લંકાના દાનવ રાજા રાવણનો વધ કરીને રામ 14 વર્ષના વનવાસ પછી લક્ષ્મણ અને સીતા સાથે વતનમાં પાછા ફર્યા ત્યારે અયોધ્યાની જનતાએ તેની ખુશીમાં નગરના માર્ગો ઉપર લાઇનમાં દીવાઓ અને આતશબાજી પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. એ કારતક મહિનો હતો. તે દિવસથી શરૂ કરીને ભારતમાં દિવાળી અથવા દીપાવલી(દીપ એટલે દીવો અને આવલી એટલે લીટી)ની ઉજવણી કરવામાં આવે છે, એવી પ્રચલિત કથા છે. દિવાળી એટલે દેવનો દાનવ ઉપર અને અચ્છાઈનો બૂરાઈ ઉપર વિજય, એ એનો સાર. આને લઈને બે પ્રકારના મતમતાંતર કે બહસ છે. એક, દિવાળીની શરૂઆતને લઈને છે, અને બે, એના ચિંતનાત્મક અર્થને લઈને. બંને એકબીજામાં ગૂંથાયેલાં છે.
વાલ્મીકિ રામાયણ પ્રમાણે રામ કારતકમાં નહીં, પણ ચૈત્ર મહિના(અપ્રિલ-મે)માં અયોધ્યા આવ્યા હતા. ગોસ્વામી તુલસીદાસના રામાયણમાં પણ દિવાળીનો ઉલ્લેખ નથી, એવું ઘણા લેખકો લખે છે. પૂણેની ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે દિવાળીના ઇતિહાસનું ઘણું સંશોધન કર્યું છે. એની શોધખોળ ઈસવીસનની શરૂઆતથી આગળ જતી નથી. એમનું સંશોધન કહે છે કે દિવાળીનો સૌથી જૂનો સંદર્ભ વાત્સાયનના ‘કામસૂત્ર’ માં મળે છે, જેની રચના ઈસવી પૂર્વે 2જીથી ઈસવી પછી 1લી સદી વચ્ચે થયાનું મનાય છે. એમાં યક્ષ-રાત્રિની ઉજવણીની વાત છે, જ્યાં એક લીટીમાં દીવાઓ પ્રગટાવાયા હતા.
દિવાળીનો અન્ય સંદર્ભ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં છે, જે ઈસવી પછીની 1લી સદીમાં લખાયાં હતાં. કથા ઉપનિષદમાં (ઈસવી પૂર્વે 1લી સદી) યમ અને નચિકેતની કારતક અમાવાસ્યાની રાતની વાર્તા નોધાયેલી છે, જેમાં અચ્છાઈ વિરુદ્ધ બૂરાઈ, સ્થાયી સંપત્તિ વિરુદ્ધ ક્ષણિક સંપત્તિ અને જ્ઞાન વિરુદ્ધ અજ્ઞાનનું ચિંતન છે. 7મી સદીના સંસ્કૃત નાટક ‘નાગઆનંદ’માં રાજા હર્ષ દિવાળીનો ઉલ્લેખ ‘દીપપ્રતિપાદુત્સવ’ તરીકે કરે છે. 9મી સદીની ‘કાવ્યમીમાંસા’માં કવિ રાજશેખર દીપાવલીને ‘દીપામલિકા’ કહે છે. ઈસવી પછી 500થી 800મી સદીમાં કાશ્મીરમાં લખાયેલા ‘નીલમત પુરાણ’ માં ‘દીપ માળા’ના ઉત્સવ તરીકે દિવાળીનું વિસ્તૃત વર્ણન છે.
દ્રાવિડિયન ભારત, યાની દક્ષિણ ભારતમાં દિવાળી સાવ જ જુદી રીતે, અથવા ન બરાબર રીતે, મનાવાય છે. દક્ષિણ ભારતમાં આ દિવસ કૃષ્ણ દ્વારા નરકાસુરના વધ માટે મનાવાય છે. એટલે એ દિવસે ઘર, ખાસ કરીને બાથરૂમ સ્વચ્છ કરાય છે, અને પરિવારજનો શરીર ઉપર હર્બલ તેલ લગાવીને ઘસી-ઘસીને સ્નાન કરે છે. દક્ષિણ ભારતમાં દિવાળી એકમાત્ર તહેવાર છે, જે મંદિરોમાં નથી મનાવતો. અહીં દિવાળી શબ્દ પણ નથી વપરાતો, કારણ કે એ ‘દેવાળું’ સાથે જોડાયેલો છે. અહીં દીપાવલી શબ્દ છે. રામની અયોધ્યા વાપસીની કથા ઉત્તર ભારતની છે, દક્ષિણમાં નથી.
દિવાળીની આ માન્યતાઓ સમસ્યાત્મક છે? ના, નથી. આ તો હિંદુ પરંપરાનું હાર્દ છે. બાકી હિંદુ પ્રથાઓની જેમ, દિવાળીનો એકલવડિયો, ચિરસ્થાયી અર્થ નથી થતો. એનું તાત્પર્ય પ્રદેશો પ્રમાણે, સમુદાયો પ્રમાણે, સમય-સમય ઉપર બદલાતું રહ્યું છે. બહુ આયામી હિંદુ માન્યતાઓ, પ્રથાઓ, રિવાજો અને તહેવારો વિકેન્દ્રિત પરંપરાનું પરિણામ છે. ઇસ્લામ કે ઈસાઈ ધર્મથી વિપરીત, અહીં કોઈ એક કેન્દ્રીય ઈશ્વર, શાસ્ત્ર કે ગુરુ નથી, જેના સીધા વચન મુજબ અનુસરણ થાય. હિન્દુત્વ એક એવું છત્ર છે, જેની નીચે અનેકવિધ જીવન અને વિચાર સહઅસ્તિત્વમાં પનપે છે.
સનાતન હિંદુ ધર્મની જે વાત થાય છે, તે આ અર્થમાં છે. સનાતન એટલે જે ‘પહેલેથી જ મોજૂદ છે’ તે. જેનો સરોકાર કોઈ એક વ્યક્તિ કે સિદ્ધાંતથી નથી તે. એવો અજન્મા ધર્મ કે જીવન પદ્ધતિ, જેના વિકાસની ધારા અવિરત છે. કોઈ એક ઈશ્વર કે કોઈ એક અવતારી પુરુષ હિંદુ સનાતન પરંપરાના જન્મદાતા હોવાનો દાવો ન કરી શકે. સંસારના બધા ધર્મો કોઈ ને કોઈ વ્યક્તિની વિચારધારમાંથી પેદા થયા છે. એ ધર્મો સંબંધિત વ્યક્તિની શૈલીથી પ્રભાવિત થયેલા છે, અને એ રીતે જ એક અલગ જીવનશૈલીનું આધારબિંદુ બન્યા છે. આનાથી વિપરીત, સનાતન ધર્મ એક નદી જેવો છે જે, નિરંતર પ્રવાહિત છે, સરળ છે, વિશાળ છે અને ગહન છે.
આપણો બીજો (ચિંતનાત્મક) મુદ્દો આ જ છે. હિંદુ સનાતન ધર્મની બીજી વિશેષતા એ છે કે, અહીં પૌરાણિક ઘટનાઓ કે વ્યક્તિઓનું મહત્ત્વ સાંકેતિક છે, શબ્દશઃ નહીં. હિંદુ ધર્મ એકેશ્વરવાદી નથી. યહૂદી, ઈસાઈ અને ઇસ્લામની માફક હિંદુ પરંપરામાં કોઈ એક સર્વદર્શી, સર્વશક્તિમાન અને સર્વહિતેચ્છા સર્જનહારની કલ્પના નથી. એક જ ઈશ્વરની માન્યતામાં ધિક્કત દુષ્ટ અથવા શૈતાનની છે – એક અંતર્યામી, શિરોમણિ અને પરોપકારી ઈશ્વરની મોજૂદગી હોય, તો પછી દાનવનું અસ્તિત્વ કેવી રીતે હોય? દેવ અને દાનવનું સહ-અસ્તિત્વ વિરોધાભાસી નથી? ઉત્ક્રાંતિના રચઈતા ચાર્લ્સ ડાર્વિને કહ્યું હતું કે, ‘સંસારમાં આટલી બધી અંતહીન પીડા હોય એ અસીમ કૃપાળુ દેવ સાથે અસંગત છે.’ એટલા માટે જ, શૈતાનની કલ્પના પશ્ચિમની છે, જ્યાં ખૂન-ખરાબા, પ્રાકૃતિક આપદા અને યુદ્ધ જેવી દુષ્ટ ઘટનાઓ દાનવના નામે ઉધારવામાં આવે છે.
હિંદુ ધર્મમાં આવી દુવિધા નથી. અહીં, દરેક પ્રસંગ, દરેક ક્રિયા, દરેક પ્રતિક્રિયા, દરેક કારણ કે દરેક ફળ એ માણસનાં પોતાનાં કર્મનું (સારું કે ખરાબ પરિણામ) છે. હિન્દુ કર્મનો સિદ્ધાંત કહે છે, અચ્છાઈ કે બૂરાઈ અથવા આનંદ કે આપત્તિ માટે ઈશ્વર નહીં, મનુષ્ય જ જવાબદાર છે. એટલા માટે જ હિંદુ ધર્મમાં પશ્ચિમના જેવા શૈતાનની કલ્પના નથી, જે સંસારનાં દુઃખ માટે જવાદાર હોય. અહીં, સુખ અને દુઃખ માણસના હાથમાં જ છે. એટલે એની મુસીબતોનો હલ દાનવના હરીફ દેવના હાથમાં નહીં, પણ એના પોતાના મોક્ષમાં છે-એટલે કે, સારાં-ખરાબ કર્મોના ચક્ર(પુનર્જન્મ)માંથી બહાર નીકળી જવામાં છે. એના આ મોક્ષના પ્રયાસમાં એના નિજી દેવ (રામ કે શિવ કે દેવી) એના અાધ્યાત્મિક માર્ગદર્શક તરીકે એને સહાય કરે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન પરંપરાનો આ કેન્દ્રવર્તી વિચાર છે.
આપણે ત્યાં યથાર્થ (સંસાર) સારો કે ખરાબ નથી. સંસારમાં કશું નિતાંત શુભ કે નિતાંત દુષ્ટ નથી. અચ્છાઈ-બૂરાઈ એ તુલનાત્મક અનુમાન છે, જેનો આધાર વ્યક્તિની (પાછલા જન્મનાં કર્મ આધારિત) પ્રકૃતિ પર છે. અચ્છાઈ-બૂરાઈ એ ઈશ્વરેચ્છા નહીં, માણસની મરજીનું પરિણામ છે. હિન્દુ વિચારમાં શુભ એ છે જે આપણને આપણા સ્વત્વ(આત્મા)ની નજદીક લાવે, અને કનિષ્ઠ એ છે જે બંને વચ્ચે અંતરાલ લાવે.
અચ્છાઈ અને બૂરાઈ આપણી અંદર છે, બહાર નહીં. આધુનિક મનોવિજ્ઞાનમાં આ વિચાર આવ્યો તે પહેલાં હિંદુ ચિંતકોએ દેવ અને દાનવના નામે આ વાત કરી હતી. આપણી અંદર દેવ અને દાનવનો સંઘર્ષ નિરંતર ચાલતો રહે છે. બંને આપણા શરીર અને મન ઉપર ઈખ્તિયાર પામવા પ્રયાસ કરે છે. સમાજ કે માણસને સુધારવા દેવ ક્યારે ય છપ્પર ફાડીને અવરતા નથી, ન તો દાનવ કોઈનો આનંદ છીનવવા ધરતી ચીરીને આવે છે. જનાબ જલન માતરીએ કહ્યું હતું તેમ –
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
આપણી વચ્ચે રહેલા લોકો જ માનવતાની ભલાઈ માટે કામ કરે છે, જેને અચ્છાઈ અને બૂરાઈના દ્વંદમાં ફસાયેલા લોકો રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીરના નામે પૂજે છે. રાવણ, કંસ કે હિરણ્યકશિપુ પણ માણસ જ હતા, પરંતુ એમનાં માનવતા વિરોધી ગુણો અને સ્વભાવના કારણે દાનવ કે અસુર કહેવાયા હતા. હરેક યુગમાં દેવ યાની સદ્્ગુણોએ દાનવ યાની દુર્ગુણોને પરાજિત કર્યા છે. દિવાળીનો મૂળ સાંકેતિક અર્થ આ જ છે. આપણે આપણી અંદર બેઠેલા રાવણને સદ્્ગુણથી હરાવવાનો છે, જેથી રામનો પ્રકાશ પથરાયેલો રહે. આપણે રામ અને રાવણના શબ્દશઃ ઇતિહાસની ઉલઝનમાં રહી ન જઈએ તે માટે … હેપ્પી દિવાળી!
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 15 અૉક્ટોબર 2017