‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય, તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’
15 ઓગસ્ટ, 1947એ કોલકાતામાં ઉપવાસ પર બેઠેલા ગાંધીજી અને સુહરાવર્દી
કોલકાતા જવાનું એકથી વધુ વખત બન્યું હશે. શાલેય દિવસોના કંઈક ઉપાસ્યવત પરમહંસદેવ અને વિવેકાનંદના સ્મરણવશ દક્ષિણેશ્વર ને બેલૂર મઠ જવાનું ચહીને બન્યું છે. એટલું જ ચહીને સુપ્રતિષ્ઠ કાલી મંદિર, કેમ કે ત્યાં પશુબલિ આજે પણ જારી છે, નહીં જવાનુંયે બન્યું છે. રવિ ઠાકુરના પરંપરીણ ઘરથી કોલકાતા વટી શાંતિનિકેતની યાત્રાનોયે લહાવ લીધેલ છે, તો ભવાનીપુર વિસ્તારમાં રહ્યો ને એલ્જિન રોડ પર નેતાજીના સ્થાનકે નહીં પહોંચી શક્યાનો એક વસવસો પણ છે.

પ્રકાશ ન. શાહ
પણ 2002માં મહેન્દ્ર મેઘાણી થકી સંકલિત ‘આંસુ લૂછવા જાઉં છું’ વાંચવા-સાંભળવાનું બન્યું ત્યારથી ચિત્તમાં એક ફરિયાદ રહી છે કે હૈદરી મંઝિલે હૃદયકુસુમ ધરવાનું રહી ગયું છે.
‘આંસુ લૂછવા જાઉં છું’ એ મૂળે તો આપણા સમયના મહાભારતો ………. એવા ‘લાસ્ટ ફેઝ’(પ્યારેલાલ)ના ગુજરાતી અનુવાદ ‘પૂર્ણાહુતિ’(મણિભાઈ દેસાઈ)ના 2100 જેટલાં પાનાંમાંથી ગાંધીજીના જીવનના આખરી પંદર મહિનાનું બયાન છે, જ્યારે કોમી દાવાનળ ઠારવા બંગાળ, બિહાર, પંજાબમાં ગાંધીજીએ એકલવીરની જેમ આત્મબળથી ઝૂઝી વીરમૃત્યુ વહોર્યું હતું.
નોઆખલીના આતંક વચાળે અભયપૂર્વક વિચરતા ગાંધીએ ચૌમુહાની પ્રાર્થાનસભામાં કહ્યું હતું કે અહીં જે બન્યું તે ઈસ્લામના નામ પર કલંકરૂપ છે. વળી ઉમેર્યું હતું કે ‘પૂર્વ બંગાળમાં મુસલમાનો એટલી મોટી બહુમતીમાં છે કે તેમણે અહીંની હિંદુઓની નાનકડી લઘુમતીના રખેવાળ બનવું ઘટે અને તેમણે હિંદુ સ્ત્રીઓને કહેવું જોઈએ કે અમે અહીં છીએ ત્યાં સુધી તમારા પર બૂરી નજર કરવાની કોઈની પણ હામ નથી.’
જુલાઈ 1946ના ‘ડાઈરેક્ટ એક્શન’ વેળાથી હિંદુઓ પરના મુસ્લિમ આતંકના વડા જવાબદાર હસન સુહરાવર્દી અને બીજા લીગ નેતાઓ આઘાપાછા હશે ત્યારે લીગના જ એક પ્રધાન શમસુદ્દીન અહમદે ‘રાજધર્મ’ની રીતે રોકડી વાત કરી હતી : ‘પાકિસ્તાન વિ. હિન્દુસ્તાન એ સવાલનું નિરાકરણ મુસલમાનો બહુમતીમાં હોય ત્યાં હિંદુઓની અને હિંદુઓ બહુમતીમાં હોય ત્યાં મુસલમાનોની કતલ કરવાથી થવાનું નથી. કોઈ પણ સરકાર નિષ્ક્રિયપણે બાજુએ ઊભી રહીને બહુમતીને લઘુમતી પર જુલમ ગુજારવા કે તેનું નિકંદન કાઢવા દઈ શકે નહીં …’
પણ વાત તો આપણે કોલકાતાની કરતા’તા. સ્વરાજના પહેલા દસ-પંદર દિવસ તો જાણે કોઈ કોમી તનાવ હતો જ નહીં એમ દેખીતા આનંદઓચ્છવ જેવા વીત્યા ન વીત્યા, અને …
આ દિવસોમાં ગાંધીજી કોલકાતાના બેલિયાઘાટા વિસ્તારમાં જે મકાનમાં રોકાયા હતા તેનું નામ ‘હૈદરી મંઝિલ’ હતું. સાવ અવાવરું ઘર. ઢગલે ઢગલા ધૂળ ને કચરો. ચારે બાજુથી લગભગ ખુલ્લા જેવું. બારી-બારણાં હુલ્લડ વખતનાં તૂટેલાં. એક જ સંડાસ. વરસાદને કારણે ઘરમાં કાદવ-કીચડ. જવું’તું ફરી નોઆખલી, પણ પૂર્વમેયર મુહમ્મદ ઉસમાને ત્યાં શાંતિની જવાબદારી લીધી ત્યારે ગાંધીજીએ સુહરાવર્દીને કહ્યું કે મારી સાથે આવીને ફકીરની પેઠે શહેરમાં શાંતિ-સ્થાપન સારુ રહો એ શરતે રોકાઈ જાઉં …

હૈદરી મંઝિલ
હિંદુ મહાસભાના જ બીજા નેતા નિર્મલચંદ્ર ચેટરજી (એન.સી. ચેટરજી) ગાંધીજીને મળવા આવ્યા ત્યારે એમણે લગભગ કબૂલાતની રીતે કહ્યું કે હિંદુઓ તેમનાં મગજ ગુમાવી બેઠાં છે. પંદરમી ઓગસ્ટ આસપાસના દિવસોની શાંતિ તાત્પૂરતી બલકે ઉપરછલ્લી હતી. બીજી બાજુ પંજાબના સમાચારો ભારે માઠા હતા. જાહેર જીવનના લાંબા અનુભવને જોરે ગાંધીજીને લાગ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન એ પંજાબમાં શાંતિ તરફે ઉપયોગી થઈ પડશે.
‘હું પંજાબ શું મોં લઈને જઈ શકું?’ ઉપવાસ પર ઊતરતાં એમણે નિવેદનમાં કહ્યું : ‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’
રહેઠાણ આગળ મૂકવામાં આવેલી પોલીસને એમણે પરત મોકલી હતી, પણ એને પાછી બોલાવવી પડી, કેમ કે બંગાળના અશાંતિની એક જવાબદાર સુહરાવર્દીને રક્ષણ સારુ એની જરૂર હતી. ડાઈરેક્ટ એક્શનથી નોઆખલીના સુહરાવર્દી કરતાં જો કે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1947ના કોલકાતા દિવસોના સુહરાવર્દી જુદા હતા, અને જૂની ભૂલોથી પશ્ચાતાપ સાથે બહાર આવી રહ્યા હતા.
ત્રીજે દિવસે માહોલ જાણે કે કંઈક બદલાવા લાગ્યો હતો. એક હિંદુ-મુસ્લિમ સંયુક્ત સરઘસ બેલિયાઘાટા પહોંચ્યું ને ઉપવાસ છોડવા વિનંતી કરી. ચોથે દિવસે તો જાણે ચમત્કાર થયો. એક પછી એક નામીચા ગુંડા આવતા ગયા. હથિયારો જમા કરાવતા ગયા. બીજી પાસ, અઠ્ઠોતેરના બુઝુર્ગની તબિયત ઉત્તરોત્તર કથળી રહી હતી. સૂતા, વળી બેઠા થતા, માળા ફેરવતા હતા. બંગાળના ગવર્નર રાજાજી, કાઁગ્રેસ પ્રમુખ કૃપાલાની, મુખ્ય મંત્રી પ્રફુલ્લ ઘોષ, એન. સી. ચેટરજી, સુહરાવર્દી, શરદચંદ્ર બોઝ (નેતાજીના ભાઈ) સરદાર નિરંજનસિંહે કલાકેકના પરામર્શપૂર્વક પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કર્યા.
એક સ્વયંસેવક ટુકડીએ એ પ્રાર્થના ગાઈ જે રવીન્દ્રનાથે પંદરેક વરસ પર યરવડા જેલમાં ગાંધીજીને પારણા કરાવતા ગાઈ હતી :
જીવન જવ સુકાઈ જાય
કરુણા વર્ષન્તા આવો;
માધુરી માત્ર છુપાઈ જાય
ગીત–સુધા ઝરન્તા આવો.
સાતમી સપ્ટેમ્બરે રાતે એ પંજાબ માટે રવાના થયા અને એક પછી એક સાથીએ વિદાય આપી, ત્યારે છેલ્લા હતા સુહરાવર્દી … એમના અશ્રુએ અભિષિક્ત એ વિદાય!
ગમે તેમ પણ, આ લખનારને લમણે તો ‘હૈદરી મંઝિલ’નાં દર્શન બાકી તે બાકી.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 સપ્ટેમ્બર 2025