આદરણીય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ,
સિવિલ હોસ્પિટલ, કોરોના વિભાગ, અમદાવાદ.
જય જગત …
કોરોના સંક્રમણને કારણે હું અને મારો નાનો ભાઈ દસેક દિવસની સઘન સારવાર બાદ સાજા થઈ ઘરે આવી ગયા છીએ. રિકવરી મેડિસિન પર અને ડોક્ટર્સે સૂચવેલ સમય સુધી આઈસોલેશનમાં છીએ. સમગ્ર સિવિલ સ્ટાફની પ્રસંશા માટે શબ્દો ઓછા પડે તેમ છે. સલામ છે.
આમ છતાં, દસ દિવસની મારી સારવાર દરમિયાન ઝ્ર૧ વૉર્ડમાં બે દિવસ તથા છ૧ વૉર્ડમાં આઠ દિવસ સારવાર લેવાનું થયું અને ત્યાં જોયું, વિચાર્યું તેના આધારે કેટલાંક નમ્ર સૂચના ‘good faith’થી કરી રહ્યો છું. તમારા ભારણનો વધારો કરવાનો કોઈ ઈરાદો નથી, પણ એક અધ્યાપક તરીકે તથા ભૂકંપ, સુનામી, પૂર, તોફાનોનાં પ્રત્યક્ષ કામ અને ટ્રોમા કાઉન્સેલિંગના ખાસ્સા અનુભવને આધારે આ વાત અહીં આપને લખું છું જે આપને યોગ્ય લાગે તો રિવ્યુ મીટિંગમાં ચર્ચામાં લઈ શકાય …
૧. રિકવરી રેટ નીચે આવી રહ્યો છે, લગભગ ૮૦-૮૨%. જેના મૂળમાં ઘરડાં અશક્ત દરદીની સંભાળમાં પડતી માણસોની અછત છે, જે પૂરી કરી શકાય? ઘરડાં, અશક્ત દરદીઓ પોતાના ઓક્સિજન માસ્ક અવારનવાર કાઢી નાખે છે, જેના કારણે તેમના શ્વાસ ભારે થાય પછી એ કોઈ પણ મૂવમેન્ટ કરે તો પડી જાય છે, અને વધારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો શું ફૅમિલીના એક માણસને પૂરતા precautions સાથે દરદી સાથે રાખી શકાય? તો દરદી સચવાય, આખો દિવસ નહીં તો રાત્રે તો જરૂર પડે જ છે. સ્ટાફ સમગ્ર દિવસની મહેનત બાદ થાકેલો હોય છે એટલે નાનકડા નૅપ લે તો હોય છે તે દરમિયાન ઘટના વધારે બને છે.
૨. C1 જેવા એ.સી. વૉર્ડમાં દરદીઓ અને સ્ટાફની વ્યવસ્થા વચ્ચે ખામી હોય એવું જણાય છે. ઑટોમેટિક ડોરથી બંને અલગ છે, તેથી એ.સી. વૉર્ડમાંથી કોઈ દરદી મદદ માટે અવાજ આપે છે તે બહાર સ્ટાફને સંભળાતો નથી. તેમની વિઝિટ દરમિયાન જ કોઈ બાબત હોય તો પકડાય છે પણ ત્યાં સુધી દરદી પેનીકમાં આવી જાય છે અને જાતે કંઈ કરવા જાય છે તો વધુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઓક્સિજન લેવલ ઘટી જાય અને રિકવરી ટાઈમ પર અસર પડે છે. શું કરી શકાય?
૩. ઍન્ટિબાયોટીકના લીધે વધારે પાણી, પેશાબ, ટોઈલેટ ઈશ્યુ છે, એમાં કેટલાક દરદીઓ પોતાની રીતે આયા ભાઈ-બહેનની મદદ વગર ટોઈલેટ ઉપડી જાય છે તેથી ઓક્સિજન લેવલ ઘટી જતાં પડી પણ જાય છે. એકવાર ઘરડું, ભારે શરીરવાળું પેશન્ટ પડી જાય પછી એનું પેનીક અત્યંત વધી જાય છે અને રિકવરીનો ચાન્સ લગભગ ખતમ થઈ જાય છે. પેશન્ટની ભૂલ જ હોય છે, પણ એ એટલો બેબાકળો હોય છે કે શું કરીએ? જો સ્ટાફને આવા પેશન્ટની વ્યક્તિગત જવાબદારી આપી દેવામાં આવે તો? ૬૦ દરદીઓના વૉર્ડમાં આવા ૧૦-૧૨ પેશન્ટ હોય જ છે. તો ૪-૪ પેશન્ટની જવાબદારી સરવન્ટ ભાઈ-બહેનોને વહેંચી શકાય અથવા એકદમ સારા થયેલા જવાન દરદીને એકની જવાબદારી સોંપી શકાય. મને ચાર દિવસ પછી એવી જવાબદારી નિભાવવાની રજા સિનિયર નર્સે આપી હતી. તો થોડાકને મદદરૂપ થઈ શક્યો. એ રીતે અન્ય સારા રિકવર પેશન્ટને જો હેલ્પ કરવા માટે પ્રોત્સાહિત કરાય તો ભારણ ઘટે.
૪. કેટલાક દરદીઓ પોતાનો ડ્રીપ પૂરો થાય અને લોહી પાઈપમાં ઉપર ચડતું જોઈ પેનીકમાં આવી જાય છે, જોર જોરથી બૂમો પાડવા લાગે છે, અને નર્સ કોઈ સીરિયસ દરદી પાસે હોય તો વાર લાગે તો એ દરદી વધુ પેનીક કરી એનું ઓક્સિજન માસ્ક કાઢી નાખે અને ધમાલ મચાવી દે છે. જો ડ્રીપ ચડાવતી વખતે જ દરદીને સૂચના આપવામાં આવે અને બતાવવામાં આવે કે ’બાટલો પૂરો થાય એટલે આ સ્વીચ નીચે કરી દે’જો એટલે કોઈ તકલીફ નહી પડે’ .. તો ઘણા પેશન્ટ કરી શકશે અને પછી જ્યારે સમય મળે એટલે નર્સ ડ્રીપ દૂર કરે. કરી શકાય?
૫. સીરિયસ પેશન્ટ આવે એટલે ડૉક્ટર્સ કે નર્સ માત્ર પહેલું વાક્ય એટલું બોલે કે ’ચિંતા ના કરો, તમે દવાખાને સમયસર પહોંચી ગયા છો, અહીં સારું જ થઈ જશે, અમે છીએ તમારી સાથે’. આ ઓક્સિજન માસ્ક કાઢવાનું નહીં એ દવા છે, તમારું લેવલ થોડીવારમાં આવશે એટલે તમારી દવા શરૂ કરીએ છે, અત્યારે ઓક્સિજન એ જ દવા ‘એટલું જ કહો તો ધરપત આવી જાય અને ડોક્ટર્સને સમય મળે. ગંભીર દરદીને પણ Remdesiver બધાંના સમય સાથે અપાય છે, એમાં ફેરફાર કરી શકાય? કેટલીક વાર તો લિસ્ટ ગયા પછી દરદી દાખલ થયો હોય તો બીજો દિવસ લાગી જાય છે. શું કરી શકાય? ડૉક્ટર્સને ગંભીર દરદી માટે તત્કાલ સ્ટોક મળે તથા પ્રોસેસ ઝડપી બને તે જરૂરી લાગે છે. શું વિચારી શકાય?
૬. કેટલાક મૃત્યુના કેસમાં ડેડ બૉડી ૬૦ના વૉર્ડમાં બધા દરદીઓની નજર સામે જોતા પૅક થાય તે કોઈ પણ રીતે યોગ્ય નથી. પલંગ મુવેબલ છે, એને એક ચોક્કસ જગ્યાએ લઈ જઈ કોઈ દરદી ન જોઈ શકે તે રીતે પૅક થાય તો ઘણા નબળા મનોબળવાળા દરદીઓને આપણે બચાવી શકીશું.
મારું ચોક્કસપણે માનવું છે કે ઉપરોક્ત કામ થઈ શકે એમ છે, એનાથી મોટો ફરક પડશે. આપણે ૮૦-૮૨ના રિકવરી રેટ પરથી આસાનીથી ૯૦% સુધી પહોંચી શકીશું …
ફરીવાર, સમગ્ર સિવિલ સ્ટાફને સલામ, મારા આ નાનકડાં સૂચનો આપ જોશો અને યોગ્ય જણાય તો કાર્યવાહી કરશો. હું ઓઈસોલેશન પીરિયડ પૂરો કરી મારી જાતને સ્વયંસેવક તરીકે રોજ છ કલાક ઓફર કરવા તૈયાર છું. મને ડ્રીપ બંધ કરી પાઈપ રિમૂવ કરતાં, ઓક્સિજન બોટલમાં પાણી ભરતાં, ઓક્સિજન માસ્ક પહેરાવતાં, વ્હીલચેર પર પેશન્ટને ટોઈલેટ લઈ જતાં તથા ટ્રોમા કાઉન્સેલિંગ કામ કરવાં, પાણી ડાયેટ વિતરણ વગેરે કામ ગમશે.
આપ સૌની તાકાત વધે અને આ પેન્ડેમિકમાંથી માનવજાત ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવી જાય તેવી દુઆ .. આમીન …
આભાર,
ઈલિયાસ મનસૂરી, મહેસાણા
(લેખકની ફેસબૂક વૉલ પરથી સાભાર)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 16