સહિત્યના એક પ્રકાર તરીકે ગુજરાતીમાં ઉત્તમ જાસૂસી નવલકથાઓ લખાઈ નથી. જાસૂસી સાહિત્ય વિશેષ કરીને વીસમી સદીમાં વિકસેલી શૈલી છે. વીસમી સદીમાં ઔદ્યોગિકરણનાં પગલે દુનિયાની મહાસત્તાઓ વચ્ચે આર્થિક-રાજકીય-લશ્કરી પ્રતિસ્પર્ધાઓ ફાટી નીકળી, તેનાં પગલે ભેદ-ભરમ, ગુપ્ત ગતિવિધિ, ષડ્યંત્ર, કપટ જેવાં તત્ત્વો સાથે નવલકથાઓ લખવાની શરૂઆત થઇ હતી. દ્વિતીય મહાયુદ્ધ અગાઉ ફાસીવાદ અને સામ્યવાદના ફેલાવાનાં કારણે જાસૂસી સાહિત્યને બળ મળ્યું હતું. ભારત બહુધા આવા આંતરરાષ્ટ્રીય કાવાદાવાઓથી અછતું રહ્યું હતું, એટલે વાચકોમાં ખુફિયા વિભાગોનાં કામો અને તેના માણસોની જિંદગીઓ વિશે કુતૂહલ પેદા થયું ન હતું. પરિણામે, ભારતમાં જાસૂસી નવલકથાઓ ટાઇમ-પાસ મનોરંજનથી આગળ જઈ ના શક્યું.
એટલા માટે, ૧૨મી ડિસેમ્બરે જેમનું અવસાન થયું તે બ્રિટિશ જાસૂસી લેખક જોહ્ન લે કારનું નામ ગુજરાતી વાચકોમાં અજાણ્યું હોય તે સંભવ છે. તમે જો અંગ્રેજી ફિલ્મો જોવાના શોખીન હો, તો તમને ૧૯૬૫માં આવેલી રિચાર્ડ બર્ટન, ક્લેઈર બ્લૂમ અને ઓસ્કાર વેર્નની ‘ધ સ્પાઈ હૂ કેઈમ ઇન ફ્રોમ ધ કોલ્ડ’ ફિલ્મનું નામ યાદ હશે. કદાચ જોઈ પણ હશે.
૧૯૬૩માં પ્રગટ થયેલી, જોહ્ન લે કારની એ જ નામની નવલકથા પરથી આ મશહૂર ફિલ્મ બની હતી. તેમાં એલેક લીમાસ નામનો એક બ્રિટિશ જાસૂસ ડબલ એજન્ટ બનીને પૂર્વ જર્મનીના ગુપ્તચર વિભાગમાં જોડાઈ જાય છે. તેનું કામ પૂર્વ જર્મન જાસૂસોને ગેરમાહિતીઓ પૂરી પાડવાનું હોય છે. છેલ્લે, તે બ્રિટિશ એજન્ટ તરીકે કામ કરતો હોવાની દગાબાજી પકડાઈ જાય છે, પણ લીમાસ એ જાણીને સ્તબ્ધ થઇ જાય છે, અસલી મિશન જ તેને આવી રીતે ઉઘાડા પાડવાનું હતું. પ્રસિદ્ધ બ્રિટિશ સાહિત્યકાર ગ્રેહામ ગ્રીને કહ્યું હતું કે, “મેં વાંચેલી આ શ્રેષ્ઠ જાસૂસી નવલકથા હતી.”
ઇયાન ફ્લેમિંગે તેમની નવલકથાઓમાં સુશીલ, ભદ્ર, દેશ માટે વફાદાર અને જાત-ભાતની મુશ્કેલીઓમાં (અને સ્ત્રીઓમાં) ભરાઈ પડતા બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડનું સર્જન આ એલેક લીમાસ પરથી કર્યું હતું. બોન્ડની ‘ધ ડેડલી અફેર’ ફિલ્મ તો જોહ્ન લે કારની નવલકથા ‘કોલ ફોર ધ ડેડ’ પરથી બની હતી. જોહ્ન લે કારે એકવાર જેમ્સ બોન્ડને ‘એક નંબરની વેશ્યા’ ગણાવ્યો હતો. તેમના કહેવાનો મતલબ એ હતો કે વાચકોને બોન્ડ વિશે બહુ ખબર નથી. એ એક રહસ્યમય જાસૂસ છે, અને લોકો તેમની કલ્પના અને ઈચ્છા પ્રમાણે બોન્ડનું ચિત્ર ઊભું કરીને એવો અહેસાસ કરે કે એ આપણા જેવો જ છે.
જેમ્સ બોન્ડ અને જોહ્ન લે કારની નવલકથાઓમાં એક માત્ર સામ્ય જાસૂસીનાં સાહસોનું હતું, પણ જોહ્ન લે કાર જાસૂસીની લલચામણી ઘટનાઓથી અટકી ગયા ન હતા. તેમની વાર્તાઓના પ્લોટ શીત યુદ્ધવેળાના જીઓપોલિટીકલ સંઘર્ષ, એકહથ્થુ સત્તાઓ, આતંકવાદ અને પશ્ચિમના રાષ્ટ્રોના નૈતિક પતનની ગહેરાઈમાં જતા હતા. ૮૯ વર્ષના જોહ્ન લે કારે ૨૩ નવલકથાઓ લખી હતી, જેમાંથી ૧૧ને ફિલ્મી પડદે રૂપાંતરિત કરવામાં આવી હતી.
લે કારનું જીવન પણ એવું જ રંગીન હતું, જેવું તેમણે તેમના જાસૂસોનું ચીતર્યું હતું. એક તો, તેમનું મૂળ નામ ડેવિડ જોહ્ન મૂર કોર્નવેલ હતું. એ પોતે બ્રિટિશ જાસૂસી સંગઠન એમ.આઈ.-સિક્સમાં કામ કરતા હતા, એટલે સરકારી નિયમ મુજબ સાચા નામથી જાહેરમાં આવી ન શકે તેમ ન હતા. ૧૯૬૦માં તેમને જર્મનીના બોન શહેર સ્થિત બ્રિટિશ એમ્બેસીમાં સેકન્ડ સેક્રેટરી તરીકે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે ૧૯૬૧માં ‘કોલ ફોર ધ ડેડ’, ૧૯૬૨માં ‘અ મર્ડર ઓફ ક્વોલિટી’ અને ૧૯૬૩માં ‘ધ સ્પાઈ હૂ કેઈમ ઇન ફ્રોમ ધ કોલ્ડ’ લખી હતી, અને લેખક તરીકે તેમાં નામ રાખ્યું હતું જોહ્ન લે કાર. એમાં ‘ધ સ્પાય…’ને તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી, ત્યાંથી લે કારે ફૂલટાઈમ જાસૂસી નવલકથાઓ લખવાનું શરૂ કર્યું હતું.
કાર એક જગ્યાએ કહે છે, “મેં ૩૦ વર્ષની ઉંમરે, અત્યંત સ્ટ્રેસ અને એકાંતમાં ‘ધ સ્પાય …’ લખી હતી. હું જુનિયર ડિપ્લોમેટના સ્વાંગમાં ઈન્ટેલિજન્સ ઓફિસર હતો. મને ‘ફોરેન સર્વન્ટ’ કહીને બોલવવામાં આવતો હતો. હું કોણ હતો એ મારા સાથીઓ તો ઠીક, મને ય ખબર ન હતી. અગાઉ મેં ઉપનામથી એકાદ-બે નવલકથાઓ લખી હતી અને સર્વિસની પરવાનગી પછી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે પતંગિયાં પર ચોપડી લખો તો ય, સાચું નામ તો નહીં જ લખાય. હું એક દિવસ બસમાં જતો હતો તો દરજીની એક દુકાન બહાર તેનું નામ વાંચ્યું – લા કાર. એ મને ગમી ગયું અને ઉપનામ બનાવી દીધું. ‘ધ સ્પાય …’ને પરવાનગી આપતાં પહેલાં તેમણે બહુ વિચાર-વિમર્શ કર્યો હતો. આજ સુધી મને ખબર નથી કે તેમણે એ પરવાનગી ન આપી હોત, તો હું શું કરતો હોત.”
દક્ષિણ ઈંગ્લેંડમાં પૂલ નામના શહેરમાં જન્મેલા કોર્નવેલ ઉર્ફે જોહ્ન લે કારના પિતા કાયમ દેવામાં જીવતા હતા અને એકવાર વિમાની છેતરપિંડીમાં જેલમાં જઈ આવ્યા હતા. લા કાર પાંચ વર્ષના હતા, ત્યારે તેમની માતા ઘર છોડીને જતી રહી હતી. કાર ૨૧ વર્ષના થયા, ત્યારે માતાને મળ્યા હતા. તે બર્કશાયરના પંગબર્ન ગામ પાસે આવેલી સરકારી સ્કૂલમાં ભણ્યા હતા. સ્કૂલની જાલિમ શિસ્તના કારણે તેમને તેના પ્રત્યે નફરત થઇ ગઈ હતી.
ત્યાંથી નીકળીને તે સ્વીત્ઝરલૅન્ડની બર્ન યુનિવર્સિટીમાં ફોરેન લેંગ્વેજ ભણવા જોડાયા હતા, અને એમાંથી તેમને જર્મન ભાષા પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો. એટલે જ તેમની નવલકથાના જાસૂસ જ્યોર્જ સ્માઈલીને જર્મન સાહિત્યનો શોખ હતો. ૧૯૫૦માં તેઓ મિત્ર-દેશોના કબ્જા હેઠળના ઓસ્ટ્રીઆમાં બ્રિટિશ સૈન્યના ઈન્ટેલિજન્સ કોર્પસમાં જર્મન દુભાષિયા તરીકે જોડાયા હતા. ઈંગ્લેંડ પાછા આવીને તે ઓક્સફર્ડની લિંકન કોલેજમાં ભણવા જોડાયા હતા. ભણવાનું તો નામ હતું, મૂળ કામ તો એમ.આઈ.-ફાઈવ જાસૂસી વિભાગ તરફથી ડાબેરી અને સોવિયત એજન્ટોની જાસૂસી કરવાની હતી. પાછળથી તેમને એમ.આઈ.-સિક્સમાં મુકવામાં આવ્યા હતા, જ્યાં ફોન ટેપ કરવાનું, ઊલટતપાસ કરવાનું અને એજન્ટો નીમવાનું કામ શીખવા મળ્યું હતું.
શીત યુદ્ધ પછી જે રીતે બ્રિટન અને બીજાં રાષ્ટ્રો કામ કરતાં હતાં, તેનાથી કારને બહુ ચીઢ હતી. તે વૈચારિક રીતે ડાબેરી ઝોક ધરાવતા થઇ ગયા હતા અને અમેરિકા-બ્રિટનની આંતરરાષ્ટ્રીય નીતિઓની કડક ટીકા કરતા હતા.
અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો, ત્યારે કારે ‘ધ ટાઈમ્સ’ સમચારપત્રમાં એક લેખ લખીને કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ પાગલ થઇ ગયું છે. સપ્ટેમ્બર ૧૧ના હુમલા પછી જ્યોર્જ બુશે જે રીતે અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડ્યું હતું, ત્યારે લા કારે કહ્યું હતું કે આ વિયેટનામ યુદ્ધ કરતાં પણ દુષ્ટતમ યુદ્ધ છે. ૨૦૧૭માં તેમણે કહ્યું હતું કે દુનિયામાં લોકતંત્ર મુશ્કેલીમાં છે અને ફાસીવાદનો ચેપ ફેલાઈ રહ્યો છે.
લા કારને આજના રાજકારણીઓ માટે માન ન હતું. ૨૦૧૯માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “રાજકારણીઓને અંધાધૂંધી ગમે છે. કોઈ ભ્રમમાં ના રહેતા. તેમનામાં તમારાં સર્વે દુઃખો દૂર કરવાની ક્ષમતા છે, તેવા વિચારથી તેમને સત્તા મળે છે, તાકાત મળે છે. રાજકરણીઓ અતીતના ગૌરવને વેચી રહ્યા છે, જે આપ પણ હતું નહીં.”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ડિસેમ્બર 2020
સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબુક દિવાલેથી સાભાર