મોટા-નાના, ગરીબ-તવંગર, વિકસિત-વિકાસશીલ આ તમામ દેશો માટે કોવિડ-૧૯ ખતરાનો ઘંટારવ બનીને આવ્યો છે. તેણે આરોગ્ય સેવાઓની નબળાઈઓ, આર્થિક માળખાંની અસ્થિરતા, વધતા કોમી દ્વેષ અને એકંદરે સમાજની નિર્બળતા વિશે આપણી આંખો ખોલી નાખી છે. વર્તમાન આફતનો મુકાબલો કેટલી સારી રીતે કરી શકીશું તેનો આધાર આપણો ફક્ત વૈશ્વિક નહીં, સ્થાનિક પ્રતિભાવ પણ કેવો છે, તેની પર રહેશે. ઉપરાંત, આ કટોકટીમાંથી આપણે કેટલી સારી રીતે બહાર આવી શકીશું તેનો આધાર પુનઃરચના કરતી વખતે આપણે પ્રાથમિકતાઓને નવેસરથી ગોઠવી શકીએ છીએ કે નહીં, તેની પર રહેશે.
અત્યંત ચેપી વાઇરસની સામે સક્રિય બનવાની તાતી જરૂરિયાત છે. તેમ છતાં, જ્યાં શહેરી ગરીબો સડકોના કિનારે, ઝૂંપડાંમાં કે ભીંસંભીંસા થઈને એક-બે ઓરડાનાં ખોરડાંમાં રહે છે, જ્યાં પાણી મર્યાદિત પ્રમાણમાં અને એ પણ જાહેર નળેથી ભરી લાવવું પડે છે, જ્યાં અનેક લોકો વચ્ચે ગણ્યાંગાંઠ્યાં શૌચાલયો છે, એવા ભારતમાં ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ (કેવો વક્રતાપૂર્ણ પ્રયોગ !), વારે ઘડીએ હાથ ધોતા રહેવાનું અને સાવચેતીપૂર્વક ચેપમુક્ત રહેવાનું લગભગ અશક્ય છે.
એવી જ રીતે, લાખો રોજમદારો, સ્થળાંતરિત કામદારો અને સ્વરોજગારી ધરાવતા કામદારો માટે ઘરે રહેવું એ પણ વિકલ્પ નથી. કામ વગર રહેવાનો મતલબ છે રોટલા વગર રહેવું. રોજમદારો પાસે એવી બચત પણ નથી હોતી કે જેના ટેકે ટકી જવાય. માટે, તેમણે ઉધારી કરવી પડે. ઉધારીનો સમયગાળો જેમ લંબાતો જાય, તેમ કરજ ચૂકવવાની સંભાવનાઓ ઓસરતી જાય. દેવામાં ડૂબેલો વિશાળ નિર્બળ જનસમુદાય શી રીતે તંદુરસ્ત અર્થતંત્ર ઊભું કરી શકે? એ તો બબ્બે મહામારીનો શિકાર છેઃ શરીરતંત્રની મહામારી અને અર્થતંત્રની મહામારી.
આપણા કામદારો પાસે અપૂરતી અને બિનઅસરકારક જોગવાઈઓ છે, તેની આપણને જાણ ન હતી? એક દેશ તરીકે આપણે મોટા પાયે પરિણામો સિદ્ધ કરવાનાં બાકી છે અને તેમને ટેકો પૂરો પાડે એવાં માળખાં તથા વ્યવસ્થાઓ માટે કમર કસીને પ્રયત્ન કરવાનો બાકી છે. માટે, અગાઉથી જ મોજૂદ ગરીબીએ મહામારીનો પ્રભાવ વધારી મૂક્યો છે અને આપણા પનારો પાડવા માટેની સમસ્યાઓ પણ વકરાવી દીધી છે. તો હવે આગળ જવા માટે જુદા રસ્તે અને વધારાનું શું કરવું જોઈએ? આર્થિક, શારીરિક અને સાર્વત્રિક પાયમાલી સામે ઝીંક ઝીલવાની ગુંજાશ ધરાવતો સમાજ શી રીતે બનાવી શકાય?
શરૂઆત ત્રણ પ્રાથમિક બાબતોમાં રોકાણથી કરવી પડેઃ અન્ન, પાણી અને મકાન. ત્રણ પ્રાથમિક સેવાઓ પૂરી પાડવી પડેઃ આરોગ્ય, શિક્ષણ અને બૅન્કિંગ. કોઈ પણ સમાજના ક્ષેમકુશળ માટે આ જરૂરી છે. આ છ બાબતો-સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે કોરોનાકાળ પછીના સમાજને ટકાઉ અને ન્યાયપૂર્ણ બનાવી શકીશું.
