
રાજ ગોસ્વામી
એક વર્ષ પહેલાં સમાચાર આવ્યા હતા કે દેશ-દુનિયાની સેલિબ્રિટી વ્યક્તિઓએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યા છે. ડેનિસ હોપ નામના અમેરિકાના એક કાર સેલ્સમેને લ્યુનાર એમ્બેસી સ્થાપીને દાવો કર્યો હતો કે ચંદ્ર તેની માલિકીનો છે. અલબત્ત, આ છેતરપીંડી હતી.
સૃષ્ટિની માલિકી કોની? સૂરજ મારા બાપ-દાદાનો નથી. ચંદ્ર અને મંગળ નાસાના નામે લખાયો નથી. દરિયા પર મારા દોસ્તનો અધિકાર નથી. ઓક્સિજનનું વસિયત બન્યું નથી. વાસ્તવિક રીતે જોવા જઈએ તો આપણામાંથી કોઈ આ પૃથ્વી પરની જમીનના માલિક નથી.
અબજો વર્ષોથી અજરામર આ પૃથ્વી પર, આંખનો એક પલકારો ગણાય તેવાં 80-90 વર્ષ માટે માંડ જીવતો કાળા માથાનો નશ્વર માનવી, સૃષ્ટિના કોઈ હિસ્સા પર માલિકીનો દાવો કરે એ કેટલું હાસ્યાસ્પદ કહેવાય! આપણા પગ નીચે જે કાંકરા છે અને આપણા ઘરના પાયામાં જે માટી છે તે આપણી માલિકીની નથી. વાસ્તવમાં, સૃષ્ટિ આપણી માલિક છે. જેમ એક પથ્થર સૃષ્ટિનો હિસ્સો છે, તેમ માણસ પણ સૃષ્ટિનો ‘ગુલામ’ છે.
સૃષ્ટિ માટે એક પથ્થર અને એક માણસ બંને સરખા છે, પરંતુ કાળક્રમે વિકસિત મગજના બળે આપણે ‘ભાડાના ઘર’માં માલિક બની બેઠા છીએ એટલું જ નહીં, કાલિદાસની જેમ, જે ઝાડની ડાળી પર બેઠા છીએ તેને જ કાપી રહ્યા છીએ. તાજેતરમાં, ‘હોમો સેપિયન્સ’ પુસ્તકની ગ્રાફિક નોવેલના પ્રમોશન માટે મુંબઈ આવેલા ઈઝરાયેલી લેખક-ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે “સેપિયન્સ એટલે ડાહ્યો. તમને લાગે છે કે માણસો આજે ડાહ્યા છે?” તેના જવાબમાં હરારીએ કહ્યું હતું;

યુવલ હરારી
“વ્યક્તિગત સ્તરે આપણામાં ડહાપણ અને કરુણાની જબરદસ્ત ક્ષમતા છે, પણ પ્રજાતિની દૃષ્ટિએ આપણે સ્ટુપિડ છીએ. પર્યાવરણના સ્તરે આપણે આપણા અને અન્ય પ્રાણીઓ-વનસ્પતિઓના જીવનને તબાહ કરી રહ્યા છીએ. રશિયા-યુક્રેન અને અમેરિકા-ચીન વચ્ચેનો તનાવ આપણને વિશ્વ યુદ્ધ તરફ લઇ જશે. આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ અને બાયોએન્જિનીયરિંગ જેવી નવી ટેકનોલોજીઓ કલ્યાણકારી કામોમાં જ ઉપયોગમાં લેવાય તે માટે વૈશ્વિક સહકાર અને નિયંત્રણ અનિવાર્ય છે પરંતુ આપણે એ માટે સંગઠિત થઈએ એટલું ડહાપણ આપણામાં છે નહીં. રમતોની દુનિયામાં વર્લ્ડ કપ યોજવા માટે જુઓ દેશો વચ્ચે કેવો સહકાર સધાય છે! બધાની રાષ્ટ્રીય વફદારીઓ અલગ છે પણ રમત માટેના નિયમોમાં બધા સંમત થાય છે. કંઇક એવો જ સહકાર જળવાયુ પરિવર્તન કે આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ માટે ન સાધી શકાય?”
નથી સાધી શકાતો, એ હકીકત છે. ન્યુક્લિયર હથિયારો ભેગાં કરવાની ગાંડી દોડને કે પછી યુદ્ધનાં મેદાનો પર મનફાવે તે રીતે મલ્લકુસ્તીઓને રોકવા માટે એન.પી.ટી. (નોન-પ્રોલિફરેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ ટ્રીટી) કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવાં વૈશ્વિક સંગઠનો ઊભાં કરવામાં આવ્યાં હતાં, પણ એમાં અમેરિકા જેવા તાકાતવર દેશો કે ઈરાન, નોર્થ કોરિયા, ક્યુબા જેવા ‘આવારા’ દેશો વૈશ્વિક સહમતીની ઐસીતૈસી કરીને તેમનાં બાવડાં ફુલાવતા રહ્યા છે. એનું મૂળ કારણ, ઉપર વાત કરી તેમ, માલિકીપણાની વૃત્તિ છે.
દુનિયામાં જેટલાં પણ આંતરરાષ્ટ્રીય વેરઝેર છે તે સાર્વજનિક સંશાધનોની માલિકીને લઈને છે. માનવજાતિનો ઇતિહાસ તપાસો (જેવી રીતે હરારીએ ‘હોમો સેપિયન્સ’માં તપાસ્યો છે) તો ખબર પડે કે આપણે જ્યારે હજુ પારણામાં હતા ત્યારે સૃષ્ટિનાં સમગ્ર સંશાધનો સૌના માટે ઉપલબ્ધ હતાં. જીવ-જંતુ અને પ્રાગૈતિહાસિક હોમો સેપિયન્સ બધા તેનો સહિયારો ઉપયોગ કરતાં હતાં. તે વખતે માલિકીની કોઈ ભાવના નહોતી. માણસનો વિકાસ થયો ત્યારે તેણે તેની વિશિષ્ટ હિંસાનો ઉપયોગ કરીને સંશાધનો પર એકાધિકાર સ્થાપવાનો શરૂ કર્યો.
માણસ આફ્રિકાનાં જંગલોમાંથી નીકળીને દુનિયા ભરમાં ફેલાઈ ગયો તેની પાછળ નીતનવાં સંશાધનો શોધીને તેના પર માલિકી સ્થાપવાનો જ ઉદેશ્ય હતો. એ સિલસિલો આજે પણ ચાલુ જ છે. આજે પૃથ્વી પર જમીનનો એક ટુકડો એવો નથી, એક ઝાડ એવું નથી જેના પર કોઈનો અધિકાર ન હોય. બધા ઝઘડા એ અધિકારને લઈને જ છે.
બાકી હોય તેમ માણસે ચંદ્ર અને મંગળ પર નજર બગાડી છે. આપણે ત્યાં શું કામ અબજો ડોલરોનો ખર્ચ કરીને સ્પેસ રિસર્ચ કરી રહ્યા છીએ? કારણ કે પૃથ્વી પર આપણા દા’ડા ભરાઈ ગયા છે અને આપણે વૈકલ્પિક ઘરની તલાશ કરવી પડશે. ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગે અનુમાન કર્યું છે કે આપણે જળવાયુ અને ટેકનોલોજીના ક્ષેત્રે એવાં ‘પાપ’ કર્યાં છે કે જીવ બચાવવો હશે તો 600 વર્ષ સુધીમાં પૃથ્વી છોડવી પડશે.
ધારો કે જે દેશ સૌથી પહેલાં અંતરિક્ષમાં પાણી શોધશે અને જીવનની સંભવાનાને સાબિત કરશે, તે શું ત્યાં આશ્રમ ખોલીને બીજા દેશોને આમંત્રણ આપશે? ના, એ સૌથી પહેલાં તેનો રૂમાલ મૂકીને “આ જગ્યા મારી” એવું સાબિત કરશે. ધારો કે એ ‘રૂમાલ’ કોઈકે ખસેડી નાખ્યો તો? તો પછી જેવું પૃથ્વી પર થાય છે તેવું મંગળ પર શરૂ થશે; મારામારી, કાપાકાપી અને બોમ્બ ધડાકા.
વ્યક્તિગત સ્તરે આપણે અને તમે ભલે સંતોષી જીવન જીવતા હોઈએ, પરંતુ સામૂહિક સ્તરે મનુષ્યજાતિ અત્યંત લાલચી અને હિંસક છે. જેમ એક માણસ પાસે બહુ સત્તા આવી જાય અને તે અહંકારી બને ને છાકટો થઇ જાય, તેવી રીતે માનવજાતિ પણ એટલી તાકાતવર બની ગઈ છે કે તેને એવું લાગે છે કે આખી દુનિયા (અને હવે તો બીજા ગ્રહો) તેની એકાધિકારમાં આવે છે.
આપણે બીજા પ્રાણીઓની સરખામણીમાં એક સફળ અને સક્ષમ પ્રજાતિ તરીકે શરૂઆત કરી હતી અને એમાં આપણે આજે તાકાતવર બનીને અનેક પ્રકારની સીમાઓમાં બંધાઈ ગયા છીએ, જ્યાં એકબીજા સાથે સ્પર્ધા કરવા સિવાય બીજો કોઈ સહકાર રહ્યો નથી. આજે દરેક દેશ તેના સંકુચિત હિતોને આગળ વધારવા કે પછી તેનું રક્ષણ કરવા માટે જાતભાતના પેંતરા કરે છે અને એમાં અસલામતી, ઈર્ષ્યા અને અન્યાયની ભાવના મજબૂત થતી ગઈ છે જે માણસને વધુ મહત્ત્વાકાંક્ષી અને હિંસક બનાવી રહી છે. એમાં જરા ય આશ્ચર્ય નથી કે પારસ્પરિક શ્રદ્ધા અને સહકારના તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. એનું તાજું ઉદાહરણ કોરોનાની મહામારી છે. એમાં વૈશ્વિક સહકારની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.
પેલા ઇન્ટરવ્યૂમાં હરારી કહે છે, “માનવજાતિ પાસે આજે એટલી તાકાત આવી ગઈ છે કે તેણે એ માનવાનો પણ ઇનકાર કરવા માંડ્યો છે કે બાકી બધા જીવોની જેમ તે સૃષ્ટિની ઇકોસિસ્ટમનો એક હિસ્સો છે (માણસ પોતાને પ્રકૃતિથી અલગ અને ઉપર માને છે). જોખમ એ છે કે જ્યારે ઇકોસિસ્ટમ ફસડાઈ પડશે, ત્યારે આપણો પણ ખાત્મો બોલાઈ જશે, પણ આપણે જાણે અજરામર છીએ એવા ભ્રમમાં એ જોખમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.
“મુસીબત એ છે કે આ બધાં પરિવર્તન એટલાં સુક્ષ્મ અને ધીમાં હોય છે કે આપણી નજરમાં પણ નથી આવતાં. હું જયારે નાનો હતો ત્યારે કરોળિયાથી ડરતો હતો, પણ મોટરકારની બીક કોઈને નહોતી. આ વિચિત્ર ન કહેવાય? કારણ કે કરોળિયો ભાગ્યે જ કોઈનો જીવ લે છે પણ કારથી દર વર્ષે લાખો લોકો મરી જાય છે. વાસ્તવમાં, કાર હજુ સો વર્ષ જૂની જ છે, એટલે આપણામાં તેનો ડર પેદા થયો નથી. આપણે તાત્કાલિક જોખમને પારખવામાં પાવધરા છીએ પણ લાંબા ગાળાના નુકશાનને જોઈ શકવા સક્ષમ નથી.”
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “ગુજરાત મેઈલ”; 31 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર