બરાબર એકોતેર (૭૧) વર્ષ પહેલાંની ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની અભાગી સાંજ પહેલાંનો એ દિવસ હતો. ગાંધીજી તેમના નિત્યક્રમ મુજબ દિલ્હીનાં બિરલા હાઉસ ખાતે સાંજની પ્રાર્થના પછી સંવાદ કરી રહ્યા હતા. પ્રાર્થના પછીનાં આ પ્રવચનો અને પ્રશ્નોત્તરી તેમના પોતાના વિચાર દેશ અને દુનિયા સમક્ષ મૂકવા માટેનું એક માધ્યમ બની ગયા હતા. ૨૯મી જાન્યુઆરીની સાંજની પ્રાર્થના પછીનો એ સંવાદ, જે તેમના જીવનનો આખરી જાહેર સંવાદ યા તો દેશને નામ આખરી સંદેશ બની રહ્યો. તેમાં ભારતના આ રાષ્ટ્રપિતાએ દેશનાં ગામડાંઓની દુર્દશા દૂર કરવા માટેની તેમની યોજના અંગે સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો.
તે જ દિવસે તેમને મળવા આવેલા એક ખેડૂત સાથેની મુલાકાતનો સંદર્ભ આપતા ગાંધીજીએ ત્યારે મુલાકાતીઓને કહ્યું, “એક સજ્જન આજે મારી પાસે આવ્યા હતા. એમનું નામ તો હું વીસરી ગયો છું. એમણે ખેડૂતોની વાત કરી. મેં તેમને કહ્યું કે મારું ચાલે તો આપણો વડો હાકેમ ગવર્નર જનરલ પણ ખેડૂત હોય, આપણો વડો પ્રધાન ખેડૂત હોય, બધા જ ખેડૂત હોય. આનું કારણ એ કે અહીંનો, આ મુલકનો રાજા ખેડૂત છે.”
આટલું કહી ગાંધીજીએ પોતાના બચપણની એક કવિતા યાદ કરી. “મને બચપણમાં એક કવિતા ભણાવવામાં આવી હતી, કે ‘હે ખેડૂત, તું બાદશાહ છે.’ તેમણે વધુમાં ઉમેર્યું, “ખેડૂત જમીનમાંથી પેદા ન કરે તો આપણે ખાઈશું શું?’ હિંદુસ્તાનનો સાચો રાજા ખેડૂત છે. પણ આજે આપણે તેને ગુલામ બનાવી બેઠા છીએ. આજે ખેડૂત શું કરે? બી.એ. બને? એમ.એ. બને? એવું થાય એટલે તે ખેડૂત મટ્યો. પછી તે કોદાળી નહીં ઊંચકે, જે આદમી પોતાની જમીનમાંથી પેદા કરીને ખાતો હોય તે જનરલ બને, પ્રધાન બને, તો હિંદની સૂરત પલટાઈ જાય. આજે જે સડો છે, તે બધો નાબૂદ થાય." (ગાંધીજીની અપેક્ષા, ૭૯ઃ ૧૭૦)
મહાત્માં ગાંધીના આ ભાવના-સભર શબ્દો એવા સમયે આવ્યા હતા. જ્યારે નવો નવો આઝાદ થયેલો ભારત દેશ દુષ્કાળ, ખોરાકની અછત અને ગ્રામીણ સંકટોથી ઘેરાયેલો હતો.
આજે, જ્યારે આઝાદીના એકોતેર વર્ષ પછી ભારતનાં ગામડાઓમાં સમસ્યા ભયજનક સ્તર પર પહોંચી ગયું છે, અને દર વર્ષે લગભગ ૧૨,૦૦૦ ખેડૂતોને આત્મહત્યાનો અંતિમ સહારો લેવો પડે છે, ત્યારે એ સાંજે કહેવાયેલા ગાંધીજીના આ શબ્દોના પડઘા કાન ફાડી નાંખે તેટલા જોરથી પડી રહ્યા છે. નૅશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરો (NCRB) દ્વારા પ્રકાશિત થયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ભારતભરમાં થયેલી કુલ આત્મહત્યાની ઘટનાઓમાં કૃષિ ક્ષેત્રે થયેલી આત્મહત્યાનું પ્રમાણ ૯.૪ ટકા હતું અને ૨૦૦૨-૧૨ના દાયકામાં તો તે બે આંકડાને પાર કરી ગયું હતું.
આ પરથી એક વાત સ્પષ્ટ છે કે ગાંધીજીની હત્યા થયાના સમયગાળા આસપાસ તેમણે દેશની તત્કાલીન દશા જોતાં તે કઈ દિશામાં જઈ શકે છે એ જોઈ લીધું હતું. અને એટલા માટે પોતાની વ્યગ્રતા રજૂ કરી હતી.
ખેડૂતોને ચાવીરૂપ નિર્ણાયક ભૂમિકામાં મૂકવાની વાત, ગાંધીજી દ્વારા કોઈ અપવાદરૂપ ઉલ્લેખ માત્ર ન હતો, પરંતુ દેશને એક સ્પષ્ટ સંકેત હતો, જે તેઓએ એકથી વધુ વખત રજૂ કર્યો હતો. કેમ કે, તેમની વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે ખેડૂતોના પ્રશ્નોને સમજવા અને તેનું યોગ્ય તેમ જ ટકાઉ નિરાકરણ લાવવા માટે તેઓ શિક્ષિત વર્ગના સર્વોત્કૃષ્ટ લોકોને અસમર્થ માનતા હતા.
“બદકિસ્મતી છે કે આપણો કોઈ પણ પ્રધાન ખેડૂત નથી. સરદાર જન્મથી ખેડૂત ખરા, વ્યાવયાસિક રીતે તો તેઓ બૅરિસ્ટર રહ્યા. જવાહરલાલ વિદ્વાન છે અને મહાન લેખક છે. પણ ખેતી વિશે એમને શું જ્ઞાન હોય ? આપણી ૮૦ ટકાથી વધુ વસ્તુ વસ્તી ખેડૂતો છે. આ જોતાં ખરી લોકશાહીમાં ખેડૂતોએ દેશમાં રાજ કરવું જોઈએ. તેમણે બેરિસ્ટર બનવાની જરૂર નથી. તેઓ સારા ખેડૂત બને, પોતાની ઉપજ કેમ કરીને વધારવી અને જમીનને ફળદ્રુપ રાખવા શું કરવું તે જાણવું એમના માટે જરૂરી છે. જો આપણી પાસે આવા ખેડૂતો હોય તો હું જવાહરલાલને કહીશ કે તમે એના સેક્રેટરી બની જાઓ.”
(CWMG : ૯૦-૧૨, માંથી ગુજરાતી અનુવાદ)
ગાંધીજીએ આ શબ્દો આઝાદી પછી તરતના દિવસોમાં ૨૬મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ-પ્રાંતીય કૉંગ્રેસ કમિટિના એક સચિવને કહ્યા હતા, જે ખુદ એક ખેડૂત હતા. એ પછી ઉમેરે છે, “આપણા ખેડૂત પ્રધાનો મોટા મહેલોમાં નહીં બલકે માટીનાં ઘરોમાં રહેશે, અને આખો દિવસ જમીન ખેડશે. આવી પરિસ્થિતિ જ એક સાચું ખેડૂત રાજ લાવી શકશે,” હવે, આ બાબતોને ગાંધીજીની દીર્ઘદૃષ્ટિ કહો કે તેમનાં અંતરાત્માનો અવાજ, તેઓ ભારતમાં કૃષિ ક્ષેત્રે આવનારા સંકટને અગાઉથી જ પામી ચૂક્યા હતા. તુલનાત્મક રીતે જોતાં જણાશે કે ૧૯૪૦-૫૦ના દાયકાના નવા સ્વતંત્ર થયેલા ભારતનાં કૃષિ અને ગ્રામીણ સંકટના મુદ્દા અને રૂ. ૧૩૦ લાખ કરોડનાં જી.ડી.પી. (અંદાજિત જી.ડી.પી. ૨૦૧૭-૧૮)થી ધબકતા, વાર્ષિક ૭ ટકાના દરે વૃદ્ધિ પામતા ભારતના અર્થતંત્રના કૃષિ અને ગ્રામીણ પ્રશ્નોમાં કોઈ વિશેષ ભેદ જણાતો નથી!
ગામડાંઓમાં સંસાધનોની અછત, વરસાદ-આધારિત કૃષિની અનિશ્ચિતતાઓ, કૃષિ ઉત્પાદનોના અપૂરતા ભાવ, વચેટિયાઓની ભરમાર અને અત્યંત ભારણરૂપ કૃષિ દેવું … આ પ્રશ્નો આજે પણ એટલાં જ વાસ્તવિક અને ગંભીર છે જેટલાં ૭૦ વર્ષ પહેલાં હતાં અને જોવાની વાત એ છે કે ગાંધીજીના લેખો તેમ જ તેમના જાહેર અને અંગત સંવાદોમાં આ વિષયવસ્તુ વારંવાર ઉલ્લેખાઈ છે.
‘નવજીવન’ દ્વારા પ્રકાશિત અને ભારતન કુમારપ્પા દ્વારા સંકલિત પુસ્તક Food Shortage and Agriculture(હાલ અપ્રાપ્ય)માં કેટલીક રસપ્રદ વિગતો આપી છે. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ, ભારતીય કૃષિની સ્થિતિને સુધારવા માટેના કેટલીક સ્પષ્ટ પદ્ધતિઓ અને રીત ગાંધીજીએ કહેલી છે. પહેલું, (જમીનનાં) વિભાજનને અટકાવતી આર્થિક રીતે સાનુકૂળ જમીન-ખાતાં નક્કી કરવાં. બીજું, દેશભરમાં રહેલા વણ શોધાયેલાં જળસ્રોતોને શોધવા અને બધા જ જળ સંસાધનોનું જતન કરવું. ત્રીજું, જમીન સંશાધનોની જાળવણી કરવી અને તેની ઉત્પાદકતા વધારવાના પ્રયત્નો કરતાં, આ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જેમ કે ખાતર, બિયારણ, રોગ-નિવારણ અને જમીન ધોવાણ નિવારણના પ્રયાસો. ચોથું, સહકાર. પાંચમું, રાજ્ય તરફથી મદદ અને રક્ષણ. છઠ્ઠું, દેશમાં રહેલી પડતર જમીનોનું અધિગ્રહણ કરવું તેમ જ દરિયાકાંઠે અને અખાતમાં આવેલી જમીનોને પુનર્જીવિત કરવી.
ગાંધીજીના મતે કપાસ, એરંડા, મગફળી, ચોખા (ડાંગર), ખાંડ (શેરડી) તેમ જ શાકભાજી જેવાં કૃષિ પાક ભારતીય કૃષિનાં મજબૂત પાસાં હતા. પોતાની સંપાદકીય નોંધમાં કુમારપ્પાએ ટાંક્યું છે કે કૃષિ સંદર્ભે ગાંધીજીએ પોતાના વિચારોને જમીનની ઉત્પાદકતા-સુધારણાને ખાસ સેન્દ્રિય ખાતર દ્વારા અને પશુ સુધારણા સુધી મર્યાદિત રાખ્યા હતા. કેમ કે તેમના મતે, કૃષિને લગતા અન્ય સવાલોને વ્યક્તિગત રીતે ખેડૂત દ્વારા એકલે હાથે સરકારી સહાય વગર પહોંચી વળવું અતિ મુશ્કેલ હતું.
એ સમયના મદ્રાસ રાજ્યમાં પ્રવર્તેલા ભૂખમરાના સંદર્ભમાં ગાંધીજીએ વારંવાર ભારપૂર્વક જણાવેલું કે દેશને ખાદ્યાન્નના ઉત્પાદનમાં સ્વનિર્ભર કરવાની અત્યંત જરૂર છે. પરંતુ આ બાબતની સમજ નીતિના ઘડવૈયાઓને આઝાદીના બે દશક બાદ ૧૯૬૬ના દુષ્કાળ વખતે આવી અને એ પછી ભારતે ‘હરિયાળી ક્રાંતિ’ તરફ પ્રયાણ કર્યું. ગાંધીજીના મતે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ગ્રામજનોને તેમના ઘેરબેઠા રોજગારી મળી રહે એ જરૂરી હતું. આ વિચાર પાછળનો હેતુ એ હતો કે મૂડીનિર્માણનું વિકેન્દ્રીકરણ થાય અને શહેરી વિસ્તારોમાં શ્રમબળનું કેન્દ્રીકરણ થાય. અત્યારની શહેરીગીચતા, ગરીબી અને ગુનાખોરી જેવા સવાલોનો જવાબ ગાંધીજીએ ૭૦ વર્ષ પહેલાં આપી દીધેલો.
આજે, જ્યારે દેશભરમાંથી કૃષિ દેવાં માફીની માગણીઓના અવાજ ઊઠી રહ્યા છે અને રાજ્ય તેમ જ કેન્દ્રની સરકારો અને રાજકીય પક્ષો પર દબાણ લાવી રહ્યા છે, ત્યારે ગાંધીજીના આ વિચારો પર એક નજર કરવાથી નવી દિશા જરૂર મળે તેવી શક્યતાઓ છે.
ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ એક ખેડૂત પુત્ર વ્યાપાર સંચાલનમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરે છે, અને છતાં વર્ષો સુધી તેને યોગ્ય નોકરી મળતી નથી ત્યારે તે હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ જાય છે. અપૂરતા ભાવ અને ઘટતી ઉત્પાદકતાને કારણે સ્વાભાવિક રીતે બાપ-દાદાના વ્યવસાય કૃષિ પ્રત્યે ધૃણા – અણગમો પેદા થાય છે. ઇન્ટરનેટ અને આધુનિક ટેક્નોલૉજી મહત્ત્વકાંક્ષાઓને પ્રબળ બતાવી બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. નવાઈની વાત એ છે કે આઝાદી પછી પ્રથમ પંચવર્ષીય યોજના (૧૯૫૧-૫૬) સંપૂર્ણપણે કૃષિ-બક્ષી રહી પરંતુ એ પછીની યોજનાઓમાં સરકારનું લક્ષ ઉદ્યોગો તરફી થયું અને મૂડી આધારિત પ્રોજેક્ટની સામે લોક-આધારિત કૃષિનું સ્થાન પાછલા ક્રમે ધકેલાતું ગયું. બીજી પંચવર્ષીય યોજના(૧૯૫૬-૬૧)ની રૂપરેખામાં અંકિત કરેલું છે, “એક રીતે જોતાં બીજી પંચવર્ષીય યોજના પાછલી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવેલાં વિકાસનાં કામોને આગળ ધપાવવા માટે છે, પરંતુ કેટલીક પ્રાથમિકતાઓ બદલાવ લાવવો અનિવાર્ય હતો, ખાસ કરીને મોટા ઉદ્યોગોના વિકાસ માટે અને તેને સંલગ્ન ઉદ્યોગો જેવાં કે પરિવહન.”
શું ગાંધીજીની એક ‘ખેડૂત વડોપ્રધાન બને’ એ ચાહના અયોગ્ય કે બિનજરૂરી હતી? તેમના મત મુજબ એક નવું સ્વતંત્ર થયેલું રાષ્ટ્ર કે જેમાં કૃષિ ઉપજ નબળી છે, છતાં કુલ વસ્તીના લગભગ ૭૦ ટકા લોકો માટે તે આજીવિકાનું એક માત્ર સાધન છે ત્યારે કૃષિક્ષેત્રે સહાનુભૂતિ અને નક્કર પરિણામ-લક્ષી યોજનાને હક્કદાર ન હતું?!
E-mail : rv.vora@gmail.com
[ધ હિન્દુ ગ્રૂપના અંગ્રેજી આર્થિક અખબાર ‘ધ હન્દુ બિઝનેસ લાઈન’માં ૩૦-૧-૧૯ના રોજ પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખનું સંવર્ધિત લખાણ]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 05 – 06