મારા દોસ્ત,

રૂપાલી બર્ક
ગાઝા વિશે કંઈક લખવા અંગેનો તારો પત્ર મળે છે, ત્યારે હું તરત જ જવાબ લખતો હોંઉ છું. આ વખતે દિવસો સુધી મૌન રહ્યો. મને શબ્દો જડ્યા નહીં. શું કારણ હશે? કદાચ અમે જે ભયાનકતા અનુભવી રહ્યા છીએ, એ કારણે એવું હશે. આજે જ સવારે અમારા પાડોશીના ઘર ઉપર એક ગાંડીતુર મિસાઈલ ત્રાટકી અને એમના ઘરનો કાટમાળ અમારા ઘર ઉપર ખડકાયો તેમ છતાં અમે ચમત્કારિક રીતે બચી ગયા, એટલે હશે? કે પછી શબ્દો કરતાં આપણે જે છબિઓ જોઈએ છીએ એ વધુ બોલકી છે, એવું મને લાગે છે એટલે? કે પછી મને વાતચીતની ઉપયોગિતામાં વિશ્વાસ નથી રહ્યો, કારણ કે ૭૫ વર્ષથી વધુ સમયથી અમારા દમન માટે કરવામાં આવતી રોજીંદી હત્યાઓ, નાકેબંદી, ભૂખમરો અને સરકારી આતંકવાદ વચ્ચે ખાસ કરીને અમે અમારા આંદોલન માટે ન્યાયની વાત કરી રહ્યા છીએ અને કોઈ જ ઉત્તર નથી મળતો, એટલે?
મારા દોસ્ત, ગઈકાલે કબજો કરનાર ઈઝરાયેલી સેનાએ ગાઝામાં બૅપટિસ્ટ હૉસ્પિટલ પર બોંબમારો કર્યો અને અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ લોકો શહીદ થયા છે. એમના ટૂકડા કરવામાં આવ્યા અને એ માંસનો ઢગલો બની ગયા.
નાટ્યકાર તરીકે આપણે જાણીએ છીએ કે ઍન્ટિગની નાટક રંગભૂમિની સૌથી ક્રૂર કરુણાંતિકા છે જેમાં રાજા ક્રિઑન ઍન્ટિગનીના ભાઈને દફનાવવાનો ઇનકાર કરે છે અને ત્યારબાદ ‘માનવ હોવું એટલે શું’, ‘મૃત્યુ બાદ પણ ગૌરવ, મૂલ્ય, અને અધિકાર એટલે શું’ એ વિષયો પર એમની વચ્ચે સંવાદ રચાય છે. એન્ટિગની પોતાની સમક્ષ એના ભાઈનો મૃતદેહ જુએ છે અને એને વણદફનાવેલો છોડી જતા રહેવું એનાથી સહેવાતું નથી. આ સંજોગોમાં બૅપટિસ્ટ હૉસ્પિટલ હત્યાકાંડ બાદ માથા, હાથ અને પગ વિનાના જે મૃતદેહો આપણે જોયા તે આપણા યુગની નવી કરુણાંતિકા છે.
હૉસ્પિટલના કાટમાળ વચ્ચે એક સ્ત્રીએ એક નર્સને કહ્યું, “દીકરા, પેલો ત્યાં પડેલો હાથ આપજે ને જરા. વીંટી પરથી મને ઓળખાયો. સવારે સમાચાર જોવા માટે મારી દીકરીએ મને હાથનો ટેકો આપીને ખુરશી પર બેસાડતી એ મારી દીકરીનો હાથ છે. આ હાથે જ મને ટી.વી. ચાલુ કરી આપેલું. વિદાય લેતા પહેલાં મારું અભિવાદન કરી એણે મારો હાથ ચૂમ્યો હતો. આ એ જ હાથ છે જે મને બાથ ભરતો અને મારો ખભો થપથપાવતો. આ હાથથી જ એ મારા વાળ ઓળવી આપતી અને નખ કાપી આપતી. મારા અંતિમ દિવસોમાં આ જ હાથ મારી તમામ શક્તિનો સ્રોત હતો. એને છેલ્લું ચુંબન આપી દઉં જેથી મારી દીકરીના શરીરનો વધુ હિસ્સો માગવાથી હું બચી શકું.”
મારા દોસ્ત, વધુ શું લખું એ મને ખબર પડતી નથી. જો આને તમે કંઈક લખેલું ગણતા હોવ તો તમારા મિત્રોને વાંચી સંભળાવજો અને એમને મારા ધન્યવાદ અને પ્રશંસા પાઠવજો કારણ કે મને અહેસાસ છે કે આ જમાનામાં વિશાળ હૃદય, માનવવૃત્તિ અને સિદ્ધાંતો ધરાવતા સ્વતંત્ર લોકો બહુ ઓછા મળે છે.
મને ગાઝાથી પ્રિય એવા લવાલને અને અત્યંત વહાલા પૅરિસને. એક દિવસ આપણે મળીશું જ્યારે આ પૃથ્વીના અન્ય રહેવાસીઓની માફક હું આઝાદ હઈશ.
અલી અબુ યાસ્સીન
૧૮ ઑક્ટોબર, ૨૦૨૩
•
લામા
જ્યારે બખ્તર ગાડીઓ રહેઠાણો પર બોંબ ઝીંકે ત્યારે ઘરમાંથી તરત નીકળી જવું જોઈએ કારણ કે એમના નિશાન નક્કી નથી હોતા. એમના હુમલા ખોફનાક હોય છે અને ચેતવણી વગર એ લોકો હત્યા કરે છે. પાગલ દૈત્યો જેવી આ બખ્તર ગાડીઓ વિચાર્યા વગર મકાનોને ચીરી નાખે છે. પોતાનાં કપડાં અને અગત્યના દસ્તાવેજો ભરેલી નાની બૅગ લઈને જતા અબુ આહમદના મનમાં આ વિચાર ચાલી રહ્યો હતો. ગાઝામાં દરેક ઘરમાં આવી બૅગ તૈયાર રાખવામાં આવે છે જેમાં ઓળખ પત્રો, પાસપૉર્ટ, જન્મનો દાખલો, ઘરનો કૉન્ટ્રૅક્ટ, યુનિવર્સિટીના સર્ટીફિકૅટ અને સૌથી મહત્ત્વનું UNRWA કાર્ડ કારણ કે આ કાર્ડ દ્વારા પુરવાર થઈ શકે છે કે એ શરણાર્થી છે અને શાળામાં પ્રવેશ, ભોજન, ગાદલાં તથા અન્ય સામગ્રી મેળવવાનો એને અધિકાર છે.
અબુ આહમદ ઝડપથી એના ઘરમાંથી નીકળી ગયો. એની સાથે એની પત્ની, સંતાનો, વ્હીલચૅરમાં એની અમ્મી, એનો દીકરો, પુત્રવધૂ અને એમના સંતાનો હતાં. જ્વાળાઓમાંથી લાવા ફેંકાય એમ એમની ચારેબાજુ પત્થર ફેંકાઈ રહ્યા હતા. એની વચ્ચે એ લોકો દોડતા રહ્યાં, એકબીજાનો આશરો લેતા ગયાં અને દરેક ખૂણેથી એમને ઘેરી વળેલા નરકમાંથી ઉગારવા ખુદાને દુઆ કરતા રહ્યાં. દોડતી વખતે ઘણી વખત એ લોકો વારંવાર ઠોકર ખાઈને પડી જતા અને પાછા બેઠા થતાં. મિનિટો કલાકો જેવી લાગતી હતી અને અબુ આહમદ પોતાની અમ્મીની વ્હીલચૅરને ધક્કો મારતો હતો અને પ્રત્યેક સૅકૅન્ડ પોતાના કુટુંબીજનોની દેખરેખ રાખતો હતો. મહત્ત્વની બાબત એ હતી કે એકેય સભ્ય શહીદ નહોતો થયો. ઈજાઓની તો કોઈ દરકાર જ નહોતું કરતું હવે. એણે ફરીથી તપાસ કરી. કોઈ પડી જઈને ઊઠ્યું નહોતું એવું તો નથી ને? કોઈ મોડું પડ્યું છે? એના માથામાં હજાર આંખો અને હજાર મગજ હતા.
અબુ અને એનું કુટુંબ દોડતા રહ્યાં અને છેવટે બોંબમારાની હદની બહાર પહોંચી ગયાં. થોડોક શ્વાસ લઈ એ બધા સાલાહ અલ-દિન સ્ટ્રીટ તરફ ચાલવા લાગ્યાં, જેથી વાદી ગાઝા એટલે કે દક્ષિણમાં સુરક્ષિત વિસ્તારમાં પહોંચી શકે. અબુ આહમદના માથામાં ટી.વી. શ્રેણી ‘અલ-તઘરીબા’(‘ધ એલ્યનેશન’)માં દર્શાવાતા સ્થળાંતર દરમ્યાન કરુણ સંગીત વચ્ચે પીઠ પર પોતાનો સામાન લાદીને કાચબા ગતિએ ચાલતા શરણાર્થીઓનાં દૃશ્યોનું પુનરાવર્તન થતું હતું. પરંતુ એને ગુસ્સો એ વાતનો હતો કે સ્થળાંતર જોઈએ એટલું ઝડપી અને ભયાનક નહોતું. “આંખના પલકારામાં અમે ૬,૦૦૦ મીટર પાર કર્યા છે અને અમને ખબર નથી પડી કઈ રીતે! ‘ધ એલ્યનેશન’નાં દૃશ્યો થોભાવીને આગળ વધવામાં જ શાણપણ છે,” એમ એ મનોમન બોલ્યો.
બખ્તર ગાડી નજીક પહોંચ્યા ત્યારે એમની આજુબાજુ લોકોનું ઘોડાપૂર ઉમટેલું જોયું. ‘ક્યાંથી આવી પહોંચ્યા છે આ લોકો?’ એ મનમાં બબડ્યો. કદાચ ‘અલ તઘરીબા’ના ફિલ્મ નિર્દેશક હાતેમ અલીએ સ્થળાંતરના દૃશ્ય માટે ખૂબ બધાં ઍક્સ્ટ્રા બોલાવવા પડ્યાં હશે. ‘અરે! આ હું શેની વાત કરી રહ્યો છું. ટી.વી. શ્રેણીને મૂક બાજુ પર અને પોતાના પર અને તારી પર આવી પડેલી આ દેખીતી આપત્તિ પર ધ્યાન આપ.
જેવા બખ્તર ગાડી પાસે તમે પહોંચો, એટલે તમારી ઉપર ક્વૉડકૉપ્ટર ઊડવા લાગે, બધાંનું વીડિયો શૂટીંગ કરવા માટે અને કોઈ શંકાસ્પદ દેખાય તો તાત્કાલિક ગોળીએ ઠાર મારવા માટે. સૌથી મહત્ત્વની બાબત હોય છે થોભવા ઊપર પ્રતિબંધ. બૅગ ઊંચકેલી હોય તો ય હાથ ઊંચા જ રાખવાના. જો તમારા હાથમાંથી બૅગ પડી જાય અને એને ઉપાડવા તમે નીચા વળો તો કવૉડકૉપ્ટરમાંથી તમારી ઊપર એ જ ઘડીએ ગોળીનો વરસાદ થાય અને તમે માર્યા જાવ.
અબુ એના કુટુંબ પાસે પાછો ફર્યો: ‘ચાલો, આગળ વધો, હા, બધાં જ છે અહીં. એકબીજાને પકડી રાખજો. નજીક રહેજો. એવું લાગે છે આપણે પુનરુત્થાનના દિવસને આરે આવી ઊભા છીએ. આગળ વધો. થોભશો નહીં. સાવધાન રહેજો. થોડીક ક્ષણોમાં બખ્તર ગાડી આપણને જગા આપશે અને આપણે ઝડપથી પસાર થઈ જવું પડશે.’
‘ઓ ખુદા, જાણે ગાઝાની વસ્તી બે મિલિયન નહીં, પરંતુ ૧૦૦ મિલિયન હોય એવું લાગે છે. ચાલો, ઝાંપો ખુલ્યો છે આપણા માટે. ઝડપ કરો. અચાનક બખ્તર ગાડી પર બેઠેલા સૈનિકે કહ્યું, ‘એ ય, તું, જે વ્હિલચૅરમાં સ્ત્રીને લઈ જઈ રહ્યો છે, ખુરશી અહીં જ રહેવા દે.’
“હા, જરૂર,” એ ધીમા સ્વરે બોલ્યો અને એની માને ઊંચકીને દોડવા લાગ્યો. બખ્તર ગાડીઓ વટાવી લીધી ત્યાં સુધી બધા દોડ્યાં. પરંતુ દક્ષિણ સુધી પહોંચવાનું અંતર લાંબુ હતું. મનોમન એણે વિચાર્યુ, આટલું અંતર હું અમ્મીને ઊંચકીને કેવી રીતે કાપી શકીશ? મારે પાછા વળીને ખુરશી લઈ આવવી પડશે. આ નિર્ણયથી મારો જીવ જોખમાઈ શકે છે, પરંતુ એ સ્વીકારવું રહ્યું કે આમ પણ કાં તો હું કાં તો અમ્મી મૃત્યુ પામવાના એ નક્કી. અમ્મીને નીચે ઉતારીને શહાદા રટતો અને કોઈ પણ ઘડીએ મોતને ભેટવાની તૈયારી સાથે એ ખુરશી લેવા દોડી ગયો. છેવટે સ્થળ પર પહોંચીને એણે ખુરશી ઉપાડી લીધી અને બખ્તર ગાડીઓ રસ્તો રોકી દે તે પહેલા પરત આવી ગયો. છેલ્લી ઘડીએ એણે બખ્તર ગાડી વટાવી અને રસ્તો બંધ થાય તે પહેલા કૂદકો માર્યો અને ત્યારબાદ એ બધાં દોડવા લાગ્યાં. સૈનિકનો અવાજ સતત સંભળાતો હતો, “થોભશો નહીં, થોભશો નહીં.”
અબુએ કુટુંબની ખાતરી કરી ત્યારે એને પોતાની આઠ વર્ષની દીકરી ક્યાં ય દેખાઈ નહીં. એ બૂમ પાડવા લાગ્યો, “લામા ક્યાં છે? મારી લામા ક્યાં ગઈ?!” કોઈએ જવાબ આપ્યો નહીં. “મારે પાછા જવું પડશે” એના દીકરા આહમદે જવાબ આપ્યો. “પાગલ થયો છે કે શું? એ લોકો તને ગોળી મારી દેશે. થોભવા પર પ્રતિબંધ છે. આવામાં પાછા ફરવાનો તો વિચાર જ ના કરી શકાય. પાછા જવું એટલે મોતના મુખમાં જવું. આગળ વધ,” એમ કહી એણે એના દીકરાને આગળ તરફ ખેંચ્યો અને બોલ્યો, “ખુદા તારી રક્ષા કરે, લામા મારી લાડકી દીકરી, મારા કાળજાનો કટકો.”
દક્ષિણ દિશા તરફ ચાલતા ચાલતા અબુની આંખ સામેથી લામાનો ચહેરો હઠતો નહોતો. એ યાદ કરવા લાગ્યો – લામા જન્મી હતી એ દિવસ, એણે પહેલી પા પા પગલી ભરી હતી એ ઘડી અને એનો હાથ ઝાલીને એને ચલાવી હતી એ ક્ષણો. એને ઉંધાડતી વેળાએ કેટલી બાળવાર્તાઓ અને ગીતો એને સંભળાવ્યાં હતાં. બાળમંદિરમાં પ્રથમ દિવસે નિર્દોષ રંગબેરંગી પતંગિયાની માફક એની નાની બૅગ લઈને એ ગઈ હતી એ દૃશ્ય. ‘લામા, મારો પ્રાણ, મારી હૃદયની ખુશી, મારી વ્હાલી દીકરી.’
પત્નીના અવાજથી અબુ જાગી ગયો. એ કહેતી હતી, “આપણે નુસેરાત છાવણીના આંગણે પહોંચી ગયાં છીએ. અહીં સલાહ અલ-દિન સ્ટ્રીટ પર રોકાઈએ. કદાચ લામાને કોઈ લઈ ગયું હશે અને એને પાછી લાવશે.” અબુ આહમદે જવાબ આપ્યો, “સારું, અહીં બેસીને રાહ જોઈએ.” રસ્તા પર બન્ને વાટ જોતા બેસી રહ્યાં. અચાનક અબુનું ધ્યાન લોકોના ચહેરા તરફ ગયું, ત્રસ્ત, ધૂળથી ઢંકાયેલા, આખા બ્રહ્માંડની ઉદાસી, ગુસ્સો અને બેહુદાપણું સ્પષ્ટ દેખાતા હતા. પરંતુ જ્યારે અબુએ પોતાના કુટુંબજનોની સામે જોયું તો એમના ચહેરા અતિ દુ:ખી અને ગંભીર હતા. એ રટણ કરવા લાગ્યો, “ખુદા તારી રક્ષા કરે, લામા.” ત્રણ કલાક સુધી એ બધાં બેસી રહ્યાં. અચાનક લોકોની ભીડ વિખરાવવા લાગી અને લામાએ દેખા દીધી. પોતાના સંતાનોને ઉંચકીને ચાલતા માણસ સાથે એ ચાલીને આવતી દેખાઈ. પોતાના કુટુંબને જોતા વેંત એ પોતાની મા પાસે દોડી ગઈ. બધાં રડવા લાગ્યાં અને લામાને પરત પહોંચાડવા બદલ એ માણસનો આભાર માનવા લાગ્યાં.
ખાન યુનિસ સુધી ચાલીને લામા અને એનું કુટુંબ UNRWA સાથે સંકળાયેલા એક ઔદ્યોગિક મકાનમાં રહેવા લાગ્યાં અને બીચ કૅમ્પમાં પોતાના નષ્ટ થયેલા ઘરે પાછા જવાની રાહ જોવા લાગ્યાં.
સત્ય કથા
અલી અબુ યાસ્સિન
૩૦/૧૧/૨૦૨૩
•
મારા પુસ્તકાલયને
યુદ્ધના મહિનાઓને કારણે હું તારાથી દૂર રહેવા મજબૂર હોંઉ તો મહેરબાની કરીને મને માફ કરજે. જ્યારે ટૉલ્સટૉય એની સર્વોત્તમ કૃતિ ‘વૉર ઍન્ડ પીસ’ સાથે તારામાં વસતો હોય તો યુદ્ધ અને એના વિનાશનો અર્થ તારાથી વધુ સારી રીતે કોણ સમજી શકે? તું ના સમજી શકે તો જ નવાઈ. ‘મધર કરૅજ’ અને એના સંતાનો અંગેના નાટકને અમે વારંવાર પુનરાવલોકન કર્યું અને મંચન માટે એ નાટકનું નિર્દેશન કરવાનું મેં નક્કી કર્યું. તેથી હવે યુદ્ધની ભયાનક્તાથી અને થઈ શકતા નુકશાનથી હવે મને ડર નથી લાગતો. પોતાનાં સંતાનોની રક્ષા કરવાની એક મા પાસે હોય એવી હિંમ્મત અને બહાદુરી તું ધરાવે છે, માટે એ બધાં પુસ્તકો અને નાટકોને તારાં સંતાનો માનીને એમની રક્ષા કરજે.
મારા વહાલા પુસ્કાલય, તને ખબર છે કે મારું કુટુંબ વીજળી વગર જીવી રહ્યું છે. લોકો પાસે ભોજન રાંધવા કે બ્રૅડ બનાવવા માટે કોઈ પણ પ્રકારનું બળતણ નથી. મને ખબર છે કે ઘાસના ખડકલામાંથી સોય શોધતા હોય એ રીતે લોકો લાકડાના કે કાર્ડબોર્ડના એક ટૂકડા માટે ફાંફા મારી રહ્યાં છે. પોતાનું જીવન બચાવવા અને એમના સંતાનોને ભોજન કરાવવા જો ઉપયોગી ઠરતા હોય તો જેટલાં પુસ્તકો લોકોને લઈ જવા હોય એટલા લઈ જવા દેજે. હું જાણું છું કે મારા લેખક મિત્રોએ પોતાની જાતને બીજાઓને સુપ્રત કરી દીધી છે.
મારા મિત્રો શૅખૉવ, આલ્બૅર કામુ, જાઁ પૉલ સાર્ત્ર, જીન જૅનૅટ, શેક્સપિયર, માહમુદ ડાર્વિશ, સામી અલ-કાસીમ, ઘાનમ-ઘાનમ, આલ્ફ્રૅડ ફરાગ, આટેફ અબુ સૅફ, અલ-માઘુટ, સાદાલાહ વાનુસ, સ્ટૅનીસ્લાવસ્કી, ઑગસ્ટો બાલ અને તારી અભરાઈઓ પર બિરાજમાન બધા મહાનુભાવો બીજાને ખુશ કરવા મીણબત્તીની માફક સળગવા રાજી છે. પરંતુ કાગળ પર એમને આપણે જાળવી રાખેલા છે એના કરતાં આ બધા કંઈક ઘણા વધુ મહાન અને મૂલ્યવાન છે. મગજ પહેલા અમારાં હૃદયોમાં એમણે જે લખ્યું છે તે વિશ્વએ અને મેં મોઢે કરેલું છે. તેથી, મને મારા પુસ્તકાલય અંગે ડર નથી. પરંતુ મારો ડર એ લોકો માટે છે જેમના વિકાસ માટે પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે.
મારા મૂલ્યવાન પુસ્તકાલય, તું ખરેખર મૂલ્યવાન છે, ૧૯૯૩માં ‘કાઈરો ફૅસ્ટીવલ ફૉર ઍરબ થિયેટર પર્ફોર્મનસીસ’માં હું ભાગ લેવા ગયો હતો, એ દિવસ હું ભુલી શકું એમ નથી. મારા તમામ સાથીદારો એમના કુટુંબો માટે ભેટ લઈને પાછા ફર્યા અને હું થિયેટરની સૌથી લિજ્જતદાર પુસ્તકોથી ઠસોઠસ ભરેલી બૅગ લઈને પાછો ફરેલો. એમણે સ્ટૅનીસ્લાવસ્કીને એમની સામે સ્મિત સાથે “માફ કરજો મને અને માફ કરજો આ પાગલ થિયેટર પ્રેમીને” કહેતા ભાળ્યા હતા.
મારા વહાલા પુસ્તકાલય, મારી રાહ જોજે. હું જલદી તારી પાસે પાછો ફરીશ. પરોઢ સુધી આપણે જાગતા રહીને માનવ આત્માઓ, આ વિશ્વની સુંદરતા અને વિચિત્રતા, શબ્દોનો જાદુ અને સૌંદર્ય અને લેખકોનો વૈભવ અને મહાનતાની ખોજ કરતા રહીશું.
