ્યો.
બાળકો પાસે જે ઍન્ટૅના હોય છે
એના જોરે એને ખ્યાલ આવી ગયો કે
એની ફોઈ મૂંઝાયેલી છે
અને એની તકેદારી ફૂટપાવડીમાં ગરી જાય છે.
ચિંતા ના કરીશ, એ લોકો આપણા જેવાં જ છે
હું એની તરફ જીવાદોરી લંબાવું છું.
એટલે અમુક વખત લોકો માને છે કે આપણે આરબ છીએ
અને એ લોકો યહૂદી છે.
એના શબ્દોને લીધે મારા શરીરની આરપાર
પંખીઓનાં ઝૂંડ ઊડવાં લાગે છે
ને એ ખળભળાટમાં મારી નસો ચીરાઈ જાય છે.
હું એને મારાં દાદી શમા અને કાકા મૌસા
ને કાકા દાઉદ ને કાકા અવાદ વિશે કહેવા માગું છું.
પરંતુ છ વર્ષની ઉંમરે એની પાસે
દાદી ઝાયોના
દાદા યાફ્ફા
કેટલા ય કાકાઓ
અને રાજ્ય પાસેથી મળેલી
ડર ને યુદ્ધની ભેટ છે.
*ઑમ કાલતૉમ : ઈજિપ્શિયન ગાયિકા
હિબ્રૂમાંથી અંગ્રેજી અનુવાદ : વિવિયન ઍડન
સ્રોત: poetryinternational.org
* * *
જો હું તને વિસરી જાઉં
હું લખતાં શીખી એની પૂર્વે,
એ વેળાએ પણ,
પ્રિસ્કૂલમાં
મને ખબર હતી.
મેં માને વિનંતી કરી,
માંગણી કરી
કે એ અજબ ચિહ્નોનો અર્થ
મને સમજાવે
ને મેં વિચાર્યું,
મારે પણ કૂટ સંકેત,
ઉકેલવો છે
લિખિત કરારમાં
પ્રવેશ મેળવવા માટે
મારી આંગળીઓ વચ્ચેથી
શબ્દો જન્મે એવું ઈચ્છું છું
જે દિવસથી લખતાં શીખી
તે વેળાથી જાણતી હતી
કે મેં તને લખવા ચાહ્યી હતી.
તને ચિહ્નો અને તાજુબીઓ આપવા ચાહ્યું
તારામાં અક્ષરો લખવા
મારામાં તને લખવા
તારામાં તું મને લખે
મારી ડોક પર છૂંદણું ચાહ્યું —
જો હું તને વિસરી જાઉં.
જેરુસલૅમ.
તારું થોડું લોહી કાઢી
મારાં લોહી સાથે ભેળવવું હતું
હંમેશાં એ જાણતાં હોવા છતાં
કે નદીઓ તારામાં વહે છે.
વિદૂષકો ને મસીહાઓનું
રંકો ને રાજાઓનું રક્ત
તારા પર ડાઘા પાડી ગયું છે
ઈશ્વરની
આંગળીઓનાં લાલ નિશાન
ને માત્ર હું ના હોઈ શકું
વિજેતા તરીકે
પરાજિત તરીકે
મિનારા વડે આહત
પડેલા જડબા સાથે
તારા ઝાંપાઓ ઓળંગનાર
માત્ર હું નથી.
જેરુસલૅમ.
હું ગતિ ધીમી કરું છું
શ્વાસ ઊંડા લઉં છું
માઉન્ટ સ્કોપસની ઠંડી હવામાં
ક્યારેક મારા ગળામાં પંખીઓ ફસાઈ જાય છે.
પત્થરો વચ્ચેની તિરાડોમાં
હું ગુપચુપ નૃત્ય કરું છું
જેથી માઉન્ટ ઑલિવ્ઝ પરના
મૃતકોને જગાડી ના દઉં.
એ પવિત્રતા શોષવા પ્રયત્ન કરતા
તારા પથ્થરો સાથે ઘસાઉં છું
ઝડપી શબ્દોથી તને અભડાવું છું
જુદા પ્રકારે સૂંઘતા, અન્ય રંગોમાં
કારણ કે ગિલોની શાળાના
સૉકરના મેદાનમાં
દરિયાની સ્વતંત્રતાની સુગંધ
મારા નાક સુધી પહોંચી નથી.
પૂર્વથી પશ્ચિમ
(ક્યારેક એથી વિરુદ્ધ)
સવારથી સાંજ
સૂર્ય જે ઝંખનાની ભાળ તારામાં મેળવે છે
એને તું શાંત પાડી દે છે.
તું કદી હોકાયંત્રના ગુલાબના
આદેશને તાબે નથી થતી
બૂઝાયેલી ભીંત-ઘડિયાળની સામે જોઈ
તું હવામાં ફૂંક મારે છે
સરકતા ખંડોની ગતિ સાથે તાલ મિલાવતા
માત્ર તું અને હું રાહ જોઈ રહ્યાં છીએ
ઑસ્ટ્રેલિયાના આફ્રિકા સાથે પુન: જોડાવવા માટે
જમીનમાં દટાયેલી ઝંખના માંહેથી
મારી પાંખડીઓ ભીડાય છે તારામાં
થાકેલા ચહેરા પર ટેકવેલી હથેળીઓની જેમ
મધમાખીઓને મધ અને ડંખની શોધમાં
મોકલે છે બીજાં શહેરોમાં
હું ઑમ્લૅટ બનાવી રહી છું
ઈંડાના કોચલા તોડ્યા વગર
ઈંડા તૂટી જાય છે
માત્ર મારા હાથના સ્પર્શથી
તાવડામાં તેલ ધૂણાઈ રહ્યું છે
જેરુસલૅમ.
તું કોની માલિકીની છે, જેરુસલૅમ?
તરછોડાયેલી કન્યા તું
અનેક દીકરાઓની માતા
અનેક ઘણા
જેને તું શિક્ષિત ન બનાવી શકી
જો કે એ તારાથી ડરતા હતા
અને અતિશય ઉત્કટતાને લીધે
એ બળી ગયા છે
અને એ બાળે છે
જેરુસલૅમ
તારો પ્રકાશ એમને લૂલા બનાવે છે
અને ચમકદાર પાગલપન વાવે છે
ખાલી ફેફસાંના આકાશમાં
હજારો તારાઓની માફક
તું કોની માલિકીની છે, જેરુસલૅમ?
મારી
અને તારી
બન્ને
અનાથ છીએ.
બત્રીસ વર્ષ
અને મેં હજુ તારા પર
એક નિશાન નથી છોડ્યું
જ્યારે તે મારી ચામડી ઉપર
હજારો શબ્દોના છૂંદણાં કર્યા છે
પ્રત્યેક ભાષામાં
તે મારા પર સેંકડો નિશાન છાપ્યાં છે
આંતરિક અવયવો ઉપર
તારા પડછાયામાં મારું હૃદય કોતર્યું છે
મારા હાથની હથેળીઓ ઉપર
સાંકડી પગથીઓ ખોદી છે
મારા કપાળ ઉપર મૅઝુઝા ચોટાડ્યું છે
જે માત્ર તું જ જોઈ શકે છે
જેરુસલૅમ.
કાગળ ઉપર
શાહી ઢોળી દીધાં પછી
અને શ્વાસ વેડફ્યાં પછી
મને ખ્યાલ હતો પડવું મારી નિયતિ છે
ફરી, તને લખવા અસક્ષમ
પહેલા વરસાદમાં
તું સઘળું ધોઈ નાખીશ.
