૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર આખા દેશ અને દુનિયાની નજર હતી. આ ચૂંટણી બધાં વર્ષોની ચૂંટણી કરતાં અલગ અને અગત્યની હતી. શાસકપક્ષનાં ૨૨ વર્ષના શાસન સામે પ્રજાનો અસંતોષ-નારાજગી તો છેલ્લાં બે વર્ષથી ચાલેલાં આંદોલનોમાં જુદી-જુદી રીતે વર્તાતી હતી. એટલે ભા.જ.પ. માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો અને જાણે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું ડ્રેસ-રિહર્સલ પણ હતું.
આ ચૂંટણીમાં ચૂંટણીપંચની ભૂમિકા, ઇ.વી.એમ., વી.વી.પી.એ.ટી. વગેરેની ભૂમિકા વિશે ચર્ચાઓ થઈ રહી છે. ઘણી બધી બાબતો વિશેની ફરિયાદો અને અપારદર્શિતાનો મુદ્દો પણ ઊઠ્યો છે. આખી ચૂંટણી-પ્રક્રિયાના સંદર્ભમાં ચૂંટણી-સુધારાઓનાં સૂચનો પણ છે.
પરંતુ, હું તો અહીં એક ઉમેદવાર તરીકેનાં મારાં અવલોકનો અને અનુભવો ટૂંકમાં કહેવા માંગું છું. એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારમાંથી સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા (કમ્યુિનસ્ટ) SUCI (C) પક્ષના ઉમેદવાર તરીકે હું આ ચૂંટણી લડી હતી. ભા.જ.પ. અને કૉંગ્રેસની રાજનીતિ સામે વિકલ્પની-લોકોની રાજનીતિની લડતના પ્રતીક તરીકે અમારા પક્ષે રાજ્યમાં ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારમાં સમાજના લગભગ બધા જ વર્ગના લોકો મળીને લગભગ ૨.૫૦ લાખ મતદારો છે. ભૌગોલિક વિસ્તારની વિશાળતા વચ્ચે, અમારા પક્ષે ઘરે ઘરે પ્રચાર-અભિયાનનો પડકાર ઉપાડ્યો હતો. આ અભિયાનમાં અમે મતદારોને ‘વોટ અને નોટ’ બંને આપવા અપીલ કરતા હતા. એના કારણે આ પ્રચાર-અભિયાનમાં અમે લગભગ રૂ. ૩૦,૦૦૦/- જેટલો લોકફાળો મેળવી શક્યા અને આશરે ૯૦,૦૦૦/- જેટલી પત્રિકાઓનું વિતરણ કરી શક્યા. આ પત્રિકાઓમાં રાજ્યની સમગ્ર પરિસ્થિતિના રાજકીય વિશ્લેષણથી લઈને જુદા-જુદા મુદ્દાઓની છણાવટ હતી, જેમાં શિક્ષણ, આરોગ્ય, મહિલાઓ અને ‘નોટબંધી’ના એક વર્ષના ‘કાળા દિવસ’ની પત્રિકાઓનો પણ સમાવેશ હતો.
મારાં અવલોકનો અને અનુભવો :
સૌથી પહેલાં તો ઉમેદવાર તરીકે મેં નોંધ્યું કે, સાધારણ લોકોમાં શાસનવ્યવસ્થા સામે ખૂબ રોષ હતો. એમના રોજબરોજના સવાલોથી એ એટલા પરેશાન હતા કે બધા જ લોકો – પક્ષો નકામા છે અને ચૂંટાઈને કશું કરતા નથી, એ વાત ગુસ્સાથી સૌ કરતા હતા.
વિધાનસભાની ચૂંટણી હોવા છતાં લગભગ બધા જ મતદારો રોડ, ગટર, પાણી અને સ્ટ્રીટલાઇટની અવ્યવસ્થા-અરાજકતા વિરુદ્ધ ફરિયાદ કરતા જોવા મળ્યા. ઘણાં ‘સ્વસ્તિવચનો’ સાંભળવા મળ્યાં. ઘણાં બહેનો તો, આ પથરા કાઢીને ગયા છો, હવે પથરા નાંખશો તો જ તમને મત આપીશું’ એવું કહી રોષ ઠાવલતાં હતા.
તો, નવરંગપુરા જેવા વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યા ઘણા સમૃદ્ધ ફ્લેટ્સમાં જોવા મળતાં અમને આંચકો લાગ્યો !
તો, ઘણા એમ કહેતા કે ભા.જ.પ.-કૉંગ્રેસવાળા હોય, તો અંદર ના આવતા.
અમે ધીરે રહીને, બધે જ અમારા પક્ષની કામગીરી વિશે વાત કરતાં. આ બધા જ પ્રશ્નો માટે લોક-આંદોલનની જરૂરત ઉપર ભાર મૂકતાં અને સૌને એમાં જોડાવા આગ્રહ કરતાં. સાધારણ લોકોની રાજકીય જાગૃતિ કેવી જરૂરી છે, તે વિશે વાત કરીને, રાજકીય રીતે જાગૃત રહેવા આગ્રહ કરતાં.
અમે અમારા પ્રચાર-અભિયાનમાં ગીતો પણ ગાતાં. જેમાં ‘ડંકો વાગ્યો, શૂરા જાગજો રે…’ અને ‘ચૂંટણીનો ચકરાવો આવ્યો રે ભાઈ! તમે જાગતા રહેજો!’ મુખ્ય હતાં. તો, લોકો જ્યારે ભા.જ.પ.-કૉંગ્રેસવાળા નથી, એમ સમજતા ત્યારે નિરાંતે ઘણી બધી ચર્ચાઓ કરતા. પછી ઉમેદવાર તરીકે જે સમજાયું તે એ કે લોકોની રાજકીય શક્તિને ખીલવવા, રાજકીય જાગૃતિ કેટલી બધી અનિવાર્ય છે.
એ ચર્ચાઓ દરમિયાન લોકોની સમજણ, તકલીફોની વેદના અને મોટા રાજકીય પક્ષો તરફનો ગુસ્સો છૂપાં નહોતાં રહેતાં.
સાધારણ લોકો, એમાં ખાસ કરીને ભાઈઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર, જી.એસ.ટી. અને નોટબંધી જેવા પ્રશ્નથી ઘણા ચિંતિત હતા. તો, બહેનો મોંઘવારી અને બહેનોની સલામતી માટે દુઃખી હતાં.
ઘણા લોકો અમારા પક્ષના નામથી અજાણ હોવાને કારણે, મારા ‘ચૂંટાવા’ની શક્યતા અને ક્ષમતા વિશે શંકાશીલ હતા. એમનું માનવું હતું કે મોટાં પ્રતીકો-મોટા પક્ષો-મોટા નેતાઓ વિના કોઈ ચૂંટાઈ જ ન શકે.
છતાં, અનેક એવાં મતદાર ભાઈ-બહેનો મળ્યાં, જેમને માટે લોકશાહી-મૂલ્યોની જાળવણી સૌથી જરૂરી બાબત હતી. એ સૌએ ઉમેદવાર તરીકે મને વધાવી-બિરદાવી. મની-મસલ-માફિયા સાથે લડતાં ઉમેદવારો સામે, નીતિ-નૈતિકતા અને મૂલ્યનિષ્ઠા સાથેની મારી ઉમેદવારી માટેની હિંમતની મુક્તમને પ્રશંસા કરી તો, કેટલાકે ચૂંટણી પછી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર લોકશક્તિના નિયંત્રણ – Public watch Dog માટે, નાગરિક-સમાજ તરફથી કોઈ વ્યવસ્થા માટે પ્રયાસ કરવા આગ્રહ કર્યો.
શાસકવર્ગ સામેનો લોકોનો રોષ અને જે નારાજગી જોઈ, આ વ્યવસ્થા બદલાય તો સારું એવી તેમની ઉત્કંઠા જોઈને થયું કે ચૂંટણી પછી પણ આ રોષ અને નારાજગી શાંત થવાનાં નથી. એ ઉકળાવી – વ્યથા અને રોષને કોઈ રચનાત્મક દિશા મળે, તો આવનારાં દિવસો-વર્ષોમાં પરિવર્તન માટેનું પરિબળ બની શકે.
ટૂંકમાં, ઉમેદવાર તરીકે લોકો વચ્ચે જવાનો અને રાજકીય ચર્ચા-મુદ્દાઓ વિશે વાત કરવાનો આ એક જ વિશિષ્ટ અનુભવ હતો. વળી, લોકો વચ્ચે રાજકીય મુદ્દાઓ-ચર્ચાઓ લઈને જવાના આ પ્રયત્નને સતત ચાલુ રાખવાની જરૂરત પણ તીવ્રતાથી અનુભવી. એને કેવી રીતે અમલમાં મૂકવી તે એક પડકાર છે.
મીઠાખળી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 03