કોઈ પણ ડૉક્ટર કહેશે કે તંદુરસ્તીની ચાવી છે પૌષ્ટિક ભોજન, ચોખ્ખું પાણી, તાજી હવા અને શારીરિક-માનસિક કવાયત. ટૂંકમાં, મહામારી પછીના સમયમાં આપણે સાજાસમા લોકોની કાળજી અને પાલનપોષણ માટેનાં — કશું થયા પછી કરવા પડે એવા નહીં, પણ કશું થાય નહીં તે માટેના —પ્રયાસોમાં ઘણું રોકાણ કરવું પડશે. સ્થાનિક સ્તરે અન્નનું માળખું ઊભું કરવું પડશે, જે તાજું, સ્થાનિક ધાન, દૂધ અને શાકભાજી છેવાડાના માણસને ઉપલબ્ધ બનાવે અને તે પણ પોસાય એવા ભાવે. કેમ કે, અન્ન આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. શહેરી અને ગામડાંના લોકોને ચોખ્ખું પાણી પૂરું પાડવા માટે ટાંકીઓ બાંધવાની, વરસાદનું પાણી સંઘરવાની તળાવો ખોદવાની અને હાલનાં જળાશયોને સ્વચ્છ કરવાની જરૂર પડશે. કેમ કે, પાણી પણ આરોગ્યનો હિસ્સો છે. આ તકનો લાભ લઈને પર્યાવરણ પર ધ્યાન આપવું પડશે, તે માટે શૌચાલયો બાંધવાં પડશે, ઔદ્યોગિક કચરાનું રિસાયકલિંગ કરવું પડશે, જૈવિક કચરાને ખાતરમાં ફેરવવો પડશે, અબજો વૃક્ષો વાવવાં પડશે અને ઊર્જાની જરૂરિયાતો માટે સૌર તેમ જ અન્ય વૈકલ્પિક ઊર્જાસ્રોત વાપરવા પડશે. કેમ કે, ખુલ્લી હવા પણ આરોગ્યનો જ ભાગ છે. દરેક કામને સન્માનજનક બનાવવું પડશે, જેમાંથી સારી આવક થઈ શકે, વીમો અને ઇજાના સંજોગોમાં વળતર જેવી જોગવાઈઓ હોવી જોઈશે, જે કામદારોને — ખાસ કરીને સ્થળાંતરિત કામદારોને, તેમના પરિવારને અને તેમના સમાજને — ટેકારૂપ બની રહે. કેમ કે, કામ પણ આરોગ્યનો જ મામલો છે.
સ્વરોજગારમાં પરોવાયેલા જુવાન અને નવાસવા-ડગુમગુ લોકોને સ્થાનિક બજાર, ક્ષમતાઓ, તાલીમ, સાતત્યપૂર્વકનું મૂડીભંડોળ અને ત્વરિત લોન પૂરી પાડી શકાય, જેથી તે દેવામાં અને હતાશામાં ડૂબી ન જાય. એ રીતે, બૅન્કિંગ પણ આરોગ્ય સાથે સંકળાયેલો જ મુદ્દો છે. શાળાની અંદર અને બહાર શિક્ષણ મળતું રહે, અક્ષરજ્ઞાનનો પ્રસાર થાય, અનુભવથી મળતા શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવે અને તનમનની સુખાકારી આપે એવા કૌશલ્યવિકાસને પણ પોષવામાં આવે. આ દૃષ્ટિએ શિક્ષણ પણ આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.
છેલ્લે, મહામારી આપણને જે બોધપાઠ શીખવી રહી છે, તે ફરી તાજા કરી લઈએ. પરિવારનો એક સભ્ય બીમાર પડે તો તેની અસર આખા કુટુંબ પર, સમાજ પર, દેશ પર અને પછી બીજા દેશના સમાજ પર થાય છે. દુનિયાના આ છેડે રહેતી એક વ્યક્તિના ક્ષેમકુશળની અસર દુનિયાના બીજા છેડે રહેતા લોકો પર થાય છે. આપણા દરેક કાર્યને એ હકીકત લાગુ પડે છે. આપણે જે ખાઈએ, ખરીદીએ ને વિચારીએ એ બધાની અસરો ને પ્રત્યાઘાતો સમસ્ત પૃથ્વીની જીવસૃષ્ટિ પર પડે છે. આ અનુબંધને લીધે જ પૃથ્વી પર જીવન ટકી રહ્યું છે. આપણે જોવા ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ આપણે સૌ એકમેકની સાથે છીએ અને સંકળાયેલાં છીએ.
[સૌજન્યઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, અનુવાદઃ ઉર્વીશ કોઠારી]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020
![]()