૩૧/૧૨/૨૦૨૩
અલી અબુ યાસ્સીન
•
સાલમની વર્ષગાંઠ
સાલમ અથવા સાલુમ એ મારા દીકરાની દીકરીનું હુલામણું નામ છે. એ બે વર્ષની છે, ગોરો વર્ણ છે અને વિદેશી બાળકના જેવી લીલી આંખો છે. એ ભાગ્યે જ રડે છે. એ બધાંને ચાહે છે અને બધાં એને ચાહે છે. એનું નામ એના ગુણનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે કારણ કે એ હંમેશાં શાંત હોય છે.
વિસ્થાપિત થઈને હું ૮૦ લોકો જોડે એક ઘરમાં રહું છું જેમાં જુદી જુદી ઉંમરનાં ઘણાં બાળકો છે, બે મહિના અને એથી વધુ વર્ષનાં ૨૦થી વધુ બાળકો છે. જગા ખૂબ વિશાળ છે.
મહત્ત્વની વાત છે કે યુદ્ધ પૂર્વે સાલમ ક્યારે ય રડતી નહોતી. હવે દરરોજ રાત્રે બેથી ત્રણ વખત જાગી જઈને મોટી ચીસો પાડે છે. અડધી રાતે અમે બધાં એની ચીસોથી જાગી જઈએ છીએ. કોઈ પોતાનું દુ:ખ ઠાલવે છે, કોઈ ઝાયોનિસ્ટોને કોસે છે, એક સાલુમના માથા પર કુરાન પઢવા લાગે છે, બીજો એને પાણી પીવડાવે છે, એક બોલે છે : “આવતી કાલે આપણે કોઈ શેખને બતાવવું પડશે, કદાચ કોઈ જીન એને વળગ્યો હોય એવું લાગે છે.” એની અમ્મીએ કહ્યું : “અમારા પાડોશી અલ-નસાનના ઘર પર બોંબમારો થયા પછી એ દરરોજ રાતે ડરને કારણે જાગી જાય છે. સાલુમ એની પથારીમાં સૂતી હતી અને બોંબમારા વખતે ભયંકર ચીસ સાથે એ પથારી પરથી એક મીટરથી વધુ દૂર ઉછળી અને પાછી પથારી પર પડી ત્યારથી એ રાતે ચીસો પાડે છે.”
એનું ચીસ પાડવું એક ચેપ બની ગયો છે. સાલુમ જ્યારે રાત્રે ચીસો પાડવા લાગે છે ત્યારે બધાં બાળકો એની સાથે ચીસો પાડવા લાગે છે. અમે શિક્ષિત કુટુંબ ગણાઈએ છીએ અને દરેક યુદ્ધ પછી શાળાઓમાં બાળકો સાથે મનોવૈજ્ઞાનિક રાહતનું ખૂબ કામ કરેલું છે અમને ખ્યાલ છે કે એની સાથે જે કાંઈ પણ થઈ રહ્યું છે તે યુદ્ધના કારણે છે. ક્યારેક એવું બન્યું છે કે અમે આખી રાત જાગતા રહ્યા હોઈએ અને એ ચીસો પાડવાનું શરૂ કરે ત્યારે અમને એની સાથે ચીસો પાડવાનું મન થઈ આવે.
આજે સાલુમની વર્ષગાંઠ છે. ત્યાં બધાં જ બાળકો જાણતાં હતાં કે સાલુમની વર્ષગાંઠ છે. સવારે બધાંએ ભેગા મળીને સાલુમની વર્ષગાંઠ શ્રેષ્ઠ રીતે ઉજવવાનું નક્કી કર્યું. બે પત્થર લાવ્યા, એકબીજા પર ગોઠવ્યા, બે ય પત્થર પર લાકડાનો ટૂકડો મૂક્યો. પછી માટી લાવીને એમાંથી કેક બનાવવા લાગ્યા. સાલુમ એમની વચ્ચે ઊભી રહી અને બધાં ગાવા લાગ્યા, “હૅપી બર્થ ડે ટુ યુ, સાલેમ”. મારી પત્ની અને હું નાના માટીના ચુલા પર ચા બનાવી રહ્યાં હતાં. ખજૂરીના પાનનો ધૂમાડો પ્રથમ અમારી છાતી અને ત્યારબાદ અમારી આંખોમાં ભરાતો હતો. દુનિયા આખીનું દુ:ખ સહન કરતાં બાળકોને નિહાળતા અમે કહ્યું : “અમારા કરતાં સારા દિવસો ખુદા એમને બતાવે.” બાળકો કૅકની ફરતે ચક્કર લગાવવા લાગ્યા અને પછી સાલુમ સાથે મળીને માટી પર કાલ્પનિક મીણબત્તીઓ ઓલવવા લાગ્યાં. ત્યારબાદ બાળકો ઘરના વાડામાં પડેલી ચીજો લઈને સાલુમને ભેટરૂપે આપવા લાગ્યા. એક છોકરાએ જૂના વાટકાને કૅન્ડીના ડબ્બા તરીકે આપ્યો. બીજાએ ગુલાબનો ગુલદસ્તો આપતો હોય એમ લાકડાનો ટૂકડો આપ્યો. ત્રીજાએ માટીથી ભરેલો કાપડનો ટૂકડો આપ્યો જાણે સૌથી સરસ વસ્ત્રો આપતો હોય. સાલુમ ભેટ સ્વીકારીને બાજુ પર મુકતી જતી હતી. બધાંએ એને ચુમી અને એનું હૃદય અને આંખઓ ખુશીથી ભરાઈ ગયા.
સાલુમના અબ્બા દૂરથી જોયા કરતા હતા. એમણે નક્કી કર્યું કે ભલે ગમે તેટલો ખર્ચ કે મહેનત થાય એ સાલુમ માટે સાચુકલી કૅક બનાવશે. પરંતુ કૅક બનાવવા માટેની સામગ્રી ક્યાંથી મળશે? એ નીકળી પડ્યા બજાર તરફ. ઘણા સમયથી નહીં ઉપલબ્ધ ઈંડા, મેંદો અને વૅનિલા ખરીદવા. દેર-અલ-બલાહમાંથી પસાર થઈ એક પછી એક શેરીમાં ફર્યા અને કૅક માટેની સામગ્રી ખરીદ્યા પછી જ પાછા ફર્યા.
વિસ્થાપિત હોવાના કારણે નથી અમારી પાસે બ્લૅન્ડર કે કૅક બનાવવા જરૂરી બીજા સાધનો એટલે અબ્બા બાજુના ઘરે ગયા જ્યાં બ્રૅડ બનાવે છે. પાડોશીને કૅક બનાવી આપવા વિનંતી કરી અને પાડોશીએ બનાવી આપવાની તૈયારી દર્શાવી. સાંજે અબ્બા કૅક લઈને ઘેર આવ્યા. એટલા ગર્વથી કૅક ઊંચકી હતી જાણે ડૉક્ટરેટની ડિગ્રી હોય. કૅક કાપવાની હતી એટલે અમે બાળકોને બોલાવી લાવ્યાં. ટેબલ મેળવીને એના પર કૅક ગોઠવી. કૅક પર કુકીઝ મૂકી. બાળકો સાથે સાલુમ માટે ગીત ગાયું. જોતજોતામાં કૅક ખતમ થઈ ગઈ. રાત્રે સાલુમ સુઈ ગઈ અને ડરને લીધે ચીસો પાડવા લાગી. અમે જાગી ગયા. એને શાંત પાડવાની કોશીશ કરી પરંતુ અમે સફળ ના થયા. સાલુમ, એ શાંત દૂત, રાત્રે વિશ્રામ કરતી નથી.
હૅપી બર્થ ડે, મારી વહાલી પૌત્રી. તારું આયુષ્ય લાંબુ હોજો.
૨૦/૧૨/૨૦૨૩
અલી અબુ યાસ્સીન
•
યુદ્ધ અને ગાઝા, પૅરિસ અને રાશીદ મશરવી…
થોડા દિવસ અગાઉ પૅરિસ અને મહાન ફિલ્મ નિર્દેશક રાશીદ મશરવી મારા મગજ પર છવાયેલા રહ્યાં, ખાસ કરીને ગયા વર્ષે આવા દિવસો દરમ્યાન હતા એવા. પૅરિસના દરેક ખૂણામાં, સેન નદી, આઈફિલ ટાવર, પ્લેસ દ લા બૅસતીલ, લુવ્ર બિલ્ડીંગ, સેક્રૅડ કર ચર્ચ, ચર્ચ ઑવ નોટર્ડૅમ, શૅતૉ રુજ, ડૅમનસ્ટ્રેશન સ્કવૅર, સૌથી મહત્ત્વનાં રૅસ્ટૉરાં, પોમ્પ દ શૅતલૅ, સ્ટ્રૅસબૉર્ગ, સાન ડેની, વગેરે સ્થળોએ મારા સેંકડો ફોટા પાડતા અને વીડિયો ઉતારતા જે રીતે રાશીદના મોબાઈલ ફોનની ફ્લૅશ ચમકતી હતી એ જ રીતે એ છબીઓ અને દૃશ્યો હજુ મારા માથામાં ઝબકી રહ્યાં છે.
પ્રથમ પાઠ એણે મને મોટરોમાં એકલા જવાનો શિખવાડ્યો કારણ કે એમ કર્યા વગર એકલા ફરવું અશક્ય હતું, અને હોટલમાં જ કેદ રહેવું પડતું. ક્યાં ય પણ પહોંચવાનું અને ત્યાંથી સીટી ઑવ આર્ટ્સ પાછા ફરવાનું શીખવાડવામાં પૅરિસનું કોઈ પણ મહત્ત્વનું શહેર એમણે બાકી રાખ્યું નહોતું. દરરોજ અમે કલાકો સુધી ચાલતા રહેતા જાણે એ મને શહેરની ચાવીઓ આપવા માગતા હોય અને ફ્રેંચ લોકો પોતે પણ ના જાણતા હોય એવા રહસ્યો મને જણાવવા માગતા હોય. દરેક ઘરની, ચિત્રની, શિલ્પની, રસ્તાની, ગલીની કહાણી મને કહેતા જતા. મૃત્યુ સમી એકલતા વચ્ચે એ મારા મુક્તિદાતા સાબિત થયા. દૂર રહેતા હોવા છતાં યુદ્ધ દરમ્યાન દરરોજ દર કલાકે એ મારી પડખે હાજર હતા. મારા વહાલા મિત્ર, તમારો આભાર.
એ દૃશ્યો હજુ મારા મગજમાં ભમી રહ્યાં છે. દૅર-અલ-બલાહમાં વિસ્થાપનના સમયથી જે દરેક ખૂણાને, દરેક તિરાડને અને મિત્રને મળતી વેળાએ પૅરિસમાં પહેરતો હતો હું એ જ જૂના બૂટ પહેરતો. અસલી ચામડાના વૉટરપ્રૂફ બૂટ હતા. ખબર નહીં કેમ પણ ઓપન માર્કૅટ કે મૉનસ્ટ્રીના કૅમ્પ માર્કૅટમાં જવા હું બૂટની દોરી બાંધવા નીચો નમું છું, ત્યારે બૂટ પર નજર પડતા જ પૅરિસની છબીઓ કૂદીને મારી સામે ઊભી રહી જાય છે.
અચાનક મને સ્પષ્ટ સમજાયું કે યુદ્ધ દરમ્યાન ગાઝા ઘણુંખરું પૅરિસ જેવું બની ગયું હતું. દા.ત. (અને માત્ર પૅરિસ પૂરતું સિમિત નહીં), પૅરિસ ઘોંઘોટિયું શહેર છે, ચહલપહલવાળું છે અને રાત્રે સુતું નથી. ગાઝાની માફક જ પૅરિસમાં રૅસ્ટૉરાં, કૅફૅ, પરિવહન, સ્ટોર, બધું જ સવાર સુધી જાગતા રહે છે. મિસાઈલના અવાજ, બખ્તર ગાડીમાંથી ખાલી ખોખા, તોપ, અથડામણના ધ્વનિ અને કદી બંધ જ ન થતા બઝરના અવાજની વચ્ચે અમે સવાર સુધી જાગતા રહીએ છીએ.
પૅરિસમાં પણ જ્યાં જાવ ત્યાં લાંબી કતારો હોય છે. દા.ત. તમારે લૂવ્ર મ્યુઝિયમમાં પ્રવેશ મેળવવા ટિકિટ જોઈતી હોય તો કતારમાં લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. જો પૅલૅસ ઑવ વૅસાઈની મુલાકાત કરવી હોય તો એવી જ કતાર અને પૉમ્પૅમાં પ્રવેશ કરવા માટે પણ એમ જ. ગાઝાની માફક જ, જેમ કે તમારે પાણીની ડોલ કે સાજ બ્રૅડ ખરીદવી હોય કે પછી પૅટ્રોલનું કૅન ભરાવવા નુસેરાત જવાનો વિચાર કરવાની હિંમત કરો તો કતાર મોનૅસ્ટ્રીથી નુસેરાત સુધીની કતારની તૈયારી રાખવી જ પડે … એક તરફ પૅરિસની કતાર છે અને બીજી તરફ અમારી કતારો છે.
જો પૅરિસના રસ્તાઓ પર સ્વચ્છતાની વાત કરીએ તો અમારા રસ્તા વધુ સ્વચ્છ છે. શક્ય જ નથી કે તમને જમીન પર કાગળ, લાકડાનો ટૂકડો, જૂનાં કપડાં કે પ્લાસ્ટિક નજરે પડે. આ બધાં તો જમીન પર ફેંકાયેલા ખજાના જેવા છે કારણ કે દરેક જણ એ ચીજોને આગ સળગાવવા કે રસોઈ કરવા માટે વાપરે છે. બાકીનો બધો કચરો અદ્વિતિય સર્જનાત્મક્તાથી પુન: વપરાશમાં લેવાય છે. દા.ત. જો તમે નસીબદાર હોવ અને તમને લોખંડની તેલની ટાંકી મળે તો એમાંથી તમે બે માળનું સરસ મજાનું અવન બનાવશો જેમાં બ્રૅડ અને બીજી રસોઈ બનાવી શકાય અને કલાકના ધોરણે એને ભાડે આપીને નાણાં પણ કમાઈ શકો છો. આમ, પૅરિસ કરતાં ગાઝા વધુ સ્વચ્છ બની શક્યું છે.
પરિવહનની વાત કરીએ તો પૅરિસના વતનીઓ સમય, નાણાં બચાવવા અને વ્યાયામ કરવા સાઈકલ ચલાવે છે. ગાઝામાં પણ એમ જ છે. મોટા ભાગના લોકો સાઈકલ ચલાવે છે કારણ કે ગધેડા સિવાય પરિવહનનું બીજું કોઈ માધ્યમ ઉપલબ્ધ નથી. રમતગમતની તો હવે અમારે જરૂર જ નથી કારણ કે લાખો કામ પાછળ અમે દોડતા રહીએ છીએ અને લાખો કામ અમારી પાછળ દોડતા રહે છે.
પૅરિસમાં કિંમતો બહુ ઊંચી છે, કદાચ વિશ્વની સૌથી ઊંચીમાંની એક. અડધા ડૉલરનું એક ઈંડુ અને પાંચ ડૉલરનું એક કિલો મીઠું હું ખરીદતો હતો. મેં હિસાબ લગાવ્યો. ગાઝાએ કિંમતો સંદર્ભે પૅરિસને હરાવી દીધું છે. દા.ત. એક કિલો મીઠું લગભગ દસ ડૉલરનું, બ્રૅડની એક લાદી અડધા ડૉલરની અને એક ઈંડુ અડધા ડૉલરનું. જો તમારા કુટંબમાં દસથી વધુ સભ્યો હોય તો દરરોજ તમને ૧૦૦ ડૉલરના ખોરાકની જરૂર પડે. આખરે પૅરિસને હરાવવા માટે અમને કંઈક જડ્યું.
હાલ નવા વર્ષનું આગમન ઉજવવા અને હર્ષ મનાવવા પૅરિસને સૌથી સુંદર બત્તીઓથી રંગબેરંગી રંગો અને શહેરને વધુ સુંદર બનાવવા માટે જે કાંઈ ઉપલબ્ધ હોય એનાથી શણગારવામાં આવેલું હતું. પાટનગરની મધ્યે સ્થિત હોટૅલ દ વિલે અથવા પૅરિસ મ્યુનિસિપૅલિટીના મકાનને પણ સૌથી સુંદર રોશનીની ડિઝાઈનથી શણગારેલું હતું. બાળકો એના ચારેકોર રમી રહ્યા હતા અને પ્રવાસીઓ, કુટુંબો અને પ્રેમીઓના મિલનનું સ્થળ બની ગયું હતું. તમે કદી નહીં જોયેલી હોય એટલી ગજબની રોશની સાથે આઈફિલ ટાવર આકાશને બાથ ભરતો હતો. એ જ રીતે, ગાઝાનું આકાશ વિશ્વના સૌથી મોંઘા, મજબૂત અને શકિતશાળી મિસાઈલ, ઝળહળતા ફોસફોરસ બોંબ અને ફટાકડાથી પ્રજ્વલ્લિત છે.
એક વર્ષ પસાર થઈ જાય છે, બીજું વર્ષ આવે છે અને દર વર્ષે અમે આઝાદીનું સ્વપ્ન જોતાં રહીએ છીએ.
ગાઝાથી પૅરિસ અને રાશીદ, મને તમારી બન્નેની ખોટ સાલે છે … હૅપી ન્યુ યર.
૧૬/૧૨/૨૦૨૩
અલી અબુ યાસ્સીન.
•
યુદ્ધનો અંત આવશે!
યુદ્ધનો અંત આવશે અને લોકો પોતાના ઘર અને કુટુંબના અવશેષો પાસે પાછા ફરશે. પોતાની સ્કૂલના ચોગાનમાંથી લોહી અને બાકી રહી ગયેલા શરીરના અવયવો હટાવીને બાળકો ભણવાનું શરૂ કરશે.
અમારા સજ્જન પાડોશી દરરોજની માફક સવારમાં પોતાની દુકાન ખોલશે, પરંતુ દુકાનની સૌથી મહત્ત્વની ચીજ વગર, રૅફ્રીજરેટર વગર. વીજળીના થાંભલા અને રસ્તા, ફૂટપાથ અને ગટરો સહિતનાં આંતરમાળખાં પર બુલડોઝરો ફેરવી નાખ્યા હોવાથી લોકો કેવી રીતે ન્હાઈ-ધોઈ શકશે અને પહેલાંની દયનીય સ્થિતિ જેવી પાણી અને ગટરની વ્યવસ્થા પુન:સ્થાપિત કરવા કેટલો ખર્ચ થશે એની મને ખબર નથી.
યુદ્ધનો અંત આવશે અને ખેડૂતો પોતાના ખેતરે પાછા ફરીને બખ્તર ગાડીઓના અને વિસ્ફોટકોના નિશાન મિટાવીને જમીનને ફળદ્રૂપ બનાવશે. કાટમાળ વચ્ચેથી નવા રસ્તા શોધીને ડ્રાઈવરો પોતાના વાહનો ફરીથી ચલાવવા લાગશે.
યુદ્ધનો અંત આવશે અને વર્ષો બાદ પહેલા કરતાં પણ સારી રીતે અને કદાચ નાશ પામેલા મકાનો, રસ્તાઓ, સ્કૂલો, યુનિવર્સિટીઓ અને ટાવરો નવેસરથી બાંધી શકીશું.
પરંતુ લોકો પહેલા જ્યાં હતા ત્યાં પાછા નહીં જઈ શકે કારણ કે આ યુદ્ધે અમારાં બાળકો, પાડોશીઓ અને અમારા મિત્રો છીનવી લીધાં છે. યુદ્ધે અમારો આત્મા ખૂંચવી લીધો છે અને એક જ વસ્તુ માટે અમને વાટ જોતા રાખ્યા છે; આ યુદ્ધના અંત માટે, અમારા દૈનિક મૃત્યુના અંત માટે અને અમારા શેષ જીવન પર્યંત કદી ન વિસરી શકાય એવી સ્મૃતિઓ સંઘરીને ધીમું મોત મરવા અમારા પાછા ફરવા માટે.
યુદ્ધ, વિસ્થાપન, વતન-વાપસીનું સ્વપ્ન અને નકબા – અમારા સંવાદ અને સ્મૃતિઓની ભાષાનો કાયમી હિસ્સો બની ગયા છે. પ્રથમ કે દ્વિતિય નકબાની વાત કરતી વખતે, ૧૯૪૮ પૂર્વે અમારા ગામમાં પાછા ફરતા કે ગાઝામાં પાછા ફરતા સમયે અમે વાતચીતમાં ઊંડે ખૂંપી જઈશું. પરંતુ વર્ષો બાદ અમારાં સંતાનોને સમજાવતી વખતે અથવા એમને કહાણી કહેતી વખતે અમને શબ્દભંડોળ નહીં જડે કે અમે પ્રથમ કે દ્વિતિય નકબાની કે ખુદા ના કરે ત્રીજા નકબાની વાત કરવા માગીએ છીએ.
હજારો માતાઓ પરત ફરશે અને એમનાં સંતાનોની વાટ જોશે પરંતુ એમના સંતાનો પરત ન ફરે. વૃદ્ધાવસ્થામાં મદદ કરવાનો હતો એવો એકનો એક દીકરો ગુમાવ્યા બાદ અમારા પાડોશી અકાળે વૃદ્ધ થઈ જશે. અનિશ્ચિત સમય સુધી બાળકો રાત્રે ચીસો પાડ્યા કરશે. પોતાના હાથ-પગ ગુમાવેલા અને પોતાના શેષ જીવન દરમ્યાન પંગુતાનું દર્દ સહન કરતા રહેશે.
યુદ્ધનો અંત આવશે અને એના પરિણામ સ્વરૂપ સર્જાયેલી કેટલીય મહામારી અને રોગનો સામનો કરતા રહીશું.
જમીન પર યુદ્ધમો અંત આવશે પરંતુ અમારી સ્મૃતિ, હૃદય અને આત્મામાં એનો અંત કદી આવશે નહીં. એટલું ચોક્કસ છે કે બધું પહેલા હતું એવું પાછું ક્યારે ય નહીં થાય.
યુદ્ધે બધું જ છતું કરી દીધું છે. ના કેવળ આંતર-માળખાને ઉઘાડા પાડી દીધા પરંતુ લોકોની પ્રકૃતિ, એમની વફાદારી, વતન સાથેનો એમને નાતો અને નિષ્ઠા પણ છતા કરી દીધા.
યુદ્ધનો અંત આવશે પણ દરેક સ્તરે પહેલા જેવા હતા એ સ્તરે લોકો નહીં પહોંચી શકે.
જમીન પર યુદ્ધનો અંત આવશે પરંતુ અમારી ભીતર એનો અંત કદી નહીં આવે.
યુદ્ધ હજુ સમાપ્ત નથી થયું પરંતુ અમે ‘હૅપી ન્યુ યર’ કહીએ છીએ.
દર વર્ષે અમે આવું કહીએ છીએ પરંતુ કમનસીબે દર વર્ષે અમે કુશળ નથી હોતા.
ઋતુના વધામણા.
૩૧/૧૨/૨૦૨૩
અલી અબુ યાસ્સીન
•
ગાઝાથી શેક્સપિયર સુધી
મારી મદદ કરો, મારા દોસ્ત, ૫૦૦ વર્ષ પછી પણ તમે કેવી રીતે હાજર રહ્યા છો? બાળકોની સાથે ચીસો પાડતા અને તેમની માતાઓ સાથે તેમના રૂદનમાં જોડાતા હું તમને જોંઉ છું. હૅમલૅટના પિતાની માફક કાળાં વસ્ત્રોમાં સજ્જ, કાટમાળ નીચેથી બાળકોનું રમકડું હાથમાં લઈ બહાર નીકળતા, દેવળનો ઘંટ વગાડતા, એમના વિનાશની ચેતવણી આપતા તમે ઉપરથી દૃશ્યમાન થાવ છો. મસ્જીદના બચી ગયેલા એક મિનારા ઉપર ઊભા રહીને હૉસ્પિટલના આંગણામાં પટકાયેલા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે બધે જ હાજર છો, જાણે ગાઝામાં ચાલી રહેલા કત્લેઆમ અને વંશીય સફાઈ પર રોક લગાવવા માટે વિશ્વ પર દબાણ ઊભું કરવા પ્રેતનો કોઈ જૂથ બે ભાગમાં વહેંચાઈ ગયો હોય.
આ યુદ્ધ નથી પરંતુ કંઈ બીજુ છે. જેવી રીતે ડાકણોએ ભવિષ્યવાણી કરી હતી કે બરનમ જંગલ સ્થળાંતરિત થઈ રાજા મૅકબૅથના મહેલમાં પહોંચી જશે એવી જાણે ભવિષ્યવાણી કરી રહ્યાં છો કે આ બધા વિનાશ અને મૃત્યુ બાદ ગાઝા શહેર દરિયામાં ધસી જશે. અંદર વસતા લોકો સહિત એવું એકેય ઘર કે મકાન બચ્યું નથી. તમે આગાહી કરેલી કે ગાઝા દરિયામાં સમાઈ જશે પરંતુ જ્યારે જંગલે સ્થળાંતર કર્યું ત્યારે સૈનિકો જીત મેળવી શક્યા. શું એવું બનશે કે સીમેન્ટ અને લોખંડથી લદાયેલાં તમામ ધ્વસ્ત મકાનો અને એમના કાટમાળ નીચે દટાયેલાં બાળકો, સ્ત્રીઓ, વડીલો, પિતાઓના હજારો શબ, એ નિષ્પાપ આત્માઓ, યુદ્ધના અંતે અનિવાર્યપણે દરિયામાં ધકેલાઈ જશે, જેવો યુદ્ધ બાદ તમામ મકાનોનો રિવાજ હોય છે?
પરંતુ આ વખતે તફાવત એ છે કે મકાનો માંસ અને લોહી મિશ્રિત છે અને દરિયા દ્વારા બાપ્તિસ્મા પામશે. જે આઝાદી માટે અમે સિત્તેરથી વધુ વર્ષો સુધી સંઘર્ષ કર્યો એની કિંમત જાણે કે આઝાદી ભણીનું આ બાપ્ત્સિમા હોય.
મને ખબર નથી શા માટે અમારા પ્રદેશ પરના કબજાની વાત નીકળતા જ વડા પ્રધાન રાબિનની સ્મૃતિ તાજી થાય છે. મારા હૃદયની ઈચ્છા છે કે દરિયો ગાઝાને ગળી જાય. જે બધુ થયું તે શું આયોજિત હતું? શેક્સપિયર, શું તમને ખબર હતી કે આઝાદીની કિંમત શહેરો અને જંગલોની હેરફેર છે? અને એ કે સ્થિર પાણી સ્થગિત હોય છે? હા, અમારી આઝાદી અને ગૌરવની કિંમત જો આ છે તો અમે પ્રસંશા, આદર અને સૂર્ય તરફ ગતિ કરવાની ઉત્કંઠા સાથે એ ચૂકવીશું.
ગતિમાં શું ઉડ્ડયનનો સમાવેશ પણ હતો? મારા મિત્ર મજેદનું શબ હવામાં ૧૦૦ મીટર ઊડીને એક અપાર્ટમૅન્ટની બાલ્કનીમાં જઈ પડેલો. એના કુટુંબના ૧૨૦ સભ્યો સાથે એનું મૃત્યુ એક મિસાઈલના કારણે થયેલું. યુદ્ધ ‘મિડ સમર નાઈટ્સ ડ્રીમ’ નહોતું પરંતુ એક ભયાનક, શોકગ્રસ્ત દુ:સ્વપ્ન હતું. વિમાનો અને બખ્તર ગાડીઓ સહિત થોડાં વિદૂષકો શોના મુખ્ય રમતવીરો હતા જે બાળકો પર લાવા ફેંકતાં હતાં. કઈ રીતે, વિલ્યમ શેક્સપિયર, તમે અમને ‘રોમિયો ઍન્ડ જુલિયટ’માં દર્શાવ્યા અને પિતરાઈઓ વચ્ચેના સંઘર્ષ અને યુદ્ધની કુરુપતા વિશે ચેતવતા કહ્યું હતું કે બધાંએ કિંમત ચુકવવાની આવશે? દૃષ્ટિ બદલાઈ ચૂકી છે, મારા દોસ્ત. ઘણું અઘરું થઈ પડ્યું છે. સુરોખાર અને કૅન્સર પેદા કરતો ધૂમાડો બળજબરીપૂર્વક ફેફસાંમાં પ્રવેશ કરે છે. આંતર-રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત ફોસફોરસ બોંબ, લીલી અને સૂકી ધરતીને બાળી મૂકે છે. તમારા સ્નેહીજનોના ટૂકડા થઈ ગયેલા જોવાના. જાણે કે રબરનો ટૂકડો હોય તેમ તમારું હૃદય દિન પ્રતિદિન હજારો વખત ચહેરાય છે. ઊઠ, શેક્સપિયર, મને મદદ કર, મારા દોસ્ત. હું ખરેખર થાકી ગયો છું. પ્રેમ, આનંદ, ક્રાંતિ, માનવતા, આશા અને આઝાદીથી ભરપૂર તારી સમજદાર કલમથી ખુલ્લેઆમ પ્રતિકાર કર. કદાચ એ ભૂરા આકાશ તળે આપણે બધાં ભાંડુઓ બની શકીશું.
૦૫/૧૧/૨૦૨૩
અલી અબુ યાસ્સીન
•
આંખના પલકારામાં
– શુભ સંધ્યા.
– હું હાલ …
– શુભ સંધ્યા …
– મારી પાસે ઈન્ટરનૅટ છે…
– કેમ જવાબ નથી આપતી?
– ચાલ, જવાબ આપ, બહુ મજાક કરી.
– સારાહ, શું થયું છે?
– ભલે એક શબ્દમાં, પણ જવાબ આપ …
– ખુદાના સોગંદ, જો તું જવાબ નહીં આપે તો ગાડીમાં બેસી તારા ઘરે આવી પહોંચીશ. મારાથી હવે વધુ સહન નહીં થાય.
– જવાબ આપ. આવું શું કરે છે? કંઈક તો બોલ!
– સારું, તું નહીં માને એમ ને? લે આવ્યો તારી પાસે.
– આ શું? આવું કઈ રીતે બની શકે? હજુ તો માંડ દરવાજો ખોલું છું અને તું મારી સામે મળે છે?
– મારી પાસે આવતી હતી કે? પરંતુ દેર-અલ-બલાહથી આંખના પલકારામાં કઈ રીતે પહોંચી શકી તું? સાંજના ચાર પછી અલ-બલાહ સ્ટ્રીટ પર નીકળવાની મનાઈ છે. રસ્તો જોખમ ભરેલો છે. તારા ઘેરથી નીકળીને મારા ઘર સુધી આવવા માટે તારા કુટુંબીજનોને શી રીતે મનાવી લીધા તેં? મિત્રના ઘેર જવા વિષે તેં એમને શું કીધું?
– ના, હું તારી પાસે નથી આવી, તું મારી પાસે આવ્યો છે.
– હું કેવી રીતે તારા ઘરે આવ્યો હોંઉ? જો મેં હાલ જ મારા ઘરનો દરવાજો ખોલ્યો હોય તો તું મારી સામે કેવી રીતે હોઈ શકે?
– કારણ કે હું શહીદ થઈ છું.
– ‘શહીદ થઈ છું’, એનો શો અર્થ છે, જ્યારે કે તું મારી સામે ઊભી છું?
– તું મારી સાથે એટલે વાત કરી રહ્યો છે કારણ કે તું પણ શહીદ થયો છે. કેમ હસે છે? તને મારો વિશ્વાસ નથી? આપણી દોસ્તીની સોગંદ લઈને કહું છું કે હું શહીદ થઈ છું.
– પણ તું શહીદ થઈ છું એ સમાચાર મને કેમ ના મળ્યા? શહીદોની યાદીમાં પણ તારું નામ નહોતું.
– કારણ કે કોઈને ખબર જ નથી કે હું શહીદ થઈ છું.
– પણ એવું બને કઈ રીતે?
– કારણ કે મારી પર મિસાઈલ પડવાની સાથે મારા હજાર કટકા થઈ ગયા અને શબમાં મારી ગણતરી ના થઈ.
– ના હોય! તો એમણે તને દફનાવી નહીં?
– રસ્તા પર ચાલતા બીજા લોકો સાથે મને દફનાવવામાં આવી. એ બધાંના પણ મારી માફક ફૂરચે-ફૂરચા ઊડી ગયા હતા. એટલે લોકોએ શબ એકઠા કરવા માંડ્યા અને પોણા પગ સાથે પા હાથ ગોઠવવા લાગ્યા. માથું સૌથી મહત્ત્વનો હિસ્સો હતું કારણ કે માથાથી જ નક્કી થઈ શકે કે એક વ્યક્તિનું શબ છે. શબ લાગે એવા અવશેષોને એક થેલીમાં ભરી એના પર ‘અનામી’ લખી નાખે. જો કોઈ એને ઓળખી ના શકે તો અમારા અવશેષોના પચાસ, સાંઈઠ શબ બનાવીને દફનાવી દે. મને આ રીતે દફનાવવામાં આવી હતી.
– અને મને? મારી શું પરિસ્થતિ હતી?
– તારી પર પણ મિસાઈલ પડી હતી અને તારા હજાર કટકા થઈ ગયેલા. તું બીજા મહોલ્લામાં ઉછળીને પડ્યો હતો.
– તને કેવી રીતે ખબર?
– હું ત્યાં જ ઊભી રહીને તને જોઈ રહી હતી.
– તે મને ચેતવ્યો કેમ નહીં?
– એ મારા માટે શક્ય નહોતું. હું તો રુહ માત્ર છું. મિસાઈલથી તને બચાવવા હું તારી ઢાલ બનવા ગઈ પરંતુ તને સુરક્ષા ના આપી શકી. મેં તને બૂમો પાડી પણ તું સાંભળી ના શક્યો. મેં તને મારી બાથમાં ઝાલ્યો અને બને એટલા મોટા અવાજે બૂમો પાડી, ઓ મારા …
– ઓ મારા … શું?
– એમ જ, માત્ર બૂમ પાડી.
– એટલે એમણે મને કફનમાં નહોતો લપેટ્યો?
– તું ભૂલી ગયો છે, શહીદોને કફનમાં નથી લપેટવામાં આવતા.
– જો કે સહાય માટેની ટ્રકોમાં કફન હતા તો ખરા!
– દોસ્ત, હું તો વિચારતી હતી કે હું મૃત્યુ પામીશ ત્યારે મીડિયા અને સોશ્યલ મીડિયા પર મારા મૃત્યુની મોટી જાહેરાત કરાશે, મહાન કવયિત્રી સારાહ માહફુઝની ચીર વિદાય. પરંતુ મારા વિષે કોઈ સમાચાર કે માહિતી જ નહોતી અપાઈ.
– મારી હાલત તારા કરતાં પણ ખરાબ હતી.
– એવું કેમ?
– મારે હાલ નહોતું મરવું. આ રીતે તો નહીં જ. મેં દરવાજો ખોલ્યો, રસ્તા પર જવા. હું તારી પાસે આવવા ચાહતો હતો.
– શું ઈચ્છા હતી તારી?
– મને મૃત્યુનો ડર લાગતો હતો. મરતા પહેલા હું તારી સાથે વાત કરવા માગતો હતો.
– કોઈ ખાસ વાત? તો હવે કહી દે.
– હવે બહુ મોડું થઈ ચુક્યું છે.
– કંઈ વાંધો નહીં. કહે શું કહેતો હતો?
– એટલે કે મારે તને જે કહેવું હતું એ ત્યારે કહેવું જોઈતું હતું જ્યારે હું તારી આંખોમાં જોઈ રહ્યો હતો અથવા જ્યારે હું તારી આંખોથી દૂર ભાગતો હતો. એ કહાણી મેં લાંબા સમયથી સંતાડી હતી અને કહેવામાં વિલંબ કર્યો હતો. જે રીતે યુદ્ધે ઘરો પર બોંબમારો કર્યો હતો એ રીતે મીઠા મધુરા શબ્દો પર પણ બોંબમારો કર્યો છે.
– તારી વાત સાંભળવા મેં બહુ લાંબો સમય રાહ જોઈ હતી અને તું મને આ કહી રહ્યો હતો તે દરમ્યાન દરરોજ રાત્રે હું તારાં સપનાં જોઈ રહી હતી.
– તને મારી લાગણીની ખબર હતી?
– તારી આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી.
– ઓ ખુદા! હું કેટલો મૂર્ખ છું. મારે તને કહી દેવા જેવું હતું કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તારા પ્રેમમાં કેટલો પાગલ છું. મારે તને કહી દેવાનું હતું, સારાહ, કે તું મારું જીવન છું અને તારા વગર જીવન અશક્ય છે.
– મારા વહાલા ઘસ્સન … તારા સિવાય મેં કોઈને પ્રેમી નથી માન્યો. પ્રત્યેક ક્ષણ હું એ સાંભળવા રાહ જોતી હતી કે તું મને પ્રેમ કરે છે. મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છીનવી લેવા બદલ હું યુદ્ધને ધિક્કારું છું. હા, હું તને પ્રેમ કરું છું, ઘસ્સન. આખા બ્રહ્માંડમાં જેટલો પ્રેમ છે એટલો. એમની મિસાઈલના અવાજ કરતાં મારા પ્રેમનો અવાજ મોટો છે અને એમના હૃદયોમાં દ્વેષ છે એના કરતાં મારો પ્રેમ વધુ શક્તિશાળી છે.
– આપણી પર ફરી બોંબમારો કરે તે પહેલા ચાલ મૌન બની નીકળી જઈએ, સારાહ. આ બધાં મૃત્યુ અને ભૂખમરાથી, શોક અને પીડાથી ઓગળી ગયેલાં હૃદયોથી બહુ દૂર જતા રહીએ. ખુદા એમને સદ્દબુદ્ધિ આપે કે તમામ વતનોથી આપણે મનુષ્યો વધુ મૂલ્યવાન છીએ. આખા વિશ્વની સમગ્ર ભૂમિ પોતાની પ્રેમીકા માટે વાટ જોનાર અને એને કદી ના પામનાર પ્રેમીના આત્માની બરાબરી કરી શકે એમ નથી. શું તને લાગે છે કે કોઈ પાપ-ગુના વગર મૃત્યુ પામેલા એક બાળકના આત્મા જેટલી કિંમત આ આખા વિશ્વની છે? મને સમજાતું નથી કે પોતે સભ્ય હોવાનો દાવો કરનાર વ્યક્તિ બીજા વ્યક્તિનો કબજો લઈને એના ભાગ્યનું નિયંત્રણ કરવાનું કેવી રીતે વિચારી શકે?
– ઓ ખુદા! સારાહ, ચાલ નીકળી જઈએ અહીંથી, કદાચ આપણને વધુ પ્રેમવાળી કોઈ બીજી જગ્યા મળી જાય.
અલી અબુ યાસ્સીન
૨૯/૧૦/૨૦૨૩
•
ન્યુઝ બુલૅટિન વાંચો
પ્રિય વાચકો; દેર-અલ-બલાહથી જેવું આવેલું એવું ન્યુઝ બુલૅટિન વિગતવાર રજૂ કરીએ છીએ.
ઈજીપ્શ્યન દૈનિકમાં યુદ્ધવિરામ સંબંધી સમાચારો પર રાજકીય સ્તરે બે અઠવાડિયા પૂર્વે નાગરિકો જુસ્સા અને રુચિથી નજર રાખતા હતા. પરંતુ સુધારા, સંવાદ, વાટાઘાટોનું સ્થગિત થઈ જવું, આશા દેખાડવી અને પાછી ખેંચવા વચ્ચે સમાચારો ઝોલા ખાવા લાગ્યા ત્યારે નાગરિકોમાં આત્યંતિક હતાશાનો દોર ચાલ્યો. હવે બધાંએ વેલાના પાંદડાં, મોલોખિયા અને પાલક શોધવા માંડ્યા, જેથી એમના સંતાનો માટે કંઈક રસોઈ બનાવી શકાય. બહોળી બહુમતિએ સમાચાર તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે.
ચીજોની રૉકૅટ ગતિએ વધતી કિંમતોથી આર્થિક સ્તરે નાગરિકો હજુ આશ્ચર્યચકિત છે. ક્યારેક કિંમતો થોડીક ઘટે છે અને ક્યારેક અતિશય વધી જાય છે. નક્કી, હાલમાં ગાઝામાં જે કિંમતો છે તે વિશ્વમાં સૌથી ઊંચી કિંમતો હશે. દા.ત. એક કિલો ખાંડના $૭, એક લીટર ખાદ્ય તેલના $૬ અને એક કિલો ચોખાની કિંમત $૮ છે. આમ તો, સામાન્ય રીતે, ચીજવસ્તુઓની અછત છે, જો તે ઉપલબ્ધ હોય તો! પરંતુ અર્થતંત્રમાં સંતાકૂકડીની રમત ખૂબ ખેલાઈ રહી છે. ક્યારેક બજારમાંથી નમક, ખાંડ, તેલ, ખમીર અને લોટ ગાયબ થઈ જાય છે અને થોડાં દિવસો બાદ હાસ્યાસ્પદ કિંમતો ફરી મળવા લાગે છે. દા.ત. એક કિલો નમકની કિંમત પા ડોલરથી કૂદીને ૧૦ ડોલર થઈ જાય છે. કાઢો માપ હવે.
તાજેતરમાં જોવામાં આવ્યું છે કે ઘર માટે આવશ્યક ચોખા, ખાંડ અને લોટ જેવી જીવન જરૂરી ચીજોની ગેરઉપલબ્ધિ વચ્ચે ચીપ્સ, સોફ્ટ-ડ્રીંક્સ અને ડોનટ્સથી માર્કૅટ ઉભરાઈ રહ્યું છે, જો કે કિંમતો હાસ્યાસ્પદ જ છે.
બીજી તરફ, લારી ચાલકો નાગરિકોની પડખે છે અને કૅનનથી કૅમ્પથી કૅનન જવા માટે તમામ ચીજોની કિંમતોના વધારા વચ્ચે યાત્રી દીઠ એક શૅકૅલનું ભાડું જાળવી રાખીને એમનું રાષ્ટ્રીય જોડાણ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ખાસ પસંદ પ્રમાણે ગધેડા માટે કિંમતો અલગ છે.
સામાજિક સ્તરે, લોકોનો એકબીજા સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો છે. ખરાબ પ્રત્યાયનના પરિણામે સેંકડો નિષ્ફળ પ્રયાસો અને મોટા ભાગના લોકોની નબળી મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિને લીધે લોકો એકબીજાની ખબરઅંતર નથી પૂછી શક્તા. મૌન, પ્રતિક્ષા અને કંટાળો પરિસ્થિતિ પર કબજો જમાવી બેઠા છે.
એક નાગરિક સાથેના સંવાદમાં અમે એને પૂછ્યું કે એ આખો દિવસ કેવી રીતે પસાર કરે છે. એણે કહ્યું કે એનો આખો દિવસ એક જગ્યાથી બીજી જગ્યાએ દોડાદોડ કરે છે અને સાંજ પડે છે ત્યારે એના વિસ્થાપનના ઠેકાણે પહોંચીને એના પોતાના ઘરે એની પથારી પર રાતે નિરાંતે સુઈને અને સવારે જાગીને શાંતિથી કોફીની ચુસ્કીઓ ક્યારે લેશે એનાં સપનાં જોતો સવાર સુધી જાગતો રહે છે.
૦૧/૦૮/૨૦૨૪
અલી અબુ યાસ્સીન
•
બે દિવસમાં અમે પાછા ફરીશું
બે દિવસમાં અમે પાછા ફરીશું. ૧૫/૧૦/૨૦૨૩ના રોજ મધ્ય ગાઝામાં દેર-અલ-બલાહ વિસ્તારમાં હું ઘર છોડીને નિરાશ્રિત બનેલો ત્યારે મેં મારા કુટુંબીજનોને કહેલું એ જ વાક્ય મારા દાદા હજ્જ ફરેસે એમના સંતાનોને અને મારા માતાપિતાને કહેલું જ્યારે ૧૯૪૮માં એમણે અમારા મૂળ વતન ડામરાથી સ્થળાંતર કરેલું. મારા અબ્બા-અમ્મી એ વાક્યનું સાંઈઠ વર્ષોથી વધુ સમય સુધી પુનરાવર્તન કરતાં રહ્યાં જ્યાં સુધી એ બન્ને ગુજરી ના ગયાં.
બે દિવસમાં અમે પાછા ફરીશું. ડામરાના એમના ઘરના આંગણામાં વાવેલા ઉંબરડાના ઝાડના ફળ કેટલા સ્વાદિષ્ટ હતાં, એની મીઠાશની જોડ ના જડે, એની વાત મારા અબ્બા કર્યા કરતા. આખા વર્ષ દરમ્યાન એ ઝાડ ફળ આપ્યાં કરતું. એને સાત સાત પેટ હતાં. તમારી આખી જિંદગીમાં તમને આવી મીઠાશ ચાખવા ના મળે, એટલું નક્કી. એને યાદ કરીને અબ્બા નિસાસા નાખ્યા કરતા. ઝાડ હજુ અડીખમ હશે કે કબજો સ્થપાયા બાદ મૂળસોતા ઉખડી ગયું હશે જે રીતે કબજેદારોના આગમન બાદ નગર છોડીને અમે નીકળ્યા ત્યારે અમારા આત્મા મૂળસોતા ઉખડી ગયેલા? મારી અમ્મી નગરને યાદ કરતી રહેતી, દરેક ખૂણો, શેરી, ઘર અને કુટુંબ. ઘેર પરત ફરે એ દહાડે પાછી મેળવી શકે એ માટે એણે શી રીતે ઉંબરડાના ઝાડ નીચે એની મૂલ્યવાન થાળીઓ સંતાડી હશે?
નકબાના ૩૦ વર્ષ બાદ એક દિવસે, મારા એક સંબંધી સાઉદી અરબથી અમૂક વર્ષો ગેરહાજર રહ્યા બાદ પાછા ફર્યા એના થોડાક દિવસો બાદ એમણે ડામરાની, જે હવે ઍરૅઝ કહેવાય છે, મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી. હું એમને અને મારા અબ્બા-અમ્મીને લઈને ડામરા જવા નીક્ળયો. ત્યાં પહોંચીને જોયું કે કશું જ નહોતું, લગભગ ખાલીખમ જમીન હતી. નગરની પહોળાઈની સમાંતરે ગામના અવશેષો દેખાયા. એ ત્રણેય પોતાની ફરતે ચક્કર લગાવવા લાગ્યા. એ જગ્યાની વિગતોને યાદ કરવાના અને પુનરાવર્તન કરવાના પ્રયાસો કરવા લાગ્યા. એકઠા કરાયેલા પત્થર, માટીના ઘરના અવશેષો, અમુક ઝાડ સહિત યાદ કરવા લાગ્યા. એમાં મારા અબ્બા ઉંબરડાના ઝાડનો સમાવેશ નહોતો. એ ત્રણેય ગામનો નકશો ફરી બનાવવા લાગ્યા : બીર-અલ-બદાદ અહીં હતું, ઉંબરડાનું ઝાડ ત્યાં હતું અને આ નીલગીરીનું ઝાડ અમારા ઘરની સામે હતું. એટલે આ સ્થળે અમારું ઘર હતું.
મારી અમ્મી અચંબામાં ઉંબરડાના ઝાડના સ્થળ ભણી નકબા વખતે ઘર છોડતા પહેલા એણે થાળીઓ દાટેલી એ શોધવા દોડી, એની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. હાથ વડે એ જમીન ખોદવા લાગી. એક જગ્યાએ ખોદતી રહી પછી સહેજ ખસીને આજુબાજુ ખોદવા લાગી. કાલ્પનિક ઝાડની આજુબાજુ કેટલા ય ખાડા ખોદ્યા પણ હાથમાં કંઈ જ ના આવ્યું. અચંબો, આંસુ, ભગ્ન હૃદય, પીડા અને મૌનથી વાતાવરણ ભરાઈ ગયું. હું ત્રણેયને જોતો ઊભો રહ્યો. એમણે સહેલી દુર્ઘટનાની હદનો મને અંદાજ ન હતો. હું એટલા માટે ખૂબ દુ:ખી હતો કે અબ્બાને ઝાડ ના મળી શક્યું અને અમ્મીને થાળીઓ ના મળી. અમે બસમાં સવાર થઈ ઘરે પાછા ફર્યાં. અબ્બા અમને ઉંબરડાના ઝાડ વિષે વાત કરતા હતા અને અમ્મી અને હું એની થાળીઓ વિષે વાત કરતાં હતાં.
દેર-અલ-બલાહ વિસ્તારમાં અમે ૧૦૯ દિવસથી વિસ્થાપિત થઈને આવેલા છે. વિસ્થાપનના પ્રથમ થોડા દિવસો દરમ્યાન યુદ્ધના શાપથી અમારી જાતને બચાવવા અને યુદ્ધ અને આક્રમણના સ્થળોથી દૂર રહેવાના અઘરા પ્રયત્ન કરવા એ અમારી પ્રાથમિક ચિંતા હતી. મહિનાઓ બાદ, અમે પાછા ફરવાના અને ઘરની દરેક વિગત, ઈંચ પ્રતિ ઈંચ, ટૂકડા પ્રતિ ટૂકડા યાદ કરવાનાં સપનાં જોવાં લાગ્યાં. મોબાઈલ ફોન પર અમારા ઘરની છબીઓ જોયા કરીએ છીએ. રસોડાની સૂક્ષ્મ વિગતો અને અમારા શયનખંડની અને અમે જેની પર સૂતા હતા તે પલંગની ઓચિંતી કંડારાયેલી છબીઓ ઝૂમ કરીને જોયા કરીએ છીએ. પોતાના ઓશીકા અને પલંગ પર નર્યો આરામ ફરમાવતા વ્યક્તિનો અર્થ અમે પામી શકીએ છીએ … અરે, ના! મારા એક મિત્રના ઘરમાં અમારી હોસ્ટેલમાં જ્યાં હાલ સમય ગાળી રહ્યા છીએ એ બાથરૂમનો ફોટો અમે નથી પાડ્યો. અમારા મિત્રએ લગભગ ૧૩૦ લોકોને એના મોટા ઘરમાં આશરો આપ્યો છે. પાણી પૂરવઠાની અને ફ્લશ તથા જૅટને વાપરવાની મુશ્કેલીને લીધે અમારે બાથરૂમમાં જવા હાથમાં પાણીની ડોલ લઈને કતારમાં રાહ જોવી પડે છે. અમે સંડાસ વાપરવાની જૂની રીત તરફ વળ્યા છીએ. ઘરે પાછા ફરીને બાથટબમાં લંબાવવાનું સપનું યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી ચાલે છે. મને નથી લાગતું કે વિસ્થાપિત લોકોમાંથી કોઈ પણ બરાબર સ્નાન કરી શક્તું હોય … અમે બધાં એક ડોલ પાણી લઈને બાથરૂમમાં પ્રવેશીએ છીએ, જો થોડુંક શૅમ્પુ મળે તો તેનાથી શરીર ચોળીને નાહી લઈએ છીએ.
બે દિવસમાં અમે પાછા ફરીશું … યુદ્ધના દિવસો ઘણા લંબાયા છે અને અમે ઘેર પાછા ફરવાના જ સપનાં જોઈ રહ્યાં છીએ. તમામ વિગતો સહિત યુદ્ધના વિરામના સમાચાર અને તેની નિષ્ફળતા દરરોજ જોઈએ છીએ. વિસ્થાપિતો માટે યુદ્ધ વિરામ એટલે ઘરે પાછા ફરવાની તક. ત્યાં મૃત્યુ પામીશું તો પણ સુખેથી. ખૂબ લાંબો સમયગાળો વિતી ગયો છે, સમય ધીરો પડી ગયો છે, દિવસો લાંબા થઈ ગયા છે અને રાત વધુ લાંબી થઈ ગઈ છે. આખો વખત અમે અમારી જાતની આજુબાજુ ભ્રમણ કરતા રહીએ છીએ, બે અદ્વિતિય ચીજોની આજુબાજુ : કુટુંબ માટે ખોરાકનો પ્રબંધ કરવાનો અને ઘેર પાછા ફરવાની વાટ જોવાની.
આજ ગઈકાલ જેવી નથી … બે દિવસમાં અમે પાછા ફરીશું … મારા અબ્બા આ વાક્ય મને કહી રહ્યા હતા ત્યારે હું મારી જાતને પૂછી રહ્યો હતો : શું એ લોકો એટલા મૂર્ખ હતા? એમને એટલી સમજ નહીં હોય કે વાત કબજાની હતી, યુદ્ધની હતી, ઘર-વાપસીમાં લાંબો સમય જવાનો હતો? શું અમે પણ એ જ છટકલામાં ફસાઈ ગયા છીએ? કે પછી જલદી ઘરે પાછા ફરી શકીશું? અગત્યનો સવાલ છે : શું ઘર એવાને એવા ઊભા છે અને શહેર હજુ અકબંધ છે?
વિનાશની ગંભીરતા વિશે મેં જે સાંભળ્યું છે અને જોયું છે એના કારણે ક્યારેક ગાઝા શહેરમાં પાછા ફરવાના વિચારથી મને ડર લાગે છે. ગાઝાને હું પ્રેમ કરું છું, મારું સુંદર શહેર, મને એની ખોટ સાલે છે. મને એની ખૂબ યાદ આવે છે, રસ્તાઓનો પ્રત્યેક ઈંચ, કૅમ્પની ગલીઓ, હું ઉછર્યો એ બીચ કૅમ્પ, માછીમારોનું બંદર અને દરિયા કિનારો, અજાણ્યો સૈનિક, શહેર વચ્ચેનું મોટું મેદાન, ઓમાર અલ-મુખ્તાર સ્ટ્રીટ, અલ-નાસર સ્ટ્રીટ, થાલાથીની, પિરાસ માર્કૅટ, શેખ રદવાન, બીચ અને શુક્રવારી. અમે ચોક્કસ ગાઝા પરત ફરીશું. અમે ચોક્કસ પાછા ફરીશું, અબ્બા.
બે દિવસમાં અમે પાછા ફરીશું ….
અલી અબુ યાસ્સીન
૩૧/૦૧/૨૦૨૪
•
સુપ્રભાત
સવારે તું વાંચે કે અમે તને ‘સુપ્રભાત’ લખ્યું છે તો આશ્વસ્થ થજે.
ગાઝામાં દરરોજ સવારે મિત્રો અને સગાંવહાલાં એકબીજાને સુપ્રભાત લખે છે. જે વળતા જવાબમાં લખે છે એ મિત્રને જણાવે છે કે એ જીવિત છે. સવારના સંદેશાનો જવાબ ના મળે તો ચિંતા ઉપજે છે. સામે છેડે ઈન્ટરનૅટ કદાચ કપાઈ ગયું હશે એવી શક્યતા પણ ઊભી કરે છે. દિવસ દરમ્યાન તમે તમારા મિત્રના જવાબની રાહ જુઓ છો, વધુને વધુ રાહ જુઓ છો … પછી બીજી સવારે તમે પાછો એને સંદેશો મોકલો છો. જો તે જવાબ નથી વાળતો તો તમે એનાથી આગલા તબક્કે જઈને એના મોબાઈલ ફોન પર સંપર્ક કરો છો. એ ફોન ઉપાડે ત્યાં સુધીનો સંતાપ અને યાતનાનો દોર ચાલુ થાય છે. જો સામે છેડે ફોન ઉપડતો નથી તો તમને આન્સરિંગ મશીન મારફતે સંદેશો આવશે કે “તમે જેનો સંપર્ક કરવા માગો છો તે ફોન નથી ઉપાડી રહ્યા” અથવા “ફોન હાલમાં બંધ છે” તો ઊંચી શક્યતા છે કે તે શહીદ થયો છે. પરંતુ જો સંદેશો આવે છે કે “આ નંબર પહોંચની બહાર છે” તો ખાસ્સી એવી આશા સેવી શકાય કે નૅટવર્કની સમસ્યા હશે અને તે હજુ જીવિત હશે. તમે એની નજીકના લોકોને ફોન કરીને એના કુશળમંગલની ખાતરી કરો છો. જ્યાં સુધી મોબાઈલના માલિક જીવિત છે કે શહીદ થયા છે એના ખાતરીપૂર્વકના સમાચાર ના મળે ત્યાં સુધી તમે એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા રહો છે. આથી જ, સવારે અમે જ્યારે શુભ સવાર કહીએ છીએ એનો અર્થ છે કે અમે કુશળ છીએ.
યુદ્ધના બીજા ક્રિયાપદો છે જેમનો અર્થ એમના મૂળ અર્થથી ભિન્ન છે. જ્યારે તમે વિસ્થાપનના સ્થળે સવારે બાથરૂમમાં કમોડના જૅટની અવેજીમાં જમણા બાથમાં બે લીટરની બૉટલ અને ટોઈલૅટ પેપર અને ફ્લશની અવેજીમાં ડાબા હાથમાં પાણીની ડોલ અને લિક્વિડ સાબુ લઈને જાવ છો, એ યુદ્ધના પરિબળો અને પરિવર્તનોનું ઉદાહરણ છે. તમને ઉતાવળ છે તમને ખાલી બાથરૂમ મળે છે! પછી તમારી જીભ બોલી ઊઠે છે : “ઓહ! વિશ્વ કેટલું સુંદર છે.” સસ્મિત તમે બેસો છો.
વાચકોને ટૂંકમાં સમજાવું કે અમે બાથરૂમમાં બાટલી, ડોલ, ટોઈલૅટ પેપર અને ઝાડુ સહિત આટલો સરંજામ સાથે બાથરૂમમાં શા માટે પ્રવેશીએ છીએ. આ ઘરમાં અમે સોથી પણ વધુ વિસ્થાપિત લોકો રહીએ છીએ. અમને એક જ બાથરૂમ ફાળવવામાં આવેલું જે આખો વખત રોકાયેલું જ રહેતું. જ્યારે જુઓ ત્યારે બહાર કતાર જ જોવી મળતી. પાણીની અછતને લીધે યુદ્ધની શરૂઆતમાં અમે ફ્લશ અને જૅટ વાપરી શકીએ એ માટે ઘરધણી દર બે દિવસે બાથરૂમમાં એક હજાર લીટરની ટાંકી ભરાવી રાખતા પણ એ જોતજોતામાં ખાલી થઈ જતી. એનું કારણ એ કે બકનળીને દિવસ આખો ખેંચે રાખવામાં આવતી અને ટાંકીનું પાણી ખાલી થયા કરતું. પરિણામે મસમોટી ટાંકી બે દિવસમાં ખાલી થઈ જતી હતી. આથી, બાથરૂમની ટાંકીને તાળું મારી દેવામાં આવ્યું. ત્યારબાદ દરેક કુટુંબ પોતાને જોઈતું પાણી ખરીદતું અને પાણીની એની જરૂરિયાત મુજબ વર્તતું જેમાં બાથરૂમ અને બાથરૂમ સુધીની કષ્ટદાયક યાત્રાનો પણ સમાવેશ હતો.
એક સપ્તાહ પહેલા મારા એક મિત્રએ મને એના ઘરે કોફી પીવાનું નિમંત્રણ આપ્યું. એની સાથે થોડો વખત બેઠા પછી મને બાથરૂમ જવાની જરૂર વર્તાઈ. મને ખ્યાલ હતો કે યુદ્ધ શરૂ થયું ત્યારથી અને દક્ષિણમાં મારું વિસ્થાપિત જીવન શરૂ થયું ત્યારથી વિસ્થાપન પૂર્વે હું પરિચિત હતો અને હવે લગભગ ભુલવા આવેલો એ તમામ સાદી, સામાન્ય ચીજોથી સજ્જ બાથરૂમમાં હું પ્રથમ વખત પ્રવેશ્યો હતો. મારા મિત્રના બાથરૂમમાં બેઠો હતો ત્યારે પ્રત્યેક ક્ષણે અમે જે આફત અને આપત્તિ વચ્ચે જીવી રહ્યાં છે એના પરિણામનો અંદાજ આવ્યો. એવું લાગી રહ્યું હતું કે અમે અમારી માનવતા ગુમાવી રહ્યા છીએ અને અમે માત્ર પચીસ નહીં પરંતુ સો વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે.
વિનાશ પામેલા ઘરો અને રસ્તાઓનું અમે પુન:નિર્માણ કરી શકીશું પરંતુ વિનાશ પામેલા લોકો, સ્મૃતિઓ, ભાવનાઓ, વ્યવહારો, સંસ્કૃતિ, શિક્ષણ, સંબંધો, પદ્ધતિ, વગેરેને અમે પુન:સ્થાપિત નહીં કરી શકીએ. આવનાર દિવસોમાં ખુદા અમારી સહાય કરે જો એ દિવસોમાંથી કંઈ બચવા પામે. અમારાં સપનાંઓને વિકૃત કરવામાં આવ્યાં છે. અમારી ઈચ્છાઓેને ગુંગળાવીને બદલી નાખવામાં આવી છે. હવે અમે સાવ નજીવી બાબતોમાં આનંદ લેવા લાગ્યા છીએ. દા.ત. તમારે બજાર જવાનું હોય અને ગધેડાને બદલે તમને ઘોડો મળી જાય તો તમે તમારા દિવસ અંગે આશાવાદ અનુભવવા લાગો, ખુશીથી ભરાઈ જાવ અને તમારી જાતને કહો : “કેટલો નસીબદાર છું. લાગે છે કે આ દિવસ ખૂબ ખુશીનો દિવસ રહેશે! થોડી જ ઘડીઓમાં ઘોડો પોતાની પૂંછડી ઊંચી કરીને લીંદ પાડવા માંડે છે અને પેશાબ કરવા લાગે છે. વિચિત્ર બાબત એ છે કે એકેય મુસાફર આની નોંધ લેતો નથી. જાણે કશું બન્યું જ ના હોય. અમારા નસકોરામાં જે દુર્ગંધ ભરાઈ જાય છે એની એમને ગંધ સુધ્ધા આવતી નથી.
રસ્તાની બન્ને બાજુએ ગોઠવેલા માલસામાનને તીવ્ર એકાગ્રતાથી એ બધાં નિહાળે છે જાણે પગપાળા નિકળ્યાં હોય એ રીતે. એકાદ મુસાફરને ઉતરીને ફેરિયા પાસેથી કશુંક ખરીદવા દેવાનો અને પાછા આવીને અમારી સાથે ગોઠવાઈ જવા દેવાનો ઘોડા-ગાડી ચાલકને વાંધો નથી હોતો. એ મુસાફરના અમે બધાં કેદી બની જઈએ, અત્યંત અધીરાઈથી એની પાછા ફરવાની રાહ જોતા રહીએ જેથી મુસાફરીમાં આગળ વધી શકીએ તેમ છતાં ઘોડાગાડીમાંથી રસ્તે જતા મુસાફરો ફેરિયાઓને મોટા અવાજે ચીજોની કિંમત પૂછે છે, દરરોજ સવારે શેરબજારમાં ઉતાર-ચઢાવ થાય છે એ રીતે … આજે કિલો ખાંડની શું કિંમત છે? નૅસકૅફૅ કેટલાની આપી? કેટલું? કેમ આપ્યું?
ગાઝામાં આખા વિશ્વમાંથી ચીજો બજારમાં ઠલવાય છે એટલે ઈજીપ્ત, તુરકીયે, અમિરાત, જોર્ડન, વિયેતનામ, કુવૈત, ચીન, જાપાન, અમૅરિકા, સ્પેન, ભારત અને વાક્ વાક્ના દેશોમાંથી કૅનબધ્ધ ચીજો મળે છે. અમારા માટે ખોરાક બનાવીને કૅનમાં પૅક કરીને અમારા પેટમાં ઓરે છે. આમાંનું ઘણું તો બિલાડા અને કૂતરા પણ નથી અડતા. જે મિસાઈલથી નથી મરતા એ બીજા કારણોસર મૃત્યુ પામે છે. વિવિધ પ્રકારના કૅનમાં પૅક થયેલા ખોરાક ઉપલબ્ધ છે અને મૃત્યુ કૅન્સરને લીધે થાય છે.
યુદ્ધની ઘડીમાં તમે જ્યાં આંખો ફેરવો ત્યાં પીડા છે! લોકોના ચહેરા અને તેની પરનું ફિક્કાપણું તમને રડાવી દે એવું હોય છે. લોકોનાં કપડાં, જૂતાં, બાળકો, સ્ત્રીઓ, પુરુષો જે હોસ્પિસો આગળ કતારબંધ ઊભાં હોય છે. બદતર રસોઈઆઓ દ્વારા બનાવેલું બદતર પ્રકારનું ખાવાનું લેવા હાથમાં વાસણ લઈ ઊભાં રહે છે. એમની પાસે ખાવાનું મેળવવા બીજો રસ્તો ય ક્યાં છે? કલાકોના કલાકો એ કતારમાં ઊભાં રહે છે.
આખો વખત તમારે ગુસ્સો દબાવીને રાખવો પડે છે. તમારી ભાવનાઓ તમારો જીવ લેવા તત્પર બને છે. એવામાં તમે તમારી જાતને કહો છો : “ઓહ, આ હૃદયની પીડા!” જે થઈ ચૂક્યું છે, થઈ રહ્યું છે અને થવાનું છે એ અંગે તમે પીડા અનુભવો છો. પછી તમે રેડિયો સમાચારમાં સાંભળો છો કે અમૅરિકાને નાગરિકોની જિંદગીની પરવાહ છે એટલે તમને ગુસ્સો આવે છે અને તમે સ્ટેશન બદલો છો તો જાણવા મળે છે કે અમૅરિકા અદ્યતન પ્રકારની મિસાઈલ, બોંબ, હવાઈ જહાજ અને વિસ્ફોટકો ઈઝરાયેલને નિકાસ કરે છે. તમને એવું પણ સાંભળવા મળે કે ઈઝરાયેલ અમારી જિંદગી જાળવવા આકરા પ્રયાસો કરી રહ્યું છે. આમ છતાં, ઓળખાયેલા શહીદોની સંખ્યા, જે ગુમ નથી અથવા કાટમાળ નીચે દબાયેલા નથી, ૩૩,૦૦૦એ પહોંચી છે જેમાં ૧૪,૦૦૦ બાળકો છે અને બાકીના મોટાભાગે સ્ત્રીઓ કે વૃદ્ધો છે. તમે ઊંઘ મેળવવાની કોશીશ કરો છો પરંતુ તમારા મગજમાં પ્રશ્નો ઘુમરાયા કરે છે. દરેક પ્રશ્નના એક હજાર ઉત્તર છે પરંતુ કઈ દિશામાં અમે જઈ રહ્યા છીએ અને આ સંજોગો ક્યાં સુધી રહેશે એની ખબર પડતી નથી.
૦૧/૦૪/૨૦૨૪
અબુ અલી યાસ્સીન
(ક્રમશ:)
e.mail : rupaleeburke@yahoo.co.in