ભટકાવે ભૂખ્યાં-તરસ્યાંને, કોઈ ન તારા જેવું
હે સરકાર દયાને બદલે કેમ કરે તું એવું?
તું તો અંતર રાખી બેઠી, સૂચનાઓ આપીને
પોલીસો પણ થાક્યા અમને દંડાઓ મારીને
આને તો જીવન કહેવું કે મોત અમારે કહેવું ?
ગમતાને તો આકાશેથી લીધા તેં તેડાવી
અમને તો બેસાડી રાખ્યા જ્યાં ને ત્યાં તતડાવી
ભૂખ્યાં છીએ, તરસ્યાં છીએ, વધી ગયું છે દેવું
ઘાણીમાં ઘાલીને અમને કાઢ્યો લોહીપસીનો
ગાડી, મોટર, વિમાનો ને ચાલ્યાં એમ મશીનો
મજદૂરીનું ચૂકવી આપ્યું ૠણ અરે તેં કેવું?
રોજીરોટીની રામાયણ રોજ હતી જીવનમાં
આવેલાં તન લઈને કેવળ, જીવ રહ્યો વતનમાં
ના રોકો, પહોંચાડો, અમથી સહ્યું ન જાતું સહેવું
જીવીશું તો આવીશું કે છે જરૂર અમારી
તન તોડીને મહેનત કરશે પ્રજા કંઈ બિચારી
દયા કરો સરકારો અમ પર, નથી કાંઇ પણ લેવું
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 મે 2020