કૉંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામેનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભા અધ્યક્ષે નકારી કાઢતા, તેની સામે સર્વોચ્ચ અદાલતનો આશ્રય લેવાનું કૉંગ્રેસે જાહેર કરેલ છે. રાજ્યસભા અધ્યક્ષના નિર્ણયના થોડા દિવસો બાદ જ કેન્દ્રિય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે સર્વોચ્ચ અદાલત કૉલેજિયમે સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશપદ માટે સૂચવેલ બે નામોમાંથી સુશ્રી ઇન્દુ મલહોત્રા નામને બહાલી આપી ઉત્તરાખંડ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ જોસફના નામનો અસ્વીકાર કરવાની જાહેરાત કરતાં, સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેનો સંઘર્ષ પુનઃ ચકરાવે ચડ્યો છે. અદાલતના ન્યાયાધીશો વચ્ચેનો ડખો હજૂ શમ્યો નથી, ત્યાં કેન્દ્ર સરકારે જસ્ટિસ જૉસેફના નામના કરેલ અસ્વીકારની જાહેરાતથી બળતામાં ઘી હોમાયું છે.
હકીકતે, સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેનો સંઘર્ષ આજકાલનો નથી, પરંતુ ૭ દાયકા જૂનો છે.
૧૯૪૭-૧૯૬૪ વચ્ચેનો સમયગાળો :
ભારતમાં કોઈ પણ વડી અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો બનાવ સૌપ્રથમ જુલાઈ ૧૯૪૮માં બન્યો હતો. તે વખતની સરકારની વિનંતીથી અલાહાબાદની વડી અદાલતના જસ્ટિસ શિવપ્રસાદ સિંહાને તેમના હોદ્દા પરથી દૂર કરાયા હતા. તેમની સામે પાંચ આરોપો હતા. તે સમયની સમવાયી અદાલતે આરોપીની તપાસ કરી હતી અને તે પૈકીના એક આરોપ બદલ તેમને તકસીરવાર ઠરાવાયા હતા. તે સમયે બંધારણઘડતરની પ્રક્રિયા ચાલુ હતી. બંધારણનો અમલ શરૂ થયો ન હતો. તેમને ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ, ૧૯૩૫ ક. ૨૨૦ (૨) હેઠળ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
બંધારણના અમલ બાદ ૧૯૭૦માં જસ્ટિસ જે.સી. શાહને હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પરંતુ લોકસભાના અધ્યક્ષે આ પ્રસ્તાવ નકાર્યો હતો. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષનો બીજો એક બનાવ ૧૯૫૦માં બન્યો હતો. સામ્યવાદી નેતા અને સંસદસભ્ય એ.કે. ગોપાલને પ્રિવેન્ટિવ ડિટેન્શન ઍક્ટ ૧૯૫૦ હેઠળ, પોતાની અટકાયતથી અનુચ્છેદ ૨૧નો ભંગ થતો હોવાના કારણસર સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી. સર્વોચ્ચ અદાલતે તે કાયદાની કલમ વિરુદ્ધ ગેરબંધારણીય ઠરાવેલ અને સરકારે પાછળથી તે કલમ તે કાયદામાંથી દૂર કરી હતી.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સ્વપ્નદૃષ્ટા હતા. સમાજવાદી વિચારધારાને વરેલા જવાહરલાલે અનેક નવા પ્રોજેક્ટ હાથ ધરેલા હતા અને તે માટે જુદાં જુદાં રાજ્યોમાં મોટા પાયે જમીનસંપાદન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે અનુસાર જુદાં જુદાં રાજ્યોમાં જમીન કાયદાઓ અને બંધારણમાં પણ સુધારાઓ દાખલ કરાયા હતા. અનેક રાજ્યોમાં આ સુધારાઓ વડી અદાલતોમાં પડકારાયા. બિહારમાં પટણા વડી અદાલતે માર્ચ ૧૯૫૧માં બિહાર લૅન્ડ રિફૉર્મ્સ ઍક્ટ ગેરબંધારણીય ઠરાવતો ચુકાદો જાહેર કર્યો. પટણા વડી અદાલતના આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરાઈ હતી. આ અપીલ પર સર્વોચ્ચ અદાલતનો નિર્ણય જાહેર થાય તે અગાઉ ૧૯૫૧માં સરકારે બંધારણમાં પ્રથમ સુધારાનો ખરડો સંસદમાં રજૂ કર્યો. આ ખરડાની જોગવાઈ એવી હતી કે જમીન અંગેની કોઈ જોગવાઈ મૂળભૂત અધિકારનો ભંગ થતો હોવાના કારણસર અદાલતમાં પડકારી શકાશે નહીં. ઉપરાંત આ ખરડાથી બંધારણમાં ૯મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું અને તેમાં મુકાયેલા કાયદાઓને અદાલતી પડકાર સામે રક્ષણ અપાયું. તે સમયે તેમાં ૧૩ કાયદાઓ મૂકવામાં આવ્યા અને તેમાં અગાઉ ગેરબંધારણીય ઠરાવાયેલ બિહાર લૅન્ડ રિફૉર્મ્સ ઍક્ટનો પણ સમાવેશ થતો હતો. હાલ ૯માં પરિશિષ્ટમાં કુલ ૨૮૪ કાયદાઓ મુકાયા છે. ૧૯૬૪ સુધીમાં ૯મા પરિશિષ્ટમાં ૬૪ કાયદાઓ મૂકાયા હતા.
આ સમયગાળા દરમિયાન મુખ્ય સંઘર્ષ મિલકત અધિકારને લગતો હતો. સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ઠરાવેલ કાયદાઓ સામે સરકારે ૯મા પરિશિષ્ટનું છત્ર ઊભું કર્યું અને આમ સંઘર્ષના પ્રથમ તબક્કાનો પાયો અહીં નંખાયો હતો.
૧૯૬૫થી ૧૯૯૩ સુધીનો સમયગાળો :
૯મા પરિશિષ્ટમાં પંજાબ સિક્યૉરિટી ઍન્ડ લૅન્ડ ટેન્યોર ઍક્ટ પણ મુકાયો હતો. બંધારણમાં ૧૯૬૪માં ૭મો સુધારો દાખલ કરાયો હતો. ૧૯૬૭માં સર્વોચ્ચ અદાલતે ગોલકનાથ કેસ તરીકે જાણીતા ચકચારી કેસનો ચુકાદો જાહેર કર્યો અને આ ચુકાદાએ સરકારને ઝાટકો આપ્યો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે. સુબ્બારાવની અધ્યક્ષતા હેઠળની બંધારણીય ખંડપીઠે ૬.૫ની બહુમતીથી એવો ચુકાદો જાહેર કર્યો કે સંસદને મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવાની સત્તા નથી. ૧૯૬૭માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. ઇન્દિરા ગાંધીએ ૨૮૪ બેઠકો સાથે પુનઃ સત્તા ગ્રહણ કરી. ઇન્દિરા ગાંધી સરકારે રાજવીઓનાં સાલિયાણાં નાબૂદ કર્યાં અને બૅંકોમાં રાષ્ટ્રીયકરણનાં પગલાં ભર્યાં. સર્વોચ્ચ અદાલતે આ પગલાંઓને ગેરકાનૂની ઠરાવતાં, સરકારને બીજા ઝાટકા લાગ્યા. સરકાર વિસામણમાં મુકાઈ. ગોલકનાથ કેસના ચુકાદાની અસર નાબૂદ કરવા સરકારે બંધારણમાં ૨૪મો સુધારો દાખલ કર્યો. આ સુધારાથી સરકારને બંધારણની કોઈ પણ જોગવાઈમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી. કેશવાનંદ ભારતીના કેસમાં આ સુધારો પડકારાયો. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં એવો ચુકાદો જાહેર કર્યો કે સંસદ બંધારણની કોઈ પણ જોગવાઈ સુધારી શકે, પરંતુ બંધારણના ‘મૂળભૂત માળખા’માં ફેરફાર કરી શકે નહીં. સર્વોચ્ચ અદાલતે એક તરફ સરકારને બંધારણની કોઈ પણ જોગવાઈમાં ફેરફાર કરવાની છૂટ આપી, તો ‘મૂળભૂત માળખા’નો સિદ્ધાંત રજૂ કરી સરકારના હાથ બાંધી પણ લીધા. કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો ૭.૬ બહુમતીથી એપ્રિલ, ૧૯૭૩માં જાહેર કરાયો હતો. તે સમયે જસ્ટિસ સિક્રી મુખ્ય ન્યાયમૂર્તિ હતા. સરકારને ફરી એક વાર જોરદાર ઝાટકો લાગ્યો. જસ્ટિસ સિક્રીની નિવૃત્તિ બાદ સરકારે જસ્ટિસ શેલત, જસ્ટિસ હેગડે અને જસ્ટિસ ગ્રોવરની સિનિયોરિટી અવગણીને જસ્ટિસ એ.એન. રેની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરી, ન્યાયતંત્રને આંચકો આપ્યો. ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ રાજનારાયણની અરજી પર અલ્હાબાદ વડી અદાલતના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ ઇન્દિરા ગાંધીની રાયબરેલી લોકસભામાં ચૂંટણીમાં થયેલ જીતને ગેરકાનૂની ઠરાવી સરકારને આંચકો આપ્યો. અને ઇન્દિરા ગાંધી સરકારે બદલામાં ૨૫ જૂન મધરાતે દેશભરમાં કટોકટી લાદી દીધી.
કટોકટીગાળા દરમિયાન એડીએમ જબલપુર તરીકે જાણીતા કેસમાં સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો. આ કેસમાં જસ્ટિસ રે, જસ્ટિસ ભગવતી, જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ બેગની ૪.૧ બહુમતીએ સરકારને કટોકટી દરમિયાન અનિયંત્રિત સત્તા હોવાનો ચુકાદો આપ્યો. જસ્ટિસ એચ.આર. ખન્ના આ ચુકાદા સાથે અસંમત હતા. સરકારે તેમની સિનિયોરિટી ઓળંગી તેમના બદલે જસ્ટિસ બેગને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક આપી શિરપાવ આપ્યો. ૧૯૯૭માં થયેલ ચૂંટણીઓમાં કૉંગ્રેસની હાર થઈ. ખુદ ઇન્દિરા ગાંધી હારી ગયાં. જનતાપક્ષની સરકાર સત્તામાં આવી. આ ગાળા દરમિયાન મેનકા ગાંધીનો પાસપોર્ટ અવિચારી રીતે જપ્ત કરાયો. સર્વોચ્ચ અદાલતે મેનકા ગાંધીની તરફેણમાં ચુકાદો જાહેર કર્યો અને કોઈ પણ જાતના વાજબી કારણ વિના અને કાર્યવાહી વિના પાસપોર્ટ જપ્ત કરવાના સરકારના પગલાની ટીકા કરી. તત્કાલીન કાયદાપ્રધાન પી. શિવશંકરે વડી અદાલતોના ન્યાયાધીશોની બદલી કરવા સરકારને સત્તા હોવાનો પરિપત્ર ૧૯૮૧માં પ્રગટ કર્યો હતો. જસ્ટિસ ભગવતીએ આ કેસમાં ઠરાવ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણનો મજબૂત કારણોસર સરકાર ઇન્કાર કરી શકે છે. આ ચુકાદાથી સરકારના હાથ મજબૂત થયા.
૧૯૯૩થી ૨૦૧૮નો સમયગાળો, હવે વારો ન્યાયતંત્રનો :
વી.પી. સિંહ સરકારે ૧૯૯૦માં બંધારણમાં ૬૭મા સુધારાનો ખરડો રજૂ કર્યો. તેમાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂક માટે નૅશનલ જ્યુડિશિયલ કમિશન રચવા માટેની જોગવાઈ હતી, પરંતુ ૧૯૯૧માં લોકસભાનું વિસર્જન થતાં આ ખરડો રદ થયો હતો. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩માં એક કેસમાં ચુકાદો જાહેર કરી ઉચ્ચ ન્યાયતંત્રમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિમર્શ કરવાનું સરકાર માટે ફરજિયાત બનાવી, મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણને બંધનકર્તા ઠરાવી. પરંતુ આ ચુકાદામાં મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિમર્શની કોઈ રીત નિયત કરાઈ ન હતી. આથી રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે સર્વોચ્ચ અદાલતને રેફરન્સ કર્યો. ૧૯૯૮માં સર્વોચ્ચ અદાલતે પોતાની સલાહ હકૂમતમાં અભિપ્રાય આપતાં કૉલેજિયમ પ્રથાને પુનઃ બહાલી આપી અને વિચારવિમર્શની ચોક્કસ પદ્ધતિ ઘડી કાઢી હતી. કૉલેજિયમપ્રથાથી હવે ન્યાયતંત્ર સરકારી દખલગીરીથી મુક્ત થયું. એસ.આર. બોમ્માઈ(૧૯૯૩)થી લઈ ટુ.જી. કેસો સુધીના સમયગાળામાં સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓ સરકાર વિરુદ્ધ જાહેર કર્યા.
અગાઉ એન.ડી.એ. સરકારે ૨૦૦૩માં બંધારણમાં ૯૮મા સુધારા માટે અને યુ.પી.એ. સરકારે ફરી નૅશનલ જ્યુડિશ્યલ કમિશનની રચના માટે બંધારણમાં ૧૨૦મા સુધારાનો ખરડો રજૂ કરેલ, પરંતુ પસાર થઈ શકેલ નહીં. ૨૦૧૪માં મોદી સરકારે એન.જે.સી.ની રચનાનો કાનૂન બહુમતીથી પસાર કર્યો. તેનાથી સર્વોચ્ચ અલાલતની કૉલેજિયમ પ્રથાનો અંત લાવવામાં આવ્યો, પરંતુ સર્વોચ્ચ અદાલતે ૨૦૧૫માં આ અંગે જાહેર કરેલ ચુકાદાથી તે કાનૂન ગેરબંધારણીય જાહેર ઠરતાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ફરી સંઘર્ષનો નવો માર્ગ ખૂલ્યો.
આ વર્ષના અંત સુધીમાં સર્વોચ્ચ અદાલતના પાંચ સિનિયર ન્યાયાધીશોમાંથી ૪ ન્યાયાધીશો નિવૃત્ત થનાર છે. સરકાર પણ હવે ચૂંટણી- ઝુંબેશ શરૂ કરવાના મૂડમાં છે. હવે ૨૦૧૯માં નવી નેતાગીરી કયો રાહ અપનાવે છે, તે જોઈએ.
(માહિતીસ્રોત : ઇન્ડિયન ઍક્સપ્રેસ, તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૮)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 05-06