મને લખતાં શીખવ
બત્રીસ વર્ષથી નિષ્ફળ રહી છું
અને તું મારી કાચી ઉંમરની ઠેકડી ઉડાડે છે
તારા અમરત્વ સંગે
વિનવું
એ ચિહ્નોનો ભેદ ખોલ
એનો અર્થ ઉઘાડી આપ
પેલા વિલક્ષણ ચિહ્નો
મારે પણ કૂટ સંકેત,
ઉકેલવો છે
લિખિત કરારમાં
પ્રવેશ મેળવવા માટે
મારી આંગળીઓ વચ્ચેથી
શબ્દો જન્મે એવું ઈચ્છું છું
તને ચિહ્નો આપવા
તને અક્ષરોમાં લખવા
તને મારામાં લખવા
તારામાં લખાવવા
મારી ડોક પર છૂંદણું ધારણ કરવા
તારી ડોક પર —
જો હું તને વિસરી જાઉં.
હિબ્રૂમાંથી અંગ્રેજી અનુવાદ : દાના શહાફ
સ્રોત: poetryinternational.org
~ ~ ~ ~
૩. ઍલમૉગ બેહાર (૧૯૭૮)
ઍલમૉગ બેહાર ઈઝરાયૅલી કવિ છે. એમના પિતા મૂળ તુર્કીના અને માતા મૂળ બગદાદી ઈરાકી છે. ૧૯૧૭માં ઈસ્તંબુલથી બર્લિન સ્થળાંતર કર્યા બાદ હૉલૉકૉસ્ટ દરમ્યાન એમના દાદા ડેન્માર્ક નાસી ગયેલા. ઍલમૉગ બૅહાર યહૂદી સંસ્કૃતિમાં અરબી ભાષાને સ્થાન અપાવવાની મુહિમ ચલાવે છે.
મારી અરબી મૌન છે
મારી અરબી મૌન છે
ગળે ગૂંગળાયેલી
પોતાને શાપ આપતી
એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના
મારા આત્માના હવાહીન આશરામાં ઊંઘતી
સગાંવ્હાલાંઓથી
સંતાતી
હિબ્રૂ ખપાટિયા પછવાડે.
અને મારી અરબી ઊથલપાથલ મચાવી રહી છે
ઓરડાઓ અને પાડોશીઓના ઝરુખાઓ વચ્ચે દોડીને
જાહેરમાં એનો અવાજ સંભળાવીને
ઈશ્વર અને બુલડોઝરના આગમનની આગાહી કરીને
ત્યાર બાદ એ લિવીંગ રૂમમાં લપાઈ જાય છે
એની ચામડીની ભાષામાં પોતાને ઉઘાડું મહેસૂસ કરતી
પોતાના માંસનાં પાનાંઓ વચ્ચે એકદમ ધરબાયેલી
એક ક્ષણે વસ્ત્રમાં સજ્જ, બીજી ક્ષણે વસ્ત્રહીન
આરામ ખુરશીમાં ટૂંટિયું વળી
માફી માટે યાચના કરે છે.
મારી અરબી ભયભીત છે
ચૂપચાપ એ હિબ્રૂ હોવાનો ડોળ કરે છે
અને મિત્રોને દાબ્યા સાદે કહે છે
જ્યારે પણ કોઈ એનો ઝાંપો ખખડાવે છે
“આલન આલન, પધારો”
અને જ્યારે રસ્તા પર પોલીસ એની બાજુમાંથી પસાર થાય છે
એ આઈ-ડી કાર્ડ બતાવે છે
અને રક્ષણાત્મક વાક્યાંશને ચીંધી બતાવે છે
“હું યહૂદી છું, હું યહૂદી છું”
અને મારી હિબ્રૂ બધિર છે
ક્યારેક બહુ બધિર.
હિબ્રૂમાંથી અંગ્રેજી અનુવાદ : ડાઈમી રાઈડર
સ્રોત: poetryinternational.org
~ ~ ~ ~
૪. સલમાન મસાલહા (૧૯૫૩)
સલમાન મસાલહા ઉત્તર ઈઝરાયૅલના ગૅલિલીના આરબ નગર અલ-મઘરમાં જન્મેલા. ૧૯૭૨થી એ જૅરુસલૅમમાં સ્થાયી થયા.
હું હિબ્રૂ લખું છું
હું હિબ્રૂ ભાષામાં લખું છું
જે મારી માતૃભાષા નથી
કારણ કે હું દુનિયામાં ખોવાઈ જવા માગું છું
જે ખોવાતો નથી એને કદી આખું જડતું નથી
કારણ કે બધાંના પગના આંગળા એક સમાન હોય છે
ડાબો મોટો અંગૂઠો જમણી એડી બાજુએ.
અને કોઈ વખત મારા હૃદયમાંથી અવિરત ફૂટતાં
લોહીને ઠારવા હું હિબ્રૂમાં લખું છું.
એવું જ હોય છે.
મારી છાતીમાં મેં બનાવેલા મજૂસમાં
ઘણા ખજાના છે.
પરંતુ આ બધી અજાયબીઓની ભાળ વગર
ખુલ્લી પડી ગયેલી દિવાલો પર
પથરાયેલા રાત્રીના રંગો ઊખડી ગયા છે.
શબ્દોમાં ખોવાઈ જવા હું હિબ્રૂમાં લખું છું
અને મારા પગલાંમાં થોડીક અભિરુચી શોધવા.
મેં ચાલવાનું બંધ નથી કર્યું.
ઘણાં માર્ગો વટાવી ચુક્યો છું. મારા હાથોથી કંડારેલા.
મારા પગ મારા હાથમાં લઈને હું લોકોને મળીશ.
અને એ બધાંને મિત્રો બનાવી દઈશ.
કોણ પરદેશી છે? કોણ દૂર, કોણ નજીક?
દુનિયાની રીતમાં કોઈ વિચિત્રતા નથી.
કારણ કે વિચિત્રતા, મહદંશે
માણસના હૃદયમાં વસે છે.
* *
રાષ્ટ્રિય યુગમાં કલાત્મક આઝાદી
કારણ કે હું રાષ્ટ્ર નથી
મારે કોઈ સુરક્ષિત સીમાઓ
કે દિવસરાત પોતાના સૈનિકોની જિંદગીની
રક્ષા કરતું સૈન્ય નથી.
અને પોતાના વિજયના હાંસિયામાં
કોઈ ધૂળિયા લશ્કરી જનરલ દ્વારા દોરાયેલી
રંગીન લીટી નથી.
હું ધારાસભ્ય પરિષદ કે જેને ખોટી રીતે
હાઉસ ઑફ રિપ્રીસૅન્ટૅટીવ્સ કહે છે
એવી શંકાસ્પદ પાર્લામૅન્ટ,
પસંદ કરાયેલા લોકોનો દીકરો,
આરબ મુખ્તાર ના હોવાને કારણે
મારા પર કોઈ ખોટી રીતે આરોપ નહીં મૂકી શકે
કે હું સંભવિત બાપ વિહોણો અરાજક્તાવાદી હોવાથી
રજાઓમાં એમના વડવાઓની કબરો આગળ
લોકો જે કૂવા ફરતે
ઉજાણી માણતા હોય
એમાં હું થૂંક્યો.
કારણ કે હું પ્રારબ્ધવાદી નથી
ના તો કોઈ ભૂગર્ભના જૂથનો સભ્ય
જે બાળકોનાં હૃદયોમાં ચર્ચ, મસ્જીદ કે સિનેગૉગ બાંધે છે.
જે સ્વર્ગમાં પવિત્ર નામને કાજે નિઃસંદેહ મોત વહાલું કરશે.
કારણ કે હું કોઈ ઉત્ખનનનો ઠેકેદાર કે માટીનો વેપારી કે
મૃતકોની કીર્તિમાં વધારો કરવા સ્મારકોને ચમકાવતો
સમાધિસ્થળનો શિલ્પકાર નથી.
કારણ કે મારી પાસે કોઈ સરકાર નથી, માથા કે માથા વગર,
અને ના તે મારા માથા પર બેઠેલો કોઈ અધ્યક્ષ.
આવા બુઝાવનારા સંજોગોમાં હું
ક્યારેક મારી જાતને માનવ, થોડો મુક્ત બનવાની
છૂટ આપી શકું.
હિબ્રૂમાંથી અંગ્રેજી અનુવાદ : વિવયન ઍડન
સ્રોત: poetryinternational.org
~ ~ ~ ~
Photo courtesy: commons.wikimedia.org
પૅલૅસ્ટિનિયન કવિઓ
૧. મેહમુદ ડાર્વિશ (૧૯૪૧-૨૦૦૮)
મેહમુદ ડાર્વિશ ગૅલીલીના અલ-બિરવામાં જન્મેલા, જેના પર ઈઝરાયૅલી સેનાએ કબ્જો લઈ એને ધ્વંસ કરી નાખેલું. તે વખતે ડાર્વિશ એમનું કુટુંબ જીવ બચાવવા લેબનન નાસી ગયેલાં. એક વર્ષ બાદ ઈઝરાયૅલ પાછા ફર્યા બાદ ઈઝરાયૅલની સત્તાવાર વસ્તી ગણતરી ચૂકી જવાના કારણે ડાર્વિશ અને એમના કુટુંબને “આંતરિક શરણાર્થીઓ” (internal refugees) અથવા “હાજર-ગેરહાજર વિદેશીઓ (present-absent aliens) લેખાયાં. ડાર્વિશે ગણાં વર્ષો દેશવટામાં બૈરુત, પૅરિસ, લંડન, કાયરો, વગેરે સ્થળોમાં ગાળ્યાં. ૧૯૯૬માં ડાર્વિશ પૅલૅસ્ટાઈનના રામલ્લાહમાં સ્થાયી થયા.
જૅરુસલૅમમાં
જૅરુસલૅમમાં, અને મારો અર્થ છે પુરાણી દીવાલો માંહે
સ્મૃતિનાં માર્ગદર્શન વગર હું ચાલું છું
એક યુગમાંથી બીજામાં.
ત્યાં પયગંબરો સ્વર્ગમાં પવિત્ર … ના સ્વર્ગારોહણના
અને નિરાશા ને ઉદાસીનતા સાથે પરત ફર્યાના ઇતિહાસની
આપ-લે કરી રહ્યા છે
કારણકે પ્રેમ
અને શાંતિ પવિત્ર છે અને નગરમાં આવી રહ્યાં છે.
ઢાળ પરથી ઊતરતાં હું મનોમન વિચારી રહ્યો હતો :
પ્રકાશે એક પથ્થર વિશે જે કહ્યું તે અંગે કથાનકો શી રીતે
અસંમત થતા હશે?
શું આછા પ્રકાશવાળા પથ્થરને કારણે યુદ્ધો ફાટી નીકળતાં હશે?
હું ઊંઘમાં ચાલું છું. ઊંઘમાં તાકી રહું છું.
મારી પછવાડે કોઈને જોતો નથી.
મારી આગળ કોઈને જોતો નથી.
આ સઘળો પ્રકાશ મારા માટે છે. હું ચાલું છું.
હળવો બની જાઉં છું. ઊડું છું
ને પછી કોઈ બીજો બની જાઉં છું. રૂપાંતરિત.
યશાયાના સંદેશાવાહકના મુખમાંથી
ઘાસની માફક શબ્દો ફૂટે છે :
“જો વિશ્વાસ નહીં કેળવો તો સુરક્ષિત નહીં રહો.”
અન્ય કોઈ હોઉં એમ ચાલું છું. મારો ઘા જાણે
બાઈબલનું શ્વેત ગુલાબ.
ને મારા હાથ ક્રૂસ પર મંડરાઈ રહેલાં બે હોલાં જેવાં
અને માટી ઊંચકતા.
હું ચાલતો નથી, ઊડું છું, અન્ય કોઈ બની જાઉં છું,
રૂપાંતરિત. ના સ્થળ, ના સમય. તો હું કોણ છું?
સ્વર્ગારોહણની હજૂરમાં હું હું નથી.
પરંતુ હું મનોમન વિચારું છું :
એકલા પયગંબર મોહમ્મદ શિષ્ટ અરબી બોલતા.
“તે પછી શું?”
પછી શું? એક મહિલા સૈનિકે બૂમ પાડી :
આ તું જ છે પાછો? મેં તને મારી નહોતો નાખ્યો?
મેં કહ્યું : તમે મારી નાખેલો … અને હું તમારી માફક મરવાનું ભૂલી ગયો.
અરબીમાંથી અંગ્રેજી અનુવાદ : ફૅડી જોડાહ
સ્રોત : poetryinternational.org
* * *
“પૃથ્વી ભીંસી રહી છે આપણને”
પૃથ્વી ભીંસી રહી છે આપણને,
અંતિમ વાટે હડસેલો મારીને
અને પાર થવા આપણે હાથપગ છોલી કાઢીએ છીએ
પૃથ્વી દબાવી રહી છે આપણને.
કાશ આપણે એના ઘઉં હોત તો મરીને પાછા જીવતા થાત.
કાશ પૃથ્વી આપણી મા હોત તો પ્રેમાળ હોત આપણા પ્રત્યે
કાશ શિલાઓ પરનાં ચિત્રો હોત આપણે તો અરીસાની તરેહ
આપણાં સ્વપ્નો ઊંચકી શકત.
આત્માના અંતિમ બચાવમાં આપણામાંના છેલ્લા દ્વારા જે માર્યા જવાના
એમના ચહેરા જોયા.
એમનાં સંતાનોની મિજબાની ટાણે અમે રડ્યા. આ છેલ્લી જગાની બારીઓમાંથી
અમારાં સંતાનોને ફેંકી દેવાવાળાના ચહેરા જોયા અમે.
અમારો તારો અરીસાઓ લટકાવી દેશે.
ક્યાં જઈશું છેલ્લી સરહદ પછી અમે?
ક્યાં ઊડીને જશે છેલ્લા આકાશ પછી પંખીઓ?
ક્યાં સૂશે હવાના છેલ્લા શ્વાસ પછી ફૂલો?
રાતી વરાળથી લખીશું અમારા નામ અમે.
અમારા માંસથી ખતમ થનારાં ગીતનો હાથ કાપી નાખીશું અમે.
અહીં છેલ્લી વાટમાં મરી જઈશું અમે.
અહીં અને અહીં અમારું લોહી વાવશે એનું જૈતુનનું વૃક્ષ.
અરબીમાંથી અંગ્રેજી અનુવાદ : અબ્દુલ્લાહ અલ-ઉદારી
સ્રોત: journals.sagepub.com
* * *
હું ત્યાંનો છું
હું ત્યાંનો છું. ઘણી સ્મૃતિઓ છે. બધાં જન્મે છે એમ હું જન્મ્યો.
મારે મા છે, ઘણી બારીઓવાળું ઘર છે, ભાઈઓ, મિત્રો
અને ઠરી ગયેલી એક બારીવાળી જેલની કોટડી છે.
સીગલે ઝૂંટવી લીધેલું દરિયાઈ મોજું છે, મારું પોતાનું વિહંગમ દૃશ્ય.
એક સંતૃપ્ત ઘાસનું મેદાન છે. મારા શબ્દની ઊંડી ક્ષિતીજમાં એક ચંદ્ર,
એક પંખીનો નિર્વાહ અને એક અવિનાશી જૈતુનનું વૃક્ષ.
તલવારોએ માણસને શિકાર બનાવ્યો એનાથી કેટલું ય પૂર્વે
હું તે ભૂમિ પર રહેતો આવ્યો છું.
હું ત્યાંનો છું.
જ્યારે સ્વર્ગ એની મા માટે શોક મનાવે છે
ત્યારે હું એની માને સ્વર્ગ પરત કરી દઉં છું.
અને હું રડું છું જેથી પાછું જતું વાદળું મારાં આંસુ ઊંચકી જાય.
નિયમ તોડવા, લોહીથી ચાલવાના ખટલા માટે જરૂરી
બધા શબ્દો મેં શીખી લીધા છે.
સઘળા શબ્દોને શીખી અને ઉખેળી કાઢ્યા છે
એમાંથી માત્ર એક શબ્દ આલેખવા : ઘર.
અરબીમાંથી અંગ્રેજી અનુવાદ : મુનિર આકાશ, કૅરોલિન ફોર્ચ, સાયનન અનતુન અને અમીરા ઍલ-ઝેયન.
સ્રોત: poets.org
~ ~ ~ ~
હેનન મિખાયૅલ આશરાવી (૧૯૪૬-)
હેનન આશરાવીનો જન્મ ૧૯૪૬માં વૅસ્ટ બૅન્કના રામાલ્લાહ નગરમાં, વિખ્યાત પ્રૉટૅસ્ટન્ટ ખ્રિસ્તી પૅલૅસ્ટિનિયન કુટુંબમાં થયો. એમના પિતા દાઉદ મિખાયૅલ પૅલૅસ્ટાઈન લિબરેશન ઑર્ગનાઈઝેશનના સ્થાપકોમાંના એક હતા. એમની માતા વાડિયા અસદ લૅબનીઝ વંશનાં ધર્મનિષ્ઠ ખ્રિસ્તી હતાં. હેનન આશરાવી અગ્રણી પૅલૅસ્ટિનિયન કેળવણીકાર, નેતા અને માનવ અધિકાર કર્મશીલ છે. એમણે ઈઝરાયૅલ-પૅલૅસ્ટાઈન સંઘર્ષની આંતર-રાષ્ટ્રીય વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે.
લગભગ ચાર વર્ષનાં બાળકની ડાયરીમાંથી
આવતી કાલે પાટા ખુલશે.
વિચારું છું મારી બચેલી એક આંખથી
અડધી જ નારંગી,
અડધું જ સફરજન, મારી માનો અડધો જ ચહેરો
જોઈ શકીશ કે શું?
બુલેટ મને દેખાઈ નહોતી
પરંતુ મારા માથામાં એની પીડાનો વિસ્ફોટ અનુભવેલો.
એની આકૃતિ ગાયબ નહોતી થઈ, મોટી બંદૂકવાળો સૈનિક,
અસ્થિર હાથ, અને આંખનો ભાવ એવો કે
સમજાય નહીં.
બંધ આંખે પણ એને જો આટલો સ્પષ્ટ જોઈ શકતો હોઉં
તો બની શકે કે અમારા માથામાં આંખોની વધારાની જોડ હશે
ખોઈ હોય એની અવેજીમાં વાપરવા.
આવતે મહિને, મારી વર્ષગાંઠ પર
મને નવી નકોર કાચની આંખ મળી જશે.
કદાચ ચીજો વચ્ચેથી ગોળ અને જાડી દેખાશે —
મારી બધી લખોટીઓની આરપાર મેં જોયું છે,
એમાંથી દુનિયા વિચિત્ર દેખાતી હતી.
સાંભળ્યું છે કે એક નવ મહિનાના શિશુએ
પણ આંખ ખોઈ છે,
વિચારું છું કે મારા સૈનિકે એને પણ ગોળી મારી કે શું —
આંખમાં આંખ નાખી એને પડકારતી નાની છોકરીઓ —
હું તો ખાસ્સો મોટો છું, લગભગ ચાર વર્ષનો
પરંતુ એ તો માત્ર શિશુ છે
એને ઝાઝો ખ્યાલ નહોતો.
સ્રોત: www.the hypertexts.com
~ ~ ~ ~
e.mail : rupaleeburke@yahoo.co.in