સ્વતંત્રતાનું અમૃતપર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે હૈયામાં મિશ્ર લાગણીઓ જન્મે છે. હોઠને હસવાનું મન છે, પણ આંસુ નીકળી આવે છે. ભારત 1947ની 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયું ત્યારથી જ ભારતીયોના ઉમંગ અને ઉત્સાહ પર પીડાની પરત જામેલી છે. પાકિસ્તાન અને ભારતની સ્વતંત્રતા હિન્દુ-મુસ્લિમના સંહાર પર પ્રગટી એની કસક આજે પણ ઘણાંને હશે. સ્વતંત્રતા માટે જે મહાત્માએ જીવ રેડ્યો, એનો જીવ લેવાની પેરવી કદાચ ત્યારથી જ શરૂ થઈ ચૂકી હતી. મહાત્મા નહોતો ઇચ્છતો કે ભારત વિભાજનથી જન્મે, પણ એની ઇચ્છાની કોઈને પડી ન હતી. અહિંસાથી પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા, પ્રાપ્તિની સાથે જ લોહિયાળ થઈ ઊઠી હતી. આવું હોય ત્યારે આનંદ ઓછો જ હોય તે સમજી શકાય એવું છે.
એ પછી પણ એવું ઓછું જ બન્યું છે જે સ્વાતંત્ર્ય પર્વના આનંદનો ઉછાળ લાવે, પણ અનેક વિટંબણાઓ વચ્ચે આપણે ટકી ગયાં છીએ, એ નાની સૂની વાત નથી. આપણાં પર રાજ કરવાની ઘણા દેશોની મનસા હજી જીવિત છે, છતાં આપણે નક્કર ભૂમિ પર ઊભાં છીએ ને ઊભાં રહી શકીએ એવું થોડું તો થયું જ છે. એ જ કારણ છે કે 1962માં ચીને યુદ્ધ કર્યું ત્યારે કે પાકિસ્તાન સાથે 1971માં બાખડવાનું થયું ત્યારે કે કારગિલ વિજય કે સર્જિકલ સ્ટ્રાઈક કે સરહદી અટકચાળાં છતાં આપણે અનેક પડકારો ઝીલતાં ઊભાં છીએ, એ જ બતાવે છે કે આ વિશ્વ આપણો કાંકરો કાઢી શકે એમ નથી. ચીન એટલું જાણી ચૂક્યું છે કે આ 1962નું ભારત નથી. પાકિસ્તાન પણ જાણે છે કે ભારત સાથે છમકલાં જ થઈ શકે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા છેડછાડ જ કરી શકાય, બાકી સામી છાતીએ લડવામાં તો 56ની છાતીને ન જ પહોંચાય એ નક્કી છે. બાંગ્લાદેશને પણ એ ભાન છે કે એનો જન્મ જ ભારતની મદદથી થયો છે. એ સામે ચાલીને સાહસ ન કરી શકે. નેપાળ આડું થવા જાય છે, પણ આપોઆપ જ સીધું થઈ જાય છે. ચીન – શ્રીલંકા, નેપાળ કે પાકિસ્તાનને પાંખમાં લેવાનો ખેલ કરે તો છે, પણ ડ્રેગનને બધું હોય તો પણ પાંખો હોતી નથી, એ ચીને તો ઠીક, પાડોશી દેશોએ પણ સમજી જવાની જરૂર છે. આ બધું છતાં ભારત આત્મનિર્ભર થવાની દિશામાં નીકળી ચૂક્યું છે. ભારતે અણુ પરીક્ષણોથી, ઉદારીકરણ, વૈશ્વિકરણથી, આંતરરાષ્ટ્રીય સંબંધોથી વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. મેક ઇન ઈન્ડિયા અને આંતરરાષ્ટ્રીય રોકાણને નિમંત્રણ વગેરે નીતિઓથી ભારતે એટલું તો પુરવાર કરી દીધું છે કે તે બાવાઓ અને મદારીઓનો દેશ નથી.
એ હકીકત છે કે છેલ્લાં 74 વર્ષમાં 2014 સુધી મોટે ભાગે કૉન્ગ્રેસનું શાસન રહ્યું. એમાં કૈં જ નથી થયું એવું નથી. એ સાચું હોય કે ખોટું, પણ ભા.જ.પ.ની સરકાર કૉન્ગ્રેસ પર જ ઊભી છે. એ પણ સાચું કે લોકતંત્ર વડા પ્રધાન તરીકે સરદારને ઇચ્છતું હતું, છતાં નહેરુ વડા પ્રધાન થયા ને એ પછી આખો નહેરુ વંશ જ માથે પડ્યો. એ નહોતું થવું જોઈતું, પણ થયું ને આજનો કોઈ શાસક તે વખતે એ સ્થિતિમાં ન હતો જે એ ક્રમને રોકી શકે. એને કારણે ઘણું અનિષ્ટ થયું, પણ જેમ આજે મજબૂત વિપક્ષ નથી, એમ જ ત્યારે પણ મજબૂત વિપક્ષ નહોતો જ, એટલે દાયકાઓ સુધી કૉન્ગ્રેસ સત્તા પર રહી. આજના શાસકો ભલે એમ કહે કે કૉન્ગ્રેસના સમયથી બગાડ ચાલ્યો આવે છે, એ સાચું હોય તો પણ, આ જ પ્રજાએ એને સત્તા આપી એ ભૂલવા જેવું નથી. એ પણ ભૂલવા જેવું નથી કે ભા.જ.પ.ને સત્તા આપનારી પણ આ જ પ્રજા છે. કૉન્ગ્રેસથી વાજ આવેલી પ્રજા ભા.જ.પ.ને લાવી શકે તો ભા.જ.પ.ની સત્તા પણ ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી પ્રજા તેને ઇચ્છતી હશે. અનેક ઉતારચડાવ વચ્ચે આપણું લોકતંત્ર મોટી અર્થવ્યવસ્થા બન્યું, એની વિશ્વને નોંધ લેવાની ફરજ પડી એ સાચું, પણ સ્વતંત્ર થવા છતાં સ્વરાજ કહીએ તેનાથી આપણે હજી દૂર જ છીએ અને સુરાજની તો રાહ જોવાની જ રહે છે. સ્વરાજ સંવિધાનની બહાર રહી ગયું હોય એવું લાગે છે, તે એટલે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિના પુરસ્કારની નીતિ રાખી છે. આપણે સૌના સાથ, સૌના વિકાસનું સૂત્ર તો આપ્યું છે ને વિકાસ થયો પણ છે, પણ જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે થોડા લોકોનાં આધુનિકરણ માટે આપણે ઘણાંની બાદબાકી કરી નાખી છે. એટલે વિકાસ ખરો, પણ સૌનો નહીં, તે સમજી લેવાનું રહે.
અન્ય દેશોનું જોઈને આપણે પણ રોબોટ્સથી કામ લેતાં થયાં છીએ. આપણે પણ ઓટોમેશન તરફ વળ્યાં છીએ. એ સારી બાબત છે કે માનવીય દખલ ન હોય તો વધુ ઉત્પાદન થઈ શકે, ઉત્પાદનની જરૂર પણ છે, પણ એ જો માણસ વગર થવાનું હોય તો તે આ દેશ માટે અભિશાપ છે. મશીનોથી કામ લેવાય તો બેકારી વધે. એ ખરું કે મશીનોથી ઉત્પાદન વધે, પણ તેને ખરીદનાર ન હોય તો તે ઉત્પાદનનો શો અર્થ રહે? આવક હશે તો ખરીદી થશે. આવક જ ન હોય, માણસ બેકાર હોય તો, વસ્તુ હોય તો પણ તેનો ઉપાડ ઓછો જ રહેવાનો. આવામાં ઉત્પાદન વધુ હોય તો તેનાથી નિકાસ વધે કદાચ, પણ બેકારીનો પ્રશ્ન હલ ન થાય એમ બને.
એ પણ છે કે સરકાર ભ્રષ્ટાચારી લાગી એટલે આપણે તેને હરાવી ને નવી સરકાર આવી, પણ એમાંથી પણ ભ્રષ્ટાચાર ગયો નહીં, કારણ આપણને સરકાર જુદી જોઈતી હતી, પણ ભ્રષ્ટાચારમુક્ત સરકાર કદાચ જરૂરિયાત જ નહોતી. હાલની સરકારને પણ પ્રજા ભ્રષ્ટાચારમુક્ત હોય તે પરવડે તેમ નથી, કારણ તેને પણ નાણું તો જોઈએ જ છે. એના વડે તો વિપક્ષને ખરીદીને પક્ષને મજબૂત કરી શકાય છે. આ મજબૂતી ભ્રષ્ટાચાર વગર શક્ય નથી. આ નાણાં ઉદ્યોગપતિઓ પૂરા પાડે છે. એ ઉદ્યોગપતિઓ લોકોને લૂંટીને નાણાં ઉપર પહોંચાડે છે.
લોકશાહીનો આદર્શ એ છે કે એમાં સરકારની દખલ ઓછી હોય. મિનિમમ ગવર્નન્સની વાત આપણે કરીએ તો છીએ, પણ વાસ્તવિકતા જુદી છે. સૌથી વધુ દખલ સરકાર કરે છે. ગરીબને અનાજ સો રૂપિયાનું અપાતું હોય ને એ જે થેલીમાં અપાય તે સો રૂપિયાથી મોંઘી હોય, કારણ એના પર સરકારનો ફોટો છે, તો ઘર સુધી અનાજની સાથે જ સરકાર પણ પહોંચે છે. જે પ્રજાને સરકારની આદત પડી જાય તે સરકાર, પ્રજાનો દુરુપયોગ ન કરે તો જ નવાઈ ! જ્યાં સુધી લોકશાહીની આપણને ગરજ હશે, સ્વાતંત્ર્યપર્વ ઉજવાતું રહેશે ને જ્યાં પ્રજાની ઇચ્છાશક્તિ પરવારી જશે, ત્યાં પછી ગુલામીની તો નવાઈ જ ક્યાં છે?
ભા.જ.પ.ની સત્તાને અત્યારે તો પૂરેપૂરી સ્વીકારી છે, પણ પ્રજાને કેટલુંક કઠે પણ છે. એને હવે નહેરુ વંશને વખોડવામાં રસ ઘટતો જાય છે. નહેરુને મોટા કરાયા તે આજે નથી ગમતું, તો સરદારને, ગાંધી કરતાં મોટા કરાયા એ યોગ્ય છે? ને કોઈને પણ નાના કે મોટા કરનારા આપણે કોણ? જે તે વિભૂતિને આપણે મોટી કે નાની કરીએ છીએ એ ભ્રમ છે. વ્યક્તિ એટલી જ રહે છે, જેટલી એ હોય છે. આપણી ભક્તિ કે ટીકા પર એનું કદ નિર્ભર નથી. જે આજે તારણહાર લાગે છે, તે કાલે મારણહાર પણ લાગી શકે છે. આપણો સ્વાર્થ, ખુશામત કે નિંદા કરવા પ્રેરે તે હિસાબે કોઇની મહાનતા નાની કે મોટી ન થાય તે સમજી લેવાનું રહે.
એ સાચું કે 75મું સ્વતંત્રતાને બેઠું એ દરમિયાન ઘણું થયું છે, કૉન્ગ્રેસે ઘણું બગાડયું હોય ને ભા.જ.પે. બધું સુધાર્યું હોય એ સ્વીકારીએ તો પણ, ઘણું નથી થયું ને ઘણું ન થવા જેવું પણ થયું છે. 135 કરોડની વસતિમાંથી ઓલિમ્પિકમાં 10 મેડલ પણ ન આવતા હોય, તો તેનો અફસોસ થાય, પણ વર્ષો પછી 7 સુધી પહોંચ્યા છીએ તેનો ઉત્સવ જરૂર મનાવી શકાય. ભા.જ.પ.ની સરકારને જ એ આભારી છે કે નોટબંધીમાં કાચું કપાયું, પણ સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, રામમંદિરનુ નિર્માણ, ભારે બહુમતિથી ભા.જ.પ.નું સત્તામાં પુનરાગમન જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ભા.જ.પ.ની યશકલગીમાં ઉમેરો કરે જ છે, કોરોના કાળમાં રસીકરણમાં દાખવાયેલી સક્રિયતાની પણ નોંધ લઈ શકાય, પણ ઓક્સિજ્નના અભાવમાં કોઈનું મૃત્યુ થયું નથી, એમ કહેવું પ્રજાને ગળે ઊતર્યું નથી. દૂર ન જઈએ તો આંધ્રની સરકારે એ અંગેની કબૂલાત કરીને કેન્દ્ર સરકારને ખોટી સાબિત કરી દીધી છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આપણો નંબર વિશ્વમાં 180માંથી 140મો છે. સાત લાખ ગામોમાં સ્વાસ્થ્યની પૂરતી સુવિધાઓ નથી. વર્ણ, વર્ગ, જાતિનાં ભેદ વધુ તીવ્ર કરવાની દિશામાં આપણે સક્રિય છીએ. આપણી બધી યોજનાઓ અને સહાય ચૂંટણીલક્ષી જ છે. છેલ્લે છેલ્લે વડા પ્રધાન ઓ.બી.સી.નું પત્તું રમ્યા છે. 27 ટકા અનામતમાં કઈ જ્ઞાતિનો સમાવેશ કરવો એની સત્તા રાજ્યોને સોંપવામાં આવી છે, જે આ અગાઉ કેન્દ્ર પાસે હતી. હવે રાજ્યો બધી જ્ઞાતિને તો સમાવી શકવાનું નથી. જે નહીં સમાવાય તે જ્ઞાતિઓ સંઘર્ષની દિશા પકડશે. પોતાની જ્ઞાતિના સમાવેશને મુદ્દે જ્ઞાતિઓ એકબીજા જોડે ટકરાય તેવા પૂરતા સંજોગો છે. જેમ જેમ જ્ઞાતિઓ ઉમેરાશે, ટકાવારી ઘટતી જશે ને એ પણ અસંતોષનું કારણ જ પૂરું પાડશે.
સાચું તો એ છે કે મધ્યમવર્ગ હવે નિમ્ન મધ્યમવર્ગ બનવા માંગે છે. એ જ રીતે નિમ્ન મધ્યમવર્ગ ગરીબ અને ગરીબ, વધુ ગરીબ બનવા માંગે છે, તે એટલે કે સરકારી લાભો ગરીબોને મળે છે. મહેનત કરીને વિકાસ કરવો એના કરતાં વગર મહેનતે સરકાર મદદ કરતી હોય તો ઘણાં મહેનત કરવા રાજી નથી. અનામતની લહાણી કરીને આપણે પ્રજાને માંગણની દશામાં મૂકી છે. માંગવું એ હક નથી. સ્વતંત્રતાનો સીમિત અર્થ સ્વીકાર્યો છે આપણે. અધિકારની છે એટલી ચિંતા આપણને ફરજની નથી. જરૂર પડે તો અધિકાર છોડાય, ફરજ નહીં, પણ આપણે ફરજ છોડીને અધિકાર માટે ઝઝૂમીએ છીએ ને દેશના ચરિત્રમાં એ ખૂટતી કડી છે. ઉદાહરણ તરીકે શિક્ષક પગારનો અધિકાર છોડી શકે, પણ શિક્ષણ આપવાની ફરજ ચૂકી ન શકે, પણ જે જોવા મળે છે તે ઊલટું છે.
પણ જેવું છે તેવું, આપણું સ્વાતંત્ર્ય પર્વ છે ને તે પણ 75મું. એનો હરખ સ્વાભાવિક જ હોય. એટલે પણ હોય કે આપણે એના સાક્ષી બનવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા. સૌને સ્વતંત્રતાનું અમૃતપર્વ શુભ અને ફળદાયી નીવડો એવી હૃદયપૂર્વક પ્રાર્થના …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2021