
રાજ ગોસ્વામી
દેશનો સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂનું સાહિત્યિક સન્માન ‘જ્ઞાનપીઠ’ આ વર્ષે જેમને મળ્યું છે તે હિન્દીના કવિ-કથાકાર વિનોદ કુમાર શુક્લા જાણવા જેવા સર્જક છે. વિનોદ કુમાર શુક્લા આ પુરસ્કાર મેળવનારા હિન્દીના 12મા લેખક અને છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘નૌકરી કી કમીઝ’, ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ અને ‘ખિલેગા તો દેખેંગે’નો સમાવેશ થાય છે.
આ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને તેમની નવલકથા ‘નૌકરી કી કમીઝ’ માટે આપવામાં આવ્યો છે. આ વાર્તા પરથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ કૌલે 1999માં એ જ નામની ફિલ્મ બનાવી હતી. તેમની લોકપ્રિય વાર્તા ‘આદમી કી ઔરત’ પર અમિત દત્તાએ ફિલ્મ બનાવી હતી, જેને 66મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ (2009)માં સ્પેશિયલ ઇવેન્ટ એવોર્ડ મળ્યો હતો.
તેમની નવલકથા ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેને મોહન મહર્ષિ નામના નાટ્ય નિર્દેશક દ્વારા નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
શુક્લાએ સાહિત્યની તમામ પરંપરાઓને તોડીને સંપૂર્ણપણે એક અલગ જ વ્યાકરણની રચના કરી છે. 88 વર્ષના શુક્લાએ 65 વર્ષથી નિયમિત સાહિત્યિક અભ્યાસમાં સક્રિય રહીને જાતને અજોડ બનાવી છે. તેઓ દિવસમાં પાંચ-સાત કલાક અને રાત્રે બે કે ત્રણ કલાક વાંચે છે અને લખે છે. આંખો નબળી છે એટલે વાર્તાઓ અને કવિતાઓને તેમની પત્ની અને પુત્ર શાશ્વતને બોલીને લખાવે છે. તેમણે એકવાર કહ્યું હતું, ‘હું મારા લેખનથી મારી જિંદગીનો પીછો કરવા ઈચ્છું છું.’

વિનોદ કુમાર શુક્લા
તેમને બાળપણમાં જ સાહિત્યિક વાતાવરણ મળ્યું હતું. ‘માધુરી’ અને અન્ય સાહિત્યિક સામયિકો ઘરે આવતાં હતાં. તેમના પિતરાઈ ભાઈ સરસ કવિતા લખતા હતા. તેમણે વિનોદજીને એક નોટબૂક આપીને કહ્યું હતું કે અહીં-ત્યાં કાગળ પર ના લખતો, આના પર લખજે. ભાઈએ તેની પત્નીનાં ઘરેણાં વેચીને એક કવિતા સંગ્રહ પ્રકાશિત કર્યો.
વિનોદજીની માતા વાંચનની શોખીન હતી. એકવાર તેમની પાસે બે રૂપિયાના સિક્કા જમા થઇ ગયા હતા. તેમણે માતાને પૂછ્યું હતું કે તેનું શું કરું. માતાએ કહ્યું હતું કે કોઈ સરસ પુસ્તક ખરીદજે. સરસ એટલે કેવું? માતાએ બંગાળી સર્જકો શરતચંદ્ર, બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપ્યું.
વિનોદજી એ પૈસામાંથી શરતચંદ્રની નવલકથા ‘વિજયા’ ખરીદી. તેમાં એક એવી યુવતીની વાર્તા હતી, જે તેના પિતાની જમીનદારીની માલકણ હોવા છતાં પિતાના મિત્ર અને તેના પુત્રના હાથે કથાપૂતળી બની જાય છે. વિનોદજીનું એ પહેલું પુસ્તક હતું. તેમની માતા તેમને કહેતી હતી કે જ્યારે પણ કશું લખે ત્યારે દુનિયાનું શ્રેષ્ઠ પુસ્તક વાંચીને લખજે.
તેઓ કવિતા કરતા થયા ત્યારે, મોટા ભાગના નવોદિત કવિઓ સાથે બને છે તેમ, તેમની કવિતામાં બીજા પ્રસિદ્ધ કવિઓની નકલ આવી જતી. એકવાર તેમની કવિતામાં ભવાની પ્રસાદ મિશ્ર નામના જાણીતા હિન્દી કવિની એક પંક્તિ ‘મૈં ગીત બેચતા હૂં’ આવી ગઈ. તેમના પિતરાઈ ભાઈ તેનાથી બહુ નારાજ થયા હતા.
પંદરેક વર્ષના વિનોદજીની મુશ્કેલી એ હતી કે તેમના દિમાગમાં બીજાઓની કવિતાઓ જડાઈ ગઈ હતી અને તેઓ મૌલિક લખી શકતા નહોતા. તેમણે માતાને પૂછ્યું કે શું કરું. માતાએ તેના રસોડાની કુશળતાનો આધાર લઈને જે જવાબ આપ્યો તે લાજવાબ હતો. તેણે કહ્યું;
‘જો, તું તારી ચાળણી બનાવ. આપણે ચા બનાવીએ છીએ ત્યારે ચાને ગાળીએ છીએ, લોટની ચાળણી હોય છે, મેદાની ચાળણી હોય છે, તેવી રીતે જુદી જુદી વસ્તુઓની ચાળણી હોય છે. તું પણ તારા લેખનની એક ચાળણી બનાવ, જેથી તારું લખેલું જ તારી પાસે રહે, બીજાનું તારી પાસે ન આવે.’
ત્યારથી લઈને આજ સુધી, તેમનું ફોકસ રોજિંદુ જીવન રહ્યું છે. તેઓ તેમના સર્જનમાં કલ્પનાની દુનિયામાં ફસાયા વિના આસપાસના જીવન અને સામાન્ય માણસ જોડાયેલા રહે છે. તેઓ દાયકાઓથી એકધારી રીતે સામાન્ય જીવનની વિડંબનાઓ, મુંઝવણો, વ્યથાઓ અને નારાજગીઓને ઊંડી સહાનુભૂતિ, સમજ અને સાહસ સાથે અભિવ્યક્ત કરતા રહ્યા છે.
અશોક વાજપેઈ નામના જાણીતા લેખક શુક્લાજીના સાહિત્ય અંગે કહે છે, ‘વિનોદની જેમ એક ‘અનાયક’(નોન-હીરો)ને તેમનો આજીવન અધિવક્તા બનાવ્યો હોય તેવા બીજા કોઈ ભારતીય લેખકને શોધવો અઘરો છે.
એક કવિતામાં તેઓ વિનમ્રતાથી કહે છે, ‘જો વૃક્ષ મારા ઘરે મળવા ન આવી શકે, તો હું મળવા માટે વૃક્ષ પાસે જાઉં છું.’ માત્ર ઝાડ જ નહીં, માણસોને પણ એ જ સંવેદનશીલતા સાથે મળે છે અને કહે છે, ‘જેઓ મારા ઘરે ક્યારે ય નહીં આવે, હું તેમને મળવા જઈશ.’ આ વિનમ્રતા અને સંવેદનશીલતા તેમ જ ભારતીય વ્યક્તિના સરળ જીવનનું સત્ય તેમના તમામ કાર્યોમાં વહેતું જોવા મળે છે. તેમની એક અતિ પ્રસિદ્ધ રચના વાંચવામાં જેટલી સરળ છે, સમજવામાં એટલી જ ગહન છે. તેઓ લખે છે;
હતાશ થઈને એક માણસ બેસી ગયો હતો
એ માણસને હું ઓળખતો નહોતો
હું હતાશાને ઓળખતો હતો
એટલે હું એની પાસે ગયો
મેં હાથ લંબાવ્યો
મારો હાથ પકડીને એ ઊભો થયો
મને એ ઓળખતો નહોતો
મારા હાથ લંબાવવાને તે જાણતો હતો
અમે બંને સાથે ચાલવા લાગ્યા
બંને એકબીજાને ઓળખતા નહોતા
અમે સાથે ચાલવાનું જાણતા હતા.